Tuesday, April 30, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 43


ગુજરાતીમાં કેવળ એક જ 'સંઘર્ષ' ભલે કરો, પરંતુ અંગ્રેજીમાં 'struggle' અને 'conflict' અલગ છે! 

Monday, April 29, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 500


આપણે એવું બોલીએ-સાંભળીએ-લખીએ-વાંચીએ છીએ કે, 'સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે.'

આ પ્રકારે સામાન્યીકરણ કરીને કહી શકાય કે, 'પુરુષ જ પુરુષનો દુશ્મન છે!' વળી, આવું જાણીને મોટાભાગના પુરુષોને માઠું લાગી શકે. કારણ કે સાર્વત્રિક છાપ એવી છે કે 'પુરુષ સ્ત્રીઓનો દુશ્મન છે!' 

આ ચર્ચાનો સાર એટલો જ કે, આવાં કોઈપણ પાયાવિહીન નિવેદનો કરીને પોતાની અંગત અક્કલનું જાહેર પ્રદર્શન ન કરવું!

ભાષાની મજા, મજાની ભાષા - 499



સ્ત્રીને 'પુરુષ-સમોવડી' કહી દેવી એટલે સ્ત્રીને પુરુષ કરતાં આગળ-ઉપર જતી રોકવી ?! 


ભાષાની મજા, મજાની ભાષા - 498



પુરુષોનાં મોઢે 'બૈરું' જેવો શબ્દ ન જ શોભવો જોઈએ!


ભાષાની મજા, મજાની ભાષા - 497



સ્ત્રીઓને 'અબળા' કહેનારના બળ વિશે શંકા જવી જ જોઈએ!




ભાષાની મજા, મજાની ભાષા - 496



તમે સ્રી હો કે પુરુષ, કેશસહિત હો કે કેશવિહીન, બ્રાહ્મણ હો કે અબ્રાહ્મણ, વૃત્તાંત-નિવેદક હો કે પ્રત-સંપાદક, પરંતુ 'બોડી બામણીનું ખેતર'  જેવો શબ્દ-પ્રયોગ ટાળો તો સારું!



Sunday, April 28, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 495



તમે પ્રત-સંપાદક(કોપી એડિટર) છો તો જોઈ શકશો કે, 
નીચેનાં શીર્ષક અને સૌજન્ય એકસાથે મૂકવાથી ગેરસમજ થાય એમ છે : 

રાજધાનીમાં ધોળા દિવસે સ્વરૂપવાન યુવતીની જાહેરમાં છેડતી
                                         (અમારા વિશેષ સંવાદદાતા દ્વારા)

ભાષાની મજા, મજાની ભાષા - 494



તમારી પ્રતમાં ' ઘેરા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે ... ' એવું છાસવારે આવે તો તમારી લખાણ-તાકાત અંગે પણ એવું માનવું કે ' ઘેરા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે ... ' !


ભાષાની મજા, મજાની ભાષા - 493



તમે બિનસત્તાવાર ખબરપત્રી હોવ તો પણ આવું ન લખો : ' બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ... '

ભાષાની મજા, મજાની ભાષા - 492



વૃત્તાંત-નિવેદન(રિપોર્ટિંગ)ને આ વાક્ય-પ્રયોગથી બચાવવું : ' લોકમુખેથી ચર્ચાઈ રહ્યું છે ...'  


ભાષાની મજા, મજાની ભાષા - 491



સમાચાર હોય કે હેવાલ, રૂપક કોય કે લેખ, આ વાક્ય ન જ લખવું :  ' વાચકો તો આ નહીં જ જાણતા હોય ...' 


Saturday, April 27, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 42


He was 'sincere' in the office, but 'serious' in the hospital!


ભાષાની મજા, મજાની ભાષા - 490


'પ્રેતભોજન' અને 'પ્રીતિભોજન'માંથી તમે કયું ભોજન લેવાનું પસંદ કરશો?

ભાષાની મજા, મજાની ભાષા - 489



એક જ શબ્દના અક્ષરો વચ્ચે ઘણી બધી જગ્યા છૂટે તો 'લા જલ જા મણી' વંચાય, જે ખરેખર હોય 'લાજલજામણી' !


ભાષાની મજા, મજાની ભાષા - 488



એક જ શબ્દમાં બે અક્ષરો વચ્ચે થોડી પણ જગ્યા છૂટી જાય તો 'પરાગરજ' છેવટે 'પરા ગરજ'માં પરિણમે!


ભાષાની મજા, મજાની ભાષા - 487



'પાટણનાં પટોળાં કાયમ માટે નામશેષ થઈ જાય એ પહેલાં એને બચાવવાની જરૂર છે.'
'પાટણનાં પ ટોળાં કાયમ માટે નામશેષ થઈ જાય એ પહેલાં એને બચાવવાની જરૂર છે.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 486



'પરવાનગી સિવાય છાત્રાલયના રસોઈઘરમાં દાખલ થવું નહીં.'
'પર વાનગી સિવાય છાત્રાલયના રસોઈઘરમાં દાખલ થવું નહીં.' (!)


Friday, April 26, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 485



અહીં મહી મહીં અહિ જોવા મળે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 484


'ભદ્રાયુ વછરાજાની' લખવા-બોલવામાં સાવધ ન રહો તો 'ભદ્રા યુ. વછરાજાની' થઈ જાય!
આ કોઈ રમૂજ નથી, પણ ભદ્રાયુભાઈને થયેલો અનુભવ છે, જે અમે એમના સગા મોઢે સાંભળેલો  છે!


ભાષાની મજા, મજાની ભાષા - 483



સાચું શું?
'આંસું' કે 'આંસુ'?
જવાબ : 'આંસુ'
યાદ કેમ રાખવું? :
'આંસુ' શેમાંથી નીકળે?
'આંખ'માંથી
'આંખ'માં કેટલા અનુસ્વાર આવે?
કેવળ એક જ
તો પછી 'આંસુ'માં પણ 'આંખ'ની માફક એક જ અનુસ્વાર આવે એવું યાદ રાખવું!


ભાષાની મજા, મજાની ભાષા - 482



મસા : શરીરમાં થતું એક એવું દરદ, જેમાં હરખનાં નહીં, પણ હરસનાં આંસુ આવે!  
મ. સા. : આપણાં દૈનિકોમાં મુખ્યત્વે જૈન 'હારાજ સાહેબ' માટે વપરાતો મિતાક્ષર


ભાષાની મજા, મજાની ભાષા - 481



નેહા : આપણા પ્રદેશમાં જોવા મળતું કોઈ છોકરીનું નામ
ને. હા. : આપણા દેશમાં 'નેશનલ હાઈ-વે' માટે વપરાતો મિતાક્ષર!

Thursday, April 25, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 480



'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્રપતિ' લખતી વખતે ગોટાળો ન થઈ જાય એનું ધ્યાન રાખવું! 


ભાષાની મજા, મજાની ભાષા - 479



'લચકો' અને 'રજકો' ભિન્ન છે!



ભાષાની મજા, મજાની ભાષા - 478



મહોત્સવો-ઉજવણાં પણ જુદાં-જુદાં છે!
દા.ત. : 'અમૃત મહોત્સવ', 'શતાબ્દી', 'સવાસો', 'સાર્ધ-શતાબ્દી' ... વગેરે



ભાષાની મજા, મજાની ભાષા - 477



બધા જયંતીઓ જુદા-જુદા છે, એમ બધી જયંતીઓ પણ જુદી-જુદી છે!
દા.ત. : 'રજત', 'સુવર્ણ', હીરક' ... વગેરે 

ભાષાની મજા, મજાની ભાષા - 476



'પર' અને 'ઉપર'નો અર્થ એક જ થાય છે.
આથી, 'પર'ની જગ્યાએ 'ઉપર' વાપરીએ તો 'બાવન' પ્રકારની ગેરસમજ નહીં થાય!



Wednesday, April 24, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 475



'લોકપાલ' અને 'લોકાયુક્ત' ભિન્ન છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 474



'સાપ મરે નહીં અને લાઠી તૂટે નહીં' કે 'સાપ મરે અને લાઠી તૂટે નહીં' ?!



ભાષાની મજા, મજાની ભાષા - 473



'પખાલીના વાંકે પાડાને ડામ' કે 'પાડાના વાંકે પખાલીને ડામ' ?!


ભાષાની મજા, મજાની ભાષા - 472



'ફેરવીને તોળવું' કે 'તોળવીને ફેરવવું' ?!


ભાષાની મજા, મજાની ભાષા - 471


'મા ફી આપે તો જ એ છોકરો ભણી શકે એમ છે.'
'માફી આપે તો જ એ છોકરો ભણી શકે એમ છે.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 470


'Tree-guard' માટે ગુજરાતી શબ્દ 'ઝાડપિંજર' ચલણી બનાવી શકાય?


ભાષાની મજા, મજાની ભાષા - 469


'Radio' માટે ગુજરાતી શબ્દ 'દૂર-ધ્વનિ' કે 'શ્રવણયંત્ર' ચલણી બનાવી શકાય?


ભાષાની મજા, મજાની ભાષા - 468


રસોઈઘરના આવશ્યક અંગ એવા 'Gas-cylinder' માટે ગુજરાતી શબ્દ 'વાયુ-કોઠી' ચલણી બનાવી શકાય?

'Gas cylinder'નું ગુજરાતી 'વાયુ કોઠી' કરવામાં ક્યાંય ભાવ-વધારો નડતો નથી!


ભાષાની મજા, મજાની ભાષા - 467



રસોડામાં વપરાતા 'Lighter' માટે ગુજરાતી શબ્દ 'તિખારિયું' કે 'તણખામંડળ' ચલણી બનાવી શકાય?


ભાષાની મજા, મજાની ભાષા - 466



'Puncture-repairing' માટે ગુજરાતી શબ્દ 'છિદ્રસાંધણ' ચલણી બનાવી શકાય?

Monday, April 22, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 465


વનવાસીઓ ગાઢ જંગલને પ્રેમ કરે છે.
વનવાસીઓ જંગલને ગાઢ પ્રેમ કરે છે. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 464


ધ્યાન ન રાખીએ તો 'યાત્રિક નિવાસ' અંતે 'યાંત્રિક નિવાસ' બની જાય!


ભાષાની મજા, મજાની ભાષા - 463


ધ્યાન ન આપીએ માછલીનો શિકાર કરવાનું કામ 'બગલો' નહીં, પણ 'બંગલો' કરવા માંડે!


ભાષાની મજા, મજાની ભાષા - 462


ધ્યાન ન રાખીએ તો 'મૂડી રોકાણ' છેવટે 'રૂડી મોકાણ' બની જાય!


ભાષાની મજા, મજાની ભાષા - 461


ધ્યાન ન આપીએ 'દુકાળમાં અધિક માસ'ની જગ્યાએ 'દુકાળમાં અધિક માંસ' મળવા માંડે!


Sunday, April 21, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 460



'અહીં વાહનોનાં પંક્ચર થાય છે.'

'આ ભાઈ વાહનોનાં પંક્ચર કરે છે કે વાહનોનાં પંક્ચર સાંધે છે?!'


ભાષાની મજા, મજાની ભાષા - 459



'સ્ફોટક' છાપ માથાના દુખાવાની ગોળી લો.

આ ગોળીથી કોઈ ફેર ન પણ પડે, તમારે માથાના દુખાવાની ગોળી નહીં, પણ માથાનો દુખાવો મટાડે એવી ગોળી લેવી પડે!


ભાષાની મજા, મજાની ભાષા - 458



જાહેરખબરનું એક વાક્ય આ પ્રમાણે હતું :

'અઠ્ઠાવીસ દિવસમાં વજનમાં 100 % નો ઘટાડો'

આનો અર્થ તો એ થયો કે, અઠ્ઠાવીસ દિવસમાં સો ટકા  વજન ઘટે તો તમારું વજન છેવટે શૂન્ય થઈ જાય!



ભાષાની મજા, મજાની ભાષા - 457



'લાંબા, કાળા, મુલાયમ વાળ માટે 'સાબર'નું તેલ વાપરો!'

તા. ક. : ઉપરનું વાક્ય ધ્યાનથી વાંચો. આ તેલ  જેમના વાળ 'લાંબા, કાળા, મુલાયમ' હોય તેમના માટે જ છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 456



આંકડાનો ગુણાકાર થાય, પરંતુ શબ્દોનો ગુણાકાર થાય?

હા ભાઈ હા, આપણાં દૈનિકોમાં પ્રગટ થતી ટચૂકડી જાહેરખબરોમાં  'જા.* ખ.' એટલે કે 'જા. ગુણ્યા ખ.' લખ્યું હોય છે! 


Saturday, April 20, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 455



વાત ભલે સામાન્ય લાગે, પણ આપણાં સમાચારપત્રોને 'બરફવર્ષા'ની જગ્યાએ 'હિમવર્ષા' વધુ માફક આવે છે અને આપણને 'હિમનો ગોળો' નહીં, પણ 'બરફનો ગોળો' જ વધારે પસંદ પડે છે!   

ભાષાની મજા, મજાની ભાષા - 454



'શૈલેશથી ઠંડી સહન થતી નથી.'

'આ બાબત ચિંતાજનક છે!' કારણ કે, સંસ્કૃત ભાષામાં 'શૈલેશ' એટલે 'હિમાલય'!

ભાષાની મજા, મજાની ભાષા - 453



સાચી જોડણી કઈ?
'શૈલેષ' કે 'શૈલેશ'?  


ભાષાની મજા, મજાની ભાષા - 452



સાચું શીર્ષક કયું?

'દસ દુકાનોનાં એકસાથે તાળાં તૂટ્યાં' 
'એકસાથે દસ દુકાનોનાં તાળાં તૂટ્યાં' 

ભાષાની મજા, મજાની ભાષા - 451



'ગુજરાતમાં ગવર્નર કોણ છે?'
'ગુજરાતમાં ગર્વનર કોણ છે?' (!)


અંગ્રેજી ભાષા, દેશી મજા : 41



Are you 'sensitive' or 'sensible' ?! 


Friday, April 19, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 450



'હોટેલ તોરણ આગળ છે.'
'હોટેલ તો રણ આગળ છે.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 449



'સામ, દામ, દંડ અને ભેદ'
કે
'સામ, દામ, ભેદ અને દંડ'?!


ભાષાની મજા, મજાની ભાષા - 448



'ફાળ ભરવી' અને 'ફાળ પડવી' સાવ અલગ જ અર્થ ધરાવે છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 447



એમની પાસે 'બે તાળાં' હતાં, પણ 'બેતાળાં' નહોતાં એટલે ઘરનાં બારણાં બરાબર બંધ ન થયાં !

ભાષાની મજા, મજાની ભાષા - 446



'માનવ-મન' અને 'માન-વમન'માં એક જ આડી લીટી બે જુદા જ અર્થ ઊભા કરે છે!    


Thursday, April 18, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 445



'રક્ષકો નાસ્તા કરે છે.ભક્ષકો નાસતા ફરે છે!'


ભાષાની મજા, મજાની ભાષા - 444



'અહીં ધૂમ્રપાન કરવું નહીં.કરનાર સામે કાનૂની પગલાં લેવામાં આવશે.'  

'અહીં ધૂમ્રપાન કરવું.નહીં કરનાર સામે કાનૂની પગલાં લેવામાં આવશે.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 443


'જુઓ, સાથીઓ.'
'જુઓ, સાથિયો.' 

ભાષાની મજા, મજાની ભાષા - 442



'લડવૈયાઓનું સપનું હતું કે, આઝાદી મળ્યા પછી આ દેશમાં કોઈ નાગો-ભૂખ્યો નહીં રહે.'
'લડવૈયાઓનું સપનું હતું કે, આઝાદી મળ્યા પછી આ દેશમાં કોઈ નાગો ભૂખ્યો નહીં રહે.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 441



'આ સરકારમાન્ય છે?'
'આ સરકાર માન્ય છે?' (!)


Wednesday, April 17, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 440



એક જ કાનો ઉમેરો અને અર્થના અનર્થનું જીવંત પ્રસારણ નિહાળો !

'તેઓ ઘરે લંચ લેતા નથી.'
'તેઓ ઘરે લાંચ લેતા નથી.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 439



'કામના' : શબ્દ એક, અર્થ બે !

'તમે કંઈ કામના નથી'
'તમારી કોઈ કામના નથી' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 438



બાળકો મપાન કરે તો વાંધો નથી.
બાળકો મદ્યપાન તો વાંધાજનક છે!


ભાષાની મજા, મજાની ભાષા - 437



'હાય' : અંગ્રેજીમાં એક વખત કરો તો આનંદ થાય; ગુજરાતીમાં બે વખત કરો તો આઘાત થાય !


ભાષાની મજા, મજાની ભાષા - 436



'પ્રવર'નો એક અર્થ 'મુખ્ય; શ્રેષ્ઠ' છે.વળી, કોઈ વિશેષ કામ માટે નિમાતી સમિતિ 'પ્રવર સમિતિ' તરીકે ઓળખાય છે.

'પ્રવર'નો બીજો અર્થ 'ગોત્રમાં થયેલો શ્રેષ્ઠ પુરુષ' છે.

ભાષાની મજા, મજાની ભાષા - 435



'પ્રવણ પ્રણવ પ્રવણ પ્રવાણીને પ્રણય કરે છે!'


ભાષાની મજા, મજાની ભાષા - 434



'પ્રણવ' અને 'પ્રવણ' લખતી વખતે ચીવટ રાખવી!

'પ્રણવ' એટલે 'ઓમકાર'.

'પ્રવણ'નો એક અર્થ 'નમ્ર' થાય છે.
'પ્રવણ'નો બીજો અર્થ 'આસક્ત' થાય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 433



'પ્રણય'નો એક અર્થ 'પ્રેમ' થાય છે!
'પ્રણય'નો બીજો અર્થ 'નમ્ર વિનંતી' થાય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 432




આપણી ગુજરાતી ભાષામાં 'વિનંતી' હંમેશાં 'નમ્ર' જ હોય છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 431



સાચી જોડણી કઈ?

'વિનંતિ' કે 'વિનંતી'?
બન્ને જોડણી સાચી છે!

'વિનંતિ' એકથી વધારે હોઈ શકે એવું સ્વીકારવા તમને 'વિનંતી' છે !



Tuesday, April 16, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 430



'ભાઈ, એ સમરસેટ મોમ છે, સમરસેટ મોઘમ નહીં! 


ભાષાની મજા, મજાની ભાષા - 429



'બહેન, એ ખલિલ જિબ્રાન છે, ખલેલ જિબ્રાન નહીં!'

ભાષાની મજા, મજાની ભાષા - 428



'ગુજરાત' ચલાવવું સહેલું છે!
'ગુજરાન' ચલાવવું સહેલું છે?

ભાષાની મજા, મજાની ભાષા - 427



આ ગુજરાતી ભાષા છે!
આ ગુજરતી ભાષા છે?

ભાષાની મજા, મજાની ભાષા - 426



આપણે ત્યાં એકસરખાં નામના કારણે પહેલાં પૂછી લેવું કે, તમે કયા 'ભોળાભાઈ પટેલ'ની વાત કરો છે?! 

ભાષાની મજા, મજાની ભાષા - 425



આપણે ત્યાં રમેશ બી. શાહ છે અને કેવળ રમેશ શાહ પણ છે!


ભાષાની મજા, મજાની ભાષા - 424



'નગીનદાસ સંઘવી' તો ખરા? પણ કયા? નગીનદાસ સંઘવી નામની બે અલગ-અલગ અને છતાં ક્ષેત્ર-ભિન્ન વ્યક્તિઓ છે? 

ભાષાની મજા, મજાની ભાષા - 423



'નગીનદાસ પારેખ' અને 'નગીનદાસ સંઘવી'માં ભેળસેળ ન જ થવી જોઈએ!


ભાષાની મજા, મજાની ભાષા - 422



" વાક્યના અંતે જે 'ને' આવે તે એની પહેલાના શબ્દની સાથે લખાય કે અલગ લખાય? "

" 'ને' અલગ જ લખાય ને."

" મેં કહ્યું હતું ને ? " (!)


ભાષાની મજા, મજાની ભાષા - 421



પિતાજીનું નામ 'અનંતરાય' છે, પણ સંતાનોને તેઓ 'અંતરાય' જ લાગે છે!  


ભાષાની મજા, મજાની ભાષા - 420



'હજી' સાચું કે 'હજુ'?

'હજી' સુધી તો 'હજુ' પણ માન્ય છે!
બન્ને શબ્દો સાચા છે!


ભાષાની મજા, મજાની ભાષા - 419



આપણાં અંતર વચ્ચે ભલે અંતર હોય છતાં ખબર અંતર તો પૂછી શકાય ને?!


ભાષાની મજા, મજાની ભાષા - 418



તમારો એ વિચાર 'વેસ્ટર્ન' છે, પણ આ ઉચ્ચાર હજુ 'વેસ્ટન' છે!

ભાષાની મજા, મજાની ભાષા - 417



મુંબઈમાં 'એલ્ફિસ્ટન કૉલેજ' નહીં, પણ 'એલ્ફિન્સ્ટન કૉલેજ' આવેલી છે!  



ભાષાની મજા, મજાની ભાષા - 416



ગુજરાતમાં 'વસંત પરીખ' નામની એક નહીં પણ બે વ્યક્તિઓ તેમનાં જીવન-કવનથી વિખ્યાત છે.


ભાષાની મજા, મજાની ભાષા - 415



ગમે તેવો આરોપ હોય તો પણ, સમૂહ માધ્યમોમાં 'સગીર' વયની વ્યક્તિનાં નામ-ઓળખ ન જાહેર કરો તો સારું.

ભાષાની મજા, મજાની ભાષા - 414



કેટલીક સમાચાર-સામગ્રીમાં આરોપીની જગ્યાએ ભૂલથી 'ગુનેગારની ધરપકડ' થાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 413



કાયદાની ભાષામાં 'સસ્પેન્ડ થવું' અને 'ડિસમિસ થવું' અલગ-અલગ બાબત છે!

ભાષાની મજા, મજાની ભાષા - 412



કાનૂનની પરિભાષામાં 'આરોપી' અને 'ગુનેગાર' જુદા છે!

ભાષાની મજા, મજાની ભાષા - 411



એક જ કાનો હાજર નહીં રહે તો આરોપી 'જામીન' ઉપર નહીં છૂટે, પણ 'જમીન' ઉપર છૂટશે ! 

ભાષાની મજા, મજાની ભાષા - 410


'જજો'ના 'બંગલાઓ' ન જ લખવું. 'જજીસ બંગ્લોઝ' લખો તો સારું. 'ન્યાયાધીશ-નિવાસ' પણ લખી શકાય ! 


ભાષાની મજા, મજાની ભાષા - 409


'જજ'નું બહુવચન 'જજો' ન કરાય! 
'જજીસ' લખો તો સારું અને 'ન્યાયાધીશો' લખો તો વધારે સારું! 


ભાષાની મજા, મજાની ભાષા - 408


જજોને આવજો કહેતાં વકીલો
જજો ને આવજો કહેતાં વકીલો

ભાષાની મજા, મજાની ભાષા - 407


'તમારા મનમાં કોઈ બાધા છે?'
'તમારા મનમાં કોઈ બાઘા છે?'

ભાષાની મજા, મજાની ભાષા - 406


જેમનું મન મોહ ન કરે તે 'મનમોહન'!


ભાષાની મજા, મજાની ભાષા - 405


સાચું શું?

મનમોહન સિંહ કે મનમોહન સિંઘ ?

ભાષાની મજા, મજાની ભાષા - 404


સૂર્ય ભલે એક જ હોય પણ 'પ્રકાશ' ભિન્ન-ભિન્ન હોવાના !

દા.ત. :

પ્રકાશ સી. શાહ 
પ્રકાશ કે. શાહ 
પ્રકાશ ન. શાહ 


ભાષાની મજા, મજાની ભાષા - 403


આપણા ઇતિહાસમાં કેવળ એક જ 'ગંગાબહેન' નથી.

ઉદાહરણ તરીકે,

ગંગાબહેન ઝવેરી   
ગંગાબહેન મઝમુદાર 
ગંગાબહેન વૈદ્ય  

ભાષાની મજા, મજાની ભાષા - 402


પરવેઝ તો બરાબર છે, પરંતુ એ પછી શું?

ર્મુશરફ

મુર્શરફ

મુશર્રફ

મુશરર્ફ

ભાષાની મજા, મજાની ભાષા - 401


'મૌલાના અબુલ કલામ આઝાદ' અને 'એ.પી.જે અબ્દુલ કલામ' : આ બન્ને નામ ચીવટપૂર્વક લખવાં.કેટલીક વાર સરતચૂકથી 'મૌલાના અબ્દુલ કલામ આઝાદ' અને 'એ.પી.જે અબુલ કલામ' જેવાં નામ પણ નજરે ચઢે છે!

Monday, April 15, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 400


રાજીવ ગાંધી ભારતના માજી વડાપ્રધાન હતા.
રાજીવ ગાંધી ભારતના યુવા વડાપ્રધાન હતા. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 399



ચૂંટણી-પ્રચાર દરમ્યાન ચાના ગલ્લા ઉપર આવું ન લખાય : બીજે પી !

ભાષાની મજા, મજાની ભાષા - 398



ભાજપી નેતા : 'બસ, હવે તો ભાજપ'
કોંગ્રેસી  નેતા : 'ભાજપ હવે તો, બસ'


ભાષાની મજા, મજાની ભાષા - 397



કોંગ્રેસી નેતા : 'કોંગ્રેસ કો મત દો'
ભાજપી નેતા : 'કોંગ્રેસ કો દો મત'

ભાષાની મજા, મજાની ભાષા - 396


કોંગ્રેસી નેતા : 'કોંગ્રેસ કો મત દો'
ભાજપી નેતા : 'કોંગ્રેસ કો મત દો'

ભાષાની મજા, મજાની ભાષા - 395


અગમવાણી : 'ખુદા હૈ ખુદા હૈ, ચારો ઔર ખુદા હૈ !'
અગવડવાણી : 'ખુદા હૈ ખુદા હૈ, ચારો ઔર ખુદા હૈ !'


ભાષાની મજા, મજાની ભાષા - 394



કોઈ વ્યક્તિની કોટિને નહીં , પણ તેમના વ્યક્તિત્વની કોટિને કોટિ કોટિ પ્રણામ કરો !


ભાષાની મજા, મજાની ભાષા - 393



'પવનમાં બધાં જ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં.'
'પ વનમાં બધાં જ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં.'

ભાષાની મજા, મજાની ભાષા - 392



'ઓમ નમઃ શિવાય' મંત્ર જ બોલવો.'
'ઓમ નમઃ' સિવાય મંત્ર ન બોલવો. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 391



' જે ઘરમાં બેકાર હોય તેને જ સરકારી યોજનાનો લાભ મળે.'
' જે ઘરમાં બે કાર હોય તેને જ સરકારી યોજનાનો લાભ મળે.' (!)


Sunday, April 14, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 390



'ગાલે ખંજન પડ્યાં' કે 'જાલે ખંજન પડ્યાં' ?!

ભાષાની મજા, મજાની ભાષા - 389



હિંદીમાંથી ગુજરાતીમાં સીધેસીધું નહીં, પણ સાચું ભાષાંતર શું કરશો ? : 'સર્વ શિક્ષા અભિયાન' કે 'સર્વ શિક્ષણ અભિયાન'?!


ભાષાની મજા, મજાની ભાષા - 388



'માણસો અતિ ખાય તો ઝાડા થાય.'
માણસો અતિ ખાય તો જાડા થાય.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 387



ગરીબોને પહેરવાં કપડાં નથી.
અમીરોને કપડાં પહેરવાં નથી. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 386



'એ યતિ સંયમી છે.'
'એ અતિ સંયમી છે.' (!)

ભાષાની મજા, મજાની ભાષા - 385



આયોજકોએ 'પોગ્રામ'ની નહીં 'પ્રોગ્રામ'ની આગોતરી જાણ કરવી જોઈએ!


ભાષાની મજા, મજાની ભાષા - 384



ઓ ભાઈ, એ 'લાઇબેરી' નથી પણ 'લાઇબ્રેરી' છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 383



તમે ઘણી બધી 'પ્રવુતિ' કરવાની જગ્યાએ કોઈ એક સારી 'પ્રવૃત્તિ' કરો તો સારું !


ભાષાની મજા, મજાની ભાષા - 382



સ્પર્ધાના નિર્ણાયક તરીકે 'વક્તુત્વ' બોલશો તો કેમ ચાલશે?
'વક્તૃત્વ' એમ ચોખ્ખું બોલો ! 


ભાષાની મજા, મજાની ભાષા - 381


ચાલુ કાર્યક્રમે સંચાલકને કોઈએ ચિઠ્ઠી આપી. એમાં લખ્યું હતું કે, "આવતીકાલના કાર્યક્રમ વિશે છેલ્લે ખાસ 'એલાઉન્સ' કરજો." (!) 

ભાષાની મજા, મજાની ભાષા - 380



આપણી ભાષા અને સંસ્કૃતિમાંથી 'ગોધૂલિ', 'ઝાલરટાણું' અને 'દીવાવખત' જેવા શબ્દપ્રયોગો આથમી રહ્યા છે!

  

ભાષાની મજા, મજાની ભાષા - 379


આપણે 'લબાચો' શબ્દ જાણીએ-વાપરીએ છીએ.પરંતુ, આવો જ બીજો એક શબ્દ 'દીબાચો' છે.
'દીબાચો' એ 'પ્રસ્તાવના' માટેનો ફારસી શબ્દ છે.


ભાષાની મજા, મજાની ભાષા - 378



'પુર્નમુદ્રણ' નહીં 'પુનર્મુદ્રણ' કરો!



ભાષાની મજા, મજાની ભાષા - 377



રસ્તા ઉપરના અકસ્માતમાં 'હિટ એન્ડ રન' જેવા અઘરા અંગ્રેજી શબ્દની જગ્યાએ 'ટક્કર અને રફુચક્કર' જેવો શબ્દપ્રયોગ વધારે અસરકારક લાગે છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 376



'રફુ' એટલે 'નાસી ગયેલું' કે 'પલાયન થઈ ગયેલું'.
'રફૂ' એટલે 'તૂણવું' કે 'ઘસાઈ ગયેલા કપડાને દોરા ભરવા'. 


Saturday, April 13, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 375



સમૂહ માધ્યમો હવે બળાત્કારની જગ્યાએ 'દુષ્કર્મ' શબ્દનો પ્રયોગ કરે છે.

ભાષાની મજા, મજાની ભાષા - 374


ખૂનાખોરી(જેમ ગુનાખોરી તેમ ખૂનાખોરી!)ની સમાચાર-સામગ્રીમાં હત્યા 'નિર્મમ' જ હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 373


ગુનાખોરીના સમાચારમાં હુમલો 'જીવલેણ' જ હોય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 372


સમાચાર-વર્ણનમાં અકસ્માત 'ગમખ્વાર' જ હોય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 371


તમે રસોઈમાં શેનું તેલ વાપરો છો? :
ધાણીનું તેલ કે ઘાણીનું તેલ ?!


ભાષાની મજા, મજાની ભાષા - 370


જે વાતો 'રામાયણ'માં આવે તે વાતો 'રોમાયણ'માં ન પણ આવે!

ભાષાની મજા, મજાની ભાષા - 369



આપણે 'મહારાજા'ને ક્યારે 'મહારજા' આપીશું?!  

ભાષાની મજા, મજાની ભાષા - 368



સાવધ ના રહીએ તો, 'મહારાજ' ક્યારે 'મહારજ' થઈ જાય એ કહેવાય નહીં!


ભાષાની મજા, મજાની ભાષા - 367



અક્ષરોની સંખ્યા એકસરખી, કાના-માત્રાની સંખ્યા એકસરખી, પણ સરતચૂક થાય તો  'તડાકો' 'તાકડો' થઈ જાય!


ભાષાની મજા, મજાની ભાષા - 366



કેવળ એક જ કાનો ઉમેરશો તો 'તડકા'માંથી 'તાડકા' થઈ  જશે!


ભાષાની મજા, મજાની ભાષા - 364


'નરહરિ પરીખ' અને 'નરહરિ અમીન' 

ભળતાં નામના કારણે, ભૂલ ન થઈ જાય એનું ધ્યાન રાખવું.

ભાષાની મજા, મજાની ભાષા - 365



ગફલતથી પણ 'જયપ્રકાશ નારાયણ'ની જગ્યાએ 'જયનારાયણ વ્યાસ' લખશો-બોલશો તો ક્રાંતિની સંપૂર્ણ વ્યાખ્યા બદલાઈ જશે! 

ભાષાની મજા, મજાની ભાષા - 363


'નરહરિ પરીખ' : નામ એકસરખું , પણ એક (મહાત્મા) ગાંધીયુગમાં અને બીજા (ઇંદિરા) ગાંધીયુગમાં !


ભાષાની મજા, મજાની ભાષા - 362


'ઇલા'નો અર્થ ભલે 'પૃથ્વી' થાય, પરંતુ પૃથ્વીલોકમાં ઇલા ભટ્ટ ('સેવા'), ઇલા પાઠક ('અવાજ'), ઇલા મહેતા (સાહિત્યકાર), ઇલા નાયક (લેખક), ઇલા નાયક (પ્રાધ્યાપક), ઇલા જોશી (સંશોધક) નોખાં પોત અને પ્રતિભા ધરાવે છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 361


સંસ્કૃત ભાષામાં 'ઇલા' શબ્દનો અર્થ 'પૃથ્વી' એવો થાય છે.
જયારે, અરબીમાં 'ઇલા' અર્થાત 'ઇલાહી' એટલે 'યા ખુદા!'.

ભાષાની મજા, મજાની ભાષા - 360



કેવળ 'રવિશંકર' લખશો તો ગોટાળા થશે.કારણ કે, રવિશંકર મહારાજ, રવિશંકર રાવળ, પંડિત રવિશંકર, શ્રી શ્રી રવિશંકરનાં અસ્તિત્વ અને ઓળખ નોખાં છે!


ભાષાની મજા, મજાની ભાષા - 359


એ 'આસારામ' છે કે 'આશારામ'?!


ભાષાની મજા, મજાની ભાષા - 358


લખતી વખતે જગ્યા છોડવાની આવે ત્યારે સાવધાની રાખો : 

'એમનાં જય સ્વામીનારાયણ સ્વીકારજો' 
'એમનાં જયસ્વામીના રાયણ સ્વીકારજો'

ભાષાની મજા, મજાની ભાષા - 357




લખવું જ પડે તો, 'જય સ્વામિનારાયણ' નહીં, 'જય સ્વામીનારાયણ' લખો!   



ભાષાની મજા, મજાની ભાષા - 356



બોલવું જ પડે તો, 'જેસી ક્રસ્ન' નહીં, 'જયશ્રી કૃષ્ણ' બોલો!   


Friday, April 12, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 40


What is 'GOD'? : 

'G' એટલે 'Generator' (સર્જક) અર્થાત બ્રહ્મા.
'O' એટલે 'Operator' (પાલક) અર્થાત વિષ્ણુ.
'D' એટલે 'Destroyer' (સંહારક) અર્થાત મહેશ. (!!!)

ભાષાની મજા, મજાની ભાષા - 355


પ્રવાહીનું માપ 'ગેલન'ની જગ્યાએ 'લિટર'માં જણાવવું!

ભાષાની મજા, મજાની ભાષા - 354


નોંધી રાખો : એક જોજન એટલે ચાર ગાઉ અને એક ગાઉ એટલે દોઢેક માઈલ.
આથી, એક જોજન એટલે આશરે છ માઈલ એટલે કે લગભગ દસ કિલોમિટર!



ભાષાની મજા, મજાની ભાષા - 353


યાદ રાખો : 'એક માઈલ'ની જગ્યાએ '1.6 કિલોમિટર' અથવા 'આશરે દોઢ કિલોમિટર' લખવું.

ભાષાની મજા, મજાની ભાષા - 352


જૂના વખતમાં, એક રતલ એટલે આશરે સાડી આડત્રીસ રૂપિયાભાર જેટલું વજન.

ભાષાની મજા, મજાની ભાષા - 351


વજનની વાત કરો તો, 
એક પાઉંડ એટલે 38.91 રૂપિયાભારનો અંગ્રેજી તોલ.
દેશી ભાષામાં કહીએ તો એક પાઉંડ એટલે એક રતલ.

અંગ્રેજી ભાષા, દેશી મજા : 39



જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ :

આગળથી વાંચશો તો 'GOD' ભાસશે.
પાછળથી વાંચશો તો 'DOG' ભસશે!


ભાષાની મજા, મજાની ભાષા - 350


સરેરાશ વાચકોને 'એક મિલિયન' એટલે કેટલા થાય એ ખબર નહીં પડે.આથી 'એક મિલિયન'ની જગ્યાએ 'દસ લાખ' લખવું વધારે હિતાવહ છે.અમદાવાદની વસ્તી 'આશરે પાંચ મિલિયન'ની જગ્યાએ 'આશરે પચાસ લાખ' જણાવવી!  

ભાષાની મજા, મજાની ભાષા - 349


આંકડામાં '50000000' ની જગ્યાએ શબ્દોમાં 'પાંચ કરોડ' લખવું.આમ કરવાથી વાચકો " એકમ, દશક, શતક, હજાર, દસ હજાર, કરોડ ... " એમ મીંડાં ગણવામાંથી બચી જશે.આ ઉપરાંત અક્ષરાંકન(કમ્પોઝિંગ) કરવામાં અનુકૂળતા રહેશે અને એકાદ મીંડું વધશે-ઘટશે નહીં.આવા કિસ્સામાં દર વખતે આ રીતે આંકડાની જગ્યાએ શબ્દોમાં લખવાથી ઘણી બધી જગ્યા અને વખત પણ બચી જશે!     



ભાષાની મજા, મજાની ભાષા - 348



'અક્ષૌહિણી સેના' સેના કોને કહેવાય?


એક અક્ષૌહિણી એટલે ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ ઘોડા તથા ૧,૦૯,૩૫૦ પાયદળ - એટલી સેનાનો   સમૂહ !


ભાષાની મજા, મજાની ભાષા - 347



શ્રીમાન રાવ, જો રાવસાહેબ જ રાવ કરે તો તમે કયા સાહેબને રાવ કરશો?!


ભાષાની મજા, મજાની ભાષા - 346



'brother-in-law'(સાળા)ના 'father'(પિતા)ની 'daughter-in -law'(પુત્રવધૂ)ને ગુજરાતીમાં શું કહેવાય?!     

'સાળાવેલી' (!)


અંગ્રેજી ભાષા, દેશી મજા : 38



'child'નું બહુવચન 'childs' ન થાય, પણ 'children' જ થાય.
ગમે એટલાં બાળકો હોય તો પણ 'children'નું બહુવચન 'childrens' ન થાય.
ઘણાં ઘણાં બાળકો હોય તો 'ચિલ્ડ્રન્સ'નું પણ બહુવચન 'ચિલ્ડ્રન્સો' કરનારા વીર બહુવચન મળી રહે છે! 


Thursday, April 11, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 345



'એક બ્રાહ્મણ ગરીબ હતો.' 
'એક ગરીબ બ્રાહ્મણ હતો.'


ભાષાની મજા, મજાની ભાષા - 344


'ઉમી નહીં, ઉદ્યમી બનો!'


ભાષાની મજા, મજાની ભાષા - 343




પથારીમાં જટાશંકર પંડ્યા છે?
પથારીમાં જટાશંકર પડ્યા છે? (!)

ભાષાની મજા, મજાની ભાષા - 342


'રાજપૂત' અને 'રજપૂત' ભિન્ન અર્થ ધરાવે છે?

ભાષાની મજા, મજાની ભાષા - 341

 
'ક્ષત્રિય' અને 'ક્ષેત્રિય' ભિન્ન અર્થ ધરાવે છે.



અંગ્રેજી ભાષા, દેશી મજા : 37



સવાલ : જેમાં એકપણ વખત 'a' ન આવતો હોય તેવા, એક હજાર અંગ્રેજી શબ્દોની યાદી બનાવવાની હોય તો તમારે કેટલો સમય લાગશે?

જવાબ : ઝાઝી વાર ન લાગે!
સાચો અને ઝડપી ઉત્તર છે : 0 અને 1 to 999!
કારણ કે, 'Zero'થી માંડીને 'Nine Hundred Ninety Nine' સુધીના આ એક હજાર શબ્દોમાં ક્યાંય 'a' શોધ્યો જડે એમ નથી!



ભાષાની મજા, મજાની ભાષા - 340



સાચો શબ્દ કયો? : 

'મીડું' કે 'મીંડું'? 

બન્ને શબ્દો સાચા છે. એક વખત આવે કે બે વખત આવે, મીડું  મીંડું જ રહે છે ! 


ભાષાની મજા, મજાની ભાષા - 339



'સાથિયો' એ મંગળ રૂપ ચિહ્ણ છે. એક કાળે આપણા સમાજમાં અભણ સ્ત્રીઓ કોઈ કાગળ-પત્ર કે લખાણ-દસ્તાવેજમાં પોતાના હસ્તાક્ષરની જગ્યાએ સાથિયો એટલે કે સ્વસ્તિકની આકૃતિ કરતી હતી! આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે, અભણ પણ હોય અને વિધવા પણ હોય તેવી સ્ત્રીઓએ સાથિયો નહીં પણ મીંડું કરવું પડતું!


ભાષાની મજા, મજાની ભાષા - 338



સાથીઓ, તમે સાથિયો દોરશો?! 


ભાષાની મજા, મજાની ભાષા - 337



'સામંત' અને 'સંમત' વિરોધી શબ્દ જણાય છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 336



સાચો શબ્દ-ઉચ્ચાર 'કિંડરગાર્ટન' છે.'કિંડરગાર્ડન' નહીં !


અંગ્રેજી ભાષા, દેશી મજા : 36



આગળથી વાંચશો તો 'LIVE' દેખાશે.
પાછળથી વાંચશો તો 'EVIL' દેખાશે!

ભાષાની મજા, મજાની ભાષા - 335


કોણ મોટું છે? : ' બિંદુ કે રેખા ? '

'ભૂમિતિની વાત કરો તો રેખા,'
'અભિનેત્રીની વાત કરો તો બિંદુ.' (!)

તા.ક. : બિંદુ (17-01-1951) અને રેખા (10-10-1954) વચ્ચે લગભગ ચાર વર્ષનું અંતર છે!

ભાષાની મજા, મજાની ભાષા - 334


નામ હશે ટુકડામાં,
ગુણ હસે મુખડામાં!

મોહનદાસ કરમચંદ ગાંધી 
મોહ ન, દાસ કરમ, ચંદ ગાંધી (!)


ભાષાની મજા, મજાની ભાષા - 333



આજે ગોળ-રોટલી ખાવાની મજા આવી. 
આજે ગોળ રોટલી ખાવાની મજા આવી.(!)


ભાષાની મજા, મજાની ભાષા - 332



પાટણનાં પટોળાં સામે કોઈ ટક્કર લઈ શકે તેમ નથી.
પાટણનાં પ ટોળાં સામે કોઈ ટક્કર લઈ શકે તેમ નથી.(!)


ભાષાની મજા, મજાની ભાષા - 331



ભાઈ રમણલાલ જામફળ લાવશો?
ભાઈ ર મણ લાલ જામફળ લાવશો? (!)


Wednesday, April 10, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 35



Impossible
I'm possible (!)

ભાષાની મજા, મજાની ભાષા - 330



રાજકીય સમાચારોમાં આપણા નેતાઓ માટે 'ઘટના' એટલે 'વખોડી કાઢવી' !
નેતાઓ માટે પોતાને પ્રતિકૂળ હોય એવાં નિવેદનો એટલે 'રદિયો આપવો' !

ભાષાની મજા, મજાની ભાષા - 329



આત્મહત્યા વિષયક સમાચારમાં સ્ત્રી અને એ પણ પરિણીતાનું મોત 'પ્રાયમસ' ફાટવાથી થતું હોય છે! ખરેખર તો 'પ્રાયમસ' એ એક કંપનીનું નામ છે જે સ્ટવની દુનિયાનું જાણીતું નામ છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 328


ગુનાખોરી વિષયક સમાચારમાં પોલીસ હંમેશાં ચોંકી જતી હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 327



શારીરિક અથડામણના સમાચારમાં હુમલો 'અચાનક' જ થતો હોય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 326



મારામારીના સમાચારમાં તકરાર હંમેશાં 'નજીવી' હોય છે !


અંગ્રેજી ભાષા, દેશી મજા : 34



'Woman : With out her man, is nothing.'
'Woman : With out her, man is nothing.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 325



' શબ્દ બ્રહ્મ છે. '
' શબ્દ ભ્રમ છે. '


ભાષાની મજા, મજાની ભાષા - 324



સરેરાશ કિસ્સામાં સોળે 'સાન' આવે,
અપવાદ કિસ્સામાં સોળે 'શાન' આવે!

ભાષાની મજા, મજાની ભાષા - 323



રાષ્ટ્રે શહીદોને દીર્ઘ કાળ સુધી યાદ રાખવા જોઈએ.
આટલું યાદ રાખીએ તો એ પણ યાદ રહે કે 'શહીદ'માં દીર્ઘ 'ઈ' આવે! 


ભાષાની મજા, મજાની ભાષા - 322



મો.ક.ગાંધી ઓક્ટોમ્બર માસમાં જન્મ્યા નહોતા.
તેઓનો જન્મ તો ઓક્ટોબર માસમાં થયો હતો !


ભાષાની મજા, મજાની ભાષા - 321



ગુજરાતી 'કેશ' અને અંગ્રેજી 'કેશ' અલગ-અલગ અર્થ ધરાવે છે!


Tuesday, April 9, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 33



'બે મૂળાક્ષરોની અદલાબદલી કરો તો 'Dairy' માંથી 'Diary' થઈ જાય!


ભાષાની મજા, મજાની ભાષા - 320


આવું તે કોઈ નામ હોતું હશે ?
અનુ પજ લોટા !

ભાષાની મજા, મજાની ભાષા - 319



આ ત્રણમાંથી કયું સમાચાર-શીર્ષક સાચું હશે?

યુવતીની સૌથી લાંબી આત્મહત્યાની કોશિશ
યુવતીની આત્મહત્યાની સૌથી લાંબી કોશિશ
સૌથી લાંબી યુવતીની આત્મહત્યાની કોશિશ


ભાષાની મજા, મજાની ભાષા - 318



'તમને સ્પર્ધામાં શું મળ્યું?
'ટ્રોફી' કે પછી કેવળ 'ટોફી' જ !


ભાષાની મજા, મજાની ભાષા - 317



બે અક્ષરો વચ્ચે થોડીક જ જગ્યા છૂટી જાય તો સમાચારનું શીર્ષક જુદો જ અર્થ ધારણ કરશે :

શીતલહેરથી વાતાવરણ ખુશનુમા
શીતલ હેરથી વાતાવરણ ખુશનુમા


ભાષાની મજા, મજાની ભાષા - 316



એક જ અક્ષર ઉમેરશો તો મૃત્યુનો પ્રકાર બદલાઈ જશે :

આઘાતથી મૃત્યુ
આપઘાતથી મૃત્યુ


Monday, April 8, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 32



He is not an 'eye' specialist but an 'I' specialist! 

ભાષાની મજા, મજાની ભાષા - 315



આપણું 'ધોળકા' રાષ્ટ્રીય વીજાણુ-માધ્યમોમાં પહોંચતાં-પહોંચતાં 'ઢોલકા' થઈ જાય છે!

  

ભાષાની મજા, મજાની ભાષા - 314



ગુજરાતીમાં જે 'પરીખ' હોય છે તે હિંદીમાં શું કામ 'પારીખ' થઈ જાય છે ?!


ભાષાની મજા, મજાની ભાષા - 313



'મારું' અને 'મારુ' અલગ-અલગ અર્થ ધરાવે છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 312



'માસિક' એટલે 'મહિનાને લગતું', પણ 'માત્સિક' એટલે 'માછીમાર' !


ભાષાની મજા, મજાની ભાષા - 311



શિક્ષિકા : " હું સુંદર છું " - આ વાક્યનો કાળ જણાવો.
ઢપુ (ટપુનો માતરાઈ ) : "પૂર્ણ ભૂતકાળ"!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 31



દરેક નાનું બાળક 'Baby' જ કહેવાય.હા, તે 'baby girl' કે 'baby boy' હોઈ શકે !


ભાષાની મજા, મજાની ભાષા - 310




અંગ્રેજીમાં 'બેબી' તો સમજાય છે પણ ગુજરાતીમાં આ 'બાબો' ક્યાંથી આવ્યો?!


ભાષાની મજા, મજાની ભાષા - 309



એમની ટુકડીના બધા ખેલાડીઓના હાથમાં 'બેટો' જોઈને અમને ચિંતા થઈ ! 


ભાષાની મજા, મજાની ભાષા - 308



'માતુ' એટલે 'માતા', પણ 'માતું' એટલે 'માતેલું' કે 'મોટું' !


ભાષાની મજા, મજાની ભાષા - 307



જેમ 'માતૃ' તેમ 'માતુ', પણ જેમ 'પિતૃ' તેમ 'પિતુ' નથી !    


ભાષાની મજા, મજાની ભાષા - 306



પિતાનાં ભાઈ-બહેનનાં સંતાનોને 'પિતરાઈ' કહીએ અને માતાનાં ભાઈ-બહેનનાં સંતાનોને 'માતરાઈ ' કહીએ તો કેવું?!

ભાષાની મજા, મજાની ભાષા - 305



બે શબ્દો વચ્ચે જગ્યા છોડો, પણ જરા સાચવીને !

'મનમાં કડું છે.'
'મન માંકડું છે.'


ભાષાની મજા, મજાની ભાષા - 304



તમે આ પ્રકલ્પ(પ્રોજેક્ટ)માં સંકળાયેલા છો કે સંડોવાયેલા છો?!


ભાષાની મજા, મજાની ભાષા - 303



બહાર મહેરબાની કરીને પગરખાં ઉતારશો.
મહેરબાની કરીને બહાર પગરખાં ઉતારશો.
મહેરબાની કરીને પગરખાં બહાર ઉતારશો.

આમાં આપણે ક્યાં ઊતરવું અને પગરખાં ક્યાં ઉતારવાં ?!


ભાષાની મજા, મજાની ભાષા - 302



તમારી ઉપર 'પીએમઓઓફિસ'માંથી પત્ર  નહીં જ આવે.
હા, તમારી ઉપર 'પીએમઓ'માંથી કે 'પીએમઓફિસ'માંથી પત્ર  આવી શકે !


ભાષાની મજા, મજાની ભાષા - 301




વિપ્રના વિદ્યાર્થીઓ અને વિ.પ્ર.ના  વિદ્યાર્થીઓ ભિન્ન છે?!

સામાજિક સંદર્ભમાં વિપ્ર એટલે બ્રાહ્મણ.    
શૈક્ષણિક સંદર્ભમાં વિ.પ્ર.એટલે વિજ્ઞાન પ્રવાહ.


અંગ્રેજી ભાષા, દેશી મજા : 30



કેટલાક લોકો 'રિસ્ક'ની જગ્યાએ 'રિક્સ' બોલે છે.અંગ્રેજી ભાષા માટે આ પણ એક પ્રકારનું 'જોખમ' જ કહી શકાય! 

ભાષાની મજા, મજાની ભાષા - 300


" તમારો પરિવાર બધો વખત કેવળ પરિવાદ જ કરે છે?! "

'પરિવાર' એટલે કુટુંબકબીલો.  

'પરિવાદ' એટલે નિંદા.


ભાષાની મજા, મજાની ભાષા - 299




'પરિવાર' કેવું કે 'પરિવાર' કેવો?!



ભાષાની મજા, મજાની ભાષા - 298



'કુટુંબ' કેવો કે 'કુટુંબ' કેવું?!


ભાષાની મજા, મજાની ભાષા - 297



દસ્તાવેજ કરનારી વ્યક્તિએ અને સાક્ષી રહેનારી વ્યક્તિએ,
દસ્તાવેજમાં ક્યાં હસ્તાક્ષર કરવાના છે તે જગ્યા જણાવતો શબ્દ-પ્રયોગ એટલે
'અત્ર મતુ તત્ર સાખ'.


ભાષાની મજા, મજાની ભાષા - 296



તમારી સહી હાજરીપત્રકમાં સહી કરે છે ?!


Saturday, April 6, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 29



તમે 'સ્ટેટ્સ'માં રહો છો કે 'સ્ટેટસ'માં રહો છો?!


ભાષાની મજા, મજાની ભાષા - 295




કોઈ 'વૈષ્ણવ જન'ની જગ્યાએ 'વૈષ્ણ વજન' બોલે તો સુધારો કરવો.


ભાષાની મજા, મજાની ભાષા - 294



સીતા-રામ 'પતિત પાવન' છે, 'પતિ તપવાન' નહીં ! 


ભાષાની મજા, મજાની ભાષા - 293



કેટલાક 'રાચરચીલું' બોલે છે તો કેટલાક 'રાચર ચીલું'!


ભાષાની મજા, મજાની ભાષા - 292



'સુરત' અને 'સૂરત' ભિન્ન છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 291



ઈશ્વરભાઈની દીકરી લીલાને જન્મથી જ બંને હાથ નથી.
એને જોઈને રસ્તે જતાં એક માણસે કહ્યું : " ઈશ્વરની લીલા અકર છે!" 
આ માણસ 'ળ'નો 'લ' બોલતો હતો છતાં એણે જે કહ્યું તે સાચું જ માનવું પડે! 


અંગ્રેજી ભાષા, દેશી મજા : 28



'PIL' અને 'IPL'માં ઘણો ફેર છે!


ભાષાની મજા, મજાની ભાષા - 290



' આપા ક્યાં ગયા?! '
' આ પા. '

ભાષાની મજા, મજાની ભાષા - 289



તમારાં નાની બચત કરે અને તમે નાની બચત કરો એમાં ઘણો ફેર રહેવાનો!


ભાષાની મજા, મજાની ભાષા - 288




તમે અંગ્રેજી શબ્દો 'મેલ' અને 'મેઈલ'ને સમાન ગણો છો કે ભિન્ન?! 


ભાષાની મજા, મજાની ભાષા - 287



ગુજરાતી 'મેલ' અને અંગ્રેજી 'મેલ' અલગ-અલગ અર્થ ધરાવે છે?!  


ભાષાની મજા, મજાની ભાષા - 286



વ્યક્તિનું નામ પહેલાં લખવું, અટક પછી લખી શકાય.
કોઈ છોકરાનું નામ મૃગ અને અટક શાહ હોય તો, એ છોકરો કયો વિકલ્પ પસંદ કરશે?
'મૃગ શાહ' કે 'શાહ મૃગ'?!


Friday, April 5, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 27




'Animal' અને 'enamel'  અલગ-અલગ અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 285


સંતાનો વિદેશમાં રહેતાં હોય, પતિ-પત્ની દેશમાં એકલાં રહેતાં હોય, તેઓ સાથે રહેતાં હોય છતાં, મન-કર્મ-વચનથી એકબીજાથી એકલાપણું અનુભવતાં હોય તો, આ બે માણસોને કોરી ખાતી એકબીજાની એકલતાને 'બેકલતા' કહેવાય?!

ભાષાની મજા, મજાની ભાષા - 284



આમ, ઘટના અને આમ, દુર્ઘટના કહેવાય : 

'બે મહિલાઓ મોતે મરી.'

'મહિલાઓ બેમોતે મરી.'


ભાષાની મજા, મજાની ભાષા - 283



ધ્યાન ધરો  નહીં, પણ ધ્યાન રાખો :

'તમારી સમક્ષ રજૂઆત થઈ  છે.'
'તમારી સક્ષમ રજૂઆત થઈ  છે.'


ભાષાની મજા, મજાની ભાષા - 282


અક્ષરો સાવધાનીપૂર્વક હંકારો :


'આ સુધારો છેલ્લા દાયકામાં થયો હતો.'
'આ સુધારો છેલ્લા કાયદામાં થયો હતો.'



ભાષાની મજા, મજાની ભાષા - 281



'શ્રીમંત' અને 'સીમંત' અલગ-અલગ અર્થ ધરાવે છે!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 26



'College' અને 'Collage' ભિન્ન છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 280



અક્ષરોની ફેર-બદલી થાય તો 'વાઈરસ'નું 'વાઈસર' થઈ જાય!

" એમને ડૉકટરે કહ્યું કે, " તમારા શરીરમાં 'વાઈસર' છે? "
" અરે રે! તો તો પેટ ચીરવું પડશે! "


ભાષાની મજા, મજાની ભાષા - 279



આ બંને વાક્યો જુદા-જુદા અર્થ ધરાવે છે? :

એમની પત્નીએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો.  
એમની પત્નીએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો (!)  

ભાષાની મજા, મજાની ભાષા - 278



કેવળ બે જ અક્ષરો આઘા-પાછા થાય તો ?!

'સાથી હાથ બઢાના' 
'હાથી સાથ બઢાના' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 277


'મંદબુદ્ધિ' શબ્દ ન વાપરવો.
એના બદલે 'માનસિક ભિન્ન' શબ્દ વાપરીને આપણી પરિપકવ બુદ્ધિનો પરિચય કરાવીએ!


ભાષાની મજા, મજાની ભાષા - 276



પતિ-પત્ની બંને સાઠ વર્ષનાં થયાં.ગુજરાતી કહેવત પ્રમાણે 'સાઠે બુદ્ધિ નાઠે'!
પરંતુ, એમના કિસ્સામાં આ પ્રમાણે કહી શકાય :    

'પતિ અને પત્નીની સાઠે બુદ્ધિ નાઠી.'  
'પતિ અને પત્નીની સાથે બુદ્ધિ નાઠી.'(!)


Thursday, April 4, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 25



પુસ્તકમાં 'addition' થાય તો પુસ્તકની 'edition' થાય !


ભાષાની મજા, મજાની ભાષા - 275


જાણવા જેવી કહેવત : કીડી સંઘરે ને તેતર ખાય.


ભાષાની મજા, મજાની ભાષા - 274



'કડુ' એટલે વાનસ્પતિક ઔષધિ.
'કડું' એટલે હાથે પહેરવાનું ઘરેણું.

ભાષાની મજા, મજાની ભાષા - 273



ગુજરાતીમાં 'નિકર' એટલે 'સમૂહ'! 


ભાષાની મજા, મજાની ભાષા - 272



યાદ રાખો :

'સમુદાય'માં હૃસ્વ 'ઉ' આવે અને 'સમૂહ'માં દીર્ઘ 'ઊ' આવે.


ભાષાની મજા, મજાની ભાષા - 271



'ય'ની જગ્યાએ 'ચ' વાંચશો તો અર્થ બદલાઈ જશે!


'વિક્રમરાજા નગરચર્યા કરવા નીકળ્યા.'
'વિક્રમરાજા નગરચર્ચા કરવા નીકળ્યા.'




Wednesday, April 3, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 24


વિશ્વનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ કયું?

Taumata­whakatangihanga­koauau­o­tamatea­turi­pukakapiki­maunga­horo­nuku­pokai­whenua­kitanatahu 

તમારામાં હોય એટલી તાકાત ખર્ચીને આ નામ વાંચી બતાવો !

ભાષાની મજા, મજાની ભાષા - 270


સવાલ : ઓગણીસમી સદીનું પહેલું અને છેલ્લું વર્ષ કયું આવે?
જવાબ : 1801 અને 1900
તમારા સિવાયના લોકો એવું પણ માની લે કે ઓગણીસમી સદી હોય એટલે 1901થી શરૂ થાય!


ભાષાની મજા, મજાની ભાષા - 269


સવાલ : જે સાલમાં છપ્પનિયો દુકાળ પડ્યો એ સાલ 'વિક્રમ સંવત' અને 'ઈ.સ.'માં લખશો? 
જવાબ : વિક્રમ સંવત 1956 પરંતુ ઈ.સ. 1900

ભાષાની મજા, મજાની ભાષા - 268



વર્ષનો ઉલ્લેખ કરો તો સ્પષ્ટ કરો કે એ 'વિક્રમ સંવત' છે કે 'ઈ.સ.'?


ભાષાની મજા, મજાની ભાષા - 267



કઈ જોડણી સાચી? :

સંવત
સવંત
સવતં
સંવંત
સંવંતં


ભાષાની મજા, મજાની ભાષા - 266



'ઇ.સ.' નહીં પણ, 'ઈ.સ.' લખો.


અંગ્રેજી ભાષા, દેશી મજા : 23




નીચેના વાક્યનું અંગ્રેજી ભાષાંતર કરો :

'મેં ગઈ કાલે મારા વાળ કપાવ્યા.'



ભાષાની મજા, મજાની ભાષા - 265



તમે કોરિયાનો ઉલ્લેખ કરો ત્યારે શક્ય હોય તો સ્પષ્ટ કરો કે એ ઉત્તર કોરિયા છે કે દક્ષિણ કોરિયા?


ભાષાની મજા, મજાની ભાષા - 264



આપણા  એ સાહિત્યકારનું નામ ચૂનીલાલ મડિયા હતું. ભૂલથી પણ ચૂનીલાલ મીડિયા ન લખવું-વાંચવું-સાંભળવું!


ભાષાની મજા, મજાની ભાષા - 263



લખવામાં-વાંચવામાં ધ્યાન ન રાખીએ તો ક્યારેક 'શિયાળ'નું 'શિયળ' થઈ જાય!



ભાષાની મજા, મજાની ભાષા - 262



જન્મ આપે એ જ જનેતા કહેવાય તો 'સગી જનેતા'ની જગ્યાએ 'જનેતા' લખો તો ન ચાલે?!
'મા' ઓરમાન હોઈ શકે, પણ 'જનેતા' તો સગી જ હોય! 


ભાષાની મજા, મજાની ભાષા - 261



'વિધ્યાર્થી' નહીં , પણ 'વિદ્યાર્થી' લખો-બોલો.


અંગ્રેજી ભાષા, દેશી મજા : 22



નીચેના વાક્યનું અંગ્રેજી ભાષાંતર કરો :

'એનાં કાકીએ એને પરણાવ્યો.'

Tuesday, April 2, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 260



'અણુ બોમ્બ' અને 'પરમાણુ બોમ્બ' અલગ-અલગ અર્થ ધરાવે છે?!

ભાષાની મજા, મજાની ભાષા - 259



'આત્મશ્લાઘા' ન કરો, 'આત્મશ્લાધા' તો ન જ કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 258



તેમના વતી ચાબાઈ કરે તો અમને વાંધો છે.
તેમના વતી ચા બાઈ કરે તો અમને વાંધો નથી.(!)
તા.ક. : ચાબાઈ એટલે ચાવળાપણું


ભાષાની મજા, મજાની ભાષા - 257


આત્મહત્યા માટે વ્યક્તિ ગળે જ ફાંસો ખાય છે, ઘૂંટણ, કોણી, કાંડા કે કમરે ફાંસો ખાતો નથી!   
ફાંસો ખાવો એટલે જ ગળાને ગાળામાં ભેરવીને આપઘાત કરવો.
'બેકાર યુવકે ગળે ફાંસો ખાધો' એમ શીર્ષક ન આપવું.
'બેકાર યુવકે ફાંસો ખાધો' એ વધારે યોગ્ય શીર્ષક છે.


ભાષાની મજા, મજાની ભાષા - 256



કોઈ છોકરીનું નામ 'હિના' હોઈ શકે, તે 'હીના' કેવી રીતે હોઈ શકે?!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 21



'Nature'ની જોડણીને કંઠસ્થ રાખવા માટે 'નટુ રે' ( Natu re ) એમ યાદ રાખવું પડે!


ભાષાની મજા, મજાની ભાષા - 255


'હિમાંશી' અને 'હેમાંશી' ભિન્ન છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 254



સાચો શબ્દ કયો? : 'અજરામર' કે 'અજરાઅમર'?!
'અજરામર' એટલે જ 'અજર અને અમર'!

ભાષાની મજા, મજાની ભાષા - 253



'સુવાવડ' થાય કે 'કવાવડ', પણ 'કસુવાવડ' થાય?!

ભાષાની મજા, મજાની ભાષા - 252



'કાંતો' અને 'કાં તો' અલગ-અલગ અર્થ ધરાવે છે! 


ભાષાની મજા, મજાની ભાષા - 251


પરોણો પરાણો લઈને પરાણે પહોંચ્યા.

'પરાણો' એટલે આર(લોઢાની અણી)વાળી લાંબી લાકડી.
'પરોણો' એટલે 'મહેમાન'.  
'પરાણે' એટલે 'માંડ-માંડ'.

અંગ્રેજી ભાષા, દેશી મજા : 20



Don't read it like this : 'A dish war'.
Read it like this : 'Adishwar' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 250



'આકરું' એટલે 'મુશ્કેલ'.

'અકારું' એટલે 'અપ્રિય'.

ભાષાની મજા, મજાની ભાષા - 249



કોઈ સ્ત્રી ક્યારેય 'પરણીતા' ન હોય. હા, તે 'પરિણીતા' હોઈ શકે!


ભાષાની મજા, મજાની ભાષા - 248



'પ્રજ્જ્વાળવું' નહીં , પણ 'પ્રજ્વાળવું'.

ભાષાની મજા, મજાની ભાષા - 247


'માહારાજ' નહીં, પણ 'મહારાજ' લખો-બોલો-સાંભળો!


ભાષાની મજા, મજાની ભાષા - 246



'ગૌરવ' અને 'ગૌ રવ' અલગ-અલગ અર્થ ધરાવે છે?!


Monday, April 1, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 19



'Hardware'માં પણ આપણને તો 'હરદ્વારે' જ વંચાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 245


જે તે વિશ્વવિદ્યાલયનું ઉચ્ચ પદ કોઈ મહિલા શોભાવે તો તેમનાં માટે 'કુલાધિપતિ'ની જગ્યાએ 'કુલાધિમાતા' અને 'કુલપતિ'ની જગ્યાએ 'કુલમાતા' જેવો શબ્દ-પ્રયોગ કરવો વધુ યોગ્ય લાગે છે.

ભાષાની મજા, મજાની ભાષા - 244



ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Chancellor'નું ગુજરાતી 'કુલાધિપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Chancellor'નું ગુજરાતી 'કુલપતિ' કરવું.



ભાષાની મજા, મજાની ભાષા - 243


ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Vice-Chancellor'નું ગુજરાતી 'કુલપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Vice-Chancellor'નું ગુજરાતી 'કુલનાયક' કરવું.


ભાષાની મજા, મજાની ભાષા - 242


ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Pro Vice-Chancellor'નું ગુજરાતી 'ઉપ કુલપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Pro Vice-Chancellor'નું ગુજરાતી તો શું, કશું જ ન કરવું ! કારણ કે, ગૂજરાત વિદ્યાપીઠમાં હાલમાં આવી કોઈ જ પદ-સગવડ અસ્તિત્વમાં નથી!