Friday, August 29, 2014

Thursday, August 28, 2014

ઝવેરચંદ મેઘાણી : પત્રકારત્વ વિશે


‘તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલોચક પણ. આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કૂરડું ઊભું કરવાની કળા!’

                                                - ઝવેરચંદ મેઘાણી

Monday, August 25, 2014

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૪


કાવ્ય
* ઝાડુ
'નિરીક્ષક', 01-01-2014, પૃષ્ઠ : 03

* જીવન નામે દરિયો, વારતા નામે તરાપો
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2014 અને માર્ચ-એપ્રિલ, 2014 ; અંક : 15, પૃષ્ઠ : 31-34

* ગાંધીજીના પૂતળાને મરણ-ચાદર
'નિરીક્ષક', 16-05-2014, પૃષ્ઠ : 02

* તુષાર ભટ્ટ : પત્રકારત્વના શિક્ષક અને માર્ગદર્શક
સ્મૃતિગ્રંથ : નીડર પત્રકાર, પૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ
સંપાદક : કેતન રૂપેરા, પ્રકાશક : આર્ટ બુક હબ, નવજીવન બ્લોક્સ, અમદાવાદ
આવૃત્તિ : પ્રથમ, વર્ષ : મે, 2014
કુલ પાનાં : 07+191, લેખ-પૃષ્ઠાંક : 101-104

આશ્રમકથા - 01
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04
પુનર્મુદ્રણ : 'ભૂમિપુત્ર', ૦૧-૦૬-૨૦૧૫; પૃષ્ઠ : ૧૦-૧૧

* પૂતળીબાઈના પુત્ર : પોતાના પૂતળા પરત્વે
નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 16-17, જૂન-જુલાઈ, 2014, પૃષ્ઠ : 179-180
પુનર્મુદ્રણ : 'વિ-વિદ્યાનગર'(ISSN 0976-9809)સળંગ અંક : 516, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 28-29

ગ્રંથસમીક્ષા
* ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794),
વર્ષ : ૫૨, અંક : ૦૩, જુલાઈ-સપ્ટેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૮૯-૯૨

આશ્રમકથા - 02
* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
'નિરીક્ષક', 16-07-2014, પૃષ્ઠ : 10-11
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-08-2014; અંક : 251, પૃષ્ઠ : 09-10-08
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮

'સંસ્મરણ'
* નાનક મેઘાણી : સ્મરણોના ‘ગ્રંથાગાર’માં
'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૦૩-૦૮-૨૦૧૪, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'સૌજન્ય માધુરી', સપ્ટેમ્બર, ૨૦૧૪, પૃષ્ઠ : ૫૪-૫૫ 

આશ્રમકથા - 03
* આશ્રમમાં અમલયુક્ત એકાદશવ્રત 
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03

* સોરઠી સંતવાણી, નાનક મેઘાણી, અને વાલ્મીકિ સમાજ
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 13

આશ્રમકથા - 04
* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-10-2014; અંક : 255, પૃષ્ઠ : 09-11
પુનર્મુદ્રણ : http://webgurjari.in/2014/09/11/911kocharb-ashram/

હળવો લેખ
* શિયાળો, ઉનાળો, અને ભૂવાળો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૯-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪

હળવો લેખ
* ચિંતનચૌદશની પ્રસાદી
'સાર્થક જલસો', દિવાળી અંક, પુસ્તક-૩, ક્ટોબર, ૨૦૧૪, પૃષ્ઠ : ૯૯-૧૦૨

* નવતર ગાંધીયોજના : સૂતરના તાંતણે સામયિક!
પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 18, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 236-238

હળવો લેખ
* ખસખસ વિશે ખાસખાસ
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), Volume VII, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 112

* ગાંધીજીના પત્રકારત્વમાં લૈંગિક સમાનતા થકી સંપોષિતતાનો વિમર્શ
'વિદ્યાપીઠ' ત્રિમાસિક (ISSN 0976-5794),
વર્ષ : ૫૨, અંક : ૦૪, ઓક્ટોબર-ડિસેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૯૫-૧૦૦

* કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને  પ્રેરણાનું ઝરણ' (અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ : ૨૧-૨૨)
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦

હળવો લેખ
* ભેંસમાસીના બચાવમાં
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૧૨-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* તિલક કરું રઘુવીરને
પુનર્મુદ્રણ : 'અમૃતાથી ધરાધામ' (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૦૨) (ISBN 978-93-80125-58-9), સંપાદક : દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪; પૃષ્ઠ : ૪૨૦-૪૨૩ (પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯)

ભાષાની મજા, મજાની ભાષા - 848


આમાંથી શું પસંદ કરશો?!

'શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુ મળશે.'
'ઘીમાં બનાવેલા શુદ્ધ ચૂરમાના લાડુ મળશે.'
'ઘીમાં બનાવેલા ચૂરમાના શુદ્ધ લાડુ મળશે.'

Saturday, August 23, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 847


આપણાં અખબારોની ભાષામાં 'ચેડાં' ભવિષ્ય સાથે જ થતાં હોય છે, ભૂત અને વર્તમાન સાથે નહીં!


Wednesday, August 20, 2014

પ્રખર ગાંધીજન પ્રસન્નવદન મહેતાએ સદાય માટે વિદાય લીધી છે.


પ્રસન્નવદન મહેતાPhotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પ્રસન્નવદન મહેતા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પ્રસન્નવદન મહેતા

જન્મ : 06-02-1923 ?
નિધન : 19-08-2014


Tuesday, August 19, 2014

ચિંતક બાળક હોઈ શકે, બાળક ચિંતક હોઈ શકે!


Photograph-courtesy : Alap Brahmbhatt / તસવીર-સૌજન્ય : આલાપ બ્રહ્મભટ્ટ

દોસ્ત આલાપ બ્રહ્મભટ્ટે, બરાબર એક વર્ષની 'પ્યારી'ની 10-10-2008ના દિવસે ઝડપેલી આ છબી, વિશ્વ તસવીરકળા દિવસે, તસવીરકળાના વિશ્વને અર્પણ ... 


Monday, August 18, 2014

'ચલચિત્રિય' આમંત્રણ





ઉપક્રમ :
સામાજિક કળાકાર સોનિયા દેઓત્તો દિગ્દર્શિત, મેક્સિકોને મહાત્મા સાથે મજબૂત રીતે જોડતા દસ્તાવેજી ચલચિત્ર 'ગાંધી ઇન મેક્સિકો : અ લૂક એટ નોન-વાયોલન્સ'ની રજૂઆત અને ચર્ચા

તારીખ : વીસ ઓગસ્ટ, ૨૦૧૪
વાર : બુધ
સમય : સાંજના પાંચ કલાકે
સ્થળ : અહિંસા સંશોધન ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Sunday, August 17, 2014

સોરઠી સંતવાણી, નાનક મેઘાણી, અને વાલ્મીકિ સમાજ

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

નાનક ઝવેરચંદ મેઘાણી (૧૯૩૧-૨૦૧૪)
P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સંનિષ્ઠ ગ્રંથવિક્રેતા અને સેવાભાવી પુસ્તકપ્રસારક નાનક ઝવેરચંદ મેઘાણી(૧૯૩૧-૨૦૧૪)ને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ આપવાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ ગયો. શ્યામલ ચાર રસ્તા પાસે, બિલેશ્વર મહાદેવના મંદિરની સામે, પાર્થસારથિ એવેન્યૂના કાન્હા ટાવરમાં, વાલ્મીકિ કલાકારોએ ‘સોરઠી સંતવાણી’માંથી પસંદ કરેલાં પંદરેક ભજનોની શબ્દ-સૂર-લય-તાલથી રમઝટ બોલાવી હતી. ત્રીજી ઓગસ્ટ, ૨૦૧૪ ને રવિવારની સાંજે સાડા પાંચથી સાડા સાત દરમ્યાન ગીત-સંગીત-ધ્વનિપ્રસારની બુલંદીથી ઇમારતના નવમા માળે આવેલો નાનક-નિવાસ ગાજી ઊઠ્યો હતો. નાનકભાઈનાં પત્ની કુસુમ મેઘાણી અને પુત્ર પિનાકી મેઘાણીએ આ અનોખી ભજન-વંદનાનું આયોજન કર્યું હતું. અહીં, ગાયક કલાકારો તરીકે ગંગારામ વાઘેલા અને પાયલ ગોરિયા હતાં. વાદ્યવૃંદમાં ચંદ્રકાંત સોલંકી, સચિન ગોરિયા, સુરજિત વાઘેલા તબલાના સંગે હતા. અશોક બારૈયાએ ઢોલક, ધનજીભાઈ ભૂતડીયાએ બેન્જો, અને મોહિત વાઘેલાએ મંજીરાની સંગતને જીવંત બનાવી હતી.

પાર્થસારથિ પરિસરના દરવાનને એ ખબર હતી કે, ‘નવસો ત્રણ’માં ભજનનો કાર્યક્રમ છે. ઇમારતના ભોંયતળિયે લિફ્ટના દરવાજા પાસે ‘નાનક મેઘાણીને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ’ની જાહેરાતનો કાગળ ચોંટાડેલો હતો. નિવાસસ્થાનના બેઠકખંડમાં કલાકારો, ભજનિકો, કુટુંબીજનો, મિત્રો, આમંત્રિતો સહિત પચાસેક ભાઈઓ-બહેનો ભાવાંજલિનાં સાક્ષી બન્યાં હતાં. જેમાં, ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમનાં અધ્યક્ષા અને અમદાવાદનાં પૂર્વ મેયર દર્શના વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ હતી. પિનાકીભાઈએ કરાચી, પાકિસ્તાનના વાલ્મીકિ સમાજના અગ્રણી અને મૂળ ગુજરાતી ચમનલાલ બારૈયાએ પાઠવેલા શોકસંદેશાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી સ્વરાંજલિનું સેટેલાઈટ વ્યવસ્થા (http://eevents.tv/meghani) થકી જીવંત પ્રસારણ થયું, જે ઇન્ટરનેટ ઉપર આશરે ૭૨૦૦ દર્શકોએ નિહાળ્યું!

‘સોરઠી સંતવાણી’ (સંપાદક : ઝવેરચંદ મેઘાણી, ‘પ્રસાર’) પુસ્તકના નિવેદન(૦૯-૦૪-૧૯૪૭)માં મહેન્દ્ર મેઘાણીએ ઝવેરચંદ મેઘાણી વિશે નોંધ્યું છે તેમ, “છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એમનું ચિત્ત સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું અને, એક સ્નેહીજને હવે એમનાં સંસ્મરણોમાં લખ્યું છે તેમ, પોતે નવાં કાવ્યો લખતા નહોતા કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા એ સાંભળતા હતા.” આ સ્વરાંજલિ કાર્યક્રમમાં ભાવકોને જાણે ઝવેરચંદ મેઘાણીની લાગણીના પડઘા સંભળાતા હતા! કારણ કે, ભજનવાણી થકી ગંગા સતીનાં ‘વીજળીને ચમકારે’, ‘મેરુ રે ડગે’, ‘શીલવંત સાધુને’; જેસલ-તોરલનાં ‘પાપ તારું પરકાશ જાડેજા’, ‘રોઈ રોઈ કોને સંભળાવું’; કાજી મહમદ શાહનું ‘જીયો વણઝારા’; ત્રિકમ સાહેબનું ‘સાધુ તેરો સંગડો’; દેવાયત પંડિતનું ‘ગુરુ ! તારો પાર ન પાયો’; અમર માનું ‘મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા’; હરજી ભાટીનું ‘વાગે ભડાકા ભારી, ભજનના’ અને અંતે ઝવેરચંદ મેઘાણી ખ્યાત ‘કસુંબીનો રંગ’ ઘૂંટાયો હતો.

‘સોરઠી સંતવાણી’ના પ્રવેશકમાં ઝવેરચંદ મેઘાણી લખે છે : “મહિના મહિનાની અજવાળી બીજની રાત્રિએ, કાઠિયાવાડના કોઈ પણ ગામમાં સૂતા હો, ગહરી નીંદરમાંથી જાગી જાઓ, તો સાંભળી શકશો – વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી રે હોજી.” આજના અમદાવાદમાં, પશ્ચિમે ઊગેલા સેટેલાઈટ વિસ્તારમાં, એક રવિવારે ગોરંભાયેલી ભર સાંજે, સદ્દગત ઝવેરચંદ મેઘાણીના સદ્દગત પુત્ર નાનકભાઈને, ‘સોરઠી સંતવાણી’ વાટે, વાલ્મીકિ કલાકારો ભજનના ભારે ભડાકા વગાડી સ્વરાંજલિ આપે એ સામાન્ય ઘટના નહીં, ભડાકાભેર સમાચાર છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................

સૌજન્ય :
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 13

Saturday, August 16, 2014

આશ્રમમાં અમલયુક્ત એકાદશવ્રત

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ગાંધીની વાત આવે એટલે ઓગણીસો પંદર આવે, ઓગણીસો પંદર આવે એટલે અમદાવાદ આવે, અમદાવાદ આવે એટલે આશ્રમ આવે, આશ્રમ આવે એટલે આચાર આવે! અહીં, અમલમાં મૂકવા માટે અંકે પૂરાં અગિયાર વ્રત છે. ગાંધીજી માટે આશ્રમ એટલે એકાદશ વ્રતોની અસરકારક આચારભૂમિ.

આશ્રમના બંધારણનો મુસદ્દો મે, ૧૯૧૫માં ઘડવામાં આવ્યો હતો. આ મુસદ્દો સુધારીને ત્રીજી આવૃત્તિ રૂપે નવેમ્બર, ૧૯૧૫માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા લિખિત ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ (મે, ૧૯૪૮) પુસ્તકને ‘અગ્નિસંભવ’ મથાળાથી આવકાર આપતા કાકા કાલેલકર લખે છે : “સન ૧૯૧૫માં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી તે પહેલાં ગાંધીજીએ એ આશ્રમની કલ્પના લખી કાઢી અને એને માટે બે ત્રણ નામો સૂચવી એક પરિપત્ર હિંદુસ્તાનના અનેક વિચારકો, સેવકો અને નેતાઓ ઉપર મોકલ્યું હતું. એની સાથે આશ્રમના વ્રતોનું વિવેચન પણ મૂક્યું હતું. એ ૧૧ વ્રતોમાંનાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ વ્રતો યોગમાર્ગમાં યમ તરીકે ઓળખાય છે. વૈદિક તેમ જ બૌદ્ધ, જૈન ઇત્યાદિ બધી જ પરંપરાઓમાં આ યમોનું મહત્વ બતાવેલું છે. રાજદ્વારી સ્વરાજ્ય મેળવવા માટે અને સામાજિક સુધારા દ્વારા બહુધર્મી ભારતીય જનતાના ઉદ્ધારને અર્થે ચલાવેલા આશ્રમમાં આ યમોની સુધારેલી આવૃત્તિ ફરી જાગ્રત થયેલી જોઈ, જૂના અને નવા બધા જ વિચારના લોકોને આશ્રમ વિષે કુતૂહલ અને આદરની લાગણી જન્મી.” (પૃષ્ઠ : 5)

વ્રતવિચારના અભ્યાસીને ઉપયોગી થશે એમ માની આશ્રમની નિયમાવલિમાંથી અગિયાર વ્રતો ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે આપવામાં આવ્યાં છે. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, જાતમહેનત, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતાનિવારણ, સહિષ્ણુતા એમ એકાદશ વ્રતોનો સમાવેશ થાય છે.

ગાંધીના મતે સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો સીમિત અર્થ સત્યનો કેવી રીતે હોઈ શકે?! એ તો ગાંધીજી છે એટલે જ સ્પષ્ટ કહે છે કે, ‘આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહ્લાદની જેમ માતાપિતાદિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.’ ગાંધી માટે ‘સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી.’ આ જ રીતે, પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ અહિંસાના વ્રતપાલનને માટે પૂરતું નથી! ગાંધી કહે છે કે, ‘અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ.’ ગાંધીજીના મતાનુસાર વ્રતપાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે. છતાં અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ કરે અને અન્યાયીએ આપેલાં કષ્ટ ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્વેષ કર્યા વિના સહન કરે.

‘પુરુષ પુરુષ વચ્ચે કે સ્ત્રી સ્ત્રી વચ્ચે કે બંનેની કોઈ વસ્તુ વિષે વિકારમય ચેષ્ટા પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.’ એવું કહેનાર ગાંધી એવું પણ સ્પષ્ટ માને છે કે, પતિ-પત્ની વચ્ચે વિષયભોગ નહીં, પણ મિત્રવત્ નિર્મળ સંબંધ હોવો જોઈએ. બ્રહ્મચર્યના વ્રત અંગે તેઓ એ બાબત ઉપર ખાસ ભાર મૂકે છે કે, ‘બ્રહ્મચારી કોઈ સ્ત્રી કે પુરુષ ઉપર કુદૃષ્ટિ ન કરે એટલું જ બસ નથી, પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહીં કરે.’ ગાંધીજીનો એવો અનુભવ છે કે, મનુષ્ય જ્યાં લગી જીભના રસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે. આથી તેમણે અસ્વાદને નોખું વ્રત ગણ્યું છે. ‘ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય; ભોગને અર્થે કદી નહીં. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે.’ એવું કહીને ગાંધી વિકાર ઉત્પન્ન કરે એવા મસાલાનો ત્યાગ, અને માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ કરે છે. આ ઉપરાંત, ગાંધીજી ‘અસ્વાદ’ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો પણ નિષેધ ફરમાવે છે!
 
બીજાની વસ્તુ તેની રજા વિના ન લેવી એટલી સામાન્ય સમજ આપણી જ હોઈ શકે, ‘અસ્તેય’ વ્રતની નહીં! આથી, ગાંધી સમજે અને સમજાવે છે કે, ‘જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદતને સારુ મળી હોય તેના કરતાં વધારે મુદત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે.’ આટલું જાણે ઓછું હોય તેમ ગાંધી માને છે કે, પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે. ‘અસ્તેય’ના પેટામાં જ ‘અપરિગ્રહ’ને જોઈ-જાણી શકતા ગાંધીજી દરેક આશ્રમજીવીને પોતાનું જીવન નિત્ય સાદું કરતાં જવાની સમજણ આપે છે. અપરિગ્રહ વ્રત અંગે ગાંધી ભારપૂર્વક કહે છે કે, ‘અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે.’ 

‘અસ્તેય’ અને ‘અપરિગ્રહ’ના પાલન માટે ‘જાતમહેનત’નું વ્રત ખરેખર જિંદાબાદ સાબિત થાય તેમ છે! ‘મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના ને પોતાના દ્રોહમાંથી બચી શકે.’ એવું સાફસાફ સંભળાવીને ગાંધી કહે છે : ‘જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવા યોગ્ય હોય તે આટોપી લેવું જોઈએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઈએ.’ આની સાથેસાથે ગાંધીજી એવું પણ સ્પષ્ટ કરે છે કે, બાળકો, અપંગો, વૃદ્ધોની સેવા કરવી એ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. ‘જાતમહેનત’ના આદર્શને અવલંબીને આશ્રમમાં અનિવાર્ય હોય ત્યાં જ મજૂરો રાખવામાં આવતા હતા. ને તેમની સાથે શેઠચાકરનો વહેવાર રાખવામાં આવતો નહોતો.

‘સ્વદેશી’ ભાવનાના પોષણથી સંસાર સુવ્યવસ્થિત રહી શકે, એવું માનનારા ગાંધીજી કહે છે કે, ‘દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઈ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશથી ન લાવીએ.’ જોકે તેમનું વ્યાપક દર્શન એ છે કે, ‘સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.’ ‘અભય’ વ્રતના મામલે ગાંધીજીની પ્રતીતિ છે કે, સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. સર્વત્ર ભયના વ્યાપમાં નિર્ભયતાનું ચિંતન અને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન આપનાર ગાંધીજી કહે છે, ‘જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.’ 

‘અસ્પૃશ્યતાનિવારણ’ને આશ્રમી નિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે, હિંદુધર્મમાં અસ્પૃશ્યતાની રૂઢિએ ઘાલેલી જડમાં ધર્મ નથી, પણ અધર્મ છે. આશ્રમ જાતિભેદને માનતું નથી અને આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી. આથી, ગાંધીજી કહે છે કે, ‘જાતિભેદથી હિંદુધર્મને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસાધર્મની ઘાતક છે.’ ગાંધીજી ‘સહિષ્ણુતા’ અંગે કહે છે કે, ‘જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો; પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે.’ 

આપણે એકાદશ વ્રતને સ્થૂળ અર્થમાં લેવાનાં નથી. પણ તેને સૂક્ષ્મ અર્થમાં સમજવાનાં છે. આશ્રમી વ્રતો માટે સીમિત નહીં, પણ વ્યાપક સમજ ઊભી કરવાની છે. એકાદશ વ્રતો એકબીજા સાથે ગૂઢ રીતે જોડાયેલાં છે, અને તેઓ જગતના સજીવોને ગાઢ રીતે જોડવા સક્ષમ છે. અગિયાર વ્રતો મનુષ્યનાં અંગ અને આત્મા, બુદ્ધિ અને હૃદય, મન અને કર્મ વચ્ચે આંતરસંબંધ ધરાવે છે. એકાદશ વ્રતોનું નિત્ય મનન અને પૂર્ણ પાલન જરૂરી છે. અગિયાર વ્રતોનો મુશ્કેલ પણ અશક્ય નહીં એવો અંગત અમલ જ જગત કલ્યાણ કરી શકે તેમ છે. આપણે ત્યાં ઇન્ડિયન ક્રિકેટ ઈલેવન, નાઈન બાય ઈલેવન, નૌ દો ગ્યારહ, કે અગિયારશના ઉપવાસ થકી જ અગિયારનો આંકડો ચર્ચામાં આવે છે. પણ અમદાવાદની આશ્રમભૂમિમાં અવતરણ પામેલાં અગિયાર વ્રતો પ્રામાણિક સ્વીકરણમાં અને ચુસ્ત આચરણમાં પરિણમે તો દુનિયાનાં ઘણાં દુઃખો શાંત થઈ જાય!
 
.................................................................................................................................

* સૌજન્ય :  
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03


Friday, August 15, 2014

ગાંધી આશ્રમમાં ખુદની ટપાલ ટિકિટની અનોખી વ્યવસ્થા!


ઇલા ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉદ્દઘાટક : ઈલા ભટ્ટ
તારીખ : પંદરમી ઓગસ્ટ, 2014, સવારે નવ કલાકે
સ્થળ : ગાંધી આશ્રમ, સાબરમતી, અમદાવાદ

મારા હૃદયમાં પડેલી એમની છબીઓ


- ડૉ. અશ્વિનકુમાર

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
.....................................................................................................................


માનવઅધિકાર માટે ફરજનિષ્ઠ પીટર બેનેન્સનને શબ્દાંજલિ, 'ભૂમિપુત્ર', ૦૧-૦૪-૨૦૦૫, પૃષ્ઠ : ૦૯

વિદ્યાર્થીઓનો ભારોભાર પ્રેમ મેળવનાર હળવાફૂલ શિક્ષક : બુચદાદા, 'દૃષ્ટિ', જાન્યુઆરી, ૨૦૦૬, પૃષ્ઠ :૦૪-૧૬

નાની પાલખીવાળાના મોટી પાયરીવાળા શિક્ષક : નસરવાનજી પાવરી, 'અભિદૃષ્ટિ', ડિસેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૨-૧૪

આપણા બોરીસાગરસાહેબ ! પુસ્તક : 'અમારા બોરીસાગરસાહેબ'
સંપાદક : ભિખેશ ભટ્ટ, પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ : ૦૭-૦૮ (પ્રકાશક : વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન, સાવરકુંડલા - ૩૬૪ ૫૧૫, જિલ્લો : અમરેલી)

ડૉ. રતન રુસ્તમજી માર્શલ, 'બુદ્ધિપ્રકાશ', ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦
પુનર્મુદ્રણ :
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૪–૧૦–૨૦૨૨
(ડૉ. રતન રુસ્તમજી માર્શલ જન્મદિન (૧૪–૧૦–૧૯૧૧) નિમિત્તે વિશેષ લેખ)
https://opinionmagazine.co.uk/dr-ratan-rustom-marshal/

સ્વર્ગ કેવળ વસે છે વર્ગમાં, ' 'ડૉ.ચંદ્રકાંત મહેતા : એક પ્રગટ સારસ્વત' અભિનંદન-ગ્રંથ '
સંપાદક : પ્રવીણ લહેરી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ, ૨૦૧૧, પૃષ્ઠ : ૧૧૮- ૧૧૯ (પ્રકાશક : ડૉ.ચંદ્રકાંત મહેતા સન્માન સમિતિ, અમદાવાદ )

સદાબહાર નીરુભાઈ દેસાઈની શતાબ્દી, 'નિરીક્ષક', ૦૧-૦૧-૨૦૧૨, પૃષ્ઠ : ૧૧

તિલક કરું રઘુવીરને, 'સ્મરણ-વંદન વિશેષાંક', 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ફેબ્રુઆરી, ૨૦૧૨, પૃ.૪૨-૪૪
પુનર્મુદ્રણ : 'અમૃતાથી ધરાધામ' (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૦૨) (ISBN 978-93-80125-58-9), સંપાદક : દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪; પૃષ્ઠ : ૪૨૦-૪૨૩ (પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯)

ગાંધીના ટપાલી, સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ'
સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ, પ્રથમ આવૃત્તિ, મે, ૨૦૧૨ ; પૃષ્ઠ : ૧૦૭-૧૦૮ (પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ)

ડૉ. વી.આર.મહેતાનો શતાયુ પ્રવેશ, 'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 11

તુષાર ભટ્ટ : પત્રકારત્વના શિક્ષક અને માર્ગદર્શક
સ્મૃતિગ્રંથ : નીડર પત્રકાર, પૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ
સંપાદક : કેતન રૂપેરા, પ્રકાશક : આર્ટ બુક હબ, નવજીવન બ્લોક્સ, અમદાવાદઆવૃત્તિ : પ્રથમ, વર્ષ : મે, 2014કુલ પાનાં : 07+191, લેખ-પૃષ્ઠાંક : 101-104

* નાનક મેઘાણી : સ્મરણોના ‘ગ્રંથાગાર’માં
'સંસ્મરણ', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૦૩-૦૮-૨૦૧૪, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬

* સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા // 'દિવ્ય ભાસ્કર વિશેષ'
                                ગાંધીવિચારના ભાષ્યકાર : કિશોરલાલ મશરૂવાળા
                                અર્થશાસ્ત્રી, ચરિત્રકાર, અનુવાદક : નરહરિ પરીખ
                                શ્રમિકોના સાથી : શંકરલાલ બેંકર
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, પૃષ્ઠ : ૧૨

અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૩-૨૦૧૬, મંગળવાર

મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર

'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૫-૨૦૧૬, મંગળવાર

* અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર


* 'જીવંતકળાગૌરવ અને ગાંધીગૌરવ રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર

સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૩-૨૦૧૭, ગુરુવાર, 'હાસ્યાંજલિ' (તારક મહેતા વિશેષ), પૃષ્ઠ : ૦૮

ગાંધીજીના તંબુનાં રખેવાળ શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

* મેક્સિકોનાં ભારતસ્થિત રાજદૂત(ઍમ્બૅસૅડર) મેલ્બા પ્રિઆ
ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૫-૨૦૧૭, રવિવાર

* વિનોદ ભટ્ટ
તમને હટાવવા અઘરા છે, સાહેબ'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* રમેશ બી. શાહ (૧૪-૧૧-૧૯૩૬)
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ : ૨), [૧૯૩૬થી ૧૯૫૦], સ્વાતંત્ર્યોત્તર યુગ - ૨
(નવલકથાકારો, વાર્તાકારો, ચરિત્રકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો-સંપાદકો)
સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ, સંદર્ભ સહાયક : ઇતુભાઈ કુરકુટિયા, પરામર્શક : રઘુવીર ચૌધરી
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ISBN : 978-81-939074-1-2
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૨૦૧૮, પૃષ્ઠ : ૩૧૯-૩૨૦

* મહાદેવ દેસાઈ : ગાંધીના રહસ્યસચિવ જેમને મેઘાણીએ 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કહ્યા હતા
બીબીસી ગુજરાતી, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨
https://www.bbc.com/gujarati/india-62553824

* નારાયણ દેસાઈ : ગાંધીવિચાર અને પ્રચારપ્રસારનું વિશ્વાસપાત્ર સરનામું
બીબીસી ગુજરાતી
૨૪-૧૨-૨૦૨૩, રવિવાર
https://www.bbc.com/gujarati/articles/ce5jg2dnkkno

Wednesday, August 13, 2014

વરિષ્ઠ તંત્રી અને પત્રકાર કીર્તિ ખત્રીનું વ્યાખ્યાન


કીર્તિ ખત્રી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ઉપક્રમ : વિશેષ વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી

ઉપસ્થિતિ : વરિષ્ઠ તંત્રી અને પત્રકાર કીર્તિ ખત્રી

વિષય : 'પત્રકારત્વમાં કચ્છ, કચ્છમાં પત્રકારત્વ'

તારીખ : ૧૩-૦૮-૨૦૧૪, બુધવાર

સમય : નમતા પહોરે ચાર કલાકે

સ્થળ : પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ


Sunday, August 10, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 845


'માલ-સામાન ફેરવવા વાહન મળશે.' 

ઉપરના વાક્યમાં અલગ-અલગ ઠેકાણે 'ભાડે' શબ્દ ગોઠવો! : 

'ભાડે માલ-સામાન ફેરવવા વાહન મળશે.' 
'માલ-સામાન ભાડે ફેરવવા વાહન મળશે.' 
'માલ-સામાન ફેરવવા ભાડે વાહન મળશે.' 
'માલ-સામાન ફેરવવા વાહન ભાડે મળશે.'


Saturday, August 9, 2014

છબી બહારની !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સંદર્ભ : 'છબી ભીતરની' પુસ્તકના લેખક, 'ઊંચા' તસવીર-કળાકાર અશ્વિન મહેતા
જગ્યા : અશ્વિન મહેતાના રહેઠાણનું પ્રવેશદ્વાર, તીથલના દરિયાકિનારે, વલસાડ
તારીખ : ૩૦-૧૦-૨૦૧૩
સમય : બપોરના ૦૧:૩૦


Friday, August 8, 2014

Thursday, August 7, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 844


‘મૃતકના સગાએ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’
ઉપરના વાક્યમાં દરેક શબ્દ આગળ 'અંતિમ' શબ્દ મૂકીને વાક્યમાં બદલાતા અર્થને જુઓ : 

‘અંતિમ મૃતકના સગાએ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના અંતિમ સગાએ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ અંતિમ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ શબની અંતિમ વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ શબની વિધિ અંતિમ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ શબની વિધિ કરતાં પહેલાં, અંતિમ સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના અંતિમ કાર્યાલયની બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની અંતિમ બારી ઉપર મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર અંતિમ મરણનું પ્રમાણપત્ર જમા કરાવવું.’

‘મૃતકના સગાએ શબની વિધિ કરતાં પહેલાં, સ્મશાનગૃહના કાર્યાલયની બારી ઉપર મરણનું અંતિમ પ્રમાણપત્ર જમા કરાવવું.’

આ દસ વાક્યો પૈકી કયું વાક્ય સાચું લાગે છે?!


Wednesday, August 6, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 843


‘શબની અંતિમ વિધિ કરતાં પહેલાં, ડૉક્ટરનું મરણ પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત છે.’

‘શબની અંતિમ વિધિ કરતાં પહેલાં, ડૉક્ટરે આપેલું મરણ પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત છે.’


Tuesday, August 5, 2014

નાનક મેઘાણીને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ

તારીખ : ૦૩-૦૮-૨૦૧૪, રવિવાર

સમય : સાંજના સાડા પાંચથી સાડા સાત

સ્થળ : નાનક મેઘાણી નિવાસસ્થાન, સેટેલાઈટ વિસ્તાર, અમદાવાદ

ગાયક કલાકારો : ગંગારામ વાઘેલા અને પાયલ ગોરિયા
વાદ્યવૃંદ : ચંદ્રકાંત સોલંકી, સચિન ગોરિયા, સુરજિત વાઘેલા, અશોક બારૈયા, ધનજીભાઈ ભૂતડીયા, મોહિત વાઘેલા

નવમા માળે નાનકનિવાસથી સેટેલાઈટ વિસ્તારનો નમૂનો
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગાયક-કલાકારો અને વાદ્ય-વૃંદ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

'સોરઠી સંતવાણી'નું સાત સમંદર પાર જીવંત પ્રસારણ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


નાનકભાઈનાં પત્ની કુસુમ મેઘાણી, અમદાવાદનાં પૂર્વ મેયર દર્શના વાઘેલા, નાનકભાઈના દીકરા પિનાકી મેઘાણી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

નાનક મેઘાણીને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ

Monday, August 4, 2014

નાનક મેઘાણી : સ્મરણોના ‘ગ્રંથાગાર’માં


ડૉ. અશ્વિનકુમાર
................................................................................................................................. 

નાનક મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નાનક ઝવેરચંદ મેઘાણી (૨૯-૧૨-૧૯૩૧થી ૨૦-૦૭-૨૦૧૪) એટલે સેવાવ્રતી ગ્રંથવિક્રેતા અને સુરુચિપૂર્ણ પ્રકાશક. તેઓ વ્યવસાય થકી પુસ્તકચાહક અને વ્યવહાર થકી વાચકચાહક હતા. નાનક મેઘાણી અને ‘ગ્રંથાગાર’ એક જ હૃદયના અનન્ય ધબકાર હતાં. ઉમાશંકર જોશીથી માંડીને યશવંત શુક્લ, નિરંજન ભગતથી માંડીને પ્રકાશ ન. શાહ સુધીના કવિઓ-કતારલેખકો-વિવેચકો-પત્રકારો ‘ગ્રંથાગાર’ના મુલાકાતીઓ-ચાહકો-વાચકો-ગ્રાહકો હતા. આ અર્થમાં ‘ગ્રંથાગાર’ને ‘અમદાવાદમાં અક્ષર-પુરુષોત્તમોનો અડ્ડો’ કહી શકાય! સાર્થક, સાદગીસભર, સમર્પિત જીવન કેવી રીતે માણી શકાય એનું હૈયાવગુ ઉદાહરણ એટલે નાનકભાઈ મેઘાણી. શ્યામળો ચહેરો, ઘણું જોઈ-જાણી શકતી મોટી આંખો, સાધારણ કદ-કાઠી, અને ભાર વિનાનું જીવતર ધરાવતા નાનકભાઈને મળીએ એટલે આપણને માણસ હોવાનું ગૌરવ થાય!

વીસમી સદીનાં એ અંતિમ વર્ષોમાં, અમે પુસ્તકોને મળવા એક વાર ગ્રંથાલયના બદલે ‘ગ્રંથાગાર’માં પહોંચી ગયા ત્યારે, નાનક મેઘાણી સાથે પહેલવહેલો (અને આમ ઘણો મોડો!) પરિચય થયો. એ વખતે ગુજરાત યુનિવર્સિટીના ભૂગોળ ભવનની સામે આવેલા મકાનમાં ‘ગ્રંથાગાર’નું ઠેકાણું હતું. પ્રથમ દૃષ્ટિએ અમે એમના પુસ્તકપ્રેમમાં પડી ગયા હતા! નાનકભાઈએ પહેલાં આવકાર આપ્યો અને પછી પુસ્તકોની વિગતો આપી. તેઓ જાણે ચુસ્ત સંપાદન કરી રાખ્યું હોય એમ વાક્યપ્રયોગો કરતા હતા. એમનાં ગ્રંથકાર્ય-સહયોગી હંસાબહેને પણ શબ્દો બહુ ઓછા ઉચ્ચાર્યાં અને સ્મિત ઘણું વધારે રેલાવ્યું. નાનકભાઈએ અને હંસાબહેને તલસાંકળી-શિંગચીકીથી ચિકાર ડબ્બો અમારી આગળ ખુલ્લો જાહેર કરી દીધો.

એકવીસમી સદીનાં એ પ્રારંભિક વર્ષોમાં, અમને વિદ્યાવાચસ્પતિ(પીએચ. ડી.)ના સંશોધનકાર્ય દરમ્યાન ‘દલિત ડાયરી : ૧૯૯૯-૨૦૦૩ : રીફ્લેક્શન્સ ઓન એપાર્થીડ ઇન ઇંડિયા’ નામના ગ્રંથની અનિવાર્યતા જણાઈ. આ પુસ્તકના લેખક ચંદ્ર ભાણ પ્રસાદ ઉત્તર ભારતમાં, પુસ્તક પ્રસિદ્ધ કરનાર ‘નવયાન પ્રકાશન’ દક્ષિણ ભારતમાં, અને અમે પશ્ચિમ ભારતમાં હતા! પુસ્તક વાંચવા-ખરીદવા હાથ-પગ ચલાવ્યા, પણ ભવ્ય નિષ્ફળતા મળી. આવા સંકટ સમયે ગ્રંથવી નાનક મેઘાણી યાદ આવ્યા. થોડાક દિવસોમાં ‘ગ્રંથાગાર’માંથી જીવનમિત્રાના સહયોગ થકી અમારા ઘરે આ પુસ્તકનાં પાવન પગલાં થયાં એનાથી રોમાંચક ઘટના બીજી કઈ હોઈ શકે?!

અમદાવાદના આશ્રમમાર્ગ ઉપર ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનમાં કોઈ ને કોઈ કાર્યક્રમમાં જવાનું થાય ત્યારે ‘ગ્રંથાગાર’માં હાઉકલું કર્યા વિના ન રહેવાય. એ માણસોને ‘ભાગ્યરેખાની નીચે’ ગણવા કે જેમને હેતાળ નાનકભાઈનો આવકાર અને સ્મિતાળ હંસાબહેનનું આતિથ્ય માણવા મળ્યાં ન હોય! વાચનરસિયાઓએ ‘ગ્રંથાગાર’માં પુસ્તકો ખરીદવા કરતાં વાંચવાનો આનંદ વધારે મેળવ્યો હશે. વાચનવીરોને પુસ્તકોની જાણકારી અને વાચનઅવસરની બેવડી યોજનાનો લાભ ‘ગ્રંથાગાર’ થકી મળ્યો છે. રવીન્દ્રનાથ ઠાકુરના જીવનનાં અંતિમ વર્ષોને છબીમાં કાયમ કરનાર તસવીરકાર શંભુ શહાનું શ્વેત-શ્યામ પુસ્તક ‘ફેસીસ એન્ડ પ્લેસીસ ઓફ વિશ્વ-ભારતી : એ કલેક્શન ઓફ ફોટોગ્રાફ્સ’ અમને નાનકભાઈએ જ ‘ગ્રંથાગાર’માં બતાવ્યું હતું. અમે એ સચિત્ર પુસ્તકને સ્થળ ઉપર જ ધરાઈને માણી લીધું હતું !

બે હજાર તેરમાં એકત્રીસ ઓગસ્ટની સાંજે ‘ગ્રંથાગાર’ કાયમ માટે આથમી ગયું. આપણે તો ગૂર્જર ભૂમિમાં હાથીની અંબાડી ઉપર ચઢેલા ગ્રંથની વાત સાંભળી હોય, જયારે અહીં તો ઘોડાની પીઠ ઉપરથી ઊતરી ગયેલાં પુસ્તકોની વાસ્તવિકતા હતી! એ દૃશ્ય સ્વીકારવા મન તૈયાર નહોતું. પણ હૃદયથી નક્કી કર્યું કે, નાનકભાઈ અને હંસાબહેન સાથે ‘ગ્રંથાગાર’ના છેલ્લા કલાકોની મોંઘેરી યાદ કાયમી કરી લેવી. કેટલાક વાચનજીવી મિત્રો અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે અમે ‘ગ્રંથાગાર’માં અસરકારી ગ્રંથોત્સવ માણ્યો. પુસ્તકોની દુનિયાની આસપાસની-આરપારની ગોઠડી થઈ. વ્યંગ-રમૂજના ફુવારાથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું. નાનકભાઈ-હંસાબહેન તરફથી મીઠાઈનો ભારે આગ્રહ અને અમારા મિત્ર-વર્તુળ તરફથી તેનો અતિ ભારે અમલ થતો ગયો.

શાંતિનિકેતન આશ્રમિક સંઘ, અમદાવાદ વતી નાનકભાઈના ખુદના ‘પરિમાણ પ્રકાશન’ દ્વારા પ્રગટ થયેલું ક્ષિતિમોહન સેનનું ‘સાધનાત્રયી’ પુસ્તક નાનકભાઈએ અમને ભેટરૂપે આપ્યું. અમે કપિલા વાત્સ્યાયન દ્વારા લિખિત પુસ્તક ‘પરંપરાગત ભારતીય નાટ્યરંગ : બહુવિધ પ્રવાહો’ સંભારણાં સ્વરૂપે ખરીદ્યું. જેથી કરીને છેલ્લા દિવસે પણ, ‘અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું’ જેવા ધ્યેયમંત્રથી અંકિત થયેલું રોકડ બિલ યાદગીરી રૂપે મળે! અમે નાનકભાઈની અને હંસાબહેનની સાથે મિત્રો-વિદ્યાર્થીઓની સમૂહ તસવીરો લીધી. છેવટે, નાનકભાઈને શુભેચ્છા પાઠવીને અમે ભાવભરી વિદાય લીધી. ‘ગ્રંથાગાર’(૧૯૭૭-૨૦૧૩)નો સંકેલો કર્યાને હજુ એક વર્ષ પણ પૂરું થયું નહોતું ત્યાં તો નાનકભાઈ ‘સ્મરણો પાનાં પાનાં’ મૂકીને કાયમ માટે ‘ગ્રંથલીન’ થઈ ગયા.

ગુજરાતી વેપારીઓ ઘણું વેચે છે અને વેચતા રહેશે. ગુજરાતી પ્રજા ખાઈને ખરીદે છે અને ખરીદીને ખાય છે. પશ્ચિમ અમદાવાદમાં ઘણાં શોપિંગ મોલ અને સુપર માર્કેટ ખુલી ગયાં છે. ઓન લાઇન શોપિંગથી પુસ્તકો ખરીદવામાં મોજની સાથે મોભો પણ પડે છે. સામા છેડે, પૂર્વ અમદાવાદમાં ગુજરી બજારમાંથી ઓછી કિંમતે વધારે પુસ્તકો ખરીદવા માટે રવિવાર પૂરતાં વહેલાં ઊઠનારા જાગ્રતજન પણ છે. ગ્રંથાલયો અને ગ્રંથભંડારોનું સ્વરૂપ બદલાશે પણ મહત્વ જળવાઈ રહેશે. પુસ્તક-પ્રદર્શન અને પુસ્તક-મેળા યોજાતાં રહેવાનાં છે. આડી-ઊભી કે વાંકી-ત્રાંસી પણ વાચનની આદત અને પુસ્તકોની મજા પડતી રહેવાની છે. યાદગાર ‘ગ્રંથાગાર’ની અમારા હૃદયમાં પડેલી છબી હંમેશાં તાજી રહેવાની છે. કેવળ એક જ સવાલ મૂંઝવે છે કે, આપણા ગ્રંથજગતમાં ‘નાનક યુગ’ ફરી ક્યારેય આવશે ખરો?

.................................................................................................................................

સૌજન્ય :

'સંસ્મરણ'
'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૦૩-૦૮-૨૦૧૪, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬

Sunday, August 3, 2014

નાનક મેઘાણી વિશેનો પ્રકાશિત થયેલો લેખ




સૌજન્ય :

'સંસ્મરણ'
'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૦૩-૦૮-૨૦૧૪, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬

http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/03082014/0/1/

ભાષાની મજા, મજાની ભાષા - 842


'શહેરના કેટલાક વિસ્તારોને ફરી ટી.પી. આપવામાં આવશે.' 

'શહેરના કેટલાક વિસ્તારોને ફરી ટીપી આપવામાં આવશે.' (!)