Thursday, May 2, 2024

બીમાર હોઉં તો શું ?

નોંધ

બીમાર હોઉં તો શું ?

એક જણ મને જણાવે છે કે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન એવો સવાલ પૂછી રહી છે કે, હું બીમાર અને પથારીવશ છું ત્યારે સામે આવી રહેલી અહિંસક લડતને દોરવાની ઉમેદ કઈ રીતે રાખી શકું છું? એ ખરું. પણ દાક્તરોએ હજી મને એટલો બધો બીમાર જાહેર કર્યો નથી. મારું શરીર અત્યંત થાકી ગયેલું હોવાથી તેમણે મને આરામ લેવાની અને પંદરેક દિવસને માટે વધારે ઠંડી જગાએ હવાફેર માટે જવાની સલાહ આપી છે. આરામ મેળવવાને માટે તો હું મથી જ રહ્યો છું. પણ કેટલીક વાર કર્તવ્યનું ભાન અથવા કહો કે દિલનો જોશ અથવા મારો મોહ મને આરામ લેવા દેતાં નથી. પણ મુદ્દાની વાત એ છે કે, જ્યાં સુધી મગજની શક્તિઓ સાબૂત છે ત્યાં સુધી શારીરિક માંદગી એ અહિંસક લડતની દોરવણીને માટે અંતરાયરૂપ નથી. અહિંસક આચરણની પાછળ એક એવી અફર શ્રદ્ધા રહેલી છે કે સર્વ પ્રેરણાનું મૂળ ઈશ્વર જ છે અને તે પરોક્ષ ઈશ્વરનું દર્શન અથવા અનુભવ અજેય શ્રદ્ધા વિના થઈ શકતું નથી. તે છતાં એક સાધક અને સત્યના પ્રયોગ કરનાર તરીકે હું જાણું છું કે શરીરની માંદગી અથવા થાક પણ અહિંસક આચરણ કરનારને માટે ખામીરૂપ છે. સત્ય અને અહિંસાના ભક્તો ‘તંદુરસ્ત શરીરમાં પૂર્ણ આરોગ્યવાળું મન વસે છે.' એ સિદ્ધાંતને અક્ષરશઃ સ્વીકારે છે; પરંતુ એ તો પૂર્ણ મનુષ્યોને માટે કહેવાયેલું છે. મને એનો ખેદ છે કે હું તો હજુ એ પૂર્ણતાને ઝંખતો છતાં એનાથી ક્યાંય દૂર છું.

૭૬:૩૦૫

No comments:

Post a Comment