Monday, July 29, 2024

અખબારી નોંધ (Press Note)


ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી


કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે વ્યા.સ. મંદિર અર્થાત્ વ્યાવસાયિક સજ્જતા મંદિરના પ્રારંભની કરેલી જાહેરાત


ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ત્રિદિવસીય શિક્ષણ-કાર્યશાળાનું આયોજન 

 

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રારંભ ૨૯-૦૭-૨૦૨૦ના દિવસે કરવામાં આવ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ દિવસને ધ્યાનમાં રાખીને, ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૨૯-૦૭-૨૦૨૪ના રોજ, હીરક મહોત્સવ સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનો સમયસર પ્રારંભ વિદ્યાપીઠ-ગાન સાથે થયો હતો.


ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ વિદ્યાશાખાનાં અધ્યક્ષ અને ડીનશ્રી તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ વિષયક જવાબદારી સંભાળતાં નોડલ અધિકારી પ્રા. દીપુબા દેવડાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ગૂજરાત વિદ્યાપીઠ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉચ્ચ શિક્ષણ સંબંધિત ભલામણોનું ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ’ વિશે મુદ્દાસર અને રસપ્રદ રજૂઆત કરી હતી.  તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂળ દસ્તાવેજની વિવિધ બાબતોને ટાંકીને ગૂજરાત વિદ્યાપીઠની ગાંધીવિચાર આધારિત સર્વાંગી શિક્ષણ-વ્યવસ્થા, સમાજ-અનુબંધિત અભ્યાસક્રમ, બહુવિદ્યાશાખાકીય અભિગમ, સ્થાનિક ભાષામાં શિક્ષણ, અભ્યાસક્રમોમાં શિક્ષણ-પ્રશિક્ષણ, તાલીમ-ક્ષેત્રકાર્ય, અભ્યાસક્રમોનું અદ્યતનીકરણ, અધ્યાપન-પદ્ધતિઓ, પ્રાર્થના, યોગ, પદયાત્રા, શિબિર, પ્રવાસ, કેન્દ્ર-નિવાસ, સમૂહજીવન થકી જીવન-ઘડતર અને વ્યક્તિત્વ-વિકાસ, શિક્ષણમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો વિનિયોગ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સુવિધાસજ્જ પરિસર, ‘સ્વપ્ન’ પ્રકલ્પથી માંડીને કલાભવન, પુસ્તકાલયથી માંડીને છાત્રાલય અને પરિસંવાદખંડથી માંડીને પ્રયોગશાળાની સગવડનો વિગતે પરિચય કરાવ્યો હતો.    


કાર્યક્રમના અધ્યક્ષ અને ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્ભવ અને અમલીકરણની રૂપરેખા આપી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાદી સમજણ આપતા કહ્યું હતું કે, ‘બુનિયાદી શિક્ષણ વત્તા યંત્રવિદ્યા(પ્રૌદ્યોગિકી) એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’. તેમણે જીવન-ઉપયોગી અસલ કેળવણી આપતી ગૂજરાત વિદ્યાપીઠ સમયની સાથે તાલ મિલાવીને યંત્રવિદ્યાનો ઉપયોગ કરે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાર્થક થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કુલપતિશ્રીએ વર્ષ 1920માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભના સમયમાં ઘડાયેલા વિવિધ અભ્યાસક્રમો આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેટલા પ્રાસંગિક છે એને ઉદાહરણ આપીને સમજાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની કેળવણી વિશે વિવિધ વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંશોધન-નિબંધ તૈયાર કરાવવા માટે અધ્યાપકોને અનુરોધ કર્યો હતો. 


કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ઓગસ્ટ, 2024માં માનવ સંસાધન વિકાસ કેન્દ્ર (Human Resource Development Centre) અંતર્ગત વ્યાવસાયિક સજ્જતા મંદિર એટલે કે વ્યા.સ. મંદિરના પ્રારંભની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ‘વર્ગશિક્ષણ વિષયક પદ્ધતિશાસ્ત્ર’ની ત્રિદિવસીય કાર્યશાળાના આયોજનની પણ જાહેરાત કરી હતી.


રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લોકાર્પણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાના વિભાગોના અધ્યાપકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.


(અખબારી નોંધ : લેખન અને સંપાદન : ડૉ. અશ્વિનકુમાર)

No comments:

Post a Comment