Tuesday, October 1, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી

અખબારી યાદી (પ્રેસ નોટ)

ગૂજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી

૦ આકાશવાણીના ગાયકવૃંદ દ્વારા ગાંધીજીનાં પ્રિય ભજનોની રજૂઆત

૦ કુલાધિપતિશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક વ્યાખ્યાન

૦ મહાત્મા માનપત્ર ખંડનું લોકાર્પણ

૦ પ્રદૂષણ રહિત, પર્યાવરણ સુરક્ષિત વાહનનું લોકાર્પણ

૦ જમનાલાલ બજાજ કલાકક્ષનું લોકાર્પણ

૦ પરિસરમાં સમૂહ સફાઈ અભિયાન

૦ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાકૃતિક ખેતી માટે શિબિરનું આયોજન

તા. 2 ઑક્ટોબર, 2024 ને બુધવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરમાં મહાત્મા ગાંધીજીની 155મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે, ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણી કાર્યક્રમમાં આકાશવાણી, અમદાવાદના ગાયકવૃંદ દ્વારા મહાત્મા ગાંધીજીનાં પ્રિય ભજનો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં યોજાશે. જેમાં શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ભજન કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીનાં જીવનમૂલ્યો અને તેમના વિચારોનું સ્મરણ કરવામાં આવશે. આ સાથે, ગાંધીજીનાં વિચારો અને મૂલ્યોને પુનઃ પ્રતિબિંબિત કરીને સમાજમાં ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 1800 વ્યક્તિઓ ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે. ગુજરાતનાં કુલ 18,000 ગામડાંમાં તા. 21 થી 26 ઑક્ટોબર 2024 એમ કુલ 6 દિવસો દરમિયાન પ્રાકૃતિક ખેતી આધારિત ‘સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંપદા સંરક્ષણનું મહાઅભિયાન’ આદરવામાં આવશે. ગાંધીજીના રચનાત્મક અને રાષ્ટ્રપોષક વિચારોને કટિબદ્ધ કરવાના હેતુને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશો સાથે આદરણીય કુલાધિપતિશ્રી 1800 પદયાત્રીઓને પ્રાકૃતિક ખેતી અંગે અભિમુખ કરશે.

મહાત્મા ગાંધીજીને વિશ્વભરમાંથી મળેલાં માનપત્રો અને પ્રશસ્તિપત્રોના વિશિષ્ટ પ્રદર્શન માટે, પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રથમ માળે, ગાંધી મૌનખંડની બાજુમાં માનપત્ર ખંડનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ગાંધીજીના જીવનનાં મૂલ્યો અને વિશ્વભરમાં તેમના પ્રત્યેના આદરને ઉજાગર કરનાર કુલ 26 જેટલાં સન્માનપત્રો રજૂ કરવામાં આવશે. જે ગાંધીજીના વિચારો પ્રત્યેના આદરભાવ સાથે તેમને વિશ્વભરમાં આપવામાં આવેલાં માનની પ્રતીતિ કરાવે છે.

વિદ્યાપીઠમાં પર્યાવરણ અને સ્વચ્છતાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ રહિત અને પર્યાવરણને અનુકૂળ વાહનોનો પ્રચાર કરવા માટે આદરણીય કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પર્યાવરણ સુરક્ષિત વાહનનું લોકાર્પણ કરવામાં આવશે.

ગૂજરાત વિદ્યાપીઠમાં વિજ્ઞાન અને કલા શાખાના વિકાસ માટે જમનાલાલ બજાજ કલાકક્ષનું લોકાર્પણ કરવામાં આવશે. આ કલાકક્ષ વિદ્યાર્થીઓને નવીન વિચારો અને સર્જનાત્મકતા તરફ પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત કરવામાં આવશે.

વિદ્યાપીઠના પરિસરમાં શ્રમદાન અને સ્વચ્છતા માટે મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરતા, સમગ્ર પરિસરમાં સામૂહિક સફાઈનું આયોજન કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

તા. ૨ ઑક્ટોબરથી ૬ ઑક્ટોબર દરમ્યાન પ્રાકૃતિક ખેતી માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પદયાત્રીઓ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેતી સંબંધિત જ્ઞાન અને અનુભવોને ગુજરાતનાં ગામડાંમાં ફેલાવી શકે તથા ખેતરોમાં કાર્યક્ષમ રીતે તેનો અમલ કરી શકે. શિબિરમાં પ્રાકૃતિક ખેતીનાં વિવિધ પાસાં જેવાં કે જમીનનું સ્વાસ્થ્ય, પાણીનો સચોટ ઉપયોગ, બીજ જાતિ સંરક્ષણ અને રાસાયણિક ખાતરોના વિકલ્પો વિશે ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓના જૂથ અનુસાર કુલ 1800 પદયાત્રીઓને ચાર જૂથોમાં પ્રતિજૂથ 200 પદયાત્રીઓને સૈદ્ધાંતિક તેમજ આઠ જૂથોમાં પ્રતિજૂથ 50 પદયાત્રીઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. ગૂજરાત વિદ્યાપીઠનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના નિયામકશ્રીઓ તથા વિષયનિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે.

તા. ૦૧-૧૦-૨૦૨૪           કા. કુલસચિવ
અમદાવાદ                  ગૂજરાત વિદ્યાપીઠ

તા. ક. : પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ મુકામે, ૦૨-૧૦-૨૦૨૪ ને બુધવારના રોજ, સવારે ૮:૩૦ સુધીમાં સ્થાન લઈ લેવા વિનંતિ.

🙏

No comments:

Post a Comment