Tuesday, September 30, 2014

વડીલ વચ્ચે વિદ્યાર્થીઓ : આયખાના અનુભવોનું આલેખન


ઈ.સ. ૨૦૦૯માં પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય સેવા યોજના શિબિર
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર



Monday, September 29, 2014

ખરી કેળવણી, ગામ ભણી


૨૦૦૯માં જૂનાગઢ જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Friday, September 26, 2014

મિત્રો સાથે ખૂબ મજા આવી, રસ્તામાં મજાની નદી આવી

ડાભછત્રા ગામ તરફ જતાં 

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Thursday, September 25, 2014

ભોમિયા વિના મારે ભમવા'તા ભોંખરા !


ગામ : ડાભછત્રા, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા

P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્થાનિક આદિવાસી બોલીમાં 'ભોંખરા' એટલે 'ડુંગરા' !


Wednesday, September 24, 2014

અંતરિયાળ ગામના છેવટજન સાથે


ગામ : કેંગોરા, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Tuesday, September 23, 2014

અનુસ્નાતક વિદ્યાર્થીઓ સાથે અનુભવસ્નાતક માલધારી!


ઈશારીયા ગામ, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા 

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે


૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Sunday, September 21, 2014

ઈ.સ. ૨૦૧૪માં બનાસકાંઠામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા


તારીખ : 22-09-2014થી 25-09-2014, સોમવારથી ગુરુવાર
સ્થાનિક સહયોગી સંસ્થા : સંવેદના ટ્રસ્ટ, ધોળીભાંખરી, વિરમપુર
પદયાત્રાનાં ગામ : ભાયલા, ઈશારીયા, કેંગોરા, ડાભછત્રા
તાલુકો : અમીરગઢ
જિલ્લો : બનાસકાંઠા


Thursday, September 18, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 853


અમદાવાદના આંગણે પધારેલા, ચીનના રાષ્ટ્રપ્રમુખ Xi Jinpingના નામની સાચી ગુજરાતી જોડણી કઈ લખવી? : 


શી જિનપિંગ

શી જીનપીંગ 

શી ઝિનપિંગ

શી ઝીનપીંગ 


ક્ષી જિનપિંગ

ક્ષી જીનપીંગ 

ક્ષી ઝિનપિંગ

ક્ષી ઝીનપીંગ


ઝી જિનપિંગ

ઝી જીનપીંગ 

ઝી ઝિનપિંગ

ઝી ઝીનપીંગ


આ સિવાયની જોડણી પણ કેમ શક્ય ન હોઈ શકે?!

જોકે, Xi Jinpingના નામનો સાચો ઉચ્ચાર શી ચિનફિંગ થાય છે!


Wednesday, September 17, 2014

શિયાળો, ઉનાળો, અને ભૂવાળો

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

આપણા શહેરમાં સગાં-વહાલાં, મિત્રો-પરિચિતો એકબીજાને ફોનાફોની કરીને ‘હવા-પાણી કેમ છે?’ના બદલે ‘ભૂવા-પાણી કેમ છે?’ એવું પૂછે છે. આથી, વ્યવસ્થાતંત્રમાં જેમ હવામાન ખાતું એમ ભૂવામાન ખાતું હોવું જોઈએ, જે ભૂવાઓ વિશેની ભોંયકૂંડાળી લખતી આગાહી કરે. શહેરમાં વરસાદની આવક અને તીવ્રતા કેટલાં ઇંચ પાણી પડ્યું એના આધારે નહીં, પણ કેટલા ફૂટનો ભૂવો પડ્યો એના આધારે માપવી જોઈએ. શહેરી જળઆપત્તિ વિભાગે ભૂવા થકી જળસંચય કરીને ભૂગર્ભજળનાં તળ ઊંચાં લાવવાની પાણીદાર તક ગુમાવવા જેવી નથી. સમસ્ત ઓડિશામાં એક જ ભુવનેશ્વર, બૃહદ મુંબઈમાં એક જ ભૂલેશ્વર, પણ અમદાવાદમાં અનેક ભૂવેશ્વર જોવા મળે છે. આ વખતે એકલા અમદાવાદ શહેરમાં બસોથી વધારે ભૂવા નોંધાયા છે. અન્ય શહેરોમાં પણ ભૂવાની વસ્તી-ગણતરી કરવામાં આવે તો ગામડાં કરતાં શહેરોમાં વધુ સંખ્યામાં ભૂવા ધૂણી રહ્યા છે, એવું તારણ નીકળી શકે. મોસમ-પરિવર્તનની અસર સ્વીકારો કે ના સ્વીકારો, નગર-જીવનમાં શિયાળો, ઉનાળો, પછી ભૂવાળો આવે છે. સાચું કહીએ તો, અમને પણ ભૂતાવળ કરતાં ભૂવાતળનો ડર વધારે લાગે છે!

ગ્રામપ્રધાન દેશમાં ભૂવાનું પડવું એ સંપૂર્ણ શહેરી ઘટના છે. જોકે, શહેરના રસ્તા ઉપર ઠેરઠેર ભૂવા જોવા મળે છે, પણ મૂઈ એકે ભૂવી નથી જોવા મળતી. આમ, ‘ભૂવો’ એ લિંગસમાનતાના મુદ્દે સંવેદનશૂન્ય ઘટના છે. જીવનમાર્ગ તંગ થવાથી ગામડામાં કોઈ કૂવો પૂરે છે તો માર્ગજીવન ભંગ થવાથી શહેરમાં કોઈ ભૂવો પૂરે છે. સારા ઘરનો માણસ ભૂવામાં પડી જાય એનો અર્થ એટલો કાઢવાનો કે એ સજ્જન કોઈ પણ પ્રકારનો ગુનો કર્યા વગર ભૂગર્ભમાં જતો રહ્યો. આથી, ભોગલેણ ભૂવા માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય ત્યાં તેના નામની તકતી મુકાવવી જોઈએ. ઉદાહરણ તરીકે, જે ભૂવા-રચના માટે પ્રભુભાઈ નામનો કોન્ટ્રાક્ટર કારણભૂત હોય તો એ ભૂવા આગળ ‘પ્રભુકૃપા ભૂવાન’ લખી શકાય. હવામાનશાસ્ત્રીઓ દ્વારા જો વાવાઝોડાંને આગોતરાં નામ આપી શકાતાં હોય તો ભૂવા-ભોમિયા દ્વારા શહેરના ભૂવાઓને ત્વરિત નામ કેમ ન આપી શકાય? વાડજમાં ભૂવો પડે તો તેનું નામ ભૂવાડજ રાખવું. આ રીતે અસારવા માટે અસારભૂવા નામ રાખી શકાય. જો ભૂલાભાઈ પાર્ક આગળ નિયમિત ભૂવા પડે તો તેનું નામ બદલીને ભૂવાભાઈ પાર્ક કરી શકાય.

આપણા દેશમાં કાબેલ રમતવીરો નથી, એ મહેણું ભાંગવું હોય તો એના ઉકેલો ભૂવામાં પડ્યા છે. ભૂવો આફત નથી, અવસર છે. દા.ત. લાંબી કૂદમાં કૌશલ્ય હાંસલ કરવું હોય તો, રમતવીરોને કાચી વયથી જ અલગ-અલગ આકાર-પ્રકારના ભૂવા કૂદવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. એક પણ પૈસાના ખર્ચ વગરની, ‘ભૂવાકૂદ’ નામની સ્થાનિક રમત લાંબા ગાળે વૈશ્વિક કક્ષાનું ગજું કાઢી શકે એમ છે. કુલરાષ્ટ્ર રમતોત્સવ કે રાષ્ટ્રકુલ રમતોત્સવમાં ‘ભૂવાકૂદ’ની રમતનો સમાવેશ થાય એ માટે નવરંગપુરા, ઉસ્માનપુરા, મીઠાખળી, પાલડી, વસ્ત્રાપુર જેવા શહેરી વિસ્તારોનાં સમસ્ત યુવક મંડળોએ અલાયદું ફેસબૂક પેજ ખોલીને ઓનલાઇન ક્રાંતિની જ્યોત સદાય જલતી રાખવી જોઈએ. સાબરકાંઠામાં જન્મેલા ઉમાશંકર જોશી ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત લખીને પ્રસિદ્ધ થઈ ગયા. પણ સાબરમતીના તીરે ઊછરેલા પાછરેલા આપણા કોઈ કવિએ, ‘ભૂવા વિના મારે ભેદવા’તા રસ્તા’ જેવું ગીતડું રચીને તેનું કોઈ ભૂવાકાંઠે દોઢ ડઝન અન્ય કવિઓ અને પોણો ડઝન અનન્ય શ્રોતાઓ આગળ પઠન કરવું જોઈએ.

રસ્તા ઉપર ધાર્મિક સ્થળો ગેરકાયદેસર ગણાય, પણ રસ્તાની નીચે ભૂ(વા)ગર્ભમાં બનાવેલાં સ્થાનકો આસ્થાનાં નવાં સરનામાં કેમ ન બની શકે? સ્વયંભૂ શિવલિંગની જેમ સ્વયંભૂવા શિવલિંગ, ભીડભંજન હનુમાનની પેઠે ભૂવાભંજન હનુમાન, જય ભવાની માતાના મંદિરની માફક જય ભૂવાની માતાનું મંદિર કેમ અસ્તિત્વમાં ન આવી શકે? વળી, શાસન વિરોધી વિચારધારકોએ ભૂમિપૂજનની જેમ ભૂવાપૂજનનો કાર્યક્રમ પણ રાખવો જોઈએ. વિરોધ પક્ષ પોતાના પક્ષની અંદર રહેલા વિરોધી પક્ષને સાથે રાખે તો આ પ્રકારનો આશ્ચર્યજનક કાર્યક્રમ સફળ થવાની શક્યતા વધી જાય. વિરોધ પક્ષના કાર્યકરોએ વ્યગ્રગણ્ય નાગરિકોની હાજરીમાં, ભૂવાજળને કંકુ-ચોખા ચઢાવીને, દીવો-ધૂપસળી પ્રગટાવીને, ચૂંદડી-શ્રીફળ અર્પણ કરીને, ભજન-આરતીનું ગાન કરીને પ્રસાદિયા પેંડા વહેંચવા જોઈએ. ‘ભૂવામા, અમ બાળાંભોળાંનું રક્ષણ કરો’ એવી આજીજી સાથે તેમણે સમગ્ર ચાતુર્માસ દરમિયાન ભૂવામાતાની આરાધના અચૂક કરવી જોઈએ.

એક જમાનામાં સરકારી શાળાઓની પરીક્ષાઓમાં ‘ગાયમાતા’, ‘શિયાળાની સવાર’, ‘મધ્યમવર્ગની મુશ્કેલીઓ’ જેવા નિબંધો પૂછવાનો રિવાજ હતો. આજે પરીક્ષાઓમાં જી(ર)વાતા જીવન વિશે ઝાઝું પુછાતું નથી, એવી ફરિયાદ થતી રહે છે. અહીં, પરીક્ષકોની વહારે ભૂવો આવી શકે તેમ છે. પરીક્ષામાં ‘ભૂવાના ભીષણ ભવાડા’, ‘ભૂવાકાંઠે ભૂખ્યો ભિખારી’, ‘ભૂવાલોકમાં ભરચોમાસે ભૂલો પડે ભગવાન’, જેવાં શીર્ષકો હેઠળ નિબંધો પૂછી શકાય તેવી પારાવાર શક્યતાઓ ભૂવામાં પડેલી છે. આ ઉપરાંત, ‘વીર ભૂવાવાળો’, ‘ભસ્મ વેરાઈ ભૂવાચોકમાં’, ‘ભૂવા તારાં રોકાતાં પાણી’, ‘ભૂવાએ વગોવ્યા મોટા મારગડા’, ‘ભૂવાપાળે સાજણ મેં તો રેતીથી બાંધી ભવોભવની ભીંત’, ‘દેશ રે જોયા, દાદા પરદેશ જોયા, પણ આટલા મોટા ભૂવા બીજે ક્યાંય કેમ ન જોયા’ જેવાં શીર્ષકો સાથે ગુજરાતી ચલચિત્રો બનાવી કાઢવાનો આ મોકો રીઢા ચિત્રપટ-નિર્માતાઓએ ખોવા જેવો નથી.

રામાયણકાળ પછી જન્મેલી આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે, સીતામાતાએ ધરતીમાતાને પ્રાર્થના કરી, આથી ધરતીએ મારગ કર્યો અને સતીસીતા એમાં સમાઈ ગયાં. આજે કોઈ વાહનમાનવ રસ્તા ઉપર જતો હોય, અચાનક જ ધરતીના પેટમાં ખાડો પડે, એમાં એ વાહનવીરલો સમાઈ જાય, અને છતાં એ કાળખંડને તમે હજુ કળજુગ તરીકે ઓળખાવો તો રાષ્ટ્રના સારા દિવસો કેવી રીતે આવશે? આપણે એ સત્યને સ્વીકારીને (અને છતાં સાચવીને) ચાલવું પડશે કે, ભૂવાસર્જન એ સતયુગની એંધાણી છે. ભૂવો છે તો ભવિષ્ય છે, એટલે જ તો ગર્વથી કહીએ : ‘ન ભૂવો, ન ભવિષ્યતિ!’

.................................................................................................................................
સૌજન્ય :

શિયાળો, ઉનાળો, અને ભૂવાળો
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૯-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪

હળવે હૈયે ...

Tuesday, September 16, 2014

Saturday, September 13, 2014

પૂતળીબાઈના પુત્ર : પોતાના પૂતળા પરત્વે

ડૉ. અશ્વિનકુમાર

.........................................................................................................................................

બેપગાળાં સજીવો સ્વયંછબી(સેલ્ફી) યુગમાં પ્રસિદ્ધિના મામલે સ્વાવલંબી બન્યાં છે! આથી, સદાય થનગનાટ કરતો માણસ પણ સ્માર્ટ ફોનના લેન્સ આગળ ગમે તે સ્થળે અને પળે ‘પૂતળું’ બનીને ઊભો રહી જાય છે. અહીં એટલું ધ્યાને ધરી રાખીએ કે, જાતની જાહેરખબરથી જોજનો દૂર રહેનાર ગાંધીજી પોતાનાં પૂતળાંના પણ આકરા ટીકાકાર રહ્યા છે.

ગાંધીજી ૦૬-૦૨-૧૯૩૯ના દિને સેગાંવથી ‘મહાત્માનું બાવલું’ (‘હરિજનબંધુ’, ૧૨-૦૨-૧૯૩૯) શીર્ષક હેઠળ મૂળ ગુજરાતીમાં નોંધ લખે છે : “ આ વરસે મહાસભા નગરમાં રૂપિયા ૨૫,૦૦૦ને ખરચે મહાત્માનું બાવલું તૈયાર થઈ રહ્યું છે એ સામે વિરોધ કરતા પત્રો મારા પર આવી રહ્યા છે. આ બાવલા વિશે મને કંઈ જ ખબર નથી. એ બાબતમાં મેં તપાસ કરાવી છે. પણ તપાસની મારે રાહ જોવાપણું ન હોય. જો એવું બાવલું સાચે જ તૈયાર થઈ રહ્યું હોય તો તે સામેના મારા પત્રલેખકોના વિરોધને મારો પૂરો ટેકો હું જાહેર કરું છું. હું તેમની જોડે સહમત થાઉં છું કે બંગડી કરતાં પણ તકલાદી એવા માટીના બનેલા એક માનવીનું માટી કે ધાતુનું પૂતળું ઊભું કરવામાં રૂપિયા ૨૫,૦૦૦ પાણી કરવા એ પૈસાનો દુર્વ્યય છે. બંગડી પણ જો સાચવીને રાખવામાં આવે તો હજારો વરસ ટકે, પણ માનવદેહ તો રોજેરોજ ક્ષીણ થનારી વસ્તુ છે અને જિંદગીની સામાન્ય અવધિ પછી તે સંપૂર્ણ નાશ પામે છે. મુસલમાન ભાઈઓ જેમની સાથે મારી જિંદગીનાં ઉત્તમ વરસો મેં ગાળ્યાં છે તેમના સમાગમથી જો એક વસ્તુ મેં કેળવી હોય તો તે ફોટો પડાવવા કે બાવલાં બેસાડવા સામેનો અણગમો છે. અને ઉપલી હકીકત જો સાચી હોય તો હું ઇચ્છું છું કે સ્વાગત સમિતિ એવું અભાગી સાહસ કરતી અટકશે. તેમ કરીને તેઓ પૈસા બચાવે. અને આ વાત માત્ર અફવા હોય તો જે લોકો મારાં બાવલાં અને પૂતળાં ઊભાં કરીને મારું સન્માન કરવા ઇચ્છતા હોય તેઓ આ લખાણ વાંચીને ચેતે અને સમજે કે આવા દેખાવોનો મને અત્યંત અણગમો છે. મારામાં શ્રદ્ધા રાખનારાઓ હું જે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છું તેને આગળ ધપાવે, અને મારાં બાવલાં કે પૂતળાં પાછળ નાણાં ખરચવાને બદલે હરિજન સેવા સંઘ, ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ કે હિંદુસ્તાની તાલીમી સંઘનાં કાર્યો પાછળ ખરચે એટલે તેમાં જ હું મને પૂરું માન મળ્યું એમ સમજું છું. ” (‘ગાંધીજીનો અક્ષરદેહ’, ગ્રંથ : ૬૮, પૃષ્ઠ : ૩૯૩)

‘મહાત્મા’ના વિશેષણને દુઃખદાયક અને ભારરૂપ માનનાર ગાંધીજી વ્યક્તિપૂજા અને સ્વપ્રચારના સમર્થક ન જ હોય. મોહનદાસ કરમચંદ ગાંધી ૧૫-૦૩-૧૯૪૬ના રોજ મુંબઈથી ‘ગાંધીમંદિર?’ શીર્ષક તળે કહે છે : “ ... સાચી વાત એ છે કે ઈશ્વર જ માણસના હૃદયને જાણે છે. મારે કોઈ જીવંત અથવા મૃત માણસને પૂજવાને બદલે જે પૂર્ણ છે અને સત્યનું રૂપ છે એવા ઈશ્વરને પૂજવામાં ને ભજવામાં જ સુરક્ષિતપણું છે. હવે એ પ્રશ્ન જરૂર ઊઠી શકે કે ફોટા રાખવા એ પણ પૂજાનો પ્રકાર છે કે નહીં? હું એ વિષે અગાઉ લખી ચૂક્યો છું. એ પ્રથા ખર્ચાળ તો છે છતાં નિર્દોષ ગણી આજ લગી મેં તે સહન કરી છે. એથી મૂર્તિપૂજાને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે સહેજ પણ હું ઉત્તેજન આપતો હોઉં તો એ પણ હાસ્યાસ્પદ અને હાનિકારક ગણી તજું. ... ” (‘હરિજનબંધુ’, ૨૪-૦૩-૧૯૪૬, પૃષ્ઠ : ૫૩)

પૂતળાં ઊભાં કરવા માટે ખર્ચવામાં આવતાં (બિન)જરૂરી નાણાંનો ઉપયોગ અનાજ ઉગાડવાના રચનાત્મક કામમાં કરવાનું કહેનાર વ્યક્તિનું નામ ગાંધીજી જ હોવાનું. મો. ક. ગાંધી ૧૩-૦૯-૧૯૪૭ના રોજ દિવસે નવી દિલ્હીથી ‘મારું પૂતળું!’ એવા મથાળા હેઠળ નોંધ લખે છે : “ મુંબઈમાં મારું પૂતળું કોઈ જાહેર જગ્યામાં દશ લાખ રૂપિયાને ખરચે મૂકવાની વાત ચાલી રહી છે. તે બાબત મારી ઉપર ઠીક તીખા કાગળ આવ્યા છે. કેટલાક વિનયવાળા છે; કેટલાક એવા રોષભર્યા છે કે કેમ જાણે હું જ મારું પૂતળું બનાવરાવી ખડું કરવાનો ગુનો કરતો ન હોઉં! કાગનો વાઘ તો થયા જ કરવાનો. મૂળમાં કેટલું તથ્ય છે એ વિચારવાનું કામ શાણાનું છે. મૂળ સાચું લાગે છે. મારે કહેવું જોઈએ કે મને તો મારો ફોટોગ્રાફ લેવાય એ પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી, પણ કોઈ કોઈ ખેંચી લે છે. બાવલાં પણ બન્યાં છે. છતાં મારા વિચાર ઉપર પ્રમાણે હોઈ મારું પૂતળું પૈસા ખરચીને ખડું કરવાની વાત મને ગમે તેવી નથી. અને આ કાળે જયારે લોકોને ખાવાના સાંસા છે, પહેરવાનાં કપડાં ન મળે, આપણા ઘરમાં, ગલીઓમાં ગંદકી હોય, ચાલોમાં માણસ જેમ તેમ ખડકાય ત્યાં શહેરોના શણગાર શા? એટલે મારું ખરું બાવલું મને મનગમતાં કામો કરવામાં હોય. દશ લાખ રૂપિયા ઉપરનાં કામોમાં ખરચવાથી લોકોની સેવા થાય ને ખર્ચાયેલા પૈસા ઊગી નીકળે. તેથી મને આશા છે કે મજકૂર પૈસા એથી વધારે લોકસેવાનાં કામોમાં વપરાય. એટલા રૂપિયા નવું અનાજ પેદા કરવામાં વપરાય તો કેટલાં ભૂખ્યાંનું પેટ ભરાય? ” (‘હરિજનબંધુ’, ૨૧-૦૯-૧૯૪૭, પૃષ્ઠ : ૨૮૫)

પોતાનાં ચિત્ર-છબી અને પૂતળાં-બાવલાં બને એ પૂતળીપુત્ર સિવાય માનવમાત્રને ગમે! વળી, આજે તો આપણે ચાર રસ્તાની વચ્ચે કે પગદંડીની ધારે, કાર્યાલયના પ્રાંગણમાં કે ઉદ્યાનના ખૂણામાં ગમે તે અલ્પાનુભાવ-મધ્યાનુભાવ-મહાનુભાવને પૂતળાં બનાવીને સ્થિર કરી દીધા છે. કેટલાક કિસ્સામાં તો બિચારાં પૂતળાંને ખાસ ધાર્મિક-રાજકીય કે પક્ષીય-પ્રાદેશિક રંગમાં ડુબાડીને ઊભાં કરી દેવામાં આવ્યાં છે. અને એ રીતે બિચારી પ્રજાને દેવામાં ડુબાડી દેવામાં આવી રહી છે! આપણે ત્યાં કેટલાક નેતાઓનાં પૂતળાં છે, તો કેટલાક નેતા પૂતળાંના છે! આથી, ભારત દેશમાં ‘પૂતળાં વિશેની રાષ્ટ્રીય નીતિ’ ઘડવાનો સમય આવી ગયો છે. તેના માટે આયોગની રચના કરવામાં આવે, તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત છતાં સક્રિય ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવે, આયોગની સમયમર્યાદા એકથી વધુ વખત વધારવામાં આવે, તેનો છસો પંદર કે પંદરસો છ પાનાંનો અહેવાલ તૈયાર કરવામાં આવે, ત્યારે તેમાં પરિશિષ્ટ તરીકે નહીં પરંતુ પ્રવેશક તરીકે ‘પૂતળાં બાબત ગાંધીવિચાર’નો સમાવેશ આવશ્યક અને પર્યાપ્ત થઈ રહેશે.

આધાર-યાદી :

‘ગાંધીજીનો અક્ષરદેહ’, ગ્રંથ : ૬૮, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, પહેલી આવૃત્તિ, ઓક્ટોબર, ૧૯૮૨ 

‘હરિજનબંધુ’, અમદાવાદ, ૨૪-૦૩-૧૯૪૬, રવિવાર, પુસ્તક : ૧૦, અંક : ૦૭

‘હરિજનબંધુ’, અમદાવાદ, ૨૧-૦૯-૧૯૪૭, રવિવાર, પુસ્તક : ૧૧, અંક : ૩૪

.........................................................................................................................................

સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

.........................................................................................................................................

સૌજન્ય :
નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 16-17, જૂન-જુલાઈ, 2014, પૃષ્ઠ : 179-180


Friday, September 12, 2014

'પ્રકાશ'નો 'અમૃત'પ્રવેશ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પ્રસન્નપુરુષ : પ્રકાશ ન. શાહ    
છબીસ્થળ : સત્યાગ્રહાશ્રમ, સાબરમતી, અમદાવાદ 
છબીતારીખ : પંદરમી ઓગસ્ટ, ૨૦૧૪
છબીસમય :  ધ્વજવંદન બાદ, સવારે આશરે સાડા આઠે

.........................................................................................................................................


'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર-કતારલેખક પ્રકાશ ન. શાહને પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિવંદન 

જન્મતારીખ : 12-09-1940
જન્મસ્થળ : માણસા

.........................................................................................................................................

સંપર્ક-ઠેકાણું : 
પ્રકાશ ન. શાહ, માનાર્હ નિયામક, આચાર્ય કૃપાલાની અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : 380 014


Thursday, September 11, 2014

નાઈન ઈલેવન : મુકામ કોચરબ

ડૉ. અશ્વિનકુમાર
-------------------------------------------------------------------------------------------

સ્વામી વિવેકાનંદે ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગોમાં પ્રથમ વિશ્વ ધર્મ પરિષદને સંબોધન કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધીએ ઈ.સ. ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં હિંદીઓની જાહેર સભામાં ‘સત્યાગ્રહ’ તરતો મૂક્યો. અમેરિકાનાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન, પેન્ટાગોન ઉપર ઈ.સ. ૨૦૦૧માં આતંકવાદીઓ દ્વારા વિમાની હુમલા થયા. આ બધી ઘટનાઓ જે તે વર્ષની અગિયારમી સપ્ટેમ્બરે બની હતી! અગિયાર સપ્ટેમ્બર એટલે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ નવમા મહિનાનો અગિયારમો દિવસ અર્થાત ‘નાઈન ઈલેવન’. આ શબ્દપ્રયોગ અમેરિકામાં ઘટેલી સન ૨૦૦૧ની આતંકી ઘટના પછી આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂક્યો છે. જોકે, આ બધાથી અજાણી એવી અગિયાર સપ્ટેમ્બર તો ૧૯૧૫ની કહી શકાય. જેનો મુકામ કોચરબમાં આવેલો સત્યાગ્રહાશ્રમ હતો. આ ઘટના આજનાં સમૂહ માધ્યમોની ભાષામાં ‘બ્રેકિંગ ન્યૂસ’થી જરાય ઓછી-ઊતરતી નહોતી! 

દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા આવ્યા બાદ, મો.ક. ગાંધીએ મિત્રો-પરિચિતો સાથે અમદાવાદમાં આશ્રમ-વસવાટ અંગે ચર્ચાઓ કરી હતી. અમદાવાદના મિત્રોની સાથે સંવાદોમાં અસ્પૃશ્યનો પ્રશ્ન ચર્ચાયો હતો. ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો કોઈ લાયક અંત્યજ ભાઈ આશ્રમમાં દાખલ થવા માગશે તો તેઓ તેને જરૂર દાખલ કરશે. ‘તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્યજ ક્યાં રેઢા પડ્યા છે?’ એમ કહીને એક વૈષ્ણવ મિત્રે પોતાના મનનો સંતોષ પણ વાળ્યો હતો. અને છેવટે અમદાવાદમાં વસવાનો નિશ્ચય થયો. કોચરબમાં ૨૫-૦૫-૧૯૧૫ના દહાડે સત્યાગ્રહાશ્રમની સ્થાપના થઈ. આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની ગાંધીજીને આશા નહોતી તેવી એ લોકોની કસોટી થઈ.

મોહનદાસ ગાંધીને અમૃતલાલ ઠક્કરનો આ કાગળ મળ્યો : ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ અમૃતલાલનો આ કાગળ વાંચીને મોહનદાસ ભડક્યા ખરા! ઠક્કરબાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી ગાંધીબાપુએ મુદ્દલ આશા રાખી નહોતી. ગાંધીજીએ સાથીઓને આ કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. આશ્રમના નિયમ પાળવા તૈયાર થાય તો અંત્યજ કુટુંબને લેવાની પોતાની તૈયારી ગાંધીજીએ ઠક્કરબાપાને જણાવી દીધી. દૂદાભાઈ દાફડા નામના દલિત ગૃહસ્થ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. તેઓ આશ્રમી નિયમોનું પાલન કરવા તૈયાર હતા. દૂદાભાઈએ આશ્રમમાં દાખલ થવા માટે ૦૬-૦૯-૧૯૧૫ના રોજ અરજી મોકલી હતી અને ૧૧-૦૯-૧૯૧૫ના રોજ તેઓ હાજર પણ થઈ ગયા. આમ, અગિયારમી સપ્ટેમ્બરે એટલે કે, આશ્રમ-સ્થાપનાના એકસો આઠ દિવસ પછી, કપરી કસોટીરૂપી તેજવાહિની મારતી ગતિએ આવી પહોંચી!

સન ૧૯૧૫ની નવમી જાન્યુઆરીથી વીસમી ડિસેમ્બર સુધીના સમયગાળાને આવરી લેતી, માતૃભાષા ગુજરાતીમાં લખેલી ડાયરીમાં અગિયારમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ મો.ક. ગાંધીએ નોંધ્યું છે : ‘દૂદાભાઈ મુંબઈથી આવ્યા. મહા કંકાસ પેદા થયો. સંતોકે ન ખાધું તેથી મેં પણ ન ખાધું. વ્રજલાલે બીડી પીધી તેથી ઉપવાસ શરૂ કર્યો.’ આભડછેટને છેટી રાખવા માટે ગાંધીજીએ ભોજનનો ટંક છોડ્યો, પણ ટેક ન છોડી. ઓગણીસો પંદરના ‘નાઈન ઈલેવન’થી અમદાવાદના સામાજિક અને ધાર્મિક જીવનમાં ઊહાપોહ મચી ગયો. આ બનાવના કારણે કહેવાતા ‘ઊંચા’ લોકોએ આશ્રમનો બહિષ્કાર કરવાનો પણ વિચાર કર્યો હતો. જેમ આશ્રમની બહાર, તેમ આશ્રમમાં પણ ખળભળાટ થયો. એક તબક્કે, મોહનદાસે આશ્રમમાં અંત્યજના આગમનનો સખત વિરોધ કરનાર કસ્તૂરબાઈ સાથેનો છેડો કાયમ માટે ફાડી નાખવાનો નિશ્ચય કરી લીધો હતો!

પંદરમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ દૂદાભાઈ એમનાં પત્ની દાનીબહેનને લેવા ગયા. એના એક દિવસ પહેલાં એટલે કે ૧૪મી સપ્ટેમ્બરે, પ્રિય અને આદરણીય મિત્ર વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રી(૧૮૬૯-૧૯૪૬)ને અમદાવાદથી મૂળ અંગ્રેજીમાં લખેલા પત્રના છેવટ ભાગમાં મો.ક. ગાંધી કહે છે કે, ‘હું મારા જીવનમાં એક મહત્વનું પગલું લઈ રહ્યો છું. આજે એ સંબંધમાં લખવાનો સમય નથી. એનો સંબંધ કેટલેક અંશે પરિયા એટલે અસ્પૃશ્યોના પ્રશ્ન સાથે છે.’ છવીસ સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ કોચરબના આશ્રમમાં દૂદાભાઈની સાથે તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી દીકરી લક્ષ્મીનો પ્રવેશ થયો. એના ત્રણ દિવસ પહેલાં એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે, ગાંધીએ, શ્રીનિવાસ શાસ્ત્રીને અમદાવાદથી મૂળ અંગ્રેજીમાં લખેલો પત્ર સ્પષ્ટ છે અને સ્ફોટક છે! પ્રિય શાસ્ત્રીયારને મો.ક. ગાંધી લખે છે : ‘મેં મારી પત્નીને કહી દીધું છે કે તું મને છોડી શકે છે અને આપણે સારા મિત્રો તરીકે છૂટા થવું જોઈએ. આ પગલું ખૂબ જ મહત્વનું છે, કેમ કે એનાથી હું દલિત વર્ગોના કાર્ય સાથે એવા સંબંધથી બંધાઉં છું કે નજીકના ભવિષ્યમાં જ સંભવ છે કે મારે કોઈ ઢેડવાડામાં જઈને રહેવાનો અને ઢેડ લોકો સાથે તેમના જીવનમાં સહભાગી થવાનો વિચાર અમલમાં મૂકવો પડે. એ વાત મારા ચુસ્ત અનુયાયીઓને માટે પણ ભારે થઈ પડશે. મેં આપને મારી આ વાતની રૂપરેખા આપી છે. એમાં કોઈ ભવ્યતા રહેલી નથી. મારે માટે એનું મહત્વ એટલા માટે છે કે એ વડે હું સામાજિક પ્રશ્નોમાં સત્યાગ્રહની કાર્યસાધકતા સિદ્ધ કરી શકું એમ છું. અને હું જ્યારે છેવટનું પગલું ભરીશ ત્યારે તેમાં સ્વરાજ્ય વગેરેનો પણ સમાવેશ થશે.’ (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ : ૧૩, પૃષ્ઠ : ૧૨૦-૧૨૧) 

અંત્યજ કુટુંબના પ્રવેશથી આશ્રમમાં હર્ષનો નહીં, સંઘર્ષનો પ્રવેશ થયો. મો.ક. ગાંધીના સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો. જે કૂવામાં બંગલાના માલિક જીવણલાલ વ્રજરાય દેસાઈનો ભાગ હતો તે કૂવામાંથી પાણી ભરવામાં જ અડચણ આવવા લાગી. આ ઘટનાને ગાંધીના મોઢેથી જ સાંભળીએ : ‘કોસવાળાને અમારા પાણીના છાંટા અડે તો તે અભડાય. તેણે ગાળો શરૂ કરી, દૂદાભાઈને પજવવાનું શરૂ કર્યું. ગાળો સહન કરવાનું ને દૃઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું મેં સહુને કહી દીધું. અમને ગાળ સાંભળતા જોઈ કોસવાળો શરમાયો ને તેણે છેડ મૂકી. પણ પૈસાની મદદ તો બંધ થઈ. જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી.’ (‘સત્યના પ્રયોગો’, ૧૯૯૩, પૃષ્ઠ : ૩૮૦) આશ્રમને પૈસાની મદદ બંધ પડી. ગાંધીજીના કાને આશ્રમના બહિષ્કારની અફવા આવવા માંડી. જોકે, ગાંધીજીએ સાથીઓની સાથે આવું વિચારી મેલ્યું હતું : ‘જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તોયે આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.’ (પૃષ્ઠ : ૩૮૧)

છેવટે મોહનદાસ ગાંધી સમક્ષ તેમના પિતરાઈ ભાઈ ખુશાલચંદ ગાંધીના પુત્ર મગનલાલ ગાંધીએ ચિંતાસૂર કાઢ્યો કે, ‘આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.’, ત્યારે મો. ક. ગાંધીએ ધીરજથી જવાબ આપ્યો : ‘તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.’ જોકે, એક સવારે મોટર લઈને આવેલા, શેઠ અંબાલાલ સારાભાઈ દ્વારા તેર હજાર રૂપિયાની રોકડ રકમ મળી. આ આકસ્મિક, અકલ્પનીય, આવકાર્ય, અનિવાર્ય મદદથી ગાંધીજીનું અંત્યજવાડામાં જવાનું અટક્યું. તેમને લગભગ એક વર્ષનું આશ્રમખર્ચ મળી ગયું. જોકે મગનલાલ ગાંધી અને વિશેષ કરીને તેમનાં પત્ની સંતોકબહેનને ‘દૂદાભાઈ, દાનીબહેન, લક્ષ્મી’ની હાજરીથી પોતાનો ધર્મ જોખમમાં મુકાયો હોય એવું લાગ્યું. આથી, ગાંધીજીએ આ ‘ધર્મસંકટ’ના ઉકેલ તરીકે, મગનલાલ અને સંતોકબહેનને વણાટકામ શીખવા માટે મદ્રાસ જવાનું સૂચન કર્યું. આ દંપતીએ મદ્રાસમાં આશરે છ માસ રહીને વણાટની કળા બરોબર હાથ કરી. મગન-સંતોક પોતાનામાં આવી ગયેલી નબળાઈ જોઈ શક્યાં. તેથી બન્નેએ ગંભીર વિચાર કરીને અસ્પૃશ્યતાનો મેલ પૂર્ણપણે કાઢી નાખ્યો. 

દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઈને ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા. પરંતુ કોચરબના સત્યાગ્રહાશ્રમમાં એક અંત્યજ કુટુંબનું આવવું કસ્તૂરબાઈને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં ગાંધીની બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આશ્રમને આર્થિક મદદના અભાવની બીકે ગાંધીજીને જરાયે ચિંતામાં નહોતા નાખ્યા, પરંતુ તેમના માટે ‘નાઈન ઈલેવન’થી નીપજેલો આંતર ખળભળાટ વસમો થઈ પડ્યો હતો. દાનીબહેન-દૂદાભાઈ દંપતી માટે ગાંધીજી ‘સત્યના પ્રયોગો’(પૃષ્ઠ : ૩૮૨)માં લખે છે : “દાનીબહેન સામાન્ય બાઈ હતી. દૂદાભાઈનું ભણતર સહજ હતું, પણ તેમની સમજણ સારી હતી, તેમની ધીરજ મને ગમી હતી. તેમણે કોઈ વેળા ક્રોધ આવતો, પણ એકંદરે તેમની સહનશક્તિની મારી ઉપર સારી છાપ પડેલી. ઝીણાં અપમાનો ગળી જવાનું હું દૂદાભાઈને વીનવતો ને તે સમજી જતા અને દાનીબહેન પાસે સહન કરાવતા.” 

એ તો ગાંધીમાં નૈતિક અને આત્મિક બળ હતું, એટલે તેઓ છેક સન ૧૯૧૫માં, ‘નાઈન ઈલેવન’ વહોરીને પણ, અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમમાં એક અસ્પૃશ્ય પરિવારનો પ્રવેશ અને સમાવેશ કરાવી શક્યા હતા. આ ઐતિહાસિક ઘટનાના શતાબ્દી વર્ષે પણ એ ભૌગોલિક સત્ય ઊભું જ રહે છે કે, શહેરના કહેવાતા ઉચ્ચ વર્ગીય વિસ્તારોમાં, ઉચ્ચ સુવિધાયુક્ત ઇમારતો બાંધતા, ઉચ્ચ વર્ણીય ઘરનિર્માણકારો શિક્ષિત અને સક્ષમ દલિત પરિવારોને મકાન આપવાની આજે પણ ચોખ્ખી (અને ખરેખર તો મેલી) ના પાડે છે!

-------------------------------------------------------------------------------------------ashwinkumar.phd@gmail.com

-------------------------------------------------------------------------------------------

સૌજન્ય :

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ 
'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૧-૦૯-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3831/nine-eleven-mukaam-kocharab

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'નવજીવન.ઇન', ૦૪-૧૦-૨૦૨૧
https://www.navajivan.in/ashram-katha-visit-kocharab-gandhi-ashram/

ગુરુ દેવો ગૂગલેશ્વર


પોતાનું ઘર હોય કે ન હોય પરંતુ ગૂગલનું હોમપેજ હોવું, એ આધુનિક મનુષ્યની જરૂરિયાત બની ગઈ છે. ઇન્ટરનેટના અશ્વ ઉપર સવાર થનાર વ્યક્તિએ છ અક્ષરનું નામ ધરાવતા Googleનો મંત્ર જપવો પડે છે. જીવનનાં સઘળાં ક્ષેત્રોમાં માહિતી અને સમજણ માટે ગૂગલ ગુરુ આશીર્વાદરૂપ છે, પણ ડહાપણ અને જ્ઞાન મેળવવા માણસે જાતે અને જુદી રીતે મથવું જ પડે છે.
ડૉ. અશ્વિનકુમાર
પત્રકારત્વ પ્રાધ્યાપક
.........................................................................................................................................
સૌજન્ય : 
'ગુજરાત સમાચાર' દૈનિક, 'પ્લસ' પૂર્તિ, 10-09-2014, બુધવાર, પૃષ્ઠ : 02


Tuesday, September 2, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 851


પહેલાં આ વાંચો :

'આ બેચી જમાં આ સમાન જ મીન જેટ લોફર કર હેવાનો.'



હવે આ વાંચો :

'આ બે ચીજમાં આસમાન જમીન જેટલો ફરક રહેવાનો.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 850


વરિષ્ઠ રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવીએ, દારૂબંધી વિશેના લેખ('દિવ્ય ભાસ્કર', 01-09-2014)માં 'પિકેટિંગ' શબ્દનું સુંદર ગુજરાતી ભાષાંતર 'લોકચોકી' કર્યું છે.