Showing posts with label Humour-Kalash-supplement. Show all posts
Showing posts with label Humour-Kalash-supplement. Show all posts

Wednesday, September 2, 2015

મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

'સાર્થ જોડણીકોશ' પ્રમાણે ગુજરાતી ભાષામાં 'ડુંગળી' અને 'ડૂંગળી' એમ બન્ને જોડણી માન્ય છે. જોકે, અમે પ્રમાણમાં ઓછા ભાવ હોય ત્યારે હ્રસ્વ સ્વર 'ઉ'ને આવકારીને 'ડુંગળી'નો, અને આસમાને ભાવ પહોંચે ત્યારે દીર્ઘ સ્વર 'ઊ'ને સ્વીકારીને 'ડૂંગળી'નો પ્રયોગ કરીએ છીએ! 'ગરીબોની કસ્તૂરી' ગણાતી ડુંગળી જ્યારે વિકરાળ ભાવ ધારણ કરે છે ત્યારે મધ્યમવર્ગના માનવીના મોતિયા મરી જાય છે. આપણે સરલા દલાલ કે સંજીવ કપૂર ન હોઈએ તોપણ જાણીએ છીએ કે, દાળ-કઢી-શાકનો વઘાર કરવા માટેની પૂર્વશરતનું નામ 'ડુંગળી' છે!

લાલ રંગનાં સૂકાં અને પાતળાં ફોતરાં ધારણ કરેલી ડુંગળી દેખાવે રૂપાળી લાગે છે. ડુંગળીની રતુંબડી બાહ્યત્વચા ખૂલી ગયા પછી સફેદ રંગનાં અને પ્રમાણમાં જાડાં છોતરાં ખોલવાં પડે છે. એક પછી એક પડ ખોલતાં જ જઈએ અને જોઈએ તો છેવટે કશું બહાર નીકળતું નથી. આ સંદર્ભે 'ડુંગળી' અને 'વિકાસ' એ બન્ને શબ્દો સમાનાર્થી જણાય છે! સામાન્ય સંજોગોમાં ડુંગળી સમારતી વખતે તેના નિકટ અને પ્રત્યક્ષ પરિચયમાં આવો ત્યારે આંખમાં પાણી આવે. જોકે, મોંઘા ભાવની ડૂંગળીના ભાવ સાંભળીને તે તીખી ન હોય તોપણ રડવું આવી જાય છે. આપણે કાંદા-ભાવવધારા-યુગમાં સરકારી સહાય કે રાહતની રાહ જોયા વિના સાવચેતીનાં પગલાં લેવાં જ રહ્યાં.

ભયાનક ભાવને ધ્યાનમાં રાખીને ઘરઆંગણે ડૂંગળીને શક્ય એટલી ઝીણી સુધારવી. એટલે ડૂંગળીના ટુકડાનું સંખ્યાબળ અને એ નિમિત્તે ડૂંગળી સમારનાર નર-નારીનું આત્મબળ વધશે. ટેલીવિઝન ઉપર પ્રસારિત થતાં રસોઈકળા વિષયક કાર્યક્રમોમાં ડૂંગળીબાઈનું વરવું અને વધુપડતું અંગપ્રદર્શન ન થાય તે માટે સંબંધિત વ્યક્તિઓને માહિતી અને પ્રસારણ મંત્રીશ્રીએ આદેશ આપવા જોઈએ. આનો અમલ ન કરનાર કાર્યક્રમ-નિર્માતાઓ અને ચેનલ્સને સરકારી જાહેરખબરો ન આપવી જોઈએ. આ મામલે ડૂંગળી-દુર્લભ ઉપભોક્તાઓ 'પ્રસારણ પરિષદ'માં ફરિયાદ પણ દાખલ કરી શકે છે.

લારી-ખૂમચાના ભરાતા દરબારમાં ગ્રાહકો માટે ડૂંગળીના ગોળ નહીં, પણ અર્ધગોળ ટુકડા કરવા. જેનાથી ડૂંગળી વધારે માત્રામાં છે એવો સંદેશો વ્હોટ્સએપ્પ વગર પણ વહેતો થશે. વળી, પીરસતી વખતે ડૂંગળીના ટુકડાઓને થોડા દૂર-દૂર ગોઠવવાથી થાળીનું વાતાવરણ ભર્યું-ભાદર્યું લાગશે. ભોજનાલયમાં દાખલ થઈએ કે તરત, 'ઉધાર માંગીને શરમાવશો નહીં' એવી સૂચનાની જગ્યાએ 'ડૂંગળી માંગીને શરમાવશો નહીં' એવું વાંચવું પડે એવો વખત આવે પણ ખરો. ગ્રાહકો જમી લે પછી, વેઇટર બિલ આપવા આવે ત્યારે મુખવાસમાં ધાણાદાળ-વરિયાળીની જગ્યાએ ડૂંગળીના બે-ચાર ટુકડા લઈને આવે તો ભલે આવે! આપણે પણ ડૂંગળીના આ ભવ્ય ટુકડાઓને ગૌરવભેર ગ્રહણ કરવા. પડોશીઓથી માંડીને પરિચિતો પણ ડૂંગળીની સુવાસ ઉપરથી તમને પૂછશે કે, 'બહાર જમવા ગયા હતા?!' જેના કારણે આપણો વિકાસ થઈ ચૂક્યો છે એવી વિગતો આપમેળે જાહેર થઈ જશે.

રક્ષાબંધનના તહેવારમાં પણ ઉત્તરપ્રદેશી, મધ્યપ્રદેશી, રાજસ્થાની, કે બિહારી ભૈયાઓ ગુજરાતી બહેનોને ધોળા દહાડે છેતરે છે. તેઓ પાણીપુરીમાં ડૂંગળીના બે નંગ મોટા ટુકડાની સાથે કોબીજના અડધો ડઝન ઝીણા ટુકડા પધરાવી દે છે. કારણ કે, જો તેઓ એક પાળીમાં મોંઘી ડૂંગળી વાપરે તો તેમણે બીજી બે પાળી રડવા માટે જુદી કાઢવી પડે. આ જ કારણે દાળવડાંની લારીએ એવું લખાણ જોવા મળે કે, ‘દસ ગ્રામ ડૂંગળી સાથે સો ગ્રામ દાળવડાં મફત મળશે.’ આ લખાણના અંતે નાનકડી ફૂદડી કરીને લખ્યું હશે કે, ‘સો ગ્રામ દાળવડાં મફત મળશે પણ દસ ગ્રામ ડૂંગળીનો ભાવ બાવીસ રૂપિયા રહેશે.’

કેટલાક સરકારી વિભાગોએ ડૂંગળીની મોંઘવારીને ગંભીરતાથી લેવાની જરૂર છે. ઘરે-ઘરે જઈને કચરો એકત્ર કરવાની યોજનામાં સંકળાયેલા શહેર સુધરાઈના કર્મચારીઓને સૂચના આપવી જોઈએ કે, જે ઘરેથી ડૂંગળીનાં ફોતરાં વધારે મળે તેની જાણ ઉપલા અધિકારીને તાત્કાલિક કરવી. આવી જ રીતે, ટ્રાફિક પોલીસ ‘બ્રેથ એનલાઇઝર’ (શ્વાસ વિશ્લેષક) દ્વારા જાણીને, જે વાહનચાલકના મોઢામાંથી ડૂંગળીની સુગંધ આવે તેને વિશેષ દંડ કરી શકે છે. તાત્કાલિક અસરથી અમલમાં આવે તેવો જાહેર પરિપત્ર બહાર પાડીને ભાષા નિયામકની કચેરી, ગાંધીનગરના પદાધિકારી કહી શકે કે, 'ગુજરાતી ભાષામાં ‘ડૂંગળીની વાસ કે ગંધ’ને બદલે ‘ડૂંગળીની સુવાસ કે સુગંધ’ એવો શબ્દ-પ્રયોગ માન્ય ગણાશે.'

મિત્રો-પરિચિતો-સગાં-સંબંધીઓને શુભ-લાભ પ્રસંગે ગુલદસ્તાની જગ્યાએ અડધો કિલો ડૂંગળી આપવાથી વટ પડશે. ખાનગીમાં ભાવ સરખાવશો તો પુષ્પગુચ્છનો અને કાંદાઢગલીનો ભાવ લગભગ સરખો માલૂમ પડશે. જોકે, નાગરિકોએ કોઈ પણ જાહેર કે ખાનગી કાર્યક્રમમાં (સા)માન્ય મંત્રીઓને ફૂલહાર ન કરવા. મંત્રીઓએ હૈયામાં હામ રાખીને કેવળ ડૂંગળીઓના હાર જ સ્વીકારવા. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, કેન્દ્રીય કક્ષાના નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું પાંચ કિલોગ્રામ, રાજ્ય કક્ષાના નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું ત્રણ કિલોગ્રામ, સ્વતંત્ર હવાલો ધરાવતા નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું એક કિલોગ્રામ તો હોવું જ જોઈએ. આ તમામ ડૂંગળીહાર મુખ્યમંત્રીના તોશાખાનામાં જમા કરાવવા ફરજિયાત છે. આ સમગ્ર યોજના ‘મુખ્યમંત્રી ગરીબ કસ્તૂરી કલ્યાણનિધિ’ તરીકે ઓળખાશે. જે અંતર્ગત રાજ્યના અંતરિયાળ દરિયાકાંઠે સરકારી ખરાબાની જમીન ઉપર વસતાં, વિમુક્તિ અને વિચરતી જાતિના ગરીબી રેખાની અતિ નીચે જીવતાં કુટુંબની એક માત્ર સંતાન એવી અપરિણીત કન્યાને પ્રતિ સપ્તાહ એક કિલોગ્રામ ડૂંગળી આપવામાં આવશે! આ માટે જે તે વ્યક્તિએ જિલ્લાની કલેક્ટર કચેરીએ દર પહેલા અને ત્રીજા શનિવારે સાંજે પાંચ કલાકે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ લઈને રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય છે.

દુનિયામાં ડુંગળીનું ઉત્પાદન કરતાં દેશોમાં ભારત બીજા ક્રમે આવે છે. મોંઘા ભાવની ડૂંગળીના કારણે ભૂતકાળમાં કેન્દ્રની સરકારો મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દેશમાં કેટલાંક રાજ્યના મુખ્યમંત્રીઓની કુંડળીમાં ડૂંગળીદોષ લખાયેલો હોવાના કારણે તેમણે સાવધ રહેવું જરૂરી છે. આવતીકાલે કે પરમદિવસે ડૂંગળીનો પ્રતિ કિલોનો ભાવ એકસો રૂપિયા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યમાં વીસ રૂપિયે કિલોના રાહતદરે ડૂંગળી ખરીદવી હોય તો, ભાઈ કે બહેને થેલીની સાથે સરકારમાન્ય ઓળખપત્ર લઈ જવું ફરજિયાત છે. તમે બે કિલોગ્રામની મહત્તમ વજનમર્યાદામાં ડૂંગળી ખરીદવા માટે નાણાં ચૂકવો કે તરત જ તમારી આંગળી ઉપર શાહીનું ટપકું લગાવવામાં આવે છે. લોકશાહી તંત્ર-વ્યવસ્થામાં ચૂંટણી પૂર્વે, દરમ્યાન, પશ્ચાત પણ મતદાન-જાગ્રતિના સતત પ્રયાસો કરવા માટે ડૂંગળીબાઈ ઘણો અસરકારક ભાગ ભજવી શકે છે! 

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :
મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

Wednesday, August 19, 2015

ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

કાં એ જ જૂના ઘરથી ચલાવી લેવું, કાં સાવ નવા ઘરમાં ચાલ્યા જવું વધારે હિતાવહ સાબિત થાય છે. પણ મૂળ ઘરમાં રહીને, એમાં ધરમૂળથી 'સુધારો' આણવો કઠિન બની રહે છે. આ ક્ષેત્રના વિદ્વાનો નહીં, પણ અનુભવીઓ કહે છે કે, નજીકના કે સામેના કોઈ ખાલી મકાનને ભાડે લઈને, તેમાં ઘરના સામાનને કામચલાઉ રીતે ખસેડી દેવો એ ડહાપણનું કામ છે. બસ, ખરી મોકાણ અહીંથી જ શરૂ થાય છે. પોતાના એકના એક ઘરના સામાનને બીજે ક્યાંય ફેરવવો એ જગતનાં સૌથી જોખમી કામોની યાદીમાં અગ્રક્રમે આવે છે. મધ્યમવર્ગીય સ્ત્રી તો ઘરસામાન-હેરફેરની કલ્પનામાત્રથી રોવા જેવી થઈ જાય છે. છેવટે 'અઠે દ્વારકા'ની કહેવતને સાચી પાડવા માટે પણ તેણીએ, એ જ ઘર અને એ જ વરથી ચલાવી લેવું પડે છે!

ઘરના બેઠકખંડમાં સમારકામ શરૂ થાય એટલે ચેનલ્સ નહીં, આખેઆખું ટેલીવિઝન જ ફેરવવાના દહાડા આવે છે. આપણું નામ અર્જુન ન હોવાથી, ટેલીવિઝન સેટની બદલી અન્ય ખંડમાં કરતી વખતે, આપણું ધ્યાન કેવળ રીમોટ કંટ્રોલ ઉપર રહેતું નથી. પરિણામે બેઠકખંડના સામાનને શયનકક્ષમાં ફેરવીએ એટલે એ સામાનની સાથેસાથે રીમોટ કંટ્રોલ પણ જતું રહે એવું પૂર્વ અમદાવાદના અમુક વિસ્તારોમાં બનતું હોય છે. આ રીમોટ કંટ્રોલને શોધવા માટે પરિવારના સાડા ચાર સભ્યો અદ્દભુત એકતાનો નમૂનો પૂરો પાડે છે. કારણ કે, જેના હાથમાં પહેલું રીમોટ કંટ્રોલ આવે તેના આધારે આખા કુટુંબે કયો કાર્યક્રમ જોવાનો આવશે તે સમીસાંજે નક્કી થઈ જાય છે. આવી જ હાલત મોબાઇલ ચાર્જર ન મળે ત્યારે પણ સર્જાતી હોય છે. કારણ કે, આખો દિવસ ઘરની બહાર રહ્યા પછી, સાંજે ઘરે પહોંચીને આપણે મોબાઇલ ચાર્જર શોધવાનું અભિયાન શરૂ કરીએ ત્યારે ખબર પડે કે, મોબાઇલ ચાર્જર જ નહીં, આખેઆખું સ્વિચ-બોર્ડ ગાયબ થઈ ગયું છે!

રસોડાની છતનું સમારકામ શરૂ થાય એટલે અભરાઈઓને ખલેલ પહોંચે છે. અભરાઈ ઉપરનો સામાન ફેરવતી વખતે ઉથલપાથલ થાય ત્યારે જ, જગતને જાણ થાય છે કે બરફની છીણ કાઢવાનો સંચો કે આઇસક્રીમ બનાવવાની કોઠી ખરીદ્યા પછી યોગ્ય કામ ન મળવાથી તે ખોરંભે સિવાય બીજે ક્યાંય ચઢી શકે એમ નથી. જોકે, દર વખતે નકામી ચીજ-વસ્તુઓ જ આપણી નજર સમક્ષ આવે એવું નથી. માળિયાનો સામાન ફેરવતી વખતે એવું પણ બને, કે ત્રણ ત્રણ નંગ છત્રીઓ દર્શન આપે. આ એ જ છત્રીઓ છે જેને આપણે ગયા ચોમાસામાં શોધવાનો મરણિયો પ્રયાસ કર્યો હતો.

કારીગરે ટોઇલેટ-બાથરૂમ કે ધોવણ-ચોકડીમાં ઢાળ પાડ્યો હશે તો એ ઢાળ એકવચનમાં નહીં, પણ બહુવચનમાં હશે. પાણી નાખીને જોશો તો ઢાળના મુદ્દે તમારા સહિત સંતોષી જીવ જગતમાં ભાગ્યે જ કોઈ હશે. તમે ઢાળની પોળની અંદર રહેતા હો કે ગુલબાઈ ટેકરા ઉપર, તમારા નસીબમાં ઢાળરેખા નથી જ હોતી! આવી જ હાલત કહેવાતા કાટખૂણા છોડી ચૂકેલી દીવાલોની છે. કારણ કે, જૂના ઘરમાં નવાં બારી-બારણાં-જાળી-ચોકઠાં બેસાડતાં મિસ્ત્રીમિત્ર પોતે, નેવું અંશના ખૂણાને ધ્યાનમાં રાખીને કામ નથી કરી શક્યા એ બદલ, ઘરસમારકામના પૂર્વસૂરિ એવા કડિયાકર્મીનો વાંક કાઢશે જ.

ઘરનું સમારકામ ચાલતું હોય ત્યારે, સૌથી અગત્યનું કામ પાણી પિવડાવવાનું હોય છે. અહીં, બરછટ માણસોને નહીં, પણ પ્લાસ્ટર દ્વારા લીસી થયેલી દીવાલોને પાણી પિવડાવવાનું હોય છે. ઘરધણી થઈને તમે દિવસમાં દીવાલોને બે વખત પાણી ન પિવડાવો તો બાંધકામ-બહાદુરો દોષની ટાંકી તમારા ઉપર ઢોળશે. કારણ કે, પ્લાસ્ટર ફાટી જવાથી જે તિરાડો પડે તેની મુખ્ય જવાબદારી નર્મદાનાં ન પહોંચેલાં નીરની સાથેસાથે, નર્મદાબહેનના ઘરવાળાની પણ હોય છે!

ઘરમાં પ્લાસ્ટર થઈ જાય પછી ભીંત કે છતને લાંબો સમય સુધી કોરી રાખવાનું આપણી સંસ્કૃતિમાં નથી. આથી, ઘરની છત અને દીવાલોને નવો રંગ પહેરાવવામાં આવે છે. કૌશલ્યપૂર્ણ રંગારાના કિસ્સામાં રંગના છાંટા અને બિનકુશળ રંગારાના કિસ્સામાં લપેડાથી ટાઇલ્સ કે કોટાસ્ટોનથી મઢેલું ભોંયતળિયું તેનાં અસલી રંગ-રૂપ ગુમાવી દે છે. આટલું ઓછું હોય એમ, જો સામાન બહાર કાઢ્યા વગર જ સમારયજ્ઞ આદર્યો હોય તો રંગ-રોગાન વેળાએ સામાનને ઓરડાની ચારે દીવાલોને અડકાડીને કે ઓરડાની મધ્યે રાખવો પડે છે. પણ રંગારાની કાર્યપદ્ધતિ અને કૂચડો એટલાં વ્યાપક હોય છે કે, રંગનાં અમીછાંટણાં સર્વત્ર ઝિલાય છે. જેના કારણે ઘરની તમામ ચીજ-વસ્તુઓ જાણે ધુળેટી રમી આવી હોય તેવું વાતાવરણ સર્જાય છે.

અત્ર-તત્ર-સર્વત્ર દૃશ્યમાન રંગ-ડાઘાના પુરાવાનો નાશ કરવા માટે સમગ્ર તંત્ર અને વ્યવસ્થા કામે લગાડવાં પડે છે. રંગારો તો એમ કહીને ઊભો રહી જાય છે કે, "સાહેબ, આમાં ખાસ ચિંતા કરવા જેવું નથી. કેરોસીનનું પોતું કરી નાખશો એટલે આ ડાઘા જતાં રહેશે." આપણા હાલ-હવાલ જોયા પછી રંગારાને એમ લાગતું હશે કે, સસ્તાં અનાજની દુકાનેથી આપણે દર મહિને કેરોસીન લાવતાં હોઈશું. આ પ્રયોગ કરવાની ફરજ પડે એટલે ડાઘા જતાં તો રહે, પણ જમતી વખતે દાળ-શાકનો કોળિયો લઈએ ત્યારે એવું લાગે કે, વઘાર કેરોસીનથી થયો છે. કારણ કે, કેરોસીનની વાસ એમ ઝટ દઈને હાથનો સાથ છોડવા તૈયાર થતી નથી.

ઘરનું સામાન્ય સમારકામ ક્યારેક તો ભવ્ય જીર્ણોદ્ધાર સુધી વિસ્તરે છે. જેમાં સામાનથી માંડીને સમય સુધીના તમામ અંદાજો ખોટા પડવા માટે જન્મ લે છે. બાથરૂમની વોશ-બેસિનમાં પાણી ભરાઈ રહેતું હોય તો તેના નિકાલ માટે પહેલા તબક્કામાં ગટર-જાળી, મધ્યમ તબક્કામાં ભૂગર્ભીય પાઇપ, અંતિમ તબક્કામાં ટાઇલ્સને બદલવાની ફરજ પડે છે. કોન્ટ્રાક્ટર બદલવાનો વખત ન હોય તો આખેઆખું વોશ-બેસિન બદલાવવું એ જ ફરજિયાત વિકલ્પ બાકી રહે છે.

તમે ભલે કાર્લ માર્ક્સના ચાહક હો તોપણ, ઘરના સમારકામમાં દુનિયાભરના શ્રમિકોને એકઠા કરવાનો વિચાર ભયજનક સાબિત થાય એમ છે. તમે આગોતરું આયોજન કરીને સમારકામના તબક્કા અને તે ક્રમાનુસાર શ્રમિકસેવા વિચારી હોય તો એ તમારી સમસ્યા છે. કારણ કે, અલગ અલગ પ્રકારનાં કામ માટે આવવા જોઈતા મજૂરો એવી રીતે ભેગા થઈ જાય કે તમે એકલા પડી જાવ! વળી, ઘરને સરખું કરાવવા માટે તમે માંડ રજા લીધી હોય, પણ એ દિવસે અને ખરેખર તો એ રાત્રે અમાસ હોય એટલે તમામ કારીગરો કામચલાઉ 'ધાર્મિક' બની જાય. તેઓ દિવસે અમાસ પાળે અને ધરાર ન આવે. આવું થાય ત્યારે આપણને તારીખનું નહીં, પણ તિથિનું મહત્વ સમજાય. ઈસવીસન કરતાં વિક્રમસંવત મહાન છે, એવું જાણવા માટે પણ સંસ્કૃતિગૌરવપુરુષોએ ઘરનું સમારકામ કાઢવું જરૂરી છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :
ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર




સૌજન્ય :


ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, August 12, 2015

હાથી સાથ બઢાના

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર 
.................................................................................................................................

સૌથી લાંબી એટલે કે બાવીસ મહિનાની સગર્ભાવસ્થા ધરાવવા છતાં હાથણીઓ 'જગમાં અમે, પહેલા ક્રમે'ના મિથ્યાભિમાનમાં રાચતી નથી. હાથણીનું બચ્ચું આશરે નેવું કિલોના વજન સાથે આ પૃથ્વી ઉપર 'ધમાકેદાર' અવતરણ કરે છે. હાથણીઓના અલાયદા ડૉક્ટર એટલે કે ગાયનેકો-એલિફન્ટોલોજિસ્ટ ન હોવાથી હાથણીઓની નોર્મલ ડિલિવરી (કુદરતી પ્રસૂતિ) થાય છે. જોકે, શંકર ભગવાને હાથીનું માથું વાઢીને તેને પોતાના પુત્રના ધડ ઉપર લગાવીને સૃષ્ટિની પહેલી શસ્ત્રક્રિયા કરી હતી. આ વાર્તાવર્ણન સાંભળીને 'ભગવાનથી આવું કરાય ખરું?'; 'પછી પેલા હાથીનું શું થયું?' એવા સવાલ ચારેક વર્ષની કોઈ પ્યારી દીકરી પૂછે ત્યારે ડાબા હાથે માથું ખંજવાળવું પડે.

આમ જોવા જઈએ તો હાથીની સૂંઢ એ નાકનો થયેલો વધુ પડતો વિકાસ છે. બહુહેતુકીય સૂંઢની મદદથી હાથી લાંબા શ્વાસ લઈ શકે છે, દૂરનું સૂંઘી શકે છે, સ્પર્શ કરે છે, વસ્તુ પકડે છે, અવાજ કરે છે, લડાઈ કરે છે. હાથીની સૂંઢ હાથ તરીકે પણ કામ આપે છે. જેના કારણે તે પોતાની આંખો પણ લૂછી શકે છે. હાથી સૂંઢથી મગફળીના કોચલાને એવી રીતે તોડી શકે છે કે સિંગદાણો આખો રહે! કોઈ પણ પ્રકારની સરકારી યોજના વગર પણ, હાથી સૂંઢ વડે જળસંચય કરી શકે છે. આ જ સૂંઢ નાહવા માટેનો ફુવારો પણ બની શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે. તેની સૂંઢમાં એક પણ હાડકું નથી હોતું. ગમે તેવો કામચોર હાથી પણ પોતાની સૂંઢથી ત્રણસો કિલોની આસપાસનું વજન ઊંચકી શકે છે. જોકે, શેરી-રસ્તા ઉપર જોવા મળતા હાથીની સૂંઢ ઉપર શહેરીજનો બે-પાંચ રૂપિયાનો સિક્કો મૂકે છે. આ સિક્કાઓને સાચવીને લગભગ પહેલા માળ જેટલી ઊંચાઈએ 'સલામત હાથ'માં પહોંચાડવા માટે હાથીને મોંઘા ભાવની ઊર્જા ખર્ચવી પડે છે. 

હાથીને ખૂબ મોટા કાન હોય છે. તેઓ ઘણું દૂરનું સાંભળી શકે છે. આમ છતાં હાથણી તો હાથીને એવું કહેતી જ હશે કે, 'ક્યારની બૂમો પાડું છું, છતાં સાંભળતો કેમ નથી?' હાથી પોતાના કાનને પકડ્યા વગર પણ હલાવી શકે છે. જેના કારણે પવન આવે છે અને તેને ગરમીમાં રાહત મળે છે. કુદરતે માણસને પણ હાથી જેવા મોટા કાન અને એ કાન હલાવવાનું કૌશલ્ય આપ્યું હોત તો સારું થાત. જેથી કરીને ગરમી અને બફારામાં તેને રાહત થાત. જોકે, કાળઝાળ ઉનાળામાં વાસણાથી ચાંદખેડા જતી પાંચસો એક નંબરની બસમાં ઊભેલા બધા મુસાફરો કાન હલાવે તો એમના કાન એકબીજાને અડકે, અને પરિસ્થિતિ 'ખતરકાન' થઈ જાય તો કહેવાય નહીં. વળી, આળસુ માણસ પોતે કાન ન હલાવે પણ બીજાની સાવ નજીક જઈને ઊભો રહે! આવી ગુસ્તાખી કોણ માફ કરે?

'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’માંથી ‘આપણે હાથી ખરીદીએ’ પ્રકરણ વાંચ્યા પછી 'દોઢા ગુજરાતી' તરીકે અમને કેટલાક સવાલ થવાના જ. અમે 'માહિતી અધિકાર કાનૂન'ની મદદ લીધા વગર પણ (ઓછા)લાગતા-(વધુ)વળગતાવાળાઓને આટલા સવાલ પૂછવા માંગીએ છીએ : મધ્યમ વર્ગના માણસને હાથીનો નિભાવ કેવી રીતે પોષાય? ઉદરટાંકીમાં ગંજાવર ખોરાક-પાણી પુરાવતો હાથી છેવટે કેટલી એવરેજ આપે? કોઈ મંદિરમાંથી સેકન્ડ હેન્ડ હાથી ખરીદીએ તો કિંમતમાં કેટલો ફેર પડે? હાથી ખરીદવા માટે લોન લઈએ તો એના ઉપર ભરવું પડતું વ્યાજ આવકવેરાની કઈ કલમ હેઠળ બાદ મળે? નવો હાથી ખરીદીએ તો કંપની વર્ષમાં કેટલી ફ્રી સર્વિસ કરી આપે? આપણે ગમે એટલા રૂપિયા ખર્ચીએ, પણ શહેરમાં કયો બિલ્ડર હાથી માટે અલાયદા પાર્કિંગની વ્યવસ્થા આપે છે?

અમદાવાદમાં ભદ્રકિલ્લાથી પાનકોરનાકા સુધી જઈએ તો રસ્તા ઉપર જગ્યા સિવાય બધું જ જોવા મળે છે. આવા વિસ્તારોમાં મોપેડ ચલાવો કે મોટરકાર, પરંતુ જગ્યા, ઝડપ, અને નિરાશા એકસરખી મળે છે. આ પરિસ્થિતિમાં શહેર સુધરાઈએ જાહેર ભાવપત્રક મંગાવીને હાથીસવારીની સેવા શરૂ કરવી જોઈએ. પ્રજાને ગમે તેટલી ઉતાવળ હશે તોય તેઓ રસ્તા ઉપર મહાકાય હાથીને જોઈને તેને આપમેળે જગ્યા કરી આપશે. જેના કારણે પ્રજામાં સહિષ્ણુતા અને ઉદારતાનો ગુણ કેળવાશે. હાથી ઉપર સવારી કરવાથી મોટેરાંને મહત્વ અને નાનેરાંને મનોરંજન મળી રહેશે. હાથીપીઠ ઉપર બેસનાર વિહંગાવલોકન કે સિંહાવલોકનની જેમ ગજાવલોકનનો લાભ લઈ શકશે. હાથીને મધુપ્રમેહ નથી હોતો એટલે તે કેળાં અને શેરડીની ના પાડતો નથી. જેના કારણે સમગ્ર રસ્તા ઉપર કેળાં અને શેરડી વેચવા માટેનાં પાથરણાં પથરાઈ જશે. આમ, સ્થાનિક માણસોને રોજગારી મળી રહેશે. જેના કારણે ધોળા દિવસે અમુક કલાકો પૂરતું બેકારીનું નિકંદન નીકળી જશે. આમ, હાથી થકી માહિતી, મનોરંજન, રોજગાર, અને પ્રવાસન જેવા હેતુઓ સિદ્ધ કરી શકાશે. ભદ્ર પ્લાઝા માટેની આ 'હાથીઆય યોજના' ધીરેધીરે કાંકરિયા કાર્નિવલ અને સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. 

નગરોમાં ચાર રસ્તા ઉપરનાં જાહેરખબરી પાટિયાં કરતાં હાથીનાં પડખાં વધારે અસરકારક સાબિત થાય એમ છે. કારણ કે, હોર્ડિંગ્સ એ સ્થિર માધ્યમ છે, જ્યારે હાથી એ જીવંત માધ્યમ છે. વળી, હાથીના જમણા પડખા ઉપર જાહેરખબર સંબંધિત ચિહ્ન-તસવીર-સૂત્ર-પંક્તિ-બયાન કર્યાં બાદ જગ્યા ખૂટે તો નીચેના ખૂણે 'અનુસંધાન માટે જુઓ આ જ હાથીનું ડાબું પડખું' એવી નોંધ મૂકી શકાય! આમ, હાથીનાં જમણા અને ડાબા એમ બન્ને પડખાંનો છૂટથી અને વટથી ઉપયોગ કરીને રૂપિયા રળી શકાય. હાથીના શરીરનાં અન્ય અંગો જેવાં કે, કપાળ, કાન, દાંત, સૂંઢ, પગ, પૂંછડી ઉપર ચોરસ ફૂટ લેખે ભાવ વસૂલીને જાહેરખબર ચીતરી શકાય. આ સારુ કેવળ કુદરતી રંગોનો જ ઉપયોગ કરીને આપણી પર્યાવરણીય નિસબતનો પરિચય કરાવવો જ રહ્યો. અહીં, હાથી ઉપર જાહેરખબર લખવા માટે જે વિશેષ અને વિશાળ ફોન્ટ વાપરવામાં આવે તેને 'એલિફોન્ટ' જેવું નિરાળું નામ આપી શકાય.

બે હજાર બારની સાલથી બારમી ઓગસ્ટનો દિવસ 'વિશ્વ હાથી દિવસ' તરીકે ઉજવાય છે. આપણે ભલે મહોલ્લાની મઝિયારી મિલકત સમાન દેશી ગલૂડિયું પણ ન પાળતાં હોઈએ, પરંતુ આવો હાથીખમ લેખ વાંચીને ઘરેબેઠાં 'વિશ્વ હાથી દિવસ'ની ઉજવણી કરી શકીએ છીએ. સૃષ્ટિમાં હાથીના અસ્તિત્વ સામે પડકાર ઊભો થયો છે. માનવજાતે 'હસ્તીત્વ' બચાવવા માટે નક્કર પગલાં લેવાં જ રહ્યાં. આથી, અમે નક્કી કર્યું છે કે, જુવાનીમાં હાથીદાંતનું કડું ન પહેરવું અને બુઢાપામાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવું. દરેક વખતે અમારાથી ઊંધું જ વિચારતા કેટલાક મિત્રો જુવાનીમાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવાનો અને બુઢાપામાં હાથીદાંતનું કડું ન પહેરવાનો નિર્ધાર કરી શકે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................
સૌજન્ય :


હાથી સાથ બઢાના
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦

Wednesday, August 5, 2015

વરસાદી પહેરણ અને પૌરુષેય મૂંઝવણ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

સ્ત્રીઓ કાં તો છત્રી ઓઢે છે, કાં તો રેઇન-કોટ પહેરે છે, પણ રેઇન-સૂટ એ કેવળ પૌરુષેય ઘટના છે. આમાં સ્ત્રીઓ પુરુષસમોવડી બને એવી શક્યતા પાતળી છે. વરસાદી વસ્ત્ર ખરીદતી વેળાએ કોઈ અમદાવાદી ભાયડાને સવાલ થાય કે, 'રેઇન-સૂટ ધોયા પછી ચઢી તો નહીં જાય ને?'; 'રેઇન-સૂટનો રંગ જતો તો નહીં રહે ને?' રેઇન-સૂટ એક વિશેષ કોટ-પાટલૂન છે. ધોયો ન હોય છતાં સૂકવવો પડે તેવો સંજોગ રેઇન-સૂટ જ ઊભો કરી આપે છે. એક બિનસત્તાવાર સંશોધન મુજબ, હડપ્પાયુગીન સંસ્કૃતિમાં પણ પુરુષો રેઇન-સૂટને કાંજી અને ઇસ્ત્રી કરવાની ચિંતા નહોતા કરતા! જોકે, રેઇન-સૂટને અતિ જોરથી ઝાટકવાથી તેના સાંધાને વાંધા પડે છે. આ જ રીતે રેઇન-સૂટને ભૂલથી પણ નિચોવવો નહીં. નહીંતર તેને પહેરનાર પુરુષ કુપોષણનો ભોગ બન્યો હોય તેવો દેખાશે.

જે વસ્ત્રો ધારણ કરીએ તેના રંગમેળના રેઇન-સૂટ દરેકને ન પોસાય. કાળા, ભૂરા, કે બદામી રંગનો એકનો એક રેઇન-સૂટ પહેરીએ તો ગરીબી રેખાની આસપાસ આંટા મારતાં હોઈએ એવી છાપ પડે. આવી મૂંઝવણમાંથી મારગ કાઢવો હોય તો 'ટ્રાન્સપરન્ટ રેઇન-સૂટ'ના વિકલ્પને મહોલ્લાથી માંડીને જિલ્લા સ્તરે વધાવી લેવો જોઈએ. આમ, 'પારદર્શક વરસાદી પોશાક'ના કારણે એની ભીતર ધારણ કરેલાં 'કાર્યાલયી કપડાં'નું સ્વયંભૂ પ્રદર્શન થઈ જાય છે. આપણું વ્યક્તિત્વ પારદર્શક હોય કે ન હોય, વર્ષાવસ્ત્ર પારદર્શક હોય એટલું પૂરતું હોય છે. અહીં, હિંદી ચલચિત્રનાં નટ-નટીઓને વિનંતી કરવાની કે, તેઓ ચોમાસામાં 'ટ્રાન્સપરન્ટ રેઇન-સૂટ' ભલે પહેરે, પણ તેની નીચે કશુંક પહેરવાનો રિવાજ પાળે એ સમાજ અને સંસ્કૃતિના હિતમાં છે.

વરસાદી ઝાપટું આવે ત્યારે, ડાબી બાજુના રસ્તાની ડાબી બાજુની ધારે દ્વિચક્રી વાહનને ઊભું રાખીને રેઇન-સૂટ પહેરતા પુરુષોની કોઈને દયા પણ નથી આવતી. ભરબપોરે અમદાવાદના અટીરા અને પી.આર.એલ. વચ્ચેના રસ્તા ઉપર ગર્લ્સ પોલીટેક્નિક કૉલેજની સામે પુરુષ જેવા પુરુષ થઈને જાહેરમાં રેઇન-સૂટ પહેરવો પડે એ કેવી મૂંઝવણભરી સ્થિતિ છે! આમાંથી બચવા માટે રસ્તાની બન્ને બાજુએ ઝાડનું અને વાડનું સંવર્ધન કરવું જરૂરી છે. જેથી, તેની આડશમાં પુરુષો રેઇન-સૂટ પહેરી શકે અને પોતાની આબરૂનાં મિજાગરાં ઢીલાં પડતાં અટકાવી શકે. વધુમાં, વાહન ઉપર પલાણીએ એટલે રેઇન-સૂટનો નીચેનો ભાગ થોડો ચઢી જવાથી તેની લંબાઈમાં હંગામી ઘટાડો માલૂમ પડે છે. જેના કારણે અંદર પહેરેલા પેન્ટની મોરી ડોકિયું કરે અને છેવટે તે ભીંજાઈ જાય. આ તકલીફમાંથી ઊગરવા માટે વધારે લંબાઈનો રેઇન-સૂટ ખરીદવો પડે. પરિણામે, ચાલતી વખતે મોરી પગમાં આવે અને ગુજરાત જેવા 'સૂકા રાજ્ય'માં ભીના રસ્તા ઉપર લથડિયું ખાવાની શક્યતા ઊભી થાય.

રેઇન-સૂટ સરકારી કાર્યાલયમાં કેવી રીતે કાઢવો, ક્યાં સૂકવવો એવી નરસહજ વેદના નારીઓ કેવી રીતે સમજી શકશે? જે રેઇન-સૂટ ઘણા દિવસો સુધી તડકો જોતો નથી, તે છેવટે કાઠિયાવાડની તળપદી ભાષામાં કહીએ તો બોક મારી જાય છે. આવા કુવાસયુક્ત રેઇન-સૂટ માટેનું 'ફૂસફૂસિયું' ('સ્પ્રે'નું ધ્વનિમૂલક ગુજરાતી ભાષાંતર!) માણેકચોકથી માંડીને ચાંદનીચોકમાં પણ નહીં મળે. રેઇન-સૂટના મામલે સ્કૂટર ઉદાર છે, પણ બાઇક નાદાર છે. કારણ કે, બાઇકમાં હેલ્મેટ મૂકવાની બખોલ જ ન હોય, ત્યાં રેઇન-સૂટ ક્યાં મૂકવો?

ક્યારેક, રેઇન-સૂટની ટોપીની દોરીની મડાગાંઠ ઉકેલતો પુરુષ જાણે હમણાં ઊકલી જશે એવું દૃશ્ય સર્જાય છે. રેઇન-સૂટની છૂટક ટોપીને માથે ઓઢી લીધા પછી એના ઉપર હેલ્મેટ ચઢાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ બન્ને વચ્ચે તાલમેલ ન જળવાય તો ગરદનના શિખર પર થઈને બરડાની તળેટી સુધી ચોમાસું આગળ વધતું રહે છે! વધારામાં, પુરુષો અસલી 'બનાવટ'ના રેઇન-સૂટમાં વધુ પડતી ઝિપાઝિપી કરવા જાય તો ઝિપ તેના પાટા ઉપરથી ખડી જાય છે. આવા તાકડે સ્ત્રીઓની સરખામણીમાં, પુરુષોના હાથમાં સેફ્ટી પિન પણ ક્યાં સલામત હોય છે?! પરિણામે પુરુષો બેચેન બની જાય છે. આ જ પ્રમાણે, રેઇન-સૂટનાં ઊખડી ગયેલાં સિલાઈ-સાંધામાંથી વરસાદી પાણીનો રેલો રસ્તો કરી લે છે. કેટલીક વખત આ પરિસ્થિતિ એવી રીતે, અને એવી જગ્યાએ સર્જાય છે કે, બિચારા પુરુષો શરમના માર્યા, રસ્તો ભૂવો કરી આપે તો તેમાં સમાઈ જવાનું પસંદ કરે.

કવિઓ ચોમાસા પૂરતું વાદળ, વીજળી, વરસાદ, મેઘધનુષ, મોરની કળા, છત્રી, પ્રિયતમાની ભીની લટ, મકાઈડોડો, દાળવડાં જેવા મોસમી વિષયો ઉપર કવિતાઓ લખીને ગુજરાન ચલાવે છે. વિધાતાએ તેમનાં નસીબમાં ઝભ્ભા-ચોરણી ઉપર રેઇન-સૂટ પહેરવાની પીડા લખી હોય છે. વર્ષાસત્રમાં લાંબાં-પહોળાં ઝભ્ભા-ચોરણી ઉપર ઠઠારવામાં આવતા ચુસ્ત રેઇન-સૂટથી ઝભ્ભા-ચોરણી જ નહીં, આખેઆખો કવિ ચોળાયેલો માલૂમ પડે છે. નગરજીવનના કવિની આ તનોવેદના તેની કવિતામાં પણ વ્યક્ત થઈ શકતી નથી. જે લોકો કવિ ન હોય તેમણે પણ ચોમાસામાં અંદરનું કે બહારનું ખાવામાં ખાસ ધ્યાન રાખવું. કારણ કે, દુકાન-બજારની હડિયાપાટી રહેતી હોય, નોકરી-વ્યવસાયનો સમય થયો હોય, સ્કૂટર-બાઇકને માંડ 'લાત' મારી હોય, રેઇન-સૂટ પહેર્યો હોય, અને વારેઘડીએ એક ચોક્કસ હાજત માટે જવું પડે એવા સંજોગો ઊભા થાય તો પરિસ્થિતિ બેકાબૂ બની જાય. આથી, ચાતુર્માસમાં ખોરાક-પાણી ઉપર નિયંત્રણ રાખવું એ કેવળ ધાર્મિક જ નહીં, દેહધાર્મિક ઘટના પણ બની રહે છે!

વરસાદી સવારે આઠથી દસમાં, કોઈના બેસણામાં બાઇક લઈને જવાનું થાય ત્યારે રેઇન-સૂટ ક્યાં અને કેવી રીતે કાઢવો, મૂકવો, અને પુન: પહેરવો એ ભારે કર્મસંકટ બની જાય છે. આમાંથી ધડો લઈને સ્થાનિક જીવદયાપ્રેમી મનુષ્યોએ ચોમાસામાં દુનિયા છોડવાનું મુલતવી રાખવું. જેથી કરીને બેસણાંમાં આવતા પુરુષમંડળના વરવા હાલ ન થાય. આ ઉપરાંત, ક્યાંય પણ બહાર નીકળતી વખતે વરસાદી છાંટો-પાણી દેખાય કે તરત રેઇન-સૂટમાં હાથ-પગ નાખી દેવાનો નિર્ણય લઈ લેવો પડે છે. રસ્તામાં વરસાદ વિરામ લે છતાં, કર્ણનાં કવચ-કુંડળની માફક રેઇન-સૂટ તો ડિલથી વળગેલો રહે છે. આ વખતે વાતાવરણમાં ઘામ હોય તો શરીર વગર પરિશ્રમે પરસેવો પાડવાનું શરૂ કરે છે. પરિણામે, રેઇન-સૂટ પહેર્યો હોવા છતાં ભીતરથી ભીના થવાના દહાડા આવે છે.

કચેરીમાંથી વછૂટ્યા પછી, અઢીસો ગ્રામ કંકોડાં કે પાંચસો ગ્રામ પરવળ ખરીદવા માટે શાકબજારમાં જવાનું હોય તેવા પુરુષોએ વિશેષ સજ્જતા અને સાવધાની કેળવવી પડે છે. કારણ કે, રેઇન-સૂટના બાહ્યાવરણને કારણે, ભીતરના કપડાના ખિસ્સામાંથી પાકીટ અને એ પાકીટમાંથી ચલણી નાણું કાઢવા માટે મરણિયા પ્રયાસો કરવા પડે છે. આદર્શ સ્થિતિ એ છે કે, પુરુષવર્ગે આગોતરા આયોજનરૂપે ખપ પૂરતાં રૂપિયા રેઇન-સૂટના ખિસ્સામાં હાથવગા રાખવા જોઈએ. ચાલુ વરસાદે રેઇન-સૂટના ખિસ્સામાં પણ થોડો જળસંચય થવાની શક્યતા નકારી શકાય નહીં. આવા કિસ્સામાં અને ખિસ્સામાં, કાગળનાં ચલણી નાણાંને પ્લાસ્ટિકના ઝભલાનો 'રેઇન-સૂટ' પહેરાવવો પડે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય :



વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

Wednesday, July 29, 2015

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

પર્યટને નીકળ્યા હોઈએ ત્યારે ધર્મશાળામાં જતાંની સાથે જ દોરીઓ બાંધવાની ટેવ પડી હોય, તો પછી પંચતારક હોટેલમાં પણ દોરીને છૂટો દોર કેમ ન આપવો? ઘણા પ્રવાસીઓ રેલગાડીના ડબ્બામાં બન્ને બાજુની બારીઓના લોખંડી સળિયા સાથે બિચારી દોરીને કચકચાવીને બાંધે છે. જેના કારણે, એ સળિયા ઉપર દોરીના કાપા ઊપસી આવે છે. આગગાડી સાથે થતો આ પ્રયોગ ભવિષ્યમાં આટકોટથી એન્ટવર્પ જતાં શટલિયા વિમાનમાં જોવા મળે તો નવાઈ ન લાગવી જોઈએ.

છાત્રાલયની ઓરડીની અંદર વિદ્યાર્થીઓ ભરચોમાસે કપડાં સૂકવવાની દોરી બાંધી શકાય તેટલી જગ્યા હવામાં રાખતા હોય છે. પરંતુ, એવેરેસ્ટ અપાર્ટમેન્ટ કે કાંચનજંઘા ફ્લેટ્સના રહેવાસીઓની ફરિયાદ છે કે, 'મોસમ બદલાવ'ના કારણે એમની અગાશીમાં કપડાં જોઈએ એવાં વાવઠતાં નથી. વળી, કપડાં સૂકવવાની દોરી સમુદ્રની સપાટીથી કેટલા ફૂટ ઊંચે બાંધવી જોઈએ એના વિશે પણ પ્રત્યેક પરિવારમાં પારાવાર મતભેદ પ્રવર્તે છે.

એક અર્થમાં દોરી એ 'સૂર્યશક્તિથી ચાલતું કપડાં સૂકવવાનું ઉપકરણ' છે. હાલમાં આપણે જેની ફીરકી ઉતારી રહ્યા છીએ એ કપડાંની દોરી નથી, પણ કપડાં સૂકવવાની દોરી છે. કપડાં સૂકવવાની દોરી કયા રંગની હોવી જોઈએ એ મામલે કોઈ વખતનો વધારે વ્યય કરતું નથી. કારણ કે, દરેક કપડાના રંગને મળતી આવે એવા રંગની દોરીની શોધ થઈ નથી. જોકે, ચોક્કસ ધરમધારા કે વિચારધારા સાથે સંકળાયેલા માણસો લાલ, લીલા, કે કેસરી રંગની દોરીનો ખાસ આગ્રહ રાખે તો એ રંગનાં નસીબ, બીજું શું?! આપણે જૂજ કિસ્સામાં પણ દોરીનો રંગ કપડાંને લાગી ન જાય એની ચીવટ રાખીએ છીએ. પરંતુ ક્યારેક કપડાંનો રંગ દોરીને લાગી ન જાય એની ચિંતા કરતાં નથી.

કપડાં સૂકવવા માટે ધાતુનો તાર વાપરવો નહીં. આ માટે 'ગુજરાત રાજ્ય આપત્તિનિવારણ સત્તામંડળ'ની અખબારી યાદીની રાહ ન જોવી. ચોમાસામાં વાવાઝોડાં અને વરસાદ જેવા કારણોસર ધાતુનો તાર વીજળીના તારના ઘનિષ્ઠ સંપર્કમાં આવી જાય એવું બને. તમે એ તાર ઉપર ભીનાં કપડાં સૂકવવાં જાવ એવું પણ બને. જેના કારણે વસ્ત્રને અને વ્યક્તિને આંચકો લાગી શકે. આમ, 'જીવંત' તારથી વ્યક્તિનો જીવનતાર કાયમ માટે તૂટી જાય. પરિણામે દેહ છોડતાં પહેલાં સ્પષ્ટતા ન કરી હોવાથી, વ્યક્તિની કાયમી ગેરહાજરીમાં કપડાં કોણ સૂકવશે એ પ્રશ્ન મહત્વનો બને છે.

ચોમાસામાં લોખંડના તાર ઉપર કાટ લાગવાની શક્યતા રહે છે. લોખંડનો તાર એટલો ઉદાત્ત હોય છે કે, પોતે પરિશ્રમથી પેદા કરેલો કાટ કપડાંને ખબર ન પડે તેમ એના ખાતામાં જમા કરી દે છે. આથી, લોખંડના તારની અવેજીમાં વિવિધ જાતની દોરીઓ ઉપર જગતની નજર પડે છે. દા.ત. કાથીની દોરી, સૂતળીની દોરી, નાયલોનની દોરી. જેમાં, કાથીની દોરી બાંધવાથી પહેલાં હાથ અને પછી કપડાં છોલાઈ જાય છે. સૂતળીની દોરી બાંધીએ એની જાણ ખિસકોલીને 'વોટ્સએપ્પ' વગર પણ થઈ જતી હોય છે. કેટલાક કિસ્સામાં તો ખિસકોલી કપડાં સૂકવવાં નહીં, પણ પોતાનો માળો બાંધવા માટેના 'કાચા માલ' તરીકે સૂતળીની દોરીનું અપહરણ કરી જતી હોય છે. છેવટે નાયલોનની દોરી સર્વાનુમતે પસંદગી પામે છે. આપણે ગુજરાતીઓ વિશાળ હૃદયથી નાયલોનનો સ્વીકાર કરી લઈએ છીએ, પછી એ નાયલોન ખમણ હોય કે નાયલોન દોરી!

દોરી બાંધતી વખતે તેને બહુ ન ખેંચવી. નહીંતર એની જીવાદોરી ટૂંકી થઈ જશે. દોરીને બહુ ઢીલી પણ ન રાખવી. નહીંતર આવતાં-જતાં, ભોડાં ઉપર કપડાં ભટકાશે. આમ, અહીં પણ ભગવાન બુદ્ધે ચીંધી આપેલો મધ્યમમાર્ગ ખપમાં લેવો. ઉપરાંત, દોરી કઈ દિશામાં બાંધવી એ વાસ્તુશાસ્ત્રના આધારે નહીં, પણ વાયુશાસ્ત્રના આધારે નક્કી કરવું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન આવતો હોવાથી, દોરી પણ નૈઋત્ય દિશામાં બાંધવી રાષ્ટ્રના હિતમાં છે.

બંગલો કે ટેનામેન્ટમાં કપડાં સૂકવવાની દોરી તો શું ગાભણી ગીર ગાય પણ બાંધી શકાય. સવાલ ફ્લેટ કે અપાર્ટમેન્ટમાં રહેતા મધ્યમવર્ગીય કુટુંબોનો છે. માથે અને ધાબે ચોમાસું હોય, બે વર્ષના બાળકને સૂકવવાની જગ્યા પણ માંડ રહેતી હોય, ત્યાં કપડાં સૂકવવાની દોરી ક્યાં અને કેવી રીતે બાંધવી? આપણે આવી સમસ્યા 'મધ્યમવર્ગની મુશ્કેલીઓ'ના નિબંધમાં હૃદયસ્પર્શી રીતે વર્ણવીએ તો સંવેદનશીલ પરીક્ષકની આંખમાં ચોમાસું ઊમટી આવે. વળી, ઝરૂખામાં મૂકેલો કપડાં સૂકવવાનો ઘોડો પણ સાંબેલાધાર વરસાદ અને સુસવાટાભેર પવનમાં પગ અધ્ધર કરી દે છે! આ સંજોગોમાં નિત્યપ્રયત્નશીલ મનુષ્ય નવા વિકલ્પોની શોધમાં ઝંપલાવે છે. ઋતુઓની રાણી એવી વર્ષાઋતુમાં ઘરની રાણી એવી 'વર્ષા' કપડાં સૂકવવાની દોરી કેવી રીતે બાંધે? બસ, ઘરના 'વિઠ્ઠલ'ની અહીં જરૂર પડે છે. વર્ષાના દોરીસંચારને જગતનો અંતિમ આદેશ માનીને વિઠ્ઠલ દોરીચાળો કરવા મરણિયો બને છે.

બજારમાં તૈયાર મળતી નાયલોનની દોરીની લંબાઈ પ્રમાણે મકાનની બે દીવાલો વચ્ચેનું અંતર હોતું નથી. આ જ રીતે મકાનની બે દીવાલો વચ્ચેના અંતર જેટલી લંબાઈની દોરી ખરીદવા માટે પાંચફૂવા દરવાજાથી માંડીને ઢાલગરવાડ સુધી રખડશો તોપણ નહીં મળે. આપણે તો બન્ને દીવાલોમાં ખાધે-પીધે સુખી ઘરની ખીલીઓ ઠોકીને તેના ઉપર દોરીને ખેંચીને થાળે પાડવી પડે. ગમે તેટલા ઉદાર થઈને દોરી બાંધીએ તોય દોરી થોડી વધે તો તેને કાપી નાખવી એ આપણા વ્યક્તિત્વની મૂળ ખામી નહીં, પણ મૂર્ખામી છે. આવી 'ઘરેલું કટોકટી'માં દોરીના વધેલા કટકાને પકડીને કાયમ માટે ઊભાં ન રહેવાય, પણ સહેજ ખેંચીને સલામત જગ્યાએ બાંધી દેવાય! જેથી તેની ઉપર નરનો નહીં તો છેવટે નારીનો હાથરૂમાલ પણ સૂકવી શકાય. ખીલીઓ ઠોકતી વખતે પહેલાં ટેબલનું અને પછી દોરીબંધુનું સંતુલન જળવાવું જોઈએ, એ કહેવાની જરૂર નથી એટલે અહીં નથી કહેવું. કપડાં સૂકવવાની દોરી બાંધવા માટે ખીલીઓ કરતાં પ્રશ્નચિહ્ન આકારના હૂક લગાવવા હિતાવહ છે, એવી સલાહ આપનારા 'કર્મઢીલ' લીમડાની છત્રી કરીને બેઠાં હોય છે. આ સારુ તેઓ 'આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન' દ્વારા નિર્ધારિત માપદંડનો હવાલો આપે તો મગજને 'સાઇલન્ટ મોડ' ઉપર રાખીને સાંભળી લેવું.

દહાડા-સપ્તાહ-મહિના જતાં ભીનાં કપડાંના ભારથી દોરી ઢીલી પડે છે. છેવટે એની ઝોલ નીચેની દિશા તરફ પડે છે. એનાથી સાબિત થાય છે કે, દોરી ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. આપણી આસપાસ બનતી આવી ઘટનાઓથી ન્યૂટનનો નિયમ આજે પણ સાચો પડે છે, એ જાણીને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. પરંતુ, ચાર અઠવાડિયાં અગાઉ કપડાં સૂકવવાની દોરી બંધાઈ ચૂકી હોય અને વરસાદને મહિનાથી કોઈએ બાંધી રાખ્યો હોય એ ઉપાધિ નહીં તો બીજું શું?                                                                              ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩-૦૬

પુનર્મુદ્રણ :
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય : 

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, July 22, 2015

સદી નહીં, બસ ચૂક્યો સચિન

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

આપણા સૌનો એકનો એક સચિન તેંડુલકર ઇંગ્લેંડના ઓક્સફર્ડશિયરના ગ્રેટ હેસલેમાં છેલ્લી બસ ચૂકી ગયો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીની સદી ફટકારનાર સચિન લોન ટેનિસની મેચ જોવા ગયો એમાં આ મોકાણ થઈ. ખુદ સચિને આ ઘટનાની કેટલીક તસવીરો વહેતી મૂકી. જેમાંની એક તસવીરમાં, સચિનને બસ સ્ટેન્ડ ઉપર લમણે હાથ દઈને બેઠેલો જોઈને અમે ભારતીય સમય અને ટેવ મુજબ દુઃખી થઈ ગયા. સચિન ગુજરાતી પરિવારની દીકરી અંજલિ મહેતાને પરણ્યો છે. એટલે એક ગુજરાતી તરીકે આપણને શ્રીમાન સચિનકુમારની ચિંતા થાય એ વાજબી છે.

રમતવીર સચિન ઘણી વાર 'એલ.બી.ડબલ્યૂ.' એટલે 'લેગ બીફોર વિકેટ' જાહેર થયો છે, પરંતુ વિલાયતના અખબારી અહેવાલ મુજબ તે અહીં 'એલ.બી.ડબલ્યૂ.' એટલે કે 'લાસ્ટ બસ વેન્ટ' જાહેર થયો! આપણા પ્રાદેશિક પત્રકારો છાપાંની જગ્યા અને વાચકોનો સમય બચાવવા 'સચિન તેંડુલકર'ને ટૂંકમાં 'એસ.ટી.' તરીકે જાહેર કરીને સર્જનાત્મક શીર્ષક લખી શકે કે, 'એસ.ટી. બસ ચૂકી ગયો.'

સચિન તેંડુલકરે વામ-હસ્ત-ઉર્ધ્વ-અંગુષ્ઠ-કમાન-મુદ્રા દ્વારા એટલે કે, ડાબા હાથનો અંગુઠો ઊંચો કરીને તેને કમાનાકારે વાળીને લિફ્ટ માંગવાનો પ્રયાસ પણ કર્યો. આ જ સચિન આપણા દેશમાં અંગુઠાને આ રીતે વાળીને જો 'થમ્બ્સ અપ' ગટગટાવવાનું કહે તો લોકો એનું આંધળું નહીં પણ દેખતું અનુકરણ કરે. જોકે, નાણાંના નળ નીચે નિરાંતે નાહી શકે એવા સચિનની આવી દયામણી હાલત જોઈને એવું લાગ્યું કે, જીવનમાં પૈસો એ જ સર્વસ્વ નથી!

સચિન મોટા ભાગે સપરિવાર દર્શન આપે છે. જોકે, આ વખતે તે સાવ એકલો હતો. આ બાબતનો સાર એટલો જ કે, 'આ દુનિયામાં આપણે એકલા આવ્યા છીએ, ને એક દિવસ આપણે આ દુનિયા છોડીને એકલા જવાનું છે.' એમાં પણ આપણે છેલ્લી બસ ચૂકી જવાના હોઈએ તો એમાં આખા પરિવારને શું કામ હેરાન કરવો એવો વીરોચિત બલિદાનભાવ સચિને દાખવ્યો હોવો જોઈએ.

આખા ઘટનાક્રમની એક તસવીરમાં, સચિનના ચહેરા ઉપર છેલ્લી બસ ચૂક્યાની ચિંતા પ્રમાણમાં ઓછી દેખાય છે. છેલ્લી બસ ચૂક્યાનો તેનો પહેલો અનુભવ હોવાથી, સચિન પોતાની વેદના વ્યક્ત કરવામાં જોઈએ એવો સફળ થયો નથી. વધારામાં, તે લિફ્ટ લેવા માટે ચહેરો હસતો અને અંગુઠો ઊંચો રાખીને 'વિદેશી સહાય' મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી ઘટના ભારતમાં બની હોય તો સચિનના હસ્તાક્ષર લેવા પડાપડી થાત. જ્યારે અહીં સચિનના હાથમાં ન તો કલમ હતી, સચિનની પાસે ન તો ચાહકોની ભીડ હતી. વળી, સચિનના હાથમાં ક્રિકેટ રમવાનું બેટ કે છેવટે કપડાં ધોવાનો ધોકો હોત તોપણ કોઈકે તેની નોંધ લીધી હોત.

હંમેશાં તરોતાજા લાગતો સચિન મુંબઈવાસી છે. કિશોરાવસ્થાના દિવસોમાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીને ક્રિકેટ રમવા જતા હશે. કાળક્રમે સાર્વજનિક વાહન-ગાડી પકડવાની સચિનની ટેવ છૂટી ગઈ. ગુજરાતમાં નહોતો રહેતો છતાં સચિનનો 'વિકાસ' થવા લાગ્યો. તે ફેરારી જેવી મોંઘીદાટ ગાડીઓ હંકારવા માંડ્યો. સચિન જાહેરખબરોમાં દેખાવા લાગ્યો. તે જીવનની વાસ્તવિકતાઓથી દૂર થવા લાગ્યો. એક ગુણની ખાલી જગ્યા ભરવા માટે પણ આપણે યાદ રાખવું જોઈએ કે, સચિન તેંડુલકર 'ભારતરત્ન' છે. તે ઇંગ્લેંડ જેવા દેશના એક ગ્રામપ્રદેશમાં આવી રીતે છેલ્લી બસ ચૂકી જાય એ જાણીને ઘણા સચિનપ્રેમી ભક્તો ગળગળા થઈ જાય તો આપણે એમને આશ્વાસન સિવાય બીજું શું આપી શકીએ?

આપણા દેશમાં સચિનની લોકપ્રિયતા બન્ને કાંઠે વહેતી રહી છે. ક્રિકેટવિશ્વમાંથી નિવૃત્ત થયા પછી આજે પણ તેંડુલકર લીલીયા-લાઠી માર્ગ ઉપર બસ ચૂકી ગયો હોત તો, કોઈ ગ્રામજન તેને અઢીસો ગ્રામ ગાંઠિયા ખવડાવત અને ઉપર ગોળીવાળી સોડા પીવડાવત. સચિન ખાન-પાન પતાવ્યા પછી, જશવંત છાપ બીડી ન પીતો હોત તો તેને મીઠો માવો ખવડાવત. જો તે વાગરા બાજુની બસ ચૂકી ગયો હોત તો તેના માટે કોઈ જુવાન ભરૂચની સીંગનું પડીકું અને બરફ નાખ્યા વગરનો શેરડીનો તાજો રસ લઈ આવત.

આ દેશમાં એવા લાખો લોકો હશે, જેઓ પહેલીથી માંડીને છેલ્લી સુધીની અનેક બસ ચૂકી ગયા હશે. ઘણી વાર તો આપણે જોઈએ તેમ નજર સામેથી બસ પસાર થઈ જાય છે. આપણને વિલાપ કરતાં મૂકીને બસ જતી રહે ત્યારે સંસાર અસાર લાગે છે. ચહેરા ઉપર ટૂંક સમય માટે વૈરાગભાવ પણ આવી જાય છે. ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. અહીં એ વાત અસ્થાને છે કે, આપણને રસ્તા ઉપર પડતા ભૂવામાં પડવાની બીક લાગે છે! વળી, આપણે જે છેલ્લી બસ ચૂકીએ તેની પાછળ સુભાષિત લખેલું હોય કે, 'લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે.' અહીં 'એક અમર આશા'ના સ્વપ્નને સાકાર કરવું હોય તો વહેલી સવારની સૌથી પહેલી બસ પકડવા માટે બસ સ્ટેન્ડમાં આખી રાત જાગવું પડે! આથી, જ્યારે છેલ્લી બસ પણ આપણને છોડીને જતી રહે ત્યારે 'એકલો જાને રે'ની રવીન્દ્રપંક્તિને યાદ કરીને મંજિલ ભણી ચાલવાનું શરૂ કરી દેવું એ શાણપણનું કામ છે. આ વખતે આપણે એકલા નથી હોતા. કારણ કે, શેરીનાં કૂતરાંને પણ પોતાની ઊંઘ ત્યજીને સજાગ થવાની ફરજ પડે છે. 

છેલ્લી બસ ચૂકી ગયા પછી બસ સ્ટેન્ડ ઉપર રોકાવું જોઈએ કે નહીં? જો રોકાવું પડે તો ત્યાં બેસીને શું કરવું જોઈએ? આવી અનેક મૂંઝવણ વિશે માર્ગદર્શન આપતો અલાયદો સરકારી વિભાગ કે સ્વૈચ્છિક સંગઠન કામ કરતું હોય એવું જાણમાં નથી. આ સંજોગોમાં સરકારી પરિવહન તંત્રને એટલી જ અરજ કરવાની કે, તેમણે છેલ્લી બસ ચૂકી ગયેલાઓને અલગ અલગ બસ સ્ટેન્ડ ઉપરથી ઉઘરાવી લાવીને તેમને ઘરભેગાં કરવા માટે વિશેષ અને ખરેખર છેલ્લી બસની વ્યવસ્થા કરવી જોઈએ. જો આવું થાય તો પ્રજાનો સત્તાધીશો ઉપર ભરોસો બેસશે. પરિણામ સ્વરૂપે નાગરિકો કોઈ પણ જાતની અસલામતી અનુભવ્યા વગર છેલ્લી બસ ચૂકવાનો અધિકાર ભોગવી શકશે. 

છેલ્લી બસ ચૂકી ગયેલાં નગરજનોએ સામાજિક માધ્યમો પર ઝપાટાભેર અને જોશભેર સક્રિય રહી શકાય તેટલી મોબાઇલ ફોનની બેટરી ચાર્જ કરેલી હોવી જોઈએ. તેઓ તસવીરો સાથે એમના અનુભવોની અભિવ્યક્તિ કરે. વિશેષ કરીને છેલ્લી બસ ચૂક્યા પછી તેઓ કેવી રીતે ઘરે પહોંચ્યા, ઘરે થયેલી ઊલટતપાસનો તેમણે કેવી આબાદ રીતે સામનો કર્યો તેનું રસિક વર્ણન પ્રગટ થવું જોઈએ. જેમાંથી 'બસ, છેલ્લી બસ ચૂક્યાનું યાદ' જેવા શીર્ષક તળે પુસ્તક પ્રસિદ્ધ કરી શકાય. આ પુસ્તકનો લોકાર્પણ-કાર્યક્રમ બસ સ્ટેન્ડ ઉપર અને એ પણ મોડી રાતે જ યોજવો જોઈએ. પુસ્તકનું વિમોચન પણ છેલ્લી બસ ચૂકી ગયેલા માઠાનુભાવના હસ્તે જ કરાવવું એ ચૂકી ગયેલા સમયની માંગ છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર


.................................................................................................................................
સૌજન્ય : 

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/22072015/0/1/

સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

Wednesday, July 15, 2015

'અફવાદેવી, ભલું કરો!'

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

કેટલાક વખતથી, અમદાવાદ શહેર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ચોર, લુટારુ, અને આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાની અફવાઓ ચાલી કે દોડી નહીં, પણ ઊડી રહી છે. આમાં એ અફવા પણ ભળી છે કે, ગુંડા'ભાઈ'ઓ ઘરફોડ ચોરી કરવા, લૂંટફાટ કરવા, બાળકોનાં અપહરણ કરવા, સ્ત્રીઓની લાજ લૂંટવા, અને પુરુષોને રહેંસી નાખવા આવવાના છે. આ અફવાની ખરાઈ કર્યા વિના તેને મોબાઈલ ફોનથી લ.સં.સે.(લઘુ સંદેશ સેવા ઉરફે એસએમએસ) અને વોટ્સએપ્પ જેવાં સામાજિક માધ્યમોથી આગળ ધપાવવાની સ્વૈચ્છિક પ્રવૃત્તિ વેગીલી બની. પરિણામ સ્વરૂપે, દહેગામ તાલુકાના હરસોલી ગામમાં, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને, 'પાગલ' ટોળાંએ મંદિરસ્થંભ સાથે બાંધીને 'ચોરમાર' માર્યો. આ ઘટનાની તસવીરો તરતી થઈ ત્યારે ખબર પડી કે, કેન્દ્ર સરકારના 'ડિજિટલ ઇંડિયા' અભિયાનનો લોકઅમલ શરૂ થઈ ચૂક્યો છે!

નિંદા, કૂથલી, ચકચાર, ગપાટાની ફોઈની વચલી દીકરી એટલે અફવા. અફવા શબ્દ 'સ્ત્રીલિંગ' છે, પણ તે ભલભલા ભાયડાના બરડા ખોખરા કરાવી શકે છે. અફવા જીભથી ફેલાય છે. જેના કારણે કોઈકના દાંત દૂધિયા ન હોય તોપણ પડી જાય છે. અફવાને હાથ-પગ નથી હોતા, પણ તે કોઈના પણ હાથ-પગને ભાંગી શકવાની ક્ષમતા ધરાવે છે. અફવા એ ચોખાનો દાણો છે. એ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ બફાતો રહે છે. છેવટે એ ચોખાના દાણામાંથી ભાત, પુલાવ, બિરંજ, કે બિરયાની જ બને એવું જરૂરી નથી. અફવા એવી ઘટના છે કે જેમાં પહેલાં આપણી સમજ અને પછી આપણો સમાજ પાછો પડે છે. "રાષ્ટ્રને આગળ લાવવું હોય તો પ્રજાએ અફવારૂપી સંદેશાને આગળ મોકલવો નહીં." એવું સ્વામી વિવેકાનંદ કહે તો જ આપણે સ્વીકારવાનું?!

પૂર વિશેની અફવા પણ આગની જેમ જ ફેલાતી હોય છે. અફવા વિશે 'આગ'વી ચિંતા કરતાં બગોદરાના ચિંતક-સહાયક નામ ન આપવાની શરતે કહે છે કે, "અફવા એ હરતો-ફરતો ખતરનાક વા છે. સચ્ચાઈ લાવવામાં આવે છે, જ્યારે અફવા ફેલાવવામાં આવે છે. આપણા દેશમાં હકીકત અફવા બને છે, એટલે અફવા હકીકત બને છે. સાચું પૂછો તો બિચારી પ્રજા અફવા સિવાય બીજું કશું ફેલાવી શકતી નથી. લોકશાહીમાં નેતાઓ નાગરિકોને 'અફવા' ગણીને હસી ન નાખે એ જરૂરી છે." અખબારી ભાષા મુજબ, 'અફવાથી લોકોના જીવ તાળવે ચોંટી જાય છે.' અને 'અફવાથી નાગરિકોના જીવ પડીકે બંધાય છે.' 'અફવા : એક સમીક્ષાત્મક અભ્યાસ', 'શહેરી અફવા અને ગ્રામીણ અફવા : એક તુલનાત્મક અધ્યયન', 'વીજાણુ અફવાઓની નિરક્ષર ગ્રામજનો ઉપર થતી અસરો (દસક્રોઈ તાલુકાના વિશેષ સંદર્ભે)' જેવા સંશોધન-નિબંધો વિદ્યાર્થીઓને પારંગત કક્ષાએ કરાવી શકાય.

કાનથી ફેલાતી અફવા હવે આંખથી પણ ફેલાય છે. એક જમાનામાં અફવા ચકરડું ઘુમાવવાથી એટલે કે ડાયલ કરવાથી ફેલાતી, હવે સ્પર્શપટલથી એટલે કે ટચ સ્ક્રીનથી ફેલાય છે. એ જમાનામાં લોકો આંગળી ચીંધ્યાનું પુણ્ય કરતાં હતાં. આજે આંગળી દબાવ્યાનું પાપ કરે છે. જૂના જમાનામાં, લેન્ડ લાઇન ફોનથી અફવા ફેલાવવામાં જે મજા આવતી તે મોબાઇલ ફોનમાં નથી આવતી. કોમી તોફાનો વખતે 'ભોટફોન'માં રોંગ નંબર લાગે તોપણ મૌખિક માહિતીની આપલે નિમિત્તે અફવાનું આદાન-પ્રદાન થતું. જ્યારે 'સ્માર્ટફોન'માં આવી પૂગેલા લેખિત સંદેશામાં વ્યક્તિ પોતે કશું ખાસ નવું ઉમેરી શકતી નથી. જેનાથી પ્રજાની 'સર્જનાત્મક' શક્તિ કુંઠિત થઈ જાય છે. 

પહેલાં અફવા મૌખિક હતી હવે લેખિત થઈ ગઈ છે. આજકાલ તો અફવાએ 'વીજાણુ દેહ' ધારણ કર્યો છે. આધુનિક યુગમાં અફવા એસએમએસ બની છે. એક સમયે તો અફવાનું 'પડીકું' આવતું હતું. આજની 'પાઉચ પેઢી'ને આ વાત ક્યાંથી સમજાય? તમને જો બોલતાં આવડતું હોય, સાંભળતાં આવડતું હોય; તમને જો લખતાં આવડતું હોય, નૂતન માધ્યમો વાપરતાં આવડતું હોય; તો તમે અફવાને સારી રીતે ફેલાવી શકવા સજ્જ છો! 'ફેસબૂક' કે 'વોટ્સએપ્પ' જેવાં નૂતન સામાજિક માધ્યમોથી અફવા ફેલાતી હોય તો પોલીસતંત્રે 'સાયબર ક્રાઇમ સેલ'માં અફવા માટે અલાયદો 'રુમર રૂમ' ખોલવો અનિવાર્ય છે.

પ્રજા ક્યારેક અફવામાં અતિરેક કરે એના કરતાં સમયાંતરે અફવા ફેલાવતી રહે એ માટે સરકારે 'નૂતન અફવા પ્રોત્સાહક નીતિ' ઘડવાની આવશ્યકતા છે. જેથી કરીને આવાં ભયાનક દહાડા અને રાત જોવાનાં ન આવે. દરેક વર્ષના ચોથા મહિનાનો પહેલો દિવસ 'એપ્રિલ ફૂલ દિવસ' તરીકે ઓળખાય છે. આ રીતે ત્રીસ ફેબ્રુઆરીને 'અફવા દિન' તરીકે ઊજવવો જોઈએ! અફવા જેવી જ ફેંકાફેંક કરતાં કોઈ મહાનેતાનો જન્મદિવસ પણ આ રીતે ઊજવી શકાય. એટલું જ ધ્યાન રાખવાનું છે કે, દેશમાં આ દિવસ સ્થાનિક સ્તરે ઊજવાવો જોઈએ. આ રીતે 'અફવા દિવસ'ની ઉજવણી ગામ, તાલુકા, અને જિલ્લા સ્તરે પણ કરી શકાય. શ્રેષ્ઠ અફવા ફેલાવનાર ત્રણ વિજેતાઓને અનુક્રમે પાંચસો એક, બસો એક, એકસો એક રૂપિયાની રિચાર્જ કૂપન આપવી જોઈએ. જેથી તેમના મોબાઇલ ફોનમાં 'બેલેન્સ' જળવાઈ રહે. આ ત્રણે વિજેતાઓને 'ફેસબૂક' કે 'વોટ્સએપ્પ'થી જ સંક્ષિપ્ત પ્રમાણપત્ર મોકલી દેવા જોઈએ.

પ્રજાને એકવાર અફવા કોઠે પડી જાય તો લોકો અફવાને ગંભીરતાથી લેશે નહીં. જેના પરિણામે જાણહાનિ અને જાનહાનિ અટકી જશે. વળી, અફવા-સ્પર્ધાથી પ્રજાની સર્જનશક્તિ ખીલશે, માનવજીવનને અફવાનાં નવાં નવાં સ્વરૂપોની જાણકારી મળશે. 'રહસ્ય'ની જગ્યાએ 'હાસ્ય'નું સામ્રાજ્ય સર્વત્ર ફેલાશે. સમગ્ર સમાજ 'રુમર'માંથી 'હ્યુમર' તરફ જશે. વહીવટી તંત્ર અને સલામતી તંત્રને પણ ભવિષ્યમાં અફવાઓનો અંદાજ બાંધવામાં અનુફૂળતા રહેશે. વધારામાં, 'શહેરી વિકાસ સત્તામંડળ'ના ઉપક્રમે નવોદિત કવિઓ દ્વારા 'અદ્વિતીય અફવા કાવ્ય સંમેલન'નું પણ આયોજન થવું જોઈએ. આ કાર્યક્રમ 'સાબરમતી રિવરફ્રન્ટ'માં યોજવો જોઈએ. જોકે, કેટલાક લોકો 'સાબરમતી'ને 'સાબરમટી' કહે છે, જે અફવા નથી પણ વાસ્તવિકતા છે. વળી, વિકાસવિવેચકોના મતે 'સાબરમતી રિવરફ્રન્ટ'માં નદી પાતળી અને કિનારા પહોળા હોય એના કરતાં મોટી અફવા બીજી કઈ હોઈ શકે?!

અફવાના મામલે વ્યક્તિ કરતાં વેતાળ વધારે પુખ્ત સમજ ધરાવે છે. પૂર્વજન્મમાં સાંભળવાની રહી ગયેલી વાર્તા મુજબ, એક ભૂતે બીજા ભૂતને કહ્યું કે, "આજ સવારથી મને એવો ભાસ થાય છે કે, મેં કોઈ માણસને જોયો હોય." આટલું સાંભળતાં જ ભૂત ક્રમાંક બેએ ભૂત ક્રમાંક એકને કહ્યું કે, "આ તારા મનનો વહેમ છે. બાકી, દુનિયામાં માણસ જેવું કશું હોતું નથી." એ તો માનવજાતનાં નસીબ પાંસરાં કે, એ જમાનામાં વાતચીત કરવા માટેનાં વીજાણુ માધ્યમો નહોતાં. નહિતર આ આખી અ'ભૂત'પૂર્વ વાત'ચેટ' અક્ષરાંકિત થઈને લ.સં.સે. કે અન્ય સ્વરૂપે મોબાઇલ નેટવર્ક કે સોશિયલ મીડિયા વાટે ફેલાઈ જાત. જો આ 'સંદેશો' સ્વયં 'અંદેશો' બનીને, એક ભૂતથી અન્ય ભૂત અને એ રીતે અસંખ્ય ભૂત સુધી સમગ્ર મૃત્યુલોકમાં પહોંચી ગયો હોત તો, માનવજાતિ વિશે કેવી ગેરસમજ થઈ હોત? જેના કારણે વર્તમાનકાળનું કોઈ ભૂત ભવિષ્યમાં માણસ તરીકે જન્મવાનું જ પસંદ ન કરત!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય : 

'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, July 8, 2015

ટૂંકાં નામમાં શું છે?

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

નામમાં કશું હોય કે ન હોય, ટૂંકાં નામમાં ઘણું હોય છે. એમાં પણ ઘણી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ એકબીજાને ટૂંકાં નામે બોલાવે છે. કેટલાંક સરકારી ખાતાંમાં તો ટૂંકાક્ષરી સંબોધનનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂંકાક્ષરી માટે કર્મચારીઓ જે તે વ્યક્તિના અને એમના પિતાના નામનો પહેલો અંગ્રેજી મૂળાક્ષર ઉપયોગમાં લે છે. જેને કારણે જાતભાતના 'સર્જનાત્મક' અકસ્માતો સર્જાય છે.

સરકારી કાર્યાલયમાં પૃચ્છા કરવા માટે તમે, 'ઘનશ્યામદાસ કુંજવિહારીદાસ મથુરાવાલા' જેવી, કોઈ કર્મચારીના નામની પૂર્ણ ઓળખાણ આપો તો કોઈ તેમને ઓળખી શકે નહીં. પણ એમ પૂછો કે, " 'જી.કે.' ક્યાં છે?" તો ત્યાં હાજર તમામ કર્મચારીઓ એમની સામાન્ય બુદ્ધિને ખીલવતાં એકસાથે એ ટૂંકાક્ષરને વધાવી લેશે. જેના કારણે, ઘણી આંગળીઓ એ દિશા તરફ ચીંધવામાં આવશે જ્યાં 'જી.કે.' સ્વદેહે બિરાજતા હોય. આમ, જો એ વ્યક્તિ હાજર સ્ટોકમાં હશે તો તમે એ વ્યક્તિ સુધી તરત પહોંચી શકશો.

કર્મચારીઓ ટૂંકાક્ષરી પ્રયોગ થકી સમયની બચત કરે છે. ધારો કે, 'ભાઈલાલભાઈ ભોગીદાસભાઈ'ને દરેક વખતે એમના પ્રથમ નામે એટલે કે 'ભાઈલાલભાઈ' કહીને બોલાવીએ તોપણ કેટલી બધી ક્ષણોનો વ્યય થાય? એની જગ્યાએ 'બી.બી.'થી જ વાત શરૂ થાય છે અને પૂરી થાય છે! આમ, સરકારી કર્મચારીઓ તેમના ધ્યાન બહાર પણ સમયનું મૂલ્ય સમજે છે. સવાલ એટલો જ છે કે, તેઓ આ રીતે બચાવેલા સમયનો સદુપયોગ કરે છે કે પછી એ બચાવેલા સમયમાં અન્ય કર્મચારીઓને આ જ રીતે ટૂંકાં નામે બોલાવ્યે રાખે છે?!

સરકારી તંત્રમાં વ્યક્તિની લિંગઓળખ અને ટૂંકાક્ષરી વચ્ચેનો સંબંધ સ્થાપવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. દાખલા તરીકે, 'બી.વી.નાં પત્નીને દાખલ કર્યાં છે.', 'એમ.આર.ના પતિની બદલી થઈ ગઈ છે.' હદ તો ત્યારે થાય કે, બી.જી.ના એક સફળ છૂટાછેડા પછી બીજાં લગ્ન થાય કે તરત, કચેરીનો ખણખોદિયો ખબરખોર કોઈને ન કહેવાની શરતે બધાંને બાતમી આપે કે, 'બી.જી.ની બીજી પત્નીનો પહેલો પતિ વેસ્ટ બેંક ઓફ ઇંડિયાની ગોલમાલ શાખામાં નોકરી કરે છે.'

સરકારી કચેરીઓમાં દરેક બીજો કર્મચારી દરેક પહેલા કર્મચારીની તબિયત પૂછે છે. જે તે કર્મચારીનો નામોલ્લેખ ટૂંકમાં પતાવવાનો હોવાથી, 'એ.સી.ને શરદી થઈ ગઈ છે.' અને 'એ.ડી.ને વાઢિયાની તકલીફ છે.' જેવા વાક્ય-પ્રયોગો થતા રહે છે. વધારામાં વિગતો બહાર આવે કે, 'ટી.બી.નું શરીર ભારે થઈ ગયું છે.' અને 'બી.પી.ને કેન્સરની બીમારીની શંકા છે.' આટલું ઓછું હોય તેમ, જાણવા મળે કે, 'કાલે રાત્રે સી.ડી. પગથિયાં ઉપરથી પડી ગયા.' અને 'આજે સાંજે પી.ટી. કસરત કરવા માટે ફીઝિયોથેરપિસ્ટ પાસે જવાના છે.' ઓમપ્રકાશ કમલાપ્રસાદને સહેજ તાવ જેવું લાગે અને તેઓ ઘરભેગા થઈ જાય ત્યારે ખબર પડે કે, 'ઓ.કે.ની તબિયત ઠીક નથી.' દરમ્યાનમાં, કામનો ભાર પોતાના ઉપર આવશે એટલે ચંદ્રકાંત લવજીભાઈ ઉર્ફે સી.એલ. 'મેડિકલ લીવ' લઈને આવતી કાલથી ઘેરહાજર રહેવાના છે!

કર્મચારીઓની વિશેષતાને તેમની ટૂંકાક્ષરી ઓળખાણ સાથે કોઈ જ લેવા-દેવા ન હોય તો એ સમસ્યા આપણી છે, તેમની નહીં. ઉદાહરણ તરીકે, બી.ડી. દિવસમાં દસ સિગારેટ ફૂંકે અને કે.ડી. રસ્તો વારેઘડીએ ભૂલી જતાં હોય. ટી.વી. રિસેસમાં પણ રેડિયો સાંભળ્યા કરે અને ડી.ડી.ની ગમતી ચેનલ 'કલર્સ' હોય. ડી.જે.ને સંગીતનો ભારે કંટાળો આવતો હોય અને આર.જે. કશું બોલે જ નહીં. આર.કે.ને જૂનાં ચલચિત્રોની નવી ચર્ચામાં રસ ન પડે અને જે.જે. ભગવાનમાં માનતા ન હોય. પી.આર. ભલે અંતર્મુખી હોય, પણ વી.આર. એકલા ન પડી જવા જોઈએ. વાય.ડી. ખરેખર વાયડી હોય અને ટી.પી.નાં લખ્ખણ એવાં હોય કે, એને કોઈ સફાઈસુંદરી પણ ટીપી નાખે!

સરકારી કચેરીમાં પ્રદેશથી માંડીને જ્ઞાતિ સામે ટૂંકાક્ષરી ઓળખનો મેળ પડતો નથી. દાખલા તરીકે, એસ.કે. કચ્છના હોય અને બી.કે. દક્ષિણ ગુજરાતના હોય. આ જ રીતે, શિવશંકર ચંદ્રશંકર બ્રાહ્મણ હોય એમાં શી નવાઈ? પણ આ જ 'શિવશંકર ચંદ્રશંકર'ને ટૂંકાવીને કહેવાય કે, 'એસ.સી. બ્રાહ્મણ છે.' વધુમાં, સાંકળચંદ ત્રિલોકચંદ વિશે એવું કહેવાય કે, 'એસ.ટી. તો વાણિયા છે.' એવું પણ જાણવા મળે કે, યુ.કે.નું મૂળ વતન ડેડિયાપાડા છે. આ યુ.કે. એટલે સમસ્ત કાર્યાલય કર્મચારીગણના એકના એક એવા ઉમરાભાઈ કેવળભાઈ!

સરકારી કાર્યાલયમાં ટૂંકાક્ષર અને હોદ્દા વચ્ચે ભવ્ય વિરોધાભાસ જોવા મળે છે. એમ.ડી. કારકુન હોય અને બી.ઈ. હિસાબ વિભાગમાં હોય. સી.એ. 'સ્વાગત કક્ષ'માં બેઠાંબેઠાં મક્ષિકા-મારણ કરતાં હોય અને જી.કે. સામાન્ય જ્ઞાનની ખાતાકીય પરીક્ષામાં ત્રીજી વખત સફળતાથી દોઢ વેંત દૂર રહ્યા હોય. એમ.એ. દશમું નાપાસ હોય અને પી.જી. ક્યારેય કૉલેજનાં પગથિયાં ચઢ્યાં જ ન હોય. પી.સી.ને ટાઇપ કરતાં ન આવડતું હોય અને સી.વી.ને બાયો-ડેટા બનાવતાં ન આવડતું હોય. વી.સી.ને પહેલા વર્ષમાં એ.ટી.કે.ટી. આવી હોય, પરંતુ પી.એ. બઢતી મેળવીને નિયામક થઈ ગયા હોય!

કોઈ કચેરીમાં ચાર એ.કે. હોય પણ એકેય એમની જગ્યા ઉપર હાજર હોય જ નહીં! બી.જે. હંમેશાં બીજે જ જોવા મળે. ઓ.સી. અડધો કલાકથી ફોટો-કોપી કરાવવા ગયા હોય અને પી.પી. પોણો કલાકથી વોશરૂમમાં ગયા હોય. સી.ટી. વર્ષોથી પોતાના ગામથી મોડાં જ આવતાં હોય અને એસ.ટી. ખાનગી જીપ પકડવા રોજ વહેલા નીકળી જતાં હોય. કેન્દ્ર સરકારની એક કચેરીમાંથી ફોન ઉપર પ્રત્યુત્તર મળ્યો કે, 'કાર્યાલય સે શામ કો પાંચ બજે હી પી.કે. નિકલ ગયે હૈ.' ગુજરાત જેવું નશાબંધીમાં માનતું રાજ્ય હોય અને કર્મચારી સરકારી સેવામાં હોય, છતાં આવો જવાબ મળે એટલે આશ્ચર્ય અને આઘાતની મિશ્ર લાગણી ચકરાવો લેવા માંડે. પણ ગેરસમજનો 'નશો' ઊતરી ગયા પછી ખબર પડે કે, 'પી.કે. નિકલ ગયે હૈ' મતલબ 'પદ્મનાથ કેદારનાથ નિકલ ગયે હૈ!'

પિતા અને પુત્ર વચ્ચેના મતભેદોથી આપણાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર ભર્યાંભર્યાં છે. સંબંધોના સંઘર્ષભર્યા સુસવાટા વચ્ચે એ આશાદીવડો પ્રગટે છે કે, સરકારી કર્મચારીઓ વ્યક્તિના નામની સાથે એમના પિતાના નામનો ઉલ્લેખ કરીને ઉદાર અભિગમ દાખવે છે. પિતા સાથે ગંભીર મતભેદો હોય તોપણ 'સરકારી' પુત્ર મોટું મન રાખીને તેમને માફ કરે છે. જેના કારણે 'માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય' જેવી નવી કહેવત 'સિઝેરિયન સેક્શન'થી જન્મ ધારણ કરે છે.

સરકારી કર્મચારીઓ અસરકારી રીતે, એકબીજાને તુચ્છકારે નહીં પણ ટૂંકારે બોલાવે છે. મજાની વાત તો એ છે કે તેઓ આ પ્રકારનાં ટૂંકાક્ષરી સંબોધનમાં 'અટકચાળો' કરતાં નથી. મતલબ કે, તેઓ અટકને દૂર રાખે છે. ભારતીય સમાજમાં 'અટકબારી' ખુલ્લી રાખવાથી અનેક સમસ્યા, ગેરસમજ, પૂર્વગ્રહો, પક્ષપાતો સર્જાય છે. સામાન્ય બોલચાલમાંથી આ મૂઈ અટક-કુલટાને દૂર રાખીને સરકારી કર્મચારીઓ માનવીય સમાનતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ કામ એમની જાણ બહાર પણ કરે છે ખરા!

.............................................................................................................................
ashwinkumar.phd@gmail.com

..............................................................................................................................
સૌજન્ય :

ટૂંકાં નામમાં શું છે?

'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



..............................................................................................................................
સૌજન્ય :


ટૂંકાં નામમાં શું છે?
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, July 1, 2015

જોડણી માતાનો જય હો!

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ઈસવીસન ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં દશમા ધોરણમાં ગુજરાતી ભાષાનું ધોરણ વધારે કથળી ગયું. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં કુલ ૮,૫૧,૨૮૫ પરીક્ષાર્થીઓમાંથી ૬,૨૪,૬૨૨ સફળ થયા અને ૨,૨૬,૬૬૩ નિષ્ફળ ગયા. આમ, માતૃભાષા ગુજરાતીમાં ૨૭ ટકા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય એ શરમજનક છે. નરસિંહ-નર્મદ, ગોવર્ધનરામ-રણજિતરામ, ગાંધી-સરદાર, મેઘાણી-મુનશી, ગૌરીશંકર-ઉમાશંકર, પન્નાલાલ-મનુભાઈની દૂધભાષા તેમ જ કાકા(આચાર્ય કાલેલકર) અને બાપા(ફાધર વાલેસ)ની નવનીતભાષા એવી ગુજરાતી નીચી ભયજનક સપાટીએ વહી રહી છે. જે રાજ્યનાં મુખ્યમંત્રી આચાર્ય રહી ચૂક્યાં હોય, જે દેશના વડા પ્રધાનને ગુજરાતીમાં સપનાં આવતાં હોય, ત્યારે પણ માતૃભાષાના આવા હાલહવાલ થાય તો એની ફરિયાદ 'સંયુક્ત રાષ્ટ્ર'(યુ.એન.)માં ન કરાય!

ગુજરાતી વિષયમાં નિરાશાજનક પરિણામ માટે એ કારણ સૌથી આગળ ધરવામાં આવે છે કે, 'વિદ્યાર્થીઓનાં જોડણી અને વ્યાકરણ નબળાં છે.' વ્યાકરણની વાત થોડી દૂરની છે, પણ શિશુશાળામાં બાળક જે શબ્દ શીખે એની સાથે જ જોડણીનું 'ભૂત' ધૂણવા માંડે છે. અનુસ્નાતક કક્ષાએ ભણતાં વિદ્યાર્થીઓ પણ ‘િ’ ન ઓળખાય એટલે 'આગળથી લખો' એવું કહે, ‘ી’ ન ઓળખાય એટલે 'પાછળથી લખો' એવું કહે. ‘ુ’ ન સમજાય એટલે 'સાતડો' કરો એવું કહે, ‘ૂ’ ન સમજાય એટલે 'પૂંછડી' કરો એવું કહે! આ સમસ્યાના ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં જોડણી ભવન બનાવવું જોઈએ. પણ એ ઇમારત ઉપર 'જીલ્લા જોડણિ ભુવન' એવું ન લખાય તે ખાસ જોવું પડે! આપણે પણ 'વિધ્યાર્થિઓની ગૂઝરાટિ ભાસા નબરી સે.' એવું કહેવાં કરતાં જોડણીની ગુણવત્તા સુધારવા નક્કરાત્મક પગલાં ભરવાની જરૂર છે. 

'જય શ્રીકૃષ્ણ'ની જગ્યાએ 'જે સી ક્રસ્ણ'નો પ્રયોગ કરતાં નવયુવાનોને મળ્યા પછી અમને મંદિર બનાવવાનાં સ્વપ્નાં આવે છે. મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-દેવળ-દેરાસર-અગિયારી સહિતનાં તમામ ધર્મસ્થળોને બજારનાં જોખમી પરિબળો નડતાં નથી. અમે ધાર્મિક છીએ, તાર્કિક છીએ, માણસ છીએ, ગુજરાતી છીએ. ઓછા રોકાણ અને ઓછી મોકાણના વ્યવસાયને શોધતાં રહીએ છીએ. અમે સલામતી અને સન્માન ઝંખીએ છીએ. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતા છે. સ્વર્ગમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ નહીં જ હોય, અને દેવતાલોકમાં બાળકીઓની ભ્રૂણહત્યા નહીં જ થતી હોય. એટલે, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી સાડા સોળ કરોડ દેવો અને સાડા સોળ કરોડ દેવીઓ હશે એવું માની લઈએ. રાષ્ટ્ર-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં માતાજીનાં ઘણાં મંદિરો છે, ઘણાં માતાજીનાં મંદિરો છે. જેમાં વૈભવ લક્ષ્મીથી માંડીને અંબાજી માતા, મહાકાળી માતાથી માંડીને સિકોતેર માતા, દશા માતાથી માંડીને સુનામી વહાણવટી માતા, મેલડી માતાથી માંડીને જોગણી માતાનું મંદિર છે, પણ ક્યાંય જોડણી માતાનું મંદિર નથી. શરમાતાં-શરમાતાં પણ કહેવું છે કે, અમને જોડણી માતાનું મંદિર બનાવવાનો નૂતન વિચાર આવ્યો છે! 

માતાજીને ઓછામાં ઓછા ચાર હાથ હોય તો જ આપણા ઉપર એમની કૃપા વરસે. એવી ઉદાત્ત કલ્પના કરો કે, જોડણી માતાને પણ ચાર હાથ છે. એમણે ચાર હાથમાં શસ્ત્રો તરીકે શું ધારણ કર્યું હશે, એવી જિજ્ઞાસા થવી જોઈએ. જોડણી માતાએ ડાબી બાજુના એક હાથમાં ‘ઇ’ અને બીજા હાથમાં ‘ઈ’, જમણી બાજુના એક હાથમાં ‘ઉ’ અને બીજા હાથમાં ‘ઊ’ ધારણ કરેલાં હશે. એમના લલાટ ઉપર અનુસ્વારરૂપી નાનકડો શ્યામ ચાંદલો શોભતો હશે. જોડણી માતાના ગળામાં ઉદ્ગારચિહ્નની માળા શોભતી હશે. તેમણે પ્રશ્નચિહ્નનાં ઝાંઝર પહેર્યાં હશે.

જોડણી માતાનું વાહન પુસ્તક જ હોય. ‘સાર્થ જોડણીકોશ’ નામનું પુસ્તકપક્ષી પોતાની પાંખો ફફડાવતું હોય અને તે દિવ્ય વાહન ઉપર સવાર થઈને જોડણી દેવી વિહાર કરતાં હોય ત્યારે તેઓ કેવાં ભવ્ય લાગતાં હશે! જોકે, મૂર્તિ ઘડનારે એ ખાસ ધ્યાન રાખવાનું કે, જોડણી માતાનો ચહેરો પ્રસન્ન નહીં, પણ ખિન્ન રાખવાનો છે. કારણ કે, ગુજરાતી જોડણીનો મામલો કાયમ ગંભીર રહેવા માટે સર્જાયેલો છે! ખોટી ગુજરાતી લખનારને ખોટું પણ લાગતું નથી. એક દંતકથા નહીં તો ચોકઠાકથા મુજબ, અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી, સત્તરમી સદીના આખ્યાનકાર પ્રેમાનંદે પાઘડી નહીં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રશ્ન કેવળ પ્રેમાનંદને જ નહીં, આપણને પણ સતાવતો હોવો જોઈએ. 

વગર વરસાદે પણ સૌનાં મનમાં એ સવાલ ઊગે કે, જોડણી માતાનું મંદિર ક્યાં બનાવવું? પ્રદેશમાં પ્રત્યેક શાળા-મહાશાળા, વિશ્વવિદ્યાલય-શિક્ષણસંકુલ, સાહિત્યસંસ્થા-ભાષાઅકાદમીના દાખલ-દરવાજા પાસેના જમણા ખૂણામાં જોડણી માતાનું મંદિર બનાવી શકાય. જે તે સંસ્થાના વડાના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરાવવું જોઈએ. સામાન્ય સંજોગોમાં મુખ્ય દેવમંદિરની ડાબી અને જમણી બાજુએ હનુમાનદાદા અને ગણપતિદાદાના ગોખલાની રચના કરવામાં આવે છે. આ જ ધોરણે જોડણી માતાના મંદિરની ડાબી બાજુએ પવિત્ર સધી માતા જેવાં સંધિ માતાનું અને જમણી બાજુએ સમર્થ કાલિકા માતા જેવાં કહેવત માતાનો ગોખલો હોવો જોઈએ. મંદિરનાં પગથિયાં પાસે આ સૂચના ખાસ લખાવવી : 'તમે ભાષાના ખેરખાં હો તોપણ પગરખાં અને અભિમાન બહાર ઉતારીને આવો.' 

જોડણી માતાના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગાંધીજીનું આ વાક્ય મુકાવવું : "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી." આમ કરવાથી, ગાંધીજીની સાથેસાથે આપણી પણ પ્રસ્તુતતા વધી જશે. મંદિરના ગર્ભગૃહમાં આરસની તકતી ઉપર 'જોડણીની જોડ સખી નહીં જડે રે લોલ' જેવી પંક્તિ ટંકાવવાથી સમગ્ર વાતાવરણ કાવ્યાત્મક અને ભાવનાત્મક બની જશે. 

ગુજરાતી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી ધરાવતા હોય અને નેટ-સ્લેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તેવા જ ઉમેદવારો જોડણી માતાના મંદિરમાં પૂજારી તરીકે લાયક ગણાશે. તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુ.જી.સી.ના માન્ય ધારા-ધોરણ પ્રમાણે પગાર અને અન્ય લાભ મળવા જોઈએ. જોકે, રાજ્ય સરકાર આ માટે નિર્ધારિત અને નિમ્ન પગાર ધરાવતા જોડણી-સહાયકની નિમણૂક કરી શકશે નહીં.

આ મંદિરમાં પ્રસાદ તરીકે િ, ી, ુ, ૂ આકારનાં સાકરિયાં વહેંચવાં. આવાં 'રમકડાં'ના કારણે બાળ-શ્રદ્ધાળુઓને ગમ્મત સાથે જ્ઞાન પણ મળશે. વળી, કેટલાક વાલીઓ પોતાનાં 'નબળાં' બાળકો માટે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જોડણી માતાની બાધા-આખડી રાખી શકે. જો તેમના પાલ્ય દશમા ધોરણમાં ગુજરાતી વિષયમાં હેમખેમ પાર ઊતરી જાય તો તેમણે મંદિરના પરિસરમાં 'સાર્થ જોડણીકોશ'ની અમુક-તમુક નકલો વહેંચવી જોઈએ. જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેઓ ઓછી કિંમત ધરાવતો 'ખિસ્સાકોશ' પણ વહેંચી શકે છે.

જોડણી માતાના મંદિરમાં આખો દિવસ ગુજરાતી ભાષાની વ્યાકરણ-સામગ્રી અને સાહિત્યની સર્વોત્તમ કૃતિઓ સંભળાતી-જોવાતી રહે તેવી ઉત્તમ વીજાણુ-વ્યવસ્થા કરવી જ રહી. જેથી કરીને, નવી પેઢી 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' પૂરેપૂરું સાંભળ્યા પછી 'પરસ્ત્રી'ની જગ્યાએ 'બાવન સ્ત્રી' જેવો શબ્દપ્રયોગ નહીં કરે. જોકે નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું સાંભળ્યા પછી, ગુજરાતીમાં વિચારતો અને અંગ્રેજીમાં બોલતો ભડનો દીકરો એમ પણ કહે કે, 'મિસ્ટર મહેતાએ બનિયા મેન વિશે કેવું ઓસમ મોર્નિંગિયું ગાયું છે!'

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
 
જોડણી માતાનો જય હો!
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'સાહિત્ય' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1506/જોડણી-માતાનો-જય-હો--

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/01072015/0/1/
 
જોડણી માતાનો જય હો!
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, June 24, 2015

વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ડૉ. વસંત આર. મહેતા (જન્મ : ૨૨-૦૬-૧૯૧૪, રાજકોટ) સનદી સેવા, રાજ્ય વહીવટ, અને કૃષિશિક્ષણના ક્ષેત્રે સન્માનનીય નામ છે. તેમના દાદા ઘેલાભાઈ સુરતમાં રેવરન્ડ ટી.એલ. વેલ્સના વિદ્યાર્થી હતા. વસંતભાઈના પિતા રતિલાલ ઘેલાભાઈ મહેતા રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મોહનદાસ કરમચંદ ગાંધીના સહાધ્યાયી અને સખા હતા. વસંતભાઈએ આ જ શાળામાં માધ્યમિક શિક્ષણ તેમજ જૂનાગઢ-અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓ વિજ્ઞાન અને કાયદાના વિષયમાં સ્નાતક થયા. વી.આર.મહેતાએ સૌરાષ્ટ્ર રાજ્ય સનદી સેવા (૧૯૪૮-૧૯૫૨) અને ભારતીય વહીવટી સેવા (૧૯૫૨-૧૯૭૨) દ્વારા સૌરાષ્ટ્ર, બૃહદ મુંબઈ, અને ગુજરાત રાજ્યમાં પડકારરૂપ કામગીરી કરી હતી.

વી.આર.મહેતા તત્કાલીન ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ (બે સત્ર, ૧૯૭૨-૧૯૭૮) અને ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના કુલપતિ (બે સત્ર, ૧૯૮૫-૧૯૯૧) તરીકે સેવારત હતા. મહેતાસાહેબને કૃષિક્ષેત્રે શિક્ષણ અને સંશોધનમાં પહેલરૂપ કાર્ય માટે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટર ઓફ લિટરેચર (ઈ.સ. ૨૦૦૫) અને કૃષિના સર્વાંગી વિકાસ માટે જીવનપર્યંત નોંધપાત્ર પ્રદાન બદલ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટર ઓફ સાયન્સ (ઈ.સ. ૨૦૦૮) જેવી માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ડૉ. વસંત રતિલાલ મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વ.ર.મહેતાએ 'હાસ્ય વેરાયું હાઈકુમાં' જેવા પુસ્તકથી માંડીને ઉછરંગરાય નવલશંકર ઢેબરના વિચાર-સંચયો પણ કર્યા છે. વી.આર.મહેતાનાં પ્રકાશિત અંગ્રેજી પુસ્તકોમાં ‘શાઇનિંગ શેડોઝ’, ‘ડૉન ટુ ડસ્ક’, ‘ડસ્ક ટુ ડૉન’, ‘ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ’, ‘અ બ્લડલેસ લેન્ડ રીવોલ્યુશન’, ‘ફ્રોમ ધી ફાઈલ્સ ઓફ અ સ્ટેટ્સમેન’, ‘સાયન્સ ઇન વેદિક લિટરેચર ઓફ એન્સિએન્ટ ઇંડિયા’, ‘ગ્લિમ્પ્સીસ ઓફ ગૂડ ગવર્નન્સ’નો સમાવેશ થાય છે. આવાં ગંભીર પુસ્તકોની સાથે વી.આર.મહેતાએ ‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’ (વર્ષ : ૨૦૧૨; પૃષ્ઠ : ૧૨ વત્તા ૨૮, કિંમત : ૬૦ રૂપિયા) નામનું 'હળવું' પુસ્તક પણ આપ્યું છે. અમદાવાદના સદ્દવિચાર પરિવાર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા આ પાતળા પુસ્તકનાં બે પાકાં પૂંઠાં વચ્ચે પંદર પ્રસંગો સચવાયેલા છે. આટલી ગંભીર વિગતો પછી હવે, વસંતભાઈએ 'વહીવટમાં હાસ્ય' કેવી રીતે શોધ્યું તેને સરકારની જાણીતી ૮૦:૨૦ની યોજના અનુસાર પુસ્તકના પંદર પૈકીના ત્રણ પ્રસંગો વાટે માણીએ!

‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’ પુસ્તકનું આવરણ-પૃષ્ઠ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું શીર્ષક છે : 'ઇન ડીપ સ્લમ્બર.' સૌરાષ્ટ્ર રાજ્યે 'ઓલ ઇંડિયા સ્પીકર્સ કોન્ફરન્સ'નું આયોજન કર્યું હતું. પરિષદના અંતે, સોમનાથની મુલાકાત નિર્ધારિત કરવામાં આવી હતી. જૂનાગઢથી વેરાવળ સુધી આવન-જાવન કરવા માટે ખાસ રેલગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વેરાવળથી જૂનાગઢ પરત આવ્યા બાદ, એક ખાસ બેઠકમાં સંસદીય નાયબ અધ્યક્ષ અનંતશયનમ્ આયંગાર સંબોધન કરવાના હતા. બન્યું એવું કે, સોમનાથ મંદિરથી બહુ દૂર નહીં એવા ત્રિવેણી સંગમમાં શ્રી આયંગારે શ્રાદ્ધ-વિધિ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. વેરાવળના નાયબ કલેક્ટરે તાબડતોબ વ્યવસ્થા કરી આપી. વિધિ પૂરી કર્યા સિવાય ઊઠી શકાય નહીં, એટલે શ્રી અનંતશયનમ્ રેલવે-સ્ટેશને સમયસર પહોંચી શક્યા નહીં! ઉતાવળમાં કોઈએ રેલગાડીમાં તેમની ગેરહાજરીની નોંધ પણ ન લીધી.

રેલગાડી સમયસર ઊપડીને નિર્ધારિત વખતે જૂનાગઢ પહોંચી ગઈ. ઘટનાની ગંભીરતાને પારખી ગયેલા વેરાવળના નાયબ કલેક્ટરે, શ્રી અનંતશયનમ્ જૂનાગઢ મુકામે સમયસર પહોંચી શકે એ માટે, પોતાનો પદાધિકાર વાપરીને મોટરકારની વ્યવસ્થા કરી આપી. સભાખંડમાં થોડા મોડા પડવા બદલ આયંગારજીએ દોષભાવ અનુભવ્યો હશે, પણ તેઓ મૂળે તો વિનોદવૃત્તિના માણસ હતા. પોતાની ભૂલચૂક ઉપર ઢાંકપિછોડો ન કર્યો, પણ વિલંબનું કારણ આપતાં, તેમણે આ વાક્યથી શરૂઆત કરી : 'હું અનંતશયનમ્ છું. કોઈકે તો મને ગાઢ નિદ્રામાંથી ઉઠાડવો જ રહ્યો!' આટલું સાંભળતાં જ સમગ્ર સભાખંડમાં બુલંદ હાસ્યનું મોજું ફરી વળ્યું.

બીજા પ્રકરણમાં 'થ્રી રોઝીઝ' શીર્ષક હેઠળ, લેખકે નવાનગરના જામસાહેબનું હાજરજવાબીપણું અને શબ્દ-ચાતુર્ય આલેખ્યું છે. જામસાહેબના મહેમાન બનેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉતારો પ્રતાપ વિલાસ પેલેસમાં હતો. જામસાહેબ નહેરુજીને રાત્રિભોજનના ટેબલ તરફ દોરી ગયા. નહેરુના અચકન-ગાજમાં ગુલાબનું ફૂલ ખોસેલું હતું. દરમિયાનમાં, વડાપ્રધાન કદાચ પોતાની હાજરીની નોંધ લે એટલા માટે નહેરુજીના ગુલાબ તરફ અંગુલીનિર્દેશ કરતાં કલેક્ટર બોલ્યા : 'સાહેબ, ગુલાબના ફૂલની સુગંધ સર્વત્ર છવાઈ ગઈ છે.' આટલું સાંભળતાં જ, પંડિતજીએ પોતાના ગુલાબ સામે નજર કરીને સ્મિત કર્યું.

જવાહરલાલ કશું કહે એ પહેલાં જામસાહેબ બોલ્યા : 'અહીં ત્રણ 'ગુલાબ' છે. એક ગુલાબ કે જે વડાપ્રધાન હંમેશાં પોતાની સમીપ રાખે છે. બીજું ગુલાબ એટલે ગુલાબજાંબુ. અને ત્રીજું ગુલાબ એટલે મારાં પત્ની ગુલાબકુંવરબા!' આટલું સાંભળતાં જ નેહરુ સહિત સૌ કોઈ હસી પડ્યા. જોકે, ગુલાબજાંબુ વિશેના નહેરુના અજ્ઞાનને પારખી ગયેલાં જામસાહેબે કહ્યું કે, 'ગુલાબજાંબુ એ જામનગરની પ્રખ્યાત મીઠાઈ છે.' જામસાહેબને એવું લાગ્યું કે, હજુ પણ 'ગુલાબજાંબુ'નો અર્થ સંપૂર્ણપણે સમજાવી શકાયો નથી. એટલે તેમણે કહ્યું કે, 'તે ટેબલ ઉપર મૂકેલી ડિશમાં છે.' પોતાની વિનોદવૃત્તિને આગળ વધારતાં જામસાહેબે ઉમેર્યું કે, 'તે બ્રાઉન એગ્ગ્સ (તપખીરિયા રંગનાં ઈંડાં) નથી!' આ સાંભળીને સૌ કોઈ હસી પડ્યાં.

આ પુસ્તકના અંતિમ પ્રકરણનું શીર્ષક છે : 'અ મોલ ઓન ધી રાઈટ ચીક.' નવનિર્મિત 'સૌરાષ્ટ્ર રાજ્ય'માં જિલ્લાકક્ષાના વહીવટી માળખાને ધ્યાનમાં રાખીને અધિકારીઓની ભરતી માટેના નિયમો ઘડવાના હતા. એક વિભાગીય વડાને તેના 'જિલ્લા કક્ષાના અધિકારીઓ'ની જગ્યા માટેના ભરતી-નિયમો સૂચવવાનું કહેવામાં આવ્યું. એ અધિકારીએ બોમ્બે રાજ્યના આનુષંગિક નિયમોને અનુસરવાને બદલે, પોતાને અનુફૂળ હોય તેવા નિયમો ઘડવા માટે બુદ્ધિ દોડાવી! તેમણે પસંદગીથી સીધી ભરતી માટેના નિયમના પહેલા ભાગની નકલ કરીને, બઢતીથી નિમણૂક માટેનો નિયમ આ રીતે સૂચવ્યો : 'ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતી કોઈ વ્યક્તિએ ૦૧-૦૧-૧૯૪૮ના રોજ ૪૪ વર્ષ પૂરાં કર્યાં હોય અને જેમણે અગાઉના પ્રથમ વર્ગના રાજ્યમાં અધિકારી તરીકે ચાર વર્ષ સેવા આપી હોય તેઓ પણ આ જગ્યા માટે લાયક ગણાશે.'

આ દરખાસ્ત કુશાગ્ર બુદ્ધિપ્રતિભા ધરાવતા મુખ્ય સચિવ પાસે ગઈ. તેમણે તત્ક્ષણ પકડી પડ્યું કે, દરખાસ્ત કોઈ ચોક્કસ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેઓ આ દરખાસ્તને એવી પણ કડક ચેતવણી સાથે પરત મોકલી શક્યા હોત કે, 'બોમ્બે રાજ્યમાં અમલી એવા આનુષંગિક સેવા-નિયમોનો અભ્યાસ કરીને જ સુધારેલી દરખાસ્ત મોકલવી.' તેના બદલે તેમણે આવી ટૂંકી નોંધ મૂકી : 'અધિકારીશ્રી એ જણાવવાનું ભૂલી ગયા લાગે છે કે, અરજદારના 'જમણા ગાલ ઉપર તલ' હોવો જોઈએ.' લાગતા-વળગતા અધિકારીને પાઠ ભણાવવા માટે આટલા શબ્દો પૂરતા હતા!

૧૦૧ વર્ષના ડૉ. વી.આર. મહેતા અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને સ્વસ્થ અને સ્થિર જીવન ગાળી રહ્યા છે. આ કતારલેખકે ૧૯-૦૬-૨૦૧૫ના રોજ મહેતાસાહેબની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેમની વાતચીતમાં 'હાસ્ય' પ્રગટતું હતું. દુનિયાની સૌથી મોટી અને જાડી લોકશાહીમાં પ્રજા પણ 'વહીવટ'નું મહત્વ સુપેરે સમજે છે. સમગ્ર વહીવટ કાયમ માટે હાસ્યાસ્પદ બને એ પહેલાં, જે તે કામકાજમાં ગળાડૂબ વહીવટકર્તા હાસ્યના પ્રસંગો શોધી કાઢે અને તેને વિનાવિલંબે પ્રગટ કરે એ વખતની અને વાચકની માંગ છે.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬