Wednesday, September 30, 2015

ભાષાની મજા, મજાની ભાષા - 881

'લગ્નપ્રસંગે યોજાયેલા ભોજન-સમારંભમાં પધારવા નિમંત્રણ છે.'
'લગ્નપ્રસંગે યોજાનારા ભોજન-સમારંભમાં પધારવા નિમંત્રણ છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 880

ગુજરાતી અખબારોની ભાષામાં, વળાંક હંમેશાં 'નાટ્યાત્મક' હોય છે!

Tuesday, September 29, 2015

ભાષાની મજા, મજાની ભાષા - 879


આપણાં અખબારોની ભાષામાં, મુસાફરોને જે પડતી હોય છે તે 'હાલાકી' હોય છે!


Monday, September 28, 2015

Sunday, September 27, 2015

Monday, September 14, 2015

'વિદ્યા વધે એવી આશે' પુસ્તકનું વિમોચન


તસવીર : પ્રશાંત કુહીકર

ડાબેથી જમણે વ્યક્તિ-ક્રમ :

વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી; પુસ્તકના મુદ્રક અને મુખ્ય વિક્રેતા)
અનામિક શાહ (ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક; કાર્યક્રમના વિશેષ વક્તા) 
ગૌરાંગ જાની (સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક; પુસ્તકના લેખક)
કેતન રૂપેરા (ગાંધીવિષયક પત્રકાર; પુસ્તકના પ્રત-સંપાદક)
ઇલા ભટ્ટ (ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ; પુસ્તકનાં વિમોચક) 
હર્ષદ પટેલ (શિક્ષણશાસ્ત્રના સહપ્રાધ્યાપક; પુસ્તકના પ્રકાશક (ક્ષિતિ પબ્લિકેશન))
મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચનાં કર્મશીલ; પુસ્તકનાં આવકારક)
અશ્વિનકુમાર (પત્રકારત્વના સહપ્રાધ્યાપક, કાર્યક્રમના સંચાલક)

Wednesday, September 2, 2015

મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

'સાર્થ જોડણીકોશ' પ્રમાણે ગુજરાતી ભાષામાં 'ડુંગળી' અને 'ડૂંગળી' એમ બન્ને જોડણી માન્ય છે. જોકે, અમે પ્રમાણમાં ઓછા ભાવ હોય ત્યારે હ્રસ્વ સ્વર 'ઉ'ને આવકારીને 'ડુંગળી'નો, અને આસમાને ભાવ પહોંચે ત્યારે દીર્ઘ સ્વર 'ઊ'ને સ્વીકારીને 'ડૂંગળી'નો પ્રયોગ કરીએ છીએ! 'ગરીબોની કસ્તૂરી' ગણાતી ડુંગળી જ્યારે વિકરાળ ભાવ ધારણ કરે છે ત્યારે મધ્યમવર્ગના માનવીના મોતિયા મરી જાય છે. આપણે સરલા દલાલ કે સંજીવ કપૂર ન હોઈએ તોપણ જાણીએ છીએ કે, દાળ-કઢી-શાકનો વઘાર કરવા માટેની પૂર્વશરતનું નામ 'ડુંગળી' છે!

લાલ રંગનાં સૂકાં અને પાતળાં ફોતરાં ધારણ કરેલી ડુંગળી દેખાવે રૂપાળી લાગે છે. ડુંગળીની રતુંબડી બાહ્યત્વચા ખૂલી ગયા પછી સફેદ રંગનાં અને પ્રમાણમાં જાડાં છોતરાં ખોલવાં પડે છે. એક પછી એક પડ ખોલતાં જ જઈએ અને જોઈએ તો છેવટે કશું બહાર નીકળતું નથી. આ સંદર્ભે 'ડુંગળી' અને 'વિકાસ' એ બન્ને શબ્દો સમાનાર્થી જણાય છે! સામાન્ય સંજોગોમાં ડુંગળી સમારતી વખતે તેના નિકટ અને પ્રત્યક્ષ પરિચયમાં આવો ત્યારે આંખમાં પાણી આવે. જોકે, મોંઘા ભાવની ડૂંગળીના ભાવ સાંભળીને તે તીખી ન હોય તોપણ રડવું આવી જાય છે. આપણે કાંદા-ભાવવધારા-યુગમાં સરકારી સહાય કે રાહતની રાહ જોયા વિના સાવચેતીનાં પગલાં લેવાં જ રહ્યાં.

ભયાનક ભાવને ધ્યાનમાં રાખીને ઘરઆંગણે ડૂંગળીને શક્ય એટલી ઝીણી સુધારવી. એટલે ડૂંગળીના ટુકડાનું સંખ્યાબળ અને એ નિમિત્તે ડૂંગળી સમારનાર નર-નારીનું આત્મબળ વધશે. ટેલીવિઝન ઉપર પ્રસારિત થતાં રસોઈકળા વિષયક કાર્યક્રમોમાં ડૂંગળીબાઈનું વરવું અને વધુપડતું અંગપ્રદર્શન ન થાય તે માટે સંબંધિત વ્યક્તિઓને માહિતી અને પ્રસારણ મંત્રીશ્રીએ આદેશ આપવા જોઈએ. આનો અમલ ન કરનાર કાર્યક્રમ-નિર્માતાઓ અને ચેનલ્સને સરકારી જાહેરખબરો ન આપવી જોઈએ. આ મામલે ડૂંગળી-દુર્લભ ઉપભોક્તાઓ 'પ્રસારણ પરિષદ'માં ફરિયાદ પણ દાખલ કરી શકે છે.

લારી-ખૂમચાના ભરાતા દરબારમાં ગ્રાહકો માટે ડૂંગળીના ગોળ નહીં, પણ અર્ધગોળ ટુકડા કરવા. જેનાથી ડૂંગળી વધારે માત્રામાં છે એવો સંદેશો વ્હોટ્સએપ્પ વગર પણ વહેતો થશે. વળી, પીરસતી વખતે ડૂંગળીના ટુકડાઓને થોડા દૂર-દૂર ગોઠવવાથી થાળીનું વાતાવરણ ભર્યું-ભાદર્યું લાગશે. ભોજનાલયમાં દાખલ થઈએ કે તરત, 'ઉધાર માંગીને શરમાવશો નહીં' એવી સૂચનાની જગ્યાએ 'ડૂંગળી માંગીને શરમાવશો નહીં' એવું વાંચવું પડે એવો વખત આવે પણ ખરો. ગ્રાહકો જમી લે પછી, વેઇટર બિલ આપવા આવે ત્યારે મુખવાસમાં ધાણાદાળ-વરિયાળીની જગ્યાએ ડૂંગળીના બે-ચાર ટુકડા લઈને આવે તો ભલે આવે! આપણે પણ ડૂંગળીના આ ભવ્ય ટુકડાઓને ગૌરવભેર ગ્રહણ કરવા. પડોશીઓથી માંડીને પરિચિતો પણ ડૂંગળીની સુવાસ ઉપરથી તમને પૂછશે કે, 'બહાર જમવા ગયા હતા?!' જેના કારણે આપણો વિકાસ થઈ ચૂક્યો છે એવી વિગતો આપમેળે જાહેર થઈ જશે.

રક્ષાબંધનના તહેવારમાં પણ ઉત્તરપ્રદેશી, મધ્યપ્રદેશી, રાજસ્થાની, કે બિહારી ભૈયાઓ ગુજરાતી બહેનોને ધોળા દહાડે છેતરે છે. તેઓ પાણીપુરીમાં ડૂંગળીના બે નંગ મોટા ટુકડાની સાથે કોબીજના અડધો ડઝન ઝીણા ટુકડા પધરાવી દે છે. કારણ કે, જો તેઓ એક પાળીમાં મોંઘી ડૂંગળી વાપરે તો તેમણે બીજી બે પાળી રડવા માટે જુદી કાઢવી પડે. આ જ કારણે દાળવડાંની લારીએ એવું લખાણ જોવા મળે કે, ‘દસ ગ્રામ ડૂંગળી સાથે સો ગ્રામ દાળવડાં મફત મળશે.’ આ લખાણના અંતે નાનકડી ફૂદડી કરીને લખ્યું હશે કે, ‘સો ગ્રામ દાળવડાં મફત મળશે પણ દસ ગ્રામ ડૂંગળીનો ભાવ બાવીસ રૂપિયા રહેશે.’

કેટલાક સરકારી વિભાગોએ ડૂંગળીની મોંઘવારીને ગંભીરતાથી લેવાની જરૂર છે. ઘરે-ઘરે જઈને કચરો એકત્ર કરવાની યોજનામાં સંકળાયેલા શહેર સુધરાઈના કર્મચારીઓને સૂચના આપવી જોઈએ કે, જે ઘરેથી ડૂંગળીનાં ફોતરાં વધારે મળે તેની જાણ ઉપલા અધિકારીને તાત્કાલિક કરવી. આવી જ રીતે, ટ્રાફિક પોલીસ ‘બ્રેથ એનલાઇઝર’ (શ્વાસ વિશ્લેષક) દ્વારા જાણીને, જે વાહનચાલકના મોઢામાંથી ડૂંગળીની સુગંધ આવે તેને વિશેષ દંડ કરી શકે છે. તાત્કાલિક અસરથી અમલમાં આવે તેવો જાહેર પરિપત્ર બહાર પાડીને ભાષા નિયામકની કચેરી, ગાંધીનગરના પદાધિકારી કહી શકે કે, 'ગુજરાતી ભાષામાં ‘ડૂંગળીની વાસ કે ગંધ’ને બદલે ‘ડૂંગળીની સુવાસ કે સુગંધ’ એવો શબ્દ-પ્રયોગ માન્ય ગણાશે.'

મિત્રો-પરિચિતો-સગાં-સંબંધીઓને શુભ-લાભ પ્રસંગે ગુલદસ્તાની જગ્યાએ અડધો કિલો ડૂંગળી આપવાથી વટ પડશે. ખાનગીમાં ભાવ સરખાવશો તો પુષ્પગુચ્છનો અને કાંદાઢગલીનો ભાવ લગભગ સરખો માલૂમ પડશે. જોકે, નાગરિકોએ કોઈ પણ જાહેર કે ખાનગી કાર્યક્રમમાં (સા)માન્ય મંત્રીઓને ફૂલહાર ન કરવા. મંત્રીઓએ હૈયામાં હામ રાખીને કેવળ ડૂંગળીઓના હાર જ સ્વીકારવા. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, કેન્દ્રીય કક્ષાના નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું પાંચ કિલોગ્રામ, રાજ્ય કક્ષાના નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું ત્રણ કિલોગ્રામ, સ્વતંત્ર હવાલો ધરાવતા નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું એક કિલોગ્રામ તો હોવું જ જોઈએ. આ તમામ ડૂંગળીહાર મુખ્યમંત્રીના તોશાખાનામાં જમા કરાવવા ફરજિયાત છે. આ સમગ્ર યોજના ‘મુખ્યમંત્રી ગરીબ કસ્તૂરી કલ્યાણનિધિ’ તરીકે ઓળખાશે. જે અંતર્ગત રાજ્યના અંતરિયાળ દરિયાકાંઠે સરકારી ખરાબાની જમીન ઉપર વસતાં, વિમુક્તિ અને વિચરતી જાતિના ગરીબી રેખાની અતિ નીચે જીવતાં કુટુંબની એક માત્ર સંતાન એવી અપરિણીત કન્યાને પ્રતિ સપ્તાહ એક કિલોગ્રામ ડૂંગળી આપવામાં આવશે! આ માટે જે તે વ્યક્તિએ જિલ્લાની કલેક્ટર કચેરીએ દર પહેલા અને ત્રીજા શનિવારે સાંજે પાંચ કલાકે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ લઈને રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય છે.

દુનિયામાં ડુંગળીનું ઉત્પાદન કરતાં દેશોમાં ભારત બીજા ક્રમે આવે છે. મોંઘા ભાવની ડૂંગળીના કારણે ભૂતકાળમાં કેન્દ્રની સરકારો મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દેશમાં કેટલાંક રાજ્યના મુખ્યમંત્રીઓની કુંડળીમાં ડૂંગળીદોષ લખાયેલો હોવાના કારણે તેમણે સાવધ રહેવું જરૂરી છે. આવતીકાલે કે પરમદિવસે ડૂંગળીનો પ્રતિ કિલોનો ભાવ એકસો રૂપિયા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યમાં વીસ રૂપિયે કિલોના રાહતદરે ડૂંગળી ખરીદવી હોય તો, ભાઈ કે બહેને થેલીની સાથે સરકારમાન્ય ઓળખપત્ર લઈ જવું ફરજિયાત છે. તમે બે કિલોગ્રામની મહત્તમ વજનમર્યાદામાં ડૂંગળી ખરીદવા માટે નાણાં ચૂકવો કે તરત જ તમારી આંગળી ઉપર શાહીનું ટપકું લગાવવામાં આવે છે. લોકશાહી તંત્ર-વ્યવસ્થામાં ચૂંટણી પૂર્વે, દરમ્યાન, પશ્ચાત પણ મતદાન-જાગ્રતિના સતત પ્રયાસો કરવા માટે ડૂંગળીબાઈ ઘણો અસરકારક ભાગ ભજવી શકે છે! 

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :
મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

Tuesday, September 1, 2015

રતિલાલ બોરીસાગરને જન્મદિને અભિવંદન


રતિલાલ બોરીસાગર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

હાસ્યલેખક : રતિલાલ બોરીસાગર
સર્જક-જન્મદિન : ૩૧-૦૮-૧૯૩૮ 
તસવીર-તારીખ : ૩૧-૦૮-૨૦૧
તસવીર-સ્થળ : રતિલાલ પાર્ક (હાસ્યલેખકનું નિવાસસ્થાન)