Friday, October 25, 2019

મારી સ્વરાજયાત્રા // ગુલામ રસૂલ કુરેશી


૧૯૨૨નું વર્ષ બેઠું. રાજકીય જુવાળ ઠંડો પડવા લાગ્યો હતો. અમદાવાદ જિલ્લા ખિલાફત કમિટીએ પોતાના એક મંત્રી તરીકે મારી નિમણૂક કરી. ભાગ્યે જ તે કામ બે મહિના કર્યું હશે કે ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીએ પોતાના દફતરમાં મને બોલાવી લીધો. ત્યારે 'સ્મિરના તૈયારા ફંડ'નું ઉઘરાણું ચાલતું હતું તે ઉઘરાણાનું કામ ગુજરાતપૂરતું મને સોંપવામાં આવ્યું. ૧૯૨૩માં ગૂજરાત વિદ્યાપીઠના વહીવટી કામમાં હું જોડાયો. ૧૯૨૦ના મેની ૩૧મી તારીખે ઇમામ અબ્દુલ કાદર બાવઝીરની નાની દીકરી અમિના સાથે લગ્ન થયું. લગ્નની કંકોત્રીઓ બાપુએ પોતાના નામે છપાવેલી અને કન્યાદાન પોતે જ આપ્યું. તે વખતે ઇમામ સાહેબને પ્રજામાં માત્ર અમિના એક દીકરી જ હતી. એ રીતે ૧૯૨૪થી આશ્રમમાં રહેવાને સ્થાન મળ્યું. ૧૯૨૫માં ટૂંકા સમય માટે જોઇન્ટ સેક્રેટરી તરીકે લોન સર્વિસ પર મજૂર મહાજનમાં જોડાવાનું બનેલું પણ કાર્યકર્તાઓના મતભેદના કારણે તે અલ્પજીવી રહ્યું. અને લોન સર્વિસ ટૂંકાવી વિદ્યાપીઠમાં ફરી પાછો આવી ગયો. ત્યારે મને ગ્રંથપાલનું કામ સોંપાયું.

૧૯૩૦નું વર્ષ નમક સત્યાગ્રહનું. બાપુએ દાંડીકૂચ શરૂ કરી. દાંડીકૂચ વખતે બાપુના પડાવ દિવસના અને રાતના એમ બે ટપ્પે રહેતા. બાપુની અને કૂચના સૈનિકોની જરૂરિયાત અને વ્યવસ્થાની દિવસની કામગીરી વિદ્યાપીઠના વિદ્યાર્થી મિત્રો સાથે મને સોંપાઈ. આ કામ ઘણું કપરું હતું. રોજ પડાવ બદલાય તેની સાથે જ નવી વ્યવસ્થા ઊભી કરવાની રહે.

Thursday, October 24, 2019

ગોપાળદાસ પટેલની ગ્રંથાલય-સેવા // દશરથલાલ શાહ


૧૯૨૦ના અસહકારના આંદોલનમાં ગૂજરાત વિદ્યાપીઠની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી. કોઈ પણ વિદ્યાપીઠને પોતાનું ગ્રંથાલય હોવું જોઈએ, એ દૃષ્ટિએ ૧૯૨૦થી જ વિદ્યાપીઠ ગ્રંથાલયનો પ્રારંભ થયો. સાથે સાથે પુરાતત્ત્વ મંદિરનું ગ્રંથાલય 'શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનભંડાર'ના નામથી ઓળખાયું. ૧૯૨૮માં વિદ્યાપીઠનાં ધ્યેયોની રચના સાથે વિદ્યાપીઠનું ગ્રંથાલય પણ એક બન્યું અને 'ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય'ના નામથી શરૂ થયું.

ગૂજરાત વિદ્યાપીઠની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે જુદી જુદી સમિતિઓ રચાતી એમ ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે ૧૯૪૯-૫૦થી ગોપાળદાસ પટેલ નીમાયા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક તો હતા જ અને જુદા જુદા ધર્મોનાં સુંદર પુસ્તકોનું નિર્માણ પણ કર્યું હતું.

તે વખતે વિદ્યાપીઠનો સમય સવારે ૮થી ૧૦ ને બપોરે ૧૨-૩૦થી ૫-૩૦નો હતો. ૧૯૫૨માં સ્નાતક થઈને આ ગ્રંથાલયના કોપીરાઈટ વિભાગમાં મારી નિમણૂક થઈ. ગોપાળદાસના હાથ નીચે લગભગ ૧૦ વર્ષ કામ કરવાની તક મળી. આ સમય દરમ્યાન આચાર્ય વિનોબાજીને ગ્રંથાલય બતાવવાનું કામ મંત્રીશ્રીએ મને સોંપ્યું હતું - ઠંડીના દિવસોમાં વહેલી સવારે તેઓ આવ્યા હતા. અમારા ગ્રંથપાલ ચુનીલાલ પુ. બારોટને સાંભળવાની અને બોલવાની તકલીફને કારણે મને આ લાભ મળ્યો હતો. વિનોબાજીએ બહુ રસપૂર્વક ગ્રંથાલય નિહાળ્યું હતું.

ગોપાળદાસભાઈ રોજ સવારે અને સાંજે ગ્રંથાલયમાં આવતા. બધી ટપાલો બરાબર જોતા અને જરૂરી સૂચનાઓ આપતા. ૧૯૩૨ની ગેરકાયદે કોંગ્રેસના અધિવેશનમાં તેઓ ગુજરાત કોંગ્રેસ તરફથી દિલ્હી ગયેલા ને ત્યાં અંગ્રેજ સરકારે લોકો ઉપર ઘોડા દોડાવ્યા હતા, તેમાં ગોપાળદાસને પગે ભારે ઈજા થવાથી તેઓ નીચે બેસી શકતા નહિ, તેથી વિદ્યાપીઠમાં સૌથી પહેલાં ખુરશી-ટેબલ એમને માટે ગ્રંથાલયમાં આવ્યા. આજે પણ વિદ્યાપીઠમાં મોટા ભાગની બેઠકો નીચે ગાદી-તકિયાની જ છે. આ જ ભારતીય પરંપરા છે.

Wednesday, October 23, 2019

અમારું અહોભાગ્ય // કમુબહેન પુ. પટેલ


શરૂઆતનાં વરસોમાં કન્યા છાત્રાલયમાં ગૃહમાતા નહોતાં. નાના-મોટા અનેક પ્રશ્નો ઊભા થાય. શ્રી મગનભાઈને માથે કામનો બોજો ઘણો રહેતો. પણ મહત્વનાં કેટલાંય કામ છોડીને અમારી સાથે વિગતથી વાત કરે. વાતનો સાર તરત પકડી લે અને નિર્ણય તથા સલાહ આપે. મહિલાશ્રમ-વર્ધાના સંચાલનમાં અનુભવને લીધે બહેનોના પ્રશ્નોનો ઉકેલ શોધવો તેમને માટે તદ્દન સરળ થઈ ગયું છે. અમારા જીવનના ઘડતર માટે સ્વેચ્છાએ કેટલાક નિયમો અમને પળાવતા છતાંય તેનો ભાર અમારા પર લાગવા દે નહીં. અમને પૂરેપૂરી છૂટ અને મોકળાશ આપેલી, પણ કડક શિસ્તેય પળાવતા. ગમે તેવી ભૂલ થઈ હોય તોપણ સુધરવાનો કોલ આપીએ તો માફી બક્ષીને કંઈ જ બન્યું ન હોય તે રીતે વર્તે. પરંતુ જો છેતરવાનો પ્રયત્ન થતો, તો સંસ્થાના અને અમારા હિતમાં કડક પગલાં પણ લેતા. અને તેની યોગ્યતા અમારે ગળે પણ ઉતારતા અને અમારા વાલીઓને પણ પગલાંની જરૂરિયાત અને તેની ભૂમિકા સમજાવતા. તેમાં ગમે તેટલો સમય જાય તેની તેઓ પરવા કરતા નહીં.

Tuesday, October 22, 2019

સ્નાતકોને મારા અંતરના આશીર્વાદ છે // સરદાર વલ્લભભાઈ પટેલ


... ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆતથી આજ સુધીનો ઇતિહાસ મારી આંખ આગળ ખડો થાય છે. જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ અને એનું ખાતમુહૂર્ત મારે હાથે થયું ને ત્યાર પછી જ્યારે આચાર્યશ્રી રાયને બોલાવીને તેનું શિલારોપણ કર્યું, ત્યાર પછી હિંદુસ્તાનના ઇતિહાસમાં જે ફાળો વિદ્યાપીઠે આપ્યો તે આપણી સામે તાજો છે. વિદ્યાપીઠની ચડતી-પડતી એ સ્વરાજની ચડતી-પડતીનો ઇતિહાસ છે. આખરે જ્યારે હિંદુસ્તાનને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે કાળે વિદ્યાપીઠને પોતાને મગરૂબ થવાનું કારણ મળ્યું. તેના ઉપર અનેક મુસીબતો આવી અને કેટલીક વખત વિદ્યાપીઠનો તે વખતની સલ્તનતે કબજો લીધો. પણ વિદ્યાપીઠ તેમાંથી દરેક વખતે આખરે પાર નીકળી ગઈ. વિદ્યાપીઠના સ્નાતકો જે જે ક્ષેત્રમાં ગયા છે, તેઓ જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં તેમણે પસ્તાવો નથી કર્યો. તેઓ જ્યાં ગયા છે ત્યાં ઠીક રીતે કામ કર્યું છે અને વિદ્યાપીઠને શોભાવી છે.

Monday, October 21, 2019

અનિશ્ચિતતાઓનો આરંભિક કાળ // બીરેન કોઠારી


હજી માંડ એકાદ દાયકા અગાઉ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા ૧૯૨૦માં કરવામાં આવી હતી. તેની સ્થાપનાનો મુખ્ય હેતુ અંગ્રેજોપ્રેરિત શિક્ષણપદ્ધતિમાંથી મુક્તિ અપાવવાનો અને ખરા અર્થમાં આપણા દેશને ઉપયોગી થઈ શકે એવી શિક્ષણપદ્ધતિના અમલીકરણનો હતો. દેશના ઘડતરમાં રસ ધરાવતાં અનેક યુવક-યુવતીઓ વિદ્યાપીઠમાં જોડાતાં હતાં. રસિકભાઈની નજર સમક્ષ પણ એ જ ધ્યેય હતું. મામાસાહેબ ફડકેએ રસિકભાઈનું વલણ પારખીને ગૂજરાત વિદ્યાપીઠના 'ગ્રામસેવા મંદિર'માં પ્રવેશ લેવાનું સૂચવ્યું, એટલું જ નહીં, એ માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. રસિકભાઈ આ ગોઠવણ મુજબ તૈયારી કરીને અમદાવાદ ગયા. જો કે, અહીં સંજોગો બદલાયા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ અંગ્રેજી શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરનો વિરોધ કરતી દાંડીયાત્રા કાઢી હતી. દેશભરમાં અસહકારનું આંદોલન જોર પકડી રહ્યું હતું. જે જુસ્સાથી તેમાં ઠેરઠેરથી લોકો ભાગ લઈ રહ્યા હતા એ જોઈને આ વરસમાં ગૂજરાત વિદ્યાપીઠનું કામ પણ કામચલાઉ ધોરણે ખોરંભે પડી ગયું હતું. કદાચ આવા જ કોઈ સંજોગોવશાત 'ગ્રામસેવા મંદિર'ને એ અરસામાં ચાલુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રસિકભાઈને આ કારણે પાછા આવી જવું પડ્યું.

ઓસ્ટ્રેલિયા : લોકશાહી કે કાળી શાહી?

Sunday, October 20, 2019

વિદ્યાપીઠના વિદ્યાર્થી // રણધીર ઉપાધ્યાય


દ્યુમાનભાઈએ એક વર્ષ શાંતિનિકેતનમાં પ્રાચ્યવિદ્યાનો સઘન અભ્યાસ કર્યો હતો. વિદ્યાપીઠમાં એ જ વિષય પસંદ કર્યો. અહીં તેમને ઉત્તમ પુસ્તકાલયનો લાભ મળ્યો. છાત્રાલયની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ થઈ. અતિ ઉત્તમ અધ્યાપકોનું માર્ગદર્શન સાંપડ્યું.

વિદ્યાપીઠના મહાવિદ્યાલયના આચાર્ય હતા પ્રોફેસર ગિડવાણી, પ્રોફેસર મલકાણી, આચાર્ય કાકા કાલેલકર, મુનિ જિનવિજયજી, ગાંધીજીના અંતેવાસી નરહરિ પરીખ, વિનોબા ભાવે, પંડિત ધર્માનંદ કોસંબી ઇત્યાદિ ભારત-વિખ્યાત વિદ્વાનોની વિદ્વતાનો દ્યુમાનભાઈને લાભ મળવા લાગ્યો. પ્રાચ્યવિદ્યાના અંગ તરીકે તેમણે 'યોગ'નો પણ ઊંડો અભ્યાસ શરૂ કર્યો. તદુપરાંત પ્રાકૃત, પાલી, સંસ્કૃત ભાષા-સાહિત્યમાં પણ અવગાહન આરંભ્યું. આત્મોન્નતિની કડી હવે દેખાવા લાગી.

દ્યુમાનભાઈ અસામાન્ય વિદ્યાર્થી હતા - ધૂની, એકાંગી, એકાકી. વાંચવાનું શરૂ કરે તો ૨૦-૨૨ કલાક સામટા વાંચ્યા કરે. કાંતવાનું હાથમાં લે તો આખો દિવસ અને આખી રાત કાંત્યા કરે. બીજું કાંઈ ન કરે. વિદ્યાપીઠમાં ખાદી પહેરવાનું અને રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું. દ્યુમાનભાઈ કાંતીને પોતાના હાથની ખાદીનાં કપડાં પહેરવા લાગ્યાં.

Saturday, October 19, 2019

મુક્તિસંગ્રામનો પેગામ - કૉલેજ ત્યાગ - વિદ્યાપીઠ પ્રવેશ - 'નવજીવન' વેચી નિર્વાહ // શ્રીમોટા


વડોદરા કૉલેજ છોડીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાવાનું બનેલું. પાસે પૈસો તો મળે નહિ. ઘેરથી તે મળી શકે તેવી સ્થિતિ જ ન હતી. હવે ચલવવું કેમ અને ખાવું પણ શું? 'નવજીવન' વેચીને પેટિયું કાઢતો. રવિવારે તે નીકળતું. એક નકલે એક પૈસો મળતો. જેટલાં વેચાય તેટલા પૈસા મળે. એટલે જેટલાં વેચાય તેમાંથી સાત દિવસ ચલાવવાનું. કેટલાક દિવસ તો એક જ ટંક જમવાનું થતું.

'નવજીવન' રવિવારે વેચવાનું બનતું હતું, તેવા પ્રસંગની હારમાળામાં એક ફેરા એમ બન્યું કે રવિવારે માત્ર પચાસ પૈસા મળ્યા. સાત દિવસ ચલાવવાનું. તે વેળા કોચરબના ઢાળ પાસે શ્રી ડાહ્યાભાઈ ઇજ્જતરામના બંગલામાં વિદ્યાપીઠના વર્ગો ચાલતા હતા, અને आ जीव રહેતો હતો ગુજરાત કૉલેજની સામે જે ચાલ છે તે ચાલના સૌથી પહેલા ઓરડામાં. હવે સાત પૈસામાં એકેક દિવસ ચલાવવાનું! વિદ્યાપીઠમાં ભણતો ત્યારે જાતે-હાથે પકવવાનું કરતો. તે દિવસોના ગાળામાં કદીક કદીક ચણામમરા ફાકીને દિવસો ગુજારેલા. શહેરમાં સગાં-વહાલાંનાં ઘર તો હતાં. ગયો હોત તો પ્રેમથી જમવાનું મળ્યું હોત, પણ તેમાં શોભા ન હતી.

એમ કરતાં કરતાં એક 'ટ્યૂશન' પ્રભુકૃપાથી મળી ગયેલું. મહિને ૩૫ રૂપિયા અને તે, તે કાળમાં! મારા જેવા માટે તો તે ભયોભયો થઈ રહે.

આ હકીકત લખવાનું કારણ તો ગમે તેવી કફોડી દશા પ્રગટે અને ગમે તેવી કસોટી પ્રગટે, પણ પ્રભુકૃપાથી શહૂર પ્રગટાવીને જીવવાનું ખમીર જો દાખવીએ, તો તેના પણ ઉપાય મળી જ રહેતા હોય છે.
       

Friday, October 18, 2019

સાઇકલ પર // કાકાસાહેબ કાલેલકર


ગૂજરાત વિદ્યાપીઠના નિયામક મંડળની સભા હતી. બાપુ એમાં હાજર રહેવાના હતા. એમને લાવવાને માટે વાહન વખતસર પહોંચ્યું નહોતું. બાપુ રહ્યા સમયપાલનના આગ્રહી. વાહન આવેલું ન દીઠું એટલે આશ્રમમાંથી પગે ચાલતા નીકળી પડ્યા. પણ એમ વખતસર ક્યાંથી પહોંચાય? સભાનો વખત લગભગ થઈ ગયો હતો અને આશ્રમ વિદ્યાપીઠથી પ્રમાણમાં દૂર હતો. વચ્ચેનો રસ્તો ઉજ્જડ હોવાથી વાહન મળવાનો સંભવ પણ નહોતો.

રસ્તે થોડે ચાલ્યા પછી બાપુએ જોયું કે એક ખાદીધારી સાઇકલ પર આવે છે. બાપુએ તેને રોકી કહ્યું, 'સાઇકલ મને આપી દે. મારે વિદ્યાપીઠ જવું છે.' એણે તરત સાઇકલ આપી દીધી.

બાપુ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે કદાચ સાઇકલ પર બેઠા હશે. હિંદુસ્તાનમાં એવો પ્રસંગ નહોતો આવ્યો. છતાં તે દિવસે સાઇકલ પર બેઠા ને વિદ્યાપીઠમાં આવી પહોંચ્યા. બાપુને વખતસર આવી પહોંચેલા જોઈ સૌને નવાઈ થઈ. પણ ટૂંકું પંચિયું પહેરી ખુલ્લે શરીરે સાઇકલ પર બેઠેલા બાપુનું જે દર્શન થયું તે દિવસે થયું તે ફરી કદી થવાનું હતું?

Thursday, October 17, 2019

ગૂજરાત વિદ્યાપીઠનો શતાબ્દી પ્રવેશ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ એક ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા છે. ગૂજરાત વિદ્યાપીઠ તા. ૧૮-૧૦-૨૦૧૯ના રોજ ૧૦૦મા વર્ષમાં પ્રવેશે છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરમાં સવારે ૮-૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ સૌને વિદ્યાપીઠનાં ધ્યેયોની પ્રતિજ્ઞા લેવડાવશે અને સૌ સંઘગાન ગાશે. આ કાર્યક્રમ મયૂર બાગમાં યોજાનાર છે. ત્યારબાદ ૮-૩૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરના સભાગૃહની સામેની જગ્યામાં આ દિવસ નિમિત્તે ૧૦૦ વૃક્ષોનું વાવેતર થશે. જેનું 'શતાબ્દી વન' નામાભિધાન કરવામાં આવશે. 

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના જે બંગલામાં થઈ હતી તે જગ્યાએ એટલે કે ભીમભાઈ મહેતાનો બંગલો, પ્રીતમનગર પહેલો ઢાળ, કોચરબ ખાતે સવારે ૯-૩૦ કલાકે પ્રાર્થનાસભા યોજવામાં આવનાર છે. આ સ્થળે વિદ્યાપીઠનાં સ્મરણો યાદ કરવામાં આવશે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, કુલનાયક અનામિકભાઈ, કાર્યકારી કુલસચિવ ભરતભાઈ તેમજ બંગલાના મૂળ માલિક અને ત્રીજી પેઢીના વારસ શ્રી પ્રિયદર્શનભાઈ મહેતા સૌને આવકાર આપશે.

આ જ દિવસે સાંજે ૪-૩૦ થી ૫.૩૦ દરમ્યાન વિદ્યાપીઠનાં ૧૦૦ વર્ષની ઉજવણીના અનુસંધાને ભારતીય ટપાલ સેવા, ભારત સરકાર દ્વારા વિશેષ ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવરનું વિમોચન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસના ખંડમાં યોજવામાં આવનાર છે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ, અધ્યાપકો, તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પોસ્ટ-માસ્ટર જનરલ શ્રી આર.પી.ગુપ્તા; ચીફ પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ (મુખ્ય કાર્યાલય) શ્રી સુનિલ શર્મા તેમજ સી.પી.એમ મેજર એસ.એન.દવે પણ વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઐતિહાસિક દિવસની યાદરૂપે બહાર પાડવામાં આવનાર ફર્સ્ટ ડે કવરની સ્થળ પર વેચાણ-વ્યવસ્થા કરવામાં આવનાર છે.