Showing posts with label Kasturba Gandhi - Personality. Show all posts
Showing posts with label Kasturba Gandhi - Personality. Show all posts

Wednesday, February 22, 2023

કસ્તૂરબા વિશે આચાર્ય કૃપાલાની


'૧૯૪૪ના ફેબ્રુઆરીમાં થયેલું કસ્તૂરબાનું અવસાન એ અહમદનગરના કિલ્લામાં અમને લાગેલો બીજો એક આઘાત હતો. સાબરમતી આશ્રમમાં અથવા સેવાગ્રામમાં જ્યારે જ્યારે કારોબારી સમિતિની બેઠક મળતી ત્યારે ત્યારે તેઓ સભ્યોની સગવડની સંભાળ એક પ્રેમાળ માતાની જેમ રાખતાં. ચા અને કૉફી સહિત, જેની જેની અમને ટેવ હતી તે તે બધું તે પૂરું પાડતાં. અમને બધાંને તેઓ ખૂબ ગમતાં હતાં.'

પૃષ્ઠ : ૪૮૫


Tuesday, November 1, 2022

બા બાપુને પૂછવા લાગ્યાં ...

૩૦ એપ્રિલ, ૧૯૪૩

ડૉ. ગિલ્ડરને ઘેરથી કેરીનું પારસલ આવ્યું. આજે તેમના લગ્નની ૨૯મી વરસગાંઠ છે. એ સાંભળી બા બાપુને પૂછવા લાગ્યાં, "આપણા લગ્નને કેટલાં વરસ થયાં હશે...?" બાપુ મજાક કરવા લાગ્યા, “બાને પણ પોતાના લગ્નનો દિવસ ઊજવવો હોય એમ લાગે છે?" અમે લોકો ખૂબ હસ્યાં.

બાપુના કારાવાસની કહાણી
(આગાખાન મહેલમાં એકવીસ માસ)
લેખક : સુશીલા નય્યર
અનુવાદક : મણીભાઈ ભ. દેસાઈ
નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
પહેલી આવૃત્તિ, ૧૯૫૦
પૃષ્ઠ : ૩૨૪

Monday, October 31, 2022

'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'

આટલી વારમાં તો એક વિદ્યાર્થી આવ્યો અને કહેવા લાગ્યો : 'સેંકડો સ્ત્રીઓ પેલા મંડપમાં બેઠી છે - કેવળ દર્શનને માટે.' મેં ગાંધીજીને કહ્યું. ગાંધીજી નીકળ્યા, જઈને ઊભા રહ્યા. તેમના આગળ નાનાંમોટાં ઘરેણાંઓથી ભરેલી એક કોથળી ઠલવાઈ! આવી શ્રદ્ધા જ્યાં ત્યાં જોઈને હું ચકિત થયો છું. ઝરિયાની કોથળીમાં ઝરિયાના અર્ધનગ્ન મજૂરોની સ્ત્રીઓનાં ઘરેણાં પડેલાં છે. પટણામાં તે જ દિવસે પૂ. કસ્તૂરબા ગંગાજી નાહવા ગયાં હતાં, ત્યાં અનેક બહેનો નાહતી હતી. તેમને કોઈકે કહ્યું : 'યે માતાજી હૈ.' એટલે પોતાને છેડે જે કાંઈ બાંધેલું હશે તેટલું છોડીને તેમણે કસ્તૂરબાને ચરણે ધર્યું! પણ આખરે એક ફાટાતૂટા કપડાવાળી ઘરડી ડેાશી આવી અને તેણે એક રૂપિયો મૂક્યો. પૂ. કસ્તૂરબાએ પૂછ્યું : ‘બહેન તમે શો ધંધો કરો છો?' જવાબ મળ્યો : 'દૂધ વેચવાનો.' એટલે બીજા પાસે ઊભેલા એક ભાઈએ કહ્યું : 'દૂધ વેચીને જેમ તેમ બચાવેલા પૈસામાંથી એ એક રૂપિયો આવ્યો છે!' એટલે પેલી ભલી બાઈ બોલી : 'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'


MD-05:504


જ્યારે કસ્તૂરબાએ કડાં ન લીધાં

'સ્ત્રીઓની પ્રેમભક્તિ અને શ્રદ્ધાથી ઉત્પન્ન થતી રમણીય મૂંઝવણના દાખલામાંથી એક જ અહીં નોંધું? એક બહેને પોતાનાં સોનાનાં કડાં અને સોનાનો હાર પૂજ્ય કસ્તૂરબાને પહેરાવ્યાં. કસ્તૂરબાએ ગભરાઈને તરત જ તે “મને કેમ ચડાવો છો?” બોલી ઉતાર્યો અને કહ્યું : “બહેન, આ ઘરેણાં તો ગાંધીજી સ્વરાજ માટે માગે છે.” બહેને હાર સ્વરાજફંડ માટે ગાંધીજીના ચરણ આગળ મૂક્યો. પણ “કડાં તો તમે પહેરો તો જ આપું” એમ કહ્યું. કસ્તૂરબાએ કડાં ન લીધાં એટલે કડાં સ્વરાજફંડને ન મળ્યાં.'

MD : 05:499

Sunday, October 30, 2022

બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી : બાપુ

'પતિપત્ની વિષેના સંબંધની બાબત મારા વિચારોમાં ફેર પડ્યો છે ખરો. જે રીતે હું બા તરફ વર્ત્યો તે રીતે તમે કોઈ તમારી પત્નીઓ તરફ ન વર્તો એમ ઇચ્છું ખરો. મારી સખ્તીથી બાએ કાંઈ ખોયું નથી કેમ કે બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તો હતાં જ. તેને હું ઊંચે ચડેલી જોવા ઇચ્છતો હતો. છતાં બા મને નહોતી વઢી શકતી. હું વઢી શકતો હતો. બાને મેં અમલમાં મારા જ જેટલા અધિકાર નહોતા આપ્યા. અને બામાં બિચારીમાં તે લેવાની શક્તિ ન હતી. હિંદુ સ્ત્રીઓમાં એ શક્તિ હોતી જ નથી. એ હિંદુ સમાજની ખામી છે. ... એકબીજાંનો પ્રેમ દંપતીને પાપમાંથી ભલે ઉગારે, ડર કદી નહીં. આ શિક્ષણ આપવાનું હું આશ્રમમાં જ શીખ્યો. બાના પ્રત્યેનું મારું સાબરમતીનું વર્તન ઉત્તરોત્તર આવું થતું ગયું છે. તેથી બા ચઢી છે. આગળનો ડર હજી સાવ નહીં ગયો હોય. પણ ઘણો ગયો છે. મનમાં પણ બાના પ્રત્યે ખીજ ચઢે છે તો મારા પ્રત્યે ખીજ કાઢું છું. ખીજનું મૂળ મોહ છે. મારામાં આ ફેરફાર થયો છે તે મહત્ત્વનો છે અને તેનાં સુંદર પરિણામો આવ્યાં છે. મારો પ્રેમ હજુ નિર્મળ થતો જશે તો જ પરિણામો વધારે સુંદર થશે. અસંખ્ય સ્ત્રીઓ મારો વિશ્વાસ સહેજે કરે છે. તેનું કારણ મારો પ્રેમ અને આદર છે એવો મને વિશ્વાસ છે. એ ગુણ અદૃશ્ય રીતે કામ કર્યાં જ કરે છે.'

રામદાસ ગાંધીને પત્ર
11-08-1932

મહાદેવભાઈની ડાયરી,
પુસ્તક પહેલું, પૃષ્ઠ : ૩૫૫-૭

બાએ આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધો છે : બાપુ

' ... હમણાં મારી ટપાલ બહુ અવ્યવસ્થિત થઈ છે. ખૂબ ચક્કર ખાઈને આવે છે. છતાં મળે છે એટલું જ ગનીમત કહીએ. કેદીને શા હક છે? કેદનો અર્થ જ હકનો અભાવ. કેદને વિશે આ સમજ હોવાથી મન સ્વસ્થ રાખી શકાય છે. મળવાનું પણ તેમ જ છે. મહાદેવને ઘણે ભાગે મળી શકીશ. પણ તું ધારે છે એમ ટાઇમટેબલ ન બનાવી શકાય. કાં તો ન મળવાનું જોખમ ઉઠાવવું, અથવા મળવાનો લોભ જ છોડી દેવો. તને અને લક્ષ્મીને મળી શક્યો હોત તો રાજી થાત. પણ મેં લીધેલું પગલું બરોબર જ લાગે છે. વધારેમાં વધારે આઘાત બાને પહોંચશે. પણ તેણે તો આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધો છે. મારી સાથે સંબંધ રાખનાર કે બાંધનાર બધાને આકરી કિંમત તો આપવી જ પડે છે. બાને સૌથી વધારે આપવી પડી છે, એમ કહી શકાય. એટલો સંતોષ મને છે કે તેમાં બાએ ખોયું નથી.'

દેવદાસ ગાંધીને પત્ર
જુલાઇ ૧૭, ૧૯૩૨

ગાં.અ. - 50:244

બા વિશે બાપુ


બાપુએ પોલાકને લાંબો મજાનો કાગળ લખ્યો. એમાં કાગળ ફરી પાછો ન વાંચી જવાનાં પરિણામો વર્ણવ્યાં. પોતે એક વાર એક કાગળમાં no (ના) લખતાં રહી ગયેલા તેનું કેવું પરિણામ આવ્યું તે વર્ણવ્યું. બાને વિષે લખ્યું :
"She has aged considerably - in some respects perhaps more than I have. Spiritually she has made wonderful progress."
"એ ઘરડી થઈ ગઈ છે, કેટલીક બાબતમાં તો મારા કરતાંયે વધારે. આધ્યાત્મિક દૃષ્ટિએ એણે ગજબ પ્રગતિ સાધી છે."

8-6-1932

MD:01:208