Showing posts with label VallabhKatha. Show all posts
Showing posts with label VallabhKatha. Show all posts

Wednesday, March 1, 2023

વલ્લભકથા : ૦૧


Courtesy : Google Image

સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી


ડૉ. અશ્વિનકુમાર

પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

....................................................................


તારીખ :

૦૧-૦૩-૨૦૨૩, બુધવાર
૦૨-૦૩-૨૦૨૩, ગુરુવાર
૨૧-૦૩-૨૦૨૩, મંગળવાર
૨૨-૦૩-૨૦૨૩, બુધવાર
૨૩-૦૩-૨૦૨૩, ગુરુવાર
૨૪-૦૩-૨૦૨૩, શુક્રવાર
૩૦-૦૩-૨૦૨૩, ગુરુવાર
૩૧-૦૩-૨૦૨૩, શુક્રવાર

સમય :
સવારે પોણા અગિયારથી સવાઅગિયાર
સ્થળ :
ઉપાસના ખંડ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૦૯

Saturday, February 20, 2021

ડૉ. અશ્વિનકુમાર // પરિચયનું પાનું




ડૉ. અશ્વિનકુમાર વ્યવસાયથી પ્રાધ્યાપક, વ્યસનથી વાચક, હક્કથી લેખક, સ્વભાવથી સંપાદક, નિજાનંદથી કુદરતચાહક, અને શોખથી તસવીરકાર છે!

મૂળે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી. (63.43%) થયા બાદ, તેમણે પત્રકારત્વમાં બી.સી.જે.પી. (70.33% - સુવર્ણચંદ્રક વિજેતા), એમ.જે.એસ. (73.25%), એમ.ફિલ. (66.83%), અને પીએચ.ડી.ની પદવી મેળવી છે.

તેમને ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વના વિષયમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક અને ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક એનાયત થયા છે.

પત્રકારત્વના અભ્યાસનાં એ વર્ષો દરમિયાન, તેમણે 'કર્ણાવતી એક્સપ્રેસ' જેવા લઘુ કક્ષાના દૈનિકમાં, 'સમભાવ' જેવા મધ્યમ કક્ષાના દૈનિકમાં, અને 'ગુજરાત સમાચાર' જેવા અગ્રગણ્ય દૈનિકની ન્યૂ યોર્ક આવૃત્તિ માટે તાલીમી પત્રકાર તરીકે કામગીરી કરી હતી.

તેમણે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના વિષયમાં પારંગત(એમ.જે.એસ.) કક્ષાના અભ્યાસ દરમિયાન 'અખબારો પાસેથી વાચકોની અપેક્ષાઓ : એક અધ્યયન' શીર્ષક અંતર્ગત અજય ઉમટ (ચીફ સબ એડિટર, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ)ના માર્ગદર્શનમાં લઘુ સંશોધનનિબંધ તૈયાર કર્યો હતો.

તેમણે ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જુનિયર ટેલિકમ્યુનિકેશન ઑફિસર) તરીકે દક્ષિણ ગુજરાતના અમલસાડ શહેરમાં કારકિર્દીની વિધિવત શરૂઆત કરી હતી. હાલમાં, અશ્વિનકુમાર ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરમાં પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સક્રિય છે.

ગાંધીજીનાં સાહિત્ય અને પત્રકારત્વના જિજ્ઞાસુ અશ્વિનકુમારે 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા' શીર્ષક અંતર્ગત અનુપારંગત(એમ.ફિલ.) કક્ષાએ તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ આવૃત્તિ)ના માર્ગદર્શનમાં સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું.

અશ્વિનકુમારે 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)' શીર્ષક હેઠળ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) કક્ષાએ ડૉ. રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)ના માર્ગદર્શનમાં મહાનિબંધ પૂર્ણ કર્યો હતો.

અશ્વિનકુમાર અનુપારંગત (એમ.ફિલ.) પદવી માટેના સંશોધન-અભ્યાસમાં માન્ય માર્ગદર્શક તરીકે ઈ. સ. ૨૦૦૨થી કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ અગિયાર વિદ્યાર્થીઓએ એમ.ફિલ.ની પદવી મેળવી છે. 

ડૉ. અશ્વિનકુમાર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) પદવી માટેના સંશોધન-અભ્યાસમાં માન્ય માર્ગદર્શક તરીકે ઈ. સ. ૨૦૧૫થી કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પદવી  મેળવી છે. હાલમાં છ વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહ્યા છે.

તેઓ ગૂજરાત વિદ્યાપીઠ સહિતનાં વિવિધ વિશ્વવિદ્યાલયોની શૈક્ષણિક અને સંશોધન સમિતિઓના સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે.

અશ્વિનકુમાર ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતાં 'અભિદૃષ્ટિ' માસિકના સહસંપાદક, સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતાં 'એઇડ્સ-પ્રતિકાર' સામયિકના સંપાદક, અને વિકાસના મુદ્દાની વાત માંડતાં 'વલોણું' વિચારપત્રના તંત્રી રહી ચૂક્યા છે.

તેઓ સંશોધનાત્મક અને સર્જનાત્મક લેખન કરે છે. તેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિધવિધ પ્રવૃત્તિઓ કરે છે.

ઈ.સ. ૧૯૯૬થી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષયના અધ્યાપન સાથે સંકળાયેલા અશ્વિનકુમારે, સમૂહ માધ્યમોમાં ભાષા-શુદ્ધિ અને અભિવ્યક્તિ-સજ્જતા સારુ 'ભાષાની મજા, મજાની ભાષા' નામે, પંદરસો પંચોતેરથી પણ વધુ 'ભાષા-નમૂના' બનાવ્યા છે. જેના થકી, વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવામાં મજા પડે છે. તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કેટલાક નવા શબ્દો બનાવવાના પ્રયત્નો પણ કર્યા છે.

ઈ.સ. ૧૯૨૦માં ગાંધીજીએ સ્થાપેલી શિક્ષણ-સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠમાં, અશ્વિનકુમાર ઈ.સ. ૧૯૯૬થી જોડાયેલા રહ્યા છે. આ જ વર્ષથી તેઓ ઉપાસનાખંડમાં વિવિધ વિષય અને વ્યક્તિત્વ વિશે, વિદ્યાર્થીઓ અને સેવકો સમક્ષ, નિયમિતપણે અને સમય-શિસ્ત સાથે વ્યાખ્યાનો આપતા રહ્યા છે.    

અશ્વિનકુમારે 'કાકા-સવાસો(૧૮૮૫-૨૦૧૦)' નિમિત્તે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરના સમગ્ર સાહિત્યનો વિગતે અભ્યાસ કરીને, સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ વ્યાખ્યાનો આપ્યા હતા.

અશ્વિનકુમારે 'બા-બાપુ-દોઢસો' ઉજવણી સારુ, ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનામાં 'કસ્તૂરકથા'નો મૌલિક પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણીમાં કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો. તેમણે અત્યાર સુધીમાં ત્રણ 'કસ્તૂરકથા' કરી છે.

અશ્વિનકુમારે 'આઝાદીનો અમૃત મહોત્સવ' અન્વયે, ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨ના ઑગસ્ટ માસથી 'મહાદેવકથા'નો નવીન પ્રયોગ શરૂ કર્યો છે. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં મહાદેવ દેસાઈનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૨ના સપ્ટેંબર માસથી 'મોહનકથા'નો નોખો પ્રયોગ શરૂ કર્યો છે. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં મહાત્મા ગાંધીજીનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૩ના માર્ચ માસથી 'વલ્લભકથા'નો પ્રયોગ શરૂ કર્યો છે. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૩ના એપ્રિલ માસથી 'ભીમકથા'નો પ્રયોગ શરૂ કર્યો છે. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે, શહેરના સામાજિક-સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતી, 'આપણું અમદાવાદ' નામની કતાર લખી છે. તેમણે 'હળવે હૈયે' અને 'હળવે હલેસે' જેવી કતારથી હાસ્ય-વ્યંગ્ય ક્ષેત્રે હાથ (અ)જમાવ્યો છે.

અશ્વિનકુમાર પ્રવાસના શોખીન છે. જન્મે-ધર્મે-કર્મે-મર્મે અસલ અમદાવાદી અશ્વિનકુમાર 'ભારતના પ્રથમ વૈશ્વિક વિરાસત શહેર' અમદાવાદનાં ૪૦૦ જેટલાં સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ ચૂક્યા છે.

અશ્વિનકુમાર ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે ગુજરાતના પંદર જિલ્લામાં ગ્રામજીવન પદયાત્રા કરી છે.

અશ્વિનકુમાર ભારતનાં એકવીસ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે દેશના દુર્ગમ પર્વતીય અને ગાઢ વન્ય વિસ્તારોમાં કઠિન કૂચ-કદમ કરી છે.

અશ્વિનકુમાર તસવીરકળામાં રસ ધરાવે છે. તેઓ ઈ.સ. ૨૦૦૧થી વિધવિધ સ્થળો અને વ્યક્તિઓ, બનાવો અને બાબતોનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. તેમણે દસ્તાવેજી ચલચિત્રો માટે સંશોધન, લેખન, અને પરામર્શન કર્યું છે. તેમણે તૈયાર કરેલા વિવિધ સ્વરૂપના કાર્યક્રમ 'આકાશવાણી' થકી પ્રસારિત થયા છે.

તેમણે ૦૧-૦૧-૨૦૧૩થી 'અશ્વિનિયત' (http://ashwinningstroke.blogspot.in) નામના બ્લોગ (અક્ષર-આકાશિકા) મારફતે વિદ્યાર્થીઓ અને વડીલો, દોસ્તો અને પરિચિતો સાથે નિયમિતપણે સંપર્ક જાળવી રાખ્યો છે. 'અશ્વિનિયત' બ્લોગ ઉપર વિવિધ વિષયની 5500+ પોસ્ટ્સ અને 518500+ પેજવ્યૂઝ છે.

ડૉ. અશ્વિનકુમારનું વીજાણુ ઠેકાણું ashwinkumar.phd@gmail.com છે.