ડૉ. અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪
.................................................................................................................................
આપનું બાળપણ વાર્તાઓમાં ડૂબ્યું છે અને વાર્તાઓથી તર્યું છે? જો જવાબ 'હા' હોય તો વાંચવા માટે આગળ વધો. જો જવાબ 'ના' હોય તો આગળ વધવા માટે વાંચો!
 |
'પરીઓની વાતો' સાથે એક 'પ્યારી' છોકરી Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
સ્વરાજ તિલક મહારાજનો, એમ વાર્તા બાલક રાજાનો જન્મસિદ્ધ અધિકાર છે. વાર્તા માતાના ખોળામાં બેસીને જ નહીં, પિતાના ખભે ચઢીને પણ સાંભળવાની હોય છે. વાર્તા કહેવા માટેના અભ્યાસક્રમ ન હોય, એ તો નિત્યક્રમ જ બનવો જોઈએ!
વાર્તા કહો-સાંભળો કે વાર્તા વાંચો-લખો અને 'ઈસપ' નામનો શબ્દ ન આવે તો દોષ જગ પ્રત્યે નહીં, જાત પ્રત્યે કાઢવો રહ્યો! ઈ.પૂ. છઠ્ઠી સદીમાં જન્મેલા ઈસપ ગ્રીક પ્રાણીકથાના સંગ્રહના સર્જક તરીકે આજે પણ વિશ્વ-વિખ્યાત છે. ઈસપ વિશે કૃષ્ણવદન જેટલી લખે છે : "... તે સેમોસ ટાપુમાં ગુલામ હતો અને તેના શેઠ ઈઆદમોએ તેને મુક્તિ આપી હતી. તે રાજા લિકુરગસનો કોયડો ઉકેલવા બેબિલોન ગયો હતો. રાજા ક્રોઈસસે તેને રાજકાર્ય માટે ડેલ્ફી મોકલ્યો હતો. ત્યાં કોઈક સાથે ઝઘડો થતાં દુશ્મને તેને પર્વતની ધાર પરથી ખીણમાં ધકેલી દીધેલો અને તે મૃત્યુ પામેલો હતો. ... " (ઠાકર(સં.), ૧૯૯૧, પૃ.૧૨-૧૩) આમ, ઈસપ દુશ્મને કરેલા વારથી માર્યો , પણ પોતે કરેલી વારતાઓથી આજે પણ જીવે છે!
દૂરદર્શન(ટેલિવિઝન)થી આંખની કસોટી થાય છે, પણ વાર્તા-શ્રવણ(સ્ટોરી-લિસનિંગ)થી તો કાનની કેળવણી થાય છે. ગાંધીજી કહે છે : " ... બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે. ... " (ગાંધી, ૨૦૧૦, પૃ.૩૧૩)
આજનાં માતા-પિતા વખત માટે વારતા અને વારતા માટે વખત ફાળવે એ જરૂરી છે. પોતાનું સંતાન કંતાન જેવું ન થઈ જાય એ માટે પણ મા-બાપે તેને વખત અને વારતા આપવાં અનિવાર્ય છે. વાર્તા પૂરી કરવાની નથી હોતી, પૂરી વાર્તા કરવાની હોય છે. આથી, એક સારી વાર્તા કહેવા માટે અનેક વાર્તા જાણવી પડે છે. એક વાર્તા સારી રીતે કહેવા માટે તેનો અનેક વખત મહાવરો કરવો પડે છે. 'એક હતો ચકો, એક હતી ચકી' અને ' એક જંગલમાં એક સિંહ રહેતો હતો' જેવી એકની એક વાર્તા, એકના એક વાક્યથી શરૂ કરીને, એકની એક રીતે, એકના એક બાળકના માથે મારવી એ પણ એકની એક હિંસા છે!
બાળકોને નવી-નવી વાર્તાઓ કહીએ. વાર્તા વારે-તહેવારે નહીં, રોજેરોજ કહીએ. કારણ કે, એક કચ્છી કહેવત છે : " નૈ ગાલ નો ડીં,તાણે મેડે તેરો ડીં,મારે કુટે મેણું ડીં." - નવી વાત નવ દિવસ, તાણી ખેંચીને તેર દિવસ, મારી કૂટીને મહિનો દિવસ, પછી ભુલાઈ જાય." (કારાણી (સં.), ૧૯૭૬, પૃ.૧૨૦) બાળક રડતું હોય તો વારતા લગાડીએ, વાર નહીં! આપણે બાળકોને ઊંઘાડવાં માટે વાર્તાનું શાસ્ત્ર અને શસ્ત્ર અજમાવીએ છીએ. પરંતુ, બાળકોને જગાડવાં માટે પણ વાર્તાનો પ્રયોગ કરવા જેવો છે. દરેક વખતે બાળકને વાર્તા કહીએ પણ ક્યારેક બાળક પાસેથી પણ વાર્તા સાંભળીએ તો કેવું સારું?
 |
દાદા-દાદી સાથે વાર્તાલીન થયેલી પૌત્રી Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
વાર્તા કહેતી વખતે બાળકની ધીરજની સાથે સાથે વાર્તા કહેનારની ધીરજની પણ કસોટી થાય છે. એમાં પણ સસલા સામે જીતી જતા કાચબાની વાર્તા ચાલતી હોય તો ઉતાવળ તો ન જ ચાલે! વળી, વાર્તા કહેનાર વ્યક્તિ બાળ-માનસની અને સમાજ-જીવનની અભ્યાસી હોય એ આવશ્યક છે. વાર્તામાં એવું આવે કે, 'એક ગરીબ બ્રાહ્મણ હતો' તો આ સાંભળીને બાળકની મૂંઝવણ વધી જાય છે. 'ગરીબ' એટલે કેવો અને બ્રાહ્મણ એટલે કોણ એવો પ્રશ્ન બાળકના મનમાં ઊગી નીકળે તો પછી વાર્તા કહેનારની મૂંઝવણ વધી જાય છે! કારણ કે સ્વપ્નલોક ફ્લેટ્સના સાતમા માળે રહેતું, શહેરી ઉચ્ચ-મધ્યમ વર્ગીય અને અંગ્રેજી-માઘ્યમ વર્ગીય બાળક, ગરીબીની રેખાની વાસ્તવિકતાથી ઘણું ઉપર જીવતું હોય છે. સાથેસાથે એ પણ મૂંઝવણ હોય છે કે, વાર્તાના ચિત્રમાં શિખા-ત્રિપુંડ-ભસ્મ-જપમાળા-જનોઈ-ધોતિયું ધારણ કરેલા લંબોદર બ્રાહ્મણથી પાડોશના ચશ્માંધારી પંડ્યાકાકા ઘણા-ઘણા જુદા દેખાય છે!
આ જ રીતે બાળકને પ્રાણી-સંગ્રહાલયમાં એક વખત હાથી બતાવ્યો હશે તો, 'આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ'ની હાથી-હયાતી ઝટ દઈને સ્પષ્ટ થઈ જશે. વળી, આપણી વાર્તાઓમાં છેલ્લું વાક્ય તો એવું આવવાનું જ કે, 'ખાધું, પીધું અને રાજ કર્યું.' આ વાક્ય સાંભળતાંની સાથે જ કોઈ પ્યારી દીકરી એવું પૂછે કે, 'રાજ કર્યું' એટલે શું કર્યું? તો એનો સાચો અને ગળે ઊતરે એવો જવાબ આપવાની સજ્જતા આપણે કેળવવી જ રહી.
બાળવાર્તાને અને માતૃભાષાને સીધો સંબંધ છે. બાળક પોતાની માતૃભાષામાં કહેવાયેલી વાર્તાને માત્ર સાંભળી જ નહીં, માણી પણ શકે છે. જૂની ગુજરાતી બોલાતી હોય એવા પરિવારોમાં જન્મેલાં, પણ નવું-નવું અંગ્રેજી માધ્યમ ભણેલાં યુવતી-યુવક પરણીને જયારે મા-બાપ બને છે ત્યારે પોતાના બાળકને ગુજરાતીમાં વાર્તા કહેતાં નાનમ અને અંગ્રેજીમાં વાર્તા કહેતાં નબળાઈ અનુભવે છે. સારા વાર્તાકથન અને ખરા વાર્તાશ્રવણથી શબ્દભંડોળ સમૃદ્ધ બને છે, ઉચ્ચારશુદ્ધિ થાય છે. કલ્પનાશક્તિનું આભ વિસ્તરે છે, અભિવ્યક્તિની ધાર તેજ થાય છે. બાળક વાર્તાઓની કલ્પના થકી વિચારની વાસ્તવિકતા સુધી પહોંચે છે. સોવિયેત-સંઘી કેળવણીકાર વસીલી આલેક્સાંદ્રોવિચ સુખોમ્લીન્સ્કી (૧૯૧૮-૧૯૭૦) કહે છે : " ... ઘણાં વર્ષોનો અનુભવ બતાવે છે કે બાળકના અંતરમાં રસલક્ષી, નૈતિક, અને બૌદ્ધિક લાગણીઓ વાર્તાઓનાં કલ્પનોના પ્રભાવને કારણે ઉત્પન્ન થતી હોય છે, એ કલ્પનો વિચારપ્રવાહને ગતિમાન કરે છે તથા મગજને જાગ્રત કરે છે, ચિંતનના ચેતનમય ટાપુઓ વચ્ચેના વિચારપ્રવાહોને સાંકળે છે. બાળકોનાં મનમાં વાર્તાઓનાં કલ્પનો મારફત શબ્દોની બારીક અર્થછાયાઓ પ્રગટ થાય છે, એ કલ્પનો બાલકના માનસિક જીવનનું ક્ષેત્ર, વિચારો તથા લાગણીઓને વ્યક્ત કરવાનું સાધન, ચિંતનની વાસ્તવિકતા બની રહે છે. વાર્તાઓનાં કલ્પનોથી ઉત્પન્ન થતી લાગણીઓના પ્રભાવને કારણે બાળક શબ્દોમાં વિચાર કરતાં શીખે છે ... "(સુખોમ્લીન્સ્કી, ૧૯૮૫, પૃ.૨૪૨)
 |
નાનીના મુખેથી વારતા સાંભળતી નાનકડી દોહિત્રી Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
આપણાં કુટુંબો સંયુક્ત મટી વિભક્ત બનતાં જાય છે. આ જોગ-સંજોગમાં ઘરમાં સગવડ બધી હોય, પણ દાદી-દાદાની સોબત હોતી નથી. જ્યાં દાદી-દાદાનું હોવાપણું ન હોય ત્યાં, નાની-નાનાની હાજરીની તો કલ્પના પણ ન થઈ શકે. આમ, આપણી કુટુંબ-કથામાંથી દાદી-દાદા-નાની-નાના નામનાં પાત્રોનો ખો નીકળી ગયો છે, જેના કારણે બાળકો વાર્તાથી દૂર, વાર્તા બાળકોથી દૂર અને છેવટે આપણે બંનેથી દૂર થઈ જઈએ છીએ. બાળક દાદી-દાદા કે નાની-નાનાની નજરમાં નજર મેળવીને, એમનાં ચશ્માંના કાચની આરપાર જોઈને પણ વિસ્મયનું તત્વ અને વાર્તાનું તેજ માણી શકે છે. બાટલે અને માટલે, પાટલે અને ખાટલે મોટી ખોડ એ છે કે જે સાચા અર્થમાં માતા-પિતા ન બની શક્યાં હોય તે સારા અર્થમાં દાદી-નાની-દાદા-નાના કેવી રીતે બની શકે? આપણે ત્યાં વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા સગવડનો નહીં શરમનો વિષય ગણાવો જોઈએ. ત્યાં પણ વૃદ્ધોની એકલતાનો સરવાળો થતો હોય છે. આ સંજોગોમાં વૃદ્ધો બાળકોને વારતાઓ કહેવાની પ્રવૃત્તિ ઉપાડી લે એ આવકારલાયક છે. આ માટેની વ્યવસ્થા ગોઠવવા શિક્ષણ-સંસ્થાઓએ આગળ આવવું રહ્યું.
આપણી શિક્ષણ સંસ્થા-વ્યવસ્થામાં જૂથ-ચર્ચા અને રૂબરૂ મુલાકાત,પરિસંવાદ અને પાઠ-પ્રસ્તુતિ થકી વિદ્યાર્થીની કસોટી-માપણી કરવામાં આવે છે. પણ એક વખત વિદ્યાર્થીઓને (અને ખાસ કિસ્સા તરીકે અધ્યાપકોને પણ!) કહેવું કે, તમારી ક્ષમતાનું મૂલ્યાંકન તમે જે વાર્તા કહેશો એના આધારે થશે અને શ્રોતાઓ તરીકે સામે ભૂલકાં જ બેઠેલાં અને સૂતેલાં હશે! એમાં પણ બાળકોનાં બગાસાંને નકારાત્મક ગુણભારનો મહત્વનો એકમ જાહેર કરવામાં આવે તો મોટા ભાગના વાર્તાવીર ખરેખર વીરગતિને પામે! આમ, જો વ્યક્તિત્વનું માપન વાર્તા-કળાથી થાય તો શિક્ષણ સોળે કળાએ ખીલી ઊઠે. આપણા યુવા-મહોત્સવોમાં પણ વાર્તા-કથનની એક સ્પર્ધા દાખલ કરવાની જરૂર છે. આજનાં યુવતી-યુવક, જે ભવિષ્યમાં માતા-પિતા બને ત્યારે, એમનાં બાળકોને પ્રેરણાદાયી વાર્તાઓ કહીને, કેવળ જૈવિક નહીં પણ નૈતિક મા-બાપ બને તો કેવું સારું?
જેમણે વાર્તાઓ સાંભળી અને કહી હશે એ લોકો 'હિતોપદેશ'ના નામથી ભાગ્યે જ અજાણ હશે. 'હિતોપદેશ' એ ભારતીય પશુપક્ષી-કથાસાહિત્યનો સંસ્કૃત ભાષામાં સર્જન પામેલો લોકપ્રિય ગ્રંથ છે. ધવલચંદ્ર નામના માંડલિક રાજવીના આશ્રિત એવા નારાયણ પંડિતે, 'પંચતંત્ર'ને આધારગ્રંથ તરીકે રાખીને 'હિતોપદેશ'ની રચના કરી હતી. તેમણે પોતાનું મૌલિક ઉમેરણ કરવા છતાં, 'પંચતંત્ર'ની શૈલીમાં જ પશુપક્ષીઓની વાર્તાઓ રજૂ કરીને, જીવનબોધ માટે 'હિતોપદેશ'નું પ્રગટીકરણ કર્યું હતું. 'હિતોપદેશ' વિશેના અધિકરણમાં પ્ર.ઉ.શાસ્ત્રી લખે છે : "સુદર્શન નામના પાટલીપુત્રના રાજા પોતાના અભણ અને અવળે રસ્તે જનારા રાજકુમારોને રાજનીતિ અને વ્યવહારનું શિક્ષણ આપવા પંડિતોની સભા ભરી પ્રસ્તાવ મૂકે છે. તેથી વિષ્ણુશર્મા નામના પંડિત રાજકુમારોને જે પશુપક્ષીઓની વાર્તાઓ કહી છ માસમાં રાજનીતિ અને જીવનવ્યવહારમાં નિપુણ બનાવે છે તે વાર્તાઓનો સંગ્રહ-ગ્રંથ તે આ 'હિતોપદેશ' છે." (ઠાકર (સં.), ૨૦૦૯, પૃ.૨૮૦) આજની પેઢી બગડી ગઈ છે એવી ફરિયાદ રહેતી હોય તો, પ્રત્યેક શિક્ષકે વિષ્ણુશર્મા પંડિત બનીને જીવનસાર આપતું લોકશિક્ષણ કરવું જ રહ્યું. વિષ્ણુશર્માની પાસે માત્ર છ માસ જ હતા, આપણી પાસે તો વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક વર્ષ માટે તો આવે જ છે!
.................................................................................................................................
સાભાર સંદર્ભ-સૂચિ
કારાણી,દુલેરાય(૧૯૭૬).સાર્થ કચ્છી કહેવતો.અમદાવાદ : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ.
ઠાકર,ધીરુભાઈ(સં.)(૨૦૦૯).ગુજરાતી વિશ્વકોષ : ખંડ-૨૫. અમદાવાદ : ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ.
ઠાકર,ધીરુભાઈ(સં.)(૧૯૯૧).ગુજરાતી વિશ્વકોષ : ખંડ-03. અમદાવાદ : ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ.
ગાંધી,મોહનદાસ કરમચંદ(૨૦૧૦). સત્યના પ્રયોગો અથવા આત્મકથા.અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.
વસીલી,સુખોમ્લીન્સ્કી(૧૯૮૫).દિલ મેં દીધું બાળકોને(અનુવાદ - અતુલ સવાણી).મોસ્કો : પ્રગતિ પ્રકાશન.
.................................................................................................................................
સૌજન્ય :
'આદિત્ય કિરણ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃષ્ઠ : ૨૪-૨૫
* પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2014 અને માર્ચ-એપ્રિલ, 2014 ; અંક : 15, પૃષ્ઠ : 31-34