Sunday, March 31, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 15



અંગ્રેજી : " Mother, please give me a cup of tea to drink."
ગુજરાતી : " બા, ચા પા. "

ભાષાની મજા, મજાની ભાષા - 225



ગામથી નિશાળ દૂર હતી.

ગામઠી નિશાળ દૂર હતી. (?!)


ભાષાની મજા, મજાની ભાષા - 224



માણસ સજ્જન હોય પછી એને 'સજ્જન માણસ' શું કામ કહેવો?!


ભાષાની મજા, મજાની ભાષા - 223



ચકો (ડાળી ઉપરથી) : તું મારામાં છે ને ?
ચકી (શરમાતાં-શરમાતાં) : હું તારામાં જ છું!

તા.ક. : ચકો 'ળ' નો 'ર' બોલતો હતો! 

ભાષાની મજા, મજાની ભાષા - 222



' ન કાઢો રોજેરોજ એનો એ જ બળાપો,
ઈશ્વરને એટલું જ કહો કે, બળ આપો! '


ભાષાની મજા, મજાની ભાષા - 221


'જયારે' નહીં, પણ 'જ્યારે' લખવું.

અંગ્રેજી ભાષા, દેશી મજા : 14



BB : BD PY K?
YD : A CY GY K?!


ભાષાની મજા, મજાની ભાષા - 220



'અધ્ધર' અને 'સધ્ધર'માં પહેલાં અડધો 'ધ' અને પછી આખો 'ધ' એમ કુલ દોઢ 'ધ' આવશે.


ભાષાની મજા, મજાની ભાષા - 219



સારો 'વ્યવહાર' કરો, પણ ખરાબ 'વ્યહવાર' નહીં!


ભાષાની મજા, મજાની ભાષા - 218



'લીમડી ગામે ગાડી મલી'
ઉપરનું વાક્ય ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ એકસરખું વાંચી શકાય છે! એટલું તપાસી લેવું કે આપણે ટિકિટ લીધી છે કે નહીં!


ભાષાની મજા, મજાની ભાષા - 217



નિયમિત ન હોય એને અનિયમિત કહેવાય.
યોગ્ય ન હોય એને અયોગ્ય કહેવાય.
નેક ન હોય એને અનેક કહેવાય?
હા, આ દુનિયામાં નેક ન હોય તેવા અનેક હોય છે!



ભાષાની મજા, મજાની ભાષા - 216



'સબ કા માલિક એક હૈ'

'શબ કા માલિક કોઈ નહિ હૈ'

અંગ્રેજી ભાષા, દેશી મજા : 13



'પ્રેમજી'નું અંગ્રેજી ભાષાંતર 'લવજી' કરાય?!


ભાષાની મજા, મજાની ભાષા - 215



'ચગળવું' અને 'ગળચવું' અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 214



તમે જંગલમાં શું જોયું?
'પાંડા' કે ' પાડાં?!

ભાષાની મજા, મજાની ભાષા - 213



" ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં "
" ભૂલો ભલે બીજું બધું, મા     બાપને ભૂલશો નહીં "(!)



ભાષાની મજા, મજાની ભાષા - 212



'ભાંજગડ' કરવાનું પસંદ કરશો કે 'ગડભાંજ' કરવાનું?!


ભાષાની મજા, મજાની ભાષા - 211



એ અભિનેતાનું નામ 'કમલ હસન' છે કે 'કમલ હાસન'?!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 12



'Nowhere' or 'Now here'?!  

ભાષાની મજા, મજાની ભાષા - 210

સાચી જોડણી કઈ?  :


પિયુષ

પીયુષ

પિયૂષ

પીયૂષ

ભાષાની મજા, મજાની ભાષા - 209

અદાલતોમાં રોજેરોજ આવતા ચુકાદાને 'શકવર્તી' ચુકાદા ન કહેવાય!


ભાષાની મજા, મજાની ભાષા - 208

'ગઢિયા' અટક હોય છે, 'ગઠિયા' ચાલાક હોય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 207


તમારી પાસે પ્રમાણપત્ર છે, પણ પ્રણામપત્ર છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 206


'બાળ કથાઓ' કહેવા માટે પહેલાં 'બાળક થાઓ' !


અંગ્રેજી ભાષા, દેશી મજા : 11

અંગ્રેજી શબ્દ 'Education'માંથી બીજા કેટલા શબ્દો બનાવી શકાય? 

એક વાત યાદ રાખવી કે જે શબ્દ બનાવો તે શબ્દ અંગ્રેજી ભાષામાં અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ! 

ભાષાની મજા, મજાની ભાષા - 205


'સતાધાર' અને 'સત્તાધાર' અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 204


આપણે તરણેતર જોયું છે, પણ તાજેતર નથી જોયું!

નવાઈની વાત તો એ છે કે તરણેતરમાં મેળો જ ભરાય છે અને તે પણ વર્ષમાં કેવળ એક જ વખત.જયારે, તાજેતર તો છાપાંમાં રોજેરોજ ચમકે છે! જુઓને, તાજેતરમાં મોસમ બદલાય છે ને સત્તાપક્ષને અપાતા ટેકા પણ બદલાય છે!તાજેતરમાં મોંઘવારી વધે છે ને આતંકવાદ પણ વકરે છે!

બધું તાજેતરમાં જ થતું હોય તો આ ગામની મુલાકાત વેળાસર લેવા જેવી ખરી!

ભાષાની મજા, મજાની ભાષા - 203


આપણા રાષ્ટ્રીય શાયરનું નામ ઝવેરચંદ્ર મેઘાણી નહીં, પણ ઝવેરચંદ મેઘાણી છે!

ભાષાની મજા, મજાની ભાષા - 202


'સરકસ' અને 'સરઘસ' ભિન્ન અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 201


યાદ રાખો :

સુરેશ એટલે ઇંદ્ર

સરેશ એટલે હાડ-ચામમાંથી મળતો  ચીકણો પદાર્થ

અંગ્રેજી ભાષા, દેશી મજા : 10


આ રહ્યો અંગ્રેજી ભાષાનો લાંબો શબ્દ :

Pneumonoultramicroscopicsilicovolcanoconiosis

આ શબ્દમાં 45 મૂળાક્ષરો છે. આ એક રોગનું નામ છે.

આ શબ્દને યાદ રાખવા માટે એના આ પ્રમાણે ભાગ પાડો :

Pneumono ultra microscopic silico volcano coniosis 

ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલિકો વોલ્કેનો કોનિઓસિસ 

Saturday, March 30, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 200

'swimming-pool'ને ગુજરાતીમાં 'તરણ-હોજ' કહીએ તો તરવાની મજા ઓછી ન થઈ જાય!


ભાષાની મજા, મજાની ભાષા - 199


'આંખે ઊડીને વળગવું' કે 'ઊડીને આંખે વળગવું'?!

ભાષાની મજા, મજાની ભાષા - 198

ચૂંટણીમાં જેમના મતદારોની હાર જોવા મળે તેની જીત થાય છે!
ચૂંટણીમાં જે ઉમેદવારની જીત થાય છે તેને હાર પ્રાપ્ત થાય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 197


'પ્રતિમા' અને 'પ્રતિભા' અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 196


શાક વધારે મીઠું લાગે છે.
શાકમાં વધારે મીઠું લાગે છે!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 09



થાક લાગે ત્યારે શરીર જાણે ફાટી ગયું હોય તેવું લાગે છે? શરીરમાં થાક જ એટલો હોય કે 'ફાટી ગયું'ની જગ્યાએ 'ફાટી ગ્યુ' એમ માંડ બોલી શકાય! 'ફાટી ગ્યુ' ને અંગ્રેજીમાં 'fati gue' એમ લખી શકાય. આમ, 'થાક' માટેનો અંગ્રેજી શબ્દ એટલે 'fatigue'! 

ભાષાની મજા, મજાની ભાષા - 195



તસવીર : મયૂર 


તસવીર : મયૂર 
                                     

આ ભાઈએ એમની પાઘડી મને પા ઘડી પહેરવા આપી છે!

ભાષાની મજા, મજાની ભાષા - 194

તમે 'ન કરી વાતો' કે પછી થઈ 'નકરી વાતો'?!


ભાષાની મજા, મજાની ભાષા - 193


કોઈની 'બે ઘડી' રાહ જોવી એટલે કુલ કેટલી મિનિટ રાહ જોવી?!

ભાષાની મજા, મજાની ભાષા - 192


'ઉપેક્ષા' થશે તો ઓછા દુઃખી  થશો, 'અપેક્ષા' રાખશો તો વધારે દુઃખી થશો !

કાનૂની ચેતવણી : આ અવતરણ અમે પોતે જાતે અમારી પોતાની જાતમહેનતથી સ્વબળે બનાવ્યું છે.આ સુવાક્યને હરીન્દ્ર દવેના નામે ટાંકનાર( કે ટાંકનારી !) સામે અમે ફાયદેસરનાં પગલાં ભરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાનો પ્રયાસ કરીશું! 

ભાષાની મજા, મજાની ભાષા - 191


'વહેંચવું' અને 'વેચવું' અલગ-અલગ અર્થ ધરાવે છે!

અંગ્રેજી ભાષા, દેશી મજા : 08

'Einstein' : આ નામની જોડણી(spelling)  આ રીતે યાદ રાખી શકાય :

Ein
st
ein

આ વિજ્ઞાનીમાં પારમિતા(Excellence) હતી.આથી આ નામમાં 'E'નો પ્રવેશ (in) સૌથી પહેલો થાય! ધ્યાનમાં રાખો કે, આ નામના પહેલા ત્રણ (ein) અને છેલ્લા ત્રણ અક્ષરો (ein) એકસરખા છે. આ વિચાર અમને એસ.ટી. બસની મુસાફરી દરમ્યાન આવ્યો હતો. આથી, આ નામની વચ્ચે st લખવાનું કેવી રીતે ભુલાય?!

ભાષાની મજા, મજાની ભાષા - 190


આ તસવીરમાં સૌથી પહેલાં સુશીલ દોશી જણાય છે.
આ તસવીરમાં સૌથી પહેલાં સુશીલ દોષી જણાય છે. (!)

ભાષાની મજા, મજાની ભાષા - 189


એમના માનમાં  કાર્યક્રમ હતો.

કે 

એમના મનમાં  કાર્યક્રમ હતો. (!)

ભાષાની મજા, મજાની ભાષા - 188


'સુનવણી' નહીં, 'સુનાવણી' કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 187


નક્શામાં જોયું, ન કશામાં જોયું!

ભાષાની મજા, મજાની ભાષા - 186




'વિચારવું' અને 'વિચરવું' ભિન્ન અર્થ ધરાવે છે!

Friday, March 29, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 07



'Bureau' શબ્દ યાદ રાખવો અઘરો લાગે છે? અહીં બતાવેલી યુક્તિ અજમાવી જુઓ.

'Bureau' શબ્દને નીચે પ્રમાણે તોડી નાખો!

'Bu' ('બુ')

'rea' ('રી')

'u' ('યુ')

હવે, ગુજરાતીમાં 'બુરીયુ' એટલું જ યાદ રાખશો એટલે 'Bureau' યાદ રહી જશે!


ભાષાની મજા, મજાની ભાષા - 185



હાસ્ય મોટું હોય પણ સ્મિત નાનું જ કરવાનું હોય.
આથી, 'સ્મિત'માં નાની એટલે કે  હ્રસ્વ 'ઇ' જ આવે! 

ભાષાની મજા, મજાની ભાષા - 184



'રાણી' અને 'રાની' ભિન્ન અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 183



દુનિયામાં પ્રદૂષણ વધતું જ જાય છે.
આથી, 'પ્રદૂષણ'માં દીર્ઘ 'ઊ' આવે! 

ભાષાની મજા, મજાની ભાષા - 182



છોકરી છોકરાને દિલથી ચાહે છે. 
છોકરો છોકરીને ડિલથી ચાહે છે. (!) 

ભાષાની મજા, મજાની ભાષા - 181



લખવામાં થોડીક જ ગફલત કરશો તો એક 'અટક' આખો 'સંપ્રદાય' બની જશે! 

માન્યામાં ન આવતું હોય તો આ બન્ને શબ્દો ધ્યાનથી જુઓ :   

'પ્રજાપતિ' અને 'પ્રજાપિતા' ! 

Thursday, March 28, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 06



નીચેનું અંગ્રેજી વાક્ય ધ્યાનથી વાંચો : 

'no snow on son'

આ વાક્ય તમે આગળથી અને પાછળથી એ જ અક્ષર-ક્રમમાં વાંચી શકશો.
અંગ્રેજી ભાષામાં આવા બીજા શબ્દો કે વાક્યો શોધી કાઢો.


ભાષાની મજા, મજાની ભાષા - 180



'નવજીવન' શબ્દ આગળથી અને પાછળથી પણ એકસરખો વંચાય છે.
ગુજરાતી ભાષામાં કે મલયાલમ ભાષામાં આવા બીજા શબ્દો શોધી કાઢો!

ભાષાની મજા, મજાની ભાષા - 179



'દ્રાર' નહીં પણ 'દ્વાર' ખોલો!

ભાષાની મજા, મજાની ભાષા - 178



મોટા ભાગે 'પતિ-પત્ની' એમ જ બોલાય છે, 'પત્ની-પતિ' એમ નથી બોલાતું.

આટલું યાદ રાખીએ તો,

આગળના શબ્દ એટલે કે 'પતિ'માં આગળની 'ઇ' એટલે કે હ્રસ્વ 'ઇ' કરવી.
પાછળના શબ્દ એટલે કે 'પત્ની'માં પાછળની 'ઈ' એટલે કે દીર્ઘ 'ઈ' કરવી!

ભાષાની મજા, મજાની ભાષા - 177



નીચેનાં બન્ને વાક્યો જુદા-જુદા અર્થ ધરાવે છે?! 

તેમ ના કહેવાથી ન ગયો.

તેમના કહેવાથી ન ગયો.

ભાષાની મજા, મજાની ભાષા - 176



આમ ન લખો : 'હું શાળા માં ગયો.'

આમ જ લખો : 'હું શાળામાં ગયો.'  

Wednesday, March 27, 2013

Tuesday, March 26, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 175



'અંજળ'માં 'અન્ન' અને 'જળ' બન્ને આવી જાય છે.આથી, 'અંજળપાણી' એવો શબ્દ-પ્રયોગ કરીને 'પાણી'નો બગાડ કરવો નહીં! 


ભાષાની મજા, મજાની ભાષા - 174



તમે 'સ્વાગતમ' લખશો તો પૂરતું ગણાશે.
'સુસ્વાગતમ' લખશો તો વધુપડતું ગણાશે!

ભાષાની મજા, મજાની ભાષા - 173


એક સમાચારનું શીર્ષક આ મુજબ છે :  

બ્રિટનના 97% ડૉક્ટરો બિનજરૂરી દવા લખે છે 

હવે પદક્રમના બદલાવની મજા માણો :    

97% બ્રિટનના ડૉક્ટરો બિનજરૂરી દવા લખે છે 
બ્રિટનના ડૉક્ટરો 97% બિનજરૂરી દવા લખે છે
બ્રિટનના ડૉક્ટરો બિનજરૂરી 97% દવા લખે છે 
બ્રિટનના ડૉક્ટરો બિનજરૂરી દવા 97% લખે છે 

ભાષાની મજા, મજાની ભાષા - 172



'પોલીસ' અને 'પોલિશ' ભિન્ન અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 171


'તમે કામવાળા બહેનને શું આપ્યું?'
'વઘારેલી ખીચડી' કે 'વધારેલી ખીચડી'?!

Monday, March 25, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 04



અંગ્રેજી ભાષામાં 'dialogue' એક એવો શબ્દ છે જેમાં પાંચેપાંચ સ્વર ઓછામાં ઓછી એક વાર આવે છે. તમે આવો બીજો એક શબ્દ શોધી કાઢો તો તમારું શિક્ષણ સાચું થયું છે એવું કહી શકાય!


ભાષાની મજા, મજાની ભાષા - 170


'શીલા' અને 'શિલા' સાવ જ ભિન્ન અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 169



શ્રદ્ધાળુઓએ ડાકોરની પદયાત્રા પગે ચાલીને કરી.

ઉપરના વાક્યમાંથી બિનજરૂરી શબ્દો કાઢી નાખો :

શ્રદ્ધાળુઓએ ડાકોરની પદયાત્રા કરી.



ભાષાની મજા, મજાની ભાષા - 168


ગાંધીજીએ પોતે જાતે એમની પોતાની આત્મકથામાં એ પ્રસંગ લખ્યો છે.

ઉપરના વાક્યમાંથી બિનજરૂરી શબ્દો કાઢી નાખો :  

ગાંધીજીએ આત્મકથામાં એ પ્રસંગ લખ્યો છે. 



ભાષાની મજા, મજાની ભાષા - 167


કોઈ અતિ સ્વરૂપવાન છોકરી એના મિત્રને પત્ર લખે તો એ પત્રને 'પરીપત્ર' કહી શકાય. બાકી, સરકારમાં તો કર્મચારીઓના ભાગે 'પરિપત્ર' જ વાંચવાના આવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 166


આ 'રવાનગી વિભાગ' છે, 'બેવાનગી વિભાગ' નથી!


Sunday, March 24, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 03


થોડીક જ ભૂલ થશે તો 'lemon juice'ની જગ્યાએ 'melon juice' પીવો પડશે!


ભાષાની મજા, મજાની ભાષા - 165


'એચ.આઈ.વી. વાયરસ' જેવું કશું હોતું નથી. હા, સાવધાની ન રાખો તો તમે 'એચ.આઈ.વી.' કે 'એચ.આઈ.વાયરસ'નો શિકાર બની શકો છે!

ભાષાની મજા, મજાની ભાષા - 164


'સૌથી ફાસ્ટેસ્ટ' નહીં પણ 'ફાસ્ટેસ્ટ' કે 'સૌથી ફાસ્ટ' દોડો તો વિજેતા થઈ શકો. પરંતુ, 'સૌથી ઝડપી' દોડો તો વધારે સારું!


ભાષાની મજા, મજાની ભાષા - 163


ગમે તેવો ભયાનક અકસ્માત થાય તો પણ 'બ્લડિંગ' ક્યારેય ન થાય. હા, 'બ્લીડિંગ' થાય ખરું?!


ભાષાની મજા, મજાની ભાષા - 162


'ઋષિ' અને 'રૂસી' અલગ-અલગ અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 161


'રુષિ' કે 'રૂષિ' કરતાં 'ઋષિ' શબ્દ વધારે પ્રભાવશાળી લાગે છે.કારણ કે, 'ઋષિ'માં જે '' છે તેમાં ઋષિની શિખા દેખાય છે!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 02

Feedback 

ઉપરના શબ્દમાં 'એ'થી માંડીને 'એફ' સુધીના મૂળાક્ષરો આવે છે.તમારા ધ્યાનમાં કોઈ એવો શબ્દ હોય કે જેમાં 'એફ'થી પણ આગળ જવાતું હોય તો જણાવશો?!  


ભાષાની મજા, મજાની ભાષા - 160


પડતર શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપતા શિક્ષણ-મંત્રી

શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપતા શિક્ષણ-મંત્રી

શિક્ષકોના પ્રશ્નોના પડતર ઉકેલ માટે ખાતરી આપતા શિક્ષણ-મંત્રી

શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે પડતર ખાતરી આપતા શિક્ષણ-મંત્રી

શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી પડતર આપતા શિક્ષણ-મંત્રી

શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપતા પડતર શિક્ષણ-મંત્રી

ઉપરનાં છ શીર્ષકોમાં કયું શીર્ષક સાચું છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 159


'અંગદ' એટલે વાલીનો પુત્ર.

પરંતુ,

'અગદ' એટલે 'દવા'.

આપણે યાદ રાખીએ કે, સંસ્કૃતમાં રોગ કે માંદગી માટે 'ગદ' શબ્દ વપરાય છે.



ભાષાની મજા, મજાની ભાષા - 158



'લોંગ જંપ' એટલે 'લાંબો કૂદકો'. 'લોંગ જંપ' માટે ગુજરાતીમાં 'હનુમાન કૂદકો' એવો શબ્દપ્રયોગ પણ થાય છે.

'હાઈ જંપ' એટલે 'ઊંચો કૂદકો'. આચાર્ય કાકાસાહેબ કાલેલકરે 'હાઈ જંપ'નું ભાષાંતર 'અંગદ કૂદકો' કર્યું હતું !


ભાષાની મજા, મજાની ભાષા - 157


આપણે 'કર' ભરીએ કે 'વેરો' ભરીએ પણ 'કરવેરા' શું કામ ભરીએ?!


ભાષાની મજા, મજાની ભાષા - 156


કયા ઋષિ સાચા?!

અગસ્ય

અગત્ય

અગત્સય

અગસ્તય

અગસ્ત્ય

અગત્સ્ય


અંગ્રેજી ભાષા, દેશી મજા : 01


The quick brown foxes jumped over the lazy dog.

ઉપરના એક જ વાક્યમાં આખી એબીસીડી એટલે કે, 'એ'થી માંડીને છેક 'ઝેડ' સુધીના તમામ અંગ્રેજી મૂળાક્ષરો ઓછામાં ઓછી એક વાર તો આવી જાય છે ! આપના ધ્યાનમાં આવું કોઈ વાક્ય હોય તો બે નકલમાં જાણ કરશો ! 


ભાષાની મજા, મજાની ભાષા - 155



જીવનમાં સમયની 'અગત્યતા' છે જ નહીં. હા, જીવનમાં સમયની 'અગત્ય' છે ખરી!


ભાષાની મજા, મજાની ભાષા - 154


દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ  'અશ્વત્થામા' હતું અને એક હાથીનું નામ પણ 'અશ્વત્થામા' હતું.

તમારા સિવાયના મોટા ભાગના લોકો 'અશ્વસ્થામા' એવો ઉચ્ચાર કરે છે. આથી યુધિષ્ઠિરને પૂછ્યા વગર એમનો ઉચ્ચાર સુધારીને 'અશ્વત્થામા' કરવો!



ભાષાની મજા, મજાની ભાષા - 153



દાક્તરે શું કાઢવાનું કહ્યું?
'પિત્તાશય' કે 'પિતાશય' ?!


ભાષાની મજા, મજાની ભાષા - 152



છૂટા માગો તો 'પાનસો' રૂપિયાના નહીં, પણ 'પાંચસો' રૂપિયાના માગો!


ભાષાની મજા, મજાની ભાષા - 151


આ બેમાંથી સાચું વાક્ય કયું?

આજે સોમાભાઈ સોમાં વર્ષમાં પ્રવેશ્યા.

આજે સોમાભાઈ સોમા વર્ષમાં પ્રવેશ્યા.


Friday, March 22, 2013

રંગલા સાથે રંગત

જયંતિ પટેલ 'રંગલો' (૨૪-૦૫-૧૯૨૪થી ૨૬-૦૫-૨૦૧૯)

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

જયંતિ પટેલ સાથેની યાદગાર મુલાકાત (૨૧-૦૩-૨૦૧૩) નિમિત્તે આ તસવીર લેવાની તક મળી હતી.

ભાષાની મજા, મજાની ભાષા - 150


સમાજમાં કંસ જેવાનો વધ થાય ત્યારે કંસ જેવાનો વધ કરે એનું નામ કૃષ્ણ!

ભાષાની મજા, મજાની ભાષા - 149


'પ્રસાદ' અને 'પ્રાસાદ' ભિન્ન અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 148

'ળ'ની જગ્યાએ 'ર' બોલીએ ત્યારે કરીશું શું?

'આપણા મિત્રો મળતા રહે તો આપણને ગમે!'

'આપણા મિત્રો મરતા રહે તો આપણને ગમે?'

ભાષાની મજા, મજાની ભાષા - 147


"હું માનવી માનવ થાઉં તો સારું"
"હું મા નવી મા નવ થાઉં તો સારું"(!)

ભાષાની મજા, મજાની ભાષા - 146


અંગ્રેજી 'ડેરી' બહુ વિશાળ હોય તો એને 'ડેરો' ન કહેવાય ! વળી, 'ડેરો' શબ્દ ગુજરાતી ભાષામાં સાવ જુદો જ અર્થ ધરાવે છે!


નિમંત્રણ : બિંદી શેઠની તસવીરોનું પ્રદર્શન



ભાષાની મજા, મજાની ભાષા - 145


'દેરી' ગુજરાતીમાં અને 'દેરી' હિંદીમાં અલગ-અલગ થાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 144


'જાગૃત' થાવ તો સારું, 'જાગ્રત' થાવ તો વધારે સારું!

ભાષાની મજા, મજાની ભાષા - 143


'ભવન' અને 'ભુવન' અલગ-અલગ અર્થ ધરાવે છે!


Thursday, March 21, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 142


અમદાવાદ મહાનગર પરિવહન સેવાની બસમાં સૂચના લખી હોય કે, 'તરવા માટે આગળ જાવ.' એક દિવસ આપણે કાંકરિયા જવા માટેની મૂલ્ય-પત્રિકા(ટિકિટ) લીધી. આપણું ધ્યાન એ સૂચના ઉપર પડ્યું. કોઈએ પહેલા શબ્દનો પહેલો અક્ષર 'ઊ' ભૂંસી  નાખ્યો હતો. એટલે સૂચના આ પ્રમાણે વાંચવામાં આવી : 'તરવા માટે આગળ જાવ.' આપણા ચિત્ત ઉપર ચિંતાએ ચઢાઈ કરી દીધી. કારણ કે આપણને તરતાં આવડતું નહોતું અને આપણે કાંકરિયા સિવાય ક્યાંય જવું નહોતું!


ભાષાની મજા, મજાની ભાષા - 141



'કાંકરિયા' અને 'કાંકરીઆ' બન્ને  જોડણી બરાબર છે?! 


ભાષાની મજા, મજાની ભાષા - 140



'સમિતિ' નાની જ રાખવી! આથી, તમામ 'ઇ' હૃસ્વ રાખવાનું યાદ રાખવું! 

ભાષાની મજા, મજાની ભાષા - 139


'ક્વાટર્સ' નહીં, પણ 'ક્વાર્ટર્સ' લખવું!

ભાષાની મજા, મજાની ભાષા - 138


'રો હાઉસ' (row house) અને 'ર્રા હાઉસ' (raw house)  અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 137



'વિમાની સેવા' અને 'વીમાની સેવા' અલગ-અલગ અર્થ ધરાવે છે!



ભાષાની મજા, મજાની ભાષા - 136



'નડિયાદ' અને 'નડીઆદ' બન્ને સાચા છે?!  

Wednesday, March 20, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 135


" રાધામાં કેટલા કાના હોય? "

" બે. "
" ખોટું. "

" એક. "
" સાચું. "

તા.ક. : " રાધામાં એક જ કાનો હોય! "


ભાષાની મજા, મજાની ભાષા - 134



'પ્રેમજી'નું અંગ્રેજી ભાષાંતર 'લવજી' ન કરાય! 


ભાષાની મજા, મજાની ભાષા - 133




'લતા' અને 'લત્તા' અલગ-અલગ અર્થ ધરાવે છે!



ભાષાની મજા, મજાની ભાષા - 132



'ફેક્ચર' નહીં, પણ 'ફ્રેક્ચર' થાય!


ભાષાની મજા, મજાની ભાષા - 131



જીવન હોય કે જોડણી, આપણે 'શુધ્ધતા'નો નહીં 'શુદ્ધતા'નો આગ્રહ રાખીએ અને રખાવીએ !

ભાષાની મજા, મજાની ભાષા - 130


સ્ત્રીઓએ ક્યારેય 'સ્લીવલેસ બાંય'નું કુરતું ન જ પહેરવું.

તેમણે 'સ્લીવલેસ' કુરતું પહેરવું અથવા 'બાંયવિહીન કુરતું' પહેરવું! 


ભાષાની મજા, મજાની ભાષા - 129


'શતાયુ' એટલે જ 'સો વર્ષનું', તો પછી 'શતાયુ વર્ષ' એવો શબ્દ-પ્રયોગ ન કરો તો સારું!


ભાષાની મજા, મજાની ભાષા - 128



'પશ્વિમ' દિશા જેવું કાંઈ  નથી.
હા, 'ઉત્તર'ની સામે હોય છે તે 'પશ્ચિમ' દિશા છે !


ભાષાની મજા, મજાની ભાષા - 127



અભિષેકની પત્નીને કાગળ લખો તો સંબોધનમાં 'ઐશ્ચર્યા' નહીં, પણ 'ઐશ્વર્યા' લખવું!  


ભાષાની મજા, મજાની ભાષા - 126



ખોટી જોડણી : જયંતિ
સાચી જોડણી : જયંતી



Tuesday, March 19, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 125


સાચી જોડણી કઈ?

નિતિશકુમાર

નિતીશકુમાર

નીતિશકુમાર

નીતીશકુમાર


ભાષાની મજા, મજાની ભાષા - 124




પ્રવર્તમાન રાજકારણીઓ શપથધારક છે કે સપથધારક છે?!





ભાષાની મજા, મજાની ભાષા - 123



વિનોબા કહેતા કે, " જે સરકારી હોય છે તે જ અસરકારી હોય છે! "


ભાષાની મજા, મજાની ભાષા - 122



સાવધ રહીને જુઓ :

" ભેંસને પાડીને દોહી શકાય? "

" ના " (!)

" ભેંસ ને પાડીને દોહી શકાય? "

" ના " (!)


ભાષાની મજા, મજાની ભાષા - 121


" મેં મારી pen તમારા table ઉપર મૂકી હતી."

આ વાક્યને આ પ્રમાણે લખવું વધારે હિતાવહ છે :

" મેં મારી પેન તમારા ટેબલ ઉપર મૂકી હતી."


Monday, March 18, 2013

નિમંત્રણ : આચાર્ય જે. બી. કૃપાલાની વિશે પ્રકાશ ન. શાહનું વ્યાખ્યાન




ભાષાની મજા, મજાની ભાષા - 120



નીચેનાં બન્ને વાક્યો ઝીણવટથી જુઓ :

રામને લક્ષ્મણ સાંભળે છે.

રામ ને લક્ષ્મણ સાંભળે છે. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 119


આ બન્ને જોડણી ખાસ યાદ રાખો :

'વિદ્યાર્થી'
અને
'વિદ્યાર્થિની'

કારણ કે, જેમ 'વિદ્યાર્થી' લખીએ તેમ 'વિદ્યાર્થીની' ન લખાય!


ભાષાની મજા, મજાની ભાષા - 118



'બસ્ટ' અને 'બર્સ્ટ' અલગ-અલગ અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 117

'ળ'ની જગ્યાએ 'ર' બોલો અને જંગલના રાજા વિશે ગેરસમજ ફેલાવો :

સિંહનું મોં ચળકતું હતું.

સિંહનું મોં ચરકતું હતું. (!)


Sunday, March 17, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 116


'ર' અને 'ળ' વચ્ચેનો ભેદ ધ્યાનમાં રાખો :

કબૂતરોનું ટોળું જાર જોઈને આવે.

કબૂતરોનું ટોળું જાળ જોઈને આવે. (?!)


ભાષાની મજા, મજાની ભાષા - 115


'ચિત્તો' અને 'દીપડો' ભિન્ન છે!

ભારતનાં જંગલોમાંથી ચિત્તો પકડવાનો ગમે તેટલો પ્રયાસ કરશો તોપણ સફળતા નહીં મળે!


ભાષાની મજા, મજાની ભાષા - 114


'સુખ'માં વચ્ચે આંસુ ના આવે.

પણ,

'દુઃખ'માં વચ્ચે આંસુ આવે પણ ખરાં!


ભાષાની મજા, મજાની ભાષા - 113


મોટા ભાગનાં માતા-પિતાને એવું ગમે કે પોતાનાં ઘરમાં બે જવાબદાર સંતાનો હોય.

મોટા ભાગનાં માતા-પિતાને એવું ગમે કે પોતાનાં ઘરમાં બેજવાબદાર સંતાનો હોય. (?!)


ભાષાની મજા, મજાની ભાષા - 112


'ધ' અને 'ઢ'નો ઉપયોગ કરો ત્યારે ધ્યાનમાં રાખો :   

'રાંધવું' હોય તો કૂવામાંથી પાણી કાઢી શકાય.

'રાંઢવું' હોય તો કૂવામાંથી પાણી કાઢી શકાય.


ભાષાની મજા, મજાની ભાષા - 111


મિત્રો મારે પણ છે અને મિત્રો તારે પણ છે.
મિત્રો મારે પણ છે અને મિત્રો તારે પણ છે.

ભાષાની મજા, મજાની ભાષા - 110


'ફોકસ' અને 'ફોક્સ' અલગ-અલગ અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 109


સાચો  શબ્દ-પ્રયોગ કયો?
'ગાળો પડ્યો' કે 'ગાળો પડી'?
બંને શબ્દ-પ્રયોગ સાચા છે!


ભાષાની મજા, મજાની ભાષા - 108


'મગજ'(brain) અને 'મન'(mind) ભિન્ન છે!

Friday, March 15, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 107


આજે મસ્તક-પરમ મિત્ર અને પુસ્તક-પરબ મિત્ર સંજય શ્રીપાદ ભાવે ઘરે મળવા આવ્યા. તેમણે  ગ્રંથ-વાચન ચર્ચા દરમ્યાન એવું જણાવ્યું કે, અંગ્રેજી શબ્દ 'પ્રૂફ રીડર' માટે મરાઠી ભાષામાં 'મુદ્રિત શોધક' શબ્દ પ્રચલિત છે. આવો સુંદર શબ્દ સાંભળીને મજા પડી ગઈ. મોડી સાંજ મોડી-મોડી પણ સુધરી ગઈ!

Thursday, March 14, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 106



'રુલર' બોલનાર 'શાસક' જણાશે!
'રુરલ' બોલનાર 'ગ્રામીણ' જણાશે!



ભાષાની મજા, મજાની ભાષા - 105


સાચો  શબ્દ-પ્રયોગ કયો?

'સવાર પડી' કે 'સવાર પડ્યો'? 

બંને શબ્દ-પ્રયોગ સાચા છે!


Wednesday, March 13, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 104



' તેઓ ગરમીની રજાઓમાં પ્રવાસ દરમ્યાન, કચ્છનાં છેવાડાનાં ગામડાંમાં ઠેર ઠેર કરા જોવા પામ્યા એ માન્યામાં આવતું નથી! '

ઉપરનું વાક્ય બોલનાર વ્યક્તિ 'ળ'નો 'ર' બોલતી હતી એટલી બાબત ધ્યાનમાં રાખીને ઉપરનું વાક્ય નીચે પ્રમાણે સાંભળવું! :     

' તેઓ ગરમીની રજાઓમાં પ્રવાસ દરમ્યાન, કચ્છનાં છેવાડાનાં ગામડાંમાં ઠેર ઠેર કળા જોવા પામ્યા એ માન્યામાં આવતું નથી! '


ભાષાની મજા, મજાની ભાષા - 103



નીચેનાં બંને સમાચાર-શીર્ષકો ધ્યાનથી વાંચો : 

કારમાં અકસ્માતમાં ચાલકનું મૃત્યુ

કારમા અકસ્માતમાં ચાલકનું મૃત્યુ 


Tuesday, March 12, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 102



'શ્રીધર' અને 'શ્રીઘર' અલગ-અલગ અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 101



'આતંકવાદ'નો વિરોધ કરો, 'આંતકવાદ'નો પણ વિરોધ કરો!


ભાષાની મજા, મજાની ભાષા - 100


સાચી જોડણી કઈ? :

શારિરિક
શારીરીક
શારિરીક
શારીરિક

ઉપરોક્ત ચારે જોડણીમાં કેવળ 'શારીરિક'માં જ દીર્ઘ 'ઈ' અને હૃસ્વ 'ઇ' જોડમાં અને બાજુ-બાજુમાં ગોઠવાયેલી છે એવું યાદ રાખીને છેલ્લી જોડણી યાદ રાખવી! 

ભાષાની મજા, મજાની ભાષા - 99



રિક્ષાની પાછળ લખેલું વાક્ય :
માતા-પિતાને મોટા ભાઈના આશીર્વાદ

શું આ સાચું હશે?!
ના... નાના ભાઈ... ના... !


ભાષાની મજા, મજાની ભાષા - 98



ખોટો શબ્દ-પ્રયોગ :
અગિયારમાં પાંચ કમ બાકી છે.

સાચો શબ્દ-પ્રયોગ :
અગિયારમાં પાંચ બાકી છે.
અથવા
અગિયારમાં પાંચ કમ છે.


ભાષાની મજા, મજાની ભાષા - 97


'૬૦'ને શબ્દમાં 'સાહીઠ' કે 'સાઇઠ' એમ ના બોલાય કે લખાય.
'સાઠ' એ સાચો શબ્દ છે.

Monday, March 11, 2013

My experiments with words // Dr. Ashwinkumar


* A discussion followed by tea is 'Teascussion'.

* If someone invites you for a cup of tea, you have to accept 'inviTEAtion'.

* 'hariTREEage' 

શબ્દો સાથેના મારા પ્રયોગો // ડૉ. અશ્વિનકુમાર


* સમર્થ સર્જક ર. વ. દેસાઈએ ‘ગ્રામલક્ષ્મી’ શબ્દને લોકપ્રિય કર્યો. અમે ભેંસ માટે ‘શ્યામલક્ષ્મી’ શબ્દને ચલણી બનાવવા માટે અખિલ ભારતીય સ્તરે પ્રયત્ન કરીશું.

ઉત્તરાયણ વખતે ગળું ન કપાય તે માટે ચાલકો વાહનમાં સળિયો નખાવે છે. પતંગપર્વ આસપાસ થતી 'ગળાકાપ' સ્પર્ધામાં ઊંધા 'યુ' આકારનો સળિયો જીવનદાયી સાબિત થાય છે. આપણે આ સળિયાને 'ડોક-રક્ષક' કે 'દોરી-દૂરક્ષ' જેવું નામ આપી શકીએ. જોકે, આનો આકાર ઊલિયા જેવો છે. પણ મધ્યમવર્ગના માનવીના ઊલિયા કરતાં લગભગ દશ ગણું મોટું માપ ધરાવતા આ સળિયાને 'રાવણ-ઊલિયું' કહી શકાય! દશાનન આ સળિયાથી ઊલ ઉતારતો હોય એવું દૃશ્ય કલ્પી જુઓ તો 'રાવણ-ઊલિયું' શબ્દ સાર્થક જણાશે.

* છ અક્ષરના અટપટા 'ચિકુનગુનિયા' શબ્દ સામે, નડે નહીં એવો છ અક્ષરનો સ્થાનિક શબ્દ 'સર્વસાંધાશૂળ' આપી શકાય.

* ચંદ્રકાન્ત મહેતા પૂર્વ-તૈયારી અને પૂર્ણ-તૈયારી કરીને જ વર્ગમાં આવે. તેમનું વ્યાખ્યાન નબળું ન હોય અને તેઓ કોઈના વિશે નબળું બોલે નહીં. તેમની પાસે અસ્ખલિત વાક્ધારા અને અદ્દભુત ભાષાપ્રવાહ છે. તેઓ ગુજરાતી ભાષામાં માંડણી કરે અને હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષામાં છાંટણી પણ કરે. અવતરણો અને ઉદાહરણોનો છૂટથી ઉપયોગ કરે. ઉપમા-અલંકાર ઊભાં કરે અને શબ્દપ્રાસ બેસાડે. રમૂજ કરી જાણે અને ગાંભીર્ય જાળવી રાખે. તેઓ હળવું વાતાવરણ ચોક્કસ ઊભું કરે પણ તેમને કોઈ હળવાશથી લે એવું ન બને. તેમના વર્ગમાં ટાંકણીપાત-શ્રવણક્ષમ શાન્તિ (પિનડ્રોપ સાયલન્સ) છવાયેલી રહે! મહેતાસાહેબની ઉચ્ચારશુદ્ધિ ઊડીને કાનને વળગે અને આચારશુદ્ધિ ઊઠીને હૃદયને સ્પર્શે.

* કોઈ માણસ પૂરેપૂરો ગુજરાતી હોઈ શકે, પરંતુ આપણે ત્યાં એકમાત્ર કાકા જ 'સવાઈ ગુજરાતી' હતા. કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) નામના ગદ્યપુરુષે ગુજરાતી ભાષા માટે નવા-નવા શબ્દોના દાગીના ઘડ્યા છે. કાકાસાહેબની ગેરહાજરીમાં, અમે ભદ્રંભદ્રીય શૈલીમાં 'એપ્રિલફૂલ' માટે 'અંગ્રેજીચતુર્થમાસારંભમૂરખદિન' જેવો શબ્દપ્રયોગ કરવાનું જોખમ વહોરીએ છીએ. કાકાના જમાનામાં પણ તારીખિયાના દટ્ટામાં પહેલી એપ્રિલનું પાનું ફરફર થતું હતું. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કહેતા કે, એપ્રિલફૂલની મજાક સ્વદેશી નથી, પણ વિલાયતથી આવેલી છે.

* પ્રશ્નાર્થ વાક્ય પૂરું કરતાંની સાથે મેં ઘટ્ટહાસ્ય કર્યું.

ભાષાની મજા, મજાની ભાષા - 96



'પૂરી' ખાવા માટે હોય, 'પુરી' રહેવા માટે હોય!


ભાષાની મજા, મજાની ભાષા - 95



તેઓ નાની ઉંમરે પીતા થયા. 

તેઓ નાની ઉંમરે પિતા થયા. 

તા.ક. : તેઓની બંને વિગતો ચિંતાજનક છે!


ભાષાની મજા, મજાની ભાષા - 94



શરીરમાં ચાર અક્ષરનું કયું અંગ છે કે જે કાના, માત્રા, હૃસ્વ ઇ/ઉ, દીર્ઘ ઈ/ઊ, અનુસ્વારથી મુક્ત છે?

ગ 
ર 
દ 
ન 


ભાષાની મજા, મજાની ભાષા - 93



'આશીર્વાદ' દીર્ઘ જ હોય!


ભાષાની મજા, મજાની ભાષા - 92



કોઈ શબ્દમાં 'શ', 'સ' અને 'ષ' આવતા હોય તેવો એક શબ્દ છે : 'પ્રકાશસંશ્લેષણ'.

'શ', 'સ' અને 'ષ'નાં અક્ષરભેદ અને ઉચ્ચારશુદ્ધિ માટે 'પ્રકાશસંશ્લેષણ' શબ્દ સતત બોલવો અને સાંભળવો!


ભાષાની મજા, મજાની ભાષા - 91


ખોટી 'પ્રસંશા' નહીં, પણ સાચી 'પ્રશંસા' કરો!


ભાષાની મજા, મજાની ભાષા - 90


ભલે બીજાં બધાં 'ગાજવીજ' લખે, પણ વિજ્ઞાનના જાણકારોએ 'વીજગાજ' લખવું!


ભાષાની મજા, મજાની ભાષા - 89


'બેન' નહીં પણ 'બહેન' લખો તો સારું.


ભાષાની મજા, મજાની ભાષા - 88



'શરતચૂક' અને 'સરતચૂક' ભિન્ન છે?!

તમે 'શરતચૂક' કરો છો કે 'સરતચૂક'?!


ભાષાની મજા, મજાની ભાષા - 87


એને પણ કોઈ ગમ તો હોઈ શકે.


એને પણ કોઈ ગમતો હોઈ શકે. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 86


'મેજીસ્ટ્રેટ' નહીં, પણ 'મેજિસ્ટ્રેટ' લખો.


આજે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનાં દોઢસો વર્ષ પૂરાં થયાં


મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા( 11-03-1863)ને સાર્ધ-શતાબ્દીની શુભેચ્છાઓ!


ભાષાની મજા, મજાની ભાષા - 85


'કમિશ્નર' કે 'કમિશનર'?

'કમિશનર' જ તો વળી!

નોંધ : 'કમિશનર' એટલે 'કમિશનર'. અહીં કશું 'અડધું' રખાય જ નહીં! 'શ' પણ નહીં!


ભાષાની મજા, મજાની ભાષા - 84


'જીલ્લો' કે 'જિલ્લો'?!

ભાષાની મજા, મજાની ભાષા - 83


ગુજરાતીમાં 'સૂચના' એટલે 'સૂચવવું તે'. 'સૂચના' શબ્દ 'ઇશારો' કે 'ચેતવણી'ના અર્થમાં પણ વપરાય છે.

હિન્દીમાં 'સૂચના' એટલે 'માહિતી'.

હિન્દીમાં 'સૂચના કા અધિકાર' એટલે ગુજરાતીમાં 'માહિતીનો અધિકાર'.

કેવળ સૂચના જ આપવાનો અધિકાર ભોગવતા કેટલાક લોકો હવે અન્ય લોકોને માહિતીનો અધિકાર આપશે?!


ભાષાની મજા, મજાની ભાષા - 82



'ઘ'ની જગ્યાએ ભૂલથી 'ધ' છપાઈ જાય તો શું થાય? :

'ઘનશ્યામ' એટલે 'મેઘ જેવું કાળું'. 'ઘનશ્યામ' એટલે 'કૃષ્ણ'.

'ધનશ્યામ' એટલે 'કાળું નાણું'!


ભાષાની મજા, મજાની ભાષા - 81


'૧લી માર્ચ' એમ લખશો તો કોઈ 'એકલી માર્ચ' એમ વાંચશે!
આથી, '૧લી માર્ચ'ની જગ્યાએ 'પહેલી માર્ચ' એમ લખો તો સારું.


ધીર-ગંભીર નહીં, પણ રુધિરગંભીર મિત્ર




રક્તમિત્ર બિનીત મોદી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠની વ્યાયામશાળામાં, દસમી માર્ચ, બે હજાર તેરના દિવસે

ધીર-ગંભીર નહીં, પણ રુધિરગંભીર મિત્ર બિનીત મોદીનું એકસો એકમું રક્તદાન

ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ, બિનીતભાઈનું સજ્જડ સામાજિક ઉત્તરદાયિત્વ

એમનું પહેલું રક્તદાન ગૂજરાત વિદ્યાપીઠમાં, 1987માં
એકસો એકમું રક્તદાન ગૂજરાત વિદ્યાપીઠમાં, 2013માં



પચીસ વર્ષથી ચાલતી સ્વૈચ્છિક છતાં નિયમિત રક્તદાન પ્રવૃત્તિ

(બિનીત) મોદી, તમે ખરેખર ગુજરાતનું નહીં, ગુજરાતનું ખરેખર ગૌરવ છો! 


Saturday, March 9, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 78


'સ્રોત' અને 'સ્તોત્ર' અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 77



'અહીં' અને 'અહિ' અલગ-અલગ અર્થ ધરાવે છે!

મને અહીં અહિ નથી એ જાણીને હવે ડર નથી લાગતો.
કારણ કે, 'અહીં' એટલે આ સ્થળે અને 'અહિ' એટલે સાપ!


ભાષાની મજા, મજાની ભાષા - 76


'ગણપતિ માગે જનોઈનો જોટો, મહાદેવ કહે મને પાણીનો લોટો'

( શિવલિંગ ઉપર કેવળ એક જ લોટો જળ ચઢાવીએ એટલે ભગવાન શિવજી રાજીરાજી થઈ જાય એવી શ્રદ્ધામાંથી અવતરણ પામેલી, જૂના જમાનાના શિવ-ભક્તો દ્વારા વપરાતી કહેવત!)


ભાષાની મજા, મજાની ભાષા - 75


'અભિભૂત'ના બે અર્થ છે : (૧) હારેલું (૨) અપમાનિત 

આપ કયા અર્થમાં અભિભૂત થવાનું પસંદ કરશો?!

ભાષાની મજા, મજાની ભાષા - 74



'સંબધ' નહીં, 'સબંધ' નહીં, પણ 'સંબંધ' જ.

'સંબંધ'માં બે અનુસ્વારો વચ્ચે સંબંધ છે એમ માનવું!   


ભાષાની મજા, મજાની ભાષા - 73



'મા' અને 'માં' ભિન્ન છે!

ભાષાની મજા, મજાની ભાષા - 72



'ઇનામ' બહુ નાની બાબત છે એટલે નાનો 'ઇ' કરવાનું યાદ રાખવું!


ભાષાની મજા, મજાની ભાષા - 71



'ઈમાન' બહુ મોટો ગુણ છે એટલે મોટો 'ઈ' કરવાનું યાદ રાખવું!


ભાષાની મજા, મજાની ભાષા - 70


ચોક્કસ ઊપડે છે : આ ઉનાળામાં પ્રવાસ માટે ક્યાં જવું છે? : 'મનાલી' કે 'મનીલા'?

અગત્યની સૂચના : 'મનાલી' કરતાં 'મનીલા'ના પ્રવાસ માટે વધારે જથ્થામાં સુખડી-પૂરી-શક્કરપારા, અથાણાં-થેપલાં-ખાખરા  લઈને આવવું! 

Friday, March 8, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 69



'નમર્દ' અને 'નર્મદ' ભિન્ન છે !

ભાષાની મજા, મજાની ભાષા - 68


સારા અક્ષરોમાં લખેલાં આ બન્ને વાક્યો ધ્યાનથી વાંચો : 

"બાળકોને વન્ય પ્રાણીઓ જોવાની મજા પડે છે. એમાં પણ ગીરના જંગલમાં સાવ જ નજીકથી જોવા મળે તો એ અનુભવ યાદગાર બની જાય!" 

"બાળકોને વન્ય પ્રાણીઓ જોવાની મજા પડે છે. એમાં પણ ગીરના જંગલમાં સાવજ નજીકથી જોવા મળે તો એ અનુભવ યાદગાર બની જાય! " 

આ બન્ને વાક્યો એકસરખાં લાગતાં ન હોય તો તમારા નસીબ અને લાગતાં હોય તો અમારા નસીબ!

ભાષાની મજા, મજાની ભાષા - 67



ખોટી જોડણી : પૃથ્થકરણ 

સાચી જોડણી : પૃથક્કરણ 


ભાષાની મજા, મજાની ભાષા - 66


સાચો શબ્દ 'ચિન્હ' નહીં પણ 'ચિહ્ન' છે!


આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ...


દીકરી વહાલનો દરિયો : દીકરી વહાલનો વિડિયો

                                                                    
                                                                     વીજાણુ-સામગ્રી સૌજન્ય : ડિઝની 

Tuesday, March 5, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 65


'પાટણ' અને 'પટણા' :

આ બે શબ્દો એક સરખી જગ્યા રોકે છે, પરંતુ કેવળ એકમાત્ર કાનો બે અક્ષર જેટલું ચાલ્યા પછી ઊભો રહી જાય તો શહેરો પણ બદલાય જાય અને રાજ્યો પણ બદલાય જાય!

ભાષાની મજા, મજાની ભાષા - 64

'ગજની ઘોડી ને સવા ગજનું ભાથું'

(ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગઈ કાલે વિધાનસભાની ચર્ચા દરમ્યાન ખપમાં લીધેલી સૌરાષ્ટ્રની તળપદી કહેવત)

ભાષાની મજા, મજાની ભાષા - 63


'વીરાંગના' અને 'વારાંગના' અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 62


માત્ર એક જ માત્રાનો ફેરફાર કરી જુઓ :

સૌ સારાં વાનાં થશે.
સો સારાં વાનાં થશે.

ભાષાની મજા, મજાની ભાષા - 61



'એમ્પાયર' અને 'અમ્પાયર' અલગ-અલગ અર્થ ધરાવે છે!



ભાષાની મજા, મજાની ભાષા - 60



સરેરાશ વાચકના હૃદયમાં 'રૂધિર' અને 'રક્ત' કરતાં 'લોહી' સહેલાઈથી ફરે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 59


લગ્ન પહેલાં 'ગ્રહશાંતિ' કરાવો એટલે લગ્ન પછી 'ગૃહશાંતિ' થાય જ એની કોઈ ખાતરી નહીં!


ભાષાની મજા, મજાની ભાષા - 58




'પાણીગ્રહણ' અને 'પાણિગ્રહણ' અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 57



'પ્રતીક્ષા' દીર્ઘ જ હોય!



ભાષાની મજા, મજાની ભાષા - 56



પાણીની અગત્ય જાણનાર વ્યક્તિ આ પ્રમાણે કહેશે : 'જળ એ જ જીવન'.
'ળ'નો 'ર' બોલનાર વ્યક્તિ એને આ પ્રમાણે વાંચશે : 'જર એ જ જીવન'. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 55



'ગ' અને 'ઘ'ની મજા જુઓ :

જે વિદ્યાર્થી ગેરહાજર હોય એ ઘેરહાજર જ હોય એવું જરૂરી નથી!


ભાષાની મજા, મજાની ભાષા - 54



રવિ+ઇન્દ્ર = 'રવિન્દ્ર' નહીં પણ 'રવીન્દ્ર' થાય. 


ભાષાની મજા, મજાની ભાષા - 53



ખોટી જોડણી : જીતેન્દ્ર

સાચી જોડણી : જિતેન્દ્ર



ભાષાની મજા, મજાની ભાષા - 52



બે અક્ષર વચ્ચે જગ્યા છોડવામાં બહુ ઉદાર બનશો તો જય શ્રીરામ લાલવાણી નામના છોકરાનું પિતૃ-નામ અને અટક જ નહીં તેની જાતિ પણ બદલાઈ જશે!

વિશ્વાસ ન આવતો હોય તો આ બંને નામ વાંચો :

જય શ્રીરામ લાલવાણી
જયશ્રી રામલાલ વાણી


ભાષાની મજા, મજાની ભાષા - 51


લોચાવાળો આવી ગયો.

લો, ચાવાળો આવી ગયો.

ભાષાની મજા, મજાની ભાષા - 49


'દિવ્યાંગ તમારો છોકરો છે?' 

'તમારો છોકરો દિવ્યાંગ છે?'

ભાષાની મજા, મજાની ભાષા - 50


'મુળ' નહીં પણ 'મૂળ' લખો. તમે જોઈ શકો છો કે, 'મુળ' કરતાં 'મૂળ' જમીનમાં વધુ ઊંડું જવા માટે સમર્થ છે!


ભાષાની મજા, મજાની ભાષા - 48


દવાખાનામાં જાવ ત્યારે એમ ચોખ્ખું પૂછવું કે, "દાક્તરસાહેબ આવ્યા છે?"
મહેરબાની કરીને એવો નબળો શબ્દ-ઉચ્ચાર ન કરવો કે, "દાક્તરસાહેબ આયા છે?" (!)


ભાષાની મજા, મજાની ભાષા - 47


સાચો શબ્દ 'જરાસંઘ' નહીં પણ 'જરાસંધ' છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 46


'આયોજન' અને 'પ્રયોજન' અલગ-અલગ અર્થ ધરાવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 45


'વિરાસત' અને 'રિયાસત' ભિન્ન છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 44


'શંકર' અને 'સંકર' અલગ-અલગ અર્થ ધરાવે છે!


Sunday, March 3, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 43


ગેરસમજ અને ગોટાળો ટાળવા '2'ને ગુજરાતી ભાષામાં લખો ત્યારે 'બે' એમ શબ્દમાં લખો, 'ર' એમ આંકડામાં નહીં. આ જ રીતે,  'પાંચ' એમ શબ્દમાં લખો, '૫' એમ આંકડામાં નહીં. 

* માર્ગ-અકસ્માતમાં પ ડોશીઓનાં મોત, બાકીની ર ઘવાઈ

કોઈ વાચક આ સમાચાર ઉતાવળે આમ પણ વાંચી શકે :
માર્ગ-અકસ્માતમાં પડોશીઓનાં મોત, બાકીની રઘવાઈ (!)


ભાષાની મજા, મજાની ભાષા - 42


વાંચતી વખતે યાદ રાખો :

અહિંસા પરમો ધર્મ છે, બાવનમો ધર્મ નહીં!


Saturday, March 2, 2013

ગાંધીજી કહે છે : જિંદગીની હાજતો વિશે


" જિંદગીની હાજતો નિત્ય વધારતો માણસ આચારવિચારમાં પાછો પડતો જોવામાં આવે છે. "

- ગાંધીજી 

સેવાગ્રામ, ઓક્ટોબર ૯, ૧૯૪૦

'હરિજનબંધુ', ૧૨-૧૦-૧૯૪૦


ભાષાની મજા, મજાની ભાષા - 41


એકથી વધુ ઝાડ ઉગાવશો તો ગમશે પણ 'ઝાડ'નું બહુવચન ના કરો તો સારું!


Friday, March 1, 2013

હાઈકુ : ભર ઉનાળે


ભર ઉનાળે,
મજૂરે તગારામાં
ઊંચક્યો સૂર્ય

                        - અશ્વિનકુમાર 

હાઈકુ : આગળ


ખૂબ આગળ
વધી ગયો, પાછળ
કોઈ નહોતું

                            - અશ્વિનકુમાર


હાઈકુ : હૈયું


હૈયું ફંફોસ્યું
ને મળી ડાબા હાથે
મૂકેલી યાદ
                        
                            - અશ્વિનકુમાર 

હાઈકુ : ઠસોઠસ


સ્વપ્નાં સંઘર્યાં
ઠસોઠસ, નયનો
નમ્યાં ભારથી 

                       - અશ્વિનકુમાર


હાઈકુ : મોતી


શ્રમરૂપે આ
ભાલે ચળક્યાં, મોતી
ખારાં પાણીનાં  

                               - અશ્વિનકુમાર 

હાઈકુ : પીંછું


મેઘધનુષ
વિખેરાયું ને હસ્યું
મોરનું પીંછું

                         - અશ્વિનકુમાર

હાઈકુ : તરાપો


તરાપો પડ્યો
હોડીના પ્રેમમાં, શું
ડૂબવા માટે?

                           - અશ્વિનકુમાર

હાઈકુ : સાગર


સાગર આપે
મીઠું બધાંને, મોતી
મરજીવાને

                            - અશ્વિનકુમાર

હાઈકુ : કૂવો


કૂવો રડે છે
ચોધાર આંસુઓએ,
પાણી વગર 
               
                             - અશ્વિનકુમાર 

હાઈકુ : રાતરાણી


અંધારું ઓઢી
રાતરાણી નીકળે
ખુશ્બુ વહેંચે

                        - અશ્વિનકુમાર

હાઈકુ : સૂરજ


સૂરજ ડૂબ્યો
દરિયાના પેટમાં,
આગ ઠારવા

                         - અશ્વિનકુમાર


હાઈકુ : માળો


પક્ષી સજાવે
ચાડિયાના છોગામાં
પોતાનો માળો

                              - અશ્વિનકુમાર

હાઈકુ : હસ્તરેખાઓ


લાગ્યો મેંદીનો
રંગ, ઢંકાઈ ગઈ
હસ્તરેખાઓ   

                       - અશ્વિનકુમાર

હાઈકુ : કિનારો


ભરતી-ઓટ
પ્રમાણે અનુકૂળ
થાય કિનારો
                     
                       - અશ્વિનકુમાર

હાઈકુ : દીવાલો


કરોળિયાની
જાળના તાંતણે જ
ટકી દીવાલો 
 
                           - અશ્વિનકુમાર

હાઈકુ : હીંચકો


હીંચકો સ્થિર
થઈ ગયો, વિચાર 
હજુય ઝૂલે  

                          - અશ્વિનકુમાર

હાઈકુ : ચોપાટ


પાસાં તો ફેંક્યાં
સીધાં, પણ અવળી
થઈ ચોપાટ
                           
                             - અશ્વિનકુમાર

હાઈકુ : " હે! રામ"


ત્રણ ગોળીના
જવાબના અક્ષરો
ત્રણ, " હે! રામ"

                          - અશ્વિનકુમાર

હાઈકુ : ખાદી


વસ્ત્ર નહીં, એ
તો ત્વચા હતી : ખાદી,
ગાંધીને મન 

                                 - અશ્વિનકુમાર

હાઈકુ : મોહનદાસ


મોહનદાસ :
નામ નહીં, ઘટના
સુવર્ણાક્ષરી  

                          - અશ્વિનકુમાર

હાઈકુ : ગાંધીજી


સૌરાષ્ટ્રના જ
નહીં, ગાંધીજી હતા
સહુ રાષ્ટ્રના  

                            - અશ્વિનકુમાર


હાઈકુ : પોતડી


ટૂંકી પોતડી
પહેરી પોતે, લાજ
દેશની રાખી
 
                          - અશ્વિનકુમાર


હાઈકુ : ગાંધી


ગાડીમાંથી જે
ફેંકાયા, ઠેરઠેર 
ઝિલાયા ગાંધી

                      - અશ્વિનકુમાર

હાઈકુ : પાદુકા


ભરતે મૂકી
પાદુકા; સિંહાસને
નહીં, હૈયામાં  

                          - અશ્વિનકુમાર 

હાઈકુ : કવિ


અક્ષરો ગણી
હાઈકુના, કવિને
આવ્યો મોતિયો

                       - અશ્વિનકુમાર


હાઈકુ : પનિહારી


પનિહારીના
ભાલેથી કૂવો ખેંચે  
પ્રસ્વેદબુંદ

                          - અશ્વિનકુમાર


હાઈકુ : શ્રમ


શેરડી નહીં,
શ્રમ પણ પિસાય
સંચા અંદર

                         - અશ્વિનકુમાર


હાઈકુ : કારણ


સઘળું સ્પષ્ટ,
આ જ કારણ હતું
ગૂંચવાડાનું

                        - અશ્વિનકુમાર 

હાઈકુ : ડગ


અડગ ડગ
માંડ્યાં મેં, રસ્તો પણ
ચાલ્યો સાથમાં

                               - અશ્વિનકુમાર


હાઈકુ : સમય


ન રહ્યું ભાન
સમયને, હું થઈ
ગયો પસાર

                       - અશ્વિનકુમાર 

હાઈકુ : આગિયા


પ્રકાશ ઓઢી
સૂર્યનો, રાત્રે વટ
પાડે આગિયા   

                        - અશ્વિનકુમાર

હાઈકુ : કુટુંબનિયોજન


હાઈકુ પાળે
કુટુંબનિયોજન,
ત્રણ લીટીનું

                      - અશ્વિનકુમાર 

હાઈકુ : કાંકરો


કોણે ફેંક્યો એ
કાંકરો, અટકતાં
નથી વમળો

                       - અશ્વિનકુમાર 

હાઈકુ : મોઢું


આખરે મોઢું
એમનું ખુલ્યું, પણ
બગાસારૂપે

                           - અશ્વિનકુમાર 

હાઈકુ : ધોરણો


જીભનાં હવે
ધોરણો કથળ્યાં, એ
જ સ્વાદ છતાં

                            - અશ્વિનકુમાર

હાઈકુ : ચાબખા


સારથિધર્મ
તે નિભાવ્યો, અશ્વની
પીઠે ચાબખા

                               - અશ્વિનકુમાર 

હાઈકુ : પગલાં


સાચવી રાખ્યાં
દરિયાકિનારાએ,
એનાં પગલાં

                         - અશ્વિનકુમાર 

હાઈકુ : સમુદ્રમંથન


કરી રહ્યો છું
હું સમુદ્રમંથન,
ખાબોચિયામાં
                   
                     - અશ્વિનકુમાર

હાઈકુ : છાપું


છાપું ખાધું ને
ગાયને થઈ ગઈ
કબજિયાત

                        - અશ્વિનકુમાર 

હાઈકુ : તોરણ


આંખે તોરણ
આંસુનું, હૃદયની
જાણ બહાર

                         - અશ્વિનકુમાર

હાઈકુ : બરફવાળો


બરફવાળો
નીતરી રહ્યો, લારી
ખેંચી ખેંચીને


                            - અશ્વિનકુમાર 

હાઈકુ : મરચાં વેચનારી


કેવી મીઠી છે
જબાન, એ મરચાં
વેચનારીની

                           - અશ્વિનકુમાર 

વાત ઊમરા નજીકના ઊમરાની !


સજ્જડ થડ : એક ઝાડનું, બીજું જીવનનું !
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 

સોનલ : ઊમરાની નજીક, ઊમરાની પાસે
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 


અમે ઘરના ઊમરા(ઊમર,ઉંબર,ઉંબરો)થી સાવ નજીકના અંતરે ઊમરાનો એક  છોડ વાવ્યો હતો. આ વૃક્ષ 'ઊમરો' ઉપરાંત 'ઉમરડો' કે 'ઉંબર' જેવા નામથી પણ ઓળખાય છે. ઘણાં વર્ષોથી એના ઉપર પક્ષીઓ બેસે છે, થોડાંક વર્ષોથી એના ઉપર ફળ બેસે છે. પક્ષીઓને ઊમરા ખાવાની મજા પડે છે, આપણને તસવીરો પાડવાની મજા પડે છે.

ભાષાની મજા, મજાની ભાષા - 40


'Municipality'ની સાચી જોડણી આ પ્રમાણે યાદ રાખવી : મ્યુનિસિપાલિટી'

ભાષાની મજા, મજાની ભાષા - 39


'University'ની સાચી જોડણી આ પ્રમાણે યાદ રાખવી : 'યુનિવર્સિટી'


ભાષાની મજા, મજાની ભાષા - 38


'Harvard'ની સાચી જોડણી આ પ્રમાણે યાદ રાખવી : 'હાર્વર્ડ'


ભાષાની મજા, મજાની ભાષા - 37


'Media'ની સાચી જોડણી આ પ્રમાણે યાદ રાખવી : 'મીડિયા'