Showing posts with label Gandhi - Kasturba Gandhi. Show all posts
Showing posts with label Gandhi - Kasturba Gandhi. Show all posts

Sunday, October 30, 2022

બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી : બાપુ

'પતિપત્ની વિષેના સંબંધની બાબત મારા વિચારોમાં ફેર પડ્યો છે ખરો. જે રીતે હું બા તરફ વર્ત્યો તે રીતે તમે કોઈ તમારી પત્નીઓ તરફ ન વર્તો એમ ઇચ્છું ખરો. મારી સખ્તીથી બાએ કાંઈ ખોયું નથી કેમ કે બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તો હતાં જ. તેને હું ઊંચે ચડેલી જોવા ઇચ્છતો હતો. છતાં બા મને નહોતી વઢી શકતી. હું વઢી શકતો હતો. બાને મેં અમલમાં મારા જ જેટલા અધિકાર નહોતા આપ્યા. અને બામાં બિચારીમાં તે લેવાની શક્તિ ન હતી. હિંદુ સ્ત્રીઓમાં એ શક્તિ હોતી જ નથી. એ હિંદુ સમાજની ખામી છે. ... એકબીજાંનો પ્રેમ દંપતીને પાપમાંથી ભલે ઉગારે, ડર કદી નહીં. આ શિક્ષણ આપવાનું હું આશ્રમમાં જ શીખ્યો. બાના પ્રત્યેનું મારું સાબરમતીનું વર્તન ઉત્તરોત્તર આવું થતું ગયું છે. તેથી બા ચઢી છે. આગળનો ડર હજી સાવ નહીં ગયો હોય. પણ ઘણો ગયો છે. મનમાં પણ બાના પ્રત્યે ખીજ ચઢે છે તો મારા પ્રત્યે ખીજ કાઢું છું. ખીજનું મૂળ મોહ છે. મારામાં આ ફેરફાર થયો છે તે મહત્ત્વનો છે અને તેનાં સુંદર પરિણામો આવ્યાં છે. મારો પ્રેમ હજુ નિર્મળ થતો જશે તો જ પરિણામો વધારે સુંદર થશે. અસંખ્ય સ્ત્રીઓ મારો વિશ્વાસ સહેજે કરે છે. તેનું કારણ મારો પ્રેમ અને આદર છે એવો મને વિશ્વાસ છે. એ ગુણ અદૃશ્ય રીતે કામ કર્યાં જ કરે છે.'

રામદાસ ગાંધીને પત્ર
11-08-1932

મહાદેવભાઈની ડાયરી,
પુસ્તક પહેલું, પૃષ્ઠ : ૩૫૫-૭

બાએ આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધો છે : બાપુ

' ... હમણાં મારી ટપાલ બહુ અવ્યવસ્થિત થઈ છે. ખૂબ ચક્કર ખાઈને આવે છે. છતાં મળે છે એટલું જ ગનીમત કહીએ. કેદીને શા હક છે? કેદનો અર્થ જ હકનો અભાવ. કેદને વિશે આ સમજ હોવાથી મન સ્વસ્થ રાખી શકાય છે. મળવાનું પણ તેમ જ છે. મહાદેવને ઘણે ભાગે મળી શકીશ. પણ તું ધારે છે એમ ટાઇમટેબલ ન બનાવી શકાય. કાં તો ન મળવાનું જોખમ ઉઠાવવું, અથવા મળવાનો લોભ જ છોડી દેવો. તને અને લક્ષ્મીને મળી શક્યો હોત તો રાજી થાત. પણ મેં લીધેલું પગલું બરોબર જ લાગે છે. વધારેમાં વધારે આઘાત બાને પહોંચશે. પણ તેણે તો આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધો છે. મારી સાથે સંબંધ રાખનાર કે બાંધનાર બધાને આકરી કિંમત તો આપવી જ પડે છે. બાને સૌથી વધારે આપવી પડી છે, એમ કહી શકાય. એટલો સંતોષ મને છે કે તેમાં બાએ ખોયું નથી.'

દેવદાસ ગાંધીને પત્ર
જુલાઇ ૧૭, ૧૯૩૨

ગાં.અ. - 50:244

બાપુના મતે બાનો સૌથી મોટો ગુણ : બહાદુરી

વલ્લભભાઈ : "બાનું તો કોઈને પણ લાગે તેમ છે. બા તો અહિંસાની મૂર્તિ છે. એવી અહિંસાની છાપ મેં બીજી કોઈ સ્ત્રીના મુખ ઉપર જોઈ નથી. એમની અપાર નમ્રતા, એમની સરળતા, કોઈને પણ હેરત પમાડે તેવાં છે."
બાપુ : "સાચી વાત છે વલ્લભભાઈ. પણ મને બાનો સૌથી મોટો ગુણ એની હિંમત અને બહાદુરી લાગે છે. એ આડાઈ કરે, ક્રોધ કરે, અદેખાઈ કરે. પણ એ બધું જાણ્યા પછી આખરે દક્ષિણ આફ્રિકાથી આજ સુધીની એની કારકિર્દી લઈએ તો એની બહાદુરી શેષ રહે છે."

31-3-1932

MD:01:66