Showing posts with label Diary. Show all posts
Showing posts with label Diary. Show all posts

Wednesday, October 1, 2025

વાસરી વિશે કાકાસાહેબ કાલેલકર


રોજની નોંધ રાત્રે જ લખવી જોઈએ. જેમ આત્મકથા ઉત્તરવયમાં લખાય તેમ દિવસ ઘરડો થયો હોય, અને દિવસનું કામ પૂરું થયું હોય, ત્યારે જ વૃત્તિ અંતર્મુખ થાય છે, અને અનુભવ લિપિબદ્ધ કરવાનું મન થાય છે. પ્રભાત શોધક હોય છે, બપોર પુરુષાર્થી હોય છે, સંધ્યાકાળ આનંદમય હોય છે અને સૂવાનો વખત સંસ્મરણપ્રધાન હોય છે. એ જ વખત રોજનીશી લખવાને લાયક છે. ઊંઘ, વિસ્મૃતિની સાવરણી લઈને મનોભૂમિને સાફ કરે છે, અને નવા દિવસ માટે નવી તાજગી અર્પે છે. પછી ઘરડા થઈને પૂર્વદિવસનું લખવા બેસવું એ શક્ય હોય તોય અનુચિત છે.

કાલેલકર ગ્રંથાવલિ : તેરમો ભાગ વાસરી-૧, પૃષ્ઠ : ૧૯

Tuesday, November 1, 2022

બા બાપુને પૂછવા લાગ્યાં ...

૩૦ એપ્રિલ, ૧૯૪૩

ડૉ. ગિલ્ડરને ઘેરથી કેરીનું પારસલ આવ્યું. આજે તેમના લગ્નની ૨૯મી વરસગાંઠ છે. એ સાંભળી બા બાપુને પૂછવા લાગ્યાં, "આપણા લગ્નને કેટલાં વરસ થયાં હશે...?" બાપુ મજાક કરવા લાગ્યા, “બાને પણ પોતાના લગ્નનો દિવસ ઊજવવો હોય એમ લાગે છે?" અમે લોકો ખૂબ હસ્યાં.

બાપુના કારાવાસની કહાણી
(આગાખાન મહેલમાં એકવીસ માસ)
લેખક : સુશીલા નય્યર
અનુવાદક : મણીભાઈ ભ. દેસાઈ
નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
પહેલી આવૃત્તિ, ૧૯૫૦
પૃષ્ઠ : ૩૨૪

Wednesday, December 11, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


સૂર્યોદય જોવા મેં બાપુજીને પથારીમાંથી ઉઠાડ્યા અને પછી અમે જે આનંદ લૂંટ્યો તે અવર્ણનીય છે. આશ્રમ અને વિદ્યાપીઠ વિશે બાપુજીએ તે દિવસે મારી આગળ દિલ ખોલીને વાતો કરી. ... 

Tuesday, December 10, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


આજકાલ વિદ્યાપીઠની ભવિષ્યની રૂપરેખા ખૂબ દોરું છું. દરેક સંસ્થાના સંચાલક જો બધી વિગતો પોતાના સાથીઓ આગળ ચીતરતા અને ચર્ચાતા રહે તો સંસ્થાની પરંપરા નિર્વિઘ્ને ટકે અને વધે. 

Monday, December 9, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારા જીવનમાં મેં જે થોડીક મહત્વની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેમાં મારે મન ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિ સૌથી મહત્વની હતી.

Sunday, December 8, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર

 
પુસ્તકાલય વિશે બાપુજી સાથે વાતો. 
બાપુજીની સૂચના કે આશ્રમવાસીઓ પોતાના કામપૂરતાં પુસ્તકો આશ્રમમાં રાખે. બાકીની આખી લાઇબ્રેરી વિદ્યાપીઠમાં લઈ આવવી જેથી સળંગ એક અને જીવતી લાઇબ્રેરી થાય.


Saturday, December 7, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠની ઉપાસનામાં બહારના લોકો પૂછ્યા વગર આવે છે એ ઠીક નથી. પૂછવા જેટલો વિવેક પણ લોકો પોતાની મેળે કેળવે નહીં એ કેટલું ખરાબ? 

Friday, December 6, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારે હવે નવા યુવાન સેવકોને સાથે લઈને બેસવું જોઈએ. વિદ્યાપીઠનું કામ જેઓ આગળ જતાં કરશે તેમની આગળ મારાં સ્વપ્નાં રજૂ કરી દઉં. એટલે એક મોટું કામ થયું. એને માટે એક દિવસ મુકરર કરી વખત પણ નક્કી કરવો જોઈએ. મંગળવાર એને માટે યોગ્ય લાગે છે. 


Thursday, December 5, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... જવાબદારી નછૂટકે લીધી એ વાત ગમે તેટલી સાચી હોય તોય સમાજ તે માનવાનો નથી. માનવાને બંધાયેલો નથી. મીરાંબહેનને મેં કહ્યું હતું, "આ મુગટ કાંટાનો છે ત્યાં સુધી પહેરીશ. કાંટામાં ગુલાબ ઊગશે - ઊગવા જ જોઈએ, - એટલે એ ઉતારી મૂકીશ."

Wednesday, December 4, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... મારા સ્વપ્નામાં એ નહોતું કે ગુજરાતમાં આવી ગુજરાતની સંસ્થા ચલાવવા માટે ગુજરાતી પ્રજા પાસે હું ભિક્ષા માગીશ. 
એ પણ સારું છે કે ખરચ જોગું જ હું લેતો થયો. પગાર લેવાનું બંધ કર્યું. અને પછી માગતો થયો. હજી પણ મારે મારો ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ. બે ટંક ભોજન અને બે જોડ કપડાં એટલું મળ્યું એટલે બસ.

Tuesday, December 3, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


ભાઈલાલભાઈ કહે છે કે વિદ્યાપીઠના કપાસના છોડ આખા ગુજરાતમાં પહેલે નંબરે આવે એવા છે. આસપાસના ખેડૂતોને બોલાવીને બતાવવા જોઈએ. ઘણાં વરસ સુધી એ અણખેડેલી જમીન હતી એટલે એમાં કસ વધારે હોય જ. અને અમે અમારા છોડ દૂર દૂર વાવેલા.