Showing posts with label Ahmedabad. Show all posts
Showing posts with label Ahmedabad. Show all posts

Wednesday, September 20, 2023

એસ. આર. ભંડારી - એ.એમ.એ. શ્રેષ્ઠ વક્તા પુરસ્કાર 2023






એસ. આર. ભંડારી - એ.એમ.એ. શ્રેષ્ઠ વક્તા પુરસ્કાર 2023

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) વતી, જણાવતાં આનંદ થાય છે કે 'S.R. ભંડારી - AMA શ્રેષ્ઠ વક્તા પુરસ્કાર 2023' આવી રહ્યો છે.

🌟 સ્પર્ધાની વિગતો :

તારીખ : ગુરુવાર, ઓક્ટોબર 12, 2023

સમય : બપોરે 3 વાગ્યાથી

ભાષા : અંગ્રેજી, ગુજરાતી

નોંધણી માટેની છેલ્લી તારીખ : સોમવાર, ઑક્ટોબર 9, 2023

💡 કેવી રીતે ભાગ લેવો:

નીચેની લિંક દ્વારા આપ નોંધણી(રજિસ્ટ્રેશન) કરી શકો : 

https://www.amaindia.org/ama-events-programmes/s-r-bhandari-ama-best-speaker-award-2023/


📞 સંપર્ક કરો:

નોંધણી સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે, પાર્થ ત્રિવેદીનો 6352557625 સંપર્ક કરવા વિનંતી છે.

આજે જ નોંધણી(રજિસ્ટ્રેશન) કરાવો!

Saturday, September 9, 2023

ગાંધીમાર્ગી કેળવણીકાર જશીબહેન નાયકનું ૧૦૫ વર્ષની વયે અવસાન | Gandhian educationist Jashibahen Nayak passes away at the age of 105


જશીબહેન નાયક ૧૦૧મા જન્મદિને / Jashiben Nayak @ 101th Birthday
જન્મ-દિવસ : ૧૮-૧૧-૧૯૧૮ | Birth-Date : 18-11-1918
તસવીર-તારીખ : ૧૮-૧૧-૨૦૧૮ | Photo-Date : 18-11-2018
છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar


જશીબહેન નાયક, કેળવણીકાર
જન્મ-દિવસ : ૧૮-૧૧-૧૯૧૮
નિધન-દિવસ : ૦૭-૦૯-૨૦૨૩

કેળવણીકાર જશીબહેન નાયક ૧૦૫ વર્ષની વયે અવસાન પામ્યાં છે. 

જશીબહેન નાયક ગાંધીજીવી કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં જ્યેષ્ઠ પુત્રી હતાં. તેઓ કેળવણીકાર પદ્મશ્રી ડૉ. રઘુભાઈ નાયકનાં જીવનસાથી હતાં.

જશીબહેન નાયક સરસ્વતી વિદ્યામંડળ, સરસપુર, અમદાવાદનાં પ્રમુખ અને 'ઘરશાળા' શૈક્ષણિક માસિકનાં તંત્રી હતાં.

જશીબહેન એમનાં દીકરા ડૉ. પ્રશાંતભાઈ નાયકની સાથે છેલ્લાં પાંચેક વર્ષથી લિવરપૂલ, લંડન મુકામે સ્થાયી થયાં હતાં. અમને લેખક-પ્રકાશક મિત્ર મનીષ પટેલ દ્વારા જશીબહેનના નિયમિત ખબર-અંતર મળતા રહેતા હતા.

ઈ. સ. ૨૦૧૮માં જશીબહેનની રૂબરૂ મુલાકાત લેવાની તક મળી હતી. એ વખતે તેઓ અમદાવાદના પૉલિટેકનિક વિસ્તારમાં મૈત્રી સોસાયટીમાં રહેતાં હતાં. ત્યાં એમનાં દીકરી ઇરાબહેનને પણ મળવાનું થયું હતું. 

તારીખ ૧૮ નવેમ્બર, ૨૦૧૮ના દિવસે જશીબહેન નાયકે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં ત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી વિદ્યામંડળના પ્રાંગણમાં શતાબ્દી-વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સમગ્ર વિસ્તારમાં શુભેચ્છા-યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સરસ્વતી વિદ્યામંડળના પૂર્વ - વર્તમાન વિદ્યાર્થીઓએ તેમજ નાગરિકોએ ઠેકઠેકાણે તેમનું સન્માન કર્યું હતું. અમને આ સમગ્ર શતાબ્દી-વંદના અને શુભેચ્છા-યાત્રાની તસવીરો લેવાનો અવિસ્મરણીય અવસર મળ્યો હતો.

Monday, June 5, 2023

સ્વામી આનંદ, તોતારામજી, અને સાબરમતી આશ્રમના લીમડા


સ્વામી આનંદ
Courtesy : google image

તોતારામજી
Courtesy : google image 

સાબરમતી આશ્રમ, અમદાવાદ
Courtesy : google image 

"આજે સાબરમતી આશ્રમની જે રોનક છે, તે બધી આશ્રમવિસ્તારમાં થોકેથોક ઊભેલા આ મસ્ત લીમડાઓને આભારી છે. દાયકાઓ વીત્યા અને સૈકા વીત્યે જ્યારે તે કાળના આશ્રમવાસીઓમાંનું બાળક-બૂઢું કોઈ કહેણી કહેવા નહિ રહ્યું હોય, ત્યારેય આ લીમડા ગાંધીજીના સ્થાપેલા સાબરમતી આશ્રમનાં ગૌરવગાન ગાતા હશે.
બસ, એ જ તોતારામજીનું શ્રેષ્ઠ સ્મારક છે."

પુસ્તક : સંતોના અનુજ
લેખક : સ્વામી આનંદ
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
આવૃત્તિ : પ્રથમ, ૧૯૭૧
પુનર્મુદ્રણ વર્ષ : ૨૦૦૧
પૃષ્ઠ : ૫૩

Sunday, March 6, 2022

અમદાવાદમાં અનોખી અભિવ્યક્તિ

 


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

શ્વેતા રાવ ગર્ગ 
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


‘શ્વાસ’ કાર્યક્રમ : વીતેલાં બે વર્ષ વિશે લખવા માટે, ચિત્ર દોરવા માટે ...
- સંજય સ્વાતિ ભાવે

આજે શનિવારે અને આવતી કાલે રવિવારે સાંજે 5.30 થી 8.00 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની સામેની બાજુ આવેલી અમદાવાદની ગુફાના પરિસરમાં એક રસપ્રદ કાર્યક્રમ યોજાયો છે. તેનું નામ ‘શ્વાસ’ છે. તેનું પેટાશીર્ષક છે : ‘ કલા થકી દર્દ, ઉમ્મીદ અને અહેસાનીમાં સામેલગીરી’ ; અંગ્રેજીમાં ‘ An Art Intervention on Loss, Hope and Gratitude’.

પ્રોફેસર શ્વેતા રાવ-ગર્ગે યોજેલી આ ઇવેન્ટનો એકંદર આશય મહામારીએ જગવેલી લાગણીઓની અભિવ્યક્તિને સ્થાન પૂરું પાડવાનો છે.
બિલકુલ મુક્ત પ્રકારની આ ઇવેન્ટમાં મુલાકાતી કેનવાસ પર જે લખવું હોય તે લખી શકે અને દોરવું હોય તે દોરી શકે ; અને આ બંને બાબતો બધાં જોઈ શકે.

ઇવેન્ટમાં આ કેવી રીતે બને છે ? ગુફાના પરિસરમાં પ્રવેશતાં જમણી બાજુ થોડાંક પગથિયાં ચઢતાં ઉપરની બાજુ જાળીવાળા સ્ટૅન્ડ પર મોટાં કેનવાસ લગાવેલાં છે. આ કેનવાસ પર આપણી વાત મૂકવાની. આપણાં માટે કેનવાસની બાજુમાં પેનો, સ્કેચપેનો, રંગીન ચોરસ ચબરખીઓ હોય. ઉઘડી રહેલી વસંતની સાંજ પ્રસન્નતાકારક હોય.

'શ્વાસ' ઉપક્રમનો હેતુ શો ?
કાર્યક્રમના આયોજક પ્રોફેસર શ્વેતા રાવ-ગર્ગ શ્વાસ વિશેની માહિતી નોંધમાં કહે છે : ' વીતેલાં બે વર્ષોમાં આપણાંમાંથી ઘણાંએ પ્રિયજનોને ગુમાવ્યાં છે. દરેકનું દર્દ એનું પોતાનું હોય છે એ ખરું, પણ દર્દનો ઇલાજ એની સહિયારી વાત કરવામાં છે. 'શ્વાસ'માં આપણને આપણી યાદો, અને આપણાંમાંથી હંમેશ માટે ચાલી નીકળેલાં આપણાં વહાલસોયાંનાં સંભારણાંને આપણે કલા થકી અનુભવીશું. 'શ્વાસ' એ કલા થકી એકબીજાના દર્દમાં ભાગીદાર થવાની સહિયારી કોશિશ છે. આ એક એવો કાર્યક્રમ છે કે જેમાં વેદનાથી લઈને આભાર સુધીની આપણી લાગણીઓ આપણે શબ્દોથી કહીએ કે રંગરેખાઓથી આળેખીએ.'

પહેલાં ત્રણ કેનવાસમા માનવીની ચહેરા વિનાની આકૃતિ છે. કાર્યક્રમનો મુલાકાતી તેમાં ગુમાવેલાં સ્વજનોનાં નામ લખી શકે, તેમનો સ્કેચ બનાવી શકે કે તેમને વિશે કંઈ લખી પણ શકે.
પછીનાં બે કૅનવાસનાં મથાળાં છે ' Before I die…' અહીં જીવન દરમિયાનની લાગણીઓ અને આકાંક્ષાઓ વિશે ચૉક વડે લખાણ લખી શકાય, અથવા ચિત્રો દોરી શકાય. આ પ્રકારના કેનવાસની પરિકલ્પના કૅન્ડી ચાન્ગ નામના અમેરિકન કલાકાર, ડિઝાઇનર અને અર્બન પ્લાનરની છે. તેમના ખૂબ નજીકના મિત્રના મૃત્યુના શોકમાં તેમને આ આર્ટ પ્રોજેક્ટે રાહત આપી હતી. 2011 થી શરૂ થયેલ આ ઇન્ટરઍક્ટિવ આર્ટ વર્ક દુનિયાભરમાં પાંચેક હજાર વખત ઉપયોગમાં લેવાયું છે.
એક ફ્લેક્સનું મથાળું છે ' I am grateful to…' અર્થાત્ હું આભારી છું. અહીં પોસ્ટ-ઇન-નોટસ (એટલે કે ચોંટાડી શકાય તેવી વિવિધરંગી ચોરસ ચબરખીઓ) પર તમારા દિલનો અહેસાનમંદગીનો ભાવ લખી શકાય, નાનકડાં ચિત્ર/સુશોભન દ્વારા દોરી શકાય.
' What made you happy today ?' ફ્લેક્સમાં ખુશી આપનાર બાબત વિશે લખી શકાય, આર્ટ પેપરથી કામ પણ કરી શકાય. આમાં ખાસ તો બાળકો ચિત્ર અને હસ્તકલા કરે.

કોવિડમાંથી બહાર આવવાની શરૂઆતના તબક્કામાં આવી ઇનૉવેટીવ ઇવેન્ટનું આયોજન શ્વેતાબહેનની સમાજમાનસની ઊંડી સૂઝ બતાવે છે. શ્વેતા ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજિમાં અંગ્રેજીના અધ્યાપક હોવા ઉપરાંત ચિત્રકાર અને કવિ છે. તાજેતરમાં Of Goddesses and Women નામનો તેમનો કાવ્યસંગ્રહ દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે. આ જ નામ હેઠળ તેઓ પોતાનાં દૃષ્ટિપૂર્ણ ચિત્રોનું પ્રદર્શન પણ યોજી ચૂક્યાં છે. તેમાં તેમણે ભારતની સ્ત્રીઓનાં વિવિધ રૂપ ચીતર્યાં હતાં. ફુલબ્રાઇટ સ્કૉલર શ્વેતા શેક્સપિયર પરનાં તેમનાં ચિત્રોનું The Bard in Acrylic નામનું પ્રદર્શન પણ યોજી ચૂક્યાં છે.

'શ્વાસ' ઇવેન્ટમાં શ્વેતાને આર્ટ ક્યુરેટર મુક્તિ ચૌહાન અને હિંડોલ બ્રહ્મભટ્ટ, સ્વાતિ રાવની મદદ મળી છે. પતિ ગગન ગર્ગ અને માતપિતા સહિત સ્થળ પર પૂરો સમય ઉપસ્થિત રહેનાર પરિવારનો ટેકો મળ્યો છે જે પોતાની રીતે બહુ સુંદર બાબત છે.

ગઈ કાલ શુક્રવારે કાર્યક્રમની પહેલી સાંજે મુલાકાતીઓ પોતપોતાની વાત કેનવાસેસ પર મૂકી રહ્યાં હતાં. તદુપરાંત ત્રણ આમંત્રિતોએ કોવિડ દરમિયાનના તેમના અનુભવોનું ટૂંકમાં બયાન કરીને કાવ્યપઠન કર્યું. તેમાં હતાં ચિત્રકાર-લેખક એસ્થર ડેવિડ,પર્ફૉમન્સ આર્ટિસ્ટ અને અમદાવાદના મિરઝાપુરમાં આવેલાં ‘કૉન્ફ્લિક્ટોરિયમ’ નામના અનોખા મ્યુઝિયમના સ્થાપક અવની સેઠી, અને સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ઇશ્મીત કૌર.

ઘણો સમય, શક્તિ અને ખર્ચ માગી લેતી આવી ઇવેન્ટ અમદાવાદ જેવાં શહેરમાં શ્વેતા શા માટે યોજે છે ? - કારણ કે કોવિડની આપત્તિમાં લોકોએ જે વેઠ્યું તેને પબ્લિક આર્ટના માધ્યમથી બધાની સાથે શેર કરવી એ લોકોના પોતાના માટે શાતાદાયક અને જરૂરી છે તેની તેમને ખબર છે. લોકોના દુ:ખમાં ભાગીદાર બનવા માટેની આ નિ:સ્વાર્થ, નિરપેક્ષ મથામણ છે.
શ્વેતા લખે છે : ‘શ્વાસ’માં આવો શ્વસવા માટે, કહેવા માટે. ‘શ્વાસ’માં આવો કવિ અને કલાકારો પાસેથી તમારાં મનમાં વસી જાય તેવું કંઈક અનુભવવા માટે. ‘શ્વાસ’માં આવો કલાની અભિવ્યક્તિ જોવા માટે.’

(લેખ-સૌજન્ય : સંજય સ્વાતિ ભાવે)

Saturday, February 6, 2021

Friday, January 10, 2020

સપ્તકની આઠમી સ્વરરાત્રિ

સપ્તકમાં જુગલબંધી કરનારા કળાકારો વચ્ચે સંગીતના સામંજસ્ય સાથે સ્મિતનો સેતુ રચાય છે.

ડૉ. અશ્વિનકુમાર
.........................................................................................................................................

આપણે એકબીજાને દર વર્ષે 'Happy New Year' બોલીને શુભેચ્છા પાઠવીએ છીએ. જોકે, અમદાવાદમાં સપ્તકના રસિયાઓ પહેલી જાન્યુઆરીથી તેર દિવસ સુધી પરસ્પરને 'Happy New Ear'ની શુભેચ્છા પાઠવીને કાનસમૃદ્ધ થતાં હોય છે! બૂમ-બરાડા અને ગોકીરા-દેકારાના ચાલુ વર્તમાનકાળમાં, સપ્તક સંગીત સમારોહના શિસ્તસજ્જ શ્રોતાજનોએ શ્રવણની સાધનાને કર્ણગત કરી છે. તેઓ બે સત્રો વચ્ચે નાનકડો વિરામ લઈને કેસર દૂધ કે કડક ચાની ચૂસકી લેતાં અને મઘઈ પાનની જોડીને મમળાવતાં, સૂર-તાલ કે લય-ગાનની હળવી ચર્ચા કરે છે. 

અમદાવાદની અનોખી ઓળખ એવા સપ્તક સંગીત સમારોહની, આઠમી રાત્રિના પ્રથમ ચરણમાં, અમાન અલી બંગશનું સરોદવાદન પ્રસ્તુત થયું. તેમણે રાગ લલિતાગૌરી, રાગ ચંદ્રનંદન અને માલકૌંસની બંદિશોની રજૂઆત કરી. વિજય ઘાટેએ ધ્યાનાકર્ષક તબલાં-સંગત કરી. દ્વિતીય ચરણમાં, પંડિત સ્વપન ચૌધરીનું એકલ તબલાં-વાદન પ્રસ્તુત થયું. તેમણે તીનતાલમાં જમાવટ કરી. દિલશાદ ખાને સારંગી-સંગત કરી.

તૃતીય ચરણમાં, પંડિત અજય ચક્રવર્તીનું શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત થયું. ચાલીસમો સપ્તક સંગીત સમારોહ જેમને સમર્પિત થયો છે એવા પંડિત રવિશંકર સાથેનાં સંસ્મરણો, અજયજીએ હૃદયપૂર્વક તાજાં કર્યા. તેમણે રાગ કલાવતીથી સૂરની સજાવટ કરી. સંગીતસભામાં નમ્રતામૂર્તિ અજય ચક્રવર્તીએ કહ્યું કે, 'ઇસમેં હમારા કુછ નહીં હૈ. પર સબ ગુરુઓં કી કૃપા હૈ.' સમર સહાએ તબલાં-સંગત કરી. પારોમિતા મુખર્જીએ હાર્મોનિયમ-સંગત કરી.

સપ્તકમાં જુગલબંધી કરનારા કળાકારો વચ્ચે સંગીતના સામંજસ્ય સાથે સ્મિતનો સેતુ રચાય છે. એટલે રસિકજનો મોજમાં આવીને હાથ આકાશ તરફ લાંબો કરે છે. આ જ વખતે ઈશ્વર પણ ધરતી તરફ હાથ લંબાવતો હોય એવું બને! 
.........................................................................................................................................
ડૉ. અશ્વિનકુમાર 'પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન'ના પ્રાધ્યાપક છે.





સૌજન્ય : 'દિવ્ય ભાસ્કર', 'સિટી ભાસ્કર', અમદાવાદ, ૧૦-૦૧-૨૦૨૦, પૃષ્ઠ : ૦૩