Sunday, June 30, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 90


'ભલે વધારે ખર્ચ થાય, પરંતુ તમે નબળું 'કન્ટ્રક્શન' કરાવવા કરતાં મજબૂત 'કન્સ્ટ્રક્શન' કરાવજો .' (!)


ચિત્રણ : દોષ અને દુરસ્ત !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Saturday, June 29, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 89


'Patient'નાં સગાં 'patient' હોય એ આવકારલાયક છે?!


જીવન નામે દરિયો, વારતા નામે તરાપો

ડૉ. અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪
.................................................................................................................................

આપનું બાળપણ વાર્તાઓમાં ડૂબ્યું છે અને વાર્તાઓથી તર્યું છે? જો જવાબ 'હા' હોય તો વાંચવા માટે આગળ વધો. જો જવાબ 'ના' હોય તો આગળ વધવા માટે વાંચો!

'પરીઓની વાતો' સાથે એક 'પ્યારી' છોકરી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્વરાજ તિલક મહારાજનો, એમ વાર્તા બાલક રાજાનો જન્મસિદ્ધ અધિકાર છે. વાર્તા માતાના ખોળામાં બેસીને જ નહીં, પિતાના ખભે ચઢીને પણ સાંભળવાની હોય છે. વાર્તા કહેવા માટેના અભ્યાસક્રમ ન હોય, એ તો નિત્યક્રમ જ બનવો જોઈએ!

વાર્તા કહો-સાંભળો કે વાર્તા વાંચો-લખો અને 'ઈસપ' નામનો શબ્દ ન આવે તો દોષ જગ પ્રત્યે નહીં, જાત પ્રત્યે કાઢવો રહ્યો! ઈ.પૂ. છઠ્ઠી સદીમાં જન્મેલા ઈસપ ગ્રીક પ્રાણીકથાના સંગ્રહના સર્જક તરીકે આજે પણ વિશ્વ-વિખ્યાત છે. ઈસપ વિશે કૃષ્ણવદન જેટલી લખે છે : "... તે સેમોસ ટાપુમાં ગુલામ હતો અને તેના શેઠ ઈઆદમોએ તેને મુક્તિ આપી હતી. તે રાજા લિકુરગસનો કોયડો ઉકેલવા બેબિલોન ગયો હતો. રાજા ક્રોઈસસે તેને રાજકાર્ય માટે ડેલ્ફી મોકલ્યો હતો. ત્યાં કોઈક સાથે ઝઘડો થતાં દુશ્મને તેને પર્વતની ધાર પરથી ખીણમાં ધકેલી દીધેલો અને તે મૃત્યુ પામેલો હતો. ... " (ઠાકર(સં.), ૧૯૯૧, પૃ.૧૨-૧૩) આમ, ઈસપ દુશ્મને કરેલા વારથી માર્યો , પણ પોતે કરેલી વારતાઓથી આજે પણ જીવે છે!

દૂરદર્શન(ટેલિવિઝન)થી આંખની કસોટી થાય છે, પણ વાર્તા-શ્રવણ(સ્ટોરી-લિસનિંગ)થી તો કાનની કેળવણી થાય છે. ગાંધીજી કહે છે : " ... બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે. ... " (ગાંધી, ૨૦૧૦, પૃ.૩૧૩)

આજનાં માતા-પિતા વખત માટે વારતા અને વારતા માટે વખત ફાળવે એ જરૂરી છે. પોતાનું સંતાન કંતાન જેવું ન થઈ જાય એ માટે પણ મા-બાપે તેને વખત અને વારતા આપવાં અનિવાર્ય છે. વાર્તા પૂરી કરવાની નથી હોતી, પૂરી વાર્તા કરવાની હોય છે. આથી, એક સારી વાર્તા કહેવા માટે અનેક વાર્તા જાણવી પડે છે. એક વાર્તા સારી રીતે કહેવા માટે તેનો અનેક વખત મહાવરો કરવો પડે છે. 'એક હતો ચકો, એક હતી ચકી' અને ' એક જંગલમાં એક સિંહ રહેતો હતો' જેવી એકની એક વાર્તા, એકના એક વાક્યથી શરૂ કરીને, એકની એક રીતે, એકના એક બાળકના માથે મારવી એ પણ એકની એક હિંસા છે!

બાળકોને નવી-નવી વાર્તાઓ કહીએ. વાર્તા વારે-તહેવારે નહીં, રોજેરોજ કહીએ. કારણ કે, એક કચ્છી કહેવત છે : " નૈ ગાલ નો ડીં,તાણે મેડે તેરો ડીં,મારે કુટે મેણું ડીં." - નવી વાત નવ દિવસ, તાણી ખેંચીને તેર દિવસ, મારી કૂટીને મહિનો દિવસ, પછી ભુલાઈ જાય." (કારાણી (સં.), ૧૯૭૬, પૃ.૧૨૦) બાળક રડતું હોય તો વારતા લગાડીએ, વાર નહીં! આપણે બાળકોને ઊંઘાડવાં માટે વાર્તાનું શાસ્ત્ર અને શસ્ત્ર અજમાવીએ છીએ. પરંતુ, બાળકોને જગાડવાં માટે પણ વાર્તાનો પ્રયોગ કરવા જેવો છે. દરેક વખતે બાળકને વાર્તા કહીએ પણ ક્યારેક બાળક પાસેથી પણ વાર્તા સાંભળીએ તો કેવું સારું?

દાદા-દાદી સાથે વાર્તાલીન થયેલી પૌત્રી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વાર્તા કહેતી વખતે બાળકની ધીરજની સાથે સાથે વાર્તા કહેનારની ધીરજની પણ કસોટી થાય છે. એમાં પણ સસલા સામે જીતી જતા કાચબાની વાર્તા ચાલતી હોય તો ઉતાવળ તો ન જ ચાલે! વળી, વાર્તા કહેનાર વ્યક્તિ બાળ-માનસની અને સમાજ-જીવનની અભ્યાસી હોય એ આવશ્યક છે. વાર્તામાં એવું આવે કે, 'એક ગરીબ બ્રાહ્મણ હતો' તો આ સાંભળીને બાળકની મૂંઝવણ વધી જાય છે. 'ગરીબ' એટલે કેવો અને બ્રાહ્મણ એટલે કોણ એવો પ્રશ્ન બાળકના મનમાં ઊગી નીકળે તો પછી વાર્તા કહેનારની મૂંઝવણ વધી જાય છે! કારણ કે સ્વપ્નલોક ફ્લેટ્સના સાતમા માળે રહેતું, શહેરી ઉચ્ચ-મધ્યમ વર્ગીય અને અંગ્રેજી-માઘ્યમ વર્ગીય બાળક, ગરીબીની રેખાની વાસ્તવિકતાથી ઘણું ઉપર જીવતું હોય છે. સાથેસાથે એ પણ મૂંઝવણ હોય છે કે, વાર્તાના ચિત્રમાં શિખા-ત્રિપુંડ-ભસ્મ-જપમાળા-જનોઈ-ધોતિયું ધારણ કરેલા લંબોદર બ્રાહ્મણથી પાડોશના ચશ્માંધારી પંડ્યાકાકા ઘણા-ઘણા જુદા દેખાય છે!

આ જ રીતે બાળકને પ્રાણી-સંગ્રહાલયમાં એક વખત હાથી બતાવ્યો હશે તો, 'આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ'ની હાથી-હયાતી ઝટ દઈને સ્પષ્ટ થઈ જશે. વળી, આપણી વાર્તાઓમાં છેલ્લું વાક્ય તો એવું આવવાનું જ કે, 'ખાધું, પીધું અને રાજ કર્યું.' આ વાક્ય સાંભળતાંની સાથે જ કોઈ પ્યારી દીકરી એવું પૂછે કે, 'રાજ કર્યું' એટલે શું કર્યું? તો એનો સાચો અને ગળે ઊતરે એવો જવાબ આપવાની સજ્જતા આપણે કેળવવી જ રહી.

બાળવાર્તાને અને માતૃભાષાને સીધો સંબંધ છે. બાળક પોતાની માતૃભાષામાં કહેવાયેલી વાર્તાને માત્ર સાંભળી જ નહીં, માણી પણ શકે છે. જૂની ગુજરાતી બોલાતી હોય એવા પરિવારોમાં જન્મેલાં, પણ નવું-નવું અંગ્રેજી માધ્યમ ભણેલાં યુવતી-યુવક પરણીને જયારે મા-બાપ બને છે ત્યારે પોતાના બાળકને ગુજરાતીમાં વાર્તા કહેતાં નાનમ અને અંગ્રેજીમાં વાર્તા કહેતાં નબળાઈ અનુભવે છે. સારા વાર્તાકથન અને ખરા વાર્તાશ્રવણથી શબ્દભંડોળ સમૃદ્ધ બને છે, ઉચ્ચારશુદ્ધિ થાય છે. કલ્પનાશક્તિનું આભ વિસ્તરે છે, અભિવ્યક્તિની ધાર તેજ થાય છે. બાળક વાર્તાઓની કલ્પના થકી વિચારની વાસ્તવિકતા સુધી પહોંચે છે. સોવિયેત-સંઘી કેળવણીકાર વસીલી આલેક્સાંદ્રોવિચ સુખોમ્લીન્સ્કી (૧૯૧૮-૧૯૭૦) કહે છે : " ... ઘણાં વર્ષોનો અનુભવ બતાવે છે કે બાળકના અંતરમાં રસલક્ષી, નૈતિક, અને બૌદ્ધિક લાગણીઓ વાર્તાઓનાં કલ્પનોના પ્રભાવને કારણે ઉત્પન્ન થતી હોય છે, એ કલ્પનો વિચારપ્રવાહને ગતિમાન કરે છે તથા મગજને જાગ્રત કરે છે, ચિંતનના ચેતનમય ટાપુઓ વચ્ચેના વિચારપ્રવાહોને સાંકળે છે. બાળકોનાં મનમાં વાર્તાઓનાં કલ્પનો મારફત શબ્દોની બારીક અર્થછાયાઓ પ્રગટ થાય છે, એ કલ્પનો બાલકના માનસિક જીવનનું ક્ષેત્ર, વિચારો તથા લાગણીઓને વ્યક્ત કરવાનું સાધન, ચિંતનની વાસ્તવિકતા બની રહે છે. વાર્તાઓનાં કલ્પનોથી ઉત્પન્ન થતી લાગણીઓના પ્રભાવને કારણે બાળક શબ્દોમાં વિચાર કરતાં શીખે છે ... "(સુખોમ્લીન્સ્કી, ૧૯૮૫, પૃ.૨૪૨)

નાનીના મુખેથી વારતા સાંભળતી નાનકડી દોહિત્રી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

આપણાં કુટુંબો સંયુક્ત મટી વિભક્ત બનતાં જાય છે. આ જોગ-સંજોગમાં ઘરમાં સગવડ બધી હોય, પણ દાદી-દાદાની સોબત હોતી નથી. જ્યાં દાદી-દાદાનું હોવાપણું ન હોય ત્યાં, નાની-નાનાની હાજરીની તો કલ્પના પણ ન થઈ શકે. આમ, આપણી કુટુંબ-કથામાંથી દાદી-દાદા-નાની-નાના નામનાં પાત્રોનો ખો નીકળી ગયો છે, જેના કારણે બાળકો વાર્તાથી દૂર, વાર્તા બાળકોથી દૂર અને છેવટે આપણે બંનેથી દૂર થઈ જઈએ છીએ. બાળક દાદી-દાદા કે નાની-નાનાની નજરમાં નજર મેળવીને, એમનાં ચશ્માંના કાચની આરપાર જોઈને પણ વિસ્મયનું તત્વ અને વાર્તાનું તેજ માણી શકે છે. બાટલે અને માટલે, પાટલે અને ખાટલે મોટી ખોડ એ છે કે જે સાચા અર્થમાં માતા-પિતા ન બની શક્યાં હોય તે સારા અર્થમાં દાદી-નાની-દાદા-નાના કેવી રીતે બની શકે? આપણે ત્યાં વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા સગવડનો નહીં શરમનો વિષય ગણાવો જોઈએ. ત્યાં પણ વૃદ્ધોની એકલતાનો સરવાળો થતો હોય છે. આ સંજોગોમાં વૃદ્ધો બાળકોને વારતાઓ કહેવાની પ્રવૃત્તિ ઉપાડી લે એ આવકારલાયક છે. આ માટેની વ્યવસ્થા ગોઠવવા શિક્ષણ-સંસ્થાઓએ આગળ આવવું રહ્યું.

આપણી શિક્ષણ સંસ્થા-વ્યવસ્થામાં જૂથ-ચર્ચા અને રૂબરૂ મુલાકાત,પરિસંવાદ અને પાઠ-પ્રસ્તુતિ થકી વિદ્યાર્થીની કસોટી-માપણી કરવામાં આવે છે. પણ એક વખત વિદ્યાર્થીઓને (અને ખાસ કિસ્સા તરીકે અધ્યાપકોને પણ!) કહેવું કે, તમારી ક્ષમતાનું મૂલ્યાંકન તમે જે વાર્તા કહેશો એના આધારે થશે અને શ્રોતાઓ તરીકે સામે ભૂલકાં જ બેઠેલાં અને સૂતેલાં હશે! એમાં પણ બાળકોનાં બગાસાંને નકારાત્મક ગુણભારનો મહત્વનો એકમ જાહેર કરવામાં આવે તો મોટા ભાગના વાર્તાવીર ખરેખર વીરગતિને પામે! આમ, જો વ્યક્તિત્વનું માપન વાર્તા-કળાથી થાય તો શિક્ષણ સોળે કળાએ ખીલી ઊઠે. આપણા યુવા-મહોત્સવોમાં પણ વાર્તા-કથનની એક સ્પર્ધા દાખલ કરવાની જરૂર છે. આજનાં યુવતી-યુવક, જે ભવિષ્યમાં માતા-પિતા બને ત્યારે, એમનાં બાળકોને પ્રેરણાદાયી વાર્તાઓ કહીને, કેવળ જૈવિક નહીં પણ નૈતિક મા-બાપ બને તો કેવું સારું?

જેમણે વાર્તાઓ સાંભળી અને કહી હશે એ લોકો 'હિતોપદેશ'ના નામથી ભાગ્યે જ અજાણ હશે. 'હિતોપદેશ' એ ભારતીય પશુપક્ષી-કથાસાહિત્યનો સંસ્કૃત ભાષામાં સર્જન પામેલો લોકપ્રિય ગ્રંથ છે. ધવલચંદ્ર નામના માંડલિક રાજવીના આશ્રિત એવા નારાયણ પંડિતે, 'પંચતંત્ર'ને આધારગ્રંથ તરીકે રાખીને 'હિતોપદેશ'ની રચના કરી હતી. તેમણે પોતાનું મૌલિક ઉમેરણ કરવા છતાં, 'પંચતંત્ર'ની શૈલીમાં જ પશુપક્ષીઓની વાર્તાઓ રજૂ કરીને, જીવનબોધ માટે 'હિતોપદેશ'નું પ્રગટીકરણ કર્યું હતું. 'હિતોપદેશ' વિશેના અધિકરણમાં પ્ર.ઉ.શાસ્ત્રી લખે છે : "સુદર્શન નામના પાટલીપુત્રના રાજા પોતાના અભણ અને અવળે રસ્તે જનારા રાજકુમારોને રાજનીતિ અને વ્યવહારનું શિક્ષણ આપવા પંડિતોની સભા ભરી પ્રસ્તાવ મૂકે છે. તેથી વિષ્ણુશર્મા નામના પંડિત રાજકુમારોને જે પશુપક્ષીઓની વાર્તાઓ કહી છ માસમાં રાજનીતિ અને જીવનવ્યવહારમાં નિપુણ બનાવે છે તે વાર્તાઓનો સંગ્રહ-ગ્રંથ તે આ 'હિતોપદેશ' છે." (ઠાકર (સં.), ૨૦૦૯, પૃ.૨૮૦) આજની પેઢી બગડી ગઈ છે એવી ફરિયાદ રહેતી હોય તો, પ્રત્યેક શિક્ષકે વિષ્ણુશર્મા પંડિત બનીને જીવનસાર આપતું લોકશિક્ષણ કરવું જ રહ્યું. વિષ્ણુશર્માની પાસે માત્ર છ માસ જ હતા, આપણી પાસે તો વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક વર્ષ માટે તો આવે જ છે!

.................................................................................................................................
સાભાર સંદર્ભ-સૂચિ

કારાણી,દુલેરાય(૧૯૭૬).સાર્થ કચ્છી કહેવતો.અમદાવાદ : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ.

ઠાકર,ધીરુભાઈ(સં.)(૨૦૦૯).ગુજરાતી વિશ્વકોષ : ખંડ-૨૫. અમદાવાદ : ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ.

ઠાકર,ધીરુભાઈ(સં.)(૧૯૯૧).ગુજરાતી વિશ્વકોષ : ખંડ-03. અમદાવાદ : ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ.

ગાંધી,મોહનદાસ કરમચંદ(૨૦૧૦). સત્યના પ્રયોગો અથવા આત્મકથા.અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

વસીલી,સુખોમ્લીન્સ્કી(૧૯૮૫).દિલ મેં દીધું બાળકોને(અનુવાદ - અતુલ સવાણી).મોસ્કો : પ્રગતિ પ્રકાશન.

.................................................................................................................................
સૌજન્ય :

'આદિત્ય કિરણ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃષ્ઠ : ૨૪-૨૫

* પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2014 અને માર્ચ-એપ્રિલ, 2014 ; અંક : 15, પૃષ્ઠ : 31-34

Friday, June 28, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 88


સામે ગમે તેટલા પુરુષો હોય તો પણ 'Man'નું બહુવચન 'Mans' કે 'Mens' ન જ કરવું!


Thursday, June 27, 2013

ગાંધીજી કહે છે : તમારી સ્ત્રી વિશે


"યાદ રાખવું કે તમારી સ્ત્રી એ કંઈ તમારી મિલકત કે રાચરચીલું નથી, જેમ તમે એનું રાચરચીલું નથી. એ તમારી અર્ધાંગી છે, સહધર્મિણી છે, એ રીતે લેખીને તેની જોડે વર્તો. તમે જોશો કે તેવો પ્રયોગ કર્યાને સારુ તમને પસ્તાવું નહીં પડે."

- ગાંધીજી 

સેવાગ્રામ, માર્ચ ૫, ૧૯૪૦

'હરિજન', ૦૯-૦૩-૧૯૪૦

અંગ્રેજી ભાષા, દેશી મજા : 87


બઢતી માટેનો અંગ્રેજી શબ્દ 'Promotion' છે, 'Pramotion' નહીં ! 


અંગ્રેજી ભાષા, દેશી મજા : 86


દરેક દર્દીને એવી આશા હોય છે કે તેના ઉપર કરવામાં આવતી શસ્ત્રક્રિયા સફળ થાય. આ સંજોગોમાં 'Operation' શબ્દ કરતાં 'Hoperation' શબ્દ વધારે યોગ્ય લાગે છે!


Wednesday, June 26, 2013

વાલીની 'જળપરીક્ષા', વિદ્યાર્થીની 'આકાશપરીક્ષા', અને વ્યાખ્યાતાની 'અગ્નિપરીક્ષા'!

અશ્વિનકુમાર
અધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------------------

બીજાં વર્ષોથી ખાસ કાંઈ નોખું નહીં એવું, ઈ.સ. ૨૦૦૪-૨૦૦૫નું એ વર્ષ હતું. તારીખિયા ઉપર દૃષ્ટિ કરો તો એને ચોમાસાની ઋતુ ગણવી પડે. આકાશ સામે નજર માંડો તો એ દિવસોમાં પણ વરસાદ નહોતો. શિક્ષણમાં તેજનું પ્રમાણ તો માપી રહ્યો નહોતો પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પામી રહ્યો હતો. વગર શરીરશ્રમે પરસેવો પાડતાં-લૂછતાં, આવી એક કોરીધાકોર બપોરે વર્ગખંડમાં જ્ઞાનના નામે માહિતીનું પૂર લાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યો હતો. હું પાછો પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનનો વ્યાખ્યાતા ખરો ને, એટલે એવો વિશેષ આગ્રહ રાખું કે હું બધા વિદ્યાર્થીઓ ઉપર આંખ ફેરવ્યા કરું, પણ દરેક વિદ્યાર્થી મારી સામે નજર માંડી રાખે. આવું કરવાથી વર્ગમાં 'નયનસેતુ' સ્થાપિત કર્યાનો આભાસી આનંદ લઈ શકાય.

આમ છતાં, 'શિસ્તાચાર એ જ શિષ્ટાચાર'ના ધ્યાનમંત્રને મ્યાનમંત્રમાં નાખી દઈને, પત્રકારત્વનો એક વિદ્યાર્થી આંખથી કેવળ અધ્યાપક નહીં, કશુંક વ્યાપક જોઈ રહ્યો હતો! તે બારીમાંથી દેખાતું ઊભું લંબચોરસ આકાશ નિહાળી રહ્યો હતો. આ  વિદ્યાર્થીનું ધ્યાન મારી સામે નહોતું એટલે મારું ધ્યાન વારે ઘડીએ એની સામે જતું હતું. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સામે વધારે અને મારી સામે ઓછું જોવા લાગ્યા. આમ, સમગ્ર વર્ગખંડમાં સવિનય ધ્યાનભંગની ચળવળ જોર પકડવા લાગી. નિર્ધારિત અભ્યાસ-મુદ્દાને સીમિત સમયમર્યાદામાં ન્યાય આપવાનો (સાચો શબ્દ : 'પતાવી દેવાનો') હોવાથી  એ વખતે તો એ વિદ્યાર્થીને રોકવા-ટોકવાનું ઉચિત ન લાગ્યું. એટલામાં જ નાનકડા વિરામ સારુ ઘંટ વધુ જોરથી ટનટન્યો.

વર્ગમાંથી  'મુક્ત' થઈને વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા કે તરત જ મેં એ વિદ્યાર્થીને રોક્યો, બાજુમાં બોલાવ્યો, ખાનગીમાં પૂછ્યું : "આજે તમારું ધ્યાન વર્ગમાં નહોતું?" મારો સવાલ ઊભો હતો તો પણ એ વિદ્યાર્થીનો જવાબ ઊગ્યો જ નહીં. મેં ભાષાનું વસ્ત્ર બદલીને એ જ પ્રશ્નને ફરીથી સામે ધરી દીધો : "ભાઈ, કંઈ મૂંઝવણમાં છો ?" ઉત્તર ન મળ્યો. થોડું મૌન સંભળાયું. ઊંચી નજરે અને નીચા અવાજે એ બોલ્યો : "સાહેબ, સાવ સાચું કહું તો આજે ભણવામાં સહેજે મન ચોંટતું નથી. ચોમાસાના દહાડા છે, પણ વરસાદનું ઠેકાણું નથી. ખેતરમાં વાવણી કરી દીધી છે, પણ વાદળાં વરસતાં નથી. બાજુમાં મોટા ખેતરવાળા પાસે ટ્યૂબવેલ છે. આટલા દિવસ તો તેમની પાસેથી ભાડે પાણી લઈ ચલાવ્યું પણ ..."

આટલું બોલ્યા પછી, થોડી ભીની આંખે અને વધારે સૂકા ગળે, એ વિદ્યાર્થીએ વાતના ગાડાને આગળ હડસેલ્યું : " ... મેં ખબર પૂછવા આજે સવારે ઘરે ફોન કર્યો તો મારા બાપાએ કહ્યું કે, 'આપણે જેમના બોરનું પાણી ભાડેથી વાપરતા હતા તેમના બોરની મોટર બળી ગઈ છે. તેને સમુંનમું કરાવતાં વખત જાય એમ છે. હવે આપણે પાણી તાબડતોબ ક્યાંથી લાવીશું?' " જાતને માંડ કાબૂમાં રાખીને એણે કબૂલાત કરી : "સાહેબ, સવારથી વરસાદ પડે એની રાહ જોઈ રહ્યો છું. વર્ગમાંથી પણ આકાશ જ જોતો હતો." આટલું બોલતાં એની આંખો ચોમાસુ બની ગઈ. આંસુ એના ગાલ ઉપરથી નહીં, મારા દિલ ઉપરથી વહેતાં અને અંગારગોળા બની દઝાડતાં હોય એવું લાગ્યું. એનાં અશ્રુથી મારી ખરેખર અગ્નિપરીક્ષા થઈ. વાક્ય તો પૂરું થઈ ગયું પણ વાત પૂરી થઈ શકે એમ નહોતી એટલે એણે છાત્રાલયની દિશા ભણી ધીમાં પણ મક્કમ નહીં એવાં ડગ માંડ્યાં. હવે ડગી જવાનો વારો મારો હતો. જગતના તાત અને એ તાતના પુત્રની વ્યથાનાં વીતક જોવાં-જાણવાં માટે હું સંપૂર્ણ અપૂર્ણ હતો.

વરસાદ પડે એટલે કામકાજના સ્થળે દાળવડાં, રસ્તાની ધારે મકાઈડોડા, અને ઘરના રસોડે ભજિયાં ખાવાની મજા આવે એવી શહેરી માનસિકતા ધરાવતા માણસ તરીકે, મને વરસાદ ન પડે તો પાકનું બીજમરણ થઈ જાય એવી ગ્રામીણ વાસ્તવિકતા કેવી રીતે સમજાય? અહીં, કેટકેટલી અવળી ગંગા વહી ગઈ : પ્રશ્નમાંથી જવાબ નહીં, જવાબમાંથી પ્રશ્ન મળ્યો. પરીક્ષા વિદ્યાર્થીએ લીધી, શિક્ષક અનુત્તીર્ણ થયા. વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં શીખે, અહીં શિક્ષક પરીક્ષા પછી શીખ્યા. શિક્ષકે શીખવેલું સઘળું ભૂલી જવાય, પરંતુ વિદ્યાર્થીએ શિખવાડેલું થોડું પણ કાયમ યાદ રહી જાય!

શિક્ષણનું ચાર તાસનું સમયપત્રક સ્વીકારનારા આપણે, સમાજનું બાર માસનું જીવનચક્ર સમજનારા બનીએ એ જરૂરી છે. આપણાં અધ્યયન-અધ્યાપનને સત્રમાં સીમિત નહીં, ક્ષેત્રમાં વ્યાપ્ત કરવાની જરૂર છે. વિદ્યાર્થીના વાલીના નામને જાણવા આપણું હાજરીપત્રક જોવું પડશે, પણ વિદ્યાર્થીના વાલીના કામને સમજવા એમનું હોજરીપત્રક તપાસવું પડશે. શિક્ષક  આજીવન વિદ્યાર્થી હોય છે પણ વિદ્યાર્થી સજીવન શિક્ષક હોય છે એનું શું? વિદ્યા-વાડીમાં વરસો વહાવતાં-વળાવતાં, વિચરતાં-વિચારતાં, આવો કોઈ વિદ્યાર્થી 'અગ્નિપરીક્ષા' કરી જાય તો આપણા શિક્ષકત્વનો ફેર પ્રગટ થાય, નહીં તો ફેરો ફોગટ જાય !

-------------------------------------------------------------------------------------------------------

સૌજન્ય : 

'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 )
જુલાઈ, ૨૦૧૨, પૃ.૨૫-૨૬

રાવણને શરદી !

[ વ્યંગ રંગ-તરંગ-સંગ ]

અશ્વિનકુમાર

.................................................................................................................................

હનુમાનજીએ પૂંછના (પ્ર)તાપે લંકાદહન કર્યું ત્યારે રાવણનાં મોઢાઓ ગુસ્સાથી જેટલાં લાલ થઈ ગયાં હતાં તેનાથી વધારે લાલ મોઢાઓ તો આ વખતની શરદીમાં થઈ ગયાં હતાં. તેનાં બધાં નાક ખતરનાક લાગતાં હતાં. જોકે તેના કુટુંબ-ચિકિત્સક( ફેમિલી ડૉક્ટરનું ગુજરાતી!) એ નક્કી નહોતા કરી શક્યા કે રાવણના કયા ક્રમના નાકને શરદી-જંતુઓએ ચેપ લગાડ્યો છે. રોજિંદી જિંદગીમાં તો લંકાનો લાલો દસ-દસ માથાંના ભારથી ટેવાઈ ગયો હતો, પણ શરદીના કારણે માથાં ભારે થવાથી જે દુખાવાઓ થયા તે અસહ્ય હતા.

રાવણનાં દશે ભોડાંને બામો ઘસી-ઘસીને મંદોદરીની વીસે આંગળીઓ ઘસાઈ ગઈ. લંકાપતિની પત્ની પતિવ્રતા (અને આમ જુઓ તો પતિતવ્રતા!) સ્ત્રી હતી. આથી, રાવણ-કપાળ-મર્દન વેળાએ મંદોદરીએ પોતાની નાજુક આંગળીમાં થયેલા કેશરેખીય-અસ્થિભંગ (હેર-લાઇન ફ્રેક્ચર)ની ફરિયાદ કર્ણસરવા નામની પોતાની કામવાળી બાઈ સિવાય કોઈને પણ નહોતી કરી! આ જ કારણે આ વાત ઘણી વ્યક્તિ અને મોટા વિસ્તાર સુધી વિસ્તરી ગઈ એમાં આજના શહેરી મધ્યમવર્ગને તો નવાઈ ન જ લાગવી જોઈએ.

પગના ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા (ની રિપ્લેસમેન્ટ સર્જરી) કરાવવાના કારણે ફરજિયાત આરામની દાક્તરી સૂચના છતાં, મંદોદરીના પિતાશ્રી મય દાનવ તેમની પત્ની(તેનું નામ ખબર ન હોય તો લાડમાં મયલી કહેશો તો ચાલશે!) સાથે જમાઈરાજની ખબર પૂછવા દોડી આવ્યાં. હાથરૂમાલનો જથ્થો અને પનો ઓછો પડતો હોવાથી, મંદોદરીની જૂની સાડીઓથી રાવણો વીસ-વીસ હાથોથી નાકો લૂછી રહ્યો હતો. લંકેશ વચ્ચેવચ્ચે ખાંસી પણ ખાઈ રહ્યો હતો. કારણ કે, શરદીએ પોતાની પ્રિય સખી એવી ઉધરસને પણ ભાવભીનું અને સાવભીનું આમંત્રણ આપી દીધું હતું. પોતાના જમાઈની આવી હાલત જોઈને મંદોદરીની મમ્મીથી ન જ રહેવાયું. કોઈએ પૂછ્યું નહોતું છતાં મયલીએ એક ઉપચાર સૂચવ્યો : અરડૂસીના ઉકાળાનો. અરડૂસીનું નામ સાંભળતાંની સાથે જ રાવણનાં દસેદસ મોઢાં જાણે લંકા લૂંટાઈ ગઈ હોય તેમ વિલાઈ ગયાં.

લંકામાં સીતાની ચોકી કરવાની જવાબદારી ત્રિજટાના માથે હતી. જયારે ત્રિજટા રજા ઉપર હોય ત્યારે તે પોતાની વધારે પડતી પાકી બહેનપણી એવી છળમંછા નામની રાક્ષસણીને સીતાચોકીનો હવાલો સોંપતી હતી. છળમંછાએ આપેલી બાતમી મુજબ આખી લંકામાં અરડૂસીનાં શ્રેષ્ઠ રોપાં અશોકવાટિકામાં લગાવેલાં હતાં. ત્યાંથી અરડૂસીનાં પાંદડાં લાવીને ઉકાળો કરીને ટંકે દસ-દસ પ્યાલા પીવા છતાં તેની સહેજ પણ અસર ન થઈ. કારણ કે સીતામાતાનાં રુદનથી સ્તબ્ધ થયેલી અરડૂસીએ રાવણની શરદીને મટાડવામાં પાપ જોયું હતું. આથી તેણે પોતાના ઔષધીય ગુણોને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લીધા હતા.

રાવણની શરદીઓ અને તેનાં કારણો ખાનગી ચર્ચાઓ અને જાહેર સમાચારોનો વિષય બનવા લાગી. આથી લંકાની ગુપ્તચર શાખા અને નિશાચર પ્રશાખા દોડતી-હાંફતી થઈ ગઈ. એક રાજવૈદ્યે નામ ન આપવાની શરતે 'શ્રીલંકા સમાચાર'ના (પા)ખંડ સમયના સંવાદદાતા કુમાર વૃત્તદૂતને જણાવ્યું કે, "પવન સાથે ઊડતી પુષ્પોની પરાગરજ રાવણનાં અંકે પૂરા વીસ નાસિકા-દ્વારમાં પ્રવેશે છે. જે મહાબલિ માટે મહાબલા સાબિત થયેલી શરદીનું મુખ્ય કારણ છે. આથી રાવણનાં દશ મસ્તકમાં એક મસ્તક જેટલી પણ સરેરાશ વિવેકબુદ્ધિ શેષ હોય તો તેમણે અશોકવાટિકાનું નિત્ય ભ્રમણ કરવાની વાસનામાંથી ત્વરિત મુક્ત થવાની જરૂર છે!"

શરદીના મામલે રાવણિયો મરણિયો બન્યો, પરંતુ અનેક ઉપચાર કરવા છતાં રાવણની શરદી મટી જ નહીં. લંકાની લોકવાયકા એવી છે કે દશમુખની ધાક કરતા છીંક વધારે ભયાનક હતી. એક વખત તેણે દસેદસ નાકોનાં વીસેવીસ નાસિકાદ્વારો દ્વારા એક સંયુક્ત છીંક ખાધી હતી. જીવંત પ્રસારણની વ્યવસ્થા નહોતી તોપણ રાવણના અટ્ટહાસ્યની જેમ આ અટ્ટછીંક્ય અંકે પૂરા ત્રણ લોકમાં સંભળાયું હતું. આવા અચાનક ત્રિભુવનકંપથી વાનર-માનવ જ નહીં, દેવ-દાનવ પણ ગભરાઈ ગયા હતા.

બરાબર આ જ સમયે, લંકાથી જોજનો દૂર આવેલા ધોળકામાં, દુર્વાસાના સૌથી મોટા મામાનો સૌથી નાનો દીકરો ગર્વાસા તપ કરતો હતો. રાજાએ દાનમાં આપેલી ગોચરની જમીનમાં આશ્રમ બાંધીને, ગર્વાસા અઘોર તપસ્યા કરતો હતો. રાવણની ...પ્ર...ચં...ડ... છીંકથી ગર્વાસાનો તપ-ભંગ થયો. તે અતિ ક્રોધથી પહેલા લાલ અને પછી કાળો પડવા લાગ્યો. ગર્વાસાએ ૧૯૦/૧૪૦ના ઊંચા રક્તચાપ (હાઈ બ્લડ-પ્રેશર) આંક સાથે પણ રાવણને શાપથી ફટકાર્યો : "હે શ્રેષ્ઠ દુષ્ટ ! તારી છીંકથી વર્ષોનું તપ ફોક થવાથી હું રાંક થયો છું. આજ મધરાતથી જ અમલી બને એ રીતે હું તને સહેજ પણ પાછો ન ખેંચી શકાય તેવો શાપ આપું છું કે, તને ક્યારેય શરદી મટશે નહીં. તારી શરદીનાં જંતુ કળિયુગમાં પણ લોકોને ચેપ લગાડતાં રહેશે. આ તમામને જે વ્યથા પહોંચશે તેનું પાપ તારા ખાતામાં ભવોભવ જમા થતું જ રહેશે."
 
રાવણિયો વગર વીમાએ નાભિમાં કસ્તૂરીને લઈને ફરતો હોવા છતાં નાકમાં કાયમ માટે શરદુડી ઘૂસી જતાં, બાપડો-બિચારો લાગતો હતો. દશાનનને શરદી ઉપરાંત હવે શાપ પણ લાગ્યો હતો. વળી, તેણે ખાધેલી ખતર'નાક' છીંકો થકી શરદીનાં જંતુઓ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ ગયાં હતાં. આથી આજે પણ દુનિયામાં દર એક વ્યક્તિએ બે વ્યક્તિઓ શરદીથી પીડાય છે. કારણ કે, એકની શરદીનો ચેપ તરત જ બીજાને પણ શરદીનો દરદી બનાવે છે !
 
( તાજા કલમ અને ખાજા મલમ : આ લેખના વાચન બાદ મૃત્યુલોકના કોઈ દૈત્ય-દાનવ કે યક્ષ-રાક્ષસની અધાર્મિક લાગણી દુભાઈ હોય તો લેખકાત્મા એ રાવણ-મંદોદરીનાં કુળદીપક કે કુળદીપિકાની માફી માગતાં ગૌરવ અનુભવે છે!)

.................................................................................................................................
સૌજન્ય :

'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક)
ઓક્ટોબર, ૨૦૧૧, પૃષ્ઠ : ૧૨૪-૧૨૫

Tuesday, June 25, 2013

તપાસ અને કપાસ


કોણ નાગું રહી ગયું છે એ તપાસ કર,
હોય જમીન તો એક વીઘો કપાસ કર!

                                                        - અશ્વિનકુમાર


અંગ્રેજી ભાષા, દેશી મજા : 85


સાચું શું?

'L.L.B.'
'L.LB.'
'LL.B.'


પત્રકારત્વના અનુપારંગત (M.Phil.) વિદ્યાર્થીઓના સંશોધન-નિબંધોની યાદી

માર્ગદર્શક : 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
.......................................................................................................

ક્રમ / સંશોધન-નિબંધનું શીર્ષક / સંશોધક(વિદ્યાર્થી/વિદ્યાર્થિની)નું નામ / વર્ષ

 (૧) આર. કે. લક્ષ્મણનાં કટાક્ષચિત્રોમાં પ્રતિબિંબિત થતો ગરીબીનો ખ્યાલ
/ અવની દવે / ૨૦૦૨-૨૦૦૪ 

(૨) ગુજરાતી ડાયસ્પોરા પત્રકારત્વના સંદર્ભમાં ઇંગ્લેન્ડસ્થિત વિચારપત્ર ‘ઓપિનિયન’ : એક અધ્યયન
/ આશા વિહોલ / ૨૦૦૫-૨૦૦૭

(૩) પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ-વિચાર
/ કેતન રૂપેરા / ૨૦૦૫-૨૦૦૭

(૪) અમદાવાદના વરિષ્ઠ તસવીર-પત્રકારો : એક અભ્યાસ 
/ કેતન રાજપૂત / ૨૦૦૯

(૫) અગ્રગણ્ય ગુજરાતી દૈનિકોનાં પ્રથમ પૃષ્ઠ ઉપર પ્રકાશિત થયેલી ચૂંટણી વિષયક સમાચાર-સામગ્રી
( ગુજરાત વિધાનસભા ચૂંટણી - ઈ.સ. ૨૦૦૭ના વિશેષ સંદર્ભે )
/ કૃતિ જાની / ૨૦૦૯

(૬) ચલચિત્રોમાં ગાંધીજીનું પાત્ર નિભાવતા કલાકારો : એક અધ્યયન
/ જયેશ પારકર / ૨૦૧૦

(૭) કસબીઓની નજરે નોંધપાત્ર ગુજરાતી ચલચિત્રો : એક અધ્યયન 
/ જિતેન્દ્ર બાંધણિયા / ૨૦૧૦

(૮) અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગવિશ્વ
/ દિવ્યેશ વ્યાસ / ૨૦૧૦

(૯) ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના કટોકટી વિષયક તંત્રીલેખો
( જૂન, ૧૯૭૫થી માર્ચ, ૧૯૭૭ના સમયગાળાના વિશેષ સંદર્ભે )
/ અંકિત પટેલ / ૨૦૧૨

(૧૦) પત્રકારત્વમાં ગાંધીજીનાં પ્રારંભિક લખાણો
(ઈ.સ. ૧૮૮૮થી ઈ.સ. ૧૯૦૩ના વિશેષ સંદર્ભમાં)
/ દિપક ચુડાસમા / ૨૦૧૯ 

(૧૧) સામાજિક માધ્યમોમાં કૃષિ વિષયક સામગ્રી : એક અધ્યયન
/ ભરતકુમાર ચૌધરી / ૨૦૨૧
(નોંધણી-ક્રમાંક : 11905812 / નોંધણી-તારીખ : 02/09/2019)

Friday, June 21, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 81


'હરિ ઓમ' કહો છો કે પછી ઘરે જવાની ઉતાવળ હોય છે એટલે 'Hurry Home' બોલો છો ?!


Thursday, June 20, 2013

શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો

- ડૉ. અશ્વિનકુમાર

પ્રાધ્યાપક, 
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ-માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

.................................................................................................................................

સહેજ પણ પરસેવો ન પડે એવો અંગૂઠાદાબ વ્યાયામ કરી રહ્યો હતો. હાથમાં રિમોટ-કંટ્રોલ પકડીને ખુરશીમાં આરામથી બેઠા બેઠા સેટેલાઇટ ચેનલને કુદાવી રહ્યો હતો. ત્યાં કોઈ એક ચેનલ ઉપર ગોરી ગાયિકા શકીરાને ગાતાં-નાચતાં, ઊછળતાં-કૂદતાં જોઈ. થોડી વારમાં ફળિયાની બહાર પાકા રસ્તા ઉપર ઝાડુ ઘસવાનો કર્કશ અવાજ કાને અથડાયો. મારો નજરભંગ થયો. એક સફાઈ-નારી જાહેરમાં પરસેવા-સ્નાન કરતી કરતી કચરો વાળી રહી હતી. રસ્તાની ધૂળ ઘરમાં ભરાઈ જશે એ મધ્યમ વર્ગીય બીકે મેં બારી-બારણાં ધડાધડ બંધ કરી દીધાં. હું તો ઘરમાં સલામત રીતે જાતે જ પુરાઈ ગયો.

હું ટેલિવિઝનના પડદા ઉપર શકીરાને પુનઃ જોવા-સાંભળવા લાગ્યો. પણ કોણ જાણે કેમ મારા ચિત્ત ઉપર તો પેલી ઝાડુધારી શ્રમિકાનું જ ચિત્ર દૃશ્યમાન થતું લાગ્યું. આપણે ત્યાં સફાઈ-કામદારો સહિતના કોઈ પણ મજૂરોને એમનું નામ પૂછવાની સભ્યતા કે સમજણ નથી. આથી, મેં મારી જાતને જ એક પ્રશ્ન પૂછી કાઢયો : એનું નામ શું હશે? થોડી વિચાર-રકઝકને અંતે ‘કોઈની કામચલાઉ ફોઈ’ બનતાં મેં એનું નામ પાડી દીધું : ‘શકરી’! આમ પણ, શકીરા(Shakira) અને શકરી(Shakari)ની જોડણીમાં ઘણી સામ્યતા છે. જોકે હવે મારું ધ્યાન શકીરામાંથી શકરી તરફ વધારે ખેંચાવા લાગ્યું. શબ્દોનાં માપિયાં લઈને હું શકીરા અને શકરીની તુલના કરવા લાગ્યો.

શકીરા સિંગર છે. શકરી સ્વીપર છે. શકીરાના હાથમાં માઇક છે. શકરીના હાથમાં ઝાડુ છે. શકીરા વિદેશી છે. શકરી દેશી છે. શકીરા ગોરી છે. શકરી રોગી છે. શકીરાને પૂરતાં કપડાં પહેરવાં નથી. શકરીને પહેરવાં પૂરતાં કપડાં નથી. શકીરા જિન્સના પેન્ટને કમર નીચે ખેસવીને કૂદકા મારે છે. શકરી ફાટેલા સાડલાની કિનારને કમર ઉપર ખોસવીને કચરો વાળે છે. શકીરાને પેટમાં ખાડો પાડવો હોય છે. શકરીને પેટનો ખાડો પૂરવો હોય છે. શકીરા માટે સલાડ ડિશ પૂરતી હોય છે. શકરી માટે વાળુનો થાળ પૂરતો હોતો નથી. શકીરા પૂરતું ખાતી નથી એટલે પાતળી છે. શકરીને પૂરતું ખાવા નથી મળતું એટલે પાતળી છે.

શકીરા ગ્લેમરસ છે. શકરી નિરસ છે. શકીરાને જોઈને લોકોને લાળ ટપકે છે. શકરીને જોઈને લોકોને ઊબકા થાય છે. શકીરાને અડી લઈએ એટલે ગંગા નાહ્યા એવી અનુભૂતિ થાય છે. શકરીને અડી જઈએ એટલે ગંગાજળથી નાહવું પડે એવી અનુભીતિ થાય છે. શકીરા તો લોકોને કામદેવતા લાગે છે. શકરી માટે તો કામ એ જ દેવતા છે. શકીરાના અંગપ્રદર્શનને લોકો ફાટી આંખે જોઈ રહે છે. શકરીના અંત્યજદર્શનથી લોકો મોઢું ફેરવી લે છે. શકીરા જે કંઈ કરે છે એ એની મરજીથી કરે છે. શકરી જે કંઈ કરે છે એ એની મજબૂરીથી કરે છે.

શકીરા નૃત્ય કરી જાણે છે. શકરી કૃત્ય કરી જાણે છે. શકીરા કેડ ઝુલાવે છે. શકરી કેડ ઝુકાવે છે. શકીરા ગમે તેમ ચાલી-વળી શકે છે. શકરી આખી ચાલી વાળી શકે છે. શકીરા બ્રેક ડાન્સ કરે છે. શકરીનું આખું શરીર ભાંગી ગયું છે. શકીરા ઊછળી શકે છે. શકરી ઊકળી મરે છે. શકીરા કૂદકા મારે છે. શકરી વલખાં મારે છે. શકીરા ચેનચાળા કરે છે. શકરીને ચેન નથી. શકીરાના ઠુમકા સૌને દેખાય છે. શકરીનાં ડૂસકાં કોઈને સંભળાતાં નથી. શકીરા સન બાથ લે છે. શકરી સૂર્યને બાથ ભરે છે.

શકીરા લોકપ્રિય છે. શકરી લોપપ્રિય છે. શકીરાનું તો નામ જ એવું છે કે તેને કોઈ કામ પૂછતું નથી. શકરીનું તો કામ જ એવું છે કે તેને કોઈ નામ પૂછતું નથી. શકીરાના એક જ ગાયન ઉપર કરોડો તાળીઓ પડતી રહે છે. શકરીના આખા જીવન ઉપર કોઈની નજર પણ પડતી નથી. શકીરા સાથે લોકો હાથ મિલાવે છે. શકરી લોકો માટે હાથ ચલાવે છે. શકીરાના હસ્તાક્ષર લેવા પડાપડી થાય છે. શકરી પોતાની હાજરી પુરાવવા મુકાદમને વિનંતિ કરે છે. શકીરા ‘હિપ્સ ડૉન્ટ લાઈ’ના ગીતથી ખ્યાતનામ બની છે. શકરી ‘એ...વાળુ આલજો...બા’ના સાદથી બદનામ બની છે. શકીરા આંતરરાષ્ટ્રીય હસ્તી છે. શકરી છેવાડાના છેવાડાની જણી છે. શકીરા પેજ થ્રી છે. શકરી પેજ ફ્રી છે. શકીરા ઓગણત્રીસ ઇંચના લંબચોરસ ટેલિવિઝન સ્ક્રીન ઉપર ધમાલ-મસ્તી કરતી નાચતી-ગાતી રહે છે. શકરી એકસો બત્રીસ ફૂટના રિંગરોડ ઉપર મૂંગી મૂંગી કામ કરતી રહે છે. શકીરા આજે ઇન્ટરનેટના કારણે આપણાથી નજીક છે. શકરી આજે પણ આભડછેટના કારણે આપણાથી દૂર છે. શકીરા સેંકડો વેબસાઇટ્‌સમાં છે. શકરી હજુ છેવટવાસમાં છે.

શકીરા માથામાં મેલું ઠાલવે છે. શકરી માથે મેલું ઉપાડે છે. શકીરા આંખોમાં ધૂળ નાખી શકે છે. શકરી તો આંખોને ધૂળમાં જ રાખ્યા કરે છે. શકીરા તો ચેષ્ટા સાથે કામ પાર પાડે છે. શકરી તો વિષ્ટા સાથે કામ પાર પાડે છે. શકીરા એકાદ ગીત ગાતાં ગાતાં કાદવ-કીચડમાં આળોટે તોય આપણને કંઈક કંઈક થાય. શકરી આખું આયખું છલકાતાં છલકાતાં મેલાંને માથે ઉપાડે તોય આપણને કશું ન થાય. શકીરા જીવતાં કૂતરાંને પંપાળી શકે છે. શકરી મરેલાં કૂતરાંને તાણી જાણે છે. શકીરા તો ક્યારેક સ્ટેજ શૉ આયોજિત કરે છે. શકરી તો રોજેરોજ વેસ્ટેજ શૉ દૂર કરે છે. શકીરાના ભાગે ઝાઝું મળતર હોય છે. શકરીના ભાગ્યમાં કેવળ મળ તરતું હોય છે. શકીરાના વ્યવસાયમાં જરીકે શરમ નથી. શકરીનો વ્યવસાય નર્યો શરમનો છે. શકીરાને કામની તાણ નથી. શકરીને તાણનું કામ છે. શકીરા મોડી રાત સુધી ગાતી રહે છે. શકરી વહેલી સવારથી કામે લાગે છે. શકીરા મોઘીંદાટ મોટરકાર ચલાવે છે. શકરી જર્જરિત ઠેલણગાડી હડસેલે છે.

શકીરા કોલંબિયન છે એનું ગૌરવ એનો આખો દેશ લે છે. શકરી ઇંડિયન છે એનું ગૌરવ એ પોતે લઈ શકતી નથી. શકીરા ભારતમાં ક્યારે આવવાની છે એની આપણાં સમૂહ માધ્યમોમાં ભારે ચર્ચા થઈ હતી. શકરી ભારતમાં જ રહે છે, છતાં એની આપણાં સમૂહ માધ્યમોમાં ભાગ્યે જ ચર્ચા થાય છે. શકીરા સનસનાટી ફેલાવી શકે છે. શકરી સૂગસૂગાટી અટકાવી શકે છે. અખબારોમાં શકીરાની તસવીરો-મુલાકાતો છપાતી-પ્રગટતી રહે છે, પણ શકરી સંદર્ભે લખાતું-ચર્ચાતું નથી. રેડિયોમાં શકીરાનાં ગીત-સંગીત ગૂજતાં-ગાજતાં રહે છે, પણ શકરીની આપવીતી સંભળાતી નથી. ટેલિવિઝનમાં શકીરાનાં નાચ-ગાન જોવાં-સાંભળવાં મળે છે, પણ શકરીનો ઉલ્લેખ થતો નથી. ઇન્ટરનેટમાં શકીરા વિષયક સંખ્યાબંધ વેબપેજ છે, પણ શકરી વિશે ડાઉનલોડ કરવા જેવું ખાસ કશું નથી.

આપણે એ ન ભૂલીએ કે શકીરા પાસે કંઠસૂઝ છે તો શકરી પાસે કોઠાસૂઝ છે. શકીરા સૌંદર્યવાન છે તો શકરી સફાઈદાર છે. શકીરા હાથમાં માઇક નહીં પકડે તો આપણને બહુ ફેર નહીં પડે, પણ શકરી હાથમાં ઝાડુ નહીં પકડે તો આપણે ક્યાંય હેરફેર નહીં કરી શકીએ. શકરી સાચા અર્થમાં શ્રમમાતા અને સફાઈદેવી છે. આપણા સમાજને શકીરા કરતાં શકરીની વધારે જરૂર છે. શકરી સમાજ માટે જે ભોગ આપે છે એના માટે અંગ્રેજી ભાષામાં 'સેકરીફાઇસ'ની નજીકના શબ્દ તરીકે 'શકરીફાઇસ' શબ્દ ઉમેરવો જોઈએ! કમનસીબે આપણાં સમૂહ માધ્યમો શકીરાની સરખામણીમાં શકરીને બહુ જ ઓછી જગ્યા(Space) અને બહુ જ ઓછો સમય(Time) ફાળવે છે. આપણે સૌએ સમાજમાં શકરીનું મૂલ્ય આંકવાની-સ્વીકારવાની જરૂર છે. શકરી સમાજ-મૂલ્ય ધરાવતી હશે તો કોઈ દિવસ સમાચાર-મૂલ્ય પણ ધરાવતી થશે!

.................................................................................................................................

સૌજન્ય : 

'દલિત અધિકાર' પાક્ષિક, ૦૧ -૦૮-૨૦૦૯, પૃષ્ઠ : ૦૭

પુનર્મુદ્રણ :
'નિરીક્ષક' પાક્ષિક

પુનર્મુદ્રણ :
'વલોણું' માસિક, સપ્ટેમ્બર, ૨૦૦૯, પૃષ્ઠ : ૦૫ અને ૦૪

પુનર્મુદ્રણ : 
પુસ્તક : 'વૈશ્વિકીકરણનાં વહેણ અને વમળ : મારી નજરે'
સંપાદક : ઉત્તમ પરમાર
પ્રકાશક : કીમ એજ્યુકેશન સોસાયટી, કીમ - ૩૯૪ ૧૧૦, જિલ્લો : સૂરત
પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી, ૨૦૧૧
પૃષ્ઠ : ૫૫-૫૭

પુનર્મુદ્રણ :
'કૃત સંકલ્પ' સામયિક, ૨૫-૦૭-૨૦૧૧, પૃષ્ઠ : ૧૩-૧૪

પુનર્મુદ્રણ :
'લોકસંવાદ', નવેમ્બર, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬-૨૭

પુનર્મુદ્રણ :
'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), નવેંબર-ડિસેંબર, 2013; અંક : 14, પૃષ્ઠ : 03-05

પુનર્મુદ્રણ : 
પુસ્તક : '@સ્વચ્છતા.com' (ISBN-9789383983421)
સંપાદક : રમેશ ઠક્કર, હરદ્વાર ગોસ્વામી
પ્રકાશક : બૂકશેલ્ફ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી, ૨૦૧૫
પૃષ્ઠ :?

પુનર્મુદ્રણ :
'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૪-૨૦૧૫; અંક : ૨૬૮, પૃષ્ઠ : ૧૦-૧૧

પુનર્મુદ્રણ :
'જનસત્તા' દૈનિક, અમદાવાદ, ૨૬-૦૪-૨૦૧૫, રવિવાર, પૃષ્ઠ : ૦૭-૦૮

પુનર્મુદ્રણ :
'જનકલ્યાણ' માસિક, અમદાવાદ, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૩૪-૩૫

પુનર્મુદ્રણ :
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૯-૦૩-૨૦૨૧

ગાંધીજી કહે છે : વાણીની હિંસા વિશે


" ... વાણીની હિંસાથી બચવાનો માર્ગ એ છે કે ઓછામાં ઓછું બોલવું ને વગર વિચાર્યે તો ન જ બોલવું. "

- ગાંધીજી 

૧૩-૧૨-૧૯૨૫



Wednesday, June 19, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 620


'ના રીતું, ના રાયણી'

ઉપરની પંક્તિ ન સમજાય એનું કારણ એ કે, સાચી જગ્યા ખોટી જગ્યાએ છોડવામાં આવી છે!

 હવે, વાંચો :

'નારી, તું નારાયણી' (!)


બદલાતાં માનસ અને ફાનસ : તેલ-વાટ-દીવાસળી નહીં પણ વીજ-ગોળો-કળ !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Tuesday, June 18, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 619


સામૂહિક હત્યાકાંડ જોઈને પોલીસ ચોંકી ગઈ.
સામૂહિક હત્યાકાંડ જોઈને પોલીસ ચોકી ગઈ. (!)

ભાષાની મજા, મજાની ભાષા - 618


ઝાડ નીચે પ લાશને  જોઈને માતા-પિતાને હાશ થઈ.
ઝાડ નીચે પલાશને  જોઈને માતા-પિતાને હાશ થઈ. (!)



ભાષાની મજા, મજાની ભાષા - 617


શેઠાણીએ કામવાળા બહેનને બે સાડી ને એક જોડ કપડાં આપ્યાં.
શેઠાણીએ કામવાળા બહેનને બેસાડીને એક જોડ કપડાં આપ્યાં. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 616


સાચો શબ્દ કયો?
આલ્હાદક કે આહ્લાદક?!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 80


'Guarantee' અને 'Warranty'માં ભલાં અને ભલભલાં લોકો ગૂંચવણ અને મૂંઝવણ અનુભવે છે! 

અંગ્રેજી ભાષા, દેશી મજા : 79


કાર ભલે 'drive' કરો, પણ બાઈક 'ride' જ કરજો!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 78



તમે કોઈ કાર્યક્રમ માટે 'sponsor' ભલે શોધો, પણ 'sponsorer' શોધશો નહીં!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 77



'Bed-sheet' અને 'Bad shit' લખતી-બોલતી-વાંચતી વખતે સાવધ રહીએ ! 

અંગ્રેજી ભાષા, દેશી મજા : 76


તમને 'than' કરતાં 'then' પછી જુદો જ જણાય છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 615


સી.એન.પટેલ કરતાં ચી.ના.પટેલ વધુ પોતીકું નામ  લાગે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 614


કિશોરલાલ નશ્યામદાસ શરૂવાળાનું મિતાક્ષર નામ કરો ત્યારે ગુજરાતીમાં 'કે.જી.એમ.' કરતાં 'કિ.ઘ.મ.' લખવું વધારે આવકાર્ય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 613


'અમે પ રાગનું સંગીત સાંભળીને પ્રસન્નતા અનુભવી.'
'અમે પરાગનું સંગીત સાંભળીને પ્રસન્નતા અનુભવી.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 612


ધીમેથી વરસાદ પડ્યો ને નવોઢા શરમાઈ ગઈ.
ધીમેથી વર સાદ પડ્યો ને નવોઢા શરમાઈ ગઈ. (!)


ભાષાની મજા, મજાની ભાષા - 611


ગુજરાતી 'દર્દી' પુંલિંગ હોય છે, પણ અંગ્રેજી 'પેશન્ટ' નપુંસકલિંગ હોય છે!                                                                    
દા.ત. : દાક્તર પરિચારિકાને આ પ્રમાણે સૂચના આપશે : "205 Eનું પેશન્ટ દુખાવાની બહુ ફરિયાદ કરે તો મને તાત્કાલિક જાણ કરજો." 


અનુસ્વાર અષ્ટક : સુન્દરમ્

હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું ,
મુજને સદા યોજો સમજથી, ચિત બનશે ઇન્દ્ર શું,
મુજ સ્થાન ક્યાં મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી,
તો સજ્જ બનશો જ્ઞાનથી, સૌન્દર્યથી ને ક્ષેમથી.

તો પ્રથમ જાણો 'હું' અને 'તું' માં સદા મુજ વાસ છે,
આ જ્ઞાન વિણ 'હું-હું' અને 'તું-તું' સમો ઉપહાસ છે;
હું 'કરું' - 'વાંચુ'- 'લખુ' જોજો એમ લખશો લેશ તો,
મા ભારતીના રમ્ય વદને લાગતી શી મેશ જો.

નરમાં કદી નહિ, નારીમાં ના એકવચને હું રહું,
હું કિંતુ નારી- બહુવચનમાં માનવંતું પદ ગ્રહું ;
' બા ગયાં, 'આવ્યાં બેન મોટા' એમ જો ના તમે લખો,
' બા ગયા',  'આવ્યા બેન મોટા' શો પછી બનશે ડખો.

ને  નાન્યતરમાં તો ઘણી સેવક તણી છે હાજરી,
લો, મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરી;
સૌ મુજ વિશેષણ એક ને બહુવચનમાં રાખો મને,
યાચું કૃપા આ ખાસ, મારો ભરખ ત્યાં ઝાઝો બને.

‘ શું ફૂલ પેલું શોભતું ! ’ જો આવું પ્રેમે ઉચ્ચરો,
‘ શાં ફુલ પેલાં શોભતાં ’ બહુવચનમાં વાણી કરો ;
‘ મોજું ’ નિહાળો એક નીરે, ત્યાં પછી ‘ મોજા’ બને,
‘ બમણાં’ અને ‘ તમણાં’ પછી ‘ અણગણ્યાં’ કોણ કહો ગણે?

ને બંધુ, પીતાં ‘ નીર ઠંડું’ નાં મને પણ પી જતા,
ને ‘ ઝાડ ઊંચા’ પર ચડો તો ના મને ગબડાવતા;
‘ બકરા’ અને ‘ બકરાં’, ‘ ગધેડા’ ને ‘ ગધેડાં’ એક ના,
‘ ગાડાં’ અને ‘ગાંડા’ મહી જે ભેદ ભૂલો છેક ના.

ને જ્યાં ન મારો ખપ, મને ત્યાં લે જતા ન કૃપા કરી,
નરજાતિ સંગે મૂકતાં, પગ મૂકજો નિત્યે ડરી,
કો મલ્લને એવું કહ્યું જો, ‘ ક્યાં ગયાં ’ તાં આપ જી ?’
જોજો મળે નાં મુક્કાનો મહા સરપાવ જી.

તો મિત્ર, મારી નમ્ર અરજી આટલી મનમાં ધરો,
લખતાં અને વદતાં મને ના સ્વપ્નમાંયે વિસ્મરો,
હું રમ્ય ગુંજન ગુંજતું નિત જ્ઞાનના પુષ્પે ઠરું ,
અજ્ઞાનમાં પણ ડંખું – કિંતુ એ કથા નહિ હું કરું.

( દોહરા)
અનુંસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,
પ્રેમ થાકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.
છાપે છાપે છાપજો, પુસ્તક પુસ્તક માંહ્ય,
કંઠ કંઠ કરજો, થશે શારદ માત સહાય.
પાક્કો આનો પાઠ જો કરવાને મન થાય,
સૂચન એક સમર્પું તો, કમર કસી લો, ભાઈ!
નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઇ ખાસ,
અનુસ્વાર એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ.


સુન્દરમ્



અંગ્રેજી ભાષા, દેશી મજા : 75


'Highly Inflammable'નું ગુજરાતી ભાષાંતર 'મહાબળેશ્વર' કરાય?! 


અંગ્રેજી ભાષા, દેશી મજા : 74


'Accountant'ની પત્નીને 'એકાઉન્ટન્ટી' ન કહેવાય! 

કાન : કામણગારા અને કારણગારા !


માલધારીના કાન : ઓળખનું અસ્તિત્વ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર



માલઢોરના કાન : અસ્તિત્વની ઓળખ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

                                      

અંગ્રેજી ભાષા, દેશી મજા : 73


'શિંગડાં માંડતાં શીખવે એ શિક્ષણ'.

મનુભાઈ પંચોળી - 'દર્શક'ના ઉપરોક્ત અવતરણનો અંગ્રેજી ભાષામાં સંક્ષિપ્ત, સરળ, સચોટ ભાવાનુવાદ આ પ્રમાણે કરી શકાય? :

'Horn, Please !'

અંગ્રેજી ભાષા, દેશી મજા : 72



1942 : 'Do or Die' 
2012 : 'Do your Dye' (!)

અંગ્રેજી ભાષા, દેશી મજા : 71

       ________________________
     /                                               /
    / 'FRESH FISH SOLD HERE' /
   /_______________________/
                         //                                                    
                        //
                       //

                     

       ________________________
     /                                               /
    /     'FRESH FISH SOLD'        /
   /_______________________/
                         //                                                    
                        //
                       //


       ________________________
     /                                               /
    /         'FRESH FISH'               /
   /_______________________/
                         //                                                    
                        //
                       //


       ________________________
     /                                               /
    /              'FISH'                       /
   /_______________________/
                         //                                                    
                        //
                       //


      ________________________
     /                                               /
    /                                               /
   /_______________________/
                         //                                                    
                        //
                       //





                         //                                                    
                        //
                       //





અંગ્રેજી ભાષા, દેશી મજા : 70


'soldiers'ના 'shoulders' મજબૂત હોવા જોઈએ!  

અંગ્રેજી ભાષા, દેશી મજા : 69


ગુજરાતી 'પથ' અને અંગ્રેજી 'Path'નો અર્થ છેવટે તો આપણને એક જ રસ્તે લઈ જાય છે! 

અંગ્રેજી ભાષા, દેશી મજા : 68


સાચું શું? :
'Blue-truth' કે 'Blue-tooth'?!

Monday, June 17, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 610


'સણોસરાની 'લોકભારતી' સંસ્થામાં ત્રણસો કેસર કેરીના આંબા હતા.'  
'સણોસરાની 'લોકભારતી' સંસ્થામાં કેસર કેરીના ત્રણસો આંબા હતા.'


ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન


Courtesy : google image


ડૉ. અશ્વિનકુમાર

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

.........................................................

ગાંધીજીએ જીવનને જીવી જાણ્યું, મરણને પણ જીવી જાણ્યું. ગાંધીજીએ જિંદગીની પ્રત્યેક પળનો જેટલો સદુપયોગ કર્યો છે એટલો ભાગ્યે જ બીજા કોઈએ કર્યો હશે, વર્તમાનમાં કોઈ કરતું હશે, ભવિષ્યમાં કોઈ કરી શકશે! આપણે તો સમયના કાંટા છૂટી પડશે એ બીકે તેને બરાબર પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં રોજેરોજ લટકતાં રહીએ છીએ. જયારે ગાંધીજીએ તો સમયને કમરની ડાબી બાજુએ બરાબરનો લટકાવી રાખ્યો હતો!

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઈ.સ.૧૯૦૪માં ફિનિક્સ વસાહત અને ઈ.સ.૧૯૧૦માં ટોલ્સટોય ફાર્મની સ્થાપના કરી હતી. ગાંધીજીની જીવન-શાળામાં હૈયુ, હાથ અને મસ્તક કેળવાતાં હતાં. આજથી લગભગ સો વર્ષ પહેલાંનું, ગાંધીજીનું સમયપત્રક જોવાથી આપણને એ ખ્યાલ આવશે કે, તેઓ કેવળ શિક્ષણ નહીં પણ નિરંતર કેળવણી આપવામાં શ્રદ્ધા ધરાવતા હતા. ગાંધીજીના ત્રીજા દીકરા રામદાસ ગાંધી (જન્મ : ઈ.સ.૧૮૯૮, ડરબન) 'સંસ્મરણો' નામના પુસ્તકમાં 'બાપુની શાળામાં' શીર્ષકતળેના પ્રકરણમાં નોંધે છે : "ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મોમાં અમારી દિનચર્યા નીચે પ્રમાણે રહેતી :

સવારે ૫-૩૦ ઊઠવું
૫-૩૦થી ૭-૦ નિત્યકર્મ તથા પ્રાર્થના
૭-૦થી ૮-૦ ખેતીકામ
૮-૦થી ૯-૦ નાસ્તો
૯-૦થી ૧૧-૦ ખેતીકામ, સફાઈ, રસોડાકામ, કાવડથી પાણી ભરવું, લાકડાં ફાડવાં, મોચીકામ, છાપકામ વગેરે શ્રમકાર્ય વારાફરતી થતાં.
૧૧-૦થી ૧-૦ સ્નાન, ભોજન, વાસણ સફાઈ અને આરામ
૧-૦થી ૪-૩૦ શિક્ષણ
૪-૩૦થી ૫-૩૦ ખેતી અને લાકડાં ફાડવાં વગેરે
૫-૩૦થી ૬-૩૦ રમતગમત [ ફૂટબોલ, ક્રિકેટ, હુતુતુ, આટાપાટા અને છૂટી દડી વગેરે દેશી રમતો રમતા.]
૬-૩૦થી ૮-૦ ભોજન, વાસણની અને રસોડાની સફાઈ
૮-૦થી ૯-૦ પ્રાર્થના અને ધાર્મિક પુસ્તકનું વાચન
૯-૦થી ૧૦-૦ સ્વાધ્યાય
૧૦-૦થી ૫-૩૦ શયન "                                  
(ગાંધી, ૧૯૬૭, પૃ.૩૬)

સમયપત્રકને અસરકારક બનાવવા માટે ચુસ્ત સમયપાલન કરવું પડે. આ માટે સમયશિસ્ત કોઈ પણ ભોગે જાળવવી પડે. આપણી શિક્ષણ-સંસ્થાઓમાં ઘંટના ટકોરાથી સમય-સભાનતા ઊભી કરવામાં આવે છે. જોકે આપણે સવારે વહેલાં ન ઊઠીએ તો પછી આખા દિવસનું સમયપત્રક ખોરવાઈ જવાની સંભાવના રહે છે. ગાંધીજીના આશ્રમમાં દિવસ તો સૂર્યોદય પહેલાં ઊગી જતો! આશ્રમજીવીઓએ નિયમિત રીતે, નિયત સમયે પથારી છોડી દેવી પડતી હતી. આ મામલે વિનોબાના ભાઈ બાળકોબા ભાવે ગાંધીજીના આશ્રમજીવનને યાદ કરતાં લખે છે : "વહેલી સવારે ઊઠવા માટે ચાર વાગે ઘંટ વાગતો. એ ઘંટનો અવાજ કાનને અત્યંત કર્કશ લાગતો. હકીકતે એ ઘંટ જ નહોતો, પણ થાળી ઉપર વાટકો ખખડાવીને અવાજ કરવામાં આવતો. ગમે તેટલી ઊંઘ આવતી હોય તો પણ પથારી છોડી ઊઠ્યા વિના કોઈનો છૂટકો થતો નહિ." (ભાવે, ૧૯૬૫, પૃ.૩૦)

ગાંધીજી દરેક કામ માટે વખત અને દરેક વખત માટે કામ ફાળવતા હતા. તેઓ કાર્ય સાથે સમયનો પાકો હિસાબ રાખતા હતા. રચનાત્મક કાર્યકર અને સર્જનાત્મક કેળવણીકાર જુગતરામ દવે ગાંધીજીના સમયપત્રકનું આ મુજબ અવલોકન કરે છે : "સત્યાગ્રહીની દિનચર્યા કેવી હોય તે જોઈ? એમાં એક પણ પળ આળસમાં ગાળેલી જોવામાં નહીં આવે. ગાંધીજીની દિનચર્યામાં બીજી ખૂબી એ છે કે તેઓ પોતાના દિવસના કામનું સમયપત્રક બનાવે છે અને તે પ્રમાણે મિનિટે મિનિટ ઉતારે છે. જે કામને માટે જે કલાક નક્કી થયો હોય તે કામ તે જ કલાકે શરુ કરે અને તે જ કલાકે પૂરું કરે. પોતાનો આખો દિવસ તેઓ ઘડિયાળને કાંટે પસાર કરે છે. દિવસે શું શું કામ ક્યારે કર્યું એની રોજનીશી પણ તેઓ રાખે છે અને રાત્રે સૂતાં પહેલાં તે જોઈ જાય છે." (દવે, ૧૯૬૯, પૃ.૧૭)

ગાંધીજી નવમી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ સ્વદેશપરત આવ્યા. તેઓ સાર્વજનિક જીવનમાં જેમ જેમ વ્યસ્ત થતા ગયા તેમ તેમ તેમને સમય-અભાન એવા અસ્તવ્યસ્ત જનમાનસનો અનુભવ થતો ગયો. આથી, ગાંધીજી 'યંગ ઇન્ડિયા' (૦૬-૧૧-૧૯૨૪)માં 'સમયનું ભાન' મથાળા હેઠળ સાફ-સાફ લખે છે : "...આપણે ભણેલા લોકો દરેક બાબતમાં ખૂબ જ મોડા પડીએ છીએ. આપણી સભાઓ સમયસર શરૂ થાય એ આવશ્યક નથી. નિયત સમયે કાર્યવાહી શરૂ ન કરવી એ બહુ સામાન્ય વાત થઈ પડી છે. ઘણી વાર એક માણસની ગેરહાજરી સેંકડો, બલકે હજારો લોકોને બેસાડી રાખવાનું પૂરતું કારણ માની લેવામાં આવે છે. જે રાષ્ટ્ર આ રીતે થોભી શકે છે તેનામાં પાર વગરની ધીરજ અને ખામોશી છે એમ કહી શકાય. પરંતુ તેની પ્રગતિ માટે એ ખતરનાક છે." (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ ૨૫, પૃ. ૨૭૩)

ધ્યાન ખેંચે તેવી શારીરિક ઊંચાઈ અને ધન્ય થઈ થઈ જવાય તેવી આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતા ખાન અબદુલ ગફ્ફારખાને પણ ગાંધીજીના સમયપાલનને ખાસ ધ્યાનમાં લીધું હતું. સર્વપલ્લી રાધાકૃષ્ણન સંપાદિત 'મહાત્મા ગાંધી શતાબ્દી ગ્રંથ'માં 'સરહદના ગાંધી' એટલે ખાન અબદુલ ગફ્ફારખાન 'સમયહદના ગાંધી' વિશે સંસ્મરણો વાગોળતાં કહે છે : "હું વર્ધા રહ્યો એ દરમ્યાન મને ગાંધીજીમાં સૌથી વધુ ધ્યાનપાત્ર કોઈ વસ્તુ લાગી હોય તો તે બધી બાબતમાં તેમની નિયમિતતા હતી.તેમનું ભોજન, ફરવા જવાનું, ઊંઘવાનું અને પ્રાર્થના બધું જ સમયસર થતું." (રાધાકૃષ્ણન(સં.), ૧૯૭૦, પૃ.૧૬૧)

સમય-સજાગ ગાંધીજી વિષયક ઉપરોક્ત ચર્ચામાંથી આટલા મુદ્દા વેળાસર તારવી લઈએ : (૧) શિક્ષણ-જીવન અને જીવન-શિક્ષણ માટે હૈયુ, હાથ અને મસ્તક ( ત્રણ એચ - હાર્ટ, હેન્ડ, હેડ)ની કેળવણી થાય તેવું સમયપત્રક ગોઠવવું જોઈએ. (૨) વિદ્યા-ઉપાસકોના સમયપત્રકમાં પૂર્વસૂર્યોદય-પથારીત્યાગ અતિ અગત્યની ઘટના છે! (૩) સમયપત્રકમાં આયોજન સાથે અમલીકરણ અનિવાર્ય છે તો રોજનીશી-લેખન આવશ્યક છે. (૪) સમયપાલનના અભાવે થતો વખતનો બગાડ ચિંતાનો વિષય જ નહીં, ટીકાનો મુદ્દો બનવો-બનાવવો જોઈએ. (૫) આપણી દિનચર્યામાં ભણતર સહિતની ઘડતર અને ચણતર કરતી તમામ ક્રિયા-પ્રક્રિયા સમયસર થવી જોઈએ.

ગાંધીજી સત્ય સારુ જીવ્યા, સમય સાથે જીવ્યા. ગાંધીજી માટે જેવો આગ્રહ સત્યપાલનનો છે, એવો જ આગ્રહ સમયપાલનનો છે. આપણે એ સત્ય તો સ્વીકારીએ કે સમયનો બગાડ એ પણ હિંસા છે! આપણે ભલે વિદ્યાર્થી હોઈએ કે વ્યાખ્યાતા, સંશોધક હોઈએ કે શિક્ષક; આપણે શિક્ષણની ક્ષણક્ષણનો હિસાબ આપીએ અને લઈએ.

.........................................................

સાભાર સંદર્ભ-સૂચિ

ગાંધી, મોહનદાસ કરમચંદ (૧૯૭૨). ગાંધીજીનો અક્ષરદેહ (ગ્રંથ-૨૫). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ગાંધી, રામદાસ (૧૯૬૭). સંસ્મરણો. અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

દવે, જુગતરામ (૧૯૬૯). ગાંધીજી (પ્રથમ આવૃત્તિ, ૧૯૨૯, પાંચમી આવૃત્તિ, ૧૯૩૯, પુનર્મુદ્રણ, સપ્ટેમ્બર, ૧૯૬૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ભાવે, બાળકોબા (૧૯૬૫). વિનોબા સાથે બાળપણમાં (ઈ.સ.૧૯૧૩થી ૧૯૧૮) (પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૧૯૬૫, પુનર્મુદ્રણ, મે, ૧૯૬૫). વડોદરા : યજ્ઞ પ્રકાશન.

રાધાકૃષ્ણન, સર્વપલ્લી(સં.) (૧૯૭૦). મહાત્મા ગાંધી શતાબ્દી ગ્રંથ.અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

....................................................................
સૌજન્ય :

'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃષ્ઠ : ૪૦-૪૧

અંગ્રેજી ભાષા, દેશી મજા : 67

'Gynecologist' અને 'Obstetrician' જુદા છે?!   

Saturday, June 15, 2013

'કળા' અને 'નવજીવન', કળાને નવજીવન


ચિત્રકાર, છબીકાર રમેશ ઠાકરે સર્જેલાં એક સો ગાંધી ચિત્રોના નોખી ભાતના પુસ્તક(100 Tributes to Gandhiji on his 100 portraits by his 100 contemporaries in their own handwriting)નો લોકાર્પણ-કાર્યક્રમ

પ્રસંગ-સ્થળ અને પુસ્તક-પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ : 380 014

તારીખ : 15-06-2013, શનિવાર, સાંજે સાડા છ કલાકે


વિવેક દેસાઈ
Photograph : Ashwinkumar          છબી : અશ્વિનકુમાર



ઉર્વીશ કોઠારી
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર

રજનીકુમાર પંડ્યા
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર


રમેશ ઠાકર
Photograph : Ashwinkumar     છબી : અશ્વિનકુમાર

કાંતિભાઈ પટેલ
Photograph : Ashwinkumar  છબી : અશ્વિનકુમાર

ચંદ્રકાંત ઉપાધ્યાય 
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર


કપિલ રાવલ 
Photograph : Ashwinkumar             છબી : અશ્વિનકુમાર


પુસ્તક-લોકાર્પણ : વિવેક દેસાઈ, ચંદ્રકાંત ઉપાધ્યાય, કાંતિભાઈ પટેલ, ધીરુભાઈ મહેતા, રમેશ ઠાકર, રજનીકુમાર પંડ્યા
Photograph : Ashwinkumar                               છબી : અશ્વિનકુમાર