Showing posts with label Raghuveer Chaudhary - Teacher. Show all posts
Showing posts with label Raghuveer Chaudhary - Teacher. Show all posts

Sunday, January 20, 2013

તિલક કરું રઘુવીરને !

- અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ : ૩૮૦ ૦૧૪
-------------------------------------------------------------------------------------------------------

રઘુવીર ચૌધરી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ભૌતિકશાસ્ત્રમાં વિજ્ઞાન-સ્નાતક થયા બાદ અમે પત્રકારત્વનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ સારુ ઈ.સ.૧૯૯૩-૯૪માં ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે પત્રકારત્વ વિભાગ ભાષા-સાહિત્ય ભવનના છેક ઉપલા માળે બેસતો હતો. સવારની પાળીમાં વર્ગો લેવાતા હતા. જેથી બપોર બાદ વાચન-લેખન, ક્ષેત્રકાર્ય, તાલીમ અને કેટલાક ખાસ કિસ્સામાં ઊંઘ-આરામને પણ યથાશક્તિ અવકાશ રહે! અમારા સમયપત્રકમાં 'સાંપ્રત પ્રવાહો' અને  'લેખન-કૌશલ્ય' અંગેના વિષયોની સામે રઘુવીર ચૌધરીનું નામ લખેલું હતું. એક પાકટ સવારે તેઓ વર્ગખંડમાં પ્રગટ થયા. નયન અને હૃદયમાં કંઈક આવી છબી પડી : ' ધ્યાનમાં લેવી જ પડે એવી ઊંચાઈ અને ધ્યાન આપ્યું હોય એવું શરીર, ચાલમાં તરવરાટ અને ચહેરામાં મલકાટ, પૂર્ણ રૂપેરી કેશ અને સાદગીપૂર્ણ પહેરવેશ!' તેમણે પોતાનો સાવ સાદો-સીધો, આછો-ટૂંકો પરિચય આપ્યો. વિદ્યાર્થીઓએ પોતાનાં નામ-ઠામ, લાયકાત-લક્ષ્ય કહ્યાં. 'લેખન-કૌશલ્ય'ની ગણેશ-સ્થાપના કરતા તેમણે વિદ્યાર્થીઓને મહત્તમ બે પાનાંમાં 'સ્વ-પરિચય' લખવા કહ્યું. તમામ વિદ્યાર્થીઓનાં લખાણને એકત્ર કરીને, લેખન વિષયક કેટલાક મુદ્દા ઉપસાવીને, તેમણે તાસને સમેટી લીધો. રઘુવીર સાથેનો અમારો આ પહેલો સાક્ષાત્કાર!

સપ્તાહ બાદ, બીજો વર્ગ હતો. આ વર્ગમાં તેઓ પ્રત્યેક વિદ્યાર્થીનું લખાણ સારી પેઠે તપાસીને લાવ્યા હતા. અમે ગુજરાતી ભાષામાં લખાયેલા અમારા પરિચયમાં સ્નાતક કક્ષાના વિષય તરીકે 'Physics' શબ્દ વાપર્યો હતો. તેમણે આ અંગ્રેજી શબ્દની જગ્યાએ ગુજરાતી શબ્દ 'ભૌતિકશાસ્ત્ર'નો પ્રયોગ કરવાનું કહ્યું. તેમનું આ સહજ સૂચન અમારા માટે ગુજરાતી હોવાના ગૌરવમાં પરિણમ્યું. આમ, પત્રકારત્વમાં માતૃભાષાનાં આદર અને અગત્યનો પહેલો પાઠ અમે રઘુવીરભાઈ થકી શીખ્યા. અમારા પરિચય-આલેખ ઉપર ઝડપથી નજર ફેરવીને છેલ્લે તેમણે મલકાતા-મલકાતા કહ્યું : "તમે ભૌતિકશાસ્ત્રમાં ત્રેસઠ ટકા ગુણ સાથે સ્નાતક થયા છો તો તમારે વિજ્ઞાનના જ વિષય અને ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવો જોઈએ. તમને નથી લાગતું કે તમે પત્રકારત્વના વિષયમાં ખોટા આવ્યા છો?!" અમે જવાબ વાળ્યો : "સાહેબ, અમે વિજ્ઞાનના વિષયમાં જ ખોટા ગયા હતા. પત્રકારત્વના વિષયમાં તો બરાબર જ આવ્યા છીએ !" એમની સાથેનો અમારો આ પ્રથમ સંવાદ હતો અને એ પણ રઘુવીરશૈલીમાં ! આખો વર્ગ હસી પડ્યો, તેમના હોઠ પણ મરક-મરક થયા. તેમણે અમારી રમૂજને સહજ લીધી. આજે વિદ્યાર્થીઓ, વ્યાખ્યાન, વર્ગખંડ અને વાતાવરણને હળવાં રાખવાના અમે સ્વાભાવિક પ્રયત્નો કરીએ છીએ એનાં મૂળ કોઈ આવી જ ઘટનાઓએ મૂક્યાં હશે ને?!

રઘુવીર ચૌધરી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના હિંદી વિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ. તેમની સક્રિયતાથી ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગની સ્થાપના થઈ. રઘુવીરભાઈ આ વિભાગના મુલાકાતી અધ્યાપક અને માનદ અધ્યક્ષ થયા. તેઓ એ સમયે 'સંદેશ' દૈનિકમાં 'આંખ આડા કાન' અને 'વૈશાખનંદનની ડાયરી' નામે સાપ્તાહિક કતારલેખન કરતા હતા. જેના કારણે એમનાં બંને પ્રશ્નપત્રોની પ્રાયોગિક ચર્ચા પણ સારી પેઠે થતી હતી. વધારામાં, તેઓ વિવિધ સમાચારપત્રો, વિચારપત્રો, સામયિકો અને તંત્રીઓ, સંપાદકો, માલિકો તેમ જ સાહિત્યકારો, લેખકો, પત્રકારો સાથેના સંબંધો-સંઘર્ષોની રસપ્રદ વાતો માંડતા હતા. વર્ગ સિવાય પણ, પરસાળમાં આવતાં-જતાં કે ભવનનાં પગથિયાં ચડતાં-ઊતરતાં તેઓ વિદ્યાર્થીઓની પૃચ્છાનું સમાધાન અને છેવટે સ્મિત કરતા રહેતા. વાચન-લેખનમાં જેમનો રસ વિશેષ હોય તેમનામાં તેઓ વિશેષ રસ લેતા. એક વખત અમે એમની હાસ્ય નવલકથા 'એકલવ્ય' વિશે જાણવાની જિજ્ઞાસા બતાવી. થોડા દિવસમાં તો એમના સૌજન્યથી, અમે અમારા ડાબા હાથના અંગૂઠાની મદદથી 'એકલવ્ય'નાં પાનાં ફેરવતાં હતાં! પત્રકારત્વ  વિભાગમાં રઘુવીરભાઈએ અમારાં લખાણ ઘણાં સુધાર્યાં છે એટલે અમે પત્રકારત્વના ઘણા વિદ્યાર્થીઓનાં લખાણ સુધારી શક્યાં છીએ.

એક શિક્ષક તરીકે રઘુવીરભાઈની  વિશેષતા એ કે તેઓ બહુ અઘરી વાતને સાવ સરળ રીતે રજૂ કરી દે. વાત અને રજૂઆત એવી કે તેમના નિર્ભયી વ્યક્તિત્વની છાપ પડે જ. કેટલાક લોકોને એમનો ડર લાગે તો એ સમસ્યા ડરનારાઓની છે એમ માનવું! તેમનાથી દૂર રહેનારા એવું માને છે કે તેઓ આખાબોલા છે. તેમની નજીક રહેનારાને એવું લાગે છે કે તેઓ સાચાબોલા છે. તેઓ વ્યંગની કુહાડીથી એક ઘા અને બે નહીં પણ અનેક કટકા કરી શકે છે. આ કટકા પાછા સામાવાળાએ જ ગણવાના અને વીણવાના! જોકે રઘુવીરભાઈ તમામ વિદ્યાર્થીઓને "તમે" કહીને જ બોલાવે. તેમની સામેલગીરી અને સ્મૃતિ એટલી સબૂત કે વર્ગાંતે હાજરી પૂરતી વખતે તેઓ સામે જોયા વગર જ કહે કે કયા કયા વિદ્યાર્થીઓ ગેરહાજર છે. રઘુવીર ચૌધરી વિશે વિનોદ ભટ્ટ યોગ્ય કહે છે : "રઘુવીર એટલે આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ." રઘુવીરભાઈએ અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો જ નહીં, સુધારો કરવાનું કામ કર્યું છે.

રઘુવીરભાઈનું વ્યાખ્યાન સંકુલ કરતાં સરળ વધુ અને ચુસ્ત કરતાં પ્રવાહી વધુ રહેતું. વાતચીતની શૈલીથી રસાયેલું તેમનું વ્યાખ્યાન વિદ્યાર્થીઓને આંજવાનું નહીં માંજવાનું કામ કરતું. તેઓ ધીમા પણ મક્કમ અવાજે બોલે. એમનું વ્યક્તિત્વ અને એમની વાતો પણ એવી કે કાન સરવા રાખવા પડે, કલમ સાવધ રાખવી પડે. એક વેળા તેઓ એવું બોલ્યા : "શિક્ષણનું અંતિમ ધ્યેય તો માનવીને શ્રમથી બ્રહ્મ સુધી લઈ જવાનું છે." તેઓ વ્યાખ્યાનમાં મૂળ વિષયની સાથે માનવતા અને મૂલ્યતાની વાતને વણી લે. વર્ગમાં આમ-માનવી અને ગામ-માનવીનો ઉલ્લેખ ન કરે તો એ રઘુવીર શેના? અમે ઘણી વાર રઘુવીરભાઈને  શહેરના રસ્તાની ધારે ગામ તરફ જતી બસની વાટ જોતા ભાળ્યા છે. એમના વર્ગમાં 'ફૂટપાથ'ની સાથે 'શેઢો' સકારણ આવતો હતો. તેમણે કલમ અને કોદાળીને કુશળતાથી ખેડ્યાં છે.  

અમે તો વિજ્ઞાનના વિદ્યાર્થી, કેટલાક વાણિજ્યના પણ ખરા. વિનયનના હોય પણ સાહિત્ય-કળા-સંસ્કૃતિના અભ્યાસથી સલામત અંતર રાખ્યું હોય એવા કેટલાક વિદ્યાર્થીઓ જેમ બીજે તેમ અમારે ત્યાં પણ હતા. આભાર રઘુવીરભાઈનો કે, એમણે એવી અક્ષર-આબોહવા ઊભી કરી કે અમે પુસ્તકોના વાચનમાં રસ લેતા થયા. વર્ગ અંદર અને વધારે તો વર્ગ બહાર  કામુ-સાર્ત્ર-ટોલ્સ્ટોય, ચેખોવ-ડિકન્સ-હેમિંગ્વે, રવીન્દ્રનાથ-શરદબાબુ-બંકિમચંદ્ર, કાલિદાસ-પ્રેમચંદ-ધર્મવીર, નર્મદાશંકર-આનંદશંકર-ઉમાશંકર, પન્નાલાલ-અમૃતલાલ-ઇન્દુલાલ, મેઘાણી-મુનશી-મનુભાઈ ... વગેરેનાં જીવન-કવનની ચર્ચા થવા લાગી. ઘણા સર્જકોનાં નામ અમે પહેલી વખત અને કેટલાકે તો છેલ્લી વાર સાંભળ્યાં હતાં! વાચનવીર રઘુવીર વર્ગમાં કેટકેટલાં પુસ્તકોનાં નામ અને સાર કહેતા હતા. વિદ્યાર્થીઓ ઓછું વાંચે છે એ ફરિયાદ કરવા કરતા શિક્ષકે પુસ્તકોની રસપ્રદ યાદ અપાવતા રહેવી જરૂરી છે. ખાસ કરીને એમણે એકથી વધુ વખત, ગાંધીકૃત 'સત્યના પ્રયોગો'ની વિગતે ચર્ચા કરી હશે. જેના કારણે ગાંધીજી વિશેનો કેટલાક વિદ્યાર્થીઓનો કોલાહલ ઘટ્યો હશે અને ગાંધીજી વિશેનું અમારું કુતુહલ વધ્યું પણ હશે. અહીં આ વિગત-વાતાયન જાણી-જોઈને ઉઘાડી છે. કારણ કે અમારા અભ્યાસનાં એ વર્ષોમાં કોમી સંઘર્ષની ચર્ચા ભયજનક સપાટીએ વહેતી હતી અને વર્ગમાં એકથી વધારે ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાયના વિદ્યાર્થીઓ વસતા હતા. આથી, અમારા વર્ગની લંબચોરસ-મેજી બેઠક-વ્યવસ્થામાં એકબીજાના ખૂણા વાગે નહીં પણ ઘસાય એ જરૂરી હતું.

રઘુવીર ચૌધરી મૂળે તો હિંદી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના માર્ગદર્શક. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના આમંત્રણને માન આપીને પત્રકારત્વ વિભાગમાં વિદ્યાવાચસ્પતિ કક્ષાએ માર્ગદર્શક તરીકેની સેવા આપવાનું સ્વીકાર્યું. તેઓ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનના વિષયમાં, આ લખનારના ખાસ અને એકમાત્ર કિસ્સામાં માર્ગદર્શક બન્યા. જેના કારણે અમે 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે )' શીર્ષક હેઠળ મહા નિબંધ પૂર્ણ કર્યો. દેશ-પ્રદેશમાં "સૌમાં અમે, પહેલા ક્રમે"નું અભિમાન-ગાન ગવાતું હોય છે. પરંતુ અમે 'રઘુવીર યુગના અંતિમ સંશોધક' તરીકેનું ગૌરવ લઈએ છીએ!

રઘુવીર ચૌધરીની 'ઊંચાઈ' વધારે એટલે તેઓ આપણા માર્ગદર્શક હોય ત્યારે કામકાજમાં સચ્ચાઈ અને સજ્જતા રાખવી પડે. આપણાથી કશું નબળું કામ કરાય જ નહીં અને કરીએ તો તેમને બતાવાય જ નહીં! માર્ગદર્શક તરીકે તેઓ તમારા ઉપર એટલો બધો વિશ્વાસ મૂકે કે તમારી જવાબદારી વધી જાય. તેઓ ખપ પૂરતાં સલાહ-સૂચન આપે પણ હઠાગ્રહ ન રાખે. માર્ગદર્શક આવી સ્વતંત્રતા આપે એટલે સંશોધકે સ્વના જ તંત્રને મજબૂત કરવું પડે. આ લખનારે કેવળ પદવી માટે નહીં પણ કંઈક પામવા માટે સંશોધન હાથ ધર્યું હતું. સારા કામમાં સો વિઘ્નો આવે અને સૌ વિઘ્નો લાવે એ નાતે પણ વખતને વિલંબવું પડ્યું. જયારે મહા મહેનતે મહા નિબંધ તૈયાર થયો ત્યારે પ્રગતિ-અહેવાલમાં હસ્તાક્ષર કરતી વખતે તેમણે એક જ વાક્ય લખ્યું : "વર્ષોની મહેનતનું પરિણામ". મારે સારુ વિદ્યાવાચસ્પતિની પદવીનું જાહેરનામું નોંધમાત્ર છે પણ આ પ્રમાણપત્ર નોંધપાત્ર છે.

રઘુવીર ચૌધરી છેલ્લે જે વિભાગમાં કાર્યરત હતા તેમાં એક અધ્યાપકે ત્યાંના દફતરી(પ્યુન)ને ટપાલમાં આવેલા પરબીડિયા ઉપરની એક રૂપિયાની કોરી રહી ગયેલી ટપાલટિકિટ કાળજીપૂર્વક કાઢી લેવા કહ્યું. આનું કારણ એ હતું કે, ક્યારેક વિભાગ દ્વારા કોઈ ટપાલ લખવાની થાય ત્યારે એક રૂપિયાની ટપાલટિકિટ તાત્કાલિક ક્યાંથી લાવવી? દર વખતે આવો સામાન્ય ખર્ચ મંજૂર કરાવવો કે મેળવવો સમય અને શક્તિના ખર્ચની દૃષ્ટિએ પણ કેટલો યોગ્ય ગણાય? આથી, આવી રીતે ક્યારેક ટપાલમાં આવેલા પરબીડિયા ઉપર કોઈ કારણસર મહોરમુક્ત રહી ગયેલી ટિકિટ કાઢી લઈએ તો આવી ટિકિટ બીજી વખત વપરાશમાં આણી શકાય. પરંતુ દફતરી ભાઈએ એ ટપાલટિકિટ ઉખાડવાની ના પાડી એટલું જ નહીં એનું કારણ આપતા એમ કહ્યું કે, "એક વખત મેં આવું કર્યું ત્યારે રઘુવીરસાહેબે મને ઠપકો આપ્યો હતો. સાહેબના કહેવાની મતલબ એમ હતી કે આ ટિકિટના પૈસાના બદલામાં આપણને સરકારની સેવા મળી ચૂકી છે. આ ટિકિટને ઉખાડીને ફરી કામમાં લેવી એ પણ એક પ્રકારની ચોરી જ કહી શકાય." આમ, રઘુવીર દ્વારા બીજી વખત વપરાશમાં ન આવ્યું તે ટિકિટનું મૂલ્ય પણ કાયમ માટે ચલણમાં આવી તે મૂલ્યની ટિકિટ!

-------------------------------------------------------------------------------------------------------
સૌજન્ય :

* 'સ્મરણ-વંદન વિશેષાંક'
'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 )
ફેબ્રુઆરી, ૨૦૧૨
પૃ.૪૨-૪૪

* પુનર્મુદ્રણ : 'અમૃતાથી ધરાધામ' (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૦૨) (ISBN 978-93-80125-58-9), સંપાદક : દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪; પૃષ્ઠ : ૪૨૦-૪૨૩ (પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯)