Showing posts with label Press Note. Show all posts
Showing posts with label Press Note. Show all posts

Monday, May 12, 2025

|| અખબારી યાદી || 12-05-2025 || ગૂજરાત વિદ્યાપીઠમાં ‘ગીતા’ પ્રવેશ-પરીક્ષાનો પ્રથમ તબક્કો સંપન્ન


- વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે પ્રવેશ-પરીક્ષા
- 'ગીતા' પ્રવેશ-પરીક્ષાનું ગુજરાત રાજ્યમાં ત્રીસ અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ત્રણ સ્થળોએ આયોજન
- પ્રવેશ-પરીક્ષા બાદ એ જ દિવસે પરિણામની જાહેરાત થઈ
- પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી
- ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્ર શરૂ થશે.


ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે ૧૧-૦૫-૨૦૨૫ના રોજ 'ગીતા' પ્રવેશ-પરીક્ષા લેવામાં આવી હતી. કુલ ૧૧૮૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ-પરીક્ષા આપી હતી. આ માટે ગુજરાત રાજ્યમાં ત્રીસ કેન્દ્રો અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આસામ અને અરુણાચલ પ્રદેશમાં ત્રણ કેન્દ્રોમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે, ૨૩-૦૩-૨૦૨૩ના રોજ ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવેશ માટે 'ગીતા'(ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિકસી ટેસ્ટ ફોર એડમિશન)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે વિદ્યાર્થીઓને ગુજરાતી, હિંદી, અને અંગ્રેજી ભાષામાં પ્રવેશ-માર્ગદર્શિકા સુલભ કરાવવામાં આવી હતી. પ્રવેશ-પ્રક્રિયા માટે વિદ્યાપીઠ પરિસરમાં 'સહાયતા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું હતું. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૦૫-૨૦૨૫ હતી. ૭૩૯ ભાઈઓ અને ૭૦૩ બહેનો એમ કુલ ૧૪૪૨ ઉમેદવારોએ અરજીપત્રો ભર્યાં હતાં.

૬૦ પ્રશ્નોની અને ૯૦ મિનિટની, ઓએમઆર આધારિત, 'ગીતા' પ્રવેશ-પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક-સજ્જતા, અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રવેશ-પરીક્ષાનું પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી હતી.

પ્રવેશ-પાત્ર વિદ્યાર્થીઓએ શિક્ષણ ફી ભરીને સત્વરે પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવો હિતાવહ છે. છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ છાત્રાલય ફી અને ભોજન ફી ભરીને 'વહેલાં તે પહેલાં'ના ધોરણે છાત્રાલય-પ્રવેશ મેળવી લેવો.

વિદ્યાર્થીઓએ વધુ જાણકારી માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ https://www.gujaratvidyapith.org/ જોતાં રહેવું.

ગૂજરાત વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ માટે ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્રનો પ્રારંભ થશે.

Friday, March 21, 2025

ગૂજરાત વિદ્યાપીઠ મુકામે હેકાથોનનું આયોજન


ગૂજરાત વિદ્યાપીઠ | GUJARAT VIDYAPITH 

અખબારી નોંધ | PRESS NOTE

21-03-2025

ગૂજરાત વિદ્યાપીઠ મુકામે હેકાથોનનું આયોજન

૦ કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ અને Odoo દ્વારા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા

૦ સમગ્ર દેશમાંથી થયેલી નોંધણીમાં ટોચની 50 ટીમમાં 187 વ્યક્તિઓની પસંદગી

કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અને Odoo India Pvt. Ltd. દ્વારા ૨૨-૦૧-૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય સ્તરે Odoo X Gujarat Vidyapith - Hackathon’25ના આયોજન માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું. Hackathon’25 માટે વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને પ્રાધ્યાપકો પાસેથી સમસ્યા-કથન (પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ) મંગાવવામાં આવ્યા હતા. કુલ વીસ સમસ્યા-કથનમાંથી ત્રણ સમસ્યા-કથનની પસંદગી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને Hackathon’25ના પડકાર(ચેલેન્જ) તરીકે આપવામાં ત્રણ સમસ્યા-કથન આ મુજબ છે : Bridging Natural farming and Conscious, Empowering Women Technology for Inclusion and safety, Carbon footprint tracker.

Hackathon’25ની જાગ્રતિ ફેલાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના એમસીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાતની 80 કરતાં વધારે એન્જિનિયરિંગ અને એમસીએ કૉલેજમાં રૂબરૂ ગયા હતા. તેમણે જે તે કૉલેજના વિદ્યાર્થીઓને Hackathon’25 વિશે માહિતી આપીને તેમને Hackathon’25માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Hackathon’25 અંતર્ગત, ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોનાં 370 સંસ્થાનોનાં 1402 ભાઈઓ અને 615 બહેનો એમ કુલ 2017 વ્યક્તિઓએ નોંધણી(રજિસ્ટ્રેશન) કરાવી હતી. જેમાં પ્રથમ તબક્કા(રાઉન્ડ)ના અંતે ટોચની પચાસ ટીમની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડના અંતે ટોચની 50 ટીમની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 142 ભાઈઓ અને 45 બહેનો એમ કુલ 187 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી.

22-23 માર્ચ, 2025 દરમ્યાન ટોચની પચાસ ટીમ ગૂજરાત વિદ્યાપીઠમાં ચોવીસ કલાક દરમ્યાન કોડિંગ કરી પોતાની જીતનો દાવો રજૂ કરશે.


.....................................................................

Hackathon’25 ની વધુ વિગતો માટે, પ્રા. અજય પરીખ, ડીન (ICT) અને અધ્યક્ષ (કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)નો 94265 87026 ઉપર સંપર્ક કરી શકાશે.

Wednesday, December 25, 2024

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન


ગૂજરાત વિદ્યાપીઠ || અખબારી નોંધ ||

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન

- વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન

- નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોની સક્રિય સામેલગીરી

- શિબિર-સ્થળ તરીકે બનાસકાંઠા જિલ્લાના વિરમપુરની પસંદગી

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ચિંતન શિબિરનું આયોજન આગામી 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, 2024 દરમિયાન, સંવેદના સર્વોદય ટ્રસ્ટ, વિરમપુર, બનાસકાંઠા ખાતે કરવામાં આવ્યું છે.

ત્રિદિવસીય ચિંતન શિબિરમાં વિવિધ સત્રોમાં, જુદા જુદા વિષયો ઉપર રજૂઆત, ચર્ચા, અને ચિંતન કરવામાં આવશે. ચિંતન શિબિરમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખા અને વિભાગોના શૈક્ષણિક સેવકો ભાગ લેશે.

ચિંતન શિબિરના ઉદ્ઘાટન સત્રમાં, ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રવદનભાઈ શાહ, શ્રી સુરેશભાઈ રામાનુજ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ ઠાકર, અને સમાજશાસ્ત્રીશ્રી ડૉ. વિદ્યુતભાઈ જોષી ઉપસ્થિત રહેશે.

ચિંતન શિબરમાં ઉદ્ઘાટન સત્ર, મુક્ત સત્ર, સમાપન સત્ર ઉપરાંત વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. સાત વિષયજૂથ-રચનામાં વ્યાવસાયિક સજ્જતા, આર્થિક સ્વનિર્ભરતાના ઉપાયો, સામુદાયિક સંબંધો, પ્રવેશ લક્ષ્યાંક વ્યૂહરચના, વિદ્યાપીઠનાં પરિપાટી, પડકાર અને પહેલ, રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલીકરણની સમીક્ષા, વિસ્તરણ પ્રવૃત્તિઓની સમીક્ષાનો સમાવેશ થાય છે. પ્રત્યેક વિષય જૂથમાં 14 અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોનો સમાવેશ થાય છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાકીય શાખા દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અધ્યાપકોની છ વ્યવસ્થાપન સમિતિઓનું ઘડતર કરવામાં આવ્યું છે. ચિંતન શિબિર માટે હરિયાળા અને રળિયામણા વિરમપુરની પસંદગી કરવામાં આવી છે. જ્યાં સર્વોદય કાર્યકર અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ પટેલ યજમાન તરીકેની જવાબદારી નિભાવશે.

Tuesday, December 24, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો

ગૂજરાત વિદ્યાપીઠ || અખબારી યાદી ||

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો

૦ રમતોત્સવમાં ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી

૦ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રકો અને પ્રમાણપત્રો અપાયાં


ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી ખેલકૂદ પ્રવૃત્તિઓ, સાંઘિક રમતો, અને વ્યક્તિગત રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તા. 24-12-2024ના રોજ 'ખેલભારતી' રમતોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, 'વિજેતાઓને ઇનામ આપતાં જાણે હું રમતો હોઉં એવો ભાવ થાય છે!' તેમણે પોતાના યુવાકાળના રમત-ગમતના દિવસોને યાદ કરીને, ખેલાડીઓને અને આયોજકોને અભિનંદન આપ્યા હતા.

કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે, ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ શાહે, સી.એન. વિદ્યાવિહારના પોતાના છાત્રાલય-જીવનના રમતગમતના અનુભવોને વાગોળ્યા હતા.

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનમાં, શારીરિક શિક્ષણને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવા અનુરોધ કર્યો હતો.

શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. જગદીશચંદ્ર ગોઠીએ સમગ્ર રમતોત્સવનો અહેવાલ રજૂ કર્યો હતો.

વિજેતાઓને, મહાનુભાવોના હસ્તે, કુલ 166 ચંદ્રકો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાનાં અધ્યક્ષ ડૉ. અમિષા શાહ, શારીરિક શિક્ષણના વિષય-તજજ્ઞ પ્રા. મગનભાઈ તાળા તેમજ આંતરરાષ્ટ્રીય રમતવીર અજયસિંહ ચુડાસમા અને દેવ નરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક જગદીશચંદ્ર સાવલિયાએ, આભારવિધિમાં મેદાન-માવજત માટે વિદ્યાર્થીઓના શ્રમકાર્યની વિશેષ નોંધ લીધી હતી.

કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રાધ્યાપક પ્રભુલાલ કાસુન્દ્રાએ કર્યું હતું.

વિજેતાઓને બિરદાવવા માટે, 'ખેલભારતી' રમતોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Sunday, December 22, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન

ગૂજરાત વિદ્યાપીઠ | અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન

૦ જે ખેલે છે તે ખીલે છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલ

૦ રમતોત્સવમાં 464 ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી   

ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી ખેલકૂદ પ્રવૃત્તિઓ, સાંઘિક રમતો, અને વ્યક્તિગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 'ખેલભારતી' રમતોત્સવમાં 464 ખેલાડીઓએ ઊર્જા અને ઉમંગથી ભાગ લીધો છે.
 
22-12-2024 ને રવિવારની સવારે ખેલભારતી રમતોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રમતવીરોએ સમૂહકૂચ કરી હતી અને આતશ જ્યોત પ્રગટાવી હતી. રમતવીર મહેશ ઝાંપડિયાએ પ્રતિજ્ઞાવાચન કર્યું હતું. શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. જગદીશચન્દ્ર ગોઠીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

મુખ્ય અતિથિ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસરના પૂર્વ કુલપતિશ્રી ડૉ. જતીન સોનીએ ઉદ્બોધનમાં સ્વાસ્થ્યને શ્રેષ્ઠ સંપત્તિ ગણાવી હતી. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી સુરેશ રામાનુજે વિદ્યાપીઠમાં પોતાના વિદ્યાર્થીકાળના દિવસોને યાદ કરીને શારીરિક ચુસ્તીનો મહિમા કર્યો હતો. કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. ફકીરચંદે વક્તવ્યમાં માનવીના જીવનમાં રમતગમતની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધનમાં, વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, 'જે ખેલે છે તે ખીલે છે.' તેમણે ખેલભારતી રમતોત્સવની વિધિવત ઘોષણા કરી હતી. 

ખેલભારતી રમતોત્સવમાં યુ.જી.સી.ના અન્ડર સેક્રેટરી રવિનારાયણ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. રામનિવાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રા. પ્રભુલાલ કાસુન્દ્રાએ કર્યું હતું. વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાનાં અધ્યક્ષ ડૉ. અમિષા શાહે આભારવિધિ કરી હતી. તા. 24-12-2024 ને મંગળવારના રોજ સવારે ખેલભારતી રમતોત્સવનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે.

Friday, December 6, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો 

૦ ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે  : પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

૦ સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ

ગૂજરાત વિદ્યાપીઠના હીરક સભાખંડમાં તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સંઘગાન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી  શ્રી સુરેશ રામાનુજે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

ત્યારબાદ, સ્નાતક સંઘના ગીતની રજૂઆત અને સ્નાતક સંઘના પ્રતીકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે વક્તવ્ય આપતા એમના ગૂજરાત વિદ્યાપીઠ સાથેના અનુભવોને વાગોળ્યા હતા.

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

સ્નાતક સંઘના સંયોજક ડૉ. કૌશિકભાઈ પટેલે વર્ષ  દરમિયાનના શતાબ્દી આયોજનની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્નાતકોએ પહેલા ચરણમાં આઠ લાખ ઇકોતેર હજાર રૂપિયા જેટલી રકમનો ફાળો આપ્યો છે.

કુલસચિવશ્રી ડૉ. નિખિલભાઈ ભટ્ટે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારનાં નામોની ઘોષણા કરી હતી. આ ઘોષણા અંતર્ગત વર્ષ 2023ના પુરસ્કાર માટે, છત્તીસગઢમાં કામ કરનાર ભારતી ઓડેદરાની અને વર્ષ 2024ના પુરસ્કાર માટે ગ્રામશિલ્પી અશોક ચૌધરીની પસંદગી થઈ છે.

કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સ્નાતકો માટે ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણોને વાગોળવાનો અને જૂની યાદોને તાજી કરવાનો આ અનેરો અવસર છે. તેમણે કહ્યું હતું કે હીરામાં કોણ પહેલ પાડે છે એ અગત્યનું છે. તેમણે મોરારજી દેસાઈના અવતરણ 'સ્નાતક સંઘ એ માતૃસંસ્થા સાથેની સગાઈ છે.'ને યાદ કર્યું હતું.

તેમણે સ્નાતક સંઘનાં વિવિધ અધિવેશનોનો વિગતે પરિચય આપ્યો હતો. સ્નાતક સંઘનું પહેલું અધિવેશન 1926માં આચાર્ય ગિદવાણીના અધ્યક્ષસ્થાને, બીજું અધિવેશન 1928માં આચાર્ય કૃપાલાનીના અધ્યક્ષસ્થાને અને ત્રીજું અધિવેશન 1929માં કિશોરલાલ મશરૂવાળાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંગ્રહાલયના નિર્માણની સંકલ્પના રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ગ્રામજીવનયાત્રા ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. એક અંદાજ મુજબ ગૂજરાત વિદ્યાપીઠના 28 હજાર સ્નાતકો  દેશનાં વિવિધ રાજ્યોમાં વસે છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ વસે છે. આગામી ગ્રામજીવન યાત્રામાં વિદ્યાર્થીઓ ગુજરાતના તમામ જિલ્લામાં વસતા વિદ્યાપીઠના સ્નાતકો સાથે સીધો સંપર્ક કરશે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો વિશે દસ્તાવેજી ચલચિત્રો બનાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. તેમણે ખાસ કહ્યું હતું કે સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે. જેવો સ્નાતક એવી વિદ્યાપીઠ. ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા ઉજ્જવળ છે.

કાર્યક્રમના અંતે સ્નાતક ચંદુભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના પ્રા. અમૃતભાઈ ભરવાડે કર્યું હતું.

Saturday, September 28, 2024

અખબારી યાદી | ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી

અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી

તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારસના રોજ જન્મ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે.

મહાત્મા ગાંધીજીએ સન ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેઓ ૧૯૨૦થી ૧૯૪૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી (ચાન્સેલર) તરીકે સેવારત હતા.

ગૂજરાત વિદ્યાપીઠમાં 'રેંટિયા બારસ'(૨૯-૦૯-૨૦૨૪, રવિવાર)ના રોજ સવારે ૮:૦૦થી ૯:૦૦ દરમિયાન સમૂહ કાંતણનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગૂજરાત વિદ્યાપીઠમાં મોરારજી દેસાઈ મંડપમમાં યોજાશે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, સેવકો, અધ્યાપકો ભાગ લેશે. વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશમાં અને સેવકો, અધ્યાપકો ખાદીનાં સફેદ વસ્ત્રોમાં ભાગ લેશે.

વિશેષમાં, સમગ્ર દિવસ દરમિયાન, ગૂજરાત વિદ્યાપીઠના સેવકો નિર્ધારિત સમયે અને વીસ સભ્યોની ટુકડી પ્રમાણે સવારે ૮:૦૦થી સાંજના ૬:૦૦ સુધીના સમયગાળામાં નિરંતર કાંતણ કરશે.

'રેંટિયા બારસ'ના દિવસે રેટિંયો, ખાદી, અને ગાંધીજીના જીવનકાર્ય વિષયક વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પુસ્તક-પ્રદર્શન એક સપ્તાહ સુધી નિહાળી શકાશે.

કુલસચિવશ્રી,
ગૂજરાત વિદ્યાપીઠ

Monday, July 29, 2024

અખબારી નોંધ (Press Note)


ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી


કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે વ્યા.સ. મંદિર અર્થાત્ વ્યાવસાયિક સજ્જતા મંદિરના પ્રારંભની કરેલી જાહેરાત


ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ત્રિદિવસીય શિક્ષણ-કાર્યશાળાનું આયોજન 

 

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રારંભ ૨૯-૦૭-૨૦૨૦ના દિવસે કરવામાં આવ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ દિવસને ધ્યાનમાં રાખીને, ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૨૯-૦૭-૨૦૨૪ના રોજ, હીરક મહોત્સવ સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનો સમયસર પ્રારંભ વિદ્યાપીઠ-ગાન સાથે થયો હતો.


ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ વિદ્યાશાખાનાં અધ્યક્ષ અને ડીનશ્રી તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ વિષયક જવાબદારી સંભાળતાં નોડલ અધિકારી પ્રા. દીપુબા દેવડાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ગૂજરાત વિદ્યાપીઠ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉચ્ચ શિક્ષણ સંબંધિત ભલામણોનું ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ’ વિશે મુદ્દાસર અને રસપ્રદ રજૂઆત કરી હતી.  તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂળ દસ્તાવેજની વિવિધ બાબતોને ટાંકીને ગૂજરાત વિદ્યાપીઠની ગાંધીવિચાર આધારિત સર્વાંગી શિક્ષણ-વ્યવસ્થા, સમાજ-અનુબંધિત અભ્યાસક્રમ, બહુવિદ્યાશાખાકીય અભિગમ, સ્થાનિક ભાષામાં શિક્ષણ, અભ્યાસક્રમોમાં શિક્ષણ-પ્રશિક્ષણ, તાલીમ-ક્ષેત્રકાર્ય, અભ્યાસક્રમોનું અદ્યતનીકરણ, અધ્યાપન-પદ્ધતિઓ, પ્રાર્થના, યોગ, પદયાત્રા, શિબિર, પ્રવાસ, કેન્દ્ર-નિવાસ, સમૂહજીવન થકી જીવન-ઘડતર અને વ્યક્તિત્વ-વિકાસ, શિક્ષણમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો વિનિયોગ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સુવિધાસજ્જ પરિસર, ‘સ્વપ્ન’ પ્રકલ્પથી માંડીને કલાભવન, પુસ્તકાલયથી માંડીને છાત્રાલય અને પરિસંવાદખંડથી માંડીને પ્રયોગશાળાની સગવડનો વિગતે પરિચય કરાવ્યો હતો.    


કાર્યક્રમના અધ્યક્ષ અને ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્ભવ અને અમલીકરણની રૂપરેખા આપી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાદી સમજણ આપતા કહ્યું હતું કે, ‘બુનિયાદી શિક્ષણ વત્તા યંત્રવિદ્યા(પ્રૌદ્યોગિકી) એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’. તેમણે જીવન-ઉપયોગી અસલ કેળવણી આપતી ગૂજરાત વિદ્યાપીઠ સમયની સાથે તાલ મિલાવીને યંત્રવિદ્યાનો ઉપયોગ કરે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાર્થક થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કુલપતિશ્રીએ વર્ષ 1920માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભના સમયમાં ઘડાયેલા વિવિધ અભ્યાસક્રમો આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેટલા પ્રાસંગિક છે એને ઉદાહરણ આપીને સમજાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની કેળવણી વિશે વિવિધ વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંશોધન-નિબંધ તૈયાર કરાવવા માટે અધ્યાપકોને અનુરોધ કર્યો હતો. 


કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ઓગસ્ટ, 2024માં માનવ સંસાધન વિકાસ કેન્દ્ર (Human Resource Development Centre) અંતર્ગત વ્યાવસાયિક સજ્જતા મંદિર એટલે કે વ્યા.સ. મંદિરના પ્રારંભની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ‘વર્ગશિક્ષણ વિષયક પદ્ધતિશાસ્ત્ર’ની ત્રિદિવસીય કાર્યશાળાના આયોજનની પણ જાહેરાત કરી હતી.


રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લોકાર્પણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાના વિભાગોના અધ્યાપકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.


(અખબારી નોંધ : લેખન અને સંપાદન : ડૉ. અશ્વિનકુમાર)

Friday, March 29, 2024

ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪-૨૦૨૫નો પ્રવેશ કાર્યક્રમ જાહેર

અખબારી યાદી

તા. ૨૯/૩/૨૦૨૪

ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪નો પ્રવેશ કાર્યક્રમ જાહેર

--------------------------------------

- ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

- ૩૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

- પ્રવેશ પરીક્ષા GEETA ૧૧ મેના રોજ રાજ્યનાં ૩૦ સ્થાનો પર યોજાશે.

- ૨૪ થી ૨૬ જૂન દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે

- ૧ લી જુલાઈથી નવું સત્ર શરૂ થશે.

--------------------------------------

આજરોજ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૪/૨૦૨૪ છે.

પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ગૂજરાત વિધાપીઠના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા પરીક્ષા આગામી ૧૧/૫/૨૦૨૪ના રોજ રાજ્યનાં ૩૦ કેન્દ્રો પર લેવાશે.

પ્રવેશ પરીક્ષા ૬૦ પ્રશ્નોની રહેશે જે માટે ૯૦ મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. કસોટી સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારિત ઓએમઆરથી લેવામાં આવશે. કસોટીનું પરિણામ ૧૬/૫/૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પરામર્શન અને પ્રવેશ કાર્યવાહી ૨૪ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમ્યાન યોજાશે. તથા નવું સત્ર ૧ લી જુલાઈથી શરૂ થશે એમ શ્રી પરીખે ઉમેર્યું હતું.

Wednesday, March 13, 2019

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ

મહાત્મા ગાંધીજીની દાંડીકૂચનો પ્રારંભ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી ૧૨મી માર્ચ, ૧૯૩૦ની સવારે થયો. ગૂજરાત વિદ્યાપીઠની અરુણ ટુકડીએ ગાંધીજી જે માર્ગે સત્યાગ્રહી સાથીદારો સાથે દાંડીકૂચ કરવાના હતા તેના દરેક પડાવની પૂર્વતપાસ અને આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગાંધીજીની સાથે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, શિક્ષકો અને સ્નાતકો પણ દાંડીયાત્રાના સાથીદારો તરીકે જોડાયા હતા દાંડીકૂચના યાત્રીઓ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી નીકળ્યા ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક સ્થળ પ્રાણજીવન વિદ્યાર્થીભવન ખાતે ગાંધીજી તેમજ યાત્રીઓને ગૂજરાત વિદ્યાપીઠની બહેનો અને કાકાસાહેબ કાલેલકરે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ દાંડીકૂચના યાત્રીઓ ગૂજરાત વિદ્યાપીઠથી આગળ વધ્યા હતા.

પ્રાણજીવન વિદ્યાર્થીભવનની સામેની એ જગ્યા જ્યાંથી ગાંધીજી તેમજ દાંડીયાત્રીઓ અભિવાદન સ્વીકારી પસાર થયા હતા તેની યાદરૂપે એક પ્રતીકાત્મક સ્મૃતિસ્તંભનું સ્થાપન ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષમાં કરવાનો ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટીમંડળે નિર્ણય કર્યો છે. દાંડીકૂચ દિવસની સ્મૃતિમાં તા. ૧૨--૨૦૧૯ના રોજ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ, કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, ટ્રસ્ટીઓ અને અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ અને રાષ્ટ્રીય સેવા યોજનાનાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ દાંડીકૂચ સ્મૃતિસ્તંભના સૂચિત સ્થળે સૂતરની માળા અર્પણ કરી હતી.

ત્યારબાદ, મુખ્ય સભાખંડમાં, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહે 'દાંડીકૂચ સ્મૃતિદિન' નિમિત્તેના વિશેષ કાર્યક્રમની વિગતો આપી હતી. ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વિદ્યાર્થી ભગીરથ માતાએ 'દાંડીકૂચ : મારી નજરે' વિશે રજૂઆત કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક ડૉ. સુદર્શન આયંગારે ‘દાંડીકૂચનો ઐતિહાસિક સંદર્ભ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આભારવિધિ કરી હતી.

Tuesday, December 1, 2015

રાષ્ટ્રપિતાની વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન


ભારતને સ્વચ્છ અને સમર્થ બનાવવાની જરૂર : પ્રણબ મુખર્જી


ગૂજરાત વિદ્યાપીઠનો 62મો પદવીદાન સમારંભ સાદગીભર્યા વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ વચ્ચે ઉજવાઈ ગયો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમશ્રી પ્રણબ મુખર્જીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા પદવીદાન સમારંભમાં 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિકો એનાયત થયાં હતાં.

વૈદિક અને સર્વધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલા દીક્ષાંત સમારોહમાં કુલનાયક શ્રી અનામિકભાઈ શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ દરવાજાની બહારની દુનિયા તમને વિવિધ રીતે સત્કારવા બેઠેલી જ છે. તમારે વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર વિચારીને આગળ વધવાનું છે. તમને અનેક વિકલ્પો મળશે, પણ વતનમાં જઈ હમવતનીઓ વચ્ચે કામ કરવું છે કે બહારની દુનિયાની વિશાળ સંભાવનાઓમાં - એ પણ નક્કી કરવું પડશે.’

કુલનાયકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે સહુએ સાથે મળીને નવા નોલેજ ફ્રન્ટીયર્સ તરફ આગળ વધવાનું છે. વિદ્યાપીઠે પાછલાં વર્ષોમાં અનેક ઉત્તમ કામગીરી કરી છે. જૂના સ્નાતકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જેને પરિણામે ગૂજરાતમાં નક્સલવાદ પ્રવેશી શક્યો નથી. વિદ્યાપીઠનું સમાજધર્મનું કામ ગાંધીચીંધ્યા માર્ગે થયેલું છે. હજારો ઘરમાં શૌચાલય નિર્માણ, બાયોગેસ પ્લાન્ટ, ગ્રામજીવન પદયાત્રાઓ, નેપાળના ધરતીકંપમાં ગરીબોનાં ઝૂંપડાંને ઊભાં કરવા મથતો વિદ્યાપીઠનો છાત્ર એ આવનારા દિવસોમાં રાષ્ટ્ર માટેની એક અદભુત આશા છે.’
 
કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘ગાંધીજીના આદર્શો આપણા સમૂહજીવનનો વારસો છે, આપણે સૌ એક પ્રજા છીએ. ગાંધીવિચાર-ધારાથી થતું શિક્ષણ આદર્શ તો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. જે કંઈ કરીએ તે વિચારીને કરીએ. પરિણામનો વિચાર કરીને અનુબંધથી કામ કરીએ. ઉત્ક્ટતાથી સમજશો, તો જીવનમાં શું કાર્ય કરવું છે તે સમજાઈ જશે. માટે જ વિચારો, અનુબંધથી વિચારો અને વિચારપૂર્વક જીવનકાર્ય કરતા જાઓ. ’

આદરણીય રાષ્ટ્રપતિજીએ તેમના પ્રવચનમાં ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા અને પૂર્વ કુલપતિઓને યાદ કર્યા. વિદ્યાર્થીઓને ‘ સ્નાતક ’ તરીકે સંબોધન કરીને તેમણે જણાવ્યું કે, ‘ મારા અનેક પૂર્વસૂરિઓ દીક્ષાંત પ્રવચનની આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. આજે મારી જવાબદારી બને છે કે, ગાંધીજી જેવા દુર્લભ દ્ષ્ટાએ સ્થાપેલી આ સંસ્થામાં હું તમને સંબોધન કરી રહ્યો છું. ’
 
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સમકાલીન વિષયોને શીખવતી આ સંસ્થા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે માટેની પસંદગી બની છે. કુલ સંખ્યામાં 40 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓ છે, એ એક ઉત્સાહવર્ધક વાત છે. નઈ તાલીમ સંપૂર્ણપણે જીવંત હોય, તેવી એક માત્ર સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ છે. અહીંના વિદ્યાર્થીઓ ગ્રામ-વિકાસને સહાયક કામગીરી કરે છે. તેમાં સ્વાવલંબી ગામ, સમાનતા, આર્થિક અને પર્યાવરણીય વિકાસ અંગેની બાબતોને પ્રાધાન્ય અપાય છે. આ વાત દેશને સમર્થ ભારત બનાવવા તરફ લઈ જશે. મહાત્મા ગાંધી સ્વચ્છ મન, સ્વચ્છ શરીર અને સ્વચ્છ પર્યાવરણ પર ભાર મૂકતા હતા. દરેક નાગરિકની જવાબદારી બને છે કે, સ્વચ્છ ભારતને સમર્થ ભારત તરફ લઈ જાય. ગાંધીજી કોમી સંવાદિતા માટે આજીવન ઝઝૂમ્યા. વર્તમાન સમયમાં સમાજમાં જે વિખંડનકારી પરિબળો છે, તેની સામે શાંતિ અને સંવાદિતાનું શિક્ષણ મહત્વનું સાબિત થશે.
 
‘આપણા દેશમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ખૂબ ખર્ચ કરીને પરદેશ જઈ રહ્યા છે. આપણે આ પ્રક્રિયા ઉલટાવવી જોઈએ તેમજ ભારતને ગુણવત્તાવાળા અને પરવડે તેવા શિક્ષણનું કેન્દ્ર બનાવવું જોઈએ. સંશોધન માટે પારિસ્થિકી તંત્ર વિકસાવવા માટે આપણે આંતરવિદ્યાશાખાકીય અભિગમ વિકસાવવાની જરૂર છે. ચરખા અને કમ્પ્યુટરને સમાન ઉત્સાહથી શીખવતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શ્રમનું ગૌરવ સમજાવવામાં આવે છે. ‘હૈયું, હાથ, અને મસ્તક’ના સંયોજનથી બનેલી નઈ તાલીમની આ શિક્ષણવ્યવસ્થાનું તમારા ઉપર ઋણ છે કે, તમે સમર્થ ભારતનું નિર્માણ કરો.’ 

પદવીદાન સમારંભમાં કુલ 24 વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), 49 અનુપારંગત(એમ.ફિલ.), 405 પારંગત, 369 વિશારદ અને 59 અનુસ્નાતક ડિપ્લોમાને દીક્ષિત કરવામાં આવ્યા તથા 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિક આપવામાં આવ્યા હતા. 

પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજી, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્યો, અધ્યાપકો, સેવકો, મહેમાનો, સેવકોના કુટુંબીજનો અને પત્રકારમિત્રો હાજર રહ્યા હતા. 

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો. રાજેન્દ્ર ખીમાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કર્યું હતું. 

અખબારી યાદી
વિગત-સૌજન્ય : ડો. રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તા. 01.12.2015 

Friday, November 27, 2015

અખબારી પરિષદ અને અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ 


શિક્ષણ દ્વારા સમાજસેવાની અવિરત યાત્રાનો ૯૬મા વર્ષમાં પ્રવેશ કરનાર ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૧૫ ને મંગળવારના રોજ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જી દીક્ષાન્ત પ્રવચન આપશે.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં કુલસચિવશ્રી રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે ‘ગૂજરાત વિદ્યાપીઠની પદવીદાનની એક આગવી પરંપરા છે, તે મુજબ દરેક સ્નાતકે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે અને કુલપતિશ્રી પદવી લેનારને પદવી આપે છે. આટલાં વર્ષો પછી પણ આ પરંપરા યથાવત છે અને આ વર્ષે પણ તે પરંપરા જળવાશે.’


કુલનાયકશ્રી અનામિક શાહે જણાવ્યું કે ‘રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આ અગાઉ પણ તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી પદવીદાન સમારંભમાં આવી ચૂક્યા છે. અમારા પરિસરમાં આ વર્ષે રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જી આવી રહ્યા છે, તેનો અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓમાં ઉમંગ છે. પરિસરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલે છે. અમારી પરંપરા મુજબ શ્રમ, સફાઈ અને સુશોભનને લગતાં તમામ કામ અમે જાતે કરીએ છીએ. બીજી મહત્વની વાત એ છે કે, જે વ્યક્તિએ જીવનભર સત્યના પ્રયોગો કર્યા એ પ્રયોગવીર ગાંધીજીએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનું ખાતમુહૂર્ત પ્રખર વૈજ્ઞાનિક શ્રી પ્રફુલ્લચંદ્ર રૉયના હસ્તે કરાવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ અમારો પદવીદાન આ જ સ્થળે યોજાશે. પદવી લેનાર વિદ્યાર્થીઓ પરંપરા અનુસાર બે હજાર તારની સૂતરની આંટી આપતા હોય છે. તેમાંથી ખાદીનું કાપડ વણાવીને પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન અને કુલપતિશ્રીને અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે માનનીય રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જીને અને કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટને ખાદી અર્પણ કરવામાં આવશે’. 

આ વર્ષે ઔપચારિક શિક્ષણના ભાગરૂપે ઉત્તીર્ણ થયેલ ૨૪ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), ૪૯ અનુપારંગત(એમ.ફિલ.), ૪૦૫ પારંગત(એમ.એ.), ૩૬૯ વિશારદ અને ૫૯ અનુસ્નાતક ડિપ્લોમાને પદવી તથા ૪૩ વિદ્યાર્થીઓને ૫૮ પારિતોષિક આપવામાં આવશે.


વિગત-સૌજન્ય :
રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
તા. ૨૭-૧૧-૨૦૧૫