Saturday, September 13, 2014

પૂતળીબાઈના પુત્ર : પોતાના પૂતળા પરત્વે

ડૉ. અશ્વિનકુમાર

.........................................................................................................................................

બેપગાળાં સજીવો સ્વયંછબી(સેલ્ફી) યુગમાં પ્રસિદ્ધિના મામલે સ્વાવલંબી બન્યાં છે! આથી, સદાય થનગનાટ કરતો માણસ પણ સ્માર્ટ ફોનના લેન્સ આગળ ગમે તે સ્થળે અને પળે ‘પૂતળું’ બનીને ઊભો રહી જાય છે. અહીં એટલું ધ્યાને ધરી રાખીએ કે, જાતની જાહેરખબરથી જોજનો દૂર રહેનાર ગાંધીજી પોતાનાં પૂતળાંના પણ આકરા ટીકાકાર રહ્યા છે.

ગાંધીજી ૦૬-૦૨-૧૯૩૯ના દિને સેગાંવથી ‘મહાત્માનું બાવલું’ (‘હરિજનબંધુ’, ૧૨-૦૨-૧૯૩૯) શીર્ષક હેઠળ મૂળ ગુજરાતીમાં નોંધ લખે છે : “ આ વરસે મહાસભા નગરમાં રૂપિયા ૨૫,૦૦૦ને ખરચે મહાત્માનું બાવલું તૈયાર થઈ રહ્યું છે એ સામે વિરોધ કરતા પત્રો મારા પર આવી રહ્યા છે. આ બાવલા વિશે મને કંઈ જ ખબર નથી. એ બાબતમાં મેં તપાસ કરાવી છે. પણ તપાસની મારે રાહ જોવાપણું ન હોય. જો એવું બાવલું સાચે જ તૈયાર થઈ રહ્યું હોય તો તે સામેના મારા પત્રલેખકોના વિરોધને મારો પૂરો ટેકો હું જાહેર કરું છું. હું તેમની જોડે સહમત થાઉં છું કે બંગડી કરતાં પણ તકલાદી એવા માટીના બનેલા એક માનવીનું માટી કે ધાતુનું પૂતળું ઊભું કરવામાં રૂપિયા ૨૫,૦૦૦ પાણી કરવા એ પૈસાનો દુર્વ્યય છે. બંગડી પણ જો સાચવીને રાખવામાં આવે તો હજારો વરસ ટકે, પણ માનવદેહ તો રોજેરોજ ક્ષીણ થનારી વસ્તુ છે અને જિંદગીની સામાન્ય અવધિ પછી તે સંપૂર્ણ નાશ પામે છે. મુસલમાન ભાઈઓ જેમની સાથે મારી જિંદગીનાં ઉત્તમ વરસો મેં ગાળ્યાં છે તેમના સમાગમથી જો એક વસ્તુ મેં કેળવી હોય તો તે ફોટો પડાવવા કે બાવલાં બેસાડવા સામેનો અણગમો છે. અને ઉપલી હકીકત જો સાચી હોય તો હું ઇચ્છું છું કે સ્વાગત સમિતિ એવું અભાગી સાહસ કરતી અટકશે. તેમ કરીને તેઓ પૈસા બચાવે. અને આ વાત માત્ર અફવા હોય તો જે લોકો મારાં બાવલાં અને પૂતળાં ઊભાં કરીને મારું સન્માન કરવા ઇચ્છતા હોય તેઓ આ લખાણ વાંચીને ચેતે અને સમજે કે આવા દેખાવોનો મને અત્યંત અણગમો છે. મારામાં શ્રદ્ધા રાખનારાઓ હું જે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છું તેને આગળ ધપાવે, અને મારાં બાવલાં કે પૂતળાં પાછળ નાણાં ખરચવાને બદલે હરિજન સેવા સંઘ, ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ કે હિંદુસ્તાની તાલીમી સંઘનાં કાર્યો પાછળ ખરચે એટલે તેમાં જ હું મને પૂરું માન મળ્યું એમ સમજું છું. ” (‘ગાંધીજીનો અક્ષરદેહ’, ગ્રંથ : ૬૮, પૃષ્ઠ : ૩૯૩)

‘મહાત્મા’ના વિશેષણને દુઃખદાયક અને ભારરૂપ માનનાર ગાંધીજી વ્યક્તિપૂજા અને સ્વપ્રચારના સમર્થક ન જ હોય. મોહનદાસ કરમચંદ ગાંધી ૧૫-૦૩-૧૯૪૬ના રોજ મુંબઈથી ‘ગાંધીમંદિર?’ શીર્ષક તળે કહે છે : “ ... સાચી વાત એ છે કે ઈશ્વર જ માણસના હૃદયને જાણે છે. મારે કોઈ જીવંત અથવા મૃત માણસને પૂજવાને બદલે જે પૂર્ણ છે અને સત્યનું રૂપ છે એવા ઈશ્વરને પૂજવામાં ને ભજવામાં જ સુરક્ષિતપણું છે. હવે એ પ્રશ્ન જરૂર ઊઠી શકે કે ફોટા રાખવા એ પણ પૂજાનો પ્રકાર છે કે નહીં? હું એ વિષે અગાઉ લખી ચૂક્યો છું. એ પ્રથા ખર્ચાળ તો છે છતાં નિર્દોષ ગણી આજ લગી મેં તે સહન કરી છે. એથી મૂર્તિપૂજાને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે સહેજ પણ હું ઉત્તેજન આપતો હોઉં તો એ પણ હાસ્યાસ્પદ અને હાનિકારક ગણી તજું. ... ” (‘હરિજનબંધુ’, ૨૪-૦૩-૧૯૪૬, પૃષ્ઠ : ૫૩)

પૂતળાં ઊભાં કરવા માટે ખર્ચવામાં આવતાં (બિન)જરૂરી નાણાંનો ઉપયોગ અનાજ ઉગાડવાના રચનાત્મક કામમાં કરવાનું કહેનાર વ્યક્તિનું નામ ગાંધીજી જ હોવાનું. મો. ક. ગાંધી ૧૩-૦૯-૧૯૪૭ના રોજ દિવસે નવી દિલ્હીથી ‘મારું પૂતળું!’ એવા મથાળા હેઠળ નોંધ લખે છે : “ મુંબઈમાં મારું પૂતળું કોઈ જાહેર જગ્યામાં દશ લાખ રૂપિયાને ખરચે મૂકવાની વાત ચાલી રહી છે. તે બાબત મારી ઉપર ઠીક તીખા કાગળ આવ્યા છે. કેટલાક વિનયવાળા છે; કેટલાક એવા રોષભર્યા છે કે કેમ જાણે હું જ મારું પૂતળું બનાવરાવી ખડું કરવાનો ગુનો કરતો ન હોઉં! કાગનો વાઘ તો થયા જ કરવાનો. મૂળમાં કેટલું તથ્ય છે એ વિચારવાનું કામ શાણાનું છે. મૂળ સાચું લાગે છે. મારે કહેવું જોઈએ કે મને તો મારો ફોટોગ્રાફ લેવાય એ પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી, પણ કોઈ કોઈ ખેંચી લે છે. બાવલાં પણ બન્યાં છે. છતાં મારા વિચાર ઉપર પ્રમાણે હોઈ મારું પૂતળું પૈસા ખરચીને ખડું કરવાની વાત મને ગમે તેવી નથી. અને આ કાળે જયારે લોકોને ખાવાના સાંસા છે, પહેરવાનાં કપડાં ન મળે, આપણા ઘરમાં, ગલીઓમાં ગંદકી હોય, ચાલોમાં માણસ જેમ તેમ ખડકાય ત્યાં શહેરોના શણગાર શા? એટલે મારું ખરું બાવલું મને મનગમતાં કામો કરવામાં હોય. દશ લાખ રૂપિયા ઉપરનાં કામોમાં ખરચવાથી લોકોની સેવા થાય ને ખર્ચાયેલા પૈસા ઊગી નીકળે. તેથી મને આશા છે કે મજકૂર પૈસા એથી વધારે લોકસેવાનાં કામોમાં વપરાય. એટલા રૂપિયા નવું અનાજ પેદા કરવામાં વપરાય તો કેટલાં ભૂખ્યાંનું પેટ ભરાય? ” (‘હરિજનબંધુ’, ૨૧-૦૯-૧૯૪૭, પૃષ્ઠ : ૨૮૫)

પોતાનાં ચિત્ર-છબી અને પૂતળાં-બાવલાં બને એ પૂતળીપુત્ર સિવાય માનવમાત્રને ગમે! વળી, આજે તો આપણે ચાર રસ્તાની વચ્ચે કે પગદંડીની ધારે, કાર્યાલયના પ્રાંગણમાં કે ઉદ્યાનના ખૂણામાં ગમે તે અલ્પાનુભાવ-મધ્યાનુભાવ-મહાનુભાવને પૂતળાં બનાવીને સ્થિર કરી દીધા છે. કેટલાક કિસ્સામાં તો બિચારાં પૂતળાંને ખાસ ધાર્મિક-રાજકીય કે પક્ષીય-પ્રાદેશિક રંગમાં ડુબાડીને ઊભાં કરી દેવામાં આવ્યાં છે. અને એ રીતે બિચારી પ્રજાને દેવામાં ડુબાડી દેવામાં આવી રહી છે! આપણે ત્યાં કેટલાક નેતાઓનાં પૂતળાં છે, તો કેટલાક નેતા પૂતળાંના છે! આથી, ભારત દેશમાં ‘પૂતળાં વિશેની રાષ્ટ્રીય નીતિ’ ઘડવાનો સમય આવી ગયો છે. તેના માટે આયોગની રચના કરવામાં આવે, તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત છતાં સક્રિય ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવે, આયોગની સમયમર્યાદા એકથી વધુ વખત વધારવામાં આવે, તેનો છસો પંદર કે પંદરસો છ પાનાંનો અહેવાલ તૈયાર કરવામાં આવે, ત્યારે તેમાં પરિશિષ્ટ તરીકે નહીં પરંતુ પ્રવેશક તરીકે ‘પૂતળાં બાબત ગાંધીવિચાર’નો સમાવેશ આવશ્યક અને પર્યાપ્ત થઈ રહેશે.

આધાર-યાદી :

‘ગાંધીજીનો અક્ષરદેહ’, ગ્રંથ : ૬૮, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, પહેલી આવૃત્તિ, ઓક્ટોબર, ૧૯૮૨ 

‘હરિજનબંધુ’, અમદાવાદ, ૨૪-૦૩-૧૯૪૬, રવિવાર, પુસ્તક : ૧૦, અંક : ૦૭

‘હરિજનબંધુ’, અમદાવાદ, ૨૧-૦૯-૧૯૪૭, રવિવાર, પુસ્તક : ૧૧, અંક : ૩૪

.........................................................................................................................................

સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

.........................................................................................................................................

સૌજન્ય :
નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 16-17, જૂન-જુલાઈ, 2014, પૃષ્ઠ : 179-180


No comments:

Post a Comment