Wednesday, September 17, 2014

શિયાળો, ઉનાળો, અને ભૂવાળો

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

આપણા શહેરમાં સગાં-વહાલાં, મિત્રો-પરિચિતો એકબીજાને ફોનાફોની કરીને ‘હવા-પાણી કેમ છે?’ના બદલે ‘ભૂવા-પાણી કેમ છે?’ એવું પૂછે છે. આથી, વ્યવસ્થાતંત્રમાં જેમ હવામાન ખાતું એમ ભૂવામાન ખાતું હોવું જોઈએ, જે ભૂવાઓ વિશેની ભોંયકૂંડાળી લખતી આગાહી કરે. શહેરમાં વરસાદની આવક અને તીવ્રતા કેટલાં ઇંચ પાણી પડ્યું એના આધારે નહીં, પણ કેટલા ફૂટનો ભૂવો પડ્યો એના આધારે માપવી જોઈએ. શહેરી જળઆપત્તિ વિભાગે ભૂવા થકી જળસંચય કરીને ભૂગર્ભજળનાં તળ ઊંચાં લાવવાની પાણીદાર તક ગુમાવવા જેવી નથી. સમસ્ત ઓડિશામાં એક જ ભુવનેશ્વર, બૃહદ મુંબઈમાં એક જ ભૂલેશ્વર, પણ અમદાવાદમાં અનેક ભૂવેશ્વર જોવા મળે છે. આ વખતે એકલા અમદાવાદ શહેરમાં બસોથી વધારે ભૂવા નોંધાયા છે. અન્ય શહેરોમાં પણ ભૂવાની વસ્તી-ગણતરી કરવામાં આવે તો ગામડાં કરતાં શહેરોમાં વધુ સંખ્યામાં ભૂવા ધૂણી રહ્યા છે, એવું તારણ નીકળી શકે. મોસમ-પરિવર્તનની અસર સ્વીકારો કે ના સ્વીકારો, નગર-જીવનમાં શિયાળો, ઉનાળો, પછી ભૂવાળો આવે છે. સાચું કહીએ તો, અમને પણ ભૂતાવળ કરતાં ભૂવાતળનો ડર વધારે લાગે છે!

ગ્રામપ્રધાન દેશમાં ભૂવાનું પડવું એ સંપૂર્ણ શહેરી ઘટના છે. જોકે, શહેરના રસ્તા ઉપર ઠેરઠેર ભૂવા જોવા મળે છે, પણ મૂઈ એકે ભૂવી નથી જોવા મળતી. આમ, ‘ભૂવો’ એ લિંગસમાનતાના મુદ્દે સંવેદનશૂન્ય ઘટના છે. જીવનમાર્ગ તંગ થવાથી ગામડામાં કોઈ કૂવો પૂરે છે તો માર્ગજીવન ભંગ થવાથી શહેરમાં કોઈ ભૂવો પૂરે છે. સારા ઘરનો માણસ ભૂવામાં પડી જાય એનો અર્થ એટલો કાઢવાનો કે એ સજ્જન કોઈ પણ પ્રકારનો ગુનો કર્યા વગર ભૂગર્ભમાં જતો રહ્યો. આથી, ભોગલેણ ભૂવા માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય ત્યાં તેના નામની તકતી મુકાવવી જોઈએ. ઉદાહરણ તરીકે, જે ભૂવા-રચના માટે પ્રભુભાઈ નામનો કોન્ટ્રાક્ટર કારણભૂત હોય તો એ ભૂવા આગળ ‘પ્રભુકૃપા ભૂવાન’ લખી શકાય. હવામાનશાસ્ત્રીઓ દ્વારા જો વાવાઝોડાંને આગોતરાં નામ આપી શકાતાં હોય તો ભૂવા-ભોમિયા દ્વારા શહેરના ભૂવાઓને ત્વરિત નામ કેમ ન આપી શકાય? વાડજમાં ભૂવો પડે તો તેનું નામ ભૂવાડજ રાખવું. આ રીતે અસારવા માટે અસારભૂવા નામ રાખી શકાય. જો ભૂલાભાઈ પાર્ક આગળ નિયમિત ભૂવા પડે તો તેનું નામ બદલીને ભૂવાભાઈ પાર્ક કરી શકાય.

આપણા દેશમાં કાબેલ રમતવીરો નથી, એ મહેણું ભાંગવું હોય તો એના ઉકેલો ભૂવામાં પડ્યા છે. ભૂવો આફત નથી, અવસર છે. દા.ત. લાંબી કૂદમાં કૌશલ્ય હાંસલ કરવું હોય તો, રમતવીરોને કાચી વયથી જ અલગ-અલગ આકાર-પ્રકારના ભૂવા કૂદવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. એક પણ પૈસાના ખર્ચ વગરની, ‘ભૂવાકૂદ’ નામની સ્થાનિક રમત લાંબા ગાળે વૈશ્વિક કક્ષાનું ગજું કાઢી શકે એમ છે. કુલરાષ્ટ્ર રમતોત્સવ કે રાષ્ટ્રકુલ રમતોત્સવમાં ‘ભૂવાકૂદ’ની રમતનો સમાવેશ થાય એ માટે નવરંગપુરા, ઉસ્માનપુરા, મીઠાખળી, પાલડી, વસ્ત્રાપુર જેવા શહેરી વિસ્તારોનાં સમસ્ત યુવક મંડળોએ અલાયદું ફેસબૂક પેજ ખોલીને ઓનલાઇન ક્રાંતિની જ્યોત સદાય જલતી રાખવી જોઈએ. સાબરકાંઠામાં જન્મેલા ઉમાશંકર જોશી ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત લખીને પ્રસિદ્ધ થઈ ગયા. પણ સાબરમતીના તીરે ઊછરેલા પાછરેલા આપણા કોઈ કવિએ, ‘ભૂવા વિના મારે ભેદવા’તા રસ્તા’ જેવું ગીતડું રચીને તેનું કોઈ ભૂવાકાંઠે દોઢ ડઝન અન્ય કવિઓ અને પોણો ડઝન અનન્ય શ્રોતાઓ આગળ પઠન કરવું જોઈએ.

રસ્તા ઉપર ધાર્મિક સ્થળો ગેરકાયદેસર ગણાય, પણ રસ્તાની નીચે ભૂ(વા)ગર્ભમાં બનાવેલાં સ્થાનકો આસ્થાનાં નવાં સરનામાં કેમ ન બની શકે? સ્વયંભૂ શિવલિંગની જેમ સ્વયંભૂવા શિવલિંગ, ભીડભંજન હનુમાનની પેઠે ભૂવાભંજન હનુમાન, જય ભવાની માતાના મંદિરની માફક જય ભૂવાની માતાનું મંદિર કેમ અસ્તિત્વમાં ન આવી શકે? વળી, શાસન વિરોધી વિચારધારકોએ ભૂમિપૂજનની જેમ ભૂવાપૂજનનો કાર્યક્રમ પણ રાખવો જોઈએ. વિરોધ પક્ષ પોતાના પક્ષની અંદર રહેલા વિરોધી પક્ષને સાથે રાખે તો આ પ્રકારનો આશ્ચર્યજનક કાર્યક્રમ સફળ થવાની શક્યતા વધી જાય. વિરોધ પક્ષના કાર્યકરોએ વ્યગ્રગણ્ય નાગરિકોની હાજરીમાં, ભૂવાજળને કંકુ-ચોખા ચઢાવીને, દીવો-ધૂપસળી પ્રગટાવીને, ચૂંદડી-શ્રીફળ અર્પણ કરીને, ભજન-આરતીનું ગાન કરીને પ્રસાદિયા પેંડા વહેંચવા જોઈએ. ‘ભૂવામા, અમ બાળાંભોળાંનું રક્ષણ કરો’ એવી આજીજી સાથે તેમણે સમગ્ર ચાતુર્માસ દરમિયાન ભૂવામાતાની આરાધના અચૂક કરવી જોઈએ.

એક જમાનામાં સરકારી શાળાઓની પરીક્ષાઓમાં ‘ગાયમાતા’, ‘શિયાળાની સવાર’, ‘મધ્યમવર્ગની મુશ્કેલીઓ’ જેવા નિબંધો પૂછવાનો રિવાજ હતો. આજે પરીક્ષાઓમાં જી(ર)વાતા જીવન વિશે ઝાઝું પુછાતું નથી, એવી ફરિયાદ થતી રહે છે. અહીં, પરીક્ષકોની વહારે ભૂવો આવી શકે તેમ છે. પરીક્ષામાં ‘ભૂવાના ભીષણ ભવાડા’, ‘ભૂવાકાંઠે ભૂખ્યો ભિખારી’, ‘ભૂવાલોકમાં ભરચોમાસે ભૂલો પડે ભગવાન’, જેવાં શીર્ષકો હેઠળ નિબંધો પૂછી શકાય તેવી પારાવાર શક્યતાઓ ભૂવામાં પડેલી છે. આ ઉપરાંત, ‘વીર ભૂવાવાળો’, ‘ભસ્મ વેરાઈ ભૂવાચોકમાં’, ‘ભૂવા તારાં રોકાતાં પાણી’, ‘ભૂવાએ વગોવ્યા મોટા મારગડા’, ‘ભૂવાપાળે સાજણ મેં તો રેતીથી બાંધી ભવોભવની ભીંત’, ‘દેશ રે જોયા, દાદા પરદેશ જોયા, પણ આટલા મોટા ભૂવા બીજે ક્યાંય કેમ ન જોયા’ જેવાં શીર્ષકો સાથે ગુજરાતી ચલચિત્રો બનાવી કાઢવાનો આ મોકો રીઢા ચિત્રપટ-નિર્માતાઓએ ખોવા જેવો નથી.

રામાયણકાળ પછી જન્મેલી આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે, સીતામાતાએ ધરતીમાતાને પ્રાર્થના કરી, આથી ધરતીએ મારગ કર્યો અને સતીસીતા એમાં સમાઈ ગયાં. આજે કોઈ વાહનમાનવ રસ્તા ઉપર જતો હોય, અચાનક જ ધરતીના પેટમાં ખાડો પડે, એમાં એ વાહનવીરલો સમાઈ જાય, અને છતાં એ કાળખંડને તમે હજુ કળજુગ તરીકે ઓળખાવો તો રાષ્ટ્રના સારા દિવસો કેવી રીતે આવશે? આપણે એ સત્યને સ્વીકારીને (અને છતાં સાચવીને) ચાલવું પડશે કે, ભૂવાસર્જન એ સતયુગની એંધાણી છે. ભૂવો છે તો ભવિષ્ય છે, એટલે જ તો ગર્વથી કહીએ : ‘ન ભૂવો, ન ભવિષ્યતિ!’

.................................................................................................................................
સૌજન્ય :

શિયાળો, ઉનાળો, અને ભૂવાળો
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૯-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪

5 comments: