Showing posts with label Dhuleti. Show all posts
Showing posts with label Dhuleti. Show all posts

Thursday, March 1, 2018

હાસ્યરંગ /// જળસંકટમાં પાઉચ હોળી /// ડૉ. અશ્વિનકુમાર



સૌજન્ય : 


જળસંકટમાં પાઉચ હોળી, ડૉ. અશ્વિનકુમાર
'હાસ્યરંગ' (હોળી-ધુળેટી પર્વપૂર્તિ), 'દિવ્ય ભાસ્કર' દૈનિક, અમદાવાદ
૦૧-૦૩-૨૦૧૮, ગુરુવાર, પૃષ્ઠ : ૦૫

ભૂસાતાં હોળીચિત્રો : હોળૈયાં અને હારડા // ડૉ. અશ્વિનકુમાર


હોળીમાં હોળૈયાંના હારનો હરખ

હોળી ફાગણ સુદ પૂનમે પ્રગટે, પણ હોળૈયાં થોડા દિવસ અગાઉ બનાવવાં પડે. એ સમયે અમદાવાદ શહેરની અંદર ગાય-ભેંસ નિરાંતે પોદળા કરી શકે એટલી મોકળાશ હતી. ગાયમાતા કે ભેંસમાસીનાં છાણમાંથી હોળૈયાં બનતાં હતાં. હોળૈયાં એટલે હોળીમાં નાખવાનાં નાનાં છાણાં. હોળૈયાં કદમાં ક્યાંક પૂરી જેવાં તો ક્યાંક મેંદુવડાં જેવાં જોવા મળે. છાણાં અને હોળૈયાં થાપવાની રીત સરખી હોય. ફરક એટલો જ કે, છાણાંમાં વચ્ચે કાણું ન હોય, જ્યારે તાજાં હોળૈયાંની મધ્યમાં આંગળીથી કે સાંઠીકડાથી કાણું પાડવામાં આવે. હોળૈયાં તડકે સુકાઈ જાય એટલે તેને કાથી કે સૂતળીના દોરામાં પરોવી દેવામાં આવે. વ્યક્તિ અને વિસ્તાર પ્રમાણે હોળીમાતાના હારમાં નવીનતા જોવા મળતી. કોઈક ઠેકાણે તો, હાથની ચારેય સંયુક્ત આંગળીઓના આકાર જેવું હોળૈયું પણ બનાવવામાં આવે. જાણે કે, માતાજીની જીભ જ જોઈ લો! ક્યાંક તો, છાણનો પિંડલો લઈને તેને એવી રીતે દાબવામાં આવે કે તે 'લાડુ'માં પરિણમે. હોળૈયાંની જેમ 'જીભ' અને 'લાડુ'માં પણ વચ્ચે કાણાં પાડવાનું ભૂલવાનું નહીં. હવે, વચમાં 'જીભ' આવે, આજુબાજુમાં પાંચ-પાંચ હોળૈયાં આવે, પછી 'લાડુ' આવે, ફરી વાર પાંચ-પાંચ હોળૈયાં આવે એ રીતે દોરામાં પરોવણી કરતાં જવાનું. જેવો વખત અને વિશ્વાસ હોય તેવી હારની લંબાઈ વધે. આ જ રીતે હોલિકામાતાને સમગ્ર રીતે આવરી લેવાય એવો મહા-હાર બનાવવાનું બીડું પણ કોઈક વીરલા-વીરલીએ તો ઝડપ્યું જ હોય.


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

કોઈ કુશળ કારીગર હોય તો છાણમાંથી 'નારિયેળ' પણ બનાવી શકે. આ માટે દીવાસળીની ખાલી પેટીમાં કાંકરીઓ ભરીને તેને બંધ કરી દેવાની. આ બાકસની ફરતે, એવી રીતે છાણને લગાવતાં અને દબાવતાં જવાનું કે નારિયેળ જેવી આકૃતિ રચાતી જાય. એના સહેજ ઉપરના ભાગે કાણું પાડવાની સાવચેતી રાખવાની. આ કળાકૃતિ સરખી સુકાઈ જાય પછી તેને ખખડાવો તો કાંકરીઓ કર્ણપ્રિય ધ્વનિ કર્યા વિના રહે નહીં! આ 'નારિયેળ'ને પણ હોળૈયાંના હારમાં વચ્ચે પરોવી શકાય. હોળીના દિવસે મહોલ્લાની હરખપદૂડી યુવાટોળી હોળૈયાંના હાર ઉઘરાવવા નીકળે. બે જણના મજબૂત ખભા ઉપર આડી રાખેલી ડાંગમાં આખા મહોલ્લાના હાર પરોવાતા જાય. ત્યાર બાદ, હોળી માટે ઊભાં કરેલાં લાકડાં ઉપર હોળૈયાંના હાર ગોઠવવામાં આવે. હોલિકા-દહન પછી, શ્રદ્ધાળુ માણસો તાંબાના કળશને ઊંધો રાખીને, તેના ઉપર અંગાર-તપ્ત હોળૈયાં મૂકીને ઘરે પરત આવે. હોળૈયાંની રાખની પોટલી બનાવીને સાચવી રાખવામાં આવે. બાળકને શીળસ થાય ત્યારે, તેના શરીર ઉપર આ જ પોટલીમાંથી રાખનો છંટકાવ કરવાથી, તે મટી જાય એવી માતા અને માનતાના એ દિવસો હતા!

હારડા : કુછ મીઠા ખો જાય!

શહેરમાં ચોકલેટ, કેક, પેસ્ટ્રી, કે બ્રાઉનીના વર્તમાન વાયરાથી મીઠાઈઓનું મહત્વ ઘટી રહ્યું હોય એવું લાગે. એક વખત એવો હતો કે, હોળીના તહેવારની આસપાસના દિવસોમાં હારડાની બોલબાલા હતી. તમારા-મારા સિવાયના અમદાવાદીઓ 'હારડા'ની જગ્યાએ 'હાયડા' જેવો ઉચ્ચાર કરતા! હારડા એટલે ખાંડનાં ચકતાંનો હાર. ચોક્કસ અંતરે ગોઠવેલાં બીબાંમાં, લાંબો સફેદ દોરો પસાર કરવામાં આવે, અને એમાં ખાંડની ચાસણી નાખીને, એને ઠરવા દેવામાં આવે, એટલે હારડા તૈયાર થઈ જાય. હારડા એક એવી મીઠાઈ હતી કે જે ગળામાં પહેરાવી શકાતી હતી. જે બાળકની પહેલી હોળી હોય, એ બાળકનું અને એ રીતે હોળીનું મહત્વ વધી જાય. એમાં પણ બાળકના મોસાળમાંથી, મામા કોરાં કપડાં લઈ આવે. એનાં ઉપર કંકુનાં છાંટણાં નાખવામાં આવે. હોળીના દિવસે બાળકને કંકુનાં છાંટણાંવાળાં કપડાં પહેરાવવામાં આવે. એના નાજુક ગળામાં 'હારડો' પહેરાવવામાં આવે. માતા કે દાદી બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે. છેવટે, બાળકના ગળામાંથી હારડો કાઢીને હોળીની જ્વાળામાં હોમી દેવામાં આવે. વળી, જે છોકરા-છોકરીનું સગપણ થયું હોય એની પહેલી હોળી વખતે, બન્ને પક્ષ તરફથી એકબીજાને ધાણી-ખજૂરની સાથે હારડા મોકલવામાં આવે. આ માટે 'સવા શેરનો હારડો' એવો શબ્દપ્રયોગ પણ ચલણમાં હતો. કેટલીક જ્ઞાતિઓમાં આ રિવાજ આજે પણ પાળવામાં આવે છે. એમાં પણ, ખાંડનાં ચકતાં ઉપર ગોળ અરીસા ચોંટાડેલા હોય તેવા હારડા મોકલવામાં આવે છે. એક સમયે તો, પતરાંનાં ચોકઠાંમાં મઢેલા અરીસાને હારડા સાથે બાંધીને મોકલવામાં આવતો હતો. આમ, હારડાના દોરા સાથે સંબંધના તાંતણા બંધાયેલા જોવા મળતા હતા.

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઘરના ઓટલે કે ગલીના નાકે, બાળકો હારડા ચૂસ્યાં કરતાં હોય એવું દૃશ્ય સહજ હતું. કેટલાંક બાળકો પહેલા બટકાએ હારડાને એકવચનમાંથી બહુવચનમાં ફેરવી શકતાં હતાં. ક્યારેક તો હારડાની દોરી બે દાંત વચ્ચેની જગ્યામાં ભરાઈ જતી હતી. હારડાથી પોતાનાં બાળકોને ગળામાં 'ખિચખિચ' થઈ જશે એવી ચિંતાથી પરિવારજનો મુક્ત હતાં. કારણ કે, એ સમયે ટેલીવિઝન ઉપર ખાંસી-ઉધરસની દવાઓની ઝાઝી જાહેરખબરો પ્રસારિત થતી નહોતી! અંતે, વધેલા હારડા ખાંડના ડબ્બામાં સમાઈ જતા હતા. ઘરમાં થોડા દિવસો સુધી ચા બનાવવામાં ખાંડના દાણાની જગ્યાએ હારડાના કટકાની પસંદગી કરવામાં આવતી હતી. આજકાલની ચોકલેટી જાહેરખબરમાં 'કુછ મીઠા હો જાય' જેવું ગળચટું વાક્ય જોવા મળે છે. આપણા હોળી-પર્વમાંથી હારડા ભુસાઈ રહ્યા છે. પરિણામે, હારડા માટે 'કુછ મીઠા ખો જાય' જેવો ભાષાપ્રયોગ કરવો પડે એવો કડવો વખત આવ્યો છે.

.........................................................................................................................................
સૌજન્ય :

'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૧-૦૩-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3327/bhoosaataan-holichitro-holaiaan-ane-haaradaa