Showing posts with label Gujarati translation. Show all posts
Showing posts with label Gujarati translation. Show all posts

Monday, September 20, 2021

કાશ્યપી મહાને મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ બદલ સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર - ૨૦૨૦

 

કાશ્યપી મહા તસવીર સૌજન્ય : પરીક્ષિત જોશી

સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે સુશ્રી કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. હિન્દીમાં ૨૦૧૫માં મૃદુલા સિન્હા દ્વારા લખાયેલી લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ૨૦૧૬માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે એમને જાહેર થયો છે. વર્ષ ૨૦૨૦ માટેના આ પુરસ્કારમાં રુ. ૫૦૦૦૦ અને તામ્રપત્રનો સમાવેશ થાય છે. ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. ‘પરિતપ્ત લંકેશ્વરી’ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે.

કાશ્યપી મહાને આ પહેલાં, અનુવાદ સહિતના લેખિકાના તમામ પ્રકારના પુસ્તકોની શ્રેણીમાં વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંગ્રેજીમાં પોલ બ્રન્ટન દ્વારા લખાયેલા પુસ્તકનો કાશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલા અનુવાદ ‘હિમાલય અને એક તપસ્વી’ને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કાશ્યપીએ મરાઠી, હિન્દી, અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અત્યાર સુધીમાં ૬૫ ઉપરાંત પુસ્તકોના અનુવાદ આપ્યાં છે.

કાશ્યપી મહાએ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં ઈ.સ. ૧૯૯૭માં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ પત્રકારત્વમાં એમ.એ. અને એમ.ફિલ.ની પદવી ધરાવે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પત્રકારત્વના મુલાકાતી અધ્યાપક ઉપરાંત તેઓ વિવિધ ગુજરાતી અખબારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે.

તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ રવીન્દ્ર ભવન, નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં યોજાયેલી કાર્યકારી મંડળની બેઠકમાં ૨૪ ભારતીય ભાષાઓના પુસ્તકો માટે વર્ષ ૨૦૨૦ના સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કારનો અંતિમ નિર્ણય કરવામાં આવ્યો હતો. પુરસ્કાર માટેના પુસ્તકોનું ચયન માટે દરેક ભાષાની એક ત્રિસદસ્યીય નિર્ણાયક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા માટેની ચયન સમિતિમાં પ્રા. સંજય શ્રીપાદ ભાવે, ડૉ. વર્ષા દાસ અને શ્રી નિરંજન રાજ્યગુરુએ પોતાની સેવાઓ આપી હતી.

આ પહેલાં, વર્ષ ૨૦૨૦ માટે સાહિત્ય અકાદેમી દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકારો સર્વશ્રી હરિશ મિનાશ્રુ (મુખ્ય પુરસ્કાર), નટવર પટેલ (બાલ પુરસ્કાર) અને અભિમન્યુ આચાર્ય (યુવા ગૌરવ પુરસ્કાર)ને પણ પુરસ્કાર જાહેર થઈ ચૂક્યા છે.

 
(વિગત સૌજન્ય : પરીક્ષિત જોશી)

Monday, December 18, 2017

અનૂદિત પુસ્તક મેળો અને સ્મૃતિ વ્યાખ્યાન



માધ્યમ-નોંધ (મીડિયા-નોટ)

અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત અનૂદિત પુસ્તક મેળો

માતૃભાષાની સેવાના સામાન્ય ઉદ્દેશથી પ્રેરાઈને ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય પરિષદના કેટલાક કાર્યકર્તાઓએ મળીને 'અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી છે. ભારતની વિભિન્ન ભાષાઓમાંથી ઉત્તમ વાઙમય ગુજરાતીમાં ઉતારવું અને ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓ દેશની અન્ય ભાષાઓમાં અનૂદિત થતી રહે તેને પ્રોત્સાહન આપવું એ અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ છે. શ્રી નારાયણભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પોતાની પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. તેનું કાર્યાલય ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં છે.

ઉપર મુજબના ઉદ્દેશ પ્રમાણે ભારતીય ભાષાના ઉત્તમ પુસ્તકો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવીને ઉપલબ્ધ કરાવવાનો પ્રકલ્પ અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાથ ધર્યો છે. તેમાં અત્યાર સુધી પાંચ અનુવાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે. વળી, અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાલની કામગીરીમાં ગાંધીજીના ‘અક્ષરદેહ‘નો 91મો ગ્રંથ કે જે ગુજરાતીમાં ઉપલબ્ધ નથી તેની કામગીરી હાથ ધરી છે. ગાંધીજીના હાથે ગુજરાતીમાં લખાયેલા મૂળ પત્રોને મેળવી તેને ઉકેલી અને અંગ્રેજી પત્રો તેમજ હિન્દી પત્રોના અનુવાદ કરાવી તે ગ્રંથસ્થ કરવાનું કામ હાલ કરી રહ્યું છે.

અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઈ.સ. ૨૦૧૨માં અનૂદિત પુસ્તકમેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલાં પુસ્તકોનો મેળો તારીખ 20 થી 24 ડિસેમ્બર 2017 દરમિયાન સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ મુકામે બપોરે 2.00થી રાત્રે 8.00 વાગ્યા સુધી યોજાશે. જેમાં, વિવિધ ભાષાઓમાંથી અનુવાદિત થયેલાં અગિયારસોથી વધુ પુસ્તકોનું વેચાણ થશે.

અનૂદિત પુસ્તક મેળાનું ઉદઘાટન કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં તારીખ 20-12-2017 ને બુધવારના રોજ સાંજે 4.00 કલાકે, ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી કુમારળપાળ દેસાઈના વરદ હસ્તે થશે.

-------------------------------------------------------------------------------------------------------

અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન 

'અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન' અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તા. 24-12-2017ના રોજ શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત સુશ્રી રાધાબહેન ભટ્ટ ‘લોગોં કે ગાંધી લોગોં તક‘ વિષય પર વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં હીરક મહોત્સવ સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે સવારે 10.30 કલાકથી 12.00 કલાક દરમ્યાન યોજાશે. 

રાધાબહેન ભટ્ટ ગાંધીવિચારક અને સમાજસેવિકા છે. તેઓ 'ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન'નાં પૂર્વ પ્રમુખ તરીકે કાર્યરત હતાં. રાધાબહેન હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે તે માટે કાર્ય કરી રહ્યાં છે.