અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Satyaagrahaashram-Kocharab. Show all posts
Showing posts with label Satyaagrahaashram-Kocharab. Show all posts
Tuesday, August 5, 2025
Saturday, May 26, 2018
કોચરબમાં સત્યાગ્રહાશ્રમના એકસો ચારમા સ્થાપનાદિને પ્રકાશ ન. શાહનું વ્યાખ્યાન
| અતુલ પંડ્યા, પ્રકાશ ન. શાહ, ડૉ. પ્રેમ આનંદ મિશ્ર, રમેશ ત્રિવેદી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| ચેતન દાફડા, ડૉ. અનામિક શાહ, પ્રકાશ ન. શાહ, નરેન્દ્ર ગોહિલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
૨૫-૦૫-૨૦૧૮
Friday, May 25, 2018
સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
ડૉ. અશ્વિનકુમાર // 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે' // ૨૫-૦૫-૨૦૧૮
સૌજન્ય :
Thursday, September 11, 2014
નાઈન ઈલેવન : મુકામ કોચરબ
ડૉ. અશ્વિનકુમાર
-------------------------------------------------------------------------------------------
સ્વામી વિવેકાનંદે ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગોમાં પ્રથમ વિશ્વ ધર્મ પરિષદને સંબોધન કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધીએ ઈ.સ. ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં હિંદીઓની જાહેર સભામાં ‘સત્યાગ્રહ’ તરતો મૂક્યો. અમેરિકાનાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન, પેન્ટાગોન ઉપર ઈ.સ. ૨૦૦૧માં આતંકવાદીઓ દ્વારા વિમાની હુમલા થયા. આ બધી ઘટનાઓ જે તે વર્ષની અગિયારમી સપ્ટેમ્બરે બની હતી! અગિયાર સપ્ટેમ્બર એટલે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ નવમા મહિનાનો અગિયારમો દિવસ અર્થાત ‘નાઈન ઈલેવન’. આ શબ્દપ્રયોગ અમેરિકામાં ઘટેલી સન ૨૦૦૧ની આતંકી ઘટના પછી આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂક્યો છે. જોકે, આ બધાથી અજાણી એવી અગિયાર સપ્ટેમ્બર તો ૧૯૧૫ની કહી શકાય. જેનો મુકામ કોચરબમાં આવેલો સત્યાગ્રહાશ્રમ હતો. આ ઘટના આજનાં સમૂહ માધ્યમોની ભાષામાં ‘બ્રેકિંગ ન્યૂસ’થી જરાય ઓછી-ઊતરતી નહોતી!
દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા આવ્યા બાદ, મો.ક. ગાંધીએ મિત્રો-પરિચિતો સાથે અમદાવાદમાં આશ્રમ-વસવાટ અંગે ચર્ચાઓ કરી હતી. અમદાવાદના મિત્રોની સાથે સંવાદોમાં અસ્પૃશ્યનો પ્રશ્ન ચર્ચાયો હતો. ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો કોઈ લાયક અંત્યજ ભાઈ આશ્રમમાં દાખલ થવા માગશે તો તેઓ તેને જરૂર દાખલ કરશે. ‘તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્યજ ક્યાં રેઢા પડ્યા છે?’ એમ કહીને એક વૈષ્ણવ મિત્રે પોતાના મનનો સંતોષ પણ વાળ્યો હતો. અને છેવટે અમદાવાદમાં વસવાનો નિશ્ચય થયો. કોચરબમાં ૨૫-૦૫-૧૯૧૫ના દહાડે સત્યાગ્રહાશ્રમની સ્થાપના થઈ. આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની ગાંધીજીને આશા નહોતી તેવી એ લોકોની કસોટી થઈ.
મોહનદાસ ગાંધીને અમૃતલાલ ઠક્કરનો આ કાગળ મળ્યો : ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ અમૃતલાલનો આ કાગળ વાંચીને મોહનદાસ ભડક્યા ખરા! ઠક્કરબાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી ગાંધીબાપુએ મુદ્દલ આશા રાખી નહોતી. ગાંધીજીએ સાથીઓને આ કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. આશ્રમના નિયમ પાળવા તૈયાર થાય તો અંત્યજ કુટુંબને લેવાની પોતાની તૈયારી ગાંધીજીએ ઠક્કરબાપાને જણાવી દીધી. દૂદાભાઈ દાફડા નામના દલિત ગૃહસ્થ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. તેઓ આશ્રમી નિયમોનું પાલન કરવા તૈયાર હતા. દૂદાભાઈએ આશ્રમમાં દાખલ થવા માટે ૦૬-૦૯-૧૯૧૫ના રોજ અરજી મોકલી હતી અને ૧૧-૦૯-૧૯૧૫ના રોજ તેઓ હાજર પણ થઈ ગયા. આમ, અગિયારમી સપ્ટેમ્બરે એટલે કે, આશ્રમ-સ્થાપનાના એકસો આઠ દિવસ પછી, કપરી કસોટીરૂપી તેજવાહિની મારતી ગતિએ આવી પહોંચી!
સન ૧૯૧૫ની નવમી જાન્યુઆરીથી વીસમી ડિસેમ્બર સુધીના સમયગાળાને આવરી લેતી, માતૃભાષા ગુજરાતીમાં લખેલી ડાયરીમાં અગિયારમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ મો.ક. ગાંધીએ નોંધ્યું છે : ‘દૂદાભાઈ મુંબઈથી આવ્યા. મહા કંકાસ પેદા થયો. સંતોકે ન ખાધું તેથી મેં પણ ન ખાધું. વ્રજલાલે બીડી પીધી તેથી ઉપવાસ શરૂ કર્યો.’ આભડછેટને છેટી રાખવા માટે ગાંધીજીએ ભોજનનો ટંક છોડ્યો, પણ ટેક ન છોડી. ઓગણીસો પંદરના ‘નાઈન ઈલેવન’થી અમદાવાદના સામાજિક અને ધાર્મિક જીવનમાં ઊહાપોહ મચી ગયો. આ બનાવના કારણે કહેવાતા ‘ઊંચા’ લોકોએ આશ્રમનો બહિષ્કાર કરવાનો પણ વિચાર કર્યો હતો. જેમ આશ્રમની બહાર, તેમ આશ્રમમાં પણ ખળભળાટ થયો. એક તબક્કે, મોહનદાસે આશ્રમમાં અંત્યજના આગમનનો સખત વિરોધ કરનાર કસ્તૂરબાઈ સાથેનો છેડો કાયમ માટે ફાડી નાખવાનો નિશ્ચય કરી લીધો હતો!
પંદરમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ દૂદાભાઈ એમનાં પત્ની દાનીબહેનને લેવા ગયા. એના એક દિવસ પહેલાં એટલે કે ૧૪મી સપ્ટેમ્બરે, પ્રિય અને આદરણીય મિત્ર વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રી(૧૮૬૯-૧૯૪૬)ને અમદાવાદથી મૂળ અંગ્રેજીમાં લખેલા પત્રના છેવટ ભાગમાં મો.ક. ગાંધી કહે છે કે, ‘હું મારા જીવનમાં એક મહત્વનું પગલું લઈ રહ્યો છું. આજે એ સંબંધમાં લખવાનો સમય નથી. એનો સંબંધ કેટલેક અંશે પરિયા એટલે અસ્પૃશ્યોના પ્રશ્ન સાથે છે.’ છવીસ સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ કોચરબના આશ્રમમાં દૂદાભાઈની સાથે તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી દીકરી લક્ષ્મીનો પ્રવેશ થયો. એના ત્રણ દિવસ પહેલાં એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે, ગાંધીએ, શ્રીનિવાસ શાસ્ત્રીને અમદાવાદથી મૂળ અંગ્રેજીમાં લખેલો પત્ર સ્પષ્ટ છે અને સ્ફોટક છે! પ્રિય શાસ્ત્રીયારને મો.ક. ગાંધી લખે છે : ‘મેં મારી પત્નીને કહી દીધું છે કે તું મને છોડી શકે છે અને આપણે સારા મિત્રો તરીકે છૂટા થવું જોઈએ. આ પગલું ખૂબ જ મહત્વનું છે, કેમ કે એનાથી હું દલિત વર્ગોના કાર્ય સાથે એવા સંબંધથી બંધાઉં છું કે નજીકના ભવિષ્યમાં જ સંભવ છે કે મારે કોઈ ઢેડવાડામાં જઈને રહેવાનો અને ઢેડ લોકો સાથે તેમના જીવનમાં સહભાગી થવાનો વિચાર અમલમાં મૂકવો પડે. એ વાત મારા ચુસ્ત અનુયાયીઓને માટે પણ ભારે થઈ પડશે. મેં આપને મારી આ વાતની રૂપરેખા આપી છે. એમાં કોઈ ભવ્યતા રહેલી નથી. મારે માટે એનું મહત્વ એટલા માટે છે કે એ વડે હું સામાજિક પ્રશ્નોમાં સત્યાગ્રહની કાર્યસાધકતા સિદ્ધ કરી શકું એમ છું. અને હું જ્યારે છેવટનું પગલું ભરીશ ત્યારે તેમાં સ્વરાજ્ય વગેરેનો પણ સમાવેશ થશે.’ (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ : ૧૩, પૃષ્ઠ : ૧૨૦-૧૨૧)
અંત્યજ કુટુંબના પ્રવેશથી આશ્રમમાં હર્ષનો નહીં, સંઘર્ષનો પ્રવેશ થયો. મો.ક. ગાંધીના સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો. જે કૂવામાં બંગલાના માલિક જીવણલાલ વ્રજરાય દેસાઈનો ભાગ હતો તે કૂવામાંથી પાણી ભરવામાં જ અડચણ આવવા લાગી. આ ઘટનાને ગાંધીના મોઢેથી જ સાંભળીએ : ‘કોસવાળાને અમારા પાણીના છાંટા અડે તો તે અભડાય. તેણે ગાળો શરૂ કરી, દૂદાભાઈને પજવવાનું શરૂ કર્યું. ગાળો સહન કરવાનું ને દૃઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું મેં સહુને કહી દીધું. અમને ગાળ સાંભળતા જોઈ કોસવાળો શરમાયો ને તેણે છેડ મૂકી. પણ પૈસાની મદદ તો બંધ થઈ. જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી.’ (‘સત્યના પ્રયોગો’, ૧૯૯૩, પૃષ્ઠ : ૩૮૦) આશ્રમને પૈસાની મદદ બંધ પડી. ગાંધીજીના કાને આશ્રમના બહિષ્કારની અફવા આવવા માંડી. જોકે, ગાંધીજીએ સાથીઓની સાથે આવું વિચારી મેલ્યું હતું : ‘જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તોયે આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.’ (પૃષ્ઠ : ૩૮૧)
છેવટે મોહનદાસ ગાંધી સમક્ષ તેમના પિતરાઈ ભાઈ ખુશાલચંદ ગાંધીના પુત્ર મગનલાલ ગાંધીએ ચિંતાસૂર કાઢ્યો કે, ‘આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.’, ત્યારે મો. ક. ગાંધીએ ધીરજથી જવાબ આપ્યો : ‘તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.’ જોકે, એક સવારે મોટર લઈને આવેલા, શેઠ અંબાલાલ સારાભાઈ દ્વારા તેર હજાર રૂપિયાની રોકડ રકમ મળી. આ આકસ્મિક, અકલ્પનીય, આવકાર્ય, અનિવાર્ય મદદથી ગાંધીજીનું અંત્યજવાડામાં જવાનું અટક્યું. તેમને લગભગ એક વર્ષનું આશ્રમખર્ચ મળી ગયું. જોકે મગનલાલ ગાંધી અને વિશેષ કરીને તેમનાં પત્ની સંતોકબહેનને ‘દૂદાભાઈ, દાનીબહેન, લક્ષ્મી’ની હાજરીથી પોતાનો ધર્મ જોખમમાં મુકાયો હોય એવું લાગ્યું. આથી, ગાંધીજીએ આ ‘ધર્મસંકટ’ના ઉકેલ તરીકે, મગનલાલ અને સંતોકબહેનને વણાટકામ શીખવા માટે મદ્રાસ જવાનું સૂચન કર્યું. આ દંપતીએ મદ્રાસમાં આશરે છ માસ રહીને વણાટની કળા બરોબર હાથ કરી. મગન-સંતોક પોતાનામાં આવી ગયેલી નબળાઈ જોઈ શક્યાં. તેથી બન્નેએ ગંભીર વિચાર કરીને અસ્પૃશ્યતાનો મેલ પૂર્ણપણે કાઢી નાખ્યો.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઈને ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા. પરંતુ કોચરબના સત્યાગ્રહાશ્રમમાં એક અંત્યજ કુટુંબનું આવવું કસ્તૂરબાઈને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં ગાંધીની બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આશ્રમને આર્થિક મદદના અભાવની બીકે ગાંધીજીને જરાયે ચિંતામાં નહોતા નાખ્યા, પરંતુ તેમના માટે ‘નાઈન ઈલેવન’થી નીપજેલો આંતર ખળભળાટ વસમો થઈ પડ્યો હતો. દાનીબહેન-દૂદાભાઈ દંપતી માટે ગાંધીજી ‘સત્યના પ્રયોગો’(પૃષ્ઠ : ૩૮૨)માં લખે છે : “દાનીબહેન સામાન્ય બાઈ હતી. દૂદાભાઈનું ભણતર સહજ હતું, પણ તેમની સમજણ સારી હતી, તેમની ધીરજ મને ગમી હતી. તેમણે કોઈ વેળા ક્રોધ આવતો, પણ એકંદરે તેમની સહનશક્તિની મારી ઉપર સારી છાપ પડેલી. ઝીણાં અપમાનો ગળી જવાનું હું દૂદાભાઈને વીનવતો ને તે સમજી જતા અને દાનીબહેન પાસે સહન કરાવતા.”
એ તો ગાંધીમાં નૈતિક અને આત્મિક બળ હતું, એટલે તેઓ છેક સન ૧૯૧૫માં, ‘નાઈન ઈલેવન’ વહોરીને પણ, અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમમાં એક અસ્પૃશ્ય પરિવારનો પ્રવેશ અને સમાવેશ કરાવી શક્યા હતા. આ ઐતિહાસિક ઘટનાના શતાબ્દી વર્ષે પણ એ ભૌગોલિક સત્ય ઊભું જ રહે છે કે, શહેરના કહેવાતા ઉચ્ચ વર્ગીય વિસ્તારોમાં, ઉચ્ચ સુવિધાયુક્ત ઇમારતો બાંધતા, ઉચ્ચ વર્ણીય ઘરનિર્માણકારો શિક્ષિત અને સક્ષમ દલિત પરિવારોને મકાન આપવાની આજે પણ ચોખ્ખી (અને ખરેખર તો મેલી) ના પાડે છે!
-------------------------------------------------------------------------------------------ashwinkumar.phd@gmail.com
-------------------------------------------------------------------------------------------
સૌજન્ય :
* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12
-------------------------------------------------------------------------------------------
સૌજન્ય :
* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12
* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૧-૦૯-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3831/nine-eleven-mukaam-kocharabપુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૧-૦૯-૨૦૧૮
પુનર્મુદ્રણ : 'નવજીવન.ઇન', ૦૪-૧૦-૨૦૨૧
https://www.navajivan.in/ashram-katha-visit-kocharab-gandhi-ashram/
Saturday, August 16, 2014
આશ્રમમાં અમલયુક્ત એકાદશવ્રત
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
.................................................................................................................................
ગાંધીની વાત આવે એટલે ઓગણીસો પંદર આવે, ઓગણીસો પંદર આવે એટલે અમદાવાદ આવે, અમદાવાદ આવે એટલે આશ્રમ આવે, આશ્રમ આવે એટલે આચાર આવે! અહીં, અમલમાં મૂકવા માટે અંકે પૂરાં અગિયાર વ્રત છે. ગાંધીજી માટે આશ્રમ એટલે એકાદશ વ્રતોની અસરકારક આચારભૂમિ.
આશ્રમના બંધારણનો મુસદ્દો મે, ૧૯૧૫માં ઘડવામાં આવ્યો હતો. આ મુસદ્દો સુધારીને ત્રીજી આવૃત્તિ રૂપે નવેમ્બર, ૧૯૧૫માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા લિખિત ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ (મે, ૧૯૪૮) પુસ્તકને ‘અગ્નિસંભવ’ મથાળાથી આવકાર આપતા કાકા કાલેલકર લખે છે : “સન ૧૯૧૫માં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી તે પહેલાં ગાંધીજીએ એ આશ્રમની કલ્પના લખી કાઢી અને એને માટે બે ત્રણ નામો સૂચવી એક પરિપત્ર હિંદુસ્તાનના અનેક વિચારકો, સેવકો અને નેતાઓ ઉપર મોકલ્યું હતું. એની સાથે આશ્રમના વ્રતોનું વિવેચન પણ મૂક્યું હતું. એ ૧૧ વ્રતોમાંનાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ વ્રતો યોગમાર્ગમાં યમ તરીકે ઓળખાય છે. વૈદિક તેમ જ બૌદ્ધ, જૈન ઇત્યાદિ બધી જ પરંપરાઓમાં આ યમોનું મહત્વ બતાવેલું છે. રાજદ્વારી સ્વરાજ્ય મેળવવા માટે અને સામાજિક સુધારા દ્વારા બહુધર્મી ભારતીય જનતાના ઉદ્ધારને અર્થે ચલાવેલા આશ્રમમાં આ યમોની સુધારેલી આવૃત્તિ ફરી જાગ્રત થયેલી જોઈ, જૂના અને નવા બધા જ વિચારના લોકોને આશ્રમ વિષે કુતૂહલ અને આદરની લાગણી જન્મી.” (પૃષ્ઠ : 5)
વ્રતવિચારના અભ્યાસીને ઉપયોગી થશે એમ માની આશ્રમની નિયમાવલિમાંથી અગિયાર વ્રતો ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે આપવામાં આવ્યાં છે. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, જાતમહેનત, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતાનિવારણ, સહિષ્ણુતા એમ એકાદશ વ્રતોનો સમાવેશ થાય છે.
ગાંધીના મતે સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો સીમિત અર્થ સત્યનો કેવી રીતે હોઈ શકે?! એ તો ગાંધીજી છે એટલે જ સ્પષ્ટ કહે છે કે, ‘આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહ્લાદની જેમ માતાપિતાદિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.’ ગાંધી માટે ‘સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી.’ આ જ રીતે, પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ અહિંસાના વ્રતપાલનને માટે પૂરતું નથી! ગાંધી કહે છે કે, ‘અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ.’ ગાંધીજીના મતાનુસાર વ્રતપાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે. છતાં અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ કરે અને અન્યાયીએ આપેલાં કષ્ટ ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્વેષ કર્યા વિના સહન કરે.
‘પુરુષ પુરુષ વચ્ચે કે સ્ત્રી સ્ત્રી વચ્ચે કે બંનેની કોઈ વસ્તુ વિષે વિકારમય ચેષ્ટા પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.’ એવું કહેનાર ગાંધી એવું પણ સ્પષ્ટ માને છે કે, પતિ-પત્ની વચ્ચે વિષયભોગ નહીં, પણ મિત્રવત્ નિર્મળ સંબંધ હોવો જોઈએ. બ્રહ્મચર્યના વ્રત અંગે તેઓ એ બાબત ઉપર ખાસ ભાર મૂકે છે કે, ‘બ્રહ્મચારી કોઈ સ્ત્રી કે પુરુષ ઉપર કુદૃષ્ટિ ન કરે એટલું જ બસ નથી, પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહીં કરે.’ ગાંધીજીનો એવો અનુભવ છે કે, મનુષ્ય જ્યાં લગી જીભના રસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે. આથી તેમણે અસ્વાદને નોખું વ્રત ગણ્યું છે. ‘ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય; ભોગને અર્થે કદી નહીં. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે.’ એવું કહીને ગાંધી વિકાર ઉત્પન્ન કરે એવા મસાલાનો ત્યાગ, અને માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ કરે છે. આ ઉપરાંત, ગાંધીજી ‘અસ્વાદ’ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો પણ નિષેધ ફરમાવે છે!
બીજાની વસ્તુ તેની રજા વિના ન લેવી એટલી સામાન્ય સમજ આપણી જ હોઈ શકે, ‘અસ્તેય’ વ્રતની નહીં! આથી, ગાંધી સમજે અને સમજાવે છે કે, ‘જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદતને સારુ મળી હોય તેના કરતાં વધારે મુદત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે.’ આટલું જાણે ઓછું હોય તેમ ગાંધી માને છે કે, પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે. ‘અસ્તેય’ના પેટામાં જ ‘અપરિગ્રહ’ને જોઈ-જાણી શકતા ગાંધીજી દરેક આશ્રમજીવીને પોતાનું જીવન નિત્ય સાદું કરતાં જવાની સમજણ આપે છે. અપરિગ્રહ વ્રત અંગે ગાંધી ભારપૂર્વક કહે છે કે, ‘અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે.’
‘અસ્તેય’ અને ‘અપરિગ્રહ’ના પાલન માટે ‘જાતમહેનત’નું વ્રત ખરેખર જિંદાબાદ સાબિત થાય તેમ છે! ‘મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના ને પોતાના દ્રોહમાંથી બચી શકે.’ એવું સાફસાફ સંભળાવીને ગાંધી કહે છે : ‘જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવા યોગ્ય હોય તે આટોપી લેવું જોઈએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઈએ.’ આની સાથેસાથે ગાંધીજી એવું પણ સ્પષ્ટ કરે છે કે, બાળકો, અપંગો, વૃદ્ધોની સેવા કરવી એ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. ‘જાતમહેનત’ના આદર્શને અવલંબીને આશ્રમમાં અનિવાર્ય હોય ત્યાં જ મજૂરો રાખવામાં આવતા હતા. ને તેમની સાથે શેઠચાકરનો વહેવાર રાખવામાં આવતો નહોતો.
‘સ્વદેશી’ ભાવનાના પોષણથી સંસાર સુવ્યવસ્થિત રહી શકે, એવું માનનારા ગાંધીજી કહે છે કે, ‘દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઈ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશથી ન લાવીએ.’ જોકે તેમનું વ્યાપક દર્શન એ છે કે, ‘સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.’ ‘અભય’ વ્રતના મામલે ગાંધીજીની પ્રતીતિ છે કે, સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. સર્વત્ર ભયના વ્યાપમાં નિર્ભયતાનું ચિંતન અને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન આપનાર ગાંધીજી કહે છે, ‘જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.’
‘અસ્પૃશ્યતાનિવારણ’ને આશ્રમી નિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે, હિંદુધર્મમાં અસ્પૃશ્યતાની રૂઢિએ ઘાલેલી જડમાં ધર્મ નથી, પણ અધર્મ છે. આશ્રમ જાતિભેદને માનતું નથી અને આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી. આથી, ગાંધીજી કહે છે કે, ‘જાતિભેદથી હિંદુધર્મને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસાધર્મની ઘાતક છે.’ ગાંધીજી ‘સહિષ્ણુતા’ અંગે કહે છે કે, ‘જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો; પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે.’
આપણે એકાદશ વ્રતને સ્થૂળ અર્થમાં લેવાનાં નથી. પણ તેને સૂક્ષ્મ અર્થમાં સમજવાનાં છે. આશ્રમી વ્રતો માટે સીમિત નહીં, પણ વ્યાપક સમજ ઊભી કરવાની છે. એકાદશ વ્રતો એકબીજા સાથે ગૂઢ રીતે જોડાયેલાં છે, અને તેઓ જગતના સજીવોને ગાઢ રીતે જોડવા સક્ષમ છે. અગિયાર વ્રતો મનુષ્યનાં અંગ અને આત્મા, બુદ્ધિ અને હૃદય, મન અને કર્મ વચ્ચે આંતરસંબંધ ધરાવે છે. એકાદશ વ્રતોનું નિત્ય મનન અને પૂર્ણ પાલન જરૂરી છે. અગિયાર વ્રતોનો મુશ્કેલ પણ અશક્ય નહીં એવો અંગત અમલ જ જગત કલ્યાણ કરી શકે તેમ છે. આપણે ત્યાં ઇન્ડિયન ક્રિકેટ ઈલેવન, નાઈન બાય ઈલેવન, નૌ દો ગ્યારહ, કે અગિયારશના ઉપવાસ થકી જ અગિયારનો આંકડો ચર્ચામાં આવે છે. પણ અમદાવાદની આશ્રમભૂમિમાં અવતરણ પામેલાં અગિયાર વ્રતો પ્રામાણિક સ્વીકરણમાં અને ચુસ્ત આચરણમાં પરિણમે તો દુનિયાનાં ઘણાં દુઃખો શાંત થઈ જાય!
.................................................................................................................................
* સૌજન્ય :
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03
Wednesday, July 16, 2014
સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
મોહનદાસ કરમચંદ ગાંધીએ ઈ.સ. ૧૯૧૫માં મૂળ અમદાવાદથી નોખા કોચરબમાં અનોખી સંસ્થા સ્થાપી. આ આશ્રમી સંસ્થા માટે ત્રણ નામ – ‘સત્યાગ્રહાશ્રમ’, ‘દેશસેવાશ્રમ’, ‘સેવામંદિર’ – પૈકી કયું નામ રાખવું એ અંગે ખુલ્લાં બારણે અને ઊંચાં ધોરણે ચર્ચા-વિચારણા કરવામાં આવી. આશ્રમના નામકરણ અંગે ગાંધીજી કહે છે : “ ... છેવટે સંસ્થાનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું. હેતુ તપાસતાં એ નામ યોગ્ય જ હતું એમ લાગે છે. મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારુ જ જીવવાનો અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે. એ શોધમાં જેટલા સાથી મળે તેઓને ભેળવવાની પણ એટલી જ ઇચ્છા રહેલી છે.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, મે, ૧૯૪૮; પ્રત : ૫૦૦૦; પૃષ્ઠ : ૭)
મોહનદાસ ગાંધીએ આશ્રમના બંધારણનો મુસદ્દો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કર્યો હતો. જે માત્ર કાચો ખરડો હતો અને મિત્રવર્ગમાં ટીકા સારુ મોકલવા છપાવેલો હતો. આ મુસદ્દો છાપામાં છાપવા સારુ નહોતો. તેમણે કેટલાક આગેવાનોને આશ્રમનો બંધારણ-મુસદ્દો મોકલાવ્યો હતો. જેમાં ગોંડળ રાજ્યના દીવાન રણછોડદાસ પટવારી, મુંબઈના રૂના અગ્રગણ્ય વેપારી અને અર્થશાસ્ત્રી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, જૈન વિદ્વાન અને ફિલસૂફ વીરચંદ શાહ, ગાંધીજીના સાથી ભાઈશ્રી કોટવાલ ... વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીએ આ તમામને પત્ર લખીને તેની સાથે આશ્રમી સંસ્થાના બંધારણનો ખરડો મોકલાવ્યો હતો. તે મુસદ્દો વાંચીને સલાહ-સૂચન-અભિપ્રાય-ટીકા મોકલવા માટે ગાંધીએ આ અગ્રજનોને વિનંતિ પણ કરી હતી.
ગાંધીએ સ્વામી શ્રદ્ધાનંદ નામથી વિખ્યાત થયેલા રાષ્ટ્રીય આગેવાન, આર્યસમાજના સક્રિય સેવક, ગુરુકુળ-કાંગડીના સ્થાપક મહાત્મા મુંશીરામ(૧૮૫૬-૧૯૨૬)ને ૧૪ જૂન, ૧૯૧૫ના રોજ એક પત્ર લખ્યો હતો. મોહનદાસે મહાત્માજીને આ પત્રમાં લખ્યું હતું : “હમણાં તો અમદાવાદમાં આશ્રમ ખોલ્યો છે. તેની નિયમાવલી હિંદીમાં તૈયાર થાય છે. તૈયાર થઈ જતાં આપના અભિપ્રાય માટે તે આપની પાસે મોકલવામાં આવશે.” (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ : ૧૩; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, ઓગસ્ટ, ૧૯૬૯; પૃષ્ઠ : ૧૦૧)
સત્યાગ્રહાશ્રમના સુચારુ સંચાલન સારુ નિયમો જરૂરી હતા. આથી, જ નિયમાવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગવામાં આવ્યા હતા. ઘણા બધા અભિપ્રાયો આવ્યા હતા. તેમાં પૂર્વ ન્યાયાધીશ અને બંગાળની રાષ્ટ્રીય શિક્ષણસંવર્ધક સંસ્થા ‘બંગજાતીય વિદ્યાપરિષદ’ના પ્રમુખ સર ગુરુદાસ બેનરજીએ આપેલો અભિપ્રાય ગાંધીજીને ખાસ યાદ રહી ગયો હતો. ગુરુદાસને મોહનદાસની નિયમાવલિ ગમી હતી. પરંતુ તેમણે એક સૂચના ખાસ એ કરી હતી કે, વ્રતોમાં નમ્રતાના વ્રતને સ્થાન આપવું જોઈએ. સર ગુરુદાસના કાગળનો ધ્વનિ એ હતો કે, આપણા યુવકવર્ગમાં નમ્રતાના વ્રતની ઊણપ વર્તાય છે. નમ્રતાનો અભાવ ગાંધી પોતે પણ ઠેકઠેકાણે અનુભવતા હતા. છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા નમ્રતા મટી જવાનો ગાંધીજીને આભાસ આવતો હતો. આથી, નમ્રતાના ગુણને કેન્દ્રમાં રાખીને ગાંધીજીએ ‘આત્મકથા’ (નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ : ૩૭૯)માં લખ્યું છે : “નમ્રતાનો પૂરો અર્થ તો શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજાં વ્રતો હોય. શૂન્યતા એ મોક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જો નમ્રતા – નિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી. તે સ્વાર્થી છે, અહંકારી છે.”
નવસ્થાપિત આશ્રમમાં વ્રતો-સંકલ્પો અને યમો-નિયમો અંગે ગાંધીજી કહે છે : “સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ વગેરે વ્રતો આશ્રમવાસીમાત્રને બંધનકારક હતાં. નાતજાતના ભેદ મુદ્દલ નહોતા રાખવામાં આવ્યા. અસ્પૃશ્યતાને આશ્રમમાં મુદ્દલ સ્થાન ન હતું એટલું જ નહીં, પણ હિંદુ જાતિમાંથી અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્નને આશ્રમની પ્રવૃત્તિમાં મહત્વનું સ્થાન હતું. અને જેમ અસ્પૃશ્યતાને વિષે તેમ જ હિંદુ જાતિમાં સ્ત્રીઓનાં કેટલાંક બંધનો તોડવાને વિષે પણ આશ્રમમાં મૂળથી આગ્રહ રાખવામાં આવ્યો. તેથી આશ્રમમાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા રહેલી છે. વળી હિંદુ મુસલમાન વગેરે જુદા જુદા ધર્મના લોકો વચ્ચે, જેટલો તે તે ધર્મના લોકો વચ્ચે હોઈ શકે, તેટલો જ ભ્રાતૃભાવ રાખવાનો આશ્રમમાં નિયમ થયો.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’, પૃષ્ઠ : ૦૭-૦૮)
વિનોબાએ ‘અહિંસા’ અંગેના પ્રશ્નોનું સમાધાન મેળવવા લખેલા એક પત્રના ગાંધીએ આપેલા વળતા જવાબ અંગે વિનોબા કહે છે : “એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ-પત્રિકા પણ મોકલેલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું – ‘આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત-અવિરોધી દેશસેવા છે અને એના માટે અમે નીચે લખેલાં વ્રતો જરૂરી માનીએ છીએ.’ નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશવ્રતોનાં નામ લખ્યાં હતાં. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસનાં ઘણાં થોથાં વાંચી કાઢેલાં, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિમાર્ગમાં આવે છે, પરંતુ દેશસેવા માટે પણ આવશ્યક હોય છે, એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, ‘તું અહીં ચાલ્યો આવ.’ અને હું બાપુની પાસે પહોંચી ગયો.” (‘અહિંસાની ખોજ : વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં’; સંકલન-સંપાદન : કાલિન્દી, અનુવાદ : મીરા ભટ્ટ; યજ્ઞ પ્રકાશન, વડોદરા; પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૧૯૯૫; બીજી આવૃત્તિ, ઓક્ટોબર, ૨૦૦૬; પ્રથમ પુનર્મુદ્રણ, નવેમ્બર, ૨૦૧૩; પૃ. ૬૦-૬૧)
ગાંધીજી માટે આશ્રમ એ પ્રયોગભૂમિ છે. તેઓ સંસ્થાનાં વ્રતો-નિયમોને આકાર આપતાં પહેલાં તેને ચર્ચાના ચાકડે ચડાવે છે. ગાંધીજી સાચા હિંદ સ્વરાજનું એક વચન આપનાર પહેલા પુરુષ છે, પણ ગાંધીજી એટલે ‘પ્રથમ પુરુષ એકવચન’ નહીં! પ્રજાના નમ્રસેવક એવા ગાંધી વ્યાપક જનમતની સામેલગીરી ઇચ્છે છે. ગાંધીકર્મમાં મિત્રો-મુરબ્બીઓ-મહાનુભાવોની ટીકા-ટિપ્પણીને વિશેષ સ્થાન છે. આશ્રમના બંધારણના મુસદ્દામાં ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખવામાં આવ્યું હતું કે, “આ આશ્રમનો ઉદ્દેશ જન્મપર્યંત દેશસેવા કરતાં શીખવાનો અને કરવાનો છે.” આશ્રમના બંધારણની પત્રિકા થકી પણ વ્રતવીર ગાંધી દેશસેવાની પ્રતીતિ કરાવી શક્યા છે. આથી જ, વિકલ્પે બંગાળની ક્રાંતિ અથવા હિમાલયની શાંતિ ચાહતા નવયુવક વિનોબા સંકલ્પે અમદાવાદના કોચરબ આશ્રમે પહોંચ્યા એ ઘટના ભૌગોલિક નહીં, પણ ઐતિહાસિક હતી !
.................................................................................................................................
સંપર્ક :
ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
.................................................................................................................................
સૌજન્ય :
'નિરીક્ષક', ૧૬-૦૭-૨૦૧૪, પૃષ્ઠ : ૧૦-૧૧
* પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૮-૨૦૧૪; અંક : ૨૫૧, પૃષ્ઠ : ૦૯-૧૦-૦૮
* પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮
Monday, June 16, 2014
સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
ડૉ. અશ્વિનકુમાર
.........................................................................................................................
.........................................................................................................................
દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કર્યા બાદ, કર્મવીર ગાંધીભાઈ ૦૯-૦૧-૧૯૧૫ના રોજ સ્વદેશ પરત થયા. તેઓ રાજકીય માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસર્યા. આથી, તેમણે ભાષણને નહીં, પણ ભ્રમણને મહત્વ આપ્યું. વિદેશી શાસન ઉપર ફરી વળતાં પહેલાં, ગાંધીજી સ્વદેશની જમીન ઉપર ફરી વળ્યા હતા. સ્વામી શ્રદ્ધાનંદજીની માગણી હતી કે ગાંધી હરદ્વારમાં વસે. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ હતી કે ગાંધી વૈદ્યનાથધામમાં વસે. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ હતો કે ગાંધી રાજકોટમાં વસે. પણ જ્યારે તેઓ અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધી ‘સત્યના પ્રયોગો’(પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ ૩૭૮)માં ‘આશ્રમની સ્થાપના’ શીર્ષક તળે લખે છે : “અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.”
‘દિનવારી’નાં પાનાંમાંથી હળવેથી પસાર થઈએ તો ગાંધીજીનાં પોત અને પ્રતિભાનો પાકો પરિચય મળી રહે. કાઠિયાવાડી પહેરવેશના એ દિવસોમાં, ગાં.મો.ક.ને અમદાવાદે કેવો આવકાર અને આદર આપ્યો હશે એની ઝીણી જાણકારી ઝડપથી મેળવી લઈએ. મુંબઈમાં નવથી પંદર જાન્યુઆરી, ૧૯૧૫નું એ પ્રથમ અઠવાડિયું વ્યસ્ત કાર્યક્રમોમાં ગાળ્યા બાદ, મુંબઈથી રાજકોટ જવા નીકળેલા ગાંધીનું સોળ જાન્યુઆરીની સવારે અમદાવાદના રેલમથકે સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ સાથે પ્રથમ મેળાપ થયો. રાજકોટથી ધોરાજી, પોરબંદર, ગોંડળ, અને ત્યાંથી રાજકોટ થઈને પહેલી ફેબ્રુઆરી, ૧૯૧૫ની સાંજે અમદાવાદ આવેલા ગાંધીનો સત્કાર થયો અને સરઘસ નીકળ્યું. હરખઘેલા માણસો તો ગાંધી જે મોટરમાં બેઠા હતા તેને ખેંચવા માગતા હતા. પણ વાહનમાં જ બેસી રહે એ મોહન શેના?! આથી, ગાંધીએ ચાલવા માંડ્યું એટલે પછી હરખવીરોએ તેમને મોટરમાં બેસવા દીધા. તેમનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં હતો.
બીજી ફેબ્રુઆરીએ અમદાવાદમાં તેમનાં સન્માનમાં સરઘસ-સભા-સમારોહ યોજાયાં હતાં. સ્ત્રીઓ તરફથી હાટકેશ્વર મહાદેવ મુકામે કસ્તૂરબાને અને સર ચીનુભાઈના પ્રમુખપદે મનસુખભાઈની વાડીમાં મોહનદાસને માનપત્ર આપવામાં આવ્યું હતું. એ દિવસે તેમણે દક્ષિણ આફ્રિકાની લડતના સાથી સુરેન્દ્ર મેઢને ત્યાં ભોજન લીધું હતું અને અમદાવાદમાં સ્થાયી થવા સારુ શહેરના અગ્રેસરો સાથે વાતચીત પણ કરી હતી. ત્રીજી ફેબ્રુઆરીના દિવસે શહેરમાં ગાંધીના માનમાં ચા-પાણીનો જાહેર મેળાવડો હતો. તેમણે એક ટંકનું ભોજન શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં અને બીજા ટંકનું ભોજન સર ચીનુભાઈને ત્યાં લીધું હતું. શેઠ મંગળદાસના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં, ગાંધીને મોઢ જ્ઞાતિ તરફથી માનપત્ર એનાયત થયું હતું. એ દિવસે ગાંધીએ અમદાવાદમાં મહીપતરામ અનાથાશ્રમ અને વનિતા વિશ્રામ, સ્વદેશી સ્ટોર અને આયુર્વેદિક ફાર્મસી, શાહઆલમના રોજા અને દાદાભાઈ વાચનાલય વગેરેની મુલાકાત પણ લીધી હતી. તેઓ આશારામ દલીચંદ શાહ તથા સ્વામી અખંડાનંદને મળવા ગયા હતા. ગાંધીજી આશ્રમ માટે જમીન જોવા પણ ગયા હતા.
ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સારુ મકાનની શોધ આદરી. ગાંધીને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર બારિસ્ટર જી.વ્ર.દેસાઈ હતા. ગાંધી ૧૧ મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ વ્રજરાય દેસાઈ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. આ એ જ મકાન હતું જેને ભાડે લઈને ગાંધીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. મોહનદાસે ખરચ વગેરેનો તારીજો કરીને શેઠ મંગળદાસને આપ્યો. ધર્મવીર ગાંધીએ ૧૯૧૫માં મે મહિનાની વીસમીએ નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં ટોપી પહેરીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસમીએ ત્યાં રહેવા ગયા. તેમણે પચીસમીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. ‘ગાંધીજીની દિનવારી’(સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૧૩)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલ પચીસમી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના અંગે પાદનોંધ કરે છે કે, “આને માટે કોઈમાં ૨૦મી તારીખ છે, કોઈમાં ૨૨મી છે અને કોઈમાં ૨૩મી છે. પરંતુ ઘણાખરા આધારોમાં તા. ૨૫મી છે. તેથી એ માન્ય રાખી છે.”
ઘર હોય કે બાળક, સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી યોજના હોય – આપણે ત્યાં નામ પાડવા અંગેની મૂંઝવણ મીઠી પણ મોટી હોય છે! વળી, અહીં તો કર્તા તરીકે ગાંધી અને કર્મ તરીકે આશ્રમ છે! આશ્રમને અપાયેલા અજોડ નામ અંગે સજ્જડ કારણ આપતાં ગાંધી ‘આત્મકથા’(પૃ. ૩૭૯)માં લખે છે : “આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયાં હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જોકે તપશ્ચર્યા પ્રિય હતી છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો.”

ઈ.સ. ૧૯૧૫ના એ નિર્ણાયક સમયખંડમાં, ગાંધીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગીરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચીનુભાઈ થકી આવકાર-આતિથ્ય-અનુકૂલન સાંપડ્યાં હતાં. આપણા મહાજનોની ઉદાત્ત સખાવત આજે તો કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (મહાધનગૃહ સામાજિક જવાબદારી) ઉર્ફે સી.એસ.આર. જેવા શબ્દપ્રયોગમાં જ સીમિત થઈ ગઈ છે. પ્રવર્તમાન સમયમાં પણ - મુખ્યમંત્રી હોય કે વડા પ્રધાન, ગાંધીનગર હોય કે નવી દિલ્હી, શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ - મહાત્મા ગાંધીનું નામ આગળ ધર્યા વગર કોઈને ચાલે એમ નથી. જોકે ગાંધીજીનું નામ વટાવીને વળતર મેળવવાની મોટા ભાગની યોજના પહેલી નજરે તો આકર્ષક જણાતી હોય છે. ધર્મ, રાજ્ય, અને બજારની ત્રિપુટીને ‘મહાત્મા મંદિર’ ભલે વધારે અનુફૂળ આવતું હોય, પરંતુ સામાન્ય માણસ માટે તો ‘સત્યાગ્રહાશ્રમ’ જ સાચું આસ્થાઠેકાણું છે. સત્યાગ્રહાશ્રમની શતાબ્દીના સ્મરણટાણે, હે મારા ભારત, તું ગાંધીજીના રસ્તે કોશિયાનો વિકાસ કરીશ ને?!
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
.........................................................................................................................
સૌજન્ય :
'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17
.........................................................................................................................
સૌજન્ય :
'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી
Subscribe to:
Posts (Atom)