Sunday, July 31, 2016

દલિત મહાસંમેલન : જ્યારે 'ટેકરો' રસ્તા ઉપર આવ્યો!


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રામદેવપીર ટેકરા(જૂના વાડજ, અમદાવાદ)ના દલિત યુવકોએ પાણીનાં વીસેક હજાર પાઉચનું વિતરણ કરીને સંગઠનશક્તિ અને સામાજિક જવાબદારીનો પરિચય કરાવ્યો.      

દલિત મહાસંમેલન, અમદાવાદ
૩૧-૦૭-૨૦૧૬, રવિવાર

દલિત મહાસંમેલન : અત્યાચાર સામે એકતા


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


દલિત મહાસંમેલન, અમદાવાદ
૩૧-૦૭-૨૦૧૬, રવિવાર

Thursday, July 21, 2016

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૧

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની પૂર્વ સવારે ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ શ્રવણ
કાર્યક્રમ-સામગ્રી : ''૩૧ માં ડોકિયું'(રોજનીશી)નો પરિચય
તારીખ : ૨૦-૦૭-૨૦૧૬, બુધવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૨

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીના અસલ અવાજમાં 'ભોમિયા વિના ભમવા'તા ડુંગરા ...'નું પઠન
કાર્યક્રમ : http://www.umashankarjoshi.in/ વેબ-સાઇટનો પરિચય અને ઉમાશંકર જોશીની તસવીરોના આધારે તેમનાં જીવન-કવનનો પરિચય     
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૩

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ રમેશભાઈ બારોટ
સંગત : રમેશભાઈ બારોટ સાથે વિદ્યાર્થીઓએ કર્યું ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ ગાન
કાર્યક્રમ-સામગ્રી : 'સંસ્કૃતિ' સામયિકમાં પ્રગટ થયેલા ઉમાશંકર જોશીના સંપાદકીય લેખો અને ઉમાશંકર જોશીનું સમાજ-નિસબતી પત્રકારત્વ       
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૪


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ રમેશભાઈ બારોટ
સંગત : રમેશભાઈ બારોટ સાથે વિદ્યાર્થીઓએ કર્યું ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ ગાન
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશીના ''૩૧માં ડોકિયું'(વાસરિકા) પુસ્તકમાંથી વાચન અને 'ગોષ્ઠિ' (નિબંધ) પુસ્તકમાંથી 'સારથિધર્મ પત્રકારત્વ'ની ચર્ચા
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૦૧:૦૦થી ૦૨:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Sunday, July 17, 2016

દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

વિશ્વવિદ્યાલયના પરિસરમાં રહેઠાણ પાસેની ખુલ્લી જગ્યામાં ખાખરો, ઊમરો, લીમડો, કાસીદ, કણજી, વડ જેવાં ઝાડ ભારે જહેમતપૂર્વક ઉછેર્યાં છે. વૃક્ષો ઉપર પક્ષીઓની ઊડાઊડ અને ખિસકોલીઓની દોડાદોડ વચ્ચે, ક્યારેક વાનરટોળી જોવા મળે છે. તેઓ નિર્દોષ ચેષ્ટાથી માંડીને નર્યું તોફાન કરે છે. ઉનાળાના એ આકરા દિવસોમાં, વાંદરાએ વટવૃક્ષ ઉપર ઝંપલાવ્યું. જેના કારણે ડાળી બટકાઈ ગઈ. એની ઉપર ઊગેલી વડવાઈઓ હજુ તો ધરાસ્પર્શનું સુખ માણે એ પહેલાં ખુદ ડાળી જ જમીનને અડી ગઈ! છાલના સહારે લટકી રહેલી ડાળીને કાપીને અન્ય જગ્યાએ રોપવાનો વિચાર ઊગ્યો. રજાના દિવસની રાહ જોવામાં થોડા દિવસો પસાર થઈ ગયા. છેવટે ૧૫-૦૫-૨૦૧૬નો દિવસ રવિવાર બનીને આવ્યો. એ એવી 'યાદગાર' રજા હતી કે જે દિવસે વડલાની એક નવી શાખા ખુલવાની હતી! ઘરથી પચાસેક ડગલાં દૂર આવેલી જગ્યાને સાફ કરીને, પડોશી મિત્ર સંજયની મદદથી આશરે બે ફૂટ ઊંડો ખાડો ખોદ્યો. લગભગ છ ફૂટ લાંબી એ ડાળીને કાપીને, એને વડવાઈઓ સહિત ખાડામાં રોપી દીધી. ક્યારો બનાવીને જળઅર્પણની ઔપચારિકતા કરી દીધી. ડાળીના રક્ષણ માટે જૂનું ઝાડપિંજર(ટ્રી ગાર્ડ) પણ ગોઠવી દીધું. જોકે, ડાળીરોપણીને અશ્રદ્ધાની આંખે જોનારા સાક્ષીઓએ આ આખો કાર્યક્રમ નિષ્ફળ જશે એવી આગાહી પણ કરી!

નિયમિતપણે, ક્યારામાં પાણી આપવાનું ચાલુ રાખ્યું. ચાના નકામા કૂચાને પણ પાણી સાથે ભેળવીને નાખવાનું નહીં ભૂલવાનું. રસોડાની આડપેદાશ એવાં શાકભાજીનાં છોતરાં અને ફળનાં છીલટાંથી ક્યારાની માંગને ભરવાનું શરૂ કર્યું. સજીવ કચરો સડે અને ખાતર તૈયાર થાય એ માટે તેની ઉપર થોડી માટી પણ વાળી દેવાની. ક્યારાની માટીને ખૂરપી વડે સાવચેતીપૂર્વક ઉપરતળે કરવાની. દીકરીના માથે હેતથી હાથ ફેરવતાં હોઈએ એ રીતે ડાળીની ટોચે રોજરોજ હાથ ફેરવવાનો. જોકે, વડની ડાળી ઉપરનાં જૂનાં પાંદડાં સૂકાવા માંડ્યાં. આટલું ઓછું હોય એમ, એ અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ ડીગ્રી સેન્ટિગ્રેડની આસપાસ આંટા મારવા લાગ્યો. છોડને ટકાવવા માટે ક્યારામાં ભેજ જાળવવો જરૂરી લાગ્યો. આથી, મિનરલ વોટરની ખાલી બૉટલના બૂચમાં પુશ-પિનથી કાણું પાડ્યું. આ બાટલીમાં નળનું પાણી ભરીને, તેને ઝાડપિંજરના સહારે ઊંધા માથે લટકાવી. બૉટલના તળિયે પણ છિદ્ર પાડ્યું. જેથી, બૂચમાંથી ટીપાં ક્યારામાં સતત પડતાં રહે. થોડા દિવસોમાં, વડની ડાળીને 'શ્રદ્ધારૂપી' કૂંપળો ફૂટી. હવે, વરસાદે વૃક્ષને પાણી પાવાની જવાબદારી સ્વીકારી લીધી છે. બે મહિનામાં તો વડની ડાળીએ ઘણાં બધાં લીલાં પાંદડાં પહેરી લીધાં છે!

…………………………………………………………………………………………
સૌજન્ય :

દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૭-૨૦૧૬, રવિવાર

'આપણું અમદાવાદ'

નિમંત્રણ


નોખી અને 'નાવી' વાહનપરિચયયાત્રા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પત્રકારમિત્ર બિનીત મોદી, કામા હોટેલનો ફોર વ્હીલર રેમ્પ, અને 'નાવી'નવેલી ટુ વહીલર : 
આ બધું સમજવા માટે અહીં પહોંચી જાવ : 
http://binitmodi.blogspot.in/2016/07/blog-post_23.html

પ્રો. ઉપેન્દ્ર બક્ષી સાથે પરિચયાત્મક મુલાકાત

પ્રો. ઉપેન્દ્ર બક્ષી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

જીવનસાથી પ્રેમાબહેન સાથે પ્રો. ઉપેન્દ્ર બક્ષી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Tuesday, July 12, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1010

'તમારો જોડો જડવો મુશ્કેલ છે.'
'તમારો જોટો જડવો મુશ્કેલ છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1009

વૃતાંતનિવેદકે 'એમ કહેવાય છે કે' એવું લખવાનું ટાળવું.

ભાષાની મજા, મજાની ભાષા - 1008

'એમ માનવામાં આવે છે કે' એવું કહીને, વાચકોને પરાણે ન મનાવવા!

ભાષાની મજા, મજાની ભાષા - 1007

પત્રકારે 'બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર' ન જણાવવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1006

'ફુંગરાવું' એ દેશી બોલચાલનો શબ્દ છે.
'ફુંગરાવું' એટલે 'ફુલાવું'.

ભાષાની મજા, મજાની ભાષા - 1005

'તકરાર'ના સમાનાર્થી શબ્દો તરીકે 'અણબનાવ', 'કજિયો', 'ટંટો', 'બખેડો' જેવા શબ્દો પણ વાપરી શકાય.

ભાષાની મજા, મજાની ભાષા - 1004

 'સ્પ્રે'નું ધ્વનિમૂલક ગુજરાતી ભાષાંતર 'ફૂસફૂસિયું' કરી શકાય!

ભાષાની મજા, મજાની ભાષા - 1003

લખાણમાં વારેઘડીએ 'એડીચોટીનું જોર' ન લગાવવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1002

'સમારકામ' અને 'જિર્ણોદ્ધાર' ભિન્ન છે?

Thursday, July 7, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1000

'લેગિન્ગ્સ'નું ગુજરાતી ભાષાંતર 'પાયજામિકા' કરી શકાય?!

ભાષાની મજા, મજાની ભાષા - 999

પ્રવર્તમાન ગુજરાતી ભાષામાં 'લેંઘો' શબ્દ ઓછો અને 'લેગિન્ગ્સ' શબ્દ વધુ વપરાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 998

'નકકી' નહીં, 'નક્કી' કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 997

'જુદી જુદી વરાઇટીઝ' ન હોય. કારણ કે, 'વરાઇટીઝ' હંમેશાં 'જુદી જુદી' જ હોય!

ભાષાની મજા, મજાની ભાષા - 996

'દવા ખાનામાંથી નીકળી ને દર્દી ગભરાઈ ગયો.' (!)
'દવાખાનામાંથી નીકળીને દર્દી ગભરાઈ ગયો.'

ભાષાની મજા, મજાની ભાષા - 995

'સ્ટાર્ટ અપ'નું ભાષાંતર 'સ્વયં શરૂઆત' / 'ખુદને મદદ' / 'જાતે ઝંપલાવો' / 'અપના હાથ જગન્નાથ' કરી શકાય?!

ભાષાની મજા, મજાની ભાષા - 994

'માણસે અંતરાત્માને સાંભળી લેવો.'
'માણસે અંતરાત્માને સંભાળી લેવો.'

ભાષાની મજા, મજાની ભાષા - 993

લેખકે એવું ન જણાવવું કે, 'હું જરા પણ અતિશયોક્તિ કર્યા વગર કહું તો ...'

ભાષાની મજા, મજાની ભાષા - 992

નાની વ્યક્તિ માટે 'એનો' અને મોટા માણસ માટે 'એમનો' શબ્દપ્રયોગ કરવો.

ભાષાની મજા, મજાની ભાષા - 991

ઢેલ મોરથી મોર થઈ ગઈ!

ભાષાની મજા, મજાની ભાષા - 990

આ પૈકી કયો શબ્દ સાચો છે?

'આવાહન'
'આવહાન'
'આહ્વાન'
'આવ્હાન'

ભાષાની મજા, મજાની ભાષા - 989

'મંદિરમાં ભગવાનને છપ્પન ભોગ ધરાવાયા.'
'માર્ગ-અકસ્માતમાં છપ્પનનો ભોગ લેવાયો.'

ભાષાની મજા, મજાની ભાષા - 988

'અહમદશાહ નામનો નવાબ હતો.'
'અહમદશાહ નામે નવાબ હતો.'

ભાષાની મજા, મજાની ભાષા - 987

'ઘાંટા' અને 'ઘાટા' ભિન્ન અર્થ ધરાવે છે.

ભાષાની મજા, મજાની ભાષા - 986

'જૂના ત્રાસથી છુટકારો મેળવવા લીંબોળીનું તેલ વાપરો.'
'જૂના ત્રાસથી છુટકારો મેળવવા લીંબોળીનું તેલ વાપરો.'

ભાષાની મજા, મજાની ભાષા - 985

'મેઘાલયમાં અમે ખાસી આદિવાસી સ્ત્રીઓને મળ્યાં.'
'મેઘાલયમાં અમે ખાસ્સી આદિવાસી સ્ત્રીઓને મળ્યાં.'

ભાષાની મજા, મજાની ભાષા - 984


ગુજરાતી ભાષામાં 'પુણ્યનું ભાથું' અને 'પાપનો ઘડો' હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 983

'એ દેવીપૂજક યુવક નાસ્તિક હતો!'

ભાષાની મજા, મજાની ભાષા - 982


ગુજરાતી ભાષામાં, પર્વ 'પાવન' જ હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 981

લખનારે એવો કોઈ મુદ્દો ન ચર્ચવો, જેમાં કહેવું પડે કે - 'આ મુદ્દાની ચર્ચા અહીં અસ્થાને છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 980

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ઠેરઠેર ગરીબી જોવા મળે છે.
સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ઠેરઠેર ગરબી જોવા મળે છે.

ભાષાની મજા, મજાની ભાષા - 979


"તમારો કાર્યક્રમ 'રદ'(cancelled) થયો કે 'મુલતવી'(postponed) રહ્યો?"

ભાષાની મજા, મજાની ભાષા - 978


આધુનિક જમાનો ભલે 'ઓન લાઇન ટ્રાન્ઝેક્શન'નો હોય, પરંતુ પગારપંચના સમાચાર વખતે,
નાણાકીય બોજ તો સરકારની 'તિજોરી' ઉપર જ પડતો હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 977

'મનન હોય તો માળવે ન જવાય.' (!)
'મન ન હોય તો માળવે ન જવાય.'

ભાષાની મજા, મજાની ભાષા - 976

'કાનન હોય તો વાત કેવી રીતે સંભળાય?'
'કાન ન હોય તો વાત કેવી રીતે સંભળાય?'

ભાષાની મજા, મજાની ભાષા - 975


ગાંધીનગરમાં ભલે વરસાદ પડે, ગોંડલમાં તો વરસાદ ખાબકવાનો જ!

ભાષાની મજા, મજાની ભાષા - 974


વરસાદ આવે એટલે ગુજરાતી છાપાંની ભાષામાં વીજળી વેરણ થવાની જ!

ભાષાની મજા, મજાની ભાષા - 973

'પરિકલ્પના' અને 'પરીકલ્પના' ભિન્ન છે!

ભાષાની મજા, મજાની ભાષા - 972

'ફિયાસ્કો' ભલે થાય, 'ફિયાસ્કા' ન થાય એનું ધ્યાન રાખવું!

ભાષાની મજા, મજાની ભાષા - 971

દાક્તરે દર્દીને એ સ્પષ્ટ કરવું કે ક્યાંનો 'પડદો' ખરાબ થઈ ગયો છે.
કારણ કે, 'પડદો' આંખ, નાક, અને કાનમાં પણ હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 970

'આંખનો મોતિયો'ની જગ્યાએ 'મોતિયો' લખો તો ચાલે.
કારણ કે, 'મોતિયો' આંખનો જ હોય, નાક-કાનનો ન હોય!

ભાષાની મજા, મજાની ભાષા - 969


'ફેંકો પદ્ધતિથી મોતિયો કાઢી આપવામાં આવશે.'
'ફેકો પદ્ધતિથી મોતિયો કાઢી આપવામાં આવશે.'

ભાષાની મજા, મજાની ભાષા - 968

આંખોમાં નશો સુકાવાથી અંધાપો આવી શકે છે.
આંખોમાં નસો સુકાવાથી અંધાપો આવી શકે છે.

ભાષાની મજા, મજાની ભાષા - 967

'હરખના અવસરે ઢોલ ત્રાંસા વાગે એમાં શી નવાઈ?' (!)
'હરખના અવસરે ઢોલ-ત્રાંસા વાગે એમાં શી નવાઈ?'

ભાષાની મજા, મજાની ભાષા - 966


ચલચિત્રમાં દૃશ્ય ભલે અમાસની રાત્રિનું હોય, પરંતુ નટ-નટીએ તો 'અભિનયનાં અજવાળાં' પાથરવાં જ રહ્યાં!

ભાષાની મજા, મજાની ભાષા - 965


કંગના 'રાણાવત' નહીં, 'રનૌટ' છે.

ભાષાની મજા, મજાની ભાષા - 964

'આર.ટી.ઈ' અને 'આર.ટી.આઈ' ભિન્ન છે!

ભાષાની મજા, મજાની ભાષા - 963

ભરતીમાં ઓટ આવે?
હા, જો એ ભરતી 'રોજગાર વિષયક' અને એમાં પણ 'સરકારી' હોય તો!

ભાષાની મજા, મજાની ભાષા - 962


'મોટા ભાગે', 'લગભગ', 'કેટલુંક', 'બધું', 'ભાગ્યે જ' જેવા શબ્દો વાપરતી વખતે વિશેષ ધ્યાન રાખવું.

ભાષાની મજા, મજાની ભાષા - 961

'વાચકો મારી આ વાત સાથે સંમત થશે જ' - એમ કહીને લેખકે વાચકોને પરાણે સંમત ન કરવા!

ભાષાની મજા, મજાની ભાષા - 960

'નદીનાં ઊંડાં પાણીમાં ડૂબી જવાથી પુખ્ત વયના યુવકનું મોત.'
'નદીમાં ડૂબવાથી યુવકનું મોત.'

ભાષાની મજા, મજાની ભાષા - 959


'પચીસ વર્ષ પહેલાં આપણા દેશમાં ઉદારીકરણની નીતિ લાગુ પાડવામાં આવી.'
'ઈ.સ. ૧૯૯૧માં આપણા દેશમાં ઉદારીકરણની નીતિ લાગુ પાડવામાં આવી.'

ભાષાની મજા, મજાની ભાષા - 958

લેખના અંતે 'અસ્તુ' ન લખવું. કારણ કે, એ 'સસ્તું' લાગે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 957

'એ તો આવનારો સમય જ બતાવશે.' - લખાણમાં આવું વાક્ય ટાળવું.
આવું બધું સમય જ બતાવવાનો હોય તો પછી વાચકે જે તે લેખકને શું કામ વાંચવો જોઈએ?

ભાષાની મજા, મજાની ભાષા - 956

'વાચકોને ખબર નહીં જ હોય' - લેખમાં આવું વાક્ય ટાળવું.

ભાષાની મજા, મજાની ભાષા - 955

'તમે રેડિયામાં સમાચાર સાંભળો છો?'
'તમે રેડિયોમાં સમાચાર સાંભળો છો?'

ભાષાની મજા, મજાની ભાષા - 954

'તમે ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં તમારો થોડો પરિચય આપશો?'
'તમારો ટૂંકમાં પરિચય આપશો?'

ભાષાની મજા, મજાની ભાષા - 953

તેઓ ભલે 'સીધી સૈયદની જાળી' કહે. આપણે તો 'સીદી સૈયદની જાળી' જ કહેવાનું!

ભાષાની મજા, મજાની ભાષા - 952

“પોળોના જંગલમાં 'હેરિટેજ સાઇટ' સિવાય ઘણું બધું જોવા અને માણવા જેવું છે.”
“પોળોના જંગલમાં 'હેરિટેજ સાઇટ' ઉપરાંત ઘણું બધું જોવા અને માણવા જેવું છે.”

ભાષાની મજા, મજાની ભાષા - 951


'પોળોનું જંગલ' સાબરકાંઠા જિલ્લામાં છે.
પોળોનું જંગલ અમદાવાદ શહેરમાં છે!

Wednesday, July 6, 2016

રજનીકુમાર પંડ્યાને જન્મદિને અભિવંદન


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રજનીકુમાર પંડ્યા, વાર્તાકાર
જન્મદિન : ૦૬-૦૭-૧૯૩૮

Friday, July 1, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 950


'શ્યામજી વાતને સારી રીતે પકડી શકે છે.'
'શ્યામ જીવાતને સારી રીતે પકડી શકે છે.' (!)

નીચે રણ, ઉપર કિરણ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

તસવીર-સ્થળ : કચ્છનું નાનું રણ
તસવીર-તારીખ : ૧૨-૧૧-૨૦૧૫

પરીક્ષાર્થીઓને સૂચનાઓ અને શુભેચ્છાઓ | Instructions & Wishes to the Examinees


પરીક્ષાના દિવસો દરમિયાન, તન-મન સ્વસ્થ રાખો. 

મોબાઇલ ફોનથી શક્ય એટલા દૂર રહો. 

ઉજાગરા ટાળો. પૂરતી ઊંઘ લો.

સવારે વહેલાં ઊઠો. પ્રકૃતિને કે પ્રભુને યાદ કરીને, ધ્યાન કે પ્રાર્થના કરો.

થોડો વખત ખુલ્લી હવામાં ચાલો. કૂણા તડકામાં હળવી કસરત કરો. 

ઊંડા શ્વાસ લો. યોગ અને આસન કરો.

સાત્વિક અને પૌષ્ટિક ખોરાક લો. પૂરતું પ્રવાહી લો.

પરીક્ષા-સ્થળે, નિર્ધારિત સમય કરતાં થોડા વહેલાં પહોંચવું હિતાવહ છે. વ્યક્તિગત વાહનનો કે જાહેર પરિવહનનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓએ, પરીક્ષાના દિવસો દરમિયાન ખૂબ જ સાવચેતીપૂર્વક સમય-આયોજન કરવું. પરીક્ષા શરૂ થઈ જાય પછી પ્રવેશ ન મળે તો પરીક્ષા-નિરીક્ષક સાથે તકરાર ન કરવી.

શૈક્ષણિક ઓળખપત્ર અને પરીક્ષાખંડ પ્રવેશ પરવાનો (એક્ઝામ હૉલ ટિકિટ) અનિવાર્ય છે.

શૈક્ષણિક ઓળખપત્ર આપવામાં ન આવ્યું હોય તો, આધાર કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ વગેરે પૈકીનું કોઈએક અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું હિતાવહ છે.

પરીક્ષા માટે અનિવાર્ય સાધન-સામગ્રી લઈને જવું.

વાચન-સામગ્રી પરીક્ષાખંડની અંદર લઈ ન જવી. 
ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ ન લઈ જવી.
 
વીજાણુ ઉપકરણો ન જ લઈ જવાં.

મોબાઇલ ફોન લઈને પરીક્ષાખંડમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. મોબાઇલ ફોન સહિતની કોઈપણ  ચીજવસ્તુઓ સાચવવાની જવાબદારી, પરીક્ષા-નિરીક્ષકોની નથી. 

પરીક્ષાર્થીઓએ પોતાના જોખમે જ મોબાઇલ ફોનને પરીક્ષાખંડની બહાર મૂકવો. મોબાઇલ ફોન બંધ કે મૂંગો કરીને મૂકવો. એ પણ તપાસી લેવું કે મોબાઇલ ફોનનાં તમામ એલાર્મ અને નોટિફિકેશન બંધ કરવામાં આવ્યાં છે. 

પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા બાદ અન્ય પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરવાની મનાઈ છે. 

પ્રાર્થનાનો ઘંટ વાગે ત્યારે, સમૂહમાં સંક્ષિપ્ત સર્વધર્મપ્રાર્થના કરવી.

વિદ્યાર્થીઓએ પરીક્ષા-નિરીક્ષકો સાથે વિવેકપૂર્ણ વર્તન કરવું. કોઈ સમસ્યા હોય તો અન્ય પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે એ રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરવી.

શરીર-પોશાક, દુપટ્ટા-રૂમાલ, ઢાળિયા-પાટલી, ભીંત-ભોંય ઉપર કશું જ ન લખવું. જે લખવું હોય એ ઉત્તરવહીમાં જ લખવું!

પરીક્ષામાં ચોરી કરવી કે ચોરી કરાવવી એ ગંભીર અપરાધ છે. આ ગુના બદલ સત્ર રદ થવાથી માંડીને અમુક વર્ષ સુધી પરીક્ષામાં ન બેસી શકવા સુધીની સજા થઈ શકે છે.

પ્રશ્નો કાળી શાહીથી લખી શકાય. જવાબ વાદળી શાહીથી લખી શકાય.

લાલ-લીલી જેવી રંગબેરંગી શાહી ન વાપરવી.

ઉત્તરવહીમાં પહેલા પાના ઉપર, પરીક્ષા-બેઠકક્રમાંક સહિતની જરૂરી વિગતો ભરવી.

ઉત્તરવહી ઉપર પરીક્ષાર્થીએ પોતાનું નામ લખવાનું નથી કે સહી કરવાની નથી.

ઉત્તરવહી ઉપર પરીક્ષા-નિરીક્ષકની સહી હોવી અનિવાર્ય છે.

આખું પ્રશ્નપત્ર ધ્યાનથી વાંચી જવું.

આપણે એવા અક્ષરો કાઢવા કે, ઉત્તરવહી તપાસનાર વ્યક્તિ પણ વાંચી શકે!

અક્ષરો ઝીણા કે મોટા નહીં પણ માપસરના કાઢવા. સાવ ભેગાભેગા કે છૂટાછવાયા અક્ષરો ન કાઢવા.

ગુજરાતી કે હિંદી ભાષામાં લખાણ લીટીની ઉપર લખવું. અંગ્રેજી ભાષામાં લખાણ લીટીની નીચે લખવું. ઉત્તરવહીની ભાષા કોઈપણ હોય, લખાણ બે લીટીની વચ્ચે ન લખવું.

ઉત્તરવહીમાં પ્રશ્ન પણ લખો. જેથી ખબર પડે કે જવાબ કયા પ્રશ્નનો છે!

મુખ્ય પ્રશ્નો જ પહેલા લખવા. ટૂંકનોંધ છેલ્લે જ લખવી.

જેટલી ટૂંકનોંધ પૂછી હોય એટલી જ ટૂંકનોંધ લખવી. ચારમાંથી બે ટૂંકનોંધ લખવાનું કહ્યું હોય તો કોઈપણ બે જ ટૂંકનોંધ લખવી. ચારેચાર ટૂંકનોંધ લખવાથી સમય વધારે જશે અને ગુણ ઓછા થશે! યાદ રાખીએ કે, ગમે તે બે ટૂંકનોંધ લખવાની છે. ગમે તેમ બે ટૂંકનોંધ લખવાની નથી!

દરેક સવાલનો જવાબ લખવો. કોઈએક પ્રશ્ન આખેઆખો છોડી દઈએ તો સારા ગુણ મેળવવાની શક્યતા ઘટી જાય.

દરેક પ્રશ્નનો જવાબ લખતી વખતે પૂરો સમય આપવો. એક પ્રશ્નનો જવાબ લખવામાં ખૂબ સમય આપવાથી અન્ય જવાબો માટે સમય ખૂટે. પરીક્ષામાં સમય-આયોજન અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે.

આ પરીક્ષા છે, પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન નહીં. જવાબનું લખાણ એક-એક વાક્યના મુદ્દા પાડીને ન લખવું. લખાણ પાંચ-સાત વાક્યોના ફકરા પાડીને લખી શકાય.

કોઈપણ સવાલના જવાબ બહુ લાંબા ન લખવા અને સાવ ટૂંકા ન લખવા. સામાન્ય રીતે મોટા સવાલના જવાબ પાંચ-સાત પાનાં પૂરતા સીમિત રાખી શકાય. ટૂંકનોંધના જવાબ ત્રણ-ચાર પાનાં પૂરતા સીમિત રાખી શકાય.

જવાબમાં ઇતિહાસક્રમ (ક્રોનોલોજી) જળવાય એ આવશ્યક છે.

જરૂર જણાય ત્યાં, રસપ્રદ ઉદાહરણો આપવાં.

જવાબો મુદ્દાસર અને તબક્કાવાર લખવા.

આવશ્યકતા અનુસાર, આકૃતિઓ દોરવી. જરૂરી હોય તો, આલેખો અને કોષ્ટકો પણ રચવાં. 

પરીક્ષાના સમય પહેલા અને પરીક્ષાના સમય પછી બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું. 

પરીક્ષાના સમય દરમિયાન તો ચર્ચાઓ કરવાનો કોઈ અવકાશ જ હોતો નથી!

કોઈ પ્રશ્નનો જવાબ અધૂરો ન છોડવો. આ જ રીતે કોઈ વાક્ય પણ અધૂરું ન રાખો.

પ્રશ્નોના જવાબો લખતી વખતે, ઉત્તરવહીમાં ક્યાંય પણ પાનાં કોરાં ન છોડવાં.

છેલ્લી દસ મિનિટ બાકી હોય ત્યારે, તમામ જવાબ ફરી વાંચી જવા.

મુખ્ય ઉત્તરવહી સાથે લીધેલી પુરવણી દોરાથી બરાબર બાંધવી.

નિર્ધારિત સમય પહેલાં પરીક્ષાખંડ ન છોડવો. અંતિમ ઘંટ વાગે એટલે ઉત્તરવહી જમા કરાવીને શાંતિપૂર્ણ રીતે અને સસ્મિત ચહેરા સાથે પરીક્ષાખંડમાંથી વિદાય લેવી.

ઘરે કે છાત્રાલયે સમયસર પહોંચીને, મહેનત અને મનોબળ સાથે, આગામી પ્રશ્નપત્ર માટેની તૈયારી શરૂ કરી દેવી!

યાદ રાખો કે, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, જીવન જ ખુદ એક પરીક્ષા છે!

પરીક્ષા લેનારને અને પરીક્ષા આપનારને શુભેચ્છાઓ!

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ