'સને ૧૯૪૦ના બીજા વિશ્વયુદ્ધ વખતે વિદ્યાપીઠમાં સોજિત્રાના બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમના પિતાશ્રી બોર્નિયોમાં હતા. ત્યાંથી તેમણે સેન્ટ્રલ બૅન્કને તાર કરી એ વિદ્યાર્થીઓના ખર્ચ માટે વિદ્યાપીઠને રૂ. ૨૦૦૦/- આપવા જણાવ્યું. પણ સેન્ટ્રલ બૅન્કે માત્ર તારના આધારે રૂપિયા આપવાની ના પાડી અને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની જામીનખત ઉપર સહી કરવાની સૂચના કરી. શ્રી ઇન્દુમતીબહેનને વાત કરતાં તેમણે તરત જ આ વાત સ્વીકારી અને બૅન્કમાં આવી જામીનખત ઉપર સહી કરી આપી. એમને રૂ. ૨૦૦૦/- અપાવ્યા. આ બે વિદ્યાર્થીઓ પૈકીના એક શ્રી કાન્તિભાઈ પટેલ આજે જાણીતા શિલ્પી છે અને અમદાવાદમાં ગાંધીપુલના નાકે ગોઠવાયેલું ગાંધીજીનું બાવલું તેમણે બનાવ્યું છે. તે ઉપરાંત તેમણે સરદાર વલ્લભભાઈ, ભાઈકાકા, વિઠ્ઠલભાઈ પટેલ વગેરેનાં બાવલાં બનાવ્યાં છે અને થોડા સમયમાં અમેરિકામાં - ન્યૂ યૉર્કમાં મુકાનારું ગાંધીજીનું બાવલું પણ તેમણે તૈયાર કર્યું છે.' (પૃષ્ઠ : ૮૩)
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label GVP@100. Show all posts
Showing posts with label GVP@100. Show all posts
Friday, July 16, 2021
Thursday, July 15, 2021
ચંદનની મહેક // વિજયાબહેન દેસાઈ
'ઇન્દુબહેનનું સાંનિધ્ય મારા જીવનનું એક સદ્ભાગ્ય લેખું છું. એમના સંગે અમારામાં એક નવીન સામાજિક ચેતના પ્રગટી. શ્રીમંતાઈએ કદી ગરીબો અને એમના વચ્ચે દીવાલ રચી નહીં, સત્તાએ કદી એમના સૌજન્ય અને સંસ્કારને ઝાંખાં પાડ્યાં નહીં. એમની અટક શેઠ હતી પણ એમને શેઠ શબ્દ લગાડવાનો ગમતો નહીં તેથી એમણે શેઠ શબ્દ કઢાવી નાખ્યો હતો. ખૂબ જ સંવેદનશીલ, સંસ્કારી અને સેવાભાવી એ જીવન આજે ધબકતું નથી છતાં, એના ધબકાર સ્પષ્ટ રીતે સંભળાયા જ કરે છે.' (પૃષ્ઠ : ૧૨૭)
Wednesday, December 11, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
સૂર્યોદય જોવા મેં બાપુજીને પથારીમાંથી ઉઠાડ્યા અને પછી અમે જે આનંદ લૂંટ્યો તે અવર્ણનીય છે. આશ્રમ અને વિદ્યાપીઠ વિશે બાપુજીએ તે દિવસે મારી આગળ દિલ ખોલીને વાતો કરી. ...
Tuesday, December 10, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
આજકાલ વિદ્યાપીઠની ભવિષ્યની રૂપરેખા ખૂબ દોરું છું. દરેક સંસ્થાના સંચાલક જો બધી વિગતો પોતાના સાથીઓ આગળ ચીતરતા અને ચર્ચાતા રહે તો સંસ્થાની પરંપરા નિર્વિઘ્ને ટકે અને વધે.
Monday, December 9, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
મારા જીવનમાં મેં જે થોડીક મહત્વની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેમાં મારે મન ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિ સૌથી મહત્વની હતી.
Sunday, December 8, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
પુસ્તકાલય વિશે બાપુજી સાથે વાતો.
બાપુજીની સૂચના કે આશ્રમવાસીઓ પોતાના કામપૂરતાં પુસ્તકો આશ્રમમાં રાખે. બાકીની આખી લાઇબ્રેરી વિદ્યાપીઠમાં લઈ આવવી જેથી સળંગ એક અને જીવતી લાઇબ્રેરી થાય.
Saturday, December 7, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
વિદ્યાપીઠની ઉપાસનામાં બહારના લોકો પૂછ્યા વગર આવે છે એ ઠીક નથી. પૂછવા જેટલો વિવેક પણ લોકો પોતાની મેળે કેળવે નહીં એ કેટલું ખરાબ?
Friday, December 6, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
મારે હવે નવા યુવાન સેવકોને સાથે લઈને બેસવું જોઈએ. વિદ્યાપીઠનું કામ જેઓ આગળ જતાં કરશે તેમની આગળ મારાં સ્વપ્નાં રજૂ કરી દઉં. એટલે એક મોટું કામ થયું. એને માટે એક દિવસ મુકરર કરી વખત પણ નક્કી કરવો જોઈએ. મંગળવાર એને માટે યોગ્ય લાગે છે.
Thursday, December 5, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
... જવાબદારી નછૂટકે લીધી એ વાત ગમે તેટલી સાચી હોય તોય સમાજ તે માનવાનો નથી. માનવાને બંધાયેલો નથી. મીરાંબહેનને મેં કહ્યું હતું, "આ મુગટ કાંટાનો છે ત્યાં સુધી પહેરીશ. કાંટામાં ગુલાબ ઊગશે - ઊગવા જ જોઈએ, - એટલે એ ઉતારી મૂકીશ."
Wednesday, December 4, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
... મારા સ્વપ્નામાં એ નહોતું કે ગુજરાતમાં આવી ગુજરાતની સંસ્થા ચલાવવા માટે ગુજરાતી પ્રજા પાસે હું ભિક્ષા માગીશ.
એ પણ સારું છે કે ખરચ જોગું જ હું લેતો થયો. પગાર લેવાનું બંધ કર્યું. અને પછી માગતો થયો. હજી પણ મારે મારો ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ. બે ટંક ભોજન અને બે જોડ કપડાં એટલું મળ્યું એટલે બસ.
Tuesday, December 3, 2019
વાસરી // કાકાસાહેબ કાલેલકર
ભાઈલાલભાઈ કહે છે કે વિદ્યાપીઠના કપાસના છોડ આખા ગુજરાતમાં પહેલે નંબરે આવે એવા છે. આસપાસના ખેડૂતોને બોલાવીને બતાવવા જોઈએ. ઘણાં વરસ સુધી એ અણખેડેલી જમીન હતી એટલે એમાં કસ વધારે હોય જ. અને અમે અમારા છોડ દૂર દૂર વાવેલા.
Monday, December 2, 2019
વિદ્યાપીઠની આશા // કાકાસાહેબ કાલેલકર
વિદ્યાપીઠ કાંઈ મામૂલી શિક્ષણસંસ્થા નથી. એની પાછળ મહાન આર્ય આદર્શ છે એટલું જ નહીં પણ આજના પ્રબુદ્ધ ગુજરાતમાં અને મહાગુજરાતમાં લગભગ બધાં બળોનું તે એક કેન્દ્રીકરણ છે. વિદ્યાપીઠના ધ્યાનમંત્ર સાથે આપણે વડના ઝાડનું પ્રતીક મૂક્યું છે. એનાં મૂળિયાં દૂર દૂર જઈ ત્યાંથી પોષણ લઈ આવે છે, એની વિસ્તીર્ણ ઘટા વિશાળ અને શીતળ છાયા ફેલાવે છે, એની વધતી જતી વડવાઈઓ નવે નવે ઠેકાણે જડ ઘાલે છે, અને એના ટેટાઓ કોણ જાણે કેટલે દૂર જઈ નવી નવી વસાહતો સ્થાપે છે. ખરેખર વટવૃક્ષ જેમ આપણી સંસ્કૃતિનું દ્યોતક છે તેમ આપણી સંસ્થાના આદર્શનું સૂચક પણ છે.
Tuesday, November 26, 2019
વનેચરનું વિસ્મરણ // રજનીકુમાર પંડ્યા
ગિરધર આચાર્ય નામના ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિના બ્રાહ્મણનો આ છોકરો સિદ્ધપુર અને પાટણમાં અંગ્રેજી ભણીને અમદાવાદ ગુજરાત કૉલેજમાં ભણવા ગયો ત્યારે પણ એણે મનનું ધાર્યું જ કરેલું. એ વખતે અંગ્રેજી પોષાકનું આકર્ષણ હતું. પણ હરિનારાયણે તો કૉલેજમાં પણ જાડા કપડાનો ફેંટો, ખાદીનો લાંબો કોટ, ટૂંકી ધોતી અને મણ મણના પગરખાં પહેરવાનું રાખેલું. તેલ-ફૂલેલ નાખેલા કોટ-પાટલૂનિયા બીજા કૉલેજિયનો વચ્ચે આવા વેશમાં છાતી કાઢીને ફરતા, શરીર તો મૂળથી જ પડછંદ અને એમાં આવા લેબાશમાં ફરે એટલે બધા ઠઠ્ઠા કરે, પણ હરિનારાયણે ક્યાં પરવા કરી હતી? એ પછી કાયદાના અભ્યાસ માટે હરિનારાયણ મુંબઈ ગયા હતા અને ત્યાં બરાબર પરીક્ષાના ટાંકણે જ ગાંધીજીની બૂમ સાંભળીને કૉલેજ છોડી દીધી હતી, ત્યારે પણ સૌએ વાર્યા, પણ એમણે કાનસરો કોઈને ય ન આપ્યો. એક-બે ઠેકાણે માસ્તરની નોકરી કરી અને પછી ગાંધીજીના બોલાવ્યા અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાનના અધ્યાપક થઈને રહ્યા.
Monday, November 4, 2019
મહાવિદ્યાલયના પ્રારંભકાળના દિવસો // આચાર્ય કૃપાલાની
એક પ્રસંગે, જવાહરલાલ નેહરુ અમારા અતિથિ હતા. તેઓ અમારી રમતો જોતા હતા. એક રમત લટકતા દોરડા ઉપર ચડવાની હતી. જવાહરલાલ ચડવા તૈયાર થયા. પણ તેમણે એવો આગ્રહ રાખ્યો કે મારે પહેલાં પ્રયત્ન કરવો. હું ધીમે ધીમે દોરડું પગના અંગૂઠા વચ્ચે બરાબર પકડી મારા હાથ વડે ઉપર ચઢી ગયો. એ જ રીતે હું ધીમે ધીમે દોરડું ઊતરી આવ્યો. જ્યારે જવાહરલાલનો વારો આવ્યો ત્યારે તેઓ ઉપર ચડી તો શક્યા, પણ નીચે ઊતરતી વખતે, અધીરાઈમાં એકદમ નીચે આવ્યા. પરિણામે તેમના હાથ છોલાઈ ગયા. તેઓ ઊતરવાની યુક્તિ શીખ્યા નહોતા.
Saturday, November 2, 2019
સાહિત્ય, સંગીત, અને કલા // તનસુખ ભટ્ટ
કાકાસાહેબ અને નરહરિભાઈ આશ્રમમાં રહી રોજ વિદ્યાપીઠમાં ભણાવવા જતા. ગાંધીજયંતી પ્રસંગે બંને સંસ્થામાં ઉત્સવ ઊજવાય અને બંને સંસ્થાઓ તેમની હાજરી ઇચ્છે. આ વેળાએ તેમણે ક્યાં જવું ને ક્યાં ન જવું? આ મુશ્કેલીનો તોડ કાઢવા માટે બંને સંસ્થાઓનો ભેગો કાર્યક્રમ એક વાર ઊજવાયો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ શેક્સપિયરનું અંગ્રેજી નાટક 'મર્ચંટ ઓફ વેનિસ' ભજવેલું. આગળ ઉપર જર્મનીમાં જઈને સંસ્કૃતના પીએચ.ડી. બનેલા મણિભાઈ પટેલ તેમાં શાયલોક બનેલા. તેમનું પાત્ર ઉત્તમ ગણાયું. મોટરનાં ટાયરોમાંથી બનાવેલાં રબરનાં ચંપલો સાથે છરીની ધાર અવારનવાર ઘસતા અને ખૂની આંખે પોતાના કરજદાર તરફ વારંવાર નિહાળતા મણિભાઈનું ચિત્ર હજી મારી દૃષ્ટિ સામે તરવરે છે. કોઈ ગુજરાતી ધંધાદારી નાટકમાં એક ગાયન આવતું હશે : 'વાત જરા વાંચી જુઓ ઇતિહાસમાં.' વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ હારમોનિયમ સાથે તે ગાયું. આમાં કોઈ શાસ્ત્રીય કલાનું પ્રદર્શન ન હતું. પરંતુ ગાનારે તો પ્રેક્ષકોને મનોરંજન આપવાનું પહેલેથી નક્કી કરેલું. તેથી ગીતની ગુજરાતી લીટીનું હિંદી, મરાઠી, બંગાળી, અંગ્રેજી વગેરે બને તેટલી ભારતીય ભાષામાં ભાષાંતર કરી તેમણે કરી રાખેલું તે એક પછી એક ગાયું અને શ્રોતાઓને હસાવ્યા.
Friday, October 25, 2019
મારી સ્વરાજયાત્રા // ગુલામ રસૂલ કુરેશી
૧૯૨૨નું વર્ષ બેઠું. રાજકીય જુવાળ ઠંડો પડવા લાગ્યો હતો. અમદાવાદ જિલ્લા ખિલાફત કમિટીએ પોતાના એક મંત્રી તરીકે મારી નિમણૂક કરી. ભાગ્યે જ તે કામ બે મહિના કર્યું હશે કે ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીએ પોતાના દફતરમાં મને બોલાવી લીધો. ત્યારે 'સ્મિરના તૈયારા ફંડ'નું ઉઘરાણું ચાલતું હતું તે ઉઘરાણાનું કામ ગુજરાતપૂરતું મને સોંપવામાં આવ્યું. ૧૯૨૩માં ગૂજરાત વિદ્યાપીઠના વહીવટી કામમાં હું જોડાયો. ૧૯૨૦ના મેની ૩૧મી તારીખે ઇમામ અબ્દુલ કાદર બાવઝીરની નાની દીકરી અમિના સાથે લગ્ન થયું. લગ્નની કંકોત્રીઓ બાપુએ પોતાના નામે છપાવેલી અને કન્યાદાન પોતે જ આપ્યું. તે વખતે ઇમામ સાહેબને પ્રજામાં માત્ર અમિના એક દીકરી જ હતી. એ રીતે ૧૯૨૪થી આશ્રમમાં રહેવાને સ્થાન મળ્યું. ૧૯૨૫માં ટૂંકા સમય માટે જોઇન્ટ સેક્રેટરી તરીકે લોન સર્વિસ પર મજૂર મહાજનમાં જોડાવાનું બનેલું પણ કાર્યકર્તાઓના મતભેદના કારણે તે અલ્પજીવી રહ્યું. અને લોન સર્વિસ ટૂંકાવી વિદ્યાપીઠમાં ફરી પાછો આવી ગયો. ત્યારે મને ગ્રંથપાલનું કામ સોંપાયું.
૧૯૩૦નું વર્ષ નમક સત્યાગ્રહનું. બાપુએ દાંડીકૂચ શરૂ કરી. દાંડીકૂચ વખતે બાપુના પડાવ દિવસના અને રાતના એમ બે ટપ્પે રહેતા. બાપુની અને કૂચના સૈનિકોની જરૂરિયાત અને વ્યવસ્થાની દિવસની કામગીરી વિદ્યાપીઠના વિદ્યાર્થી મિત્રો સાથે મને સોંપાઈ. આ કામ ઘણું કપરું હતું. રોજ પડાવ બદલાય તેની સાથે જ નવી વ્યવસ્થા ઊભી કરવાની રહે.
Thursday, October 24, 2019
ગોપાળદાસ પટેલની ગ્રંથાલય-સેવા // દશરથલાલ શાહ
૧૯૨૦ના અસહકારના આંદોલનમાં ગૂજરાત વિદ્યાપીઠની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી. કોઈ પણ વિદ્યાપીઠને પોતાનું ગ્રંથાલય હોવું જોઈએ, એ દૃષ્ટિએ ૧૯૨૦થી જ વિદ્યાપીઠ ગ્રંથાલયનો પ્રારંભ થયો. સાથે સાથે પુરાતત્ત્વ મંદિરનું ગ્રંથાલય 'શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનભંડાર'ના નામથી ઓળખાયું. ૧૯૨૮માં વિદ્યાપીઠનાં ધ્યેયોની રચના સાથે વિદ્યાપીઠનું ગ્રંથાલય પણ એક બન્યું અને 'ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય'ના નામથી શરૂ થયું.
ગૂજરાત વિદ્યાપીઠની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે જુદી જુદી સમિતિઓ રચાતી એમ ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે ૧૯૪૯-૫૦થી ગોપાળદાસ પટેલ નીમાયા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક તો હતા જ અને જુદા જુદા ધર્મોનાં સુંદર પુસ્તકોનું નિર્માણ પણ કર્યું હતું.
તે વખતે વિદ્યાપીઠનો સમય સવારે ૮થી ૧૦ ને બપોરે ૧૨-૩૦થી ૫-૩૦નો હતો. ૧૯૫૨માં સ્નાતક થઈને આ ગ્રંથાલયના કોપીરાઈટ વિભાગમાં મારી નિમણૂક થઈ. ગોપાળદાસના હાથ નીચે લગભગ ૧૦ વર્ષ કામ કરવાની તક મળી. આ સમય દરમ્યાન આચાર્ય વિનોબાજીને ગ્રંથાલય બતાવવાનું કામ મંત્રીશ્રીએ મને સોંપ્યું હતું - ઠંડીના દિવસોમાં વહેલી સવારે તેઓ આવ્યા હતા. અમારા ગ્રંથપાલ ચુનીલાલ પુ. બારોટને સાંભળવાની અને બોલવાની તકલીફને કારણે મને આ લાભ મળ્યો હતો. વિનોબાજીએ બહુ રસપૂર્વક ગ્રંથાલય નિહાળ્યું હતું.
ગોપાળદાસભાઈ રોજ સવારે અને સાંજે ગ્રંથાલયમાં આવતા. બધી ટપાલો બરાબર જોતા અને જરૂરી સૂચનાઓ આપતા. ૧૯૩૨ની ગેરકાયદે કોંગ્રેસના અધિવેશનમાં તેઓ ગુજરાત કોંગ્રેસ તરફથી દિલ્હી ગયેલા ને ત્યાં અંગ્રેજ સરકારે લોકો ઉપર ઘોડા દોડાવ્યા હતા, તેમાં ગોપાળદાસને પગે ભારે ઈજા થવાથી તેઓ નીચે બેસી શકતા નહિ, તેથી વિદ્યાપીઠમાં સૌથી પહેલાં ખુરશી-ટેબલ એમને માટે ગ્રંથાલયમાં આવ્યા. આજે પણ વિદ્યાપીઠમાં મોટા ભાગની બેઠકો નીચે ગાદી-તકિયાની જ છે. આ જ ભારતીય પરંપરા છે.
Wednesday, October 23, 2019
અમારું અહોભાગ્ય // કમુબહેન પુ. પટેલ
શરૂઆતનાં વરસોમાં કન્યા છાત્રાલયમાં ગૃહમાતા નહોતાં. નાના-મોટા અનેક પ્રશ્નો ઊભા થાય. શ્રી મગનભાઈને માથે કામનો બોજો ઘણો રહેતો. પણ મહત્વનાં કેટલાંય કામ છોડીને અમારી સાથે વિગતથી વાત કરે. વાતનો સાર તરત પકડી લે અને નિર્ણય તથા સલાહ આપે. મહિલાશ્રમ-વર્ધાના સંચાલનમાં અનુભવને લીધે બહેનોના પ્રશ્નોનો ઉકેલ શોધવો તેમને માટે તદ્દન સરળ થઈ ગયું છે. અમારા જીવનના ઘડતર માટે સ્વેચ્છાએ કેટલાક નિયમો અમને પળાવતા છતાંય તેનો ભાર અમારા પર લાગવા દે નહીં. અમને પૂરેપૂરી છૂટ અને મોકળાશ આપેલી, પણ કડક શિસ્તેય પળાવતા. ગમે તેવી ભૂલ થઈ હોય તોપણ સુધરવાનો કોલ આપીએ તો માફી બક્ષીને કંઈ જ બન્યું ન હોય તે રીતે વર્તે. પરંતુ જો છેતરવાનો પ્રયત્ન થતો, તો સંસ્થાના અને અમારા હિતમાં કડક પગલાં પણ લેતા. અને તેની યોગ્યતા અમારે ગળે પણ ઉતારતા અને અમારા વાલીઓને પણ પગલાંની જરૂરિયાત અને તેની ભૂમિકા સમજાવતા. તેમાં ગમે તેટલો સમય જાય તેની તેઓ પરવા કરતા નહીં.
Tuesday, October 22, 2019
સ્નાતકોને મારા અંતરના આશીર્વાદ છે // સરદાર વલ્લભભાઈ પટેલ
... ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆતથી આજ સુધીનો ઇતિહાસ મારી આંખ આગળ ખડો થાય છે. જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ અને એનું ખાતમુહૂર્ત મારે હાથે થયું ને ત્યાર પછી જ્યારે આચાર્યશ્રી રાયને બોલાવીને તેનું શિલારોપણ કર્યું, ત્યાર પછી હિંદુસ્તાનના ઇતિહાસમાં જે ફાળો વિદ્યાપીઠે આપ્યો તે આપણી સામે તાજો છે. વિદ્યાપીઠની ચડતી-પડતી એ સ્વરાજની ચડતી-પડતીનો ઇતિહાસ છે. આખરે જ્યારે હિંદુસ્તાનને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે કાળે વિદ્યાપીઠને પોતાને મગરૂબ થવાનું કારણ મળ્યું. તેના ઉપર અનેક મુસીબતો આવી અને કેટલીક વખત વિદ્યાપીઠનો તે વખતની સલ્તનતે કબજો લીધો. પણ વિદ્યાપીઠ તેમાંથી દરેક વખતે આખરે પાર નીકળી ગઈ. વિદ્યાપીઠના સ્નાતકો જે જે ક્ષેત્રમાં ગયા છે, તેઓ જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં તેમણે પસ્તાવો નથી કર્યો. તેઓ જ્યાં ગયા છે ત્યાં ઠીક રીતે કામ કર્યું છે અને વિદ્યાપીઠને શોભાવી છે.
Monday, October 21, 2019
અનિશ્ચિતતાઓનો આરંભિક કાળ // બીરેન કોઠારી
હજી માંડ એકાદ દાયકા અગાઉ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા ૧૯૨૦માં કરવામાં આવી હતી. તેની સ્થાપનાનો મુખ્ય હેતુ અંગ્રેજોપ્રેરિત શિક્ષણપદ્ધતિમાંથી મુક્તિ અપાવવાનો અને ખરા અર્થમાં આપણા દેશને ઉપયોગી થઈ શકે એવી શિક્ષણપદ્ધતિના અમલીકરણનો હતો. દેશના ઘડતરમાં રસ ધરાવતાં અનેક યુવક-યુવતીઓ વિદ્યાપીઠમાં જોડાતાં હતાં. રસિકભાઈની નજર સમક્ષ પણ એ જ ધ્યેય હતું. મામાસાહેબ ફડકેએ રસિકભાઈનું વલણ પારખીને ગૂજરાત વિદ્યાપીઠના 'ગ્રામસેવા મંદિર'માં પ્રવેશ લેવાનું સૂચવ્યું, એટલું જ નહીં, એ માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. રસિકભાઈ આ ગોઠવણ મુજબ તૈયારી કરીને અમદાવાદ ગયા. જો કે, અહીં સંજોગો બદલાયા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ અંગ્રેજી શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરનો વિરોધ કરતી દાંડીયાત્રા કાઢી હતી. દેશભરમાં અસહકારનું આંદોલન જોર પકડી રહ્યું હતું. જે જુસ્સાથી તેમાં ઠેરઠેરથી લોકો ભાગ લઈ રહ્યા હતા એ જોઈને આ વરસમાં ગૂજરાત વિદ્યાપીઠનું કામ પણ કામચલાઉ ધોરણે ખોરંભે પડી ગયું હતું. કદાચ આવા જ કોઈ સંજોગોવશાત 'ગ્રામસેવા મંદિર'ને એ અરસામાં ચાલુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રસિકભાઈને આ કારણે પાછા આવી જવું પડ્યું.
Subscribe to:
Posts (Atom)