Showing posts with label Basic Education. Show all posts
Showing posts with label Basic Education. Show all posts

Thursday, October 17, 2019

ગૂજરાત વિદ્યાપીઠનો શતાબ્દી પ્રવેશ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ એક ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા છે. ગૂજરાત વિદ્યાપીઠ તા. ૧૮-૧૦-૨૦૧૯ના રોજ ૧૦૦મા વર્ષમાં પ્રવેશે છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરમાં સવારે ૮-૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ સૌને વિદ્યાપીઠનાં ધ્યેયોની પ્રતિજ્ઞા લેવડાવશે અને સૌ સંઘગાન ગાશે. આ કાર્યક્રમ મયૂર બાગમાં યોજાનાર છે. ત્યારબાદ ૮-૩૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરના સભાગૃહની સામેની જગ્યામાં આ દિવસ નિમિત્તે ૧૦૦ વૃક્ષોનું વાવેતર થશે. જેનું 'શતાબ્દી વન' નામાભિધાન કરવામાં આવશે. 

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના જે બંગલામાં થઈ હતી તે જગ્યાએ એટલે કે ભીમભાઈ મહેતાનો બંગલો, પ્રીતમનગર પહેલો ઢાળ, કોચરબ ખાતે સવારે ૯-૩૦ કલાકે પ્રાર્થનાસભા યોજવામાં આવનાર છે. આ સ્થળે વિદ્યાપીઠનાં સ્મરણો યાદ કરવામાં આવશે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, કુલનાયક અનામિકભાઈ, કાર્યકારી કુલસચિવ ભરતભાઈ તેમજ બંગલાના મૂળ માલિક અને ત્રીજી પેઢીના વારસ શ્રી પ્રિયદર્શનભાઈ મહેતા સૌને આવકાર આપશે.

આ જ દિવસે સાંજે ૪-૩૦ થી ૫.૩૦ દરમ્યાન વિદ્યાપીઠનાં ૧૦૦ વર્ષની ઉજવણીના અનુસંધાને ભારતીય ટપાલ સેવા, ભારત સરકાર દ્વારા વિશેષ ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવરનું વિમોચન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસના ખંડમાં યોજવામાં આવનાર છે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ, અધ્યાપકો, તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પોસ્ટ-માસ્ટર જનરલ શ્રી આર.પી.ગુપ્તા; ચીફ પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ (મુખ્ય કાર્યાલય) શ્રી સુનિલ શર્મા તેમજ સી.પી.એમ મેજર એસ.એન.દવે પણ વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઐતિહાસિક દિવસની યાદરૂપે બહાર પાડવામાં આવનાર ફર્સ્ટ ડે કવરની સ્થળ પર વેચાણ-વ્યવસ્થા કરવામાં આવનાર છે.

Friday, December 22, 2017

ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે હિંદલાની આશ્રમશાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉત્તર બુનિયાદી આશ્રમશાળા(મુકામ પોસ્ટ : હિંદલા, વાયા : રાણીઆંબા, પિનકોડ : ૩૯૪૩૬૫, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)ના સિત્તેર જેટલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને શિક્ષકમિત્રો ૨૦-૧૨-૨૦૧૭થી ૨૨-૧૨-૨૦૧૭ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના સ્ટુડિયો તેમજ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના સંગ્રહાલયની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અનૂદિત પુસ્તક મેળો અને મધ્યસ્થ ગ્રંથાલયનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો હતો. આ સફળ શૈક્ષણિક મુલાકાત માટે આશ્રમશાળાનાં આચાર્ય બિંદુબહેન દેસાઈ અને મદદનીશ શિક્ષક મુકેશભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી રાજેન્દ્ર ખીમાણી અને દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના અધ્યક્ષ આલાપ બ્રહ્મભટ્ટ, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનાં તેજલબહેન અને પુસ્તક ભંડારનાં તૃપ્તિબહેન તેમજ કસ્તૂરબા અલ્પાહારગૃહના હિતેશ દોંગા અને રામકુ ભેડાનો વિશેષ આભાર માન્યો હતો.    

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના તેત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ અધ્યાપકોએ મળીને ૩૦-૧૦-૨૦૧૫થી ૦૩-૧૧-૨૦૧૫ દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં હિંદલા, મેઢા, સાદડવેલ, ખડી, ધનમૌલી, શ્રાવણિયા, ઓઝર, લવચાલી, નાના-તારપાડા, કણજી, કાંટી, જામખડી એમ કુલ બાર ગામમાં પદયાત્રા કરી હતી. તેમને ઉત્તર બુનિયાદી આશ્રમશાળાનો સક્રિય સહયોગ મળ્યો હતો. પદયાત્રાનાં સ્થાનિક માર્ગદર્શક તરીકે બિંદુબહેન અને મુકેશભાઈ સતત કાર્યરત રહ્યાં હતાં.