અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Book-review. Show all posts
Showing posts with label Book-review. Show all posts
Saturday, November 4, 2023
Tuesday, February 23, 2021
Tuesday, July 2, 2019
Monday, March 2, 2015
ગ્રંથસમીક્ષા | હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ |
‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
ગાંધીકથાકાર નારાયણ દેસાઈના મતાનુસાર, “ગાંધીજીના ગયા બાદની નવી શતાબ્દીમાં આપણે ગાંધીજીના વિચારોને ઇમાનદારીથી રજૂ કરી, યોગ્ય અર્થઘટન સાથે અંકે કરતા જઈએ, તો આવનાર પેઢીઓ ગાંધીવિચારને બહુ ઓછી વિકૃત કરી શકશે.” ગાંધીવિચાર અંગેની ગેરસમજને તર્કબદ્ધ રીતે દૂર કરવાના એક પ્રયાસમાંથી ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’ (ISBN : 81-89854-15-1; પ્રથમ આવૃત્તિ; માર્ચ, ૨૦૦૮; પૃષ્ઠસંખ્યા : ૬+૫૦=૫૬) નામનું પુસ્તક પરિણમ્યું છે. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ લિખિત અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક ‘હિંદ સ્વરાજ’ના શતાબ્દી-અવસરે વાચકોને વિશેષ વિચારભાથું પીરસે છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર તેમના નિવેદનમાં લેખક રમેશ શાહ વિશે કહે છે કે, “ગાંધીજીને આ વ્યક્તિ જરૂર ગમી ગઈ હોત, તેમાં બેમત ન હોઈ શકે. બૌદ્ધિક વિલક્ષણતા સાથે ઊંડું ચિંતન કરનાર રમેશભાઈની ઇમાનદારી પણ એવી છે કે ગાંધીજીને પણ દો ટૂક વાત કરી દેવામાં તેઓ ખચકાટ અનુભવે નહિ, જ્યાં વિદ્યાને ગંભીરતાપૂર્વક સ્વીકારવામાં આવે તેવા વિશ્વવિદ્યાલયમાં આવાં બૌદ્ધિક લખાણોને જ શીર્ષસ્થાન પ્રાપ્ત થવું જોઈએ. ભાવકની વિભાવનાથી લખવાના સ્થાને સમીક્ષકની માનસિકતાથી થીસિસ(પૂર્વપક્ષ) તપાસી જવો એ સમાજ માટે વધુ હિતાવહ તથા ઉપયોગી નીવડે તેમ છે.” (પૃષ્ઠ : ૩) પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક નિખાલસ સ્વીકાર કરે છે કે, “પૂર્વે જુદાં જુદાં નિમિત્તે ‘હિંદ સ્વરાજ’ મેં બે વખત વાંચ્યું હતું. તેના ઘણા વાચકોની જેમ એ વખતે હું તેને કેવળ આધુનિક સુધારાના એક ભાગરૂપ આધુનિક ઉદ્યોગોના મર્યાદિત સંદર્ભમાં જ સમજ્યો હતો, અને તેથી તેમાંની મોટા ભાગની દલીલો મારા ગળે ઊતરી ન હતી. નીતિ પરનો ગાંધીજીનો ભાર મને વધુપડતો લાગ્યો હતો કેમ કે તેને હું સમગ્ર આધુનિક સુધારાની અનૈતિકતાના સંદર્ભમાં સમજ્યો નહોતો. ‘હિંદ સ્વરાજ’ ત્રીજી વખત વાંચવાનું મારા માટે સાચે જ ફળદાયી નીવડ્યું છે. ‘હિંદ સ્વરાજ’ વિશેની મારી કેટલીક (ગેર)સમજ દૂર થઈ છે.” (પૃષ્ઠ : 5)
આ પુસ્તકના, ‘ભૂમિકા’ શીર્ષક હેઠળના પ્રથમ પ્રકરણમાં લેખકે, ગાંધીવિચારના બીજ રૂપ ‘હિંદ સ્વરાજ’ પુસ્તકની મહત્વની વિગતો, પ્રાસ્તાવિકનાં કેટલાંક અવતરણો, ‘હિંદ સ્વરાજ’ના લેખન પૂર્વેનું ગાંધીજીનું વાચન-લેખન અને ગાંધીજીએ કેટલીક વ્યક્તિઓને લખેલા પત્રોની ઝીણવટપૂર્વક ચર્ચા કરી છે. જેના આધારે રમેશ બી. શાહ સમજાવે છે કે, “ ... ‘હિંદ સ્વરાજ’ના ત્રણ પાયાના મુદ્દાઓ (સ્વરાજ વિશેનો આગવો ખ્યાલ, ઔદ્યોગિક સંસ્કૃતિનાં અનિષ્ટો અને પોતાની કલ્પનાના હિંદ-સ્વરાજ માટે હિંસાની નિરર્થકતા) વિશે પૂરેપૂરા સ્પષ્ટ થયા પછી જ તેમણે ગણતરીના દિવસોમાં ‘હિંદ સ્વરાજ’ લખી નાખ્યું હતું. ...” (પૃ. ૫) ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ખેડાયેલાં શાસ્ત્રોના સમર્થનમાં પશ્ચિમના અનેક લેખકોના મતને ટાંક્યા છે. આ તમામ બાબતોની તાર્કિક ચર્ચા કરીને રમેશ શાહ નોંધે છે : “ગાંધીજી દસ દિવસમાં, એમ કહી શકાય કે એકબેઠકે, ‘હિંદ સ્વરાજ’ લખી શક્યા કારણ કે તેની પાછળ ઘણાં વર્ષોનાં અભ્યાસ અને ચિંતન પડેલાં હતાં. એ વિચારો પૂર્વે તેઓ વિવિધ પ્રસંગોએ વ્યક્ત કરી ચૂક્યા હતા. ‘હિંદ સ્વરાજ’ ખૂબ લાઘવપૂર્વક સરળ ભાષામાં લખાયું હોવાથી તેના ઘણા વાચકોમાં તેના વિશે અને તેના લેખક વિશે કેટલીક ગેરસમજ થઈ છે.” (પૃ. ૮)
‘પાયાના મુદ્દા’ મથાળા તળેના બીજા પ્રકરણમાં (૧) સ્વરાજ, (૨) આધુનિક સુધારાનાં (ઔદ્યોગિક સંસ્કૃતિનાં) અનિષ્ટો અને ભારતીય સંસ્કૃતિ, જે ગાંધીની સમજ પ્રમાણે એક અહિંસક સંસ્કૃતિ છે, અને (૩) સ્વરાજ માટે સાધનશુદ્ધિના આગ્રહના ભાગરૂપે અહિંસાની હિમાયત. ... એમ આ ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કેન્દ્રિત કરવામાં આવી છે. ‘સ્વરાજ’ વિશે લેખક નોંધે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં પાયાનો વિચાર સ્વરાજનો છે. એને તેની અંગ્રેજી આવૃત્તિમાં Home Rule તરીકે મૂકવામાં આવ્યું છે, પરંતુ ગાંધીજીને તેમાં કેવળ રાજકીય મુક્તિ અભિપ્રેત નથી. ” (પૃ. ૧૦) વળી, લેખકના મતે, “ ‘હિંદ સ્વરાજ’નું મૂલ્ય કેવળ દેશની આઝાદી માટે અહિંસા અને અસહકારના માર્ગનો પુરસ્કાર કરવામાં રહેલું નથી. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોમાં પ્રસરેલી આધુનિક સંસ્કૃતિની તેમાં જે ટીકાઓ કરવામાં આવી છે તે આજે પણ મહદંશે પ્રસ્તુત છે. ” (પૃ. ૧૪) આ જ પ્રમાણે રમેશ બી. શાહ સાફ સાફ કહે છે કે, “અહિંસા માટેનો તેમનો આગ્રહ કેવળ રાજકીય ઉદ્દેશોના સંદર્ભમાં નથી, પરંતુ માનવીના પારસ્પરિક સંબંધોના સંદર્ભમાં છે. રાજકીય હેતુઓ માટે એક સાધન અને અન્ય સામાજિક હેતુઓ માટે બીજું સાધન એવાં બેવડાં ધોરણો એમને માન્ય નથી.” (પૃ. ૨૦)
‘આધુનિક સુધારાની ટીકાઓ : સમીક્ષા’ શીર્ષક નીચેના ત્રીજા પ્રકરણમાં ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે ગાંધી અંગેની ગેરસમજોની સ્પષ્ટતા કરતા લેખક કહે છે : “આધુનિક સુધારાનાં બધાં જ પાસાંને તેમણે અસ્વીકાર્ય ગણ્યાં નથી; તેમ આધુનિક સુધારાને તેમણે અસાધ્ય રોગ પણ માન્યો નથી. હકીકતમાં તો આધુનિક અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય કરવાનો તેમનો પ્રયાસ હતો. આધુનિક સંસ્કૃતિનાં જે સારાં પાસાંનો તેમણે સ્વીકાર કર્યો હતો તે નોંધવા જેવાં છે : નાગરિક સ્વાતંત્ર્ય, નાગરિકો વચ્ચેની સમાનતા, નાગરિકોના અધિકારો, લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની આધુનિક સુધારામાં રહેલી ગુંજાશ, પરંપરાગત ગુલામીમાંથી સ્ત્રીઓનો છુટકારો અને સાંપ્રદાયિક સહિષ્ણુતા જેવી અનેક બાબતો તેમને સ્વીકાર્ય હતી, પરંતુ આ બધાં મૂલ્યોને તેઓ ધર્મ સાથે જોડવા માગતા હતા. ...” (પૃ. ૨૪) આ જ બાબતે લેખક વધુ સમજ આપતા લખે છે : “ગાંધીજીની અહિંસક સમાજ કે સંસ્કૃતિની કલ્પનામાં શોષણને કોઈ સ્થાન નથી. ગરીબી કે બેકારી ભોગવતી વ્યક્તિની લાચારીનો સમાજના અન્ય લોકો લાભ ઉઠાવે તે ગાંધીવિચારધારા પ્રમાણે શોષણ અને હિંસા ગણાય. તેથી ગાંધીવિચાર પ્રમાણે ઉત્પાદનની વ્યવસ્થા વિકેન્દ્રિત રહે અને કામદાર જ પોતાનો માલિક બની રહે એવાં યંત્રો-ઓજારોનો જ ઉત્પાદનપ્રથામાં ઉપયોગ થવો જોઈએ. આ યંત્રો અને ઓજારો પ્રાચીન કે મધ્યકાલીન ટેક્નોલોજી પર આધારિત હોય એવો તેમનો કોઈ આગ્રહ ન હતો. ઊલટું, તેઓ પ્રવર્તમાન વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરીને પરંપરાગત ઉદ્યોગોની ટેક્નોલોજીને સુધારવા માગતા હતા. ...”(પૃ. ૨૮,૨૯) વળી, રમેશ શાહ ‘આધુનિક સુધારાની ટીકાઓ’ના અનુસંધાનમાં નોંધે છે : “આધુનિક સુધારાનું એક મુખ્ય પાસું તેણે કેળવેલો ઉપભોગવાદ છે, જેને ‘હિંદ સ્વરાજ’માં બહિરસુખની શોધ કે શરીરસુખ જેવા શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે. આ આધુનિક સુધારાએ માનવી માટે એક સર્વોચ્ચ મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે – તે છે જરૂરિયાતો વધાર્યે જવાનું. મનુષ્યજીવનના કોઈ બીજા ઉદ્દેશને તેમાં સ્થાન નથી. વ્યક્તિના જીવનની સાર્થકતા એણે કેવી અને કેટલી વપરાશ કરી તેમાં સમાઈ જાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસે અન્ય જે વલણો પેદા કર્યાં છે તે વિશેષ ટીકાપાત્ર છે.
“આધુનિક સુધારાના હાર્દરૂપ ઔદ્યોગિક ક્રાંતિએ કેવળ ઉત્પાદનપદ્ધતિ બદલી નથી, તેના પરિણામે કુદરતને જોવાનો માનવીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. કુદરતના નિયમોને શોધી કાઢીને કુદરતનો ઉપયોગ માનવીની વધતી જતી ઇચ્છાઓ, જરૂરિયાતો સંતોષવા માટે કરવાનો છે. આ વલણનું પરિણામ આજે પર્યાવરણીય પ્રશ્નો અને ‘ગ્લોબલ વોર્મિંગ’માં જોઈ શકાય છે.” (પૃ. ૩૦) વધુમાં, ‘ગાંધીનો વિરોધ યંત્રોની સામે નથી, પણ યંત્રો માટેની ઘેલછા સામે છે.’ એ મુદ્દાને પણ લેખકે પૂરતાં દાખલા-દલીલોના આધારે સ્પષ્ટ કરી આપ્યો છે.
આ પુસ્તકનું ચોથું પ્રકરણ છે : ‘અહિંસક સંસ્કૃતિની ખોજ.’ જેમાં રમેશ શાહ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા વિશે નિશ્ચિંત થઈને કહે છે : “હિંસાથી ભારતની રાજકીય આઝાદી મેળવવા પ્રયત્નશીલ હિંસાવાદીઓને હિંસાનો વૈકલ્પિક માર્ગ દર્શાવવા ‘હિંદ સ્વરાજ’ લખાયું હતું, પરંતુ તે કેવળ દેશની રાજકીય આઝાદી મેળવવાના ઉદ્દેશથી જ લખાયું નહોતું. તે દેશના સ્વરાજના અંતિમ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને લખાયું હતું. ... તે આધુનિક સુધારાના વિકલ્પની ખોજ માટે લખાયું હતું, તેથી જ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા આજે પણ છે, અને જ્યાં સુધી અહિંસક સંસ્કૃતિ કે સમાજના નિર્માણની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તે અપ્રસ્તુત બની શકે તેમ નથી. આધુનિક સુધારો હિંસાના પાયા પર રચાયેલો હોવાથી તે અધાર્મિક કે અનીતિમય છે. તેની જગાએ અહિંસાના પાયા પર ઊભેલી સંસ્કૃતિ – અહિંસક સંસ્કૃતિ રચવાનું તેનું લક્ષ્ય છે. ભારતની સંસ્કૃતિમાં પ્રવેશેલી અનેક વિકૃતિઓ છતાં તેમાં રહેલાં અહિંસક પાસાંને ધ્યાનમાં લઈને જ તેમણે ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો છે.” (પૃ. ૪૦) આ પ્રકરણમાં લેખકે વિનોબા ભાવે અને કિશોરલાલ મશરૂવાળા જેવા ચિંતકોના વિચારો અને સંદર્ભોની પણ વિગતે છણાવટ કરી છે. વળી, લેખક એવું તારવે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં સંસ્કૃતિની જે વ્યાખ્યા નીતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે તે અહિંસક સંસ્કૃતિની વ્યાખ્યા છે. ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે જે અહિંસક હોય તેને જ સંસ્કૃતિ કહી શકાય. તે સિવાયની સંસ્કૃતિઓ કુધારો અથવા હિંસક સંસ્કૃતિ ગણાય. ગાંધીજી અહિંસક સંસ્કૃતિના હિમાયતી હતા તેનો અર્થ એવો નથી કરવાનો કે એ સમાજ પરોપકારી સંતોનો જ બનેલો હોય. લોકોની પ્રકૃતિમાં રહેલી હિંસક ભાવનાને શક્ય તેટલા ઓછા પ્રમાણમાં અવકાશ સાંપડે એવી સમાજરચના જ અહિંસક સમાજરચનાનો આધાર બની શકે એ ધારણા તેમાં રહેલી છે. અહિંસક સંસ્કૃતિ ધરાવતા સમાજમાં પણ લોકોને અન્યાય થાય અથવા રાજ્ય દ્વારા લોકોની વ્યાપક અનિચ્છા છતાં કેટલાક કાયદાઓ કરવામાં આવે તો તેનો પ્રતિકાર કરવાનો પ્રશ્ન ઊભો થાય. એ પ્રતિકાર અહિંસક માર્ગોએ કરવાની પ્રથા અહિંસક સંસ્કૃતિનું એક પાયાનું લક્ષણ ગણાય. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં વિવિધ માર્ગોએ સત્યાગ્રહો કરીને અહિંસક પ્રતિકારના માર્ગોનાં ઉદાહરણો પૂરાં પાડ્યાં હતાં. ” (પૃ. ૪૪)
ચોથા પ્રકરણના અંતે સમાપન કરતા લેખક કહે છે કે, “ ... આપણે વિનોબાજીના એક અવલોકનમાં શ્રદ્ધા રાખવાની છે : જેણે દુનિયાને વિચાર આપ્યો છે તેણે દુનિયાને આકાર આપ્યો છે. ગાંધીના અહિંસક વિચારમાં સત્વ હશે તો તે આજે નહિ તો આવતી કાલે દુનિયાને આકાર આપશે. ૨૦૦૭થી શરૂ કરીને બીજી ઓક્ટોબરને અહિંસા દિન તરીકે મનાવવાનો જે વૈશ્વિક નિર્ણય કરવામાં આવ્યો છે તે એક ઔપચારિકતા હોવા છતાં શ્રદ્ધા પ્રેરનારી છે. ” (પૃ. ૪૭)
આ પુસ્તકના પ્રત્યેક પાનામાંથી સભાનતાપૂર્વક પસાર થવાથી આપણને ‘હિંદ સ્વરાજ’નો ગાંધીવિચાર અહિંસક સંસ્કૃતિની ખોજ તરફ આગળ વધતો માલૂમ પડે છે. સાદી પૂર્વભૂમિકા, સરળ દલીલો, રસપ્રદ ઉદાહરણો, સહજ ભાષા-શૈલી અને યથાર્થ ગાંધીઅવતરણોની મદદથી તાર્કિક વિચારશ્રેણી રચીને લેખક રમેશ બી. શાહ ‘હિંદ સ્વરાજ’ વિશેની ગેરસમજને ભૂંસવામાં સફળ રહ્યા છે. પ્રવર્તમાન દુનિયામાં માનવ અધિકારોના હનનની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ‘હિંદ સ્વરાજ’નું આ પ્રકારનું મૂલ્યાંકન આપણા માટે આશાસ્પદ અને આવકારલાયક છે. કારણ કે, માનવ અધિકારનાં સંરક્ષણ અને સંવર્ધન માટે શાંતિ(Peace), સ્વતંત્રતા(Liberty) અને ન્યાય(Justice) અતિ આવશ્યક છે. લેખકના આ પુસ્તકપ્રયાસ થકી ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ મારફતે અહિંસક સંસ્કૃતિની ખોજ કરીને આપણે શાંત, સ્વતંત્ર, અને ન્યાયિક સમાજરચના કરીને માનવ અધિકારોના મામલે સાચી દિશામાં તેજ ગતિ કરી શકીશું.
.................................................................................................................................
સંલગ્ન પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
ગ્રંથસમીક્ષા // ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794)
વર્ષ : ૫૨, અંક : ૦૩, જુલાઈ-સપ્ટેમ્બર : ૨૦૧૪, પૃષ્ઠ : ૮૯-૯૨
Wednesday, January 1, 2014
‘હિમાલયનો પ્રવાસ’ : રમણીય અને અવિસ્મરણીય પુસ્તક
ડૉ. અશ્વિનકુમાર
---------------------------------------------------------------------------------
![]() |
| Photo-courtesy : Kusum Shah, 'Sannidhi', New Delhi છબી-સૌજન્ય : કુસુમ શાહ, 'સંનિધિ', નવી દિલ્હી |
કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) દ્વારા
લખાયેલું પ્રવાસ-સાહિત્યનું રમણીય અને અવિસ્મરણીય પુસ્તક એટલે ‘હિમાલયનો
પ્રવાસ’. તેમણે ઈ.સ. ૧૯૧૨માં હિમાલયનો પ્રવાસ
કર્યો હતો. કાકાસાહેબે રોજના વીસ-ત્રીસ માઈલની પગયાત્રા કરીને કુલ પચીસસો માઈલનો આ
પ્રવાસ ચાળીસ દિવસમાં પૂર્ણ કર્યો હતો.
અનંત-આનંદની હિમાલય-યાત્રામાં કાકાની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની મિત્ર-સોબત
હતી. કા.કા.એ સાત વર્ષ બાદ એટલે કે ઈ.સ.
૧૯૧૯માં પ્રવાસ-વર્ણન લખવાનો આરંભ કર્યો હતો. તેમણે આ લેખમાળા આશ્રમના સાથીઓ અને
વિદ્યાર્થીઓ સારુ આશ્રમના હસ્તલિખિત માસિક માટે શરૂ કરી હતી. હિમાલયના પ્રવાસનું
આનંદદાયક અને અનુભવલાયક વર્ણન-સ્મરણ નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઈ.સ. ૧૯૨૪માં
પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. એપ્રિલ, ૨૦૦૬ના આંકડા મુજબ
આ પુસ્તકની કુલ પચાસ હજાર પ્રત પ્રગટ થઈ ચૂકી હતી. જુલાઈ, ૨૦૧૨માં વધુ ત્રણ હજાર પ્રતના પુનર્મુદ્રણ સાથે ‘હિમાલયનો પ્રવાસ’ પંચાવન હજાર પ્રતની ઊંચાઈએ
પહોંચ્યો છે. પ્રાસ્તાવિકનાં 22 પાનાં વત્તા પ્રવાસનાં ૧૮૫ પાનાં વત્તા ટિપ્પણનાં
૪૮ પાનાં એમ કુલ બસો પંચાવન પાનાંમાં ફેલાયેલો ‘હિમાલયનો
પ્રવાસ’ (ISBN 978-81-7229-146-4) સાઠ રૂપિયાની કિંમતે
ઉપલબ્ધ છે. કાકા કાલેલકરે આ પુસ્તક તેમના સાથી-પ્રવાસી અને પ્રિય
સુહૃદ બ્રહ્મચારી અનંતબુવા મરઢેકરના પવિત્ર સ્મરણને અર્પણ કર્યું છે.
કાકાસાહેબના મતે ‘પ્રવાસ એ વ્યક્તિત્વના વિકાસનું સાધન’ અને ‘દેશભક્તિનો એક
અનુભવ-તરબોળ પ્રકાર’ છે. (પૃ. 12) આ જ કાકા ધાર્મિક હેતુ માટે થતા પ્રવાસ અંગે આપણને આવું સાફસાફ
સંભળાવે છે: “ધાર્મિક પ્રવાસમાં આપણે જેટલી અગવડો વેઠીએ તેટલું એનું
પુણ્ય વધારે. ભોગવિલાસને લીધે કે આળસુ એદીપણાને લીધે શરીર ઉપર જે કાટ ચડ્યો હોય તે
કાઢી નાખવો એ એક ધાર્મિક સાધના મનાઈ છે.” (પૃ. ૧૮૧) કાકાસાહેબ
વાત-રજૂઆત કે વ્યાખ્યાન-લેખન કરતા હોય ત્યારે એમનું મન મોર બનીને ‘કળા’ વિશે થનગનાટ ન કરે તો જ નવાઈ લાગે! અહીં કષ્ટને કળા સુધી પહોંચાડતા
કાકાસાહેબ કહે છે : “કષ્ટ વેઠવાથી, જાતજાતની
અગવડો સ્વેચ્છાએ સહન કરવાથી, માણસની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભૂખ ઊઘડે છે અને જીવનનો આનંદ સાત્ત્વિક અને વિશુદ્ધ બને છે.
વિલાસિતા અને કલાનું વેર હોવાથી તિતિક્ષા દ્વારા જ માણસ રસાસ્વાદની શક્તિ કેળવી
અને જાળવી શકે છે. જે અમુક રીતે તપસ્વી હોય તે જ કળારસિક
થઈ શકે છે.” (પૃ. ૧૮૧)
દત્તુ એટલે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પોતાના
શૈશવની સ્મરણયાત્રામાં સચવાયેલી હિમાલયની ઊંચાઈ અંગે કહે છે કે, “છેક નાનપણમાં જયારે હિમાલય વિષે સાંભળતો કે તે એટલો ઊંચો છે કે એનું શિખર
જોવા જતાં માથાની પાઘડી નીચે પડી જાય છે...” (પૃ. 19) આ જ
કાકાસાહેબે હિમાલયના સાક્ષાત્કાર પછી સર્જેલા શબ્દ-શિખર સામે આપણે નતમસ્તક થઈ જઈએ
છીએ. તેઓ આવું આગવું વર્ણન કરે છે : “હિમાલય - આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, - પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો
વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ
દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ
હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી
ઉદ્દભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુલગુરુએ એ ‘દેવાત્મા
નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ
છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું
વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને
શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની
શકે એવડો એ ઊંચો છે.” (પૃ. ૪૪-૪૫)
‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં
ત્રિસ્થળી યાત્રાનાં તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને ચાર ધામ યાત્રાનાં તીર્થો બદરીધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી એમ દરેક વિશે અલાયદાં
પ્રકરણો છે. કાકાસાહેબે અયોધ્યા અને બોધિગયા, બેલુડ મઠ અને
રામકૃષ્ણ સેવાશ્રમ અંગે સ્વતંત્ર પ્રકરણો આલેખ્યાં છે. લેખકે ગંગાદ્વાર અને
હૃષીકેશ, દેવપ્રયાગ અને ઉત્તરકાશી, આલમોડા અને ભીમતાલ, ટેહરી અને પદમબોરી, રાણાગામ અને ભોટચટ્ટી જેવાં પ્રાકૃતિક-સાંસ્કૃતિક તેમજ ધાર્મિક-આધ્યાત્મિક
સ્થળો અંગે પણ નોખાં પ્રકરણો પાડ્યાં છે. પર્યટનમાં – મોટું
ધામ હોય કે નાનું ગામ, પહાડની તળેટી હોય કે નદીનો તટ –
વાતાવરણ, વ્યક્તિદર્શન અને વસ્તુસ્થિતિનું
વર્ણન જીવંત હોય છે. આપણને પણ કાકાની આંગળી પકડીને તેમના સહવાસમાં પ્રવાસ કરતાં
હોઈએ એવી અનુભૂતિ થતી રહે છે.
ગદ્યકાર કાલેલકરે આ પુસ્તકમાં ધર્મસ્થળો અને
તીર્થધામોનું વિગતે વર્ણન કર્યું છે. જોકે તેઓ ઓછા શબ્દોમાં અચ્છો સાર પણ આપી દે
છે. દાખલા તરીકે લેખકે ચાર ધામોની વિશેષતા ચાર વાક્યોમાં વર્ણવી છે : “બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી
આ ચાર ધામોમાં બદરીનારાયણમાં એનો વૈભવ આકર્ષે છે, જયારે કેદારનાથના
વાતાવરણમાં મુખ્યત્વે વૈરાગ્ય જડે છે. જમનોત્રીની ભવ્યતા આપણા હૃદયમાં
કાયમને માટે સ્થાન કરી લે છે, જયારે ગંગોત્રી તો પોતાની
પવિત્રતામાં જ આપણને સાવ ડુબાડી દે છે.” (પૃ. ૧૪૮) આપણે જેમ
હિમાલયની પર્વતમાળામાંથી તેમ આ પુસ્તકની પૃષ્ઠસંખ્યામાંથી ધ્યાનપૂર્વક પસાર થઈએ તો
અવતરણોનાં ઝરણાં પણ નજરે પડે જ. કાકાસાહેબ વિચારનાં થડ અને ડાળ ઉપર શબ્દનાં પર્ણ
અને ફૂલની એવી રીતે માવજત કરે છે કે એમાંથી પ્રાપ્ત થતું ફળ અવતરણક્ષમતા ધરાવતું
હોય જ! આવાં અવતરણો ક્યારેય ઢાંકી ન શકાય અને ક્યાંય પણ ટાંકી શકાય એવાં સરળ-સહજ
હોય છે. બેનમૂન એવા આ બે નમૂના અત્યારે વાંચો અને ગમે ત્યારે ખપમાં પણ લો : “પ્રવાસ
એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ.” (પૃ. 12) ; “મંદિરની
મૂર્તિનાં દર્શન કરતાં શિખરનાં દર્શનનો ઉમળકો વિશેષ હોય છે.” (પૃ. ૧૬૧)
સહજવૃત્તિ અને સમજવૃત્તિના સાધક કાકાસાહેબ
રમૂજવૃત્તિના સ્વામી છે. આ પુસ્તકમાં ઘણાં બનાવો અને બયાનો એવાં છે કે આપણાં હોઠ
અને હૈયાને મલકવાની મજા પડે છે. લ્યો, આ એક પ્રસંગનો
પ્રસાદ ચાખીએ અને ધન્ય થઈએ : “... નાહવાનો શરીરશુદ્ધિ
સાથે અથવા મલાપહરણ સાથે કશો સંબંધ નથી, આખું શરીર પલળ્યું
એટલે સ્નાન સંપૂર્ણ થયું. એ વ્યાખ્યા પ્રમાણે જ અમે નાહ્યા અને પાણીમાંથી જીવતા
બહાર નીકળ્યા. અભ્રક અને અત્યંત ઝીણી રેતીને કારણે પાણી ડહોળું હતું. હું જ્યાં
નાહતો હતો ત્યાં પાણી પૂરતું ઊંડું નહીં હોવાથી માથું પલાળવા માટે મારે ઉતાવળે
પાણીમાં ડૂબકી મારવી પડી. મને શી ખબર કે મારા માથા આગળ જ એક ગોળ પ્રાચીન પથ્થર
પાણીમાં ધ્યાનસ્થ બેઠો છે! અમારાં બંનેનાં માથાં પ્રેમથી સખત ભેટ્યાં. અવાજ તો થયો, પણ
માથાની અંદર વેદના પહોંચવા જેટલું ચૈતન્ય ક્યાં રહ્યું હતું. બધિર શરીરે હું પાછો
દોડતો નીકળ્યો ને ધૂણી આગળ હાથ તપાવ્યા પછી જ પલાળેલાં કપડાં નિચોવવા પામ્યો. બીજે
દિવસે કપાળ ઉપર પેલા મારા મિત્રની નાનીશી પ્રતિકૃતિ ઊપસેલી દેખાઈ ત્યારે અમારો
ભેટો કેટલો પ્રેમાળ હતો એનું પ્રદર્શન થયું.” (પૃ. ૧૪૯-૧૫૦)
કાકાસાહેબ પ્રવાસ દરમ્યાન કેવળ ચઢાણ-ઉતરાણ જ નથી કરતા, પરંતુ
નિરીક્ષણ-પરીક્ષણ પણ કરતા રહે છે. ધર્મદર્શનના સઘન અભ્યાસી કાલેલકર સમાજજીવનના
સચોટ અવલોકનકાર સાબિત થાય છે. દ.બા.કા. માત્ર પર્યટનમાંથી નિજાનંદ નથી લેતા, પર્યાવરણ અંગે નિસબત પણ વ્યક્ત કરે છે. તેઓ ઘટનાક્રમને બોધપાઠમાં ફેરવી આપે
છે. એમણે આપેલા આ ઉદાહરણથી આપણી સમજણ પણ સ્પષ્ટ થશે : “ હિમાલયના ખેડૂતની
રસોઈમાં અજબનું સ્વાવલંબન હોય છે. તેની પાસે વહોરાની ટોપી જેવી એક મોટી લોઢાની
તપેલી કે તાંસળી હોય છે. એમાં એ પહેલાં લોટ બાંધીને પથરા પર મૂકી દે છે. પછી ત્રણ
પથરાના ચૂલામાં દેવતા સળગાવી તેના પર એ જ તાંસળીમાં રોટલીઓ શેકી લે છે. એ બધી
રોટલીઓ હાથરૂમાલ પર રાખી ફરી એ જ તાંસળીમાં શાક રાંધી લે છે. તાંસળી લોઢાની એટલે
ગમે તે શાક એક જ રંગનું થઈ જાય છે. હવે એને શું જોઈએ? શાકરોટલી ધરાઈને ખાય
અને તાંસળી ઊટકે એટલે પાણી પીવાનું પણ એ જ વાસણ. જમીને બપોરે જરા વામકુક્ષિ કરી લે, અને એ જ તાંસળી માથા
પર રાખી એના પર ફેંટા જેવું બાંધી દે, એટલે કેરીના ગોટલા
જેવડા કરા આકાશમાંથી પડે તોયે શિર સલામત. આટલી સૂઝ અને હિકમત હોવા છતાં શહેરીઓ કહે
છે કે પહાડના લોકો જંગલી. જંગલી ખરા જ તો ! જંગલમાં રહે તે અપંગ હોય નહીં અને અપંગપણું
એ તો સુધારાનો પાયો અને શિખર છે. અસંખ્ય સાધનો વગર જે ચલાવી ન શકે તે સુધરેલો, અને ઓછામાં ઓછાં
સાધનથી ચલાવવાની બાહોશી જેનામાં છે તે જંગલી, એ વ્યાખ્યા શું સાચી
નથી?” (પૃ. ૧૦૭-૧૦૮)
આ પુસ્તકમાં પદયાત્રી અને
કલમયાત્રી કાકાસાહેબ કાલેલકરે પર્યટન-સ્થળોથી માંડીને પ્રકૃતિ-સૌંદર્યનું આબેહૂબ
અને આહ્લાદક વર્ણન કર્યું છે. તેમણે મઠથી માંડીને મંદિર અને પાઠશાળાથી માંડીને
ધર્મશાળાની મુલાકાતો લીધી છે. કાકાસાહેબે વૃક્ષો અને વાદળો, પુષ્પો અને પહાડો, ઝરણાં અને તારલા, સરોવર અને આકાશ, પથ્થર અને બરફ વિશે રસપ્રદ વાત
માંડી છે. તેમણે સાધુઓ-સંન્યાસીઓ, ઋષિ મુનિઓ-નાગા બાવાઓ, વેપારીઓ-પ્રવાસીઓ, ખેડૂતો-મજૂરો સાથે સંવાદ
કર્યો છે. કાલેલકરે ખાખીબાવા અને સોમબારગિરિ બાવા જેવા સિદ્ધયોગીઓથી માંડીને બાદરુ
અને કૈરાસિંગ જેવા સામાનધારકો વિશે પણ લખ્યું છે. તેમના પ્રવાસ-વર્ણનમાં અન્નદેવ
અને નિદ્રાદેવીની અનિવાર્યતા પણ આવે છે. કા.કા.એ પર્યટનના અનુભવોની સાથેસાથે
દંતકથાઓ અને પુરાણગાથાઓ પણ ટાંકી છે. લેખકે સ્થળમહિમા અને શબ્દવ્યુત્પત્તિ તેમજ
સ્થાનિક રીત-રિવાજ અને સ્વયં વર્તન-વ્યવહારનો પણ ઉલ્લેખ કર્યો છે. સમગ્ર પુસ્તક
ગુજરાતી શબ્દભંડોળ, મરાઠી પંક્તિઓ, સંસ્કૃત શ્લોકો, અંગેજી કવિતાઓથી ભર્યું-ભર્યું
જણાય છે. કાકાસાહેબ કાલેલકરની ભાષા-શૈલી નદીનાં નીરની જેમ ખળખળ વહેતી રહે છે.
પુસ્તકનું પિસ્તાળીસમું અને છેલ્લું પ્રકરણ એટલે ‘ફલશ્રુતિ’. આ પ્રકરણમાં કાકાસાહેબ
કબૂલાત કરે છે કે, હિમાલયની મુસાફરી માટે જે પૂર્વતૈયારી હોવી જોઈએ તે
એમની પાસે નહોતી. “પૂર્વતૈયારી વગર કરેલી પ્રવૃત્તિઓ ઓછામાં
ઓછું ફળ આપે છે.” એવું દૃઢપણે માનતા કા.કા. પ્રવાસને નિમિત્ત બનાવીને કેળવણીને જીવન સાથે આ રીતે જોડે છે : “કેળવણી એ જીવનની
પૂર્વતૈયારી હોવાથી કેળવણીકારને તો દરેક બાબતમાં પૂર્વતૈયારી પૂરેપૂરી કરવાનું
સૂઝવું જ જોઈએ.” (પૃ. ૧૮૦) કાકાસાહેબને પૂછીએ કે, આપની પાસે ‘હિમાલય’ કક્ષાના પ્રવાસ માટેની
પૂર્વતૈયારીમાં શું શું હતું? આ રહ્યો તેમનો જવાબ : “પૂર્વતૈયારીમાં મારી પાસે ઉત્સાહની મૂડી ઠીક ઠીક હતી, શરીર દુર્બળ પણ ખડતલ હતું. વેડફી નાખવા માટે ગમે તેટલો વખત હતો, કશા ઉદ્દેશ વગર જીવન ગાળવાની માનસિક તૈયારી હતી. મને રાંધતાં આવડતું હતું, પાણીમાં તરતાં આવડતું હતું અને એકલા એકલા મનોરાજ્યો સેવતાં આવડતું હતું.
કુદરત સાથે એકરૂપ થવા જેટલી મનોવૃત્તિ કેળવાયેલી હતી અને નિષ્પાપ પ્રવૃત્તિનું ફળ
પણ કાંઈક સાત્ત્વિક જ મળશે એવી શ્રદ્ધા હતી. બીજી મોટામાં મોટી તૈયારી તે પ્રેમાળ
મિત્રોનો સાથ.” (પૃ. ૧૮૦)
માનવની જીવન-વર્તનશૈલી મોસમમાં પરિવર્તન લાવી રહી છે.
પર્યાવરણના મામલે હિમાલયનો ખોળો ખેદાનમેદાન થઈ રહ્યો છે. ઉત્તરાખંડે ઈ.સ. ૨૦૧૩માં આસમાની-સુલતાની
આપત્તિઓનું તાંડવનૃત્ય જોઈ લીધું છે. આવા વખતે, કાકાસાહેબે ‘કેદારનાથ’
પ્રકરણમાં લખેલું છેલ્લું વાક્ય પહેલું યાદ આવે છે : “એક હિમાલય પણ આપણે આધુનિકતાના હુમલામાંથી
બચાવી નહીં શકીએ?” (પૃ. ૧૬૪) પ્રકૃતિ-ચાહક અને પુસ્તક-વાચકને ત્યારે અને અત્યારે પણ ‘હિમાલયનો પ્રવાસ’ પ્રસ્તુત જણાય છે. આપણને હિમાલય વિશે
જાણવાનું મન કેમ ન થાય? હિમાલયનો પ્રવાસ કરવાનું મન કોને ન થાય? આ જ રીતે ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક વાંચીને પણ
હિમાલયનો પ્રવાસ કરવાનું મન થાય. વળી, હિમાલયનો પ્રવાસ કર્યા
પછી પણ ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક વાંચવાનું મન થાય. જો આવું કશું ન થાય તો પહેલાં એ પર્વત વિશે, પછી એ પ્રવાસ વિશે, અંતે એ પુસ્તક વિશે
અને સાવ છેલ્લે પોતાના વિશે જ નવેસરથી વિચારવું પડે! આપણે તો એ કહેવું અને યાદ
રાખવું જ રહ્યું કે, ‘હિમાલયનો પ્રવાસ’ એ કાકાસાહેબ કાલેલકર નામના ‘સવાઈ ગુજરાતી’ તરફથી ‘સદ્દભાગી ગુજરાતીઓ’ને મળેલો અમૂલ્ય અક્ષર-વારસો છે.
---------------------------------------------------------------------------------
ડૉ. અશ્વિનકુમાર, પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત
વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
---------------------------------------------------------------------------------સૌજન્ય :
'નવજીવનનો અક્ષરદેહ', ઓક્ટોબર-ડિસેંબર, ૨૦૧૩, પૃષ્ઠ : ૩૩૬-૩૩૯
Subscribe to:
Posts (Atom)
