Showing posts with label Rain. Show all posts
Showing posts with label Rain. Show all posts

Friday, August 11, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1029


'બારે મેઘ ખાંગા થવા' એટલે અતિશય વરસાદ થવો.
'ખાંગું' એટલે 'વાંકું' કે 'ત્રાંસી ધારે એક બાજુ નમતું.'

ગુજરાતી લોકસાહિત્યમાં બાર પ્રકારના મેઘ આ પ્રમાણે છે :

(૦૧) ફરફર : હાથપગનાં રૂંવાડાં જ ભીનાં થાય તેવો નજીવો વરસાદ

(૦૨) છાંટા : ફરફરથી વધુ વરસાદ

(૦૩) ફોરાં : છાંટાથી વધુ મોટાં ટીપાં સાથેનો વરસાદ

(૦૪) કરા : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ

(૦૫) પછેડીવા : પછેડી પલળે તેટલો તેવો વરસાદ

(૦૬) નેવાધાર : છાપરાના છેડા ઉપરનાં નળિયાં(નેવાં) ઉપરથી ધાર પડે તેવો વરસાદ

(૦૭) મોલમેહ : મોલ(પાક)ને જરૂરી હોય તેવો વરસાદ

(૦૮) અનરાધાર : એક છાંટો, બીજા છાંટાને સ્પર્શીને જાડી ધાર પડે તેવો વરસાદ

(૦૯) મૂશળધાર : અનારાધારથી તીવ્ર, પણ સાંબેલા(મૂશળ) જેવી ધારે પડતો વરસાદ

(૧૦) ઢેફાભાંગ : ખેતરોમાં માટીનાં ઢેફાં નરમ થઈ તૂટી જાય તેવો તીવ્ર વરસાદ

(૧૧) પાણમેહ : ખેતરો પાણીથી ભરાઈ જાય અને કૂવાનાં પાણી ઉપર આવી જાય તેવો વરસાદ

(૧૨) હેલી : સતત એક અઠવાડિયું ચાલે એવો કોઈ ને કોઈ વરસાદ


Wednesday, August 5, 2015

વરસાદી પહેરણ અને પૌરુષેય મૂંઝવણ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

સ્ત્રીઓ કાં તો છત્રી ઓઢે છે, કાં તો રેઇન-કોટ પહેરે છે, પણ રેઇન-સૂટ એ કેવળ પૌરુષેય ઘટના છે. આમાં સ્ત્રીઓ પુરુષસમોવડી બને એવી શક્યતા પાતળી છે. વરસાદી વસ્ત્ર ખરીદતી વેળાએ કોઈ અમદાવાદી ભાયડાને સવાલ થાય કે, 'રેઇન-સૂટ ધોયા પછી ચઢી તો નહીં જાય ને?'; 'રેઇન-સૂટનો રંગ જતો તો નહીં રહે ને?' રેઇન-સૂટ એક વિશેષ કોટ-પાટલૂન છે. ધોયો ન હોય છતાં સૂકવવો પડે તેવો સંજોગ રેઇન-સૂટ જ ઊભો કરી આપે છે. એક બિનસત્તાવાર સંશોધન મુજબ, હડપ્પાયુગીન સંસ્કૃતિમાં પણ પુરુષો રેઇન-સૂટને કાંજી અને ઇસ્ત્રી કરવાની ચિંતા નહોતા કરતા! જોકે, રેઇન-સૂટને અતિ જોરથી ઝાટકવાથી તેના સાંધાને વાંધા પડે છે. આ જ રીતે રેઇન-સૂટને ભૂલથી પણ નિચોવવો નહીં. નહીંતર તેને પહેરનાર પુરુષ કુપોષણનો ભોગ બન્યો હોય તેવો દેખાશે.

જે વસ્ત્રો ધારણ કરીએ તેના રંગમેળના રેઇન-સૂટ દરેકને ન પોસાય. કાળા, ભૂરા, કે બદામી રંગનો એકનો એક રેઇન-સૂટ પહેરીએ તો ગરીબી રેખાની આસપાસ આંટા મારતાં હોઈએ એવી છાપ પડે. આવી મૂંઝવણમાંથી મારગ કાઢવો હોય તો 'ટ્રાન્સપરન્ટ રેઇન-સૂટ'ના વિકલ્પને મહોલ્લાથી માંડીને જિલ્લા સ્તરે વધાવી લેવો જોઈએ. આમ, 'પારદર્શક વરસાદી પોશાક'ના કારણે એની ભીતર ધારણ કરેલાં 'કાર્યાલયી કપડાં'નું સ્વયંભૂ પ્રદર્શન થઈ જાય છે. આપણું વ્યક્તિત્વ પારદર્શક હોય કે ન હોય, વર્ષાવસ્ત્ર પારદર્શક હોય એટલું પૂરતું હોય છે. અહીં, હિંદી ચલચિત્રનાં નટ-નટીઓને વિનંતી કરવાની કે, તેઓ ચોમાસામાં 'ટ્રાન્સપરન્ટ રેઇન-સૂટ' ભલે પહેરે, પણ તેની નીચે કશુંક પહેરવાનો રિવાજ પાળે એ સમાજ અને સંસ્કૃતિના હિતમાં છે.

વરસાદી ઝાપટું આવે ત્યારે, ડાબી બાજુના રસ્તાની ડાબી બાજુની ધારે દ્વિચક્રી વાહનને ઊભું રાખીને રેઇન-સૂટ પહેરતા પુરુષોની કોઈને દયા પણ નથી આવતી. ભરબપોરે અમદાવાદના અટીરા અને પી.આર.એલ. વચ્ચેના રસ્તા ઉપર ગર્લ્સ પોલીટેક્નિક કૉલેજની સામે પુરુષ જેવા પુરુષ થઈને જાહેરમાં રેઇન-સૂટ પહેરવો પડે એ કેવી મૂંઝવણભરી સ્થિતિ છે! આમાંથી બચવા માટે રસ્તાની બન્ને બાજુએ ઝાડનું અને વાડનું સંવર્ધન કરવું જરૂરી છે. જેથી, તેની આડશમાં પુરુષો રેઇન-સૂટ પહેરી શકે અને પોતાની આબરૂનાં મિજાગરાં ઢીલાં પડતાં અટકાવી શકે. વધુમાં, વાહન ઉપર પલાણીએ એટલે રેઇન-સૂટનો નીચેનો ભાગ થોડો ચઢી જવાથી તેની લંબાઈમાં હંગામી ઘટાડો માલૂમ પડે છે. જેના કારણે અંદર પહેરેલા પેન્ટની મોરી ડોકિયું કરે અને છેવટે તે ભીંજાઈ જાય. આ તકલીફમાંથી ઊગરવા માટે વધારે લંબાઈનો રેઇન-સૂટ ખરીદવો પડે. પરિણામે, ચાલતી વખતે મોરી પગમાં આવે અને ગુજરાત જેવા 'સૂકા રાજ્ય'માં ભીના રસ્તા ઉપર લથડિયું ખાવાની શક્યતા ઊભી થાય.

રેઇન-સૂટ સરકારી કાર્યાલયમાં કેવી રીતે કાઢવો, ક્યાં સૂકવવો એવી નરસહજ વેદના નારીઓ કેવી રીતે સમજી શકશે? જે રેઇન-સૂટ ઘણા દિવસો સુધી તડકો જોતો નથી, તે છેવટે કાઠિયાવાડની તળપદી ભાષામાં કહીએ તો બોક મારી જાય છે. આવા કુવાસયુક્ત રેઇન-સૂટ માટેનું 'ફૂસફૂસિયું' ('સ્પ્રે'નું ધ્વનિમૂલક ગુજરાતી ભાષાંતર!) માણેકચોકથી માંડીને ચાંદનીચોકમાં પણ નહીં મળે. રેઇન-સૂટના મામલે સ્કૂટર ઉદાર છે, પણ બાઇક નાદાર છે. કારણ કે, બાઇકમાં હેલ્મેટ મૂકવાની બખોલ જ ન હોય, ત્યાં રેઇન-સૂટ ક્યાં મૂકવો?

ક્યારેક, રેઇન-સૂટની ટોપીની દોરીની મડાગાંઠ ઉકેલતો પુરુષ જાણે હમણાં ઊકલી જશે એવું દૃશ્ય સર્જાય છે. રેઇન-સૂટની છૂટક ટોપીને માથે ઓઢી લીધા પછી એના ઉપર હેલ્મેટ ચઢાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ બન્ને વચ્ચે તાલમેલ ન જળવાય તો ગરદનના શિખર પર થઈને બરડાની તળેટી સુધી ચોમાસું આગળ વધતું રહે છે! વધારામાં, પુરુષો અસલી 'બનાવટ'ના રેઇન-સૂટમાં વધુ પડતી ઝિપાઝિપી કરવા જાય તો ઝિપ તેના પાટા ઉપરથી ખડી જાય છે. આવા તાકડે સ્ત્રીઓની સરખામણીમાં, પુરુષોના હાથમાં સેફ્ટી પિન પણ ક્યાં સલામત હોય છે?! પરિણામે પુરુષો બેચેન બની જાય છે. આ જ પ્રમાણે, રેઇન-સૂટનાં ઊખડી ગયેલાં સિલાઈ-સાંધામાંથી વરસાદી પાણીનો રેલો રસ્તો કરી લે છે. કેટલીક વખત આ પરિસ્થિતિ એવી રીતે, અને એવી જગ્યાએ સર્જાય છે કે, બિચારા પુરુષો શરમના માર્યા, રસ્તો ભૂવો કરી આપે તો તેમાં સમાઈ જવાનું પસંદ કરે.

કવિઓ ચોમાસા પૂરતું વાદળ, વીજળી, વરસાદ, મેઘધનુષ, મોરની કળા, છત્રી, પ્રિયતમાની ભીની લટ, મકાઈડોડો, દાળવડાં જેવા મોસમી વિષયો ઉપર કવિતાઓ લખીને ગુજરાન ચલાવે છે. વિધાતાએ તેમનાં નસીબમાં ઝભ્ભા-ચોરણી ઉપર રેઇન-સૂટ પહેરવાની પીડા લખી હોય છે. વર્ષાસત્રમાં લાંબાં-પહોળાં ઝભ્ભા-ચોરણી ઉપર ઠઠારવામાં આવતા ચુસ્ત રેઇન-સૂટથી ઝભ્ભા-ચોરણી જ નહીં, આખેઆખો કવિ ચોળાયેલો માલૂમ પડે છે. નગરજીવનના કવિની આ તનોવેદના તેની કવિતામાં પણ વ્યક્ત થઈ શકતી નથી. જે લોકો કવિ ન હોય તેમણે પણ ચોમાસામાં અંદરનું કે બહારનું ખાવામાં ખાસ ધ્યાન રાખવું. કારણ કે, દુકાન-બજારની હડિયાપાટી રહેતી હોય, નોકરી-વ્યવસાયનો સમય થયો હોય, સ્કૂટર-બાઇકને માંડ 'લાત' મારી હોય, રેઇન-સૂટ પહેર્યો હોય, અને વારેઘડીએ એક ચોક્કસ હાજત માટે જવું પડે એવા સંજોગો ઊભા થાય તો પરિસ્થિતિ બેકાબૂ બની જાય. આથી, ચાતુર્માસમાં ખોરાક-પાણી ઉપર નિયંત્રણ રાખવું એ કેવળ ધાર્મિક જ નહીં, દેહધાર્મિક ઘટના પણ બની રહે છે!

વરસાદી સવારે આઠથી દસમાં, કોઈના બેસણામાં બાઇક લઈને જવાનું થાય ત્યારે રેઇન-સૂટ ક્યાં અને કેવી રીતે કાઢવો, મૂકવો, અને પુન: પહેરવો એ ભારે કર્મસંકટ બની જાય છે. આમાંથી ધડો લઈને સ્થાનિક જીવદયાપ્રેમી મનુષ્યોએ ચોમાસામાં દુનિયા છોડવાનું મુલતવી રાખવું. જેથી કરીને બેસણાંમાં આવતા પુરુષમંડળના વરવા હાલ ન થાય. આ ઉપરાંત, ક્યાંય પણ બહાર નીકળતી વખતે વરસાદી છાંટો-પાણી દેખાય કે તરત રેઇન-સૂટમાં હાથ-પગ નાખી દેવાનો નિર્ણય લઈ લેવો પડે છે. રસ્તામાં વરસાદ વિરામ લે છતાં, કર્ણનાં કવચ-કુંડળની માફક રેઇન-સૂટ તો ડિલથી વળગેલો રહે છે. આ વખતે વાતાવરણમાં ઘામ હોય તો શરીર વગર પરિશ્રમે પરસેવો પાડવાનું શરૂ કરે છે. પરિણામે, રેઇન-સૂટ પહેર્યો હોવા છતાં ભીતરથી ભીના થવાના દહાડા આવે છે.

કચેરીમાંથી વછૂટ્યા પછી, અઢીસો ગ્રામ કંકોડાં કે પાંચસો ગ્રામ પરવળ ખરીદવા માટે શાકબજારમાં જવાનું હોય તેવા પુરુષોએ વિશેષ સજ્જતા અને સાવધાની કેળવવી પડે છે. કારણ કે, રેઇન-સૂટના બાહ્યાવરણને કારણે, ભીતરના કપડાના ખિસ્સામાંથી પાકીટ અને એ પાકીટમાંથી ચલણી નાણું કાઢવા માટે મરણિયા પ્રયાસો કરવા પડે છે. આદર્શ સ્થિતિ એ છે કે, પુરુષવર્ગે આગોતરા આયોજનરૂપે ખપ પૂરતાં રૂપિયા રેઇન-સૂટના ખિસ્સામાં હાથવગા રાખવા જોઈએ. ચાલુ વરસાદે રેઇન-સૂટના ખિસ્સામાં પણ થોડો જળસંચય થવાની શક્યતા નકારી શકાય નહીં. આવા કિસ્સામાં અને ખિસ્સામાં, કાગળનાં ચલણી નાણાંને પ્લાસ્ટિકના ઝભલાનો 'રેઇન-સૂટ' પહેરાવવો પડે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩