Wednesday, March 25, 2015

ના.દે. સ્મરણ-સભા

કાર્યક્રમ : નારાયણ દેસાઈની શ્રદ્ધાંજલિ-સભા
આયોજક : ગુજરાતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ 
સભા-અધ્યક્ષ : ઇલાબહેન ભટ્ટ, કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ
વિશેષ ઉપસ્થિતિ : ઓ.પી. કોહલી, મહામહિમ રાજ્યપાલ, ગુજરાત રાજ્ય    
તારીખ : ૨૫-૦૩-૨૦૧૫
વાર : બુધ
સમય : સાંજના ૪-૦૦ 
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


Tuesday, March 24, 2015

યુવાન અધ્યાપકો અને 'યુવાન' કુલપતિ!


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

યુવા અધ્યાપકોની શિબિરમાં અધ્યાપકોનાં લખાણ તપાસતાં કુલપતિ નારાયણ દેસાઈ
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય,વેડછી, તાલુકો : વાલોડ, જિલ્લો : તાપી
મે, ૨૦૧૧


Monday, March 23, 2015

નારાયણ અને ગણેશની શ્રવણમુદ્રા!


નારાયણ દેસાઈ અને ગણેશ દેવી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

યુવા અધ્યાપકોને સાંભળતાં કુલપતિ નારાયણ દેસાઈ અને ભાષાકર્મી ગણેશ દેવી
સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી, તાલુકો : વાલોડ, જિલ્લો : તાપી
તારીખ : ૦૬-૦૫-૨૦૧૧

'નારાયણ-વંદના'નું નિમંત્રણ



Wednesday, March 18, 2015

આમંત્રણ


મોઢાં સંતાડવાના દિવસો

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ડરી ગયેલા સપૂતો માસ્ક પહેરીને ડોશીમાનું વૈદુંથી માંડીને ગૂગલબાપાની વિશ્વવાડી સુધી સ્વાઇન ફ્લૂ વિશે માહિતી ફેંદવા માંડ્યા છે. દેશકાળમાં માર્ક્સવાદીઓ કરતાં માસ્કવાદીઓની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. માસ્કથી હર્યા-ભર્યા ચહેરાઓની તસવીરો સમૂહ માધ્યમો એટલે કે ‘માસ મીડિયા’માં જોવા મળી રહી છે. આથી, તેને ‘માસ્ક મીડિયા’ પણ કહી શકાય. સ્વાઇન ફ્લૂથી ગભરાઈ ગયેલાં નરો અને નારીઓ ફેસબૂકના પ્રોફાઇલ પિક્ચરમાં પોતાની માસ્કબદ્ધ તસવીર મૂકે છે. કારણ કે, તેમને ફેસબૂક ઉપર દહાડે-મહિને હજારો ચહેરા જોતાં હોય ત્યારે કોનો ચેપ લાગી જાય એ કહેવાય નહીં. આમ પણ, આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર સ્વાઇન ફ્લૂના વાવડ હોય ત્યારે ફેસબૂક અને વ્હોટ્સએપ જેવાં માધ્યમો ઉપર વાત-ચેટ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. અહીં ચાર મિત્રો વચ્ચે એકનો એક માસ્ક હોવાથી, સેલ્ફીમાં તસવીરો પણ એક સરખી આવે છે. માસ્કના કારણે ભરાવદાર મૂછના માલિક કે સફાચટ ચહેરાના દાસ એકસરખા લાગે છે. માસ્ક કદરૂપા ચહેરાવાળા માટે મજારૂપ છે, સુંદર ચહેરાવાળા માટે સજારૂપ છે. માસ્કનાં ઓઠાં નીચે ઓમ પુરીના ચહેરા ઉપરનાં ચાઠાં કે દીપિકા પાદુકોણેના ગાલે પડતાં ખંજન દેખાતાં નથી. માસ્ક પહેરવાથી ‘નાક કપાઈ જવું’, ‘મૂછમાં હસવું’ જેવા રૂઢિપ્રયોગોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.

અંગ્રેજી ભાષાના ‘સ્વાઇન ફ્લૂ’ સામે ગુજરાતી ભાષાનું રક્ષણ કરવું હોય તો ‘માસ્ક’ માટે ‘મુખ-પટલ’ કે ‘મુખાવરણ’ જેવા શબ્દો વાપરી શકાય. કુદરતે પણ કેટલું દૂરનું જોયું-વિચાર્યું હશે કે, ‘ભવિષ્યમાં ડુક્કર અને માણસને જોડતો સેતુરૂપ સ્વાઇન ફ્લૂ આવશે. આ રોગથી બચવા માટે માણસોએ માસ્ક પહેરવો પડશે. માસ્ક નીકળી ન જાય એટલા માટે તેનાં નાકાંને ચુસ્ત પકડમાં રાખવા પડશે. આ માટે શરીરમાં કાયમી વ્યવસ્થા ગોઠવવી પડશે. જેના ભાગરૂપે માનવીને એક જોડી કાનની જરૂર પડશે.’ આમ, કુદરતે મોઢા અને નાકને બચાવવા માટે કાનદાની બતાવી છે. જોકે, દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને આવે તો એમના ચહેરા ઉપર પરીક્ષા અંગેનો આત્મવિશ્વાસ કે ડર જોઈ શકાતો નથી. સરકારશ્રીની છેલ્લેથી બીજી સૂચના અનુસાર જાહેર કાર્યક્રમોમાં માસ્ક પહેરવા આવશ્યક છે. સ્વાઇન ફ્લૂ જાણે શ્રોતાગણને જ થવાનો હોય તેમ આ નિયમ તેમના માટે ખાસ લાગુ પાડવામાં આવે છે. એ તો સારું છે કે, વક્તા કે પ્રસ્તુતકર્તા, સંચાલક કે કલાકાર માટે મુખ-પટલ ધારણ કરવો અનિવાર્ય નથી. નહીંતર સુગમ સંગીતના કાર્યક્રમમાં પહેરેલા માસ્ક સાથે હરિપ્રસાદ ચૌરસિયા વાંસળીમાં ફૂંક કેવી રીતે મારી શકે?!

‘દિવાર’ ફિલ્મની નવી આવૃત્તિમાં અમિતાભ બચ્ચન પોતાના ભાઈ શશી કપૂરને એવું પણ સંભળાવે કે, ‘તેરે પાસ મા હૈ, તો મેરે પાસ માસ્ક હૈ.’ રેલમાં કે બસમાં, રિક્ષામાં કે છકડામાં, ટ્રાફિકમાં કે પાર્કિંગમાં, સસ્તા અનાજની દુકાનની કતારમાં કે મોંઘાં મલ્ટિપ્લેક્ષની ભીડમાં, ક્યાંય જગ્યા ન મળે તો સહેજ પણ નિરાશ થયા વિના માણસે માસ્ક પહેરી લેવો જોઈએ. વળી, ડૉક્ટર ઇન્જેક્ષન માર્યા પછી દર્દીના હાથ ઉપર લગાવે છે તેવી સફેદ પટ્ટી પણ પોતાના હાથ ઉપર ચોંટાડવી. અહીં, પટ્ટી-પ્રદર્શન થઈ શકે એટલા માટે અડધી બાંયનો ઝભ્ભો પહેરવો અનિવાર્ય છે. જેથી પ્રજાને ખંડ સમય માટે પણ પૂર્ણ મૂર્ખ બનાવી શકાય. દેવું થઈ ગયેલા નોકરિયાતો કે દેવાળું કાઢી ચૂકેલા વેપારીઓ માટે સ્વાઇન ફ્લૂ રાહતના દિવસો લઈને આવે છે. આવા દુઃખી આત્માઓએ લેણિયાતોથી બચવું હોય તો મોટા કદનો માસ્ક ઊંઘમાં પણ પહેરી રાખવો. સોગિયાં મોઢાં કે દિવેલિયાં ડાચાં ધરાવતાં સ્ત્રી-પુરુષ માસ્ક પહેરી રાખે એ પણ સમાજસેવા જ કહેવાય. જે લોકનેતાના ચહેરાએ હાસ્ય સાથે છૂટાછેડા લીધા હોય એમણે ઇસ્ત્રી કર્યા વગરનો માસ્ક પહેર્યો હશે તોપણ ચાલશે.

ગુજરાતમાં વિકાસ-વિરોધીઓ તો માસ્ક ઉપર ‘સૌનો સાથ, સૌનો સોથો’, ‘સૌનો શ્વાસ, શેનો વિકાસ’, ‘અચ્છે દીન આનેવાલે હૈ’ જેવાં સૂત્રો છપાવવાનાં. તેઓ વિરોધ કરવા માટે અમદાવાદના આશ્રમ-માર્ગ ઉપર આયકર ભવનની કચેરી સામે, ચાર રસ્તાની વચ્ચે આવેલા ગોળ રાઉન્ડ સર્કલ ઉપર, ગાંધીપૂતળા આગળ ઊભા રહેવાના. પરંતુ માધ્યમકર્મીઓ દ્વારા લેવાતી તેમની તસવીરોમાં કોને-કોને, કેવી રીતે ઓળખવા એ સવાલ રસ્તા વચ્ચે પણ ઊભો રહેવાનો. જોકે, એક ગુજરાતી તરીકે આપણને એવો વિચાર કેમ નથી આવતો કે, વિવિધ કંપનીઓનાં નામ અને ચિહ્ન ધરાવતા માસ્ક પહેરીએ તો વધારાની કેટલી આવક થાય? માસ્કના બહાને હરતી-ફરતી જાહેરખબર બની જઈને, કુલ સાડા છ કરોડ ગુજરાતીઓ પૈકીના સવા છ લાખ શહેરી ગુજરાતીઓ પૈકીના સાડા પાંચ હજાર યુવા ગુજરાતીઓ પૈકીના સવા પાંચસો બેરોજગાર ગુજરાતીઓને મોબાઇલ ફોનનું બિલ ભરવા જેટલી આવક તો થઈ જ શકે એમ છે. સવાલ આફતને અવસરમાં અને અવસરને આવકમાં પલટવાનો છે.

જૈન ધર્મ-પરંપરામાં સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એ સારુ મોંપટ્ટી બાંધવાનું મહત્વ છે. આજકાલ તો ગુજરાતની સઘળી જ્ઞાતિઓ સ્વાઇન ફ્લૂ પૂરતી એક થઈને મોઢાં ઉપર પડદો પાડી રહી છે. સ્વાઇન ફ્લૂના કોપના કારણે માલધારી હવે રૂમાલધારી બની રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી બચવા માટે ઘણાં લોકો કપૂર સૂંઘે છે. પણ આ વેળાએ તો ખુદ કપૂરને જ સ્વાઇન ફ્લૂ સૂંઘી ગયો છે. મહારાષ્ટ્રમાં રહેતી સોનમ કપૂરને સૌરાષ્ટ્રમાં ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મના શૂટિંગ વખતે સ્વાઇન ફ્લૂ હોવાનું નિદાન થયું. સોનમ કપૂરના કિસ્સામાં ફિલ્મનું નામ ‘તન સ્વાઇન ફ્લૂ પાયો’ બની ગયું. અભિનેત્રીના અંગ-પ્રદર્શનની વાત તડકે મૂકો, અહીં તો બિચારી સોનમ માસ્ક પહેરવાના કારણે દંત-પ્રદર્શન પણ ન કરી શકી. આ ઘટનાના પગલે સાવચેતીરૂપે મલ્લિકા શેરાવત અને સની લિયોન જેવી અભિનેત્રીઓએ છેવટે બીજું કાંઈ નહીં પણ માસ્ક પહેરવાના શરૂ કરી દીધા છે. ત્રણ સભ્યોનું કુલ સંખ્યાબળ ધરાવતા ‘અખિલ ભારતીય સંસ્કૃતિ બચાવો મંડળ’ને પડેલા અદ્યતન વાંધા મુજબ, મલ્લિકા અને સનીના માસ્ક એટલા બધા પારદર્શક છે કે એમાંથી એમના આખેઆખા હોઠ દેખાય છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

મોઢાં સંતાડવાના દિવસો
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


'હળવે હૈયે'

'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬


સૌજન્ય : 
મોઢાં સંતાડવાના દિવસો
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


'નવજીવન'માં રઘુ રાય




Tuesday, March 17, 2015

બાપુના 'બાબલા' સાથે બીજો એક બાબલો!


નારાયણ અને શ્રીધરનો સંયોગ ! 

            Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ગાંધીજન નારાયણ દેસાઈ અને બાળરાજા શ્રીધર
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના પરિસરમાં, સાંધ્ય-ફેરણી વેળાએ, 

તસવીર-તારીખ : ૧૧-૦૫-૨૦૧૧
તસવીર-વખત : સાંજના ૦૭:૦૩

એક તારમગ્ન, એક તસવીરમગ્ન !


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજન નારાયણ દેસાઈ
તસવીર-સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી


સૂની રે પડી વેડછીની વાટ

વાટ જોતી વેડછીની વાટ

છબીતારીખ : ૦૫-૦૫-૨૦૧૧   છબીસમય : સવારના ૦૮:૩૮
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ગાંધીજન નારાયણ દેસાઈ

છબીતારીખ : ૦૫-૦૫-૨૦૧૧    છબીસમય : સવારના ૦૮:૪૫
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર



સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયનું પરિસર
મુકામ : વેડછી
તાલુકો : વાલોડ
જિલ્લો : તાપી

નારાયણ દેસાઈ : ગાંધી આચાર-વિચાર-પ્રચાર-પ્રસારનું પૂછવા-ઠેકાણું

છબી-સૌજન્ય : ઉર્વીશ કોઠારી


ઉપક્રમ : કવિશ્રી ઉમાશંકર જોશી જન્મ-શતાબ્દી કાર્યક્રમ અને મિલન
સ્થળ : 'સેતુ' (કવિશ્રી ઉમાશંકર જોશીનું નિવાસસ્થાન), નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
તારીખ : ૧૮-૧૨-૨૦૧૧
સહજ-ક્ષણ : રિચર્ડ એટનબરો કૃત 'ગાંધી' ચલચિત્ર વિશેના, એક 'જિજ્ઞાસુ'('બ્લોગર' એમ વાંચવું!)ના પ્રશ્નને ધ્યાનથી સાંભળતા નારાયણ દેસાઈ 
છબી-સૌજન્ય : ઉર્વીશ કોઠારી


Monday, March 16, 2015

નારાયણ દેસાઈ : સ્મરણો ભીનાં ભીનાં


નારાયણ દેસાઈ સાથે બ્લોગર અશ્વિનકુમાર

તસવીર-સૌજન્ય : પ્રા. સંજય મકવાણા

ઉપક્રમ : ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકોની શિબિર
સાન્નિધ્ય : કુલપતિ નારાયણ દેસાઈ
તારીખ : ૦૫-૦૫-૨૦૧૧થી ૧૫-૦૫-૨૦૧૧ 
સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય
મુકામ : વેડછી
તાલુકો : વાલોડ
જિલ્લો : તાપી


નારાયણ દેસાઈને શબ્દાંજલિ

સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/ahmedabad/12/16032015/0/1/

સૌજન્ય : 'દિવ્ય ભાસ્કર', 16-03-2015, સોમવાર, પૃષ્ઠ : 09
http://epaper.divyabhaskar.co.in/ahmedabad/12/16032015/0/1/


Sunday, March 15, 2015

બાપુનો 'બાબલો' શાંત થયો છે!


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગાંધીજન : નારાયણ મહાદેવ દેસાઈ
જન્મ : 24-12-1924, વલસાડ
નિધન : 15-03-2015, વેડછી

ના.મ.દે.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ.


Wednesday, March 11, 2015

સ્વાઇનકમિંગ કોલ

// હળવે હૈયે //
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

આપણી જિંદગીમાં ધાર્યા ઇનકમિંગ કૉલની જગ્યાએ અણધાર્યા સ્વાઇનકમિંગ કોલ આવી રહ્યા છે. રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાથી માંડીને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શંકર ચૌધરી સ્વાઇન ફ્લૂના સપાટામાં આવી ગયા છે. ગણપત અને શંકર જેવાં દેવનામી મોટાં માથાંની આ હાલત હોય તો કચરાભાઈ અને ધૂળીબહેન જેવાં છેવટજનોની તો શી વાત જ કરવી? બારેમાસ શરદીના કોઠાવાળા રીઢા દર્દીઓ પણ સ્વાઇન ફ્લૂથી આત્મવિશ્વાસ ખોઈ રહ્યા છે. સ્વાઇન ફ્લૂમાં સામાન્ય છીંકની પણ ભવ્ય બીક લાગે છે. એટલું જ નહીં, એક માણસને બીજા માણસની ઉધરસમાં વાઇરસની શંકા જાય છે. મેડિકો ટૂરિઝમ માટે પ્રખ્યાત ગુજરાતમાં છેવટે ‘આયુર્વેદ તરફ પાછા વળો’ના સૂત્રને ધ્યાનમાં રાખી તુલસી-મરી-સૂંઠ-ગોળના ઉકાળા પીવાના દિવસો આવી ગયા છે. અંબાજીમાતાના મંદિરનાં સાકરિયાં ગ્રહણ કરતાં હોય તેવી શ્રદ્ધાથી નગરજનો હોમિયોપથીની ધોળી બાળગોળી ચગળી રહ્યા છે. જોકે, સ્વાઇન ફ્લૂથી લાચાર પ્રજાજનોનો છૂપો આક્રોશ વધી રહ્યો છે. એટલે સુધી કે, શુદ્ધ શાકાહારી માણસો પણ ખાનગીમાં સરકાર ઉપર માછલાં ધોઈ રહ્યાં છે.

ડુક્કરની જાણ બહાર, ડુક્કર થકી સ્વાઇન ફ્લૂ ફેલાય છે. ‘સ્વાઇન' એટલે 'વરાહ, ડુક્કર, સૂવર'. રોગની ગંભીરતા જોતાં ‘સ્વાઇન ફ્લૂ’ માટે 'વરાહવ્યાધિ' જેવો શબ્દ-પ્રયોગ ચલણી કરી શકાય. એક પૌરાણિક કથા મુજબ, હવામાતા અને વંટોળપિતાથી પેદા થયેલા વરાહસુર નામના રાક્ષસનું નાક ખતરનાક હતું. સઘળા સજીવો વરાહસુરની ઠઠ્ઠા-મશ્કરી કે ઘૃણા-નિંદા કરતા હતા. આથી તેણે દરેક દેવ-ગાંધર્વ-યક્ષ-કિન્નર-વાનર-માનવ સામે બદલો લેવા માટે, ત્રણે લોકમાં લાગુ પડે એવી રીતે, ચોવીસ ગુણ્યા સાત છીંકો ખાઈને આ મહામારી ઉત્પન્ન કરી હતી. માંસાહારી કે શાકાહારી, બિન ગુજરાતી કે ખિન્ન ગુજરાતી, ગુજરાતી માધ્યમમાં ભણેલાં કે અંગ્રેજી માધ્યમમાં ભૂલા પડેલાં, ગુજરાતીમાં ‘સ્વાઇન ફ્લૂ’ની સાચી જોડણી કે અંગ્રેજીમાં ‘સ્વાઇન ફ્લૂ’નો સાચો સ્પેલિંગ લખનાર કે ભૂંસનાર, કોઈ પણ જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાયની વ્યક્તિને સ્વાઇન ફ્લૂ થઈ શકે છે. આમ, સ્વાઇન ફ્લૂ સર્વજનસમભાવથી વર્તે છે. માણસો ભેદભાવથી વર્તી શકે, વાઇરસ નહીં. કારણ કે, માણસમાં વાઇરસ હોય છે, પણ વાઇરસમાં માણસ નથી હોતો! ઈશ્વરનો ઇન્કાર કરતો નાસ્તિક માણસ પણ સ્વાઇન ફ્લૂના કોપથી 'સ્વાઇનારાયણ, સ્વાઇનારાયણ' કરવા માંડે તો એને માફ કરી દેવો જોઈએ.

કેટલાક નસીબદારોને નવમા ધોરણમાં જીવવિજ્ઞાનના વિષયમાં પા ડઝન કૃપાગુણનો લાભ મળ્યો હોય છે, જ્યારે કેટલાક સજ્જનોએ જગતને સમાન ભાવે જોવાની સંતદૃષ્ટિ ખીલવી હોય છે. આ બન્ને પ્રકારના નિર્દોષ લોકોને ‘બેક્ટેરિયા’ અને ‘વાઇરસ’ વચ્ચે કોઈ જ ભેદ જણાતો નથી. ખરેખર તો એચવનએનવન નામનો અંગ્રેજી વાઇરસ ગુજરાતી પ્રજાને રંજાડી રહ્યો છે. ગુજરાતમાં ઉચ્ચ-મધ્યમ-નિમ્ન અધિકારીઓને સ્વાઇન ફ્લૂ થાય એટલે માધ્યમોમાં તેમનાં નામ-સરનામાં આવે છે. આપણને ત્યારે જ ખબર પડે કે, ભવ્ય ભારત ભૂમિમાં ભડના ભાંડુ કાર્યરત હતા. ઠંડીનાં મોજાંમાં અધિકારીશ્રી 'સ્વાઇન ફ્લૂઇશ' જાહેર થઈ જાય એટલે કચેરીમાં રાહતનું મોજું ફરી વળે એવું બનવાજોગ છે. જોકે, ભાષાના વ્યાકરણમાં પદક્રમનો નિયમ ન જળવાય તો ‘અધિકારીને સ્વાઇન ફ્લૂનાં શંકાસ્પદ લક્ષણો’ની જગ્યાએ ‘શંકાસ્પદ અધિકારીને સ્વાઇન ફ્લૂનાં લક્ષણો’ એવું પણ છપાય. ભાષા-નિયામકની કચેરીના એકત્રીસ ફેબ્રુઆરીના પરિપત્ર અનુસાર આવાં સમાચાર-શીર્ષકોને માન્ય ગણવા પડશે.

સરકારી સૂચના મુજબ, 'સ્વાઇન ફ્લૂના વાવડ વખતે વારે ઘડીએ હાથ ધોવા.' નહીતર પછી જીવનથી હાથ ધોવાની તૈયારી રાખવી પડે એવો કળિયુગ આવ્યો છે. સ્વાઇન ફ્લૂથી જથ્થાબંધ સાબુના છૂટક વેપારીઓ અને છૂટક સાબુના જથ્થાબંધ વેપારીઓ ગેલમાં આવી ગયા છે. કારણ કે, પેટ ભરતાં પહેલાં અને પેટ ખાલી કર્યા પછી સાબુથી હાથ ધોવાની સીમિત શક્યતાનો વ્યાપ સ્વાઇન ફ્લૂના તેજપ્રતાપે વધ્યો છે. વધારામાં, પાણીની અછતવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પણ વધારે પાણી પીવું પડશે. કારણ કે, સરકારી સૂચના અનુસાર સ્વાઇન ફ્લૂ સામે સાવચેતીનાં પગલાંરૂપે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. જોકે, સ્વાઇન ફ્લૂના એક દર્દીએ ડૉક્ટરને સાફસાફ સંભળાવી દીધું કે, 'હું વારે ઘડીએ પાણી નહીં પી શકું. કારણ કે, પછી મારે વારંવાર લઘુશંકા કરવા જવું પડે. જે મારા માટે મુશ્કેલ છે.' ડૉક્ટરે પૂછ્યું કે, 'ભાઈ, પહેલાં એ કહો કે તમે કંઈ કામ-ધંધો કરો છો?' દર્દીએ સ્પષ્ટતા કરી કે, 'હું મહાવત છું. અમદાવાદના જાહેર રસ્તા ઉપર જમાલપુરથી સરસપુર સુધી વાહનો અને વસ્તી વચ્ચે રોજ આઠેક કલાક, હાથી ઉપર સવારી કરીને ઉઘરાણું કરું છું.'

રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલના નિવેદન અનુસાર, ‘ગુજરાત કર્કવૃત્ત ઉપર આવેલું હોવાથી રાજ્યમાં ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂની મહામારી જોવા મળે છે.’ ગુજરાતમાં ઘણી જગ્યાએ ‘કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે.’ એવાં પાટિયાં છે. છતાં મુખ્યમંત્રીએ જે તે જિલ્લાના કલેક્ટરને તાત્કાલિક અસરથી આ પાટિયાં હટાવી લેવાનો આદેશ આપ્યો નથી. ઉત્તર ગુજરાતમાં બજરંગદળ કે કચ્છમાં શિવસેના દ્વારા આ પાટિયાં ઉપર ડામર ચોપડવાની જાહેરાત થઈ નથી. આ સંજોગોમાં કોંગ્રેસ જેવા વિરોધ પક્ષે પહેલાં માંહે-માંહે એક થઈને પછી, ‘કર્કવૃત્ત હટાવો આંદોલન’ની જાહેરાત કરવાની તક ખોવા જેવી નથી. સ્થાનિક યુવાનો સોશ્યલ મીડિયા ઉપર ‘શિયાળામાં ફ્લૂ, ઉનાળામાં લૂ, ચોમાસામાં બૂ’, ‘વાઇન ઉપર પ્રતિબંધ, ને સ્વાઇન છે અકબંધ’, ‘કેન્દ્રસરકાર કે કર્કવૃત્ત, ગુજરાતને અન્યાય અવિરત’, ‘કર્કવૃત્ત હટાવો, ગુજરાત બચાવો’ જેવા સૂત્રોચ્ચાર કરવાનું વિચારી રહ્યા છે. જોકે, બેચરાજીના બેચરકાકાએ ઘરસભામાં, છૂટક-છૂટક ખાંસીની વચ્ચે ખખડધજ ખોંખારો ખાઈને કહ્યું છે કે, ‘ભારત સરકારે ગુજરાતમાંથી પસાર થતી કર્કવૃત્તની રેખાને તાબડતોબ ભૂંસી નાખવી જોઈએ.’ લોકમિજાજ જોતાં સરકારે આંતરરાષ્ટ્રીય સંસ્થા 'નાસા'ને વિનંતિ કરવી જોઈએ કે, તેઓ જય જય ગરવી ગુજરાત ઉપરથી કર્કવૃત્તને હટાવી લે. જો આ વાત 'નાસા' કાને ન ધરે તો પછી શાસકોએ રાષ્ટ્રીય સંસ્થાન 'ઇસરો' મારફતે ગુજરાત ઉપરથી કર્કવૃત્તનું અસ્તિત્વ કાયમ માટે ભૂંસી નાખીને જગતજમાદાર અમેરિકાને પાઠ ભણાવવો જોઈએ.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર


સૌજન્ય :
 http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/11032015/0/1/

સૌજન્ય :
 http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/11032015/0/1/


સૌજન્ય : 
સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

 http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/11032015/0/1/

Monday, March 9, 2015

ભાષાની મજા, મજાની ભાષા - 870

'જંગલમાં પાડાંએ કરેલો હુમલો'
'જંગલમાં પાંડાએ કરેલો હુમલો'

નોંધ : આ ગુજરાતી ભાષા છે. એમાં એક નાનકડા અનુસ્વારથી આખેઆખાં પ્રાણીઓ બદલાઈ જાય છે!


Saturday, March 7, 2015

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની એક દિવસ વહેલી ઉજવણી !

૦૭-૦૩-૨૦૧૫થી ગૂજરાત વિદ્યાપીઠનાં નવાં કુલપતિ તરીકે 'સેવા'જીવી ઇલા ભટ્ટની નિમણૂક


ઇલા ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઇલાબહેનને અભિવંદન અને શુભેચ્છા

'પુસ્તકીય' આમંત્રણ


Wednesday, March 4, 2015

અંગ્રેજી ભાષા, દેશી મજા : 117

'એક કપ કડક ચા આપો.'

આ વાક્યનું અંગ્રેજી ભાષાંતર 'Give me a cup of strict tea.' ન કરાય!

Tuesday, March 3, 2015

ભાષાની મજા, મજાની ભાષા - 869


ગુજરાતી દૈનિકોની ભાષામાં, પ્રજાને પડતી હોય છે તે 'હાલાકી' હોય છે!


Monday, March 2, 2015

ગ્રંથસમીક્ષા

‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ગાંધીકથાકાર નારાયણ દેસાઈના મતાનુસાર, “ગાંધીજીના ગયા બાદની નવી શતાબ્દીમાં આપણે ગાંધીજીના વિચારોને ઇમાનદારીથી રજૂ કરી, યોગ્ય અર્થઘટન સાથે અંકે કરતા જઈએ, તો આવનાર પેઢીઓ ગાંધીવિચારને બહુ ઓછી વિકૃત કરી શકશે.” ગાંધીવિચાર અંગેની ગેરસમજને તર્કબદ્ધ રીતે દૂર કરવાના એક પ્રયાસમાંથી ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’ (ISBN : 81-89854-15-1; પ્રથમ આવૃત્તિ; માર્ચ, ૨૦૦૮; પૃષ્ઠસંખ્યા : ૬+૫૦=૫૬) નામનું પુસ્તક પરિણમ્યું છે. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ લિખિત અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક ‘હિંદ સ્વરાજ’ના શતાબ્દી-અવસરે વાચકોને વિશેષ વિચારભાથું પીરસે છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર તેમના નિવેદનમાં લેખક રમેશ શાહ વિશે કહે છે કે, “ગાંધીજીને આ વ્યક્તિ જરૂર ગમી ગઈ હોત, તેમાં બેમત ન હોઈ શકે. બૌદ્ધિક વિલક્ષણતા સાથે ઊંડું ચિંતન કરનાર રમેશભાઈની ઇમાનદારી પણ એવી છે કે ગાંધીજીને પણ દો ટૂક વાત કરી દેવામાં તેઓ ખચકાટ અનુભવે નહિ, જ્યાં વિદ્યાને ગંભીરતાપૂર્વક સ્વીકારવામાં આવે તેવા વિશ્વવિદ્યાલયમાં આવાં બૌદ્ધિક લખાણોને જ શીર્ષસ્થાન પ્રાપ્ત થવું જોઈએ. ભાવકની વિભાવનાથી લખવાના સ્થાને સમીક્ષકની માનસિકતાથી થીસિસ(પૂર્વપક્ષ) તપાસી જવો એ સમાજ માટે વધુ હિતાવહ તથા ઉપયોગી નીવડે તેમ છે.” (પૃષ્ઠ : ૩) પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક નિખાલસ સ્વીકાર કરે છે કે, “પૂર્વે જુદાં જુદાં નિમિત્તે ‘હિંદ સ્વરાજ’ મેં બે વખત વાંચ્યું હતું. તેના ઘણા વાચકોની જેમ એ વખતે હું તેને કેવળ આધુનિક સુધારાના એક ભાગરૂપ આધુનિક ઉદ્યોગોના મર્યાદિત સંદર્ભમાં જ સમજ્યો હતો, અને તેથી તેમાંની મોટા ભાગની દલીલો મારા ગળે ઊતરી ન હતી. નીતિ પરનો ગાંધીજીનો ભાર મને વધુપડતો લાગ્યો હતો કેમ કે તેને હું સમગ્ર આધુનિક સુધારાની અનૈતિકતાના સંદર્ભમાં સમજ્યો નહોતો. ‘હિંદ સ્વરાજ’ ત્રીજી વખત વાંચવાનું મારા માટે સાચે જ ફળદાયી નીવડ્યું છે. ‘હિંદ સ્વરાજ’ વિશેની મારી કેટલીક (ગેર)સમજ દૂર થઈ છે.” (પૃષ્ઠ : 5)

આ પુસ્તકના, ‘ભૂમિકા’ શીર્ષક હેઠળના પ્રથમ પ્રકરણમાં લેખકે, ગાંધીવિચારના બીજ રૂપ ‘હિંદ સ્વરાજ’ પુસ્તકની મહત્વની વિગતો, પ્રાસ્તાવિકનાં કેટલાંક અવતરણો, ‘હિંદ સ્વરાજ’ના લેખન પૂર્વેનું ગાંધીજીનું વાચન-લેખન અને ગાંધીજીએ કેટલીક વ્યક્તિઓને લખેલા પત્રોની ઝીણવટપૂર્વક ચર્ચા કરી છે. જેના આધારે રમેશ બી. શાહ સમજાવે છે કે, “ ... ‘હિંદ સ્વરાજ’ના ત્રણ પાયાના મુદ્દાઓ (સ્વરાજ વિશેનો આગવો ખ્યાલ, ઔદ્યોગિક સંસ્કૃતિનાં અનિષ્ટો અને પોતાની કલ્પનાના હિંદ-સ્વરાજ માટે હિંસાની નિરર્થકતા) વિશે પૂરેપૂરા સ્પષ્ટ થયા પછી જ તેમણે ગણતરીના દિવસોમાં ‘હિંદ સ્વરાજ’ લખી નાખ્યું હતું. ...” (પૃ. ૫) ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ખેડાયેલાં શાસ્ત્રોના સમર્થનમાં પશ્ચિમના અનેક લેખકોના મતને ટાંક્યા છે. આ તમામ બાબતોની તાર્કિક ચર્ચા કરીને રમેશ શાહ નોંધે છે : “ગાંધીજી દસ દિવસમાં, એમ કહી શકાય કે એકબેઠકે, ‘હિંદ સ્વરાજ’ લખી શક્યા કારણ કે તેની પાછળ ઘણાં વર્ષોનાં અભ્યાસ અને ચિંતન પડેલાં હતાં. એ વિચારો પૂર્વે તેઓ વિવિધ પ્રસંગોએ વ્યક્ત કરી ચૂક્યા હતા. ‘હિંદ સ્વરાજ’ ખૂબ લાઘવપૂર્વક સરળ ભાષામાં લખાયું હોવાથી તેના ઘણા વાચકોમાં તેના વિશે અને તેના લેખક વિશે કેટલીક ગેરસમજ થઈ છે.” (પૃ. ૮)

‘પાયાના મુદ્દા’ મથાળા તળેના બીજા પ્રકરણમાં (૧) સ્વરાજ, (૨) આધુનિક સુધારાનાં (ઔદ્યોગિક સંસ્કૃતિનાં) અનિષ્ટો અને ભારતીય સંસ્કૃતિ, જે ગાંધીની સમજ પ્રમાણે એક અહિંસક સંસ્કૃતિ છે, અને (૩) સ્વરાજ માટે સાધનશુદ્ધિના આગ્રહના ભાગરૂપે અહિંસાની હિમાયત. ... એમ આ ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કેન્દ્રિત કરવામાં આવી છે. ‘સ્વરાજ’ વિશે લેખક નોંધે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં પાયાનો વિચાર સ્વરાજનો છે. એને તેની અંગ્રેજી આવૃત્તિમાં Home Rule તરીકે મૂકવામાં આવ્યું છે, પરંતુ ગાંધીજીને તેમાં કેવળ રાજકીય મુક્તિ અભિપ્રેત નથી. ” (પૃ. ૧૦) વળી, લેખકના મતે, “ ‘હિંદ સ્વરાજ’નું મૂલ્ય કેવળ દેશની આઝાદી માટે અહિંસા અને અસહકારના માર્ગનો પુરસ્કાર કરવામાં રહેલું નથી. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોમાં પ્રસરેલી આધુનિક સંસ્કૃતિની તેમાં જે ટીકાઓ કરવામાં આવી છે તે આજે પણ મહદંશે પ્રસ્તુત છે. ” (પૃ. ૧૪) આ જ પ્રમાણે રમેશ બી. શાહ સાફ સાફ કહે છે કે, “અહિંસા માટેનો તેમનો આગ્રહ કેવળ રાજકીય ઉદ્દેશોના સંદર્ભમાં નથી, પરંતુ માનવીના પારસ્પરિક સંબંધોના સંદર્ભમાં છે. રાજકીય હેતુઓ માટે એક સાધન અને અન્ય સામાજિક હેતુઓ માટે બીજું સાધન એવાં બેવડાં ધોરણો એમને માન્ય નથી.” (પૃ. ૨૦)

‘આધુનિક સુધારાની ટીકાઓ : સમીક્ષા’ શીર્ષક નીચેના ત્રીજા પ્રકરણમાં ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે ગાંધી અંગેની ગેરસમજોની સ્પષ્ટતા કરતા લેખક કહે છે : “આધુનિક સુધારાનાં બધાં જ પાસાંને તેમણે અસ્વીકાર્ય ગણ્યાં નથી; તેમ આધુનિક સુધારાને તેમણે અસાધ્ય રોગ પણ માન્યો નથી. હકીકતમાં તો આધુનિક અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય કરવાનો તેમનો પ્રયાસ હતો. આધુનિક સંસ્કૃતિનાં જે સારાં પાસાંનો તેમણે સ્વીકાર કર્યો હતો તે નોંધવા જેવાં છે : નાગરિક સ્વાતંત્ર્ય, નાગરિકો વચ્ચેની સમાનતા, નાગરિકોના અધિકારો, લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની આધુનિક સુધારામાં રહેલી ગુંજાશ, પરંપરાગત ગુલામીમાંથી સ્ત્રીઓનો છુટકારો અને સાંપ્રદાયિક સહિષ્ણુતા જેવી અનેક બાબતો તેમને સ્વીકાર્ય હતી, પરંતુ આ બધાં મૂલ્યોને તેઓ ધર્મ સાથે જોડવા માગતા હતા. ...” (પૃ. ૨૪) આ જ બાબતે લેખક વધુ સમજ આપતા લખે છે : “ગાંધીજીની અહિંસક સમાજ કે સંસ્કૃતિની કલ્પનામાં શોષણને કોઈ સ્થાન નથી. ગરીબી કે બેકારી ભોગવતી વ્યક્તિની લાચારીનો સમાજના અન્ય લોકો લાભ ઉઠાવે તે ગાંધીવિચારધારા પ્રમાણે શોષણ અને હિંસા ગણાય. તેથી ગાંધીવિચાર પ્રમાણે ઉત્પાદનની વ્યવસ્થા વિકેન્દ્રિત રહે અને કામદાર જ પોતાનો માલિક બની રહે એવાં યંત્રો-ઓજારોનો જ ઉત્પાદનપ્રથામાં ઉપયોગ થવો જોઈએ. આ યંત્રો અને ઓજારો પ્રાચીન કે મધ્યકાલીન ટેક્નોલોજી પર આધારિત હોય એવો તેમનો કોઈ આગ્રહ ન હતો. ઊલટું, તેઓ પ્રવર્તમાન વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરીને પરંપરાગત ઉદ્યોગોની ટેક્નોલોજીને સુધારવા માગતા હતા. ...”(પૃ. ૨૮,૨૯) વળી, રમેશ શાહ ‘આધુનિક સુધારાની ટીકાઓ’ના અનુસંધાનમાં નોંધે છે : “આધુનિક સુધારાનું એક મુખ્ય પાસું તેણે કેળવેલો ઉપભોગવાદ છે, જેને ‘હિંદ સ્વરાજ’માં બહિરસુખની શોધ કે શરીરસુખ જેવા શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે. આ આધુનિક સુધારાએ માનવી માટે એક સર્વોચ્ચ મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે – તે છે જરૂરિયાતો વધાર્યે જવાનું. મનુષ્યજીવનના કોઈ બીજા ઉદ્દેશને તેમાં સ્થાન નથી. વ્યક્તિના જીવનની સાર્થકતા એણે કેવી અને કેટલી વપરાશ કરી તેમાં સમાઈ જાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસે અન્ય જે વલણો પેદા કર્યાં છે તે વિશેષ ટીકાપાત્ર છે.

“આધુનિક સુધારાના હાર્દરૂપ ઔદ્યોગિક ક્રાંતિએ કેવળ ઉત્પાદનપદ્ધતિ બદલી નથી, તેના પરિણામે કુદરતને જોવાનો માનવીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. કુદરતના નિયમોને શોધી કાઢીને કુદરતનો ઉપયોગ માનવીની વધતી જતી ઇચ્છાઓ, જરૂરિયાતો સંતોષવા માટે કરવાનો છે. આ વલણનું પરિણામ આજે પર્યાવરણીય પ્રશ્નો અને ‘ગ્લોબલ વોર્મિંગ’માં જોઈ શકાય છે.” (પૃ. ૩૦) વધુમાં, ‘ગાંધીનો વિરોધ યંત્રોની સામે નથી, પણ યંત્રો માટેની ઘેલછા સામે છે.’ એ મુદ્દાને પણ લેખકે પૂરતાં દાખલા-દલીલોના આધારે સ્પષ્ટ કરી આપ્યો છે.

આ પુસ્તકનું ચોથું પ્રકરણ છે : ‘અહિંસક સંસ્કૃતિની ખોજ.’ જેમાં રમેશ શાહ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા વિશે નિશ્ચિંત થઈને કહે છે : “હિંસાથી ભારતની રાજકીય આઝાદી મેળવવા પ્રયત્નશીલ હિંસાવાદીઓને હિંસાનો વૈકલ્પિક માર્ગ દર્શાવવા ‘હિંદ સ્વરાજ’ લખાયું હતું, પરંતુ તે કેવળ દેશની રાજકીય આઝાદી મેળવવાના ઉદ્દેશથી જ લખાયું નહોતું. તે દેશના સ્વરાજના અંતિમ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને લખાયું હતું. ... તે આધુનિક સુધારાના વિકલ્પની ખોજ માટે લખાયું હતું, તેથી જ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા આજે પણ છે, અને જ્યાં સુધી અહિંસક સંસ્કૃતિ કે સમાજના નિર્માણની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તે અપ્રસ્તુત બની શકે તેમ નથી. આધુનિક સુધારો હિંસાના પાયા પર રચાયેલો હોવાથી તે અધાર્મિક કે અનીતિમય છે. તેની જગાએ અહિંસાના પાયા પર ઊભેલી સંસ્કૃતિ – અહિંસક સંસ્કૃતિ રચવાનું તેનું લક્ષ્ય છે. ભારતની સંસ્કૃતિમાં પ્રવેશેલી અનેક વિકૃતિઓ છતાં તેમાં રહેલાં અહિંસક પાસાંને ધ્યાનમાં લઈને જ તેમણે ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો છે.” (પૃ. ૪૦) આ પ્રકરણમાં લેખકે વિનોબા ભાવે અને કિશોરલાલ મશરૂવાળા જેવા ચિંતકોના વિચારો અને સંદર્ભોની પણ વિગતે છણાવટ કરી છે. વળી, લેખક એવું તારવે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં સંસ્કૃતિની જે વ્યાખ્યા નીતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે તે અહિંસક સંસ્કૃતિની વ્યાખ્યા છે. ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે જે અહિંસક હોય તેને જ સંસ્કૃતિ કહી શકાય. તે સિવાયની સંસ્કૃતિઓ કુધારો અથવા હિંસક સંસ્કૃતિ ગણાય. ગાંધીજી અહિંસક સંસ્કૃતિના હિમાયતી હતા તેનો અર્થ એવો નથી કરવાનો કે એ સમાજ પરોપકારી સંતોનો જ બનેલો હોય. લોકોની પ્રકૃતિમાં રહેલી હિંસક ભાવનાને શક્ય તેટલા ઓછા પ્રમાણમાં અવકાશ સાંપડે એવી સમાજરચના જ અહિંસક સમાજરચનાનો આધાર બની શકે એ ધારણા તેમાં રહેલી છે. અહિંસક સંસ્કૃતિ ધરાવતા સમાજમાં પણ લોકોને અન્યાય થાય અથવા રાજ્ય દ્વારા લોકોની વ્યાપક અનિચ્છા છતાં કેટલાક કાયદાઓ કરવામાં આવે તો તેનો પ્રતિકાર કરવાનો પ્રશ્ન ઊભો થાય. એ પ્રતિકાર અહિંસક માર્ગોએ કરવાની પ્રથા અહિંસક સંસ્કૃતિનું એક પાયાનું લક્ષણ ગણાય. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં વિવિધ માર્ગોએ સત્યાગ્રહો કરીને અહિંસક પ્રતિકારના માર્ગોનાં ઉદાહરણો પૂરાં પાડ્યાં હતાં. ” (પૃ. ૪૪)

ચોથા પ્રકરણના અંતે સમાપન કરતા લેખક કહે છે કે, “ ... આપણે વિનોબાજીના એક અવલોકનમાં શ્રદ્ધા રાખવાની છે : જેણે દુનિયાને વિચાર આપ્યો છે તેણે દુનિયાને આકાર આપ્યો છે. ગાંધીના અહિંસક વિચારમાં સત્વ હશે તો તે આજે નહિ તો આવતી કાલે દુનિયાને આકાર આપશે. ૨૦૦૭થી શરૂ કરીને બીજી ઓક્ટોબરને અહિંસા દિન તરીકે મનાવવાનો જે વૈશ્વિક નિર્ણય કરવામાં આવ્યો છે તે એક ઔપચારિકતા હોવા છતાં શ્રદ્ધા પ્રેરનારી છે. ” (પૃ. ૪૭)

આ પુસ્તકના પ્રત્યેક પાનામાંથી સભાનતાપૂર્વક પસાર થવાથી આપણને ‘હિંદ સ્વરાજ’નો ગાંધીવિચાર અહિંસક સંસ્કૃતિની ખોજ તરફ આગળ વધતો માલૂમ પડે છે. સાદી પૂર્વભૂમિકા, સરળ દલીલો, રસપ્રદ ઉદાહરણો, સહજ ભાષા-શૈલી અને યથાર્થ ગાંધીઅવતરણોની મદદથી તાર્કિક વિચારશ્રેણી રચીને લેખક રમેશ બી. શાહ ‘હિંદ સ્વરાજ’ વિશેની ગેરસમજને ભૂંસવામાં સફળ રહ્યા છે. પ્રવર્તમાન દુનિયામાં માનવ અધિકારોના હનનની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ‘હિંદ સ્વરાજ’નું આ પ્રકારનું મૂલ્યાંકન આપણા માટે આશાસ્પદ અને આવકારલાયક છે. કારણ કે, માનવ અધિકારનાં સંરક્ષણ અને સંવર્ધન માટે શાંતિ(Peace), સ્વતંત્રતા(Liberty) અને ન્યાય(Justice) અતિ આવશ્યક છે. લેખકના આ પુસ્તકપ્રયાસ થકી ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ મારફતે અહિંસક સંસ્કૃતિની ખોજ કરીને આપણે શાંત, સ્વતંત્ર, અને ન્યાયિક સમાજરચના કરીને માનવ અધિકારોના મામલે સાચી દિશામાં તેજ ગતિ કરી શકીશું.
.................................................................................................................................

સંલગ્ન પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................

સૌજન્ય :
ગ્રંથસમીક્ષા // ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794)
વર્ષ : ૫૨, અંક : ૦૩, જુલાઈ-સપ્ટેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૮૯-૯૨

Sunday, March 1, 2015

હળવા જેવા અને મળવા જેવા લેખોની યાદી // ડૉ. અશ્વિનકુમાર


* (I) રાવણને શરદી!
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), ઑક્ટોબર, ૨૦૧૧, પૃ.૧૨૪-૧૨૫

* (II) એક બાઉન્સરનો ખુલ્લો પત્ર
'નિરીક્ષક', ૦૧-૧૦-૨૦૧૩, પૃષ્ઠ : ૧૪

* (૦૧) શિયાળો, ઉનાળો, અને ભૂવાળો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૯-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪

(III) ચિંતનચૌદશની પ્રસાદી
'સાર્થક જલસો', દિવાળી અંક, પુસ્તક-૦૩, ઑક્ટોબર, ૨૦૧૪, પૃષ્ઠ : ૯૯-૧૦૨

(IV) ખસખસ વિશે ખાસખાસ
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), Volume VII, ઑક્ટોબર, ૨૦૧૪, પૃષ્ઠ : ૧૧૨

* (૦૨) ભેંસમાસીના બચાવમાં
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૧૨-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* (૦૩) હવે શાલ નહીં, મફલર ઓઢાડીને સન્માન!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૨-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* (૦૪) સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* (૦૫) મોઢાં સંતાડવાના દિવસો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* (૦૬) નખ-કાપણિયું : ચલિત નિબંધ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* (૦૭) બાબુભાઈ 'પોટલી'વાળા
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

(૦૮) મહાવત એટલે મહાવટ!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* (૦૯) મંત્રીનું લિફ્ટમાં ફસાઈ જવું
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

(૧૦) ‘કૂતરાથી સાવધાન’ નવા વિકલ્પો તરફ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

(V) 'ર' નરનો 'ર'
'સાર્થક જલસો', ઉનાળુ અંક, પુસ્તક-૦૪, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૧૦૯-૧૧૧

(૧૧) વરરાજાને દીધા વીજગોળીએ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

(૧૨) કંકોતરીમાં ખતરા અને અખતરા
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર',  ૧૩-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

(૧૩) કેરી-ગૂંદાંનો અથાણા-સંસાર
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર',  ૨૦-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* (૧૪) ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર',  ૨૭-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

(૧૫) પારકી છાશ, સદા નિરાશ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* (૧૬) મેગી આપણને બનાવી ગઈ!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* (૧૭) વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* (૧૮) જોડણી માતાનો જય હો!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
** પુનર્મુદ્રણ : 'સાહિત્ય' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫

* (૧૯) ટૂંકાં નામમાં શું છે?
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* (૨૦) 'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* (૨૧)  સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

(૨૨) કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬
** પુનર્મુદ્રણ : 'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૦-૨૦૧૭
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg

(૨૩) વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

(૨૪) હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

* (૨૫) ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

(૨૬) પગરખાં હાથવગાં બને છે ત્યારે
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

(૨૭) મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

(01) શાંતિ રાખો : ચાલક વાહન શીખે છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(02) તમારું નાણું ચલણી છે કે છલણી?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(03) આપણાં નાણાં છેવટે એટીએમનાં એમ રહ્યાં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(04) બે હજાર રૂપિયાની નોટ એટલે 'નવો વેપાર'!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (05) અઢી લાખીયાં લગ્નની મૌલિક કંકોતરી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (06) કૅશ બોલો ભાઈ કૅશ : કાળું નાણું, ખાખી વેશ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (07) કાળું નાણુંપીળી ધાતુલાલ આંખસફેદ જૂઠ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (08) પાવતીમાતા વિના બેંકનો સૂનો સંસાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(09) 'કાળા' કકળાટની ઊજળી બાજુ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(10) રાવણ-ઊલિયું : દ્વિચક્રી ઉપરનું સળિયારોપણ  
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(11) લંગરિયું : કામચલાઉ ક્રાંતિનું વિસરાતું પ્રતીક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (12) અખિલ બ્રહ્માંડ ટમેટાં ફેંકાફેંક ઉત્સવ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (13) તાપણું : શરીર સંકેલાય એ પહેલાં શેકી લઈએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (14) ટાઢાં પાણીએ નાહવુંએ ખાવાના ખેલ નથી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (15) ભલે મૂકો બીજું બધુંતડકાને તડકે ન મૂકશો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (16) કાનમાં કેમ કહેવું કે કાનમાં કેમ રૂ છે?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (17) મશી : આંખમાં પડીને તું રડાવી ગઈ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (18) જૂતાંફેંક : વિરોધનું ઉઘાડપગું પ્રદર્શન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (19) સોનાના દોરાનો તરસ્યો દૈત્ય એટલે બાઇકાસુર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (20) કાપલી : થોડામાં ઘણું ને ઝીણું લખવાની કળા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (21) જ્યારે કૂતરું જૂતું લઈ જાય છે ત્યારે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (22) અસરકારક, મચ્છરકારક વિરોધ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (23) ઊભું ઝાડુ જાહેર સફાઈનું સદાબહાર પ્રતીક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (24) પુસ્તકોને પૂંઠાં ચઢાવવાની ફાટતી જતી કળા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (25) હવે કોઈ વાહનને લાલ લાઇટ નહીં થાય!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (26) દરેક માણસના જીવનમાં 'બેતાળીસની ક્રાંતિ'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (27) દાક્તરી અભ્યાસ માટેની (પ્ર)વેશ પરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (28) પરીક્ષાખંડને વહેલો છોડનારો વીર પહેલો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (29) તમે કદી કેરી ઘોળીને પી ગયા છો?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (30) સ્વાદ-સોડમનું ગુજરાતી સરનામું : દાળઢોકળી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (31) ટચુકડી પેન ડ્રાઇવ જોડે રહેજો આજ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (32) ભૂવા એ ભૂવાબીજા બધા વગડાના વા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (33) માટલાંફોડ : લોકશાહીનું માટીદાર વિરોધપ્રદર્શન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (34) મા વિના સૂનો સંસાર, ઇંધણ વિના સૂનું વાહન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (35) જીએસટી 'કર'તાલ દામ રાખે તેમ રહીએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (36) પૂર્વ મુખ્યમંત્રી ખેતી કરે ત્યારે ...
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (37) સિંહ વિના પિંજરું સૂનું સૂનું લાગે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (38) માનવસર્જિત પહાડમાં હું પીરાણાપર્વત છું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (39) 'દોસ્તચોક્કસ અહીં એક રસ્તો જતો હતો!'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (40) રાજ્યસભા-પરિણામો : નવ કરશો કોઈ જોક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (41) 'બેટી બચાવો' પહેલાં 'ચોટી બચાવો'!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (42) આંખ આડા કાન કે નાક આડા રૂમાલ?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (43) સ્વાઇન ફ્લૂ ચમત્કાર વિના નમસ્કાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (44) મચ્છરદાની : અહિંસક જંગની નાજુક ઢાલ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨

* (45) બેઠાંબેઠાં થઈ શકે એવું આંદોલન : રસ્તા રોકો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (46) બુલેટ ટ્રેનમાં ભરૂચની સીંગ મળશે?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨

* (47) દશાનન રાવણના બાળપણનાં સ્મરણો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૨

* (48) (શૈ)ક્ષણિક પરિપત્ર થકી સલામતી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (49) ઘરસફાઈ મન હોય તો માળિયે જવાય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(VI) પૂતળાદહન થકી રોષશમન
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), Volume X, ઑક્ટોબર, ૨૦૧૭, પૃષ્ઠ :

* (50) સીતાફળ ખાવામાં થતી અગ્નિપરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (51) ચોંકવું એ આપણી જન્મસિદ્ધ ફરજ છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (52) ખીચડી : મજબૂરી, મજા અને હવે ગૌરવ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (53) ઊકળતા તેલ પર ટાઢું પાણી? : કાયમી કહાણી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (54) (ટિકિટ) કાપો તો લોહી ન નીકળે એવો સમય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (55) ઉમેદવારો : યાદી એક, ફરિયાદી અનેક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (56) અંતરમંતરજંતર, જાદુ ચાલે નિરંતર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (57) 'એ તો આવનારો સમય જ બતાવશે'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (58) ચૂંટણીમાં 'મોટા ભાઈ' વિરુદ્ધ 'નોટા' ભાઈ  
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (59) 'અજગર ફૂલહાર' અને સામૂહિક સન્માન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (60) મારી પાસે પણ એક મનગમતું ખાતું હોય!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (61) સંગીત સમારંભો અને રાગ ઔરંગઝેબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(62) દીકરી ને ગાય, વિમાનઘર સુધી જાય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (63) એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (64) વાહનની આ નંબર પ્લેટ જૂનીજૂની લાગે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (65) શૂર્પણખા : નાક વગર વધુ ખતરનાક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

(VII) ભલું કરો, હે જોડણીમાતા! // 'માતૃભાષાનો મનોમન મહિમા'
'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૨-૨૦૧૮, બુધવાર,
'ભાષાની અભિવ્યક્તિ' (તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦ ('વિશ્વ માતૃભાષા દિવસ' નિમિત્તે વિશેષ પાનું )

* (66) (લા)ચાર રસ્તા નજીક વાહનવિરામ હરામ છે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

(VIII) એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
પૂર્ણકદ-વ્યંગ્યકથા, 'આદિલોક' (ISSN 2250-1517), વર્ષ - ૧૦, અંક - ૦૧, સળંગ અંક : ૬૦,
જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૮, પૃષ્ઠ : ૩૪

(IX) કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ
'નવજીવનનો અક્ષરદેહ', ફેબ્રુઆરી, ૨૦૧૮, સળંગ અંક : ૫૮, પૃષ્ઠ : ૬૦-૬૨

(X) જળસંકટમાં પાઉચ હોળી, 'હાસ્યરંગ' (હોળી-ધુળેટી પર્વપૂર્તિ)
'દિવ્ય ભાસ્કર', ૧-૦૩-૨૦૧૮, ગુરુવાર, પૃષ્ઠ : ૦૫

* (67) એક જોખમકારક જગ્યા : બાથટબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (68) ઢોલીડા ઢોલ ના વગાડ, મારે ભાગવું છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (69) ગૃહમાં સભ્યોને લડતા અટકાવવા માટે ...
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (70) ૩૧ માર્ચ : હિસાબો પતાવવાનો છેલ્લો દિવસ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૧-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (71) ઓફિસમાં ખુશી નહીં, ખુરશી મહત્ત્વની છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૪-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (72) ચાલો, ઉપવાસ ઉપવાસ રમીએ!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૦૪-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦ 

* (73) ધર્મ પછી કર્મનું ફળ મેળવવાનો વારો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (74) ખાડો ખોદે, તે ન પણ પડે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦ 

* (75) પહેરો ભલે બીજું બધું, હાફ પેન્ટ પહેરશો નહીં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮ 

* (76) તમને હટાવવા અઘરા છે, સાહેબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (77) ઉનાળામાં દ્વિચક્રી ઉપર સ્થાનગ્રહણ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (78) કીડી અને ઉનાળો : કહાની દર દર કી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (79) જ્યારે ઘરમાં ઘો ઘૂસી ગઈ!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (80) ફૂલમાળા નહીં, શાકમાળા : ટામેટાં દઉં બે-ચાર?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (81) બપોરની સવેતન ઊંઘ : ઝોકાં ખવાય બે-ચાર?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (82) દાળવડાંની દુકાને : 'આપ કતાર મેં હૈં'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (83) રબર બેન્ડ : ખીંચો મગર પ્યાર સે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (84) ગળે મળવું, પણ ગળે ન પડવું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (85) પાણીપૂરીના ખૂમચા પરના દરોડાના વિરોધમાં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (86) વાંકા આંગણામાં નાચો, સીધા રસ્તામાં નહીં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (87) જેઓ ભૂવા પાડે તે ક્યારેય ન પડે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (88) આગ ન હોય તોય જોવા મળતો ધુમાડો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (89) ૨૦૧૮ના આ વિપ્લવને કોઈ અટકાવશે ખરું?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૯-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (90) મચ્છરમારક યંત્રવાહન : સંભવામિ શેરીએ શેરીએ
હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૯-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (91) ધાર્મિક લાગણી દુભાવતો શ્રાવણિયો જુગાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૯-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(XI) લગ્નમંડપમાં ડ્રોન : પહેલે તે મંગળ, ડ્રોનથી શું શું થાય રે ...
'સાર્થક જલસો', ઉનાળુ અંક, પુસ્તક-૧૨, મે, ૨૦૧૯, પૃષ્ઠ : ૧૨૧-૧૨૩

* (XII) પાર્કિંગ-પ્રશ્ન : સબ ભૂમિ ગોપાલ કી?
'સાર્થક જલસો', દિવાળી અંક, પુસ્તક-૧૩, ઑક્ટોબર, ૨૦૧૯, પૃષ્ઠ : ૧૦૮-૧૧૦

* (XIII) દેખો 'મગર' પ્યાર સે
'ઉત્સવ', ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), ઑક્ટોબર, ૨૦૧૯

* (XIV) જામફળનાં બી : ન બીવે એ બીજાં
'સાર્થક જલસો', દિવાળી અંક, પુસ્તક-૧૪, ઑક્ટોબર, ૨૦૨૦, પૃષ્ઠ : ૧૬૪-૧૬૬

* (XV) સર્વસાંધાશૂળ ઉર્ફે ચિકુનગુનિયા
'ઉત્સવ', ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), નવેંબર, ૨૦૨૦, પૃષ્ઠ : ૧૩૪-૧૩૬

.................................................................................................................................

# ઉપરોક્ત લેખો વાંચવા માટે નીચેની કડીઓ સુધી પહોંચો :

https://ashwinningstroke.blogspot.in/search/label/Humour-Magazines

https://ashwinningstroke.blogspot.in/search/label/Humour-Kalash-

supplementhttps://ashwinningstroke.blogspot.in/search/label/Humour-Edit-Page