Wednesday, March 31, 2021

હાઈકુ : સાંજ


સમી સાંજના,
ગોરા આકાશે ઊગ્યો
છે, કાળો સૂર્ય

- અશ્વિનકુમાર

Monday, March 22, 2021

ભાષામાં પાણી અને ભાષાનું પાણી /////// ડૉ. અશ્વિનકુમાર


Courtesy : https://www.unicef.org/wash/water

પાણીને ‘જીવનનું અમૃત' કહેવામાં આવે છે. જોકે, પાણીની પરબ ચલાવીને જીવનનિર્વાહ કરતા અમૃતભાઈ નામના કોઈ માણસ માટે તો પાણી એ જ ‘અમૃતનું જીવન' બની જાય છે! ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ' (પૃષ્ઠ - ૫૩૦) અનુસાર, પાણી માટે સંસ્કૃત શબ્દ पानीय અને પ્રાકૃત શબ્દ पाणीअ, पाण, पाणी છે, જેનો અર્થ 'પીવાનું કુદરતી પ્રવાહી’ એવો થાય છે. ભગવતસિંહજીકૃત ‘ભગવદ્દગોમંડલ'(ભાગ - ૬, પૃષ્ઠ - પપ૩૦)માં ‘પાણી’ શબ્દની સમજૂતી આ મુજબ આપવામાં આવી છે : ‘પીવાના ઉપયોગમાં આવતો જીવના આધારરૂપ સ્વાદ, ગંધ અને રંગ રહિત એક પ્રવાહી તથા પારદર્શક પદાર્થ.' બાળકની કાલીઘેલી ભાષામાં મમત્વના ને મહત્ત્વના હોય તેવા, એક જ અક્ષરના બે શબ્દો એટલે ‘મા’ ને ‘ભૂ'! પાણી માટે જળ, નીર, વારિ, ઉદક અને સલિલ જેવા શબ્દો પણ વત્તા-ઓછા પ્રમાણમાં વહેતા અને વપરાતા રહે છે.

વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ નદીકિનારે જ પાંગરી હતી. જે તે સ્થળે અને સમયે પ્રચલિત હોય તે ભાષાને પારાશીશી માનીને કોઈ પણ સમાજ અને સંસ્કૃતિનું કૌવત જાણી શકાય છે. આ રીતે જોઈએ તો, માનવીય વિકાસની સાથે-સાથે તેની ભાષામાં ‘પાણી’ નામનો શબ્દ ગાઢ રીતે જોડાતો અને જિવાતો આવ્યો છે. કોઈ પણ ભાષાને વધારે ‘પાણીદાર’ બનાવવાની અંતિમ જવાબદારી તેનાં રૂઢિપ્રયોગો અને કહેવતોના ખભા ઉપર નાખવામાં આવતી હોય છે. આપણી ગુજરાતી ભાષામાં 'પાણી' સાથે જોડાયેલાં રૂઢિપ્રયોગો અને કહેવતોની સંખ્યા એકસોથી પણ વધારે હશે. આ રૂઢિપ્રયોગો અને કહેવતોના આંકડા કરતાં વધારે મહત્ત્વની છે તેની અસરકારકતા!

કશુંક ખાવાની ઇચ્છા થાય અને મોંમાંથી લાળ છૂટે ત્યારે ‘પાણી આવવું' એવો રૂઢિપ્રયોગ વપરાય છે. કોઈની આંખમાં આંસુ આવે ત્યારે પણ આ જ પ્રયોગ કરવામાં આવે છે. કોઈને ખૂબ મહેનત કરાવવી કે મુશ્કેલીઓ પાડવી હોય તો તે માટે 'પાણી ઉતરાવવું' એવો પ્રયોગ થાય છે. કોઈ વ્યક્તિનાં ધાર અને તેજ ઓછાં કરી દઈને તેને શરમમાં નાખી દેવી હોય તો 'પાણી ઉતારવું' એવો રૂઢિપ્રયોગ વપરાય છે.

અત્યંત કરકસરિયું હોય તો 'પાણીથી પણ પાતળું' એવો પ્રયોગ છૂટથી થતો રહે છે, તો ક્ષણવારમાં કે સપાટાબંધ કંઈક બની જાય તો 'પાણીના રેલાની પેઠે' જેવો રૂઢિપ્રયોગ થાય છે. ક્ષણિક વસ્તુ માટે ‘પાણીનો પરપોટો’ જેવો પ્રયોગ વર્ષોથી થતો રહ્યો છે. કોઈ વ્યક્તિ કે વસ્તુની ઘણી જ આતુરતાથી વાટ જોઈએ તો તેના માટે ‘પાણીની પેઠે રાહ જોવી' એવું કહેવાય છે, પણ કશુંક ફરી હાથમાં ન આવે એ રીતે જતું રહે તો 'પાણીમાં પારો પડવો’ એવો પ્રયોગ કરવામાં આવે છે. કશુંક મેળવવાનો મિથ્યા પ્રયાસ કરીએ તો ‘પાણીમાં મૂઠીઓ ભરવી' એવું કહેવાય, જ્યારે કંઈક નકામું જવું એ માટે ‘પાણીમાં જવું' અને કોઈ કાર્યમાં પીછેહઠ કરીએ તો ‘પાણીમાં બેસવું' એવો રૂઢિપ્રયોગ વ્યક્તિ ઊભા-ઊભા પણ કરી શકે છે!

કોઈ વ્યક્તિને ઉશ્કેરવા કે શૂર ચડાવવા માટે 'પાણી ચડાવવું' અને કશુંક શાંત કે ઠંડું પાડવા માટે 'પાણી છાંટવું' જેવો રૂઢિપ્રયોગ વપરાય છે. કોઈ વ્યક્તિને એવી ગભરાવી કે ડરાવી દઈએ કે તેને પેશાબ થઈ જાય તો તેના માટે 'પાણી છોડાવવું' અને કોઈ વ્યક્તિની શક્તિ તપાસી જોવા માટે ‘પાણી જોવું’ કે ‘પાણી પારખવું' એવો પ્રયોગ થાય છે. કોઈ કામ માટે ખૂબ મહેનત પડે તો ‘પાણી પડવું' અને કોઈ વ્યક્તિ કે વસ્તુને જોઈને ખૂબ ખુશ ખુશ થઈ જઈએ તો 'પાણી પાણી થઈ જવું' એવો રૂઢિપ્રયોગ ચલણમાં છે. પરસેવાથી રેબઝેબ થઈ જઈએ ત્યારે આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતાં-કરતાં પરસેવો લૂછવાનો આનંદ અનોખો હોય છે!

કોઈ કામ કરી બેઠા પછી તે યોગ્ય હતું કે અયોગ્ય હતું તેનો વિવેક કે વિવેચન કરવાની વૃત્તિ માટે 'પાણી પીને ઘર પૂછવું' એવું કહેવાય છે. કોઈ કામ નકામું જાય કે ઇચ્છિત પરિણામ ન મળે તો 'પાણી ફરી વળવું' એવો રૂઢિપ્રયોગ ફરી વળતો હોય છે. ‘પાણી બાળવું' એ રૂઢિપ્રયોગના બે અર્થ છે : ‘જુલમ કરવો’ અને ‘જીવ બાળવો’. 'પાણી ભરવું’ એ રૂઢિપ્રયોગ ‘ઊતરજે દરજ્જે હોવું કે બીજાની સરખામણીમાં કંઈ વિસાતમાં ન હોવું' એવા અર્થમાં વપરાય છે. ‘પાણી ભરાઈ જવું’ કે ‘પાણી ભરાઈ ચૂકવું’ જેવા રૂઢિપ્રયોગનો અર્થ છે : ‘આખર કાળ આવવો કે મોત ઢૂંકડું આવે એ વેળાના સોજા આવવા.'

‘પાણી મૂકવું’ અને ‘પાણી લેવું' એ બન્ને રૂઢિપ્રયોગ આપણે કોઈ પ્રતિજ્ઞા લઈએ તો વાપરી શકાય. કોઈની આબરૂ લઈએ ત્યારે 'પાણી લેવું' એ રૂઢિપ્રયોગ ઉપયોગમાં લેવો. જુસ્સો નરમ પડે તો ‘પાણી મરવું' એવું કહેવાય, પણ કોઈ કામ પાર પડે કે સફળતા મળે તો ‘પાણીએ મગ ચડવા' એવું એક પણ કઠોળ ન ભાવતા હોય તો પણ કહેવું! ‘પાણી' સાથે ‘દૂધ', ‘છાશ’ અને ‘ઘી’, ‘ગોળ' જેવા શબ્દો વાપરો તો જાત-ભાતનાં રૂઢિપ્રયોગો અને કહેવતો નજર સામે નાચવાં માંડે. દાખલા તરીકે, ‘પાણીના પાણીમાં ને દૂધના દૂધમાં' એટલે અણહકનું ન રહેવું; ‘છાશમાં પાણી સમાવું' એટલે કે સારી વસ્તુમાં થોડી નઠારી વસ્તુનું મિશ્રણ નભી જવું; ‘પાણી વલોવ્યે ઘી ન નીકળે' એટલે વ્યર્થ પ્રયત્નો કરવા; ‘ગોળનાં પાણીએ નવરાવી નાખવું' એટલે ભૂલથાપ ખવડાવીને કોઈને મુશ્કેલીમાં મૂકવું અને ‘ગોળનાં પાણીએ નાહવું' એટલે નિરાશ થઈ જવું કે આશા છોડી દેવી.

જાત તોડીને ખૂબ મહેનત કરવી કે માથાકૂટ કરવી હોય તો ‘લોહીનું પાણી કરવું' એવો રૂઢિપ્રયોગ છે. પણ મહેનત વગ૨ બારોબાર કામ પતાવી દેવા માટે ‘ટાઢે પાણીએ ખસ કાઢવી’ એવો રૂઢિપ્રયોગ સારો એવો વપરાય છે. બહુ મોટું જોખમ ખેડવું હોય તો ‘ઊંડાં પાણીમાં ઊતરવું’ એવો રૂઢિપ્રયોગ છે. પોતાની શક્તિ તથા સ્થિતિ મુજબ કામ કરવું હોય તો 'પાણી જોઈ પગ ભરવો' અને સાવચેતી ને અગમચેતીથી કામ કરવું હોય તો 'પાણી મો૨ જોડા ઉતારવા' જરૂરી છે!

‘પાણી યે ન ભાવવું' એટલે ભૂખ મરી જવી અને ‘પાણી ન માગવું' એટલે અચાનક મરી જવું કે કોઈ આઘાત, ઝેર વગેરેથી એટલું જલદી મરી જવું કે મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળવો. ‘પાણી પીવા ન રોકાવું' એટલે ઘણી જ ઉતાવળથી જવું અને 'પાણી પાવા જવું' એટલે કોઈની પાછળ સેવાચાકરી કરવા જવું. ‘પાણી પાય એટલું પીવું’ એટલે કોઈ કહે તેટલું અને તેમ કરવું અને ‘પાણી બચાવવું' એટલે કોઈની પ્રતિષ્ઠા, આબરૂ કે ઇજ્જતની રક્ષા કરવી.

‘પાણી' સાથે ‘પથ્થર’ અને ‘કાંકરા'નો ઉલ્લેખ કરો તો આ બે રૂઢિપ્રયોગોને યાદ કરી લેવા. ‘પથ્થર પર પાણી રેડવું' એટલે કુપાત્રને ઉપદેશ આપવો અને ‘પાણી કહે ત્યાં કાંકરા યે ન હોવા' એટલે અતિશયોક્તિવાળી હકીકત રજૂ કરવી. અતિશય ખરાબ અક્ષરને ‘પાણી ચોપડીને વાંચીએ તેવા અક્ષર' કહેવાય અને આંસુ ભરી આંખે એટલે ‘પાણીના ભરેલા ડોળાએ'.

‘પાણી'ની વાત કરતા હોઈએ અને ‘મગર’ તેમ જ ‘માછલું' ન આવે એવું તો ન બને. સાથે રહેવું અને દુશ્મનાવટ બાંધવી એટલે ‘પાણીમાં રહેવું ને મગરથી વેર કરવું' અને વિપરીત પરિસ્થિતિમાં જીવતો માનવી એટલે કે જાણે ‘પાણી બહારનું માછલું'. કોઈ વાત એની મેળે ઠેકાણે પડતી હોય તો ‘પાણીને રસ્તે પાણી જવું' એમ કહેવાય. પણ કોઈ માણસના જીવનમાં નબળો વખત આવે અને એનું નસીબ મોળું હોય તો ‘વળતાં પાણી’ થયાં એમ કહેવાય. અઢળક પૈસા વાપરવા એટલે ‘પાણીની જેમ પૈસા રેડવા' અને પૂરતો વિચાર કરી કામ કરવું એ સંદર્ભમાં ‘સો ગળણે ગાળીને પાણી પીવું' એવો રૂઢિપ્રયોગ સહેજ પણ વિચાર કર્યા વગર કરી શકાય!

'પાણી' અને ‘પેટ' એ કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ જોડાયેલાં છે. 'પેટમાં પાણી ન હાલવું' એટલે જરા પણ ચિંતા ન થવી અને ‘પેટમાં પાણી હાલવા ન દે એવું' એટલે વિચાર જરા પણ જાહેર ન કરે એવું ગંભીર. કોઈ વાત ગુપ્ત ન રાખી શકવી કે પેટમાં કોઈ ચીજ નાખતાંની સાથે જ ઊલટી થઈ બધું બહાર નીકળી જતું હોય તો ‘પેટમાં પાણી યે ન ટકવું' એવો રૂઢિપ્રયોગ થાય છે. પાણીમાં ચણો પલાળવાથી જેમ ફૂલે છે તેમ કોઈ વ્યક્તિ દિન-પ્રતિદિન જાડી થતી હોય તો 'પાણીમાં ચણો ઓગળવો' એવું કટાક્ષમાં કહેવાય છે. જાડા માણસને રમૂજમાં ‘પાણીની પખાલ' કહેવાય છે.

ઘરમાં ઘણો કજિયો, કંકાસ હોય તો ‘ગોળાનું પાણી સુકાવું' એવો રૂઢિપ્રયોગ કોઈ ગ્રામીણજન બહુ સહજપણે કરે છે. જેનામાં જે પ્રકારની શક્તિ ન હોય તેનાથી તેવું કામ ન થઈ શકે એના માટે ‘ઊના પાણીએ ઘર ન બળે' એમ કહેવાય છે. આ જ રીતે અશક્ય લાગતી બાબત માટે ‘નેવાંનાં પાણી મોભે ન ચડે' એવી સુંદર કહેવત ચોમાસા સિવાય પણ વપરાતી હોય છે! અકસ્માતથી મૃત્યુ પામવું, સહેલાઈથી કામ કરી શકવાની શક્તિ હોવી, માથાભારે હોવું એવું કહેવા માટે ‘પાણીએ દીવો બળવો' જેવો રૂઢિપ્રયોગ વપરાય છે.

મરવું જોઈએ તેવું કે શરમ ભરેલું એ અર્થમાં કોઈ રૂઢિપ્રયોગ આપણને ખબર ન હોય તો 'પાણીમાં ડૂબી જવું' અને આ જ રીતે આશા છોડી દેવી કે કાયમનું હતાશ થવું હોય તો 'પાણીમાં મોં જોવું'. અસંભવિત બાબતને સંભવિત કરવી કે અંદરોઅંદર ઝઘડાવવાનું કાર્ય કરવું એટલે ‘પાણીમાં આગ લગાડવી’. પણ લાંબી અને મજબૂત લાકડી મારવાથી પણ પાણી જુદાં થતાં નથી, તેમ છતાં તેવો મિથ્યા શ્રમ કરવો એટલે ‘પાણીમાં ડાંગો મારવી'. જીવન-મૃત્યુના પ્રસંગે ઉતાવળ સારી એવું કહેવત દ્વારા વધારે સારી રીતે કહેવું હોય તો 'પાણીનો પાનાર ને તરવારનો મારનાર ઉતાવળા સારા' એવું વિના વિલંબે સંભળાવી દેવું! આપણે ત્યાં વિદાયવેળાએ શુભ શકુન તરીકે પાણીવાળું નાળિયેર આપવાનો રિવાજ છે. આમ, વિદાય સંદર્ભે 'પાણીચું મળવું' એવો રૂઢિપ્રયોગ વપરાય છે. નોકરીમાંથી બરતરફ થનાર વ્યક્તિને આ રીતે પાણીચું મળે છે ખરું?!

‘દાવાનળ ફાટે તો લોટો પાણીએ ન બુઝાય', ‘ઝાંઝવાનાં જળથી તરસ ન મટે', ‘પાણીના બાચકા ન ભરાય’, ‘પાણીમાં લીટા ન ચીતરાય' કે ‘પાણીની ગાંસડી ન બંધાય’ એવી કહેવતો ‘સાત વાવનાં પાણી પીધેલો' માણસ તો જાણતો-સમજતો હોય છે. ‘પાણી' વિશેનાં રૂઢિપ્રયોગો અને કહેવતો વિશેની યાદી હજુ લાંબી કરી શકાય એમ છે, પણ આ લેખના પ્રવાહને અટકાવવા માટે શબ્દોની મર્યાદાનો પાળાબંધ બાંધેલો છે. આથી આ લેખ માટેની નિર્ધારિત જગ્યા પૂરી થાય એ પૂર્વે જ અટકી જઈએ, એટલે કે 'પાણી પહેલાં પાળ બાંધી લઈએ'!

....................................................................................................................
સૌજન્ય : 

* મૂળ લેખ : 'જીવન શિક્ષણ', ઓગસ્ટ, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧
* પુનર્મુદ્રણ : 'જલસેવા'
* પુનર્મુદ્રણ : 'લોકસંવાદ', માર્ચ, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૪-૧૫
પુનર્મુદ્રણ : 'ઓપિનિયન' (યુ.કે.), ૨૬-૦૮-૨૦૦૬, પૃષ્ઠ : ૨૬-૨૭
* પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની', જુલાઈ, ૨૦૦૮ (જળમહિમા વિશેષાંક), પૃષ્ઠ : ૧૦૬-૧૦૯
* પુનર્મુદ્રણ : 'અતુલ્ય વારસો' (ISSN : 2321-4880), પાણી વિશેષાંક, સળંગ અંક - ૨૮, વર્ષ - ૦૮, માર્ચ, ૨૦૨૧, પૃષ્ઠ : ૩૫-૩૬

Saturday, March 13, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1220


મો. ક. ગાંધી દ્વારા લિખિત પુસ્તકનું નામ 'હિંદ સ્વરાજ' છે.

મો. ક. ગાંધી લિખિત પુસ્તકનું નામ 'હિંદ સ્વરાજ' છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1219


કાકાસાહેબ કાલેલકર એટલે 'સવાઈ ગુજરાતી'.

કાકાસાહેબ કાલેલકર એટલે 'સવાયા ગુજરાતી'.

ભાષાની મજા, મજાની ભાષા - 1218


બગીચામાં વસંત આવી ગઈ છે.

બગીચામાં વસંત આવી ગયો છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1217


૧૦૦ ટકા પતંગ કાપવાની દોરી મળશે.

પતંગ ૧૦૦ ટકા કાપવાની દોરી મળશે.

પતંગ કાપવાની ૧૦૦ ટકા દોરી મળશે.

પતંગ કાપવાની દોરી ૧૦૦ ટકા મળશે.


ભાષાની મજા, મજાની ભાષા - 1216


હું શારીરિક શ્રમ નિયમિતપણે દરરોજ કરું છું.

હું શારીરિક શ્રમ દરરોજ કરું છું.


ભાષાની મજા, મજાની ભાષા - 1215


તેઓ નિયમિતપણે ઘર સાફ કરવાનું કામ કરે છે.

તેઓ નિયમિતપણે ઘર સાફ કરે છે.


Thursday, March 11, 2021

Wednesday, March 10, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1213


ખેડૂત લોકોમાં શ્રમનું મહત્વ છે.

ખેડૂતોમાં શ્રમનું મહત્વ છે.

Sunday, March 7, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1211


આપણે મહાત્માની અહિંસક જીવનશૈલીને સલામ ઠોકવી જોઈએ.
આપણે મહાત્માની અહિંસક જીવનશૈલીને સલામ કરવી જોઈએ.

Thursday, March 4, 2021

સાયબર જાગરૂકતા, સુરક્ષા, અને સલામતી


1) ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

https://hidayatparmar.blogspot.com/2020/12/identity-theft.html?m=1


2) ઓનલાઇન શોપિંગ ટિપ્સ અને બેકઅપ

https://hidayatparmar.blogspot.com/2020/12/blog-post_30.html?m=1


3) માલવેર, બોટનેટ અને રેન્સમવેર

https://hidayatparmar.blogspot.com/2020/12/blog-post_31.html?m=1


4) તમારી ગોપનીયતાનું સંચાલન

https://hidayatparmar.blogspot.com/2020/12/blog-post_2.html?m=1


5) ઓળખ ચોરી, છેતરપિંડી અને સાયબર ક્રાઈમનો જવાબ

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post.html?m=1


6) સાયબર ધમકી અને પજવણી

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_2.html?m=1


7) સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_3.html?m=1


8) મહત્વના એકાઉન્ટ્સ અને ડિવાઇસેસને સુરક્ષિત રાખો

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_4.html?m=1


9) ખાતું સુરક્ષિત કરવાની રીતો : ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_5.html?m=1


10) સોશિયલ મીડિયામાં સાવચેતી

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_8.html?m=1


11) પેરેંટલ કંટ્રોલ્સ

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_11.html?m=1


ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (No. 21 of 2000)

https://hidayatparmar.blogspot.com/2021/01/2000-no-21-of-2000.html?m=1


(સૌજન્ય : હિદાયત 

મુકામ : કુંભાસણ, તાલુકો : પાલનપુર, જિલ્લો : બનાસકાંઠા)