Showing posts with label History & Heritage. Show all posts
Showing posts with label History & Heritage. Show all posts

Sunday, July 16, 2017

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

'યુનેસ્કો' દ્વારા ભારતના સૌપ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો મેળવનાર શહેર એટલે 'આપણું અમદાવાદ'. અમદાવાદને 'વિશ્વ સંસ્કારવારસાનું શહેર' જાહેર કરવામાં આવે એટલે ઉજવણીની સાથે જવાબદારી પણ વધવાની. કારણ કે, 'હેરિટેજ'માં શિલ્પ-સ્થાપત્ય-સ્મારકની સાથે સહભાગિતા, સહજીવન, અને સંવાદિતા પણ જોડાયેલાં છે. વળી, 'વિકાસ'ની સાથે 'વારસો' કેમ સાચવવો એ સૌથી મોટો પડકાર છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અમદાવાદનાં બસસ્ટેન્ડ, રેલમથક, વિમાનઘર ઉપર ઊતરે ત્યારે પહેલી નજરમાં અમદાવાદ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નાં લક્ષણો અને લાક્ષણિકતાઓ ધરાવતું હોય એવું લાગવું જોઈએ. અણઘડ નગરઆયોજન, આડેધડ વાહનવ્યવહાર, અશોભનીય નાગરિકશિસ્તના કારણે પ્રવાસીઓના જ નહીં, આપણા પણ પૈસા પડી જતાં હોય છે. મુલાકાતીઓ સારી અને સાચી છાપ લઈને જાય અને બીજા જિજ્ઞાસુઓને મોકલે એ માટે, ઐતિહાસિક ઇમારતોની સાથેસાથે સમગ્ર શહેરને તમામ પ્રકારનાં દબાણ અને પ્રદૂષણથી મુક્ત રાખવું પડે. મહાનુભાવોના આગમન ટાણે રસ્તા ઉપરની ઝૂંપડપટ્ટીઓ ફરતે લીલા કાપડપટ્ટા ઢાંકવાથી ગરીબી, ગંદકી, અને ગરબડ હટવાની નથી!

શહેરના પ્રત્યેક રહેવાસી અને પ્રવાસીને અમદાવાદનાં ઐતિહાસિક સ્થળોનો પ્રત્યક્ષ પરિચય અને વિશેષ વિગતો મળે એવી તંત્રવ્યવસ્થા ગોઠવવી રહી. શાળા-કોલેજનાં અભ્યાસક્રમ અને સમયપત્રકમાં વિદ્યાર્થીઓ સારુ સ્થળમુલાકાત માટે અલાયદા તાસ ફાળવવા પડે. શહેરના 'સંસ્કારવારસા'ને કેન્દ્રમાં રાખીને ચિત્ર-તસવીર અને નિબંધ-વાર્તાની ઇનામી સ્પર્ધાઓ યોજી શકાય. પ્રવાસીઓ ઘરનિવાસ(હોમ સ્ટે) કરી શકે એવું વાતાવરણ ઊભું કરીએ તો શહેરની ધબકતી સંસ્કૃતિનો સુપેરે પરિચય થાય. શહેરની ઓટોરિક્શાઓને 'વારસા-વાહન'ની ઓળખ થકી 'ગ્રાન્ડ ઍમ્બૅસૅડર' બનાવવી જોઈએ. અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની સાચવણીની સાથે, ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાય-લિંગ-ભાષા-વર્ગના સંઘર્ષો ઘટે અને સહિષ્ણુતા વધે એ શહેરનો સાચો સંસ્કારવારસો છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર


સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/detail/-691155/7160170393/0/map/tabs-1/2017-07-16/44/1/image/

અમદાવાદ અભિનંદનઓચ્છવઅને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

Sunday, June 18, 2017

સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

સત્તરમી જૂન, ૧૯૧૭ના રોજ સાબરમતીના તીરે સત્યાગ્રહાશ્રમની સ્થાપના થઈ ત્યારે, સત્યાગ્રહી ગાંધીજી 'ગળીનો ડાઘ' મિટાવવા માટે બિહારના ચંપારણ જિલ્લામાં હતા. ગાંધીજીએ આ જ આશ્રમમાંથી, અંગ્રેજ સરકારના અન્યાયી નમકવેરા સામે, બારમી માર્ચ, ૧૯૩૦ના રોજ દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. પ્રવર્તમાન સમયમાં નાગરિકો અસત્ય-અત્યાચાર-અરાજકતા-આભડછેટ-આતંકવાદ સામે, ગાંધી આશ્રમને નજર સમક્ષ રાખીને વિરોધપ્રદર્શન અને કૂચકદમ કરે એ આવશ્યક છે. આ પ્રકારનું આંદોલન સત્ય-અહિંસાના માર્ગે અને બિનરાજકીય રીતે ચાલતું હોય એ અનિવાર્ય છે. 

શહેરીજનોએ ગાંધીબાપુનો આશ્રમ સપરિવાર અને વારંવાર જોવો જોઈએ. જન્મદિવસ-લગ્નદિવસ કે તહેવાર-ઉજવણી હોય તો રિવરફ્રન્ટ જતાં પહેલાં સત્યાગ્રહાશ્રમનાં દર્શન અચૂક કરી લેવાં. ઘરે દેશી-વિદેશી મહેમાનો આવે તો, સઘળાં કામ પડતાં મૂકીને તેમની સાથે બાપુજીનો આશ્રમ જોવા જવાનો વિચાર નહીં પણ અમલ કરવો. શહેરની શાળા-કૉલેજોના વ્યવસ્થાપકોએ ૨૦૧૭ના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને ગાંધી આશ્રમની પ્રત્યક્ષ મુલાકાત કરાવવી જોઈએ. અમદાવાદીઓ માટે અઠવાડિયામાં એક દિવસ નહીં તો છેવટે એક કલાક માટે પણ મૌન પાળવા સારુ, આશ્રમભૂમિથી આદર્શ જગ્યા બીજી કઈ હોઈ શકે? અને છેલ્લે, અમદાવાદની ઓળખ સમી રિક્ષાઓના ચાલકોને વિનંતી કે, બહારગામથી આવતા પ્રવાસીઓ એમ કહે કે, 'સાબરમતીમાં બાપુના આશ્રમે જવું છે.' તો તેમને સાબરમતીસ્થિત આસારામ બાપુના આશ્રમે લઈ જતાં પહેલાં, પાકી ખાતરી કરી લેવી!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬ -૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર

Sunday, May 21, 2017

ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર !

આપણું અમદાવાદ

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

મેક્સિકોનાં ભારતસ્થિત રાજદૂત(ઍમ્બૅસૅડર) મેલ્બા પ્રિઆ પાલડીસ્થિત 'રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન'માં 'મેક્સિકન હાથબનાવટ કાગળરંગકળા પ્રદર્શન'નું ઉદ્ઘાટન કરવા માટે આવ્યાં હતાં. તેમણે એન.આઈ.ડી.માં સ્થાનિક ઓટોરિક્શામાં ખાસ સવારી કરી હતી. મેલ્બાબહેનનો ઓટોરિક્શા પ્રત્યેનો પ્રેમ અને આદર જાણીતો છે. નવી દિલ્હીમાં રાજદૂત તરીકેની નિમણૂક પામ્યાં પહેલાં, મેલ્બા ભારતમાં પ્રવાસી તરીકે ઓટોરિક્શા થકી સારી પેઠે ફર્યાં છે. તેઓ ઓટોરિક્શાને 'પર્યાવરણીય સાનુકૂળ લોકવાહન' ગણાવે છે. તેમણે એક રાજદૂતનાં સત્તાવાર વાહન તરીકે ઓટોરિક્શાની પસંદગી અને સ્વીકૃતિ માટે સરકારી આંટીઘૂંટીમાંથી પસાર થવું પડ્યું હતું. મેક્સિકન દૂતાવાસના અધિકૃત વાહનચાલક જગદીશચંદ દુગ્ગલને ઓટોરિક્શા હંકારવા માટેની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. મેલ્બા પ્રિઆ વિદેશમંત્રાલયથી માંડીને સંસદભવન સુધી પોતાની ઓટોરિક્શામાં જાય છે. રાજદૂતના હોદ્દાની હેસિયતથી ધ્વજ ધારણ કરનાર તેમની ઓટોરિક્શાને, મેક્સિકોના શેરી કલાકાર દ્વારા સાજસજાવટ અને રંગરોગાન કરવામાં આવ્યાં છે.

સામાન્ય નાગરિકો શ્વાસમાં જે હવા લે છે તે હવાનો પોતાને પણ અનુભવ થાય એ માટે રાજદૂત મેલ્બા પ્રિઆ ઓટોરિક્શામાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. અમદાવાદસ્થિત સંસદસભ્યોથી માંડીને ધારાસભ્યો, મેયરથી માંડીને કમિશનર, નગરસેવકોથી માંડીને ઉચ્ચાધિકારીઓ ઓટોરિક્શામાં મુસાફરી કરે તો તેમને વાસ્તવિકતાનું સાચું દર્શન થાય. આપણા મહાનુભાવો ઓટોરિક્શાનો પ્રતીકાત્મક નહીં, પણ પ્રેરણાત્મક ઉપયોગ કરીને, શહેરી સમાજ વિશેની તેમની સમજને વધારે પાકી કરે.

…………………………………………………………………………………………………
સૌજન્ય : 

ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૫-૨૦૧૭, રવિવાર

http://epaper.divyabhaskar.co.in/detail/-672418/520214728855/0/map/tabs-1/2017-05-21/44/1/image/

'આપણું અમદાવાદ'

Sunday, April 23, 2017

અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

ગુજરાતી ભાષામાં 'હિસાબકિતાબ' નામનો શબ્દ છે. જે લેણદેણના હિસાબ સંદર્ભે વપરાય છે. આપણે હિસાબ તો ઝાઝો રાખીએ છે, પણ કિતાબ ભાગ્યે જ રાખીએ છીએ! શાળા-કૉલેજમાં પાઠ્યપુસ્તકો સિવાયનું ઇતર વાચન પણ ઓછું થતું રહ્યું છે. ઇન્ટરનેટ ટેકનોલોજિ અને સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં, પાનાં ફેરવતાં-ફેરવતાં પુસ્તકને વાંચવાનો વખત અને આનંદ ઘટી રહ્યો છે. જન્મદિવસે અપાતાં પુષ્પગુચ્છની સુગંધ થોડા જ વખતની મહેમાન હોય છે. આ જ પ્રમાણે, શુભ પ્રસંગોએ અપાતી ભેટોની ઉપયોગિતા એક હદથી વધારે હોતી નથી. એટલે જ, ગુલદસ્તા અને ભેટસોગાદ કરતાં પુસ્તકોની ભેટ નિત્ય પ્રસ્તુત સાબિત થાય છે. પ્રત્યેક પરિવારે રોજનો ઓછામાં ઓછો એક કલાક સમૂહમાં ગ્રંથવાચન માટે ફાળવવો જોઈએ. દર વર્ષે ત્રેવીસમી એપ્રિલે 'વિશ્વ પુસ્તક દિવસ'ની ઉજવણી થાય છે. આપણે પરિવારજન, પાડોશી, પરિચિત, કે પ્રિયજનને પુસ્તકની ભેટ આપીને તેનું સાર્થક ઉજવણું કરી શકીએ છે.

વાચનરસિકો દ્વિચક્રીના દાબડા અર્થાત્ ડિકીમાં પણ એકાદ પુસ્તક તો રાખી શકે. કારના ડેશ-બોર્ડની છાજલી ઉપર ઓછામાં ઓછું એક પુસ્તક પ્રદર્શિત કરી શકાય. શહેરની માનવભીડમાં, વાહન-વ્યવહારની કતારમાં, વાહનતળ(પાર્કિંગ)ના ઇંતેજારમાં, ચાલક સિવાયની વ્યક્તિઓ ચાલતા વાહને પણ પુસ્તકમાંથી થોડાં પાનાં ફુરસદે વાંચી શકે છે. તેઓ અન્ય વ્યક્તિઓને પુસ્તકની સામગ્રી સંભળાવી શકે છે અને અનુકૂળતાએ એની ચર્ચા પણ કરી શકે છે. માતાપિતા કે વડીલે ઘરમાં કે કારમાં બેઠેલા બાળક સમક્ષ એને રસ પડે એવું પુસ્તક મોટેથી વાંચવાનો પ્રયોગ કરવા જેવો છે. જેના કારણે બાળકને વાચનવિશ્વમાં પ્રવેશવાની સ્વાભાવિક વૃત્તિ થશે. અમદાવાદમાં તંત્રવાહકો બી.આર.ટી.એસ.(બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)માં મુસાફરો માટે બસની અંદર અને બસથોભો ઉપર પુસ્તક-વાચનની સગવડ ઊભી કરે તો તે એક જુદા જ અર્થમાં બી.આર.ટી.એસ.(બૂક રીડિંગ ટાઈમ સિસ્ટમ) બની શકે એમ છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૪-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર

Sunday, March 26, 2017

ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

શાંતાબહેન રામકુમાર રાજપ્રિય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શાંતાબહેન રાજપ્રિય (જન્મ : ૨૬-૦૩-૧૯૨૭, મુન્દ્રા-કચ્છ) એટલે સ્વાતંત્ર્યસેનાની અને બાળકેળવણીકાર. શાંતાબહેનના પિતા મથુરાદાસ આશર સમર્પિત સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હતા. મથુરાદાસે મહાત્મા ગાંધીની પ્રેરણાથી બિહાર રાજ્યના ચંપારણ જિલ્લાના ઢાકા-મધુબની મુકામે ગ્રામસેવા-આશ્રમની સ્થાપના કરી હતી. શાંતાબહેનનાં ઘડતર અને ચણતર ગાંધીજીના સાબરમતી આશ્રમમાં અને ચંપારણના ઢાકા-મધુબની આશ્રમમાં થયાં છે. તેમની કેળવણી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ, ગાંધી વિદ્યાપીઠ, જ્યોતિસંઘ જેવી સંસ્થાઓ થકી થઈ છે. પિતાજી સાથે શાંતાબહેને ઈ.સ. ૧૯૪૦માં 'રામગઢ કોંગ્રેસ'માં ભાગ લીધો હતો. સ્વયંસેવિકા તરીકે શાંતાબહેને ગાંધીજીના તંબુનાં રખેવાળ તરીકે ફરજ બજાવી હતી. ગાંધીજીને મળવા માટે અનેક નેતાઓ આવતા હતા. એક દિવસ ગાંધીજી બહાર જતા હતા ત્યારે તેમણે શાંતાબહેનને જોઈને પૂછ્યું કે, 'શાન્તુ, આમ કેવળ ઊભાં રહીને વખત નકામો નહીં કરવાનો. તારે તો અહીં પણ કાંતવાનું કામ કરવું જોઈએ.' શાન્તુ માટે ત્યાં જ તકલી અને રૂ મંગાવવામાં આવ્યાં. તેર વર્ષીય શાંતાબહેને ગાંધીજીના નિવાસસ્થાનનું રખોપું કરતાંકરતાં કાંતવાનું કામ પણ શરૂ કરી દીધું! શાંતાબહેને ઈ.સ. ૧૯૪૨માં 'હિંદ છોડો'ની લડતમાં ભાગ લીધો અને જેલવાસ પણ વેઠ્યો. સંસ્કૃત ભાષામાં ઉચ્ચારો શુદ્ધ હોવાથી, શાંતાબહેનને જેલમાં રોજ પ્રાર્થના કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેલવાસીઓમાં સૌથી નાનાં શાંતાબહેનને ઓગણીસ દિવસ પછી છોડી મૂકવામાં આવ્યાં હતાં.

'ઢીંગલીઘર'ના બાળક નવધ સાથે શાંતાબહેનની સંવાદમુદ્રા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મોન્ટેસરી શિક્ષણપદ્ધતિનાં હિમાયતી શાંતાબહેને બહુકળાસંપન્ન પતિ રામકુમાર રાજપ્રિય સાથે ઈ.સ. ૧૯૬૧માં 'ઢીંગલીઘર' (૩૭, નાથાલાલ કૉલોની, સ્ટેડિયમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪) નામના બાળવિકાસ કેન્દ્રની સ્થાપના કરી હતી. આ લેખકે ૧૮-૦૩-૨૦૧૭ના રોજ 'ઢીંગલીઘર' મુકામે શાંતાબહેનની દીર્ઘ મુલાકાત લીધી હતી. તેમણે સાબરમતી આશ્રમથી માંડીને ઢાકા-મધુબની આશ્રમ અને રાજેન્દ્ર પ્રસાદથી માંડીને જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવો સાથેનાં સંભારણાં કહ્યાં હતાં. શાંતાબહેન રાજપ્રિય બરાબર આજે એકાણું વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. 'આપણું અમદાવાદ' તેમને જન્મદિવસનાં અભિવંદન પાઠવે છે.

'ઢીંગલીઘર'નાં સ્થાપક અને સંચાલક : શાંતાબહેન રામકુમાર રાજપ્રિય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
……………………………………………………………………………………………
સૌજન્ય :


ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર




સૌજન્ય :

ગાંધીજીના તંબુનાં રખેવાળ શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

Monday, February 27, 2017

'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

પ્રસન્ન મુદ્રામાં રણછોડભાઈ પુરાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રણછોડભાઈ હરિલાલ પુરાણી (જન્મ : ૨૧-૦૭-૧૯૨૪, અમદાવાદ) ગાંધીજીવી કળાકાર છે. સાદગીપૂર્ણ જીવન અને કલાપૂર્ણ કવન ધરાવતાં રણછોડ પુરાણી આખા અમદાવાદમાં પગપાળા ફર્યા છે. તેઓ સાબરમતી નદીનાં પાણી-રેતીમાંથી સોંસરવા પસાર થયા છે. તેમણે 'મજૂર મહાજન સંઘ'ની પ્રવૃત્તિઓને નાનપણથી અને નજીકથી જોઈ છે. રણછોડભાઈના તંદુરસ્ત અને સક્રિય જીવનમાં 'સેવાદળ'નાં સંસ્કાર, શિસ્ત, અને તાલીમનો ફાળો મહત્વનો છે. 'સૂતરના તાંતણે સ્વરાજ'ના એ જમાનાની અસર અને સ્વીકૃતિના કારણે તેમણે ખાદીનાં કપડાં આજીવન પહેર્યાં છે. રણછોડભાઈએ નાનપણમાં, ગાંધીજીના પ્રથમ વખત દર્શન કર્યા હતા. તેમણે ચૌદ વર્ષની વયે, ઈ.સ. ૧૯૩૮માં 'હરિપુરા કૉંગ્રેસ'માં સ્વયંસેવક તરીકે ભાગ લીધો હતો. આ લેખકે ૧૭-૦૨-૨૦૧૭ના દિવસે, દીર્ઘાયુ રણછોડભાઈની સુદીર્ઘ મુલાકાત અને તસવીરો લીધી તે દિવસે તેમને શુક્રવારનો ઉપવાસ હતો. આ શુક્રવારીય ઉપવાસની શરૂઆત ૩૦-૦૧-૧૯૪૮ના એ શુક્રવારથી થઈ હતી! તેમણે એ સાંજે ગાંધીજીની હત્યાના સમાચાર રેડિયો ઉપર સાંભળ્યા. રાષ્ટ્રપિતાની અણધારી વિદાયના આઘાતમાં સરી ગયેલા રણછોડભાઈએ, એ રાત્રે ભોજનનો ત્યાગ કર્યો. એ પછી તો પ્રત્યેક શુક્રવારે તેમણે ઉપવાસ કરવાનો ચુસ્ત અમલ કર્યો. પ્રસંગ, પ્રવાસ, માંદગી હોય તોપણ તેઓ છેલ્લાં સિત્તેર વર્ષથી નિયમિતપણે દર શુક્રવારે ઉપવાસ કરે છે!

'દુબલે કાજી'ના સર્જક રણછોડભાઈ પુરાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


રણછોડભાઈને ઇંદુમતી શેઠ તરફથી પ્રોત્સાહન, રવિશંકર રાવળ તરફથી તાલીમ, રસિકલાલ પરીખ તરફથી માર્ગદર્શન, છગનલાલ જાદવ તરફથી પ્રેરણા મળ્યાં છે. તેમણે અંદાજે દસેક હજાર જેટલાં સર્જનાત્મક ચિત્રો રચ્યાં છે. જેમાં મુખ્યત્વે કટાક્ષચિત્રો ઉપરાંત ઠઠ્ઠાચિત્રો, વાર્તાચિત્રો, અને મુખપૃષ્ઠચિત્રોનો સમાવેશ થાય છે. પુરાણીનાં ચિત્રો વિવિધ દૈનિકો, સામયિકો, પુસ્તકોમાં પ્રસિદ્ધ થયાં છે. કટાક્ષચિત્રોની દુનિયામાં રણછોડભાઈનું નોંધપાત્ર પ્રદાન એટલે તેમણે સર્જેલું 'દુબલે કાજી'નું પાત્ર. એ વખતમાં 'દુબલે કાજી'ના નામથી અને 'પુરાણી'ના હસ્તાક્ષરથી પ્રગટ થતાં એ પૉકેટ કાર્ટૂન્સ ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. રણછોડ પુરાણીએ દોરેલાં કટાક્ષચિત્રો આંતરરાષ્ટ્રીય પ્રકાશનમાં સ્થાન પામ્યાં છે, પરંતુ ઘરઆંગણે તેમને ધોરણસરની પ્રસિદ્ધિ કે પુરસ્કારો મળ્યાં નથી! દીકરાઓ-દીકરી સાથે, '૧૬૯૪, સિદ્ધાર્થ ચોક, રાયખડ, અમદાવાદ' મુકામે રહેતાં, ત્રાણું વર્ષીય રણછોડદાદા સ્વસ્થ, પ્રસન્ન અને અનાસક્ત છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર

Sunday, January 29, 2017

ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

બાળપણના એ શિયાળુ દિવસો ગલૂડિયાં રમાડવાના હતા. સસલાના કારણે કૂતરાએ ઊભી પૂંછડીએ મૂકેલી દોટના કારણે અસ્તિત્વમાં આવેલા અમદાવાદમાં, ગલૂડિયાં રમાડવાનો સમય અને અવકાશ બન્ને હતા. કૂતરીના ઊપસી આવેલા પેટથી એટલી ખબર પડતી કે, તેમાં બચ્ચાં છે. કૂતરી 'માતા' બની છે એ ખબર સાંભળીને 'માનવ-બચ્ચાં' હરખાઈ જતાં. પતરાં કે ખાટલાની કામચલાઉ આડશ કરવામાં આવતી અને ગાભા-ગોદડી કે કંતાન-મીણિયાંથી કૂતરી અને કુરકુરિયાંનું રક્ષણ કરવામાં આવતું. ખડકી-પોળ, શેરી-ચાલી, મહોલ્લા-સોસાયટીના કિશોરો સીધુંસામાન કે રોકડનાણું ઉઘરાવીને ગોળ-ઘી-લોટ-બળતણની વ્યવસ્થા કરતાં. કૂતરી માટે કોઈના ઘરે કે જાહેર ખૂણે શીરો બનાવવામાં આવતો. શીરો શક્ય ન હોય તો દૂધમાં રોટલી ચોળીને આપવામાં આવતી.


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

બાળકો ગલૂડિયાંની સંખ્યા ગણતાં અને પ્રાથમિક આંક પાકા કરતાં! તેઓ ગલૂડિયાં વહેંચી લેતાં અને એનું નામકરણ કરતાં. સૌથી જબરું બાળક સૌથી ભફલા ગલૂડિયાની પસંદગી કરી લે. દરેક બાળક પોતાના ભાગે આવેલા ભટોળિયાની વિશેષ કાળજી લે. ભટૂરિયું કૂતરીને બરાબર ધાવી શકે એ માટે એને યોગ્ય ઠેકાણે ગોઠવે. ભોટીલાંની આંખો ક્યારે ખૂલશે એની બાળકો કાગડોળે રાહ જોતાં. બીજાં કૂતરાંથી ગલૂડિયાંને બચાવવા માટે બાળટોળી સજાગ રહેતી. મસ્તીખોર બાળકો ગલૂડિયાંને પૂંછડીથી પણ ઊંચકે! પરિણામે, ગલૂડિયું તીણી ચીસ પાડે અને કૂતરી દોડતી આવે. બધાં બાળકો દોડીને કોઈના પણ ઘરમાં ભરાઈ જાય. જૂની પેઢીનાં બાળકોને ગલૂડિયાં રમાડવાનો ચેપ લાગતો હતો. આજની પેઢીનાં બાળકોને કૂતરાંનાં જંતુઓનો ચેપ લાગી જશે એવી ભીતિ તેમનાં માતા-પિતાને ટેલીવિઝનના પડદા ઉપર આવતી જાહેરખબરોને કારણે લાગ્યાં કરે છે. અમદાવાદનાં બહુમાળી મકાનોમાં ગોઠવાઈ ગયેલાં બાળકો ગલૂડિયાંથી અને બચપણથી દૂર થઈ રહ્યાં છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૧-૨૦૧૭, રવિવાર