અશ્વિનકુમાર,
વ્યાખ્યાતા, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
વ્યાખ્યાતા, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-------------------------------------------------------------------------------------------------------
ડૉ. ચંદ્રકાન્ત મહેતા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
અમે ઈ.સ. ૧૯૯૩-૧૯૯૪ અને ૧૯૯૪-૧૯૯૫ના વર્ષગાળામાં પત્રકારત્વનો સ્નાતક(બી.સી.જે.પી.) અને અનુસ્નાતક(એમ.જે.એસ.) અભ્યાસ કરતા હતા. એ વખતે ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના ઉપલા માળે, સવારની પાળીમાં પત્રકારત્વના વર્ગો ચાલતા હતા. અમે સમાજ બદલી નાખવાની સમજથી પત્રકારત્વ ભણી રહ્યા હતા. ડૉ.ચંદ્રકાન્ત મહેતા પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક અને વડા હતા.આથી, અમને મહેતાસાહેબના વિદ્યાર્થી બનવાનું સદ્દભાગ્ય મળ્યું હતું.
મહેતાસાહેબ એટલે પૂર્ણ સમયના સ્મિતસભર શિક્ષક. શિક્ષકો હોઠનો ઉપયોગ મુખ્યત્વે શબ્દો ફટકારવામાં કરે છે, સ્મિત ફરકાવવામાં નહીં. ચંદ્રકાન્તભાઈનો કિસ્સો તો એટલો અજોડ કે એમના હોઠમાંથી પહેલાં સ્મિત અને પછી જ શબ્દો નીકળે. ગમે ત્યાં,ગમે ત્યારે મળે તેઓ સ્મિતભાષી જ હોય. તેઓ કેવળ-નિર્મળ સ્મિતથી વિદ્યાર્થી-અંતર ઘટાડી દે, વિદ્યારસ વધારી દે. તમે ગમે તેટલા કુશળ અને સજાગ છબીકાર હોવ તોપણ મહેતાસાહેબના ગુસ્સાભર્યા ચહેરાની તસવીર ઝડપવામાં તમે રોજેરોજ નિષ્ફળ જવાના!
મહેતાસાહેબ એટલે પૂર્ણ સમયના સ્મિતસભર શિક્ષક. શિક્ષકો હોઠનો ઉપયોગ મુખ્યત્વે શબ્દો ફટકારવામાં કરે છે, સ્મિત ફરકાવવામાં નહીં. ચંદ્રકાન્તભાઈનો કિસ્સો તો એટલો અજોડ કે એમના હોઠમાંથી પહેલાં સ્મિત અને પછી જ શબ્દો નીકળે. ગમે ત્યાં,ગમે ત્યારે મળે તેઓ સ્મિતભાષી જ હોય. તેઓ કેવળ-નિર્મળ સ્મિતથી વિદ્યાર્થી-અંતર ઘટાડી દે, વિદ્યારસ વધારી દે. તમે ગમે તેટલા કુશળ અને સજાગ છબીકાર હોવ તોપણ મહેતાસાહેબના ગુસ્સાભર્યા ચહેરાની તસવીર ઝડપવામાં તમે રોજેરોજ નિષ્ફળ જવાના!
ચંદ્રકાન્ત મહેતા પૂર્વ-તૈયારી અને પૂર્ણ-તૈયારી કરીને જ વર્ગમાં આવે. તેમનું વ્યાખ્યાન નબળું ન હોય અને તેઓ કોઈના વિશે નબળું બોલે નહીં. તેમની પાસે અસ્ખલિત વાક્ધારા અને અદ્દભુત ભાષાપ્રવાહ છે. તેઓ ગુજરાતી ભાષામાં માંડણી કરે અને હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષામાં છાંટણી પણ કરે. અવતરણો અને ઉદાહરણોનો છૂટથી ઉપયોગ કરે. ઉપમા-અલંકાર ઊભાં કરે અને શબ્દપ્રાસ બેસાડે. રમૂજ કરી જાણે અને ગાંભીર્ય જાળવી રાખે. તેઓ હળવું વાતાવરણ ચોક્કસ ઊભું કરે પણ તેમને કોઈ હળવાશથી લે એવું ન બને. તેમના વર્ગમાં ટાંકણીપાત-શ્રવણક્ષમ શાન્તિ (પિનડ્રોપ સાયલન્સ) છવાયેલી રહે! મહેતાસાહેબની ઉચ્ચારશુદ્ધિ ઊડીને કાનને વળગે અને આચારશુદ્ધિ ઊઠીને હૃદયને સ્પર્શે.
પત્રકારત્વનું શિક્ષણ એમને મન સવારના આઠથી બપોરના એકનો સમયાકાર નહોતો, પણ ચોવીસ અને સાતનો ગુણાકાર હતો. આમ, વિદ્યાર્થીઓ સતત શીખતાં રહે એના માટે તેઓ પ્રયત્નશીલ રહેતા હતા. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગને તેઓ નિતનવા કાર્યક્રમોથી ભર્યોભર્યો રાખે. મોટા ભાગે પ્રાંગણ-પ્રદેશના અને ક્યારેક દેશ-વિદેશના વિદ્વાનોને વિભાગ અને વિદ્યાર્થીઓ સુધી લઈ આવે. તેમનો પરિચય કરાવે. સામાન્ય વાતચીતથી માંડીને સઘન ચર્ચાસભા પણ ગોઠવે.
ડૉ. ચંદ્રકાન્ત મહેતા પત્રકારત્વનો ઇતિહાસ, પત્રકારત્વના સિદ્ધાંતો, સંશોધન-પદ્ધતિ, માધ્યમો સંબંધી કાયદા અને આચારસંહિતા ... ભણાવે. તેઓ ક્યારેક વિષયાંતર કરે પણ પત્રકારત્વના ક્ષેત્રની બહાર ન જાય. તેઓ અભ્યાસક્રમ પૂરો કરે પણ પતાવે નહીં! શ્વેતકણ-દંડિકા(ચોક) અને ભૂંસણિયું(ડસ્તર) ખપ-પૂરતાં જ વાપરે. પણ તેમના સ્પષ્ટ અને સુરેખ અક્ષરો અમારા માનસપટ ઉપર બરાબર અંકાઈ ગયા છે. તેઓ વિષયચર્ચા કરે, સાથેસાથે નોંધલેખન કરાવે. વિદ્યાર્થીઓ આગળ માહિતી અને જ્ઞાન, સમજણ અને શિક્ષણ ઠાલવી દે. વર્ગમાં વાચનની વિશેષ વાત કરે, વિશેષ વાચનની વાત કરે.
અમને મહેતાસાહેબના સંવેદનપૂર્ણ વ્યક્તિત્વનો પણ અનુભવ થયો છે. એક સવારે તેઓ વર્ગમાં પત્રકારની ફરજ-નિષ્ઠા વિશે ભણાવી રહ્યા હતા. તેમણે ફ્રાંસમાં સલામતી-રક્ષકો અને બળવાખોરો વચ્ચે ચાલતી અથડામણોનો આંખે દેખ્યો હેવાલ લેવા ગયેલા મેથ્યુ ડેન્જલર નામના પત્રકારનો કિસ્સો કહ્યો હતો. ત્યાં સામસામા ગોળીબારનું જીવંત વૃત્તાંત લેતી વેળાએ એક ગોળી મેથ્યુ ડેન્જલરની છાતીને વીંધી નાખે છે. એટલામાં લશ્કરી દાક્તર આવી પહોંચે છે. તેઓ જમીન ઉપર ઢળી પડેલા મેથ્યુને ઇસ્પિતાલમાં પહોંચાડવાનું સૂચન કરે છે. મેથ્યુ કહે છે કે મારાથી હમણાં ત્યાં નહીં જવાય, કારણ કે મેં મારો હેવાલ હજી પૂરો કર્યો નથી. મેથ્યુ અધૂરા હેવાલવાળો કાગળ દાક્તરના હાથમાં મૂકીને આગળ લખાવવાનું શરૂ કરે છે : "ગોળીબારથી ચાર માણસોને ઈજા થઈ છે અને એક માણસનું મૃત્યુ થયું છે!" દાક્તરને એ તો ખબર હતી કે ચાર માણસો ઘવાયા છે પણ હજી સુધી મૃત્યુ તો કોઈનુંય નથી થયું. તેઓ મેથ્યુને પૂછે છે : મૃત્યુ? કોનું મૃત્યુ થયું?" મેથ્યુ દાક્તરને જવાબ આપે છે : "પત્રકાર મેથ્યુ ડેન્જલરનું!" અને બીજી જ ક્ષણે મેથ્યુ મોતને ભેટે છે! આ રીતે જોખમથી ભરેલા પત્રકારત્વને ખેડનાર મેથ્યુ ડેન્જલરની ફરજ-નિષ્ઠાનું આબેહૂબ વર્ણન કરતાં, મહેતાસાહેબની આંખોના ભીના થયેલા ખૂણા, વર્ગના ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓથી પણ છાના નહોતા રહ્યા!
હું ચંદ્રકાન્તભાઈ મહેતાની નિખાલસતાનો પણ સાક્ષી બન્યો છું. એમણે લખેલા પુસ્તક 'પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યયન'માં એવો ઉલ્લેખ છે કે, ૨૬-૦૧-૧૭૮૦ના યાદગાર દિવસે જેમ્સ ઓગસ્ટસ હિકીએ 'બેંગોલ ગેઝેટ'નો આરંભ કર્યો હતો. મેં મહેતાસાહેબનું ધ્યાન દોર્યું કે 'બેંગોલ ગેઝેટ'ની પ્રારંભ-તારીખ ૨૬-૦૧-૧૭૮૦ નહીં, પણ ૨૯-૦૧-૧૭૮૦ છે. એમણે પુસ્તકની આ છાપભૂલનો સહજભાવે સ્વીકાર કર્યો, એટલું જ નહીં એક વિદ્યાર્થી તરીકે મેં દાખવેલી ચીવટ-ચોકસાઈ અંગે શાબાશી પણ આપી.
મહેતાસાહેબ અમારા શિક્ષક હોવાનો ભાર અમને નથી લાગ્યો. અમારો ભાર પણ એમને નહીં જ લાગ્યો હોય!તેમના વર્ગખંડમાં વિદ્યાર્થી સમયસર પહોંચી જાય પણ તેમના કાર્યાલયમાં વિદ્યાર્થી ગમે ત્યારે જઈ શકે. વિદ્યાર્થીઓ એમને આજે પણ એટલા માટે સંભારે છે કે તેઓ વિદ્યાર્થીઓને સાંભળતા અને સંભાળતા રહ્યા છે. ચંદ્રકાન્તભાઈ એટલે મધ્ય રાત્રિના ચંદ્ર જેવા શીતળ; ભર બપોરના સૂર્ય જેવા આકરા નહીં! તેઓ વિદ્યાર્થીઓને આજીવન ઉત્સાહ વહેંચતા રહ્યા છે અને નિરંતર પ્રોત્સાહન આપતા રહ્યા છે. વિદ્યાર્થીઓને નિસ્વાર્થભાવે કેમ ચાહવા એ મહેતાસાહેબ પાસેથી શીખવા જેવું છે.
-------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------
સૌજન્ય :
લેખ-શીર્ષક : સ્વર્ગ કેવળ વસે છે વર્ગમાં
પુસ્તક : ' 'ડૉ.ચંદ્રકાંત મહેતા : એક પ્રગટ સારસ્વત' અભિનંદન-ગ્રંથ '
સંપાદક : પ્રવીણ લહેરી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રકાશક : ડૉ.ચંદ્રકાંત મહેતા સન્માન સમિતિ, અમદાવાદ
પુસ્તક : ' 'ડૉ.ચંદ્રકાંત મહેતા : એક પ્રગટ સારસ્વત' અભિનંદન-ગ્રંથ '
સંપાદક : પ્રવીણ લહેરી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રકાશક : ડૉ.ચંદ્રકાંત મહેતા સન્માન સમિતિ, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, એપ્રિલ, ૨૦૧૧
પૃષ્ઠ : ૧૧૮- ૧૧૯
પૃષ્ઠ : ૧૧૮- ૧૧૯
No comments:
Post a Comment