ગુજરાતીમાં કેવળ એક જ 'સંઘર્ષ' ભલે કરો, પરંતુ અંગ્રેજીમાં 'struggle' અને 'conflict' અલગ છે!
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, April 30, 2013
Monday, April 29, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 500
આપણે એવું બોલીએ-સાંભળીએ-લખીએ-વાંચીએ છીએ કે, 'સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે.'
આ પ્રકારે સામાન્યીકરણ કરીને કહી શકાય કે, 'પુરુષ જ પુરુષનો દુશ્મન છે!' વળી, આવું જાણીને મોટાભાગના પુરુષોને માઠું લાગી શકે. કારણ કે સાર્વત્રિક છાપ એવી છે કે 'પુરુષ સ્ત્રીઓનો દુશ્મન છે!'
આ ચર્ચાનો સાર એટલો જ કે, આવાં કોઈપણ પાયાવિહીન નિવેદનો કરીને પોતાની અંગત અક્કલનું જાહેર પ્રદર્શન ન કરવું!
ભાષાની મજા, મજાની ભાષા - 499
સ્ત્રીને 'પુરુષ-સમોવડી' કહી દેવી એટલે સ્ત્રીને પુરુષ કરતાં આગળ-ઉપર જતી રોકવી ?!
ભાષાની મજા, મજાની ભાષા - 496
તમે સ્રી હો કે પુરુષ, કેશસહિત હો કે કેશવિહીન, બ્રાહ્મણ હો કે અબ્રાહ્મણ, વૃત્તાંત-નિવેદક હો કે પ્રત-સંપાદક, પરંતુ 'બોડી બામણીનું ખેતર' જેવો શબ્દ-પ્રયોગ ટાળો તો સારું!
Sunday, April 28, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 495
તમે પ્રત-સંપાદક(કોપી એડિટર) છો તો જોઈ શકશો કે,
નીચેનાં શીર્ષક અને સૌજન્ય એકસાથે મૂકવાથી ગેરસમજ થાય એમ છે :
રાજધાનીમાં ધોળા દિવસે સ્વરૂપવાન યુવતીની જાહેરમાં છેડતી
(અમારા વિશેષ સંવાદદાતા દ્વારા)
(અમારા વિશેષ સંવાદદાતા દ્વારા)
ભાષાની મજા, મજાની ભાષા - 494
તમારી પ્રતમાં ' ઘેરા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે ... ' એવું છાસવારે આવે તો તમારી લખાણ-તાકાત અંગે પણ એવું માનવું કે ' ઘેરા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે ... ' !
ભાષાની મજા, મજાની ભાષા - 493
તમે બિનસત્તાવાર ખબરપત્રી હોવ તો પણ આવું ન લખો : ' બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ... '
ભાષાની મજા, મજાની ભાષા - 492
વૃત્તાંત-નિવેદન(રિપોર્ટિંગ)ને આ વાક્ય-પ્રયોગથી બચાવવું : ' લોકમુખેથી ચર્ચાઈ રહ્યું છે ...'
ભાષાની મજા, મજાની ભાષા - 491
સમાચાર હોય કે હેવાલ, રૂપક કોય કે લેખ, આ વાક્ય ન જ લખવું : ' વાચકો તો આ નહીં જ જાણતા હોય ...'
Saturday, April 27, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 489
એક જ શબ્દના અક્ષરો વચ્ચે ઘણી બધી જગ્યા છૂટે તો 'લા જલ જા મણી' વંચાય, જે ખરેખર હોય 'લાજલજામણી' !
ભાષાની મજા, મજાની ભાષા - 488
એક જ શબ્દમાં બે અક્ષરો વચ્ચે થોડી પણ જગ્યા છૂટી જાય તો 'પરાગરજ' છેવટે 'પરા ગરજ'માં પરિણમે!
ભાષાની મજા, મજાની ભાષા - 487
'પાટણનાં પટોળાં કાયમ માટે નામશેષ થઈ જાય એ પહેલાં એને બચાવવાની જરૂર છે.'
'પાટણનાં પ ટોળાં કાયમ માટે નામશેષ થઈ જાય એ પહેલાં એને બચાવવાની જરૂર છે.' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 486
'પરવાનગી સિવાય છાત્રાલયના રસોઈઘરમાં દાખલ થવું નહીં.'
'પર વાનગી સિવાય છાત્રાલયના રસોઈઘરમાં દાખલ થવું નહીં.' (!)
Friday, April 26, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 484
'ભદ્રાયુ વછરાજાની' લખવા-બોલવામાં સાવધ ન રહો તો 'ભદ્રા યુ. વછરાજાની' થઈ જાય!
આ કોઈ રમૂજ નથી, પણ ભદ્રાયુભાઈને થયેલો અનુભવ છે, જે અમે એમના સગા મોઢે સાંભળેલો છે!
ભાષાની મજા, મજાની ભાષા - 483
સાચું શું?
'આંસું' કે 'આંસુ'?
જવાબ : 'આંસુ'
યાદ કેમ રાખવું? :
'આંસુ' શેમાંથી નીકળે?
'આંખ'માંથી
'આંખ'માં કેટલા અનુસ્વાર આવે?
કેવળ એક જ
તો પછી 'આંસુ'માં પણ 'આંખ'ની માફક એક જ અનુસ્વાર આવે એવું યાદ રાખવું!
ભાષાની મજા, મજાની ભાષા - 482
મસા : શરીરમાં થતું એક એવું દરદ, જેમાં હરખનાં નહીં, પણ હરસનાં આંસુ આવે!
મ. સા. : આપણાં દૈનિકોમાં મુખ્યત્વે જૈન 'મહારાજ સાહેબ' માટે વપરાતો મિતાક્ષર
ભાષાની મજા, મજાની ભાષા - 481
નેહા : આપણા પ્રદેશમાં જોવા મળતું કોઈ છોકરીનું નામ
ને. હા. : આપણા દેશમાં 'નેશનલ હાઈ-વે' માટે વપરાતો મિતાક્ષર!
Thursday, April 25, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 480
'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્રપતિ' લખતી વખતે ગોટાળો ન થઈ જાય એનું ધ્યાન રાખવું!
ભાષાની મજા, મજાની ભાષા - 478
દા.ત. : 'અમૃત મહોત્સવ', 'શતાબ્દી', 'સવાસો', 'સાર્ધ-શતાબ્દી' ... વગેરે
ભાષાની મજા, મજાની ભાષા - 477
બધા જયંતીઓ જુદા-જુદા છે, એમ બધી જયંતીઓ પણ જુદી-જુદી છે!
દા.ત. : 'રજત', 'સુવર્ણ', હીરક' ... વગેરે
ભાષાની મજા, મજાની ભાષા - 476
'પર' અને 'ઉપર'નો અર્થ એક જ થાય છે.
આથી, 'પર'ની જગ્યાએ 'ઉપર' વાપરીએ તો 'બાવન' પ્રકારની ગેરસમજ નહીં થાય!
Wednesday, April 24, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 471
'મા ફી આપે તો જ એ છોકરો ભણી શકે એમ છે.'
'માફી આપે તો જ એ છોકરો ભણી શકે એમ છે.' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 468
રસોઈઘરના આવશ્યક અંગ એવા 'Gas-cylinder' માટે ગુજરાતી શબ્દ 'વાયુ-કોઠી' ચલણી બનાવી શકાય?
'Gas cylinder'નું ગુજરાતી 'વાયુ કોઠી' કરવામાં ક્યાંય ભાવ-વધારો નડતો નથી!
ભાષાની મજા, મજાની ભાષા - 467
રસોડામાં વપરાતા 'Lighter' માટે ગુજરાતી શબ્દ 'તિખારિયું' કે 'તણખામંડળ' ચલણી બનાવી શકાય?
Monday, April 22, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 463
ધ્યાન ન આપીએ માછલીનો શિકાર કરવાનું કામ 'બગલો' નહીં, પણ 'બંગલો' કરવા માંડે!
ભાષાની મજા, મજાની ભાષા - 461
ધ્યાન ન આપીએ 'દુકાળમાં અધિક માસ'ની જગ્યાએ 'દુકાળમાં અધિક માંસ' મળવા માંડે!
Sunday, April 21, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 460
'અહીં વાહનોનાં પંક્ચર થાય છે.'
'આ ભાઈ વાહનોનાં પંક્ચર કરે છે કે વાહનોનાં પંક્ચર સાંધે છે?!'
ભાષાની મજા, મજાની ભાષા - 459
'સ્ફોટક' છાપ માથાના દુખાવાની ગોળી લો.
આ ગોળીથી કોઈ ફેર ન પણ પડે, તમારે માથાના દુખાવાની ગોળી નહીં, પણ માથાનો દુખાવો મટાડે એવી ગોળી લેવી પડે!
ભાષાની મજા, મજાની ભાષા - 458
જાહેરખબરનું એક વાક્ય આ પ્રમાણે હતું :
'અઠ્ઠાવીસ દિવસમાં વજનમાં 100 % નો ઘટાડો'
આનો અર્થ તો એ થયો કે, અઠ્ઠાવીસ દિવસમાં સો ટકા વજન ઘટે તો તમારું વજન છેવટે શૂન્ય થઈ જાય!
ભાષાની મજા, મજાની ભાષા - 457
'લાંબા, કાળા, મુલાયમ વાળ માટે 'સાબર'નું તેલ વાપરો!'
તા. ક. : ઉપરનું વાક્ય ધ્યાનથી વાંચો. આ તેલ જેમના વાળ 'લાંબા, કાળા, મુલાયમ' હોય તેમના માટે જ છે!
ભાષાની મજા, મજાની ભાષા - 456
આંકડાનો ગુણાકાર થાય, પરંતુ શબ્દોનો ગુણાકાર થાય?
હા ભાઈ હા, આપણાં દૈનિકોમાં પ્રગટ થતી ટચૂકડી જાહેરખબરોમાં 'જા.* ખ.' એટલે કે 'જા. ગુણ્યા ખ.' લખ્યું હોય છે!
Saturday, April 20, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 455
વાત ભલે સામાન્ય લાગે, પણ આપણાં સમાચારપત્રોને 'બરફવર્ષા'ની જગ્યાએ 'હિમવર્ષા' વધુ માફક આવે છે અને આપણને 'હિમનો ગોળો' નહીં, પણ 'બરફનો ગોળો' જ વધારે પસંદ પડે છે!
ભાષાની મજા, મજાની ભાષા - 454
'શૈલેશથી ઠંડી સહન થતી નથી.'
'આ બાબત ચિંતાજનક છે!' કારણ કે, સંસ્કૃત ભાષામાં 'શૈલેશ' એટલે 'હિમાલય'!
ભાષાની મજા, મજાની ભાષા - 452
સાચું શીર્ષક કયું?
'દસ દુકાનોનાં એકસાથે તાળાં તૂટ્યાં'
'એકસાથે દસ દુકાનોનાં તાળાં તૂટ્યાં'
Friday, April 19, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 447
એમની પાસે 'બે તાળાં' હતાં, પણ 'બેતાળાં' નહોતાં એટલે ઘરનાં બારણાં બરાબર બંધ ન થયાં !
Thursday, April 18, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 444
'અહીં ધૂમ્રપાન કરવું નહીં.કરનાર સામે કાનૂની પગલાં લેવામાં આવશે.'
'અહીં ધૂમ્રપાન કરવું.નહીં કરનાર સામે કાનૂની પગલાં લેવામાં આવશે.' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 442
'લડવૈયાઓનું સપનું હતું કે, આઝાદી મળ્યા પછી આ દેશમાં કોઈ નાગો-ભૂખ્યો નહીં રહે.'
'લડવૈયાઓનું સપનું હતું કે, આઝાદી મળ્યા પછી આ દેશમાં કોઈ નાગો ભૂખ્યો નહીં રહે.' (!)
Wednesday, April 17, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 440
એક જ કાનો ઉમેરો અને અર્થના અનર્થનું જીવંત પ્રસારણ નિહાળો !
'તેઓ ઘરે લંચ લેતા નથી.'
'તેઓ ઘરે લાંચ લેતા નથી.' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 439
'કામના' : શબ્દ એક, અર્થ બે !
'તમે કંઈ કામના નથી'
'તમારી કોઈ કામના નથી' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 437
'હાય' : અંગ્રેજીમાં એક વખત કરો તો આનંદ થાય; ગુજરાતીમાં બે વખત કરો તો આઘાત થાય !
ભાષાની મજા, મજાની ભાષા - 436
'પ્રવર'નો એક અર્થ 'મુખ્ય; શ્રેષ્ઠ' છે.વળી, કોઈ વિશેષ કામ માટે નિમાતી સમિતિ 'પ્રવર સમિતિ' તરીકે ઓળખાય છે.
'પ્રવર'નો બીજો અર્થ 'ગોત્રમાં થયેલો શ્રેષ્ઠ પુરુષ' છે.
ભાષાની મજા, મજાની ભાષા - 434
'પ્રણવ' અને 'પ્રવણ' લખતી વખતે ચીવટ રાખવી!
'પ્રણવ' એટલે 'ઓમકાર'.
'પ્રવણ'નો એક અર્થ 'નમ્ર' થાય છે.
'પ્રવણ'નો બીજો અર્થ 'આસક્ત' થાય છે.
'પ્રવણ'નો બીજો અર્થ 'આસક્ત' થાય છે.
ભાષાની મજા, મજાની ભાષા - 433
'પ્રણય'નો એક અર્થ 'પ્રેમ' થાય છે!
'પ્રણય'નો બીજો અર્થ 'નમ્ર વિનંતી' થાય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 431
સાચી જોડણી કઈ?
'વિનંતિ' કે 'વિનંતી'?
બન્ને જોડણી સાચી છે!
બન્ને જોડણી સાચી છે!
'વિનંતિ' એકથી વધારે હોઈ શકે એવું સ્વીકારવા તમને 'વિનંતી' છે !
Tuesday, April 16, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 426
આપણે ત્યાં એકસરખાં નામના કારણે પહેલાં પૂછી લેવું કે, તમે કયા 'ભોળાભાઈ પટેલ'ની વાત કરો છે?!
ભાષાની મજા, મજાની ભાષા - 424
'નગીનદાસ સંઘવી' તો ખરા? પણ કયા? નગીનદાસ સંઘવી નામની બે અલગ-અલગ અને છતાં ક્ષેત્ર-ભિન્ન વ્યક્તિઓ છે?
ભાષાની મજા, મજાની ભાષા - 422
" વાક્યના અંતે જે 'ને' આવે તે એની પહેલાના શબ્દની સાથે લખાય કે અલગ લખાય? "
" 'ને' અલગ જ લખાય ને."
" મેં કહ્યું હતું ને ? " (!)
ભાષાની મજા, મજાની ભાષા - 420
'હજી' સાચું કે 'હજુ'?
બન્ને શબ્દો સાચા છે!
ભાષાની મજા, મજાની ભાષા - 416
ગુજરાતમાં 'વસંત પરીખ' નામની એક નહીં પણ બે વ્યક્તિઓ તેમનાં જીવન-કવનથી વિખ્યાત છે.
ભાષાની મજા, મજાની ભાષા - 415
ગમે તેવો આરોપ હોય તો પણ, સમૂહ માધ્યમોમાં 'સગીર' વયની વ્યક્તિનાં નામ-ઓળખ ન જાહેર કરો તો સારું.
ભાષાની મજા, મજાની ભાષા - 414
કેટલીક સમાચાર-સામગ્રીમાં આરોપીની જગ્યાએ ભૂલથી 'ગુનેગારની ધરપકડ' થાય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 411
એક જ કાનો હાજર નહીં રહે તો આરોપી 'જામીન' ઉપર નહીં છૂટે, પણ 'જમીન' ઉપર છૂટશે !
ભાષાની મજા, મજાની ભાષા - 410
'જજો'ના 'બંગલાઓ' ન જ લખવું. 'જજીસ બંગ્લોઝ' લખો તો સારું. 'ન્યાયાધીશ-નિવાસ' પણ લખી શકાય !
ભાષાની મજા, મજાની ભાષા - 409
'જજ'નું બહુવચન 'જજો' ન કરાય!
'જજીસ' લખો તો સારું અને 'ન્યાયાધીશો' લખો તો વધારે સારું!
ભાષાની મજા, મજાની ભાષા - 404
સૂર્ય ભલે એક જ હોય પણ 'પ્રકાશ' ભિન્ન-ભિન્ન હોવાના !
દા.ત. :
પ્રકાશ સી. શાહ
પ્રકાશ કે. શાહ
પ્રકાશ ન. શાહ
ભાષાની મજા, મજાની ભાષા - 403
આપણા ઇતિહાસમાં કેવળ એક જ 'ગંગાબહેન' નથી.
ઉદાહરણ તરીકે,
ગંગાબહેન મઝમુદાર
ગંગાબહેન વૈદ્ય ભાષાની મજા, મજાની ભાષા - 401
'મૌલાના અબુલ કલામ આઝાદ' અને 'એ.પી.જે અબ્દુલ કલામ' : આ બન્ને નામ ચીવટપૂર્વક લખવાં.કેટલીક વાર સરતચૂકથી 'મૌલાના અબ્દુલ કલામ આઝાદ' અને 'એ.પી.જે અબુલ કલામ' જેવાં નામ પણ નજરે ચઢે છે!
Monday, April 15, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 400
રાજીવ ગાંધી ભારતના માજી વડાપ્રધાન હતા.
રાજીવ ગાંધી ભારતના યુવા વડાપ્રધાન હતા. (!)
ભાષાની મજા, મજાની ભાષા - 395
અગમવાણી : 'ખુદા હૈ ખુદા હૈ, ચારો ઔર ખુદા હૈ !'
અગવડવાણી : 'ખુદા હૈ ખુદા હૈ, ચારો ઔર ખુદા હૈ !'
ભાષાની મજા, મજાની ભાષા - 394
કોઈ વ્યક્તિની કોટિને નહીં , પણ તેમના વ્યક્તિત્વની કોટિને કોટિ કોટિ પ્રણામ કરો !
ભાષાની મજા, મજાની ભાષા - 393
'પવનમાં બધાં જ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં.'
'પ વનમાં બધાં જ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં.'
ભાષાની મજા, મજાની ભાષા - 391
' જે ઘરમાં બેકાર હોય તેને જ સરકારી યોજનાનો લાભ મળે.'
' જે ઘરમાં બે કાર હોય તેને જ સરકારી યોજનાનો લાભ મળે.' (!)
Sunday, April 14, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 389
હિંદીમાંથી ગુજરાતીમાં સીધેસીધું નહીં, પણ સાચું ભાષાંતર શું કરશો ? : 'સર્વ શિક્ષા અભિયાન' કે 'સર્વ શિક્ષણ અભિયાન'?!
ભાષાની મજા, મજાની ભાષા - 383
તમે ઘણી બધી 'પ્રવુતિ' કરવાની જગ્યાએ કોઈ એક સારી 'પ્રવૃત્તિ' કરો તો સારું !
ભાષાની મજા, મજાની ભાષા - 382
સ્પર્ધાના નિર્ણાયક તરીકે 'વક્તુત્વ' બોલશો તો કેમ ચાલશે?
'વક્તૃત્વ' એમ ચોખ્ખું બોલો !
ભાષાની મજા, મજાની ભાષા - 381
ચાલુ કાર્યક્રમે સંચાલકને કોઈએ ચિઠ્ઠી આપી. એમાં લખ્યું હતું કે, "આવતીકાલના કાર્યક્રમ વિશે છેલ્લે ખાસ 'એલાઉન્સ' કરજો." (!)
ભાષાની મજા, મજાની ભાષા - 380
આપણી ભાષા અને સંસ્કૃતિમાંથી 'ગોધૂલિ', 'ઝાલરટાણું' અને 'દીવાવખત' જેવા શબ્દપ્રયોગો આથમી રહ્યા છે!
ભાષાની મજા, મજાની ભાષા - 379
આપણે 'લબાચો' શબ્દ જાણીએ-વાપરીએ છીએ.પરંતુ, આવો જ બીજો એક શબ્દ 'દીબાચો' છે.
'દીબાચો' એ 'પ્રસ્તાવના' માટેનો ફારસી શબ્દ છે.
'દીબાચો' એ 'પ્રસ્તાવના' માટેનો ફારસી શબ્દ છે.
ભાષાની મજા, મજાની ભાષા - 377
રસ્તા ઉપરના અકસ્માતમાં 'હિટ એન્ડ રન' જેવા અઘરા અંગ્રેજી શબ્દની જગ્યાએ 'ટક્કર અને રફુચક્કર' જેવો શબ્દપ્રયોગ વધારે અસરકારક લાગે છે!
ભાષાની મજા, મજાની ભાષા - 376
'રફુ' એટલે 'નાસી ગયેલું' કે 'પલાયન થઈ ગયેલું'.
'રફૂ' એટલે 'તૂણવું' કે 'ઘસાઈ ગયેલા કપડાને દોરા ભરવા'.
Saturday, April 13, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 374
ખૂનાખોરી(જેમ ગુનાખોરી તેમ ખૂનાખોરી!)ની સમાચાર-સામગ્રીમાં હત્યા 'નિર્મમ' જ હોય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 367
અક્ષરોની સંખ્યા એકસરખી, કાના-માત્રાની સંખ્યા એકસરખી, પણ સરતચૂક થાય તો 'તડાકો' 'તાકડો' થઈ જાય!
ભાષાની મજા, મજાની ભાષા - 364
'નરહરિ પરીખ' અને 'નરહરિ અમીન'
ભળતાં નામના કારણે, ભૂલ ન થઈ જાય એનું ધ્યાન રાખવું.
ભળતાં નામના કારણે, ભૂલ ન થઈ જાય એનું ધ્યાન રાખવું.
ભાષાની મજા, મજાની ભાષા - 365
ગફલતથી પણ 'જયપ્રકાશ નારાયણ'ની જગ્યાએ 'જયનારાયણ વ્યાસ' લખશો-બોલશો તો ક્રાંતિની સંપૂર્ણ વ્યાખ્યા બદલાઈ જશે!
ભાષાની મજા, મજાની ભાષા - 363
'નરહરિ પરીખ' : નામ એકસરખું , પણ એક (મહાત્મા) ગાંધીયુગમાં અને બીજા (ઇંદિરા) ગાંધીયુગમાં !
ભાષાની મજા, મજાની ભાષા - 362
'ઇલા'નો અર્થ ભલે 'પૃથ્વી' થાય, પરંતુ પૃથ્વીલોકમાં ઇલા ભટ્ટ ('સેવા'), ઇલા પાઠક ('અવાજ'), ઇલા મહેતા (સાહિત્યકાર), ઇલા નાયક (લેખક), ઇલા નાયક (પ્રાધ્યાપક), ઇલા જોશી (સંશોધક) નોખાં પોત અને પ્રતિભા ધરાવે છે!
ભાષાની મજા, મજાની ભાષા - 361
સંસ્કૃત ભાષામાં 'ઇલા' શબ્દનો અર્થ 'પૃથ્વી' એવો થાય છે.
જયારે, અરબીમાં 'ઇલા' અર્થાત 'ઇલાહી' એટલે 'યા ખુદા!'.
ભાષાની મજા, મજાની ભાષા - 360
કેવળ 'રવિશંકર' લખશો તો ગોટાળા થશે.કારણ કે, રવિશંકર મહારાજ, રવિશંકર રાવળ, પંડિત રવિશંકર, શ્રી શ્રી રવિશંકરનાં અસ્તિત્વ અને ઓળખ નોખાં છે!
ભાષાની મજા, મજાની ભાષા - 358
લખતી વખતે જગ્યા છોડવાની આવે ત્યારે સાવધાની રાખો :
'એમનાં જય સ્વામીનારાયણ સ્વીકારજો'
'એમનાં જયસ્વામીના રાયણ સ્વીકારજો'
Friday, April 12, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 40
What is 'GOD'? :
'G' એટલે 'Generator' (સર્જક) અર્થાત બ્રહ્મા.
'O' એટલે 'Operator' (પાલક) અર્થાત વિષ્ણુ.
'D' એટલે 'Destroyer' (સંહારક) અર્થાત મહેશ. (!!!)
ભાષાની મજા, મજાની ભાષા - 354
નોંધી રાખો : એક જોજન એટલે ચાર ગાઉ અને એક ગાઉ એટલે દોઢેક માઈલ.
આથી, એક જોજન એટલે આશરે છ માઈલ એટલે કે લગભગ દસ કિલોમિટર!
ભાષાની મજા, મજાની ભાષા - 353
યાદ રાખો : 'એક માઈલ'ની જગ્યાએ '1.6 કિલોમિટર' અથવા 'આશરે દોઢ કિલોમિટર' લખવું.
ભાષાની મજા, મજાની ભાષા - 351
વજનની વાત કરો તો,
એક પાઉંડ એટલે 38.91 રૂપિયાભારનો અંગ્રેજી તોલ.
દેશી ભાષામાં કહીએ તો એક પાઉંડ એટલે એક રતલ.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 39
જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ :
આગળથી વાંચશો તો 'GOD' ભાસશે.
પાછળથી વાંચશો તો 'DOG' ભસશે!
પાછળથી વાંચશો તો 'DOG' ભસશે!
ભાષાની મજા, મજાની ભાષા - 350
સરેરાશ વાચકોને 'એક મિલિયન' એટલે કેટલા થાય એ ખબર નહીં પડે.આથી 'એક મિલિયન'ની જગ્યાએ 'દસ લાખ' લખવું વધારે હિતાવહ છે.અમદાવાદની વસ્તી 'આશરે પાંચ મિલિયન'ની જગ્યાએ 'આશરે પચાસ લાખ' જણાવવી!
ભાષાની મજા, મજાની ભાષા - 349
આંકડામાં '50000000' ની જગ્યાએ શબ્દોમાં 'પાંચ કરોડ' લખવું.આમ કરવાથી વાચકો " એકમ, દશક, શતક, હજાર, દસ હજાર, કરોડ ... " એમ મીંડાં ગણવામાંથી બચી જશે.આ ઉપરાંત અક્ષરાંકન(કમ્પોઝિંગ) કરવામાં અનુકૂળતા રહેશે અને એકાદ મીંડું વધશે-ઘટશે નહીં.આવા કિસ્સામાં દર વખતે આ રીતે આંકડાની જગ્યાએ શબ્દોમાં લખવાથી ઘણી બધી જગ્યા અને વખત પણ બચી જશે!
ભાષાની મજા, મજાની ભાષા - 348
'અક્ષૌહિણી સેના' સેના કોને કહેવાય?
એક અક્ષૌહિણી એટલે ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ ઘોડા તથા ૧,૦૯,૩૫૦ પાયદળ - એટલી સેનાનો સમૂહ !
ભાષાની મજા, મજાની ભાષા - 346
'brother-in-law'(સાળા)ના 'father'(પિતા)ની 'daughter-in -law'(પુત્રવધૂ)ને ગુજરાતીમાં શું કહેવાય?!
'સાળાવેલી' (!)
અંગ્રેજી ભાષા, દેશી મજા : 38
'child'નું બહુવચન 'childs' ન થાય, પણ 'children' જ થાય.
ગમે એટલાં બાળકો હોય તો પણ 'children'નું બહુવચન 'childrens' ન થાય.
ઘણાં ઘણાં બાળકો હોય તો 'ચિલ્ડ્રન્સ'નું પણ બહુવચન 'ચિલ્ડ્રન્સો' કરનારા વીર બહુવચન મળી રહે છે!
ગમે એટલાં બાળકો હોય તો પણ 'children'નું બહુવચન 'childrens' ન થાય.
ઘણાં ઘણાં બાળકો હોય તો 'ચિલ્ડ્રન્સ'નું પણ બહુવચન 'ચિલ્ડ્રન્સો' કરનારા વીર બહુવચન મળી રહે છે!
Thursday, April 11, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 37
સવાલ : જેમાં એકપણ વખત 'a' ન આવતો હોય તેવા, એક હજાર અંગ્રેજી શબ્દોની યાદી બનાવવાની હોય તો તમારે કેટલો સમય લાગશે?
જવાબ : ઝાઝી વાર ન લાગે!
સાચો અને ઝડપી ઉત્તર છે : 0 અને 1 to 999!
કારણ કે, 'Zero'થી માંડીને 'Nine Hundred Ninety Nine' સુધીના આ એક હજાર શબ્દોમાં ક્યાંય 'a' શોધ્યો જડે એમ નથી!
ભાષાની મજા, મજાની ભાષા - 340
સાચો શબ્દ કયો? :
'મીડું' કે 'મીંડું'?
બન્ને શબ્દો સાચા છે. એક વખત આવે કે બે વખત આવે, મીડું મીંડું જ રહે છે !
ભાષાની મજા, મજાની ભાષા - 339
'સાથિયો' એ મંગળ રૂપ ચિહ્ણ છે. એક કાળે આપણા સમાજમાં અભણ સ્ત્રીઓ કોઈ કાગળ-પત્ર કે લખાણ-દસ્તાવેજમાં પોતાના હસ્તાક્ષરની જગ્યાએ સાથિયો એટલે કે સ્વસ્તિકની આકૃતિ કરતી હતી! આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે, અભણ પણ હોય અને વિધવા પણ હોય તેવી સ્ત્રીઓએ સાથિયો નહીં પણ મીંડું કરવું પડતું!
ભાષાની મજા, મજાની ભાષા - 335
કોણ મોટું છે? : ' બિંદુ કે રેખા ? '
'ભૂમિતિની વાત કરો તો રેખા,'
'અભિનેત્રીની વાત કરો તો બિંદુ.' (!)
તા.ક. : બિંદુ (17-01-1951) અને રેખા (10-10-1954) વચ્ચે લગભગ ચાર વર્ષનું અંતર છે!
ભાષાની મજા, મજાની ભાષા - 334
નામ હશે ટુકડામાં,
ગુણ હસે મુખડામાં!
ગુણ હસે મુખડામાં!
મોહનદાસ કરમચંદ ગાંધી
મોહ ન, દાસ કરમ, ચંદ ગાંધી (!)
ભાષાની મજા, મજાની ભાષા - 332
પાટણનાં પટોળાં સામે કોઈ ટક્કર લઈ શકે તેમ નથી.
પાટણનાં પ ટોળાં સામે કોઈ ટક્કર લઈ શકે તેમ નથી.(!)
Wednesday, April 10, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 330
રાજકીય સમાચારોમાં આપણા નેતાઓ માટે 'ઘટના' એટલે 'વખોડી કાઢવી' !
નેતાઓ માટે પોતાને પ્રતિકૂળ હોય એવાં નિવેદનો એટલે 'રદિયો આપવો' !
ભાષાની મજા, મજાની ભાષા - 329
આત્મહત્યા વિષયક સમાચારમાં સ્ત્રી અને એ પણ પરિણીતાનું મોત 'પ્રાયમસ' ફાટવાથી થતું હોય છે! ખરેખર તો 'પ્રાયમસ' એ એક કંપનીનું નામ છે જે સ્ટવની દુનિયાનું જાણીતું નામ છે!
અંગ્રેજી ભાષા, દેશી મજા : 34
'Woman : With out her man, is nothing.'
'Woman : With out her, man is nothing.' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 323
રાષ્ટ્રે શહીદોને દીર્ઘ કાળ સુધી યાદ રાખવા જોઈએ.
આટલું યાદ રાખીએ તો એ પણ યાદ રહે કે 'શહીદ'માં દીર્ઘ 'ઈ' આવે!
ભાષાની મજા, મજાની ભાષા - 322
મો.ક.ગાંધી ઓક્ટોમ્બર માસમાં જન્મ્યા નહોતા.
તેઓનો જન્મ તો ઓક્ટોબર માસમાં થયો હતો !
Tuesday, April 9, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 319
આ ત્રણમાંથી કયું સમાચાર-શીર્ષક સાચું હશે?
યુવતીની સૌથી લાંબી આત્મહત્યાની કોશિશ
યુવતીની આત્મહત્યાની સૌથી લાંબી કોશિશ
સૌથી લાંબી યુવતીની આત્મહત્યાની કોશિશ
ભાષાની મજા, મજાની ભાષા - 317
બે અક્ષરો વચ્ચે થોડીક જ જગ્યા છૂટી જાય તો સમાચારનું શીર્ષક જુદો જ અર્થ ધારણ કરશે :
શીતલહેરથી વાતાવરણ ખુશનુમા
શીતલ હેરથી વાતાવરણ ખુશનુમા
ભાષાની મજા, મજાની ભાષા - 316
એક જ અક્ષર ઉમેરશો તો મૃત્યુનો પ્રકાર બદલાઈ જશે :
આઘાતથી મૃત્યુ
આપઘાતથી મૃત્યુ
Monday, April 8, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 315
આપણું 'ધોળકા' રાષ્ટ્રીય વીજાણુ-માધ્યમોમાં પહોંચતાં-પહોંચતાં 'ઢોલકા' થઈ જાય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 311
શિક્ષિકા : " હું સુંદર છું " - આ વાક્યનો કાળ જણાવો.
ઢપુ (ટપુનો માતરાઈ ) : "પૂર્ણ ભૂતકાળ"!
અંગ્રેજી ભાષા, દેશી મજા : 31
દરેક નાનું બાળક 'Baby' જ કહેવાય.હા, તે 'baby girl' કે 'baby boy' હોઈ શકે !
ભાષાની મજા, મજાની ભાષા - 306
પિતાનાં ભાઈ-બહેનનાં સંતાનોને 'પિતરાઈ' કહીએ અને માતાનાં ભાઈ-બહેનનાં સંતાનોને 'માતરાઈ ' કહીએ તો કેવું?!
ભાષાની મજા, મજાની ભાષા - 305
બે શબ્દો વચ્ચે જગ્યા છોડો, પણ જરા સાચવીને !
'મનમાં કડું છે.'
'મન માંકડું છે.'
ભાષાની મજા, મજાની ભાષા - 303
બહાર મહેરબાની કરીને પગરખાં ઉતારશો.
મહેરબાની કરીને બહાર પગરખાં ઉતારશો.
મહેરબાની કરીને પગરખાં બહાર ઉતારશો.
આમાં આપણે ક્યાં ઊતરવું અને પગરખાં ક્યાં ઉતારવાં ?!
ભાષાની મજા, મજાની ભાષા - 302
તમારી ઉપર 'પીએમઓઓફિસ'માંથી પત્ર નહીં જ આવે.
હા, તમારી ઉપર 'પીએમઓ'માંથી કે 'પીએમઓફિસ'માંથી પત્ર આવી શકે !
ભાષાની મજા, મજાની ભાષા - 301
વિપ્રના વિદ્યાર્થીઓ અને વિ.પ્ર.ના વિદ્યાર્થીઓ ભિન્ન છે?!
સામાજિક સંદર્ભમાં વિપ્ર એટલે બ્રાહ્મણ.
શૈક્ષણિક સંદર્ભમાં વિ.પ્ર.એટલે વિજ્ઞાન પ્રવાહ.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 30
કેટલાક લોકો 'રિસ્ક'ની જગ્યાએ 'રિક્સ' બોલે છે.અંગ્રેજી ભાષા માટે આ પણ એક પ્રકારનું 'જોખમ' જ કહી શકાય!
ભાષાની મજા, મજાની ભાષા - 300
" તમારો પરિવાર બધો વખત કેવળ પરિવાદ જ કરે છે?! "
'પરિવાર' એટલે કુટુંબકબીલો.
'પરિવાદ' એટલે નિંદા.
ભાષાની મજા, મજાની ભાષા - 297
દસ્તાવેજ કરનારી વ્યક્તિએ અને સાક્ષી રહેનારી વ્યક્તિએ,
દસ્તાવેજમાં ક્યાં હસ્તાક્ષર કરવાના છે તે જગ્યા જણાવતો શબ્દ-પ્રયોગ એટલે
દસ્તાવેજમાં ક્યાં હસ્તાક્ષર કરવાના છે તે જગ્યા જણાવતો શબ્દ-પ્રયોગ એટલે
'અત્ર મતુ તત્ર સાખ'.
Saturday, April 6, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 291
ઈશ્વરભાઈની દીકરી લીલાને જન્મથી જ બંને હાથ નથી.
એને જોઈને રસ્તે જતાં એક માણસે કહ્યું : " ઈશ્વરની લીલા અકર છે!"
આ માણસ 'ળ'નો 'લ' બોલતો હતો છતાં એણે જે કહ્યું તે સાચું જ માનવું પડે!
ભાષાની મજા, મજાની ભાષા - 286
વ્યક્તિનું નામ પહેલાં લખવું, અટક પછી લખી શકાય.
કોઈ છોકરાનું નામ મૃગ અને અટક શાહ હોય તો, એ છોકરો કયો વિકલ્પ પસંદ કરશે?
'મૃગ શાહ' કે 'શાહ મૃગ'?!
Friday, April 5, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 285
સંતાનો વિદેશમાં રહેતાં હોય, પતિ-પત્ની દેશમાં એકલાં રહેતાં હોય, તેઓ સાથે રહેતાં હોય છતાં, મન-કર્મ-વચનથી એકબીજાથી એકલાપણું અનુભવતાં હોય તો, આ બે માણસોને કોરી ખાતી એકબીજાની એકલતાને 'બેકલતા' કહેવાય?!
ભાષાની મજા, મજાની ભાષા - 284
આમ, ઘટના અને આમ, દુર્ઘટના કહેવાય :
'બે મહિલાઓ મોતે મરી.'
'મહિલાઓ બેમોતે મરી.'
ભાષાની મજા, મજાની ભાષા - 283
ધ્યાન ધરો નહીં, પણ ધ્યાન રાખો :
'તમારી સમક્ષ રજૂઆત થઈ છે.'
'તમારી સક્ષમ રજૂઆત થઈ છે.'
ભાષાની મજા, મજાની ભાષા - 282
અક્ષરો સાવધાનીપૂર્વક હંકારો :
'આ સુધારો છેલ્લા દાયકામાં થયો હતો.'
'આ સુધારો છેલ્લા કાયદામાં થયો હતો.'
ભાષાની મજા, મજાની ભાષા - 280
અક્ષરોની ફેર-બદલી થાય તો 'વાઈરસ'નું 'વાઈસર' થઈ જાય!
" એમને ડૉકટરે કહ્યું કે, " તમારા શરીરમાં 'વાઈસર' છે? "
" અરે રે! તો તો પેટ ચીરવું પડશે! "
ભાષાની મજા, મજાની ભાષા - 279
આ બંને વાક્યો જુદા-જુદા અર્થ ધરાવે છે? :
એમની પત્નીએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો.
એમની પત્નીએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો (!)
ભાષાની મજા, મજાની ભાષા - 278
કેવળ બે જ અક્ષરો આઘા-પાછા થાય તો ?!
'સાથી હાથ બઢાના'
'હાથી સાથ બઢાના' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 277
'મંદબુદ્ધિ' શબ્દ ન વાપરવો.
એના બદલે 'માનસિક ભિન્ન' શબ્દ વાપરીને આપણી પરિપકવ બુદ્ધિનો પરિચય કરાવીએ!
એના બદલે 'માનસિક ભિન્ન' શબ્દ વાપરીને આપણી પરિપકવ બુદ્ધિનો પરિચય કરાવીએ!
ભાષાની મજા, મજાની ભાષા - 276
પતિ-પત્ની બંને સાઠ વર્ષનાં થયાં.ગુજરાતી કહેવત પ્રમાણે 'સાઠે બુદ્ધિ નાઠે'!
પરંતુ, એમના કિસ્સામાં આ પ્રમાણે કહી શકાય :
'પતિ અને પત્નીની સાઠે બુદ્ધિ નાઠી.'
'પતિ અને પત્નીની સાથે બુદ્ધિ નાઠી.'(!)
Thursday, April 4, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 271
'ય'ની જગ્યાએ 'ચ' વાંચશો તો અર્થ બદલાઈ જશે!
'વિક્રમરાજા નગરચર્યા કરવા નીકળ્યા.'
'વિક્રમરાજા નગરચર્ચા કરવા નીકળ્યા.'
Wednesday, April 3, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 24
વિશ્વનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ કયું?
Taumatawhakatangihangakoauauotamateaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu
તમારામાં હોય એટલી તાકાત ખર્ચીને આ નામ વાંચી બતાવો !
ભાષાની મજા, મજાની ભાષા - 270
સવાલ : ઓગણીસમી સદીનું પહેલું અને છેલ્લું વર્ષ કયું આવે?
જવાબ : 1801 અને 1900
તમારા સિવાયના લોકો એવું પણ માની લે કે ઓગણીસમી સદી હોય એટલે 1901થી શરૂ થાય!
ભાષાની મજા, મજાની ભાષા - 269
સવાલ : જે સાલમાં છપ્પનિયો દુકાળ પડ્યો એ સાલ 'વિક્રમ સંવત' અને 'ઈ.સ.'માં લખશો?
જવાબ : વિક્રમ સંવત 1956 પરંતુ ઈ.સ. 1900
ભાષાની મજા, મજાની ભાષા - 265
તમે કોરિયાનો ઉલ્લેખ કરો ત્યારે શક્ય હોય તો સ્પષ્ટ કરો કે એ ઉત્તર કોરિયા છે કે દક્ષિણ કોરિયા?
ભાષાની મજા, મજાની ભાષા - 264
આપણા એ સાહિત્યકારનું નામ ચૂનીલાલ મડિયા હતું. ભૂલથી પણ ચૂનીલાલ મીડિયા ન લખવું-વાંચવું-સાંભળવું!
ભાષાની મજા, મજાની ભાષા - 262
જન્મ આપે એ જ જનેતા કહેવાય તો 'સગી જનેતા'ની જગ્યાએ 'જનેતા' લખો તો ન ચાલે?!
'મા' ઓરમાન હોઈ શકે, પણ 'જનેતા' તો સગી જ હોય!
Tuesday, April 2, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 258
તેમના વતી ચાબાઈ કરે તો અમને વાંધો છે.
તેમના વતી ચા બાઈ કરે તો અમને વાંધો નથી.(!)
તા.ક. : ચાબાઈ એટલે ચાવળાપણું
ભાષાની મજા, મજાની ભાષા - 257
આત્મહત્યા માટે વ્યક્તિ ગળે જ ફાંસો ખાય છે, ઘૂંટણ, કોણી, કાંડા કે કમરે ફાંસો ખાતો નથી!
ફાંસો ખાવો એટલે જ ગળાને ગાળામાં ભેરવીને આપઘાત કરવો.
'બેકાર યુવકે ગળે ફાંસો ખાધો' એમ શીર્ષક ન આપવું.
'બેકાર યુવકે ફાંસો ખાધો' એ વધારે યોગ્ય શીર્ષક છે.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 21
'Nature'ની જોડણીને કંઠસ્થ રાખવા માટે 'નટુ રે' ( Natu re ) એમ યાદ રાખવું પડે!
ભાષાની મજા, મજાની ભાષા - 254
સાચો શબ્દ કયો? : 'અજરામર' કે 'અજરાઅમર'?!
'અજરામર' એટલે જ 'અજર અને અમર'!
ભાષાની મજા, મજાની ભાષા - 251
પરોણો પરાણો લઈને પરાણે પહોંચ્યા.
'પરાણો' એટલે આર(લોઢાની અણી)વાળી લાંબી લાકડી.
'પરોણો' એટલે 'મહેમાન'.
'પરાણે' એટલે 'માંડ-માંડ'.
'પરાણે' એટલે 'માંડ-માંડ'.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 20
Don't read it like this : 'A dish war'.
Read it like this : 'Adishwar' (!)Monday, April 1, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 245
જે તે વિશ્વવિદ્યાલયનું ઉચ્ચ પદ કોઈ મહિલા શોભાવે તો તેમનાં માટે 'કુલાધિપતિ'ની જગ્યાએ 'કુલાધિમાતા' અને 'કુલપતિ'ની જગ્યાએ 'કુલમાતા' જેવો શબ્દ-પ્રયોગ કરવો વધુ યોગ્ય લાગે છે.
ભાષાની મજા, મજાની ભાષા - 244
ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Chancellor'નું ગુજરાતી 'કુલાધિપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Chancellor'નું ગુજરાતી 'કુલપતિ' કરવું.
ભાષાની મજા, મજાની ભાષા - 243
ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Vice-Chancellor'નું ગુજરાતી 'કુલપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Vice-Chancellor'નું ગુજરાતી 'કુલનાયક' કરવું.
ભાષાની મજા, મજાની ભાષા - 242
ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Pro Vice-Chancellor'નું ગુજરાતી 'ઉપ કુલપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Pro Vice-Chancellor'નું ગુજરાતી તો શું, કશું જ ન કરવું ! કારણ કે, ગૂજરાત વિદ્યાપીઠમાં હાલમાં આવી કોઈ જ પદ-સગવડ અસ્તિત્વમાં નથી!
Subscribe to:
Posts (Atom)