Monday, June 30, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 833


આપણાં અખબારોની ભાષામાં ‘આંટીઘૂંટી’ હંમેશાં કાયદાની જ હોવાની!


Thursday, June 26, 2014

અંગ્રેજી ભાષા, દેશી મજા : 113


“ઓ મારા ભાઈએ પ્રમાણપત્રનું નામ ‘ક્રીમી લેયર સર્ટિફિકેટ’ છે, ‘ક્રિમિનલ સર્ટિફિકેટ‘ નહીં!”



Tuesday, June 24, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 829


લખાણમાં થોડો ફેર થાય તોપણ આખો અર્થ બદલાઈ જાય :

‘આપણા દેશમાં પ્રજા દિવસે ને દિવસે ઘડાતી જાય છે.’
‘આપણા દેશમાં પ્રજા દિવસે ને દિવસે ડઘાતી જાય છે.’


Sunday, June 22, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 828


દૈનિકમાં 'જગ્યા બચાવો' અભિયાન 

સંપાદન પહેલાંની સમાચાર-સામગ્રી (36 શબ્દો) :

'બહુમાળી ઇમારતના સૌથી ઉપરના એટલે કે દસમા માળની અગાશી ઉપરથી છેક નીચે એટલે કે  ભોંયતળિયાની સપાટ જમીન ઉપર પટકાતાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અઢાર વર્ષના આશાસ્પદ નવયુવક વિદ્યાર્થીનું થયેલું કમકમાટીભર્યું કરુણ મોત' 


સંપાદન પછીની સમાચાર-સામગ્રી (08 શબ્દો) :

'દસમા માળની અગાશીએથી પટકાતાં અઢાર વર્ષીય વિદ્યાર્થીનું મોત'

Saturday, June 21, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 827


'ઠંડા વાતાવરણમાં બે-ત્રણ દિવસે કપડાં ધોઈએ ત્યારે સુકાય.' (!)
'ઠંડા વાતાવરણમાં કપડાં ધોઈએ ત્યારે બે-ત્રણ દિવસે સુકાય.'


Tuesday, June 17, 2014

વિશ્વકોશના આંગણે વિનોદનું વિશ્વ




વિષય : વિનોદની નજરે આ દુનિયા
વક્તા : વિનોદ ભટ્ટ
આયોજક : ગુજરાત વિશ્વકોશ પરિવાર
તારીખ : અઢાર જૂન, બે હજાર ચૌદ
વાર : બુધ
સમય : સાંજે પાંચ કલાકે
સ્થળ : હીરાલાલ ભગવતી સભાગૃહ,ગુજરાત વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ



Monday, June 16, 2014

સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી

ડૉ. અશ્વિનકુમાર
.........................................................................................................................

દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કર્યા બાદ, કર્મવીર ગાંધીભાઈ ૦૯-૦૧-૧૯૧૫ના રોજ સ્વદેશ પરત થયા. તેઓ રાજકીય માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસર્યા. આથી, તેમણે ભાષણને નહીં, પણ ભ્રમણને મહત્વ આપ્યું. વિદેશી શાસન ઉપર ફરી વળતાં પહેલાં, ગાંધીજી સ્વદેશની જમીન ઉપર ફરી વળ્યા હતા. સ્વામી શ્રદ્ધાનંદજીની માગણી હતી કે ગાંધી હરદ્વારમાં વસે. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ હતી કે ગાંધી વૈદ્યનાથધામમાં વસે. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ હતો કે ગાંધી રાજકોટમાં વસે. પણ જ્યારે તેઓ અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધી ‘સત્યના પ્રયોગો’(પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ ૩૭૮)માં ‘આશ્રમની સ્થાપના’ શીર્ષક તળે લખે છે : “અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.”

‘દિનવારી’નાં પાનાંમાંથી હળવેથી પસાર થઈએ તો ગાંધીજીનાં પોત અને પ્રતિભાનો પાકો પરિચય મળી રહે. કાઠિયાવાડી પહેરવેશના એ દિવસોમાં, ગાં.મો.ક.ને અમદાવાદે કેવો આવકાર અને આદર આપ્યો હશે એની ઝીણી જાણકારી ઝડપથી મેળવી લઈએ. મુંબઈમાં નવથી પંદર જાન્યુઆરી, ૧૯૧૫નું એ પ્રથમ અઠવાડિયું વ્યસ્ત કાર્યક્રમોમાં ગાળ્યા બાદ, મુંબઈથી રાજકોટ જવા નીકળેલા ગાંધીનું સોળ જાન્યુઆરીની સવારે અમદાવાદના રેલમથકે સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ સાથે પ્રથમ મેળાપ થયો. રાજકોટથી ધોરાજી, પોરબંદર, ગોંડળ, અને ત્યાંથી રાજકોટ થઈને પહેલી ફેબ્રુઆરી, ૧૯૧૫ની સાંજે અમદાવાદ આવેલા ગાંધીનો સત્કાર થયો અને સરઘસ નીકળ્યું. હરખઘેલા માણસો તો ગાંધી જે મોટરમાં બેઠા હતા તેને ખેંચવા માગતા હતા. પણ વાહનમાં જ બેસી રહે એ મોહન શેના?! આથી, ગાંધીએ ચાલવા માંડ્યું એટલે પછી હરખવીરોએ તેમને મોટરમાં બેસવા દીધા. તેમનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં હતો.

બીજી ફેબ્રુઆરીએ અમદાવાદમાં તેમનાં સન્માનમાં સરઘસ-સભા-સમારોહ યોજાયાં હતાં. સ્ત્રીઓ તરફથી હાટકેશ્વર મહાદેવ મુકામે કસ્તૂરબાને અને સર ચીનુભાઈના પ્રમુખપદે મનસુખભાઈની વાડીમાં મોહનદાસને માનપત્ર આપવામાં આવ્યું હતું. એ દિવસે તેમણે દક્ષિણ આફ્રિકાની લડતના સાથી સુરેન્દ્ર મેઢને ત્યાં ભોજન લીધું હતું અને અમદાવાદમાં સ્થાયી થવા સારુ શહેરના અગ્રેસરો સાથે વાતચીત પણ કરી હતી. ત્રીજી ફેબ્રુઆરીના દિવસે શહેરમાં ગાંધીના માનમાં ચા-પાણીનો જાહેર મેળાવડો હતો. તેમણે એક ટંકનું ભોજન શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં અને બીજા ટંકનું ભોજન સર ચીનુભાઈને ત્યાં લીધું હતું. શેઠ મંગળદાસના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં, ગાંધીને મોઢ જ્ઞાતિ તરફથી માનપત્ર એનાયત થયું હતું. એ દિવસે ગાંધીએ અમદાવાદમાં મહીપતરામ અનાથાશ્રમ અને વનિતા વિશ્રામ, સ્વદેશી સ્ટોર અને આયુર્વેદિક ફાર્મસી, શાહઆલમના રોજા અને દાદાભાઈ વાચનાલય વગેરેની મુલાકાત પણ લીધી હતી. તેઓ આશારામ દલીચંદ શાહ તથા સ્વામી અખંડાનંદને મળવા ગયા હતા. ગાંધીજી આશ્રમ માટે જમીન જોવા પણ ગયા હતા.

ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સારુ મકાનની શોધ આદરી. ગાંધીને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર બારિસ્ટર જી.વ્ર.દેસાઈ હતા. ગાંધી ૧૧ મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ વ્રજરાય દેસાઈ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. આ એ જ મકાન હતું જેને ભાડે લઈને ગાંધીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. મોહનદાસે ખરચ વગેરેનો તારીજો કરીને શેઠ મંગળદાસને આપ્યો. ધર્મવીર ગાંધીએ ૧૯૧૫માં મે મહિનાની વીસમીએ નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં ટોપી પહેરીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસમીએ ત્યાં રહેવા ગયા. તેમણે પચીસમીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. ‘ગાંધીજીની દિનવારી’(સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૧૩)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલ પચીસમી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના અંગે પાદનોંધ કરે છે કે, “આને માટે કોઈમાં ૨૦મી તારીખ છે, કોઈમાં ૨૨મી છે અને કોઈમાં ૨૩મી છે. પરંતુ ઘણાખરા આધારોમાં તા. ૨૫મી છે. તેથી એ માન્ય રાખી છે.” 

ઘર હોય કે બાળક, સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી યોજના હોય – આપણે ત્યાં નામ પાડવા અંગેની મૂંઝવણ મીઠી પણ મોટી હોય છે! વળી, અહીં તો કર્તા તરીકે ગાંધી અને કર્મ તરીકે આશ્રમ છે! આશ્રમને અપાયેલા અજોડ નામ અંગે સજ્જડ કારણ આપતાં ગાંધી ‘આત્મકથા’(પૃ. ૩૭૯)માં લખે છે : “આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયાં હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જોકે તપશ્ચર્યા પ્રિય હતી છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો.” 

ઈ.સ. ૧૯૧૫ના એ નિર્ણાયક સમયખંડમાં, ગાંધીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગીરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચીનુભાઈ થકી આવકાર-આતિથ્ય-અનુકૂલન સાંપડ્યાં હતાં. આપણા મહાજનોની ઉદાત્ત સખાવત આજે તો કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (મહાધનગૃહ સામાજિક જવાબદારી) ઉર્ફે સી.એસ.આર. જેવા શબ્દપ્રયોગમાં જ સીમિત થઈ ગઈ છે. પ્રવર્તમાન સમયમાં પણ - મુખ્યમંત્રી હોય કે વડા પ્રધાન, ગાંધીનગર હોય કે નવી દિલ્હી, શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ - મહાત્મા ગાંધીનું નામ આગળ ધર્યા વગર કોઈને ચાલે એમ નથી. જોકે ગાંધીજીનું નામ વટાવીને વળતર મેળવવાની મોટા ભાગની યોજના પહેલી નજરે તો આકર્ષક જણાતી હોય છે. ધર્મ, રાજ્ય, અને બજારની ત્રિપુટીને ‘મહાત્મા મંદિર’ ભલે વધારે અનુફૂળ આવતું હોય, પરંતુ સામાન્ય માણસ માટે તો ‘સત્યાગ્રહાશ્રમ’ જ સાચું આસ્થાઠેકાણું છે. સત્યાગ્રહાશ્રમની શતાબ્દીના સ્મરણટાણે, હે મારા ભારત, તું ગાંધીજીના રસ્તે કોશિયાનો વિકાસ કરીશ ને?!

.........................................................................................................................
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
.........................................................................................................................
સૌજન્ય : 
'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17

પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04

પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી

Saturday, June 14, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 823


'વાલિયો જાગે, પોલિયો ભાગે.' (!)

(તારીખ 06-06-2014ના રોજ ઉનાથી સોમનાથ તરફ જતાં, ધોરીમાર્ગની ધારે જોવા મળેલું ભીંતસૂત્ર)   

Tuesday, June 10, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 819


આપણાં અખબારોની ભાષામાં, 'કીડો' મોટા ભાગે 'વાસના'નો હોય છે,  જે હંમેશાં 'સળવળતો' જ હોય છે!



Monday, June 9, 2014

ગાંધી જીવન-કવન વિષયક લખાણોની યાદી /// ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

કાવ્ય :

* કારણ, 'નિરીક્ષક', ૧૬-૦૨-૧૯૯૮, પૃષ્ઠ : ૩૨

* મહાત્મા ગાંધી : હાઈકુ પંચમ, 'નયા માર્ગ', ૧૬-૦૧-૨૦૧૧, પૃષ્ઠ : ૩૬

.................................................................................................................................

લેખ :

* ગાંધીજી : જાહેર જીવનમાં મોડેલ, જાહેર ખબરમાં મોડેલ, 'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૦૧,પૃષ્ઠ : ૧૪

* ગાંધીજી : સફળ પ્રત્યાયક તરીકે, 'દૃષ્ટિ' ( 'ગાંધીવિચાર' વિશેષાંક ), ઓક્ટોબર, ૨૦૦૪, પૃષ્ઠ : ૦૫-૧૦

* રવિને અજવાળતી મુન્નાભાઈની 'ગાંધીગીરી', 'અભિદૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧-૦૨

* 'હિંદ સ્વરાજ', મો.ક.ગાંધી અને ચર્ચા એક શબ્દ માટેની!, 'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૬, પૃ.૦૩-૦૫

* પ્રામાણિકતાના 'શિક્ષકો' : 'ભણેલો' વિદ્યાર્થી અને 'અભણ' ગ્રામનારી, 'વલોણું', જાન્યુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૦૩-૦૪

* ધાબળા સાથે હૂંફ ઓઢાડે તેનું નામ કેળવણી, 'અભિદૃષ્ટિ', ૨૦૦૮પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના', ૧૫-૦૧-૨૦૦૮, પૃષ્ઠ : ૦૨

* ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન, 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃષ્ઠ : ૪૦-૪૧
પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ: 229-230
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), સપ્ટેમ્બર-ઓક્ટોબર, 2013; અંક : 13, પૃષ્ઠ : 03-05
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૧-૨૦૧૫; અંક : ૨૬૧, પૃષ્ઠ : ૦૬-૦૭

* ગાંધીજી : નોખી માટીના અનોખા પત્રકાર, 'અભિદૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃષ્ઠ : ૧૩-૨૦

* નવતર ગાંધી-યોજના : સૂતરના તાંતણે સામયિક!, 'ગ્રામનિર્માણ', ઓગસ્ટ-ઓક્ટોબર ૨૦૧૦, પૃષ્ઠ : ૩-૫
પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 18, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 236-238

* ગાંધીના સંગમાં સરદારના વ્યંગ, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૧૨-૨૦૧૦, બુધ, 'કળશ' : 'સરદાર વિનાનાં સાઠ વર્ષ', પૃષ્ઠ : ૦૪
પુનર્મુદ્રણ : ગ્રામનિર્માણ

* ઉપવાસ, ગાંધીજી અને આપણે બધાં, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

* કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ,' અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ : ૨૧-૨૨
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 18, સંપાદક: રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, માર્ચ, 2013, પૃ.43-44
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦૫

* પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૦૬-૧૩

* ગાંધીના ટપાલી, સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ', સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ; પ્રથમ આવૃત્તિ; મે, ૨૦૧૨; પૃષ્ઠ : ૧૦૭-૧૦૮; પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ

* ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ, મેળવણી વડે શાંતિ ; 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), જુલાઈ,૨૦૧૨,પૃષ્ઠ : ૦૬-૦૮
પુનર્મુદ્રણ : 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), દીપોત્સવી અંક, અંક : 8, નવેમ્બર, 2012, પૃ. 59-61

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
માતૃભાષા ભાષાપ્રબોધ (પત્રિકા), ; સંપાદક : પિંકી યજ્ઞેશ પંડ્યા, 21-07-2012, પૃ. 29-30
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 15, સંપાદક : રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, ડિસેમ્બર, 2012, પૃ.28-29
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2013 અને માર્ચ-એપ્રિલ, 2013 ; સંયુક્ત અંક : 09-10, પૃષ્ઠ : 32-33
પુનર્મુદ્રણ : 'ઘટના-વિશેષ', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

* ગાંધીજીના પૂતળાને મરણ-ચાદર
'નિરીક્ષક', 16-05-2014, પૃષ્ઠ : 02

આશ્રમકથા - 01
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04
પુનર્મુદ્રણ : http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી

* પૂતળીબાઈના પુત્ર : પોતાના પૂતળા પરત્વે 
નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 16-17, જૂન-જુલાઈ, 2014, પૃષ્ઠ : 179-180
પુનર્મુદ્રણ : 'વિ-વિદ્યાનગર'(ISSN 0976-9809)સળંગ અંક : 516, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 28-29

આશ્રમકથા - 02
* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
'નિરીક્ષક', 16-07-2014, પૃષ્ઠ : 10-11
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-08-2014; અંક : 251, પૃષ્ઠ : 09-10-08

આશ્રમકથા - 03
* આશ્રમમાં અમલયુક્ત એકાદશવ્રત'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03

આશ્રમકથા - 04
* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-10-2014; અંક : 255, પૃષ્ઠ : 09-11

* ગાંધીજીના પત્રકારત્વમાં લૈંગિક સમાનતા થકી સંપોષિતતાનો વિમર્શ
'વિદ્યાપીઠ' ત્રિમાસિક (ISSN 0976-5794),
વર્ષ : ૫૨, અંક : ૦૪, ઓક્ટોબર-ડિસેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૯૫-૧૦૦

ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર), વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮

* રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ
'વિગત-વિશેષ', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

* સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા // 'દિવ્ય ભાસ્કર વિશેષ'
                                ગાંધીવિચારના ભાષ્યકાર : કિશોરલાલ મશરૂવાળા
                                અર્થશાસ્ત્રી, ચરિત્રકાર, અનુવાદક : નરહરિ પરીખ
                                શ્રમિકોના સાથી : શંકરલાલ બેંકર
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, પૃષ્ઠ : ૧૨

'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ
'નવજીવનનો અક્ષરદેહ', માર્ચ, ૨૦૧૬, સળંગ અંક : ૩૫, પૃષ્ઠ : ૬૯-૭૦

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૬, મંગળવાર

અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૩-૨૦૧૬, મંગળવાર

મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર

* ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૫-૨૦૧૬, રવિવાર

* આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૯-૨૦૧૬, રવિવાર

* અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર

'જીવંતકળાગૌરવ અને ગાંધીગૌરવ રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર

ગાંધીજીના તંબુનાં રખેવાળ શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫

સાબરમતીના સંગાથેસત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬-૨૦૧૭, રવિવાર

** મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮

* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૧-૦૯-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3831/nine-eleven-mukaam-kocharab

* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ', ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૮, સળંગ અંક : ૬૬-૬૭, પૃષ્ઠ : ૩૪૫-૩૪૯

.................................................................................................................................

ગ્રંથસમીક્ષા 

* 'હિંદ સ્વરાજ'ની શતાબ્દીએ વિશિષ્ટ આવૃત્તિ'
વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794), વર્ષ : 49, અંક : 02, સળંગ અંક : 242, એપ્રિલ-જૂન : 2011, પૃષ્ઠ : 127-133 , ખરેખર અંક-પ્રકાશન : જૂન, 2013 !પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ', ઓગસ્ટ, 2013, પૃષ્ઠ : 196-201

* ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794),
વર્ષ : ૫૨, અંક : ૦૩, જુલાઈ-સપ્ટેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૮૯-૯૨

* 'હિંદ સ્વરાજ' : વિશિષ્ટ આવૃત્તિની વાત
'નવજીવનનો અક્ષરદેહ', જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૬, સળંગ અંક : ૩૩-૩૪, પૃષ્ઠ : ૦૮-૧૩
https://issuu.com/navajivantrust/docs/navajivanno_akshardeh_2016-01___02-

* મો.ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ'
સંક્ષિપ્ત પુસ્તક-પરિચય, 'નવજીવનનો અક્ષરદેહ', મે, ૨૦૧૬, સળંગ અંક : ૩૭, પૃષ્ઠ : ૧૫૧

................................................................................................................................

અનુવાદ :

* યુદ્ધવિરોધી સત્યાગ્રહ (અનુવાદ), 'વિનોબાની વાણી', સંપાદક : રમેશ બી.શાહ, ઇમેજ પબ્લિકેશન, અમદાવાદ, ફેબ્રુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૨૧૭-૨૨૬

.................................................................................................................................

સંપાદન :

* 'ગાંધીવિચાર' વિશેષાંક, 'દૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨

* 'ગાંધીદર્શન' વિશેષાંક, 'અભિદૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃ.૩૨

* 'ગાંધીચિંતન' વિશેષાંક, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૩૨

.................................................................................................................................

દસ્તાવેજી ચલચિત્રો માટે સંશોધન અને લેખન :

* ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ,મેળવણી વડે શાંતિ, ઈ.સ. ૨૦૦૬

* હળવી દારૂબંધી : ભારે વિરોધ, ઈ.સ.૨૦૦૭

* ગ્રામજીવનયાત્રા : સાચું ભારત, સાચું શિક્ષણ, ઈ.સ.૨૦૦૭

* ગ્રામજીવન પદયાત્રા : સમાજદર્શનથી સમજદર્શન, ઈ.સ.૨૦૦૮

* ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી, ઈ.સ.૨૦૧૨

* 'સાબરમતી કે સંત', ઈ.સ. ૨૦૧૭ (સંશોધન અને પરામર્શન)

..................................................................................................................

સંશોધન-નિબંધ :

* અનુપારંગત (એમ.ફિલ.) :શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
માર્ગદર્શક : તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ આવૃત્તિ)વર્ષ : ઈ.સ. ૨૦૦૦

* વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) :
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે) માર્ગદર્શક : ડૉ.રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)
વર્ષ : ઈ.સ. ૨૦૦૯

.................................................................................................................................

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Sunday, June 8, 2014

Friday, June 6, 2014

Sunday, June 1, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 812


વાક્યમાં જગ્યા સાચવીને છોડો :

'સા ધુતોચ લતા ભલા' (!)

'સાધુ તો ચલતા ભલા'