ડૉ. અશ્વિનકુમાર
.........................................................................................................................

દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કર્યા બાદ, કર્મવીર ગાંધીભાઈ ૦૯-૦૧-૧૯૧૫ના રોજ સ્વદેશ પરત થયા. તેઓ રાજકીય માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસર્યા. આથી, તેમણે ભાષણને નહીં, પણ ભ્રમણને મહત્વ આપ્યું. વિદેશી શાસન ઉપર ફરી વળતાં પહેલાં, ગાંધીજી સ્વદેશની જમીન ઉપર ફરી વળ્યા હતા. સ્વામી શ્રદ્ધાનંદજીની માગણી હતી કે ગાંધી હરદ્વારમાં વસે. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ હતી કે ગાંધી વૈદ્યનાથધામમાં વસે. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ હતો કે ગાંધી રાજકોટમાં વસે. પણ જ્યારે તેઓ અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધી ‘સત્યના પ્રયોગો’(પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ ૩૭૮)માં ‘આશ્રમની સ્થાપના’ શીર્ષક તળે લખે છે : “અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.”
‘દિનવારી’નાં પાનાંમાંથી હળવેથી પસાર થઈએ તો ગાંધીજીનાં પોત અને પ્રતિભાનો પાકો પરિચય મળી રહે. કાઠિયાવાડી પહેરવેશના એ દિવસોમાં, ગાં.મો.ક.ને અમદાવાદે કેવો આવકાર અને આદર આપ્યો હશે એની ઝીણી જાણકારી ઝડપથી મેળવી લઈએ. મુંબઈમાં નવથી પંદર જાન્યુઆરી, ૧૯૧૫નું એ પ્રથમ અઠવાડિયું વ્યસ્ત કાર્યક્રમોમાં ગાળ્યા બાદ, મુંબઈથી રાજકોટ જવા નીકળેલા ગાંધીનું સોળ જાન્યુઆરીની સવારે અમદાવાદના રેલમથકે સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ સાથે પ્રથમ મેળાપ થયો. રાજકોટથી ધોરાજી, પોરબંદર, ગોંડળ, અને ત્યાંથી રાજકોટ થઈને પહેલી ફેબ્રુઆરી, ૧૯૧૫ની સાંજે અમદાવાદ આવેલા ગાંધીનો સત્કાર થયો અને સરઘસ નીકળ્યું. હરખઘેલા માણસો તો ગાંધી જે મોટરમાં બેઠા હતા તેને ખેંચવા માગતા હતા. પણ વાહનમાં જ બેસી રહે એ મોહન શેના?! આથી, ગાંધીએ ચાલવા માંડ્યું એટલે પછી હરખવીરોએ તેમને મોટરમાં બેસવા દીધા. તેમનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં હતો.
બીજી ફેબ્રુઆરીએ અમદાવાદમાં તેમનાં સન્માનમાં સરઘસ-સભા-સમારોહ યોજાયાં હતાં. સ્ત્રીઓ તરફથી હાટકેશ્વર મહાદેવ મુકામે કસ્તૂરબાને અને સર ચીનુભાઈના પ્રમુખપદે મનસુખભાઈની વાડીમાં મોહનદાસને માનપત્ર આપવામાં આવ્યું હતું. એ દિવસે તેમણે દક્ષિણ આફ્રિકાની લડતના સાથી સુરેન્દ્ર મેઢને ત્યાં ભોજન લીધું હતું અને અમદાવાદમાં સ્થાયી થવા સારુ શહેરના અગ્રેસરો સાથે વાતચીત પણ કરી હતી. ત્રીજી ફેબ્રુઆરીના દિવસે શહેરમાં ગાંધીના માનમાં ચા-પાણીનો જાહેર મેળાવડો હતો. તેમણે એક ટંકનું ભોજન શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં અને બીજા ટંકનું ભોજન સર ચીનુભાઈને ત્યાં લીધું હતું. શેઠ મંગળદાસના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં, ગાંધીને મોઢ જ્ઞાતિ તરફથી માનપત્ર એનાયત થયું હતું. એ દિવસે ગાંધીએ અમદાવાદમાં મહીપતરામ અનાથાશ્રમ અને વનિતા વિશ્રામ, સ્વદેશી સ્ટોર અને આયુર્વેદિક ફાર્મસી, શાહઆલમના રોજા અને દાદાભાઈ વાચનાલય વગેરેની મુલાકાત પણ લીધી હતી. તેઓ આશારામ દલીચંદ શાહ તથા સ્વામી અખંડાનંદને મળવા ગયા હતા. ગાંધીજી આશ્રમ માટે જમીન જોવા પણ ગયા હતા.
ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સારુ મકાનની શોધ આદરી. ગાંધીને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર બારિસ્ટર જી.વ્ર.દેસાઈ હતા. ગાંધી ૧૧ મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ વ્રજરાય દેસાઈ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. આ એ જ મકાન હતું જેને ભાડે લઈને ગાંધીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. મોહનદાસે ખરચ વગેરેનો તારીજો કરીને શેઠ મંગળદાસને આપ્યો. ધર્મવીર ગાંધીએ ૧૯૧૫માં મે મહિનાની વીસમીએ નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં ટોપી પહેરીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસમીએ ત્યાં રહેવા ગયા. તેમણે પચીસમીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. ‘ગાંધીજીની દિનવારી’(સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૧૩)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલ પચીસમી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના અંગે પાદનોંધ કરે છે કે, “આને માટે કોઈમાં ૨૦મી તારીખ છે, કોઈમાં ૨૨મી છે અને કોઈમાં ૨૩મી છે. પરંતુ ઘણાખરા આધારોમાં તા. ૨૫મી છે. તેથી એ માન્ય રાખી છે.”
ઘર હોય કે બાળક, સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી યોજના હોય – આપણે ત્યાં નામ પાડવા અંગેની મૂંઝવણ મીઠી પણ મોટી હોય છે! વળી, અહીં તો કર્તા તરીકે ગાંધી અને કર્મ તરીકે આશ્રમ છે! આશ્રમને અપાયેલા અજોડ નામ અંગે સજ્જડ કારણ આપતાં ગાંધી ‘આત્મકથા’(પૃ. ૩૭૯)માં લખે છે : “આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયાં હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જોકે તપશ્ચર્યા પ્રિય હતી છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો.”

ઈ.સ. ૧૯૧૫ના એ નિર્ણાયક સમયખંડમાં, ગાંધીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગીરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચીનુભાઈ થકી આવકાર-આતિથ્ય-અનુકૂલન સાંપડ્યાં હતાં. આપણા મહાજનોની ઉદાત્ત સખાવત આજે તો કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (મહાધનગૃહ સામાજિક જવાબદારી) ઉર્ફે સી.એસ.આર. જેવા શબ્દપ્રયોગમાં જ સીમિત થઈ ગઈ છે. પ્રવર્તમાન સમયમાં પણ - મુખ્યમંત્રી હોય કે વડા પ્રધાન, ગાંધીનગર હોય કે નવી દિલ્હી, શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ - મહાત્મા ગાંધીનું નામ આગળ ધર્યા વગર કોઈને ચાલે એમ નથી. જોકે ગાંધીજીનું નામ વટાવીને વળતર મેળવવાની મોટા ભાગની યોજના પહેલી નજરે તો આકર્ષક જણાતી હોય છે. ધર્મ, રાજ્ય, અને બજારની ત્રિપુટીને ‘મહાત્મા મંદિર’ ભલે વધારે અનુફૂળ આવતું હોય, પરંતુ સામાન્ય માણસ માટે તો ‘સત્યાગ્રહાશ્રમ’ જ સાચું આસ્થાઠેકાણું છે. સત્યાગ્રહાશ્રમની શતાબ્દીના સ્મરણટાણે, હે મારા ભારત, તું ગાંધીજીના રસ્તે કોશિયાનો વિકાસ કરીશ ને?!
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
.........................................................................................................................
સૌજન્ય :
'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17

પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી

No comments:
Post a Comment