અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Saturday, February 28, 2015
Friday, February 27, 2015
Wednesday, February 25, 2015
Monday, February 23, 2015
રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ /// વિગત-વિશેષ
ડૉ. અશ્વિનકુમાર
...............................................................................................................................
કસ્તૂરબા મહાત્માથી આશરે છ મહિના મોટાં હતા! ઈ.સ. ૧૮૬૯માં જન્મેલાં અને ઈ.સ. ૧૮૮૨માં તેર વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયેલાં, બા-બાપુનું દાંપત્ય-જીવન બાસઠ વર્ષનું હતું. જેલનિવાસી કસ્તૂરબાનું અવસાન આગાખાન મહેલ, પૂના મુકામે ૨૨-૦૨-૧૯૪૪ના રોજ સંધ્યા-સમયે ૭-૩૫ કલાકે થયું. તેઓ લગભગ પંચોતેર વર્ષની વયે, મહાશિવરાત્રીની પાવન તિથિએ, જેલમાંથી અને મહેલમાંથી મહાનિર્વાણ પામ્યાં! મનુબહેન ગાંધી દ્વારા લખાયેલા અને નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઈ.સ. ૧૯૫૨માં પ્રગટ થયેલા, ‘બા બાપુની શીળી છાયામાં’ નામના પુસ્તકમાં કસ્તૂરબાના ઓલવાતા જીવનદીપનું જીવંત વર્ણન છે. લેખિકા મનુબહેન એટલે ગાંધીજીના પિતરાઈ ભાઈના દીકરા જયસુખલાલનાં દીકરી.
જીવનના આખરી દિવસની સવારે કસ્તૂરબાનું પહેલું વાક્ય હતું : “મને બાપુજીના ઓરડામાં લઈ જાઓ.” પોતાની તબિયતને ગમે તેટલું અસુખ હોય તોપણ, ગાંધીજીને દરરોજ ફરવા જવાની કસ્તૂરબા ક્યારેય ના કહેતાં નહીં. પરંતુ આજે ગાંધીજીએ પોતે ફરવા જવાની વાત કરી કે તરત કસ્તૂરબાએ ના કહી. આથી ગાંધીજી ત્યાં બેઠા. રામધૂન ઇત્યાદિની વચ્ચે પણ કસ્તૂરબાએ ગાંધીજીના ખોળામાં થોડી વાર શાંતિ લીધી. છેવટે દસેક વાગ્યે ગાંધીજીને ફરવાની રજા મળી. ગાંધીજીએ કહ્યું કે, “સાવ નહીં ફરું તો માંદો પડીશ, એટલે થોડુંક ફરવું જરૂરી છે.”
મનુબહેનના જણાવ્યા અનુસાર, ફરતી વખતે બાપુએ કહ્યું : “બા હવે થોડા વખતની મહેમાન છે. માંડ ચોવીસ કલાક કાઢે તો. કોના ખોળામાં એની આખરી નિદ્રા થશે તે જોવાનું છે.” દાક્તર ગિલ્ડર થોડી થોડી વારે આવીને કસ્તૂરબાને જોઈ-તપાસી જતા હતા. ગાંધીજી સાડા બાર વાગ્યે કસ્તૂરબા પાસે ગયા. દેવદાસ ગાંધી, જયસુખલાલ ગાંધી ઉપરાંત હરિલાલ ગાંધીની દીકરીઓનું પણ આગમન થયું. દોઢેક વાગ્યે કનુ ગાંધીએ કસ્તૂરબાની કેટલીક તસવીરો લીધી. દેવદાસ ગાંધીએ ગીતાપાઠ કર્યો. સાડા ત્રણે દેવદાસ ગાંધી ગંગાજળ અને તુળસીપત્ર લઈ આવ્યા. તેમણે અને ગાંધીજીએ કસ્તૂરબાને થોડું ગંગાજળ પાયું. લગભગ સાડા ચાર વાગ્યે, બાપુ તરફ જોઈને બા બોલ્યાં : “મારી પાછળ તો લાડવા ઉડાડવાના હોય. દુઃખ હોય? હે ઈશ્વર, મને માફ કરજે; તારી ભક્તિ આપજે.” આવેલાં અન્ય સગાંઓને પણ કસ્તૂરબાએ કહ્યું : “કોઈ દુઃખ ન કરશો.”
સાંજના પાંચેક વાગ્યા પછી બાએ મનુને બાપુ માટે ગોળ કરવા કહ્યું. કારણ કે ગાંધીજી માટે બાટલીમાં રાખેલો ગોળ થઈ રહ્યો છે એ બાબત કસ્તૂરબાની નજરમાંથી કેવી રીતે છટકી શકે! વળી, તેમણે મનુને બાપુના ભોજન સારુ દૂધ-ગોળ બરાબર આપવાનું અને મનુને પણ જમી લેવા કહ્યું. આ ઘટના અંગે મનુબહેન નોંધે છે : “આખી જિંદગી પૂ. બાપુજીની બધી સેવામાં રહેવાનું અને મુખ્યત્વે એમના બંને વખતના ભોજનની બારીક તપાસ રાખવાનું એમણે કદી નહોતું છોડ્યું. આજે છેલ્લે દિવસે પણ દર્દની ને ભગવાનની સામે યુદ્ધ કરતાં કરતાંય એમણે એકાએક મને ચેતાવી.”
ગાંધીજી, તેમનાં કુટુંબીજનો અને સહકાર્યકરો, દાક્તરો અને જેલ-અધિકારીઓ ખાસ વિમાન મારફતે આવેલું પેનિસિલિનનું ઇન્જેક્શન કસ્તૂરબાને આપવું કે નહીં એની ચર્ચા કરતાં હતાં. જેમને જમવાનું હતું તે લોકોએ લગભગ સાડા છ સુધીમાં ખીચડી, કઢી, રોટલી વગેરેનું વાળુ કર્યું તો શિવરાત્રીના ઉપવાસીઓએ ફરાળ કર્યું. જમતાં જમતાં પણ એ જ વાતો ચાલી કે પેનિસિલિનથી કદાચ ફાયદો થઈ જાય. અંતે આશરે સાતેક વાગ્યે દાક્તર સુશીલાબહેન નય્યરે મનુબહેન ગાંધીને ઇન્જેક્શનની સોયો ઉકાળવા આપી. મનુએ ઇલેક્ટ્રિક ચૂલા ઉપર વાસણમાં તે ગરમ કરવા મૂકી. જોકે, ઇન્જેક્શન દેવાની ગાંધીજીએ ના કહી એટલે સુશીલાબહેને ઇલેક્ટ્રિક ચૂલો ઠારી નાખ્યો. દરમ્યાનમાં મનુના કાને ગાંધીજીના આટલા જ શબ્દો પડ્યા કે, “હવે તારી મરતી માતાને શા માટે સોંય ભોંકવી?” આ શબ્દો કાને સાંભળ્યા ન સાંભળ્યા અને મનુબહેન સંધ્યાટાણે તુળસીજી આગળ ધૂપ-દીવો કરવાની ઉતાવળમાં ત્યાંથી ચાલ્યાં ગયાં.
મનુબહેને દીવો કર્યો. કસ્તૂરબાએ સહુને “જયશ્રીકૃષ્ણ” કહ્યા. એવામાં કસ્તૂરબાના ભાઈ માધવદાસ આવ્યા. તેમને જોયા છતાં કસ્તૂરબા કંઈ બોલી ન શક્યાં. એકાએક તેમણે કહ્યું : “બાપુજી!” એટલામાં ગાંધીજી હસતા હસતા આવ્યા. તેમણે કહ્યું : “તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી?” એમ કહીને ગાંધીજી ત્યાં બેઠા. જીવનની આખરી ક્ષણો વખતે કસ્તૂરબાનું ખોળિયું ગાંધીબાપુના ખોળામાં હતું. બાપુએ બાના માથે હાથ ફેરવ્યો ત્યારે બાએ બાપુને કહ્યું : “હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુઃખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.” આટલું બોલ્યાં ત્યાં તો બાનો શ્વાસ રૂંધાયો. કસ્તૂરબાની તસવીરો લઈ રહેલા કનુ ગાંધીને બાપુએ અટકાવ્યા અને રામધૂન ગાવા કહ્યું. સહુ લોકો “રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ” ગાવા લાગ્યાં. મનુબહેન લખે છે : “એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથું મૂકી કાયમની નિદ્રા લીધી!” મનુએ વધુમાં નોધ્યું છે તે મુજબ, ગાંધીજીની આંખમાંથી આંસુનાં બે ટીપાં પડી ગયાં. તેમણે ચશ્માં કાઢી નાખ્યાં. તેઓ બે જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, પરંતુ પુત્ર દેવદાસ સદ્દગત માતાના પગ પકડીને કરુણ આક્રંદ કરવા લાગ્યા.
મનુબહેનની રોજનીશીના આધારે રાષ્ટ્રમાતા કસ્તૂરબાના જીવનના અંતિમ દિવસનો ઘટનાક્રમ જોઈ શકાય છે. વળી, બદલાતાં દૃશ્યો સાથે કસ્તૂરબાના ગાંધીજી સાથેના સંવાદો સાંભળી શકાય છે. આ વિગતોથી તેમની વચ્ચેના સંબંધોની અનુભૂતિ થાય છે. પતિ મોહનદાસના ખભા ઉપર માથું મૂકીને કાયમ માટે સૂઈ જવાનું અહોભાગ્ય પત્ની કસ્તૂરને મળ્યું. કારણ કે ગાંધીજી સદ્દભાગી હતા કે, તેમને જીવનસાથી સ્વરૂપે કસ્તૂરબા મળ્યાં હતાં. કાં પતિ આદર્શ હોઈ શકે, કાં પત્ની આદર્શ હોઈ શકે. પતિ-પત્ની બન્ને આદર્શ હોઈ શકે અને તેમનું દાંપત્ય-જીવન પણ આદર્શ હોઈ શકે, એવું જોડું તો આપણાં સૌનાં બા-બાપુનું જ!
...............................................................................................................................
ashwinkumar.phd@gmail.com
સૌજન્ય :
રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ /// વિગત-વિશેષ
રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ /// વિગત-વિશેષ
'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
Sunday, February 22, 2015
વાંચો 'વિગત-વિશેષ'
સૌજન્ય :http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/22022015/0/1/ |
રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ /// વિગત-વિશેષ
'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
Saturday, February 7, 2015
Thursday, February 5, 2015
ભાષાની મજા, મજાની ભાષા - 867
આપણાં અખબારોની ભાષા મુજબ, લાંચ-રુશવત વિરોધી અધિકારીઓ જે ગોઠવે છે તે 'છટકું' હોય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 866
'વીજ-જોડાણ કાપવા ગયેલા અધિકારીઓ ઉપર હુમલો'
આ શીર્ષકમાં અલગ-અલગ જગ્યાએ 'ગેરકાયદે' શબ્દ મૂકો અને બદલાતા અર્થને માણો :
'ગેરકાયદે વીજ-જોડાણ કાપવા ગયેલા અધિકારીઓ ઉપર હુમલો'
'વીજ-જોડાણ ગેરકાયદે કાપવા ગયેલા અધિકારીઓ ઉપર હુમલો'
'વીજ-જોડાણ કાપવા ગેરકાયદે ગયેલા અધિકારીઓ ઉપર હુમલો'
'વીજ-જોડાણ કાપવા ગયેલા ગેરકાયદે અધિકારીઓ ઉપર હુમલો'
'વીજ-જોડાણ કાપવા ગયેલા અધિકારીઓ ઉપર ગેરકાયદે હુમલો'
Wednesday, February 4, 2015
ભાષાની મજા, મજાની ભાષા - 865
આપણાં દૈનિકોની સમાચાર-સામગ્રીમાં જે ફગાવી દેવામાં આવે છે તે 'હુકમ' હોય છે!
Tuesday, February 3, 2015
Subscribe to:
Posts (Atom)