Wednesday, August 19, 2015

ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

કાં એ જ જૂના ઘરથી ચલાવી લેવું, કાં સાવ નવા ઘરમાં ચાલ્યા જવું વધારે હિતાવહ સાબિત થાય છે. પણ મૂળ ઘરમાં રહીને, એમાં ધરમૂળથી 'સુધારો' આણવો કઠિન બની રહે છે. આ ક્ષેત્રના વિદ્વાનો નહીં, પણ અનુભવીઓ કહે છે કે, નજીકના કે સામેના કોઈ ખાલી મકાનને ભાડે લઈને, તેમાં ઘરના સામાનને કામચલાઉ રીતે ખસેડી દેવો એ ડહાપણનું કામ છે. બસ, ખરી મોકાણ અહીંથી જ શરૂ થાય છે. પોતાના એકના એક ઘરના સામાનને બીજે ક્યાંય ફેરવવો એ જગતનાં સૌથી જોખમી કામોની યાદીમાં અગ્રક્રમે આવે છે. મધ્યમવર્ગીય સ્ત્રી તો ઘરસામાન-હેરફેરની કલ્પનામાત્રથી રોવા જેવી થઈ જાય છે. છેવટે 'અઠે દ્વારકા'ની કહેવતને સાચી પાડવા માટે પણ તેણીએ, એ જ ઘર અને એ જ વરથી ચલાવી લેવું પડે છે!

ઘરના બેઠકખંડમાં સમારકામ શરૂ થાય એટલે ચેનલ્સ નહીં, આખેઆખું ટેલીવિઝન જ ફેરવવાના દહાડા આવે છે. આપણું નામ અર્જુન ન હોવાથી, ટેલીવિઝન સેટની બદલી અન્ય ખંડમાં કરતી વખતે, આપણું ધ્યાન કેવળ રીમોટ કંટ્રોલ ઉપર રહેતું નથી. પરિણામે બેઠકખંડના સામાનને શયનકક્ષમાં ફેરવીએ એટલે એ સામાનની સાથેસાથે રીમોટ કંટ્રોલ પણ જતું રહે એવું પૂર્વ અમદાવાદના અમુક વિસ્તારોમાં બનતું હોય છે. આ રીમોટ કંટ્રોલને શોધવા માટે પરિવારના સાડા ચાર સભ્યો અદ્દભુત એકતાનો નમૂનો પૂરો પાડે છે. કારણ કે, જેના હાથમાં પહેલું રીમોટ કંટ્રોલ આવે તેના આધારે આખા કુટુંબે કયો કાર્યક્રમ જોવાનો આવશે તે સમીસાંજે નક્કી થઈ જાય છે. આવી જ હાલત મોબાઇલ ચાર્જર ન મળે ત્યારે પણ સર્જાતી હોય છે. કારણ કે, આખો દિવસ ઘરની બહાર રહ્યા પછી, સાંજે ઘરે પહોંચીને આપણે મોબાઇલ ચાર્જર શોધવાનું અભિયાન શરૂ કરીએ ત્યારે ખબર પડે કે, મોબાઇલ ચાર્જર જ નહીં, આખેઆખું સ્વિચ-બોર્ડ ગાયબ થઈ ગયું છે!

રસોડાની છતનું સમારકામ શરૂ થાય એટલે અભરાઈઓને ખલેલ પહોંચે છે. અભરાઈ ઉપરનો સામાન ફેરવતી વખતે ઉથલપાથલ થાય ત્યારે જ, જગતને જાણ થાય છે કે બરફની છીણ કાઢવાનો સંચો કે આઇસક્રીમ બનાવવાની કોઠી ખરીદ્યા પછી યોગ્ય કામ ન મળવાથી તે ખોરંભે સિવાય બીજે ક્યાંય ચઢી શકે એમ નથી. જોકે, દર વખતે નકામી ચીજ-વસ્તુઓ જ આપણી નજર સમક્ષ આવે એવું નથી. માળિયાનો સામાન ફેરવતી વખતે એવું પણ બને, કે ત્રણ ત્રણ નંગ છત્રીઓ દર્શન આપે. આ એ જ છત્રીઓ છે જેને આપણે ગયા ચોમાસામાં શોધવાનો મરણિયો પ્રયાસ કર્યો હતો.

કારીગરે ટોઇલેટ-બાથરૂમ કે ધોવણ-ચોકડીમાં ઢાળ પાડ્યો હશે તો એ ઢાળ એકવચનમાં નહીં, પણ બહુવચનમાં હશે. પાણી નાખીને જોશો તો ઢાળના મુદ્દે તમારા સહિત સંતોષી જીવ જગતમાં ભાગ્યે જ કોઈ હશે. તમે ઢાળની પોળની અંદર રહેતા હો કે ગુલબાઈ ટેકરા ઉપર, તમારા નસીબમાં ઢાળરેખા નથી જ હોતી! આવી જ હાલત કહેવાતા કાટખૂણા છોડી ચૂકેલી દીવાલોની છે. કારણ કે, જૂના ઘરમાં નવાં બારી-બારણાં-જાળી-ચોકઠાં બેસાડતાં મિસ્ત્રીમિત્ર પોતે, નેવું અંશના ખૂણાને ધ્યાનમાં રાખીને કામ નથી કરી શક્યા એ બદલ, ઘરસમારકામના પૂર્વસૂરિ એવા કડિયાકર્મીનો વાંક કાઢશે જ.

ઘરનું સમારકામ ચાલતું હોય ત્યારે, સૌથી અગત્યનું કામ પાણી પિવડાવવાનું હોય છે. અહીં, બરછટ માણસોને નહીં, પણ પ્લાસ્ટર દ્વારા લીસી થયેલી દીવાલોને પાણી પિવડાવવાનું હોય છે. ઘરધણી થઈને તમે દિવસમાં દીવાલોને બે વખત પાણી ન પિવડાવો તો બાંધકામ-બહાદુરો દોષની ટાંકી તમારા ઉપર ઢોળશે. કારણ કે, પ્લાસ્ટર ફાટી જવાથી જે તિરાડો પડે તેની મુખ્ય જવાબદારી નર્મદાનાં ન પહોંચેલાં નીરની સાથેસાથે, નર્મદાબહેનના ઘરવાળાની પણ હોય છે!

ઘરમાં પ્લાસ્ટર થઈ જાય પછી ભીંત કે છતને લાંબો સમય સુધી કોરી રાખવાનું આપણી સંસ્કૃતિમાં નથી. આથી, ઘરની છત અને દીવાલોને નવો રંગ પહેરાવવામાં આવે છે. કૌશલ્યપૂર્ણ રંગારાના કિસ્સામાં રંગના છાંટા અને બિનકુશળ રંગારાના કિસ્સામાં લપેડાથી ટાઇલ્સ કે કોટાસ્ટોનથી મઢેલું ભોંયતળિયું તેનાં અસલી રંગ-રૂપ ગુમાવી દે છે. આટલું ઓછું હોય એમ, જો સામાન બહાર કાઢ્યા વગર જ સમારયજ્ઞ આદર્યો હોય તો રંગ-રોગાન વેળાએ સામાનને ઓરડાની ચારે દીવાલોને અડકાડીને કે ઓરડાની મધ્યે રાખવો પડે છે. પણ રંગારાની કાર્યપદ્ધતિ અને કૂચડો એટલાં વ્યાપક હોય છે કે, રંગનાં અમીછાંટણાં સર્વત્ર ઝિલાય છે. જેના કારણે ઘરની તમામ ચીજ-વસ્તુઓ જાણે ધુળેટી રમી આવી હોય તેવું વાતાવરણ સર્જાય છે.

અત્ર-તત્ર-સર્વત્ર દૃશ્યમાન રંગ-ડાઘાના પુરાવાનો નાશ કરવા માટે સમગ્ર તંત્ર અને વ્યવસ્થા કામે લગાડવાં પડે છે. રંગારો તો એમ કહીને ઊભો રહી જાય છે કે, "સાહેબ, આમાં ખાસ ચિંતા કરવા જેવું નથી. કેરોસીનનું પોતું કરી નાખશો એટલે આ ડાઘા જતાં રહેશે." આપણા હાલ-હવાલ જોયા પછી રંગારાને એમ લાગતું હશે કે, સસ્તાં અનાજની દુકાનેથી આપણે દર મહિને કેરોસીન લાવતાં હોઈશું. આ પ્રયોગ કરવાની ફરજ પડે એટલે ડાઘા જતાં તો રહે, પણ જમતી વખતે દાળ-શાકનો કોળિયો લઈએ ત્યારે એવું લાગે કે, વઘાર કેરોસીનથી થયો છે. કારણ કે, કેરોસીનની વાસ એમ ઝટ દઈને હાથનો સાથ છોડવા તૈયાર થતી નથી.

ઘરનું સામાન્ય સમારકામ ક્યારેક તો ભવ્ય જીર્ણોદ્ધાર સુધી વિસ્તરે છે. જેમાં સામાનથી માંડીને સમય સુધીના તમામ અંદાજો ખોટા પડવા માટે જન્મ લે છે. બાથરૂમની વોશ-બેસિનમાં પાણી ભરાઈ રહેતું હોય તો તેના નિકાલ માટે પહેલા તબક્કામાં ગટર-જાળી, મધ્યમ તબક્કામાં ભૂગર્ભીય પાઇપ, અંતિમ તબક્કામાં ટાઇલ્સને બદલવાની ફરજ પડે છે. કોન્ટ્રાક્ટર બદલવાનો વખત ન હોય તો આખેઆખું વોશ-બેસિન બદલાવવું એ જ ફરજિયાત વિકલ્પ બાકી રહે છે.

તમે ભલે કાર્લ માર્ક્સના ચાહક હો તોપણ, ઘરના સમારકામમાં દુનિયાભરના શ્રમિકોને એકઠા કરવાનો વિચાર ભયજનક સાબિત થાય એમ છે. તમે આગોતરું આયોજન કરીને સમારકામના તબક્કા અને તે ક્રમાનુસાર શ્રમિકસેવા વિચારી હોય તો એ તમારી સમસ્યા છે. કારણ કે, અલગ અલગ પ્રકારનાં કામ માટે આવવા જોઈતા મજૂરો એવી રીતે ભેગા થઈ જાય કે તમે એકલા પડી જાવ! વળી, ઘરને સરખું કરાવવા માટે તમે માંડ રજા લીધી હોય, પણ એ દિવસે અને ખરેખર તો એ રાત્રે અમાસ હોય એટલે તમામ કારીગરો કામચલાઉ 'ધાર્મિક' બની જાય. તેઓ દિવસે અમાસ પાળે અને ધરાર ન આવે. આવું થાય ત્યારે આપણને તારીખનું નહીં, પણ તિથિનું મહત્વ સમજાય. ઈસવીસન કરતાં વિક્રમસંવત મહાન છે, એવું જાણવા માટે પણ સંસ્કૃતિગૌરવપુરુષોએ ઘરનું સમારકામ કાઢવું જરૂરી છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :
ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

No comments:

Post a Comment