Wednesday, August 12, 2015

હાથી સાથ બઢાના

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર 
.................................................................................................................................

સૌથી લાંબી એટલે કે બાવીસ મહિનાની સગર્ભાવસ્થા ધરાવવા છતાં હાથણીઓ 'જગમાં અમે, પહેલા ક્રમે'ના મિથ્યાભિમાનમાં રાચતી નથી. હાથણીનું બચ્ચું આશરે નેવું કિલોના વજન સાથે આ પૃથ્વી ઉપર 'ધમાકેદાર' અવતરણ કરે છે. હાથણીઓના અલાયદા ડૉક્ટર એટલે કે ગાયનેકો-એલિફન્ટોલોજિસ્ટ ન હોવાથી હાથણીઓની નોર્મલ ડિલિવરી (કુદરતી પ્રસૂતિ) થાય છે. જોકે, શંકર ભગવાને હાથીનું માથું વાઢીને તેને પોતાના પુત્રના ધડ ઉપર લગાવીને સૃષ્ટિની પહેલી શસ્ત્રક્રિયા કરી હતી. આ વાર્તાવર્ણન સાંભળીને 'ભગવાનથી આવું કરાય ખરું?'; 'પછી પેલા હાથીનું શું થયું?' એવા સવાલ ચારેક વર્ષની કોઈ પ્યારી દીકરી પૂછે ત્યારે ડાબા હાથે માથું ખંજવાળવું પડે.

આમ જોવા જઈએ તો હાથીની સૂંઢ એ નાકનો થયેલો વધુ પડતો વિકાસ છે. બહુહેતુકીય સૂંઢની મદદથી હાથી લાંબા શ્વાસ લઈ શકે છે, દૂરનું સૂંઘી શકે છે, સ્પર્શ કરે છે, વસ્તુ પકડે છે, અવાજ કરે છે, લડાઈ કરે છે. હાથીની સૂંઢ હાથ તરીકે પણ કામ આપે છે. જેના કારણે તે પોતાની આંખો પણ લૂછી શકે છે. હાથી સૂંઢથી મગફળીના કોચલાને એવી રીતે તોડી શકે છે કે સિંગદાણો આખો રહે! કોઈ પણ પ્રકારની સરકારી યોજના વગર પણ, હાથી સૂંઢ વડે જળસંચય કરી શકે છે. આ જ સૂંઢ નાહવા માટેનો ફુવારો પણ બની શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે. તેની સૂંઢમાં એક પણ હાડકું નથી હોતું. ગમે તેવો કામચોર હાથી પણ પોતાની સૂંઢથી ત્રણસો કિલોની આસપાસનું વજન ઊંચકી શકે છે. જોકે, શેરી-રસ્તા ઉપર જોવા મળતા હાથીની સૂંઢ ઉપર શહેરીજનો બે-પાંચ રૂપિયાનો સિક્કો મૂકે છે. આ સિક્કાઓને સાચવીને લગભગ પહેલા માળ જેટલી ઊંચાઈએ 'સલામત હાથ'માં પહોંચાડવા માટે હાથીને મોંઘા ભાવની ઊર્જા ખર્ચવી પડે છે. 

હાથીને ખૂબ મોટા કાન હોય છે. તેઓ ઘણું દૂરનું સાંભળી શકે છે. આમ છતાં હાથણી તો હાથીને એવું કહેતી જ હશે કે, 'ક્યારની બૂમો પાડું છું, છતાં સાંભળતો કેમ નથી?' હાથી પોતાના કાનને પકડ્યા વગર પણ હલાવી શકે છે. જેના કારણે પવન આવે છે અને તેને ગરમીમાં રાહત મળે છે. કુદરતે માણસને પણ હાથી જેવા મોટા કાન અને એ કાન હલાવવાનું કૌશલ્ય આપ્યું હોત તો સારું થાત. જેથી કરીને ગરમી અને બફારામાં તેને રાહત થાત. જોકે, કાળઝાળ ઉનાળામાં વાસણાથી ચાંદખેડા જતી પાંચસો એક નંબરની બસમાં ઊભેલા બધા મુસાફરો કાન હલાવે તો એમના કાન એકબીજાને અડકે, અને પરિસ્થિતિ 'ખતરકાન' થઈ જાય તો કહેવાય નહીં. વળી, આળસુ માણસ પોતે કાન ન હલાવે પણ બીજાની સાવ નજીક જઈને ઊભો રહે! આવી ગુસ્તાખી કોણ માફ કરે?

'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’માંથી ‘આપણે હાથી ખરીદીએ’ પ્રકરણ વાંચ્યા પછી 'દોઢા ગુજરાતી' તરીકે અમને કેટલાક સવાલ થવાના જ. અમે 'માહિતી અધિકાર કાનૂન'ની મદદ લીધા વગર પણ (ઓછા)લાગતા-(વધુ)વળગતાવાળાઓને આટલા સવાલ પૂછવા માંગીએ છીએ : મધ્યમ વર્ગના માણસને હાથીનો નિભાવ કેવી રીતે પોષાય? ઉદરટાંકીમાં ગંજાવર ખોરાક-પાણી પુરાવતો હાથી છેવટે કેટલી એવરેજ આપે? કોઈ મંદિરમાંથી સેકન્ડ હેન્ડ હાથી ખરીદીએ તો કિંમતમાં કેટલો ફેર પડે? હાથી ખરીદવા માટે લોન લઈએ તો એના ઉપર ભરવું પડતું વ્યાજ આવકવેરાની કઈ કલમ હેઠળ બાદ મળે? નવો હાથી ખરીદીએ તો કંપની વર્ષમાં કેટલી ફ્રી સર્વિસ કરી આપે? આપણે ગમે એટલા રૂપિયા ખર્ચીએ, પણ શહેરમાં કયો બિલ્ડર હાથી માટે અલાયદા પાર્કિંગની વ્યવસ્થા આપે છે?

અમદાવાદમાં ભદ્રકિલ્લાથી પાનકોરનાકા સુધી જઈએ તો રસ્તા ઉપર જગ્યા સિવાય બધું જ જોવા મળે છે. આવા વિસ્તારોમાં મોપેડ ચલાવો કે મોટરકાર, પરંતુ જગ્યા, ઝડપ, અને નિરાશા એકસરખી મળે છે. આ પરિસ્થિતિમાં શહેર સુધરાઈએ જાહેર ભાવપત્રક મંગાવીને હાથીસવારીની સેવા શરૂ કરવી જોઈએ. પ્રજાને ગમે તેટલી ઉતાવળ હશે તોય તેઓ રસ્તા ઉપર મહાકાય હાથીને જોઈને તેને આપમેળે જગ્યા કરી આપશે. જેના કારણે પ્રજામાં સહિષ્ણુતા અને ઉદારતાનો ગુણ કેળવાશે. હાથી ઉપર સવારી કરવાથી મોટેરાંને મહત્વ અને નાનેરાંને મનોરંજન મળી રહેશે. હાથીપીઠ ઉપર બેસનાર વિહંગાવલોકન કે સિંહાવલોકનની જેમ ગજાવલોકનનો લાભ લઈ શકશે. હાથીને મધુપ્રમેહ નથી હોતો એટલે તે કેળાં અને શેરડીની ના પાડતો નથી. જેના કારણે સમગ્ર રસ્તા ઉપર કેળાં અને શેરડી વેચવા માટેનાં પાથરણાં પથરાઈ જશે. આમ, સ્થાનિક માણસોને રોજગારી મળી રહેશે. જેના કારણે ધોળા દિવસે અમુક કલાકો પૂરતું બેકારીનું નિકંદન નીકળી જશે. આમ, હાથી થકી માહિતી, મનોરંજન, રોજગાર, અને પ્રવાસન જેવા હેતુઓ સિદ્ધ કરી શકાશે. ભદ્ર પ્લાઝા માટેની આ 'હાથીઆય યોજના' ધીરેધીરે કાંકરિયા કાર્નિવલ અને સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. 

નગરોમાં ચાર રસ્તા ઉપરનાં જાહેરખબરી પાટિયાં કરતાં હાથીનાં પડખાં વધારે અસરકારક સાબિત થાય એમ છે. કારણ કે, હોર્ડિંગ્સ એ સ્થિર માધ્યમ છે, જ્યારે હાથી એ જીવંત માધ્યમ છે. વળી, હાથીના જમણા પડખા ઉપર જાહેરખબર સંબંધિત ચિહ્ન-તસવીર-સૂત્ર-પંક્તિ-બયાન કર્યાં બાદ જગ્યા ખૂટે તો નીચેના ખૂણે 'અનુસંધાન માટે જુઓ આ જ હાથીનું ડાબું પડખું' એવી નોંધ મૂકી શકાય! આમ, હાથીનાં જમણા અને ડાબા એમ બન્ને પડખાંનો છૂટથી અને વટથી ઉપયોગ કરીને રૂપિયા રળી શકાય. હાથીના શરીરનાં અન્ય અંગો જેવાં કે, કપાળ, કાન, દાંત, સૂંઢ, પગ, પૂંછડી ઉપર ચોરસ ફૂટ લેખે ભાવ વસૂલીને જાહેરખબર ચીતરી શકાય. આ સારુ કેવળ કુદરતી રંગોનો જ ઉપયોગ કરીને આપણી પર્યાવરણીય નિસબતનો પરિચય કરાવવો જ રહ્યો. અહીં, હાથી ઉપર જાહેરખબર લખવા માટે જે વિશેષ અને વિશાળ ફોન્ટ વાપરવામાં આવે તેને 'એલિફોન્ટ' જેવું નિરાળું નામ આપી શકાય.

બે હજાર બારની સાલથી બારમી ઓગસ્ટનો દિવસ 'વિશ્વ હાથી દિવસ' તરીકે ઉજવાય છે. આપણે ભલે મહોલ્લાની મઝિયારી મિલકત સમાન દેશી ગલૂડિયું પણ ન પાળતાં હોઈએ, પરંતુ આવો હાથીખમ લેખ વાંચીને ઘરેબેઠાં 'વિશ્વ હાથી દિવસ'ની ઉજવણી કરી શકીએ છીએ. સૃષ્ટિમાં હાથીના અસ્તિત્વ સામે પડકાર ઊભો થયો છે. માનવજાતે 'હસ્તીત્વ' બચાવવા માટે નક્કર પગલાં લેવાં જ રહ્યાં. આથી, અમે નક્કી કર્યું છે કે, જુવાનીમાં હાથીદાંતનું કડું ન પહેરવું અને બુઢાપામાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવું. દરેક વખતે અમારાથી ઊંધું જ વિચારતા કેટલાક મિત્રો જુવાનીમાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવાનો અને બુઢાપામાં હાથીદાંતનું કડું ન પહેરવાનો નિર્ધાર કરી શકે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

6 comments:

  1. હથીખમ લેખ વાંચીને અડીખમ મજા પડી

    ReplyDelete
  2. Atlu long nak hiva chata hati a kyarek "nak kapvyu" hoy evu s sambhryu nathi...apna "nak vagar" na neta log ni jem ...

    ReplyDelete
  3. હાથીઓની દૂનિયા બાબતે અવનવું જાણવા મળ્યું

    ReplyDelete