Friday, July 1, 2016

પરીક્ષાર્થીઓને સૂચનાઓ અને શુભેચ્છાઓ | Instructions & Wishes to the Examinees


પરીક્ષાના દિવસો દરમિયાન, તન-મન સ્વસ્થ રાખો. 

મોબાઇલ ફોનથી શક્ય એટલા દૂર રહો. 

ઉજાગરા ટાળો. પૂરતી ઊંઘ લો.

સવારે વહેલાં ઊઠો. પ્રકૃતિને કે પ્રભુને યાદ કરીને, ધ્યાન કે પ્રાર્થના કરો.

થોડો વખત ખુલ્લી હવામાં ચાલો. કૂણા તડકામાં હળવી કસરત કરો. 

ઊંડા શ્વાસ લો. યોગ અને આસન કરો.

સાત્વિક અને પૌષ્ટિક ખોરાક લો. પૂરતું પ્રવાહી લો.

પરીક્ષા-સ્થળે, નિર્ધારિત સમય કરતાં થોડા વહેલાં પહોંચવું હિતાવહ છે. વ્યક્તિગત વાહનનો કે જાહેર પરિવહનનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓએ, પરીક્ષાના દિવસો દરમિયાન ખૂબ જ સાવચેતીપૂર્વક સમય-આયોજન કરવું. પરીક્ષા શરૂ થઈ જાય પછી પ્રવેશ ન મળે તો પરીક્ષા-નિરીક્ષક સાથે તકરાર ન કરવી.

શૈક્ષણિક ઓળખપત્ર અને પરીક્ષાખંડ પ્રવેશ પરવાનો (એક્ઝામ હૉલ ટિકિટ) અનિવાર્ય છે.

શૈક્ષણિક ઓળખપત્ર આપવામાં ન આવ્યું હોય તો, આધાર કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ વગેરે પૈકીનું કોઈએક અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું હિતાવહ છે.

પરીક્ષા માટે અનિવાર્ય સાધન-સામગ્રી લઈને જવું.

વાચન-સામગ્રી પરીક્ષાખંડની અંદર લઈ ન જવી. 
ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ ન લઈ જવી.
 
વીજાણુ ઉપકરણો ન જ લઈ જવાં.

મોબાઇલ ફોન લઈને પરીક્ષાખંડમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. મોબાઇલ ફોન સહિતની કોઈપણ  ચીજવસ્તુઓ સાચવવાની જવાબદારી, પરીક્ષા-નિરીક્ષકોની નથી. 

પરીક્ષાર્થીઓએ પોતાના જોખમે જ મોબાઇલ ફોનને પરીક્ષાખંડની બહાર મૂકવો. મોબાઇલ ફોન બંધ કે મૂંગો કરીને મૂકવો. એ પણ તપાસી લેવું કે મોબાઇલ ફોનનાં તમામ એલાર્મ અને નોટિફિકેશન બંધ કરવામાં આવ્યાં છે. 

પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા બાદ અન્ય પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરવાની મનાઈ છે. 

પ્રાર્થનાનો ઘંટ વાગે ત્યારે, સમૂહમાં સંક્ષિપ્ત સર્વધર્મપ્રાર્થના કરવી.

વિદ્યાર્થીઓએ પરીક્ષા-નિરીક્ષકો સાથે વિવેકપૂર્ણ વર્તન કરવું. કોઈ સમસ્યા હોય તો અન્ય પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે એ રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરવી.

શરીર-પોશાક, દુપટ્ટા-રૂમાલ, ઢાળિયા-પાટલી, ભીંત-ભોંય ઉપર કશું જ ન લખવું. જે લખવું હોય એ ઉત્તરવહીમાં જ લખવું!

પરીક્ષામાં ચોરી કરવી કે ચોરી કરાવવી એ ગંભીર અપરાધ છે. આ ગુના બદલ સત્ર રદ થવાથી માંડીને અમુક વર્ષ સુધી પરીક્ષામાં ન બેસી શકવા સુધીની સજા થઈ શકે છે.

પ્રશ્નો કાળી શાહીથી લખી શકાય. જવાબ વાદળી શાહીથી લખી શકાય.

લાલ-લીલી જેવી રંગબેરંગી શાહી ન વાપરવી.

ઉત્તરવહીમાં પહેલા પાના ઉપર, પરીક્ષા-બેઠકક્રમાંક સહિતની જરૂરી વિગતો ભરવી.

ઉત્તરવહી ઉપર પરીક્ષાર્થીએ પોતાનું નામ લખવાનું નથી કે સહી કરવાની નથી.

ઉત્તરવહી ઉપર પરીક્ષા-નિરીક્ષકની સહી હોવી અનિવાર્ય છે.

આખું પ્રશ્નપત્ર ધ્યાનથી વાંચી જવું.

આપણે એવા અક્ષરો કાઢવા કે, ઉત્તરવહી તપાસનાર વ્યક્તિ પણ વાંચી શકે!

અક્ષરો ઝીણા કે મોટા નહીં પણ માપસરના કાઢવા. સાવ ભેગાભેગા કે છૂટાછવાયા અક્ષરો ન કાઢવા.

ગુજરાતી કે હિંદી ભાષામાં લખાણ લીટીની ઉપર લખવું. અંગ્રેજી ભાષામાં લખાણ લીટીની નીચે લખવું. ઉત્તરવહીની ભાષા કોઈપણ હોય, લખાણ બે લીટીની વચ્ચે ન લખવું.

ઉત્તરવહીમાં પ્રશ્ન પણ લખો. જેથી ખબર પડે કે જવાબ કયા પ્રશ્નનો છે!

મુખ્ય પ્રશ્નો જ પહેલા લખવા. ટૂંકનોંધ છેલ્લે જ લખવી.

જેટલી ટૂંકનોંધ પૂછી હોય એટલી જ ટૂંકનોંધ લખવી. ચારમાંથી બે ટૂંકનોંધ લખવાનું કહ્યું હોય તો કોઈપણ બે જ ટૂંકનોંધ લખવી. ચારેચાર ટૂંકનોંધ લખવાથી સમય વધારે જશે અને ગુણ ઓછા થશે! યાદ રાખીએ કે, ગમે તે બે ટૂંકનોંધ લખવાની છે. ગમે તેમ બે ટૂંકનોંધ લખવાની નથી!

દરેક સવાલનો જવાબ લખવો. કોઈએક પ્રશ્ન આખેઆખો છોડી દઈએ તો સારા ગુણ મેળવવાની શક્યતા ઘટી જાય.

દરેક પ્રશ્નનો જવાબ લખતી વખતે પૂરો સમય આપવો. એક પ્રશ્નનો જવાબ લખવામાં ખૂબ સમય આપવાથી અન્ય જવાબો માટે સમય ખૂટે. પરીક્ષામાં સમય-આયોજન અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે.

આ પરીક્ષા છે, પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન નહીં. જવાબનું લખાણ એક-એક વાક્યના મુદ્દા પાડીને ન લખવું. લખાણ પાંચ-સાત વાક્યોના ફકરા પાડીને લખી શકાય.

કોઈપણ સવાલના જવાબ બહુ લાંબા ન લખવા અને સાવ ટૂંકા ન લખવા. સામાન્ય રીતે મોટા સવાલના જવાબ પાંચ-સાત પાનાં પૂરતા સીમિત રાખી શકાય. ટૂંકનોંધના જવાબ ત્રણ-ચાર પાનાં પૂરતા સીમિત રાખી શકાય.

જવાબમાં ઇતિહાસક્રમ (ક્રોનોલોજી) જળવાય એ આવશ્યક છે.

જરૂર જણાય ત્યાં, રસપ્રદ ઉદાહરણો આપવાં.

જવાબો મુદ્દાસર અને તબક્કાવાર લખવા.

આવશ્યકતા અનુસાર, આકૃતિઓ દોરવી. જરૂરી હોય તો, આલેખો અને કોષ્ટકો પણ રચવાં. 

પરીક્ષાના સમય પહેલા અને પરીક્ષાના સમય પછી બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું. 

પરીક્ષાના સમય દરમિયાન તો ચર્ચાઓ કરવાનો કોઈ અવકાશ જ હોતો નથી!

કોઈ પ્રશ્નનો જવાબ અધૂરો ન છોડવો. આ જ રીતે કોઈ વાક્ય પણ અધૂરું ન રાખો.

પ્રશ્નોના જવાબો લખતી વખતે, ઉત્તરવહીમાં ક્યાંય પણ પાનાં કોરાં ન છોડવાં.

છેલ્લી દસ મિનિટ બાકી હોય ત્યારે, તમામ જવાબ ફરી વાંચી જવા.

મુખ્ય ઉત્તરવહી સાથે લીધેલી પુરવણી દોરાથી બરાબર બાંધવી.

નિર્ધારિત સમય પહેલાં પરીક્ષાખંડ ન છોડવો. અંતિમ ઘંટ વાગે એટલે ઉત્તરવહી જમા કરાવીને શાંતિપૂર્ણ રીતે અને સસ્મિત ચહેરા સાથે પરીક્ષાખંડમાંથી વિદાય લેવી.

ઘરે કે છાત્રાલયે સમયસર પહોંચીને, મહેનત અને મનોબળ સાથે, આગામી પ્રશ્નપત્ર માટેની તૈયારી શરૂ કરી દેવી!

યાદ રાખો કે, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, જીવન જ ખુદ એક પરીક્ષા છે!

પરીક્ષા લેનારને અને પરીક્ષા આપનારને શુભેચ્છાઓ!

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ

No comments:

Post a Comment