Sunday, July 17, 2016

દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

વિશ્વવિદ્યાલયના પરિસરમાં રહેઠાણ પાસેની ખુલ્લી જગ્યામાં ખાખરો, ઊમરો, લીમડો, કાસીદ, કણજી, વડ જેવાં ઝાડ ભારે જહેમતપૂર્વક ઉછેર્યાં છે. વૃક્ષો ઉપર પક્ષીઓની ઊડાઊડ અને ખિસકોલીઓની દોડાદોડ વચ્ચે, ક્યારેક વાનરટોળી જોવા મળે છે. તેઓ નિર્દોષ ચેષ્ટાથી માંડીને નર્યું તોફાન કરે છે. ઉનાળાના એ આકરા દિવસોમાં, વાંદરાએ વટવૃક્ષ ઉપર ઝંપલાવ્યું. જેના કારણે ડાળી બટકાઈ ગઈ. એની ઉપર ઊગેલી વડવાઈઓ હજુ તો ધરાસ્પર્શનું સુખ માણે એ પહેલાં ખુદ ડાળી જ જમીનને અડી ગઈ! છાલના સહારે લટકી રહેલી ડાળીને કાપીને અન્ય જગ્યાએ રોપવાનો વિચાર ઊગ્યો. રજાના દિવસની રાહ જોવામાં થોડા દિવસો પસાર થઈ ગયા. છેવટે ૧૫-૦૫-૨૦૧૬નો દિવસ રવિવાર બનીને આવ્યો. એ એવી 'યાદગાર' રજા હતી કે જે દિવસે વડલાની એક નવી શાખા ખુલવાની હતી! ઘરથી પચાસેક ડગલાં દૂર આવેલી જગ્યાને સાફ કરીને, પડોશી મિત્ર સંજયની મદદથી આશરે બે ફૂટ ઊંડો ખાડો ખોદ્યો. લગભગ છ ફૂટ લાંબી એ ડાળીને કાપીને, એને વડવાઈઓ સહિત ખાડામાં રોપી દીધી. ક્યારો બનાવીને જળઅર્પણની ઔપચારિકતા કરી દીધી. ડાળીના રક્ષણ માટે જૂનું ઝાડપિંજર(ટ્રી ગાર્ડ) પણ ગોઠવી દીધું. જોકે, ડાળીરોપણીને અશ્રદ્ધાની આંખે જોનારા સાક્ષીઓએ આ આખો કાર્યક્રમ નિષ્ફળ જશે એવી આગાહી પણ કરી!

નિયમિતપણે, ક્યારામાં પાણી આપવાનું ચાલુ રાખ્યું. ચાના નકામા કૂચાને પણ પાણી સાથે ભેળવીને નાખવાનું નહીં ભૂલવાનું. રસોડાની આડપેદાશ એવાં શાકભાજીનાં છોતરાં અને ફળનાં છીલટાંથી ક્યારાની માંગને ભરવાનું શરૂ કર્યું. સજીવ કચરો સડે અને ખાતર તૈયાર થાય એ માટે તેની ઉપર થોડી માટી પણ વાળી દેવાની. ક્યારાની માટીને ખૂરપી વડે સાવચેતીપૂર્વક ઉપરતળે કરવાની. દીકરીના માથે હેતથી હાથ ફેરવતાં હોઈએ એ રીતે ડાળીની ટોચે રોજરોજ હાથ ફેરવવાનો. જોકે, વડની ડાળી ઉપરનાં જૂનાં પાંદડાં સૂકાવા માંડ્યાં. આટલું ઓછું હોય એમ, એ અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ ડીગ્રી સેન્ટિગ્રેડની આસપાસ આંટા મારવા લાગ્યો. છોડને ટકાવવા માટે ક્યારામાં ભેજ જાળવવો જરૂરી લાગ્યો. આથી, મિનરલ વોટરની ખાલી બૉટલના બૂચમાં પુશ-પિનથી કાણું પાડ્યું. આ બાટલીમાં નળનું પાણી ભરીને, તેને ઝાડપિંજરના સહારે ઊંધા માથે લટકાવી. બૉટલના તળિયે પણ છિદ્ર પાડ્યું. જેથી, બૂચમાંથી ટીપાં ક્યારામાં સતત પડતાં રહે. થોડા દિવસોમાં, વડની ડાળીને 'શ્રદ્ધારૂપી' કૂંપળો ફૂટી. હવે, વરસાદે વૃક્ષને પાણી પાવાની જવાબદારી સ્વીકારી લીધી છે. બે મહિનામાં તો વડની ડાળીએ ઘણાં બધાં લીલાં પાંદડાં પહેરી લીધાં છે!

…………………………………………………………………………………………
સૌજન્ય :

દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૭-૨૦૧૬, રવિવાર

1 comment:

  1. તમારી લાગણી,પ્રેમ અને કેળવણી નું પરિણામ જોયું અને અનુભવ્યું...છોડ પણ સ્પર્શ દ્વારા હુંફ મેળવે તે જોયું...!
    છોડ,વૃક્ષ,પ્રાણી,પક્ષી તેમજ અજીવિત ભૌતિક બાબતો ચોક્કસ વાતાવરણ,આબોહવા,સમય(ઋતુ) કે પરિસ્થિતિમાં જ વિકસે છે..પણ પ્રતિકુળ પરિસ્થિતિ માં પણ તે શક્ય બને..તે જોયું.

    ReplyDelete