આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
૧૯૯૦ આસપાસનાં એ વર્ષોમાં અમદાવાદમાં રીંછના ખેલ જોવા મળતા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર-છ મહિને રીંછના ખેલ ફરતા રહેતા. સામાન્ય કદ-કાઠીનો પરપ્રાંતીય માણસ પોતાની સાથે કદાવર રીંછને લઈને આવતો. તડકામાં રખડીરખડીને કાળો થઈ ગયેલો અને ખરેખર તો કાળા રીંછને લઈને ફરતો રહેતો એ માણસ 'કલ્લુભાઈ મદારી'ના નામે ઓળખાતો. કલ્લુભાઈના એક ખભે ઝોળો અને બીજા હાથમાં રીંછની લગામ જોવા મળતી. કોઈ પણ કંપનીના સાબુ-શૅમ્પૂ ન વાપરવાના કારણે, રીંછના માથા ઉપર જ નહીં, પરંતુ આખા શરીરે ઘાટા, ચળકતા, કાળા, વાળ જોવા મળતા. રીંછનો માલિક ડુગડુગી વગાડતો અને ઘરમાંથી છોકરાં ચોક તરફ દોટ મૂકતાં. માલિકની હિંદી ભાષા રીંછને સમજાય એટલી સરળ હતી. જેના કારણે રીંછ ખેલ કરે અને છોકરાં ખી ખી કરે. કલ્લુભાઈ રીંછને પૂછે કે, 'તુ સસુરાલ જાએગા તો કૈસે ચલેગા?' આના જવાબરૂપે રીંછડો બે પગે ઊભો થઈને, લાકડીને બન્ને ખભા ઉપર રાખીને, રૂઆબભેર ડગલાં માંડતો. બાદમાં, કલ્લુભાઈ રીંછને પૂછતા કે, 'તેરી મા મર જાએગી તો તુ રોએગા?' રીંછભાઈ માથું ધુણાવીને સ્પષ્ટ 'ના' કહેતા. આ જ પ્રશ્નમાં થોડો ફેરફાર કરીને 'મા'ની જગ્યાએ 'બાપ', 'બહન', 'ભાઈ' જેવા વૈકલ્પિક શબ્દો વાપરીને કલ્લુભાઈ રીંછને પૂછતા રહેતા. દરેક સવાલ વખતે રીંછ નકારસૂચક શિરચેષ્ટા કરે. છેવટે, કલ્લુભાઈ એમ પૂછે કે, 'તેરી બીવી મર જાએગી તો તુ રોએગા?' આ પ્રશ્ન સાંભળતાંની સાથે જ, રીંછ બન્ને 'હાથ'ને આંખો ઉપર ઢાંકીને રડવાનો અભિનય કરે અને આબાલવૃદ્ધ એમ સૌ કોઈ ખડખડાટ હસી પડતાં.
Representative Photograph : Dr. Ashwinkumar પ્રતિનિધિરૂપ છબી : ડૉ.અશ્વિનકુમાર Zoo, Darjeeling / પ્રાણીઘર, દાર્જીલિંગ |
આવાં તો ઘણાં દૃશ્યો ધરાવતાં ખેલની વચ્ચેવચ્ચે માલિકની ડુગડુગી અને પ્રેક્ષકોની તાળીઓ સંભળાતી રહેતી. ખેલ પૂરો થાય એટલે રીંછમાલિક ઉઘરાણું કરતો અને લોકો યથાશક્તિ ફાળો આપતા. રીંછનો માલિક નજરદોષ-નિવારક દોરા અને તાવીજ પણ બનાવી આપતો. જે બાળકને નજર લાગી હોય તેને રીંછ ઉપર બેસાડવામાં આવતું. આ રીતે કાળા રીંછ ઉપર બેસવાથી નજર ઊતરી જાય એવી માન્યતાના એ દિવસો હતા! બીમાર બાળક માટે રીંછનો જીવંત સ્પર્શ રોમાંચક બની રહેતો. હિંદુ અને મુસલમાન બાળકોની નજર ઉતારવાના દોરા-તાવીજ બનાવી આપવા બદલ 'કલ્લુભાઈ રીંછવાળા'ને થોડા રૂપિયા મળી રહેતા. પ્રાણી-અત્યાચાર વિરોધી કાયદાના ડરના કારણે, રીંછના ખેલ બંધ થઈ ગયા છે. મનોરંજનના આવા 'રીંછક' ખેલ કરીને પેટિયું રળી ખાતાં માણસોએ બીજા ધંધા શોધી કાઢ્યા છે. શહેરનાં બાળકો પણ મોટા ભાગે ટેલીવિઝનના પડદા ઉપર જ રીંછને જોઈને સંતોષ મેળવે છે!
…………………………………………………………………………………………………
સૌજન્ય :
જ્યારે શહેરમાં રીંછ જોવા મળતાં!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૬, રવિવાર
No comments:
Post a Comment