Monday, August 15, 2016

ગૂજરાત વિદ્યાપીઠમાં સિત્તેરમા સ્વાતંત્ર્યદિનની સાદગીપૂર્ણ ઉજવણી


મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વદેશના સિત્તેરમા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજવંદનના કાર્યક્રમનો પ્રારંભ સવારે બરાબર આઠ કલાકે 'વંદે માતરમ'ના સમૂહ ગાનથી કરવામાં આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠની સન્માનપૂર્ણ પરંપરા અનુસાર, સંસ્થાના શ્રમિક કે સેવકના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવે છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે, છાત્રાલયના રસોઈકર્મી લક્ષ્મણસિંહ રાજપૂતે ત્રિરંગાને ફરકાવ્યો હતો અને 'ઝંડા ગીત'ના સમૂહ ગાન સાથે સલામી આપી હતી. ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લાં ત્રીસેક વર્ષથી સેવારત લક્ષ્મણસિંહે ટૂંકા પ્રવચનમાં, વિદ્યાપીઠની પવિત્ર ભૂમિ ઉપર કામ કરવાનો અવસર મળવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ત્રિરંગો લહેરાવવાની તક આપવા બદલ સૌનો આભાર માન્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલાબહેન ભટ્ટે અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે, 'દેશનો દરેક માણસ સ્વરાજ ભોગવી શકે ત્યારે જ સાચું સ્વરાજ મળ્યું એમ કહેવાય. માનવતાનાં મૂલ્યો જળવાય અને માનવીનું ગૌરવ સચવાય તે જ આપણા જીવનનો રાહ બનવો જોઈએ. માનવતાનો હ્રાસ થાય એવું કશું જ આપણને ન ખપે. આપણા માટે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, પણ જણ જણ સમાન છે.'

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, ટ્રસ્ટી ડૉ. સુદર્શન આયંગાર, 'જનજાગૃત' ગ્રામશિલ્પી જલદીપ ઠાકર, શિક્ષકો, સેવકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રાધ્યાપક ડૉ. કમલેશ પટેલે કર્યું હતું. 'જન ગણ મન'ના સમૂહ ગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠના 'બોચાસણ ગ્રામસેવાકેન્દ્ર'ની ગૌશાળાના પેંડાથી સૌએ મોં મીઠું કર્યું હતું. સભાખંડમાં 'કુમાર વિનય મંદિર'ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

.................................................................................................................................
લેખન : ડૉ. અશ્વિનકુમાર / અમદાવાદ / ૧૫-૦૮-૨૦૧૬ / ashwinkumar.phd@gmail.com

1 comment:

  1. Dear Ashwinbhai,
    Thanks for the report. It is indeed a pleasure to celebrate the Independence Day in a simple way, more so when we hear the loud and shrill announcement of 'nationalism' of some as greater and better than the nationalism of 'others'.
    I also feel that we have this nice culture where our support staff hoist the flag. But of late, I have this nagging doubt that this custom is just a mere tokenism. I have a feeling that whatever we say, the support staff members are certainly not considered as equal to other staff members - academic or admin. I hope that I am wrong in this.
    I hope for a more equal and just society. Happy Independence Day.
    Amar

    ReplyDelete