Sunday, December 4, 2016

'મેલો' : મરણની જાણ કરતો મરદ

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

આધુનિક યુગમાં વ્હોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર, ઈ-મેઇલ, એસ.એમ.એસ. જેવી સુવિધાઓથી સંદેશા અને સમાચાર ઝડપથી ફરી વળે છે. એક જમાનામાં, મહોલ્લામાં સમ ખાવા પૂરતો એકાદ ટેલીફોન માંડ જોવા મળતો. એમાં પણ ટેલીફોનનું ડબલું ક્યારે 'ઠપ્પ' થઈ જાય એ કહેવાય નહીં! સંદેશા-વ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે, કોઈ સ્વજનનું મરણ થાય ત્યારે કુટુંબીજનોએ સગાં-સંબંધીઓને એ ખબર પહોંચાડવા માટે મરણિયા પ્રયાસો કરવા પડતા. દાખલા તરીકે, અમદાવાદમાં પટ્ટણી (વણકર) જ્ઞાતિએ મરણની ખબર મોકલવા માટેની મુખ્ય જવાબદારી જે માણસને સોંપી હતી તેને 'મેલો' કહેવાતો. જ્ઞાતિએ 'વાલ્મીકિ' એવો મેલો સમાચાર અને સાઇકલ લઈને નીકળી પડતો. મેલો ચોક્કસ વસ્તીમાં જઈને પોકાર પાડતો. જેમાં મૃતક વ્યક્તિનાં નામ-ઠામ અને અંતિમયાત્રાનાં સ્થળ-સમયની વિગતોનો સમાવેશ થતો. મેલો આ એકમાત્ર ખબરનું ઊંચા સાદે પુનરાવર્તન કરતો.

આ ખબર સાંભળતાંની સાથે, એ નાતના માણસો ઘરમાંથી બહાર દોડી આવતા. અંગત સગા-સંબંધીના મરણના સમાચાર હોય તો રોકકળ મચી જતી. મૃતક વિષયક પૂછપરછ થાય તો તેના જવાબો આપીને મેલો અન્ય વિસ્તાર તરફ સાઇકલ હંકારી જતો. 'શ્રી પટ્ટણી (વણકર) જ્ઞાતિ સંઘ'ના પૂર્વ પ્રમુખ નવનીત લાલજીભાઈ પટ્ટણી જણાવે છે કે, 'મેલો જ્યારે મરણના સમાચાર આપવા માટે આવતો ત્યારે, 'આજે કોની વિકેટ પડી?' એવો પ્રશ્ન પૂછીને ઇતર કોમના લોકો ક્યારેક તેની હાંસી પણ ઉડાવતા. આથી, ઈ.સ. ૧૯૮૪માં અમારી જ્ઞાતિએ બંધારણમાં સુધારો કરીને મેલો મોકલવાની પ્રથા બંધ કરી દીધી.' આમ, શહેરના સમાજજીવનમાંથી ખુદ 'મેલો' નામશેષ થઈ ગયો!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૨-૨૦૧૬, રવિવાર

No comments:

Post a Comment