 |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
 |
શ્વેતા રાવ ગર્ગ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
 |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
‘શ્વાસ’ કાર્યક્રમ : વીતેલાં બે વર્ષ વિશે લખવા માટે, ચિત્ર દોરવા માટે ...
આજે શનિવારે અને આવતી કાલે રવિવારે સાંજે 5.30 થી 8.00 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની સામેની બાજુ આવેલી અમદાવાદની ગુફાના પરિસરમાં એક રસપ્રદ કાર્યક્રમ યોજાયો છે. તેનું નામ ‘શ્વાસ’ છે. તેનું પેટાશીર્ષક છે : ‘ કલા થકી દર્દ, ઉમ્મીદ અને અહેસાનીમાં સામેલગીરી’ ; અંગ્રેજીમાં ‘ An Art Intervention on Loss, Hope and Gratitude’.
પ્રોફેસર શ્વેતા રાવ-ગર્ગે યોજેલી આ ઇવેન્ટનો એકંદર આશય મહામારીએ જગવેલી લાગણીઓની અભિવ્યક્તિને સ્થાન પૂરું પાડવાનો છે.
બિલકુલ મુક્ત પ્રકારની આ ઇવેન્ટમાં મુલાકાતી કેનવાસ પર જે લખવું હોય તે લખી શકે અને દોરવું હોય તે દોરી શકે ; અને આ બંને બાબતો બધાં જોઈ શકે.
ઇવેન્ટમાં આ કેવી રીતે બને છે ? ગુફાના પરિસરમાં પ્રવેશતાં જમણી બાજુ થોડાંક પગથિયાં ચઢતાં ઉપરની બાજુ જાળીવાળા સ્ટૅન્ડ પર મોટાં કેનવાસ લગાવેલાં છે. આ કેનવાસ પર આપણી વાત મૂકવાની. આપણાં માટે કેનવાસની બાજુમાં પેનો, સ્કેચપેનો, રંગીન ચોરસ ચબરખીઓ હોય. ઉઘડી રહેલી વસંતની સાંજ પ્રસન્નતાકારક હોય.
'શ્વાસ' ઉપક્રમનો હેતુ શો ?
કાર્યક્રમના આયોજક પ્રોફેસર શ્વેતા રાવ-ગર્ગ શ્વાસ વિશેની માહિતી નોંધમાં કહે છે : ' વીતેલાં બે વર્ષોમાં આપણાંમાંથી ઘણાંએ પ્રિયજનોને ગુમાવ્યાં છે. દરેકનું દર્દ એનું પોતાનું હોય છે એ ખરું, પણ દર્દનો ઇલાજ એની સહિયારી વાત કરવામાં છે. 'શ્વાસ'માં આપણને આપણી યાદો, અને આપણાંમાંથી હંમેશ માટે ચાલી નીકળેલાં આપણાં વહાલસોયાંનાં સંભારણાંને આપણે કલા થકી અનુભવીશું. 'શ્વાસ' એ કલા થકી એકબીજાના દર્દમાં ભાગીદાર થવાની સહિયારી કોશિશ છે. આ એક એવો કાર્યક્રમ છે કે જેમાં વેદનાથી લઈને આભાર સુધીની આપણી લાગણીઓ આપણે શબ્દોથી કહીએ કે રંગરેખાઓથી આળેખીએ.'
પહેલાં ત્રણ કેનવાસમા માનવીની ચહેરા વિનાની આકૃતિ છે. કાર્યક્રમનો મુલાકાતી તેમાં ગુમાવેલાં સ્વજનોનાં નામ લખી શકે, તેમનો સ્કેચ બનાવી શકે કે તેમને વિશે કંઈ લખી પણ શકે.
પછીનાં બે કૅનવાસનાં મથાળાં છે ' Before I die…' અહીં જીવન દરમિયાનની લાગણીઓ અને આકાંક્ષાઓ વિશે ચૉક વડે લખાણ લખી શકાય, અથવા ચિત્રો દોરી શકાય. આ પ્રકારના કેનવાસની પરિકલ્પના કૅન્ડી ચાન્ગ નામના અમેરિકન કલાકાર, ડિઝાઇનર અને અર્બન પ્લાનરની છે. તેમના ખૂબ નજીકના મિત્રના મૃત્યુના શોકમાં તેમને આ આર્ટ પ્રોજેક્ટે રાહત આપી હતી. 2011 થી શરૂ થયેલ આ ઇન્ટરઍક્ટિવ આર્ટ વર્ક દુનિયાભરમાં પાંચેક હજાર વખત ઉપયોગમાં લેવાયું છે.
એક ફ્લેક્સનું મથાળું છે ' I am grateful to…' અર્થાત્ હું આભારી છું. અહીં પોસ્ટ-ઇન-નોટસ (એટલે કે ચોંટાડી શકાય તેવી વિવિધરંગી ચોરસ ચબરખીઓ) પર તમારા દિલનો અહેસાનમંદગીનો ભાવ લખી શકાય, નાનકડાં ચિત્ર/સુશોભન દ્વારા દોરી શકાય.
' What made you happy today ?' ફ્લેક્સમાં ખુશી આપનાર બાબત વિશે લખી શકાય, આર્ટ પેપરથી કામ પણ કરી શકાય. આમાં ખાસ તો બાળકો ચિત્ર અને હસ્તકલા કરે.
કોવિડમાંથી બહાર આવવાની શરૂઆતના તબક્કામાં આવી ઇનૉવેટીવ ઇવેન્ટનું આયોજન શ્વેતાબહેનની સમાજમાનસની ઊંડી સૂઝ બતાવે છે. શ્વેતા ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજિમાં અંગ્રેજીના અધ્યાપક હોવા ઉપરાંત ચિત્રકાર અને કવિ છે. તાજેતરમાં Of Goddesses and Women નામનો તેમનો કાવ્યસંગ્રહ દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે. આ જ નામ હેઠળ તેઓ પોતાનાં દૃષ્ટિપૂર્ણ ચિત્રોનું પ્રદર્શન પણ યોજી ચૂક્યાં છે. તેમાં તેમણે ભારતની સ્ત્રીઓનાં વિવિધ રૂપ ચીતર્યાં હતાં. ફુલબ્રાઇટ સ્કૉલર શ્વેતા શેક્સપિયર પરનાં તેમનાં ચિત્રોનું The Bard in Acrylic નામનું પ્રદર્શન પણ યોજી ચૂક્યાં છે.
'શ્વાસ' ઇવેન્ટમાં શ્વેતાને આર્ટ ક્યુરેટર મુક્તિ ચૌહાન અને હિંડોલ બ્રહ્મભટ્ટ, સ્વાતિ રાવની મદદ મળી છે. પતિ ગગન ગર્ગ અને માતપિતા સહિત સ્થળ પર પૂરો સમય ઉપસ્થિત રહેનાર પરિવારનો ટેકો મળ્યો છે જે પોતાની રીતે બહુ સુંદર બાબત છે.
ગઈ કાલ શુક્રવારે કાર્યક્રમની પહેલી સાંજે મુલાકાતીઓ પોતપોતાની વાત કેનવાસેસ પર મૂકી રહ્યાં હતાં. તદુપરાંત ત્રણ આમંત્રિતોએ કોવિડ દરમિયાનના તેમના અનુભવોનું ટૂંકમાં બયાન કરીને કાવ્યપઠન કર્યું. તેમાં હતાં ચિત્રકાર-લેખક એસ્થર ડેવિડ,પર્ફૉમન્સ આર્ટિસ્ટ અને અમદાવાદના મિરઝાપુરમાં આવેલાં ‘કૉન્ફ્લિક્ટોરિયમ’ નામના અનોખા મ્યુઝિયમના સ્થાપક અવની સેઠી, અને સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ઇશ્મીત કૌર.
ઘણો સમય, શક્તિ અને ખર્ચ માગી લેતી આવી ઇવેન્ટ અમદાવાદ જેવાં શહેરમાં શ્વેતા શા માટે યોજે છે ? - કારણ કે કોવિડની આપત્તિમાં લોકોએ જે વેઠ્યું તેને પબ્લિક આર્ટના માધ્યમથી બધાની સાથે શેર કરવી એ લોકોના પોતાના માટે શાતાદાયક અને જરૂરી છે તેની તેમને ખબર છે. લોકોના દુ:ખમાં ભાગીદાર બનવા માટેની આ નિ:સ્વાર્થ, નિરપેક્ષ મથામણ છે.
શ્વેતા લખે છે : ‘શ્વાસ’માં આવો શ્વસવા માટે, કહેવા માટે. ‘શ્વાસ’માં આવો કવિ અને કલાકારો પાસેથી તમારાં મનમાં વસી જાય તેવું કંઈક અનુભવવા માટે. ‘શ્વાસ’માં આવો કલાની અભિવ્યક્તિ જોવા માટે.’
(લેખ-સૌજન્ય : સંજય સ્વાતિ ભાવે)