મોટા ભાઈ લક્ષ્મીદાસ સાથે નાના ભાઈ મોહનદાસ
Photo-Courtesy : google image
બીડીઓનાં ઠૂંઠાં ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બન્ને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું.
કડું કપાયું. કરજ ફીટ્યું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તો? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્યું.
છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.
કરમચંદ ઉત્તમચંદ ગાંધી
Photo-Courtesy : google image
મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા.
તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠા થયા હતા તે પાછા સૂતા.
હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.
એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે:
રામબાણ વાગ્યાં રે હોય તે જાણે.
મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે.
આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું ફૂટશે, એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત્ત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.
- મોહનદાસ કરમચંદ ગાંધી
('સત્યના પ્રયોગો' અથવા 'આત્મકથા', મો. ક. ગાંધી, ભાગ : પહેલો, પ્રકરણ : ૮ : 'ચોરી અને પ્રાયશ્ચિત', પૃષ્ઠ : ૨૩-૨૪, પહેલી આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : સપ્ટેમ્બર ૨૦૦૯, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ)