Sunday, October 30, 2022

બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી : બાપુ

'પતિપત્ની વિષેના સંબંધની બાબત મારા વિચારોમાં ફેર પડ્યો છે ખરો. જે રીતે હું બા તરફ વર્ત્યો તે રીતે તમે કોઈ તમારી પત્નીઓ તરફ ન વર્તો એમ ઇચ્છું ખરો. મારી સખ્તીથી બાએ કાંઈ ખોયું નથી કેમ કે બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તો હતાં જ. તેને હું ઊંચે ચડેલી જોવા ઇચ્છતો હતો. છતાં બા મને નહોતી વઢી શકતી. હું વઢી શકતો હતો. બાને મેં અમલમાં મારા જ જેટલા અધિકાર નહોતા આપ્યા. અને બામાં બિચારીમાં તે લેવાની શક્તિ ન હતી. હિંદુ સ્ત્રીઓમાં એ શક્તિ હોતી જ નથી. એ હિંદુ સમાજની ખામી છે. ... એકબીજાંનો પ્રેમ દંપતીને પાપમાંથી ભલે ઉગારે, ડર કદી નહીં. આ શિક્ષણ આપવાનું હું આશ્રમમાં જ શીખ્યો. બાના પ્રત્યેનું મારું સાબરમતીનું વર્તન ઉત્તરોત્તર આવું થતું ગયું છે. તેથી બા ચઢી છે. આગળનો ડર હજી સાવ નહીં ગયો હોય. પણ ઘણો ગયો છે. મનમાં પણ બાના પ્રત્યે ખીજ ચઢે છે તો મારા પ્રત્યે ખીજ કાઢું છું. ખીજનું મૂળ મોહ છે. મારામાં આ ફેરફાર થયો છે તે મહત્ત્વનો છે અને તેનાં સુંદર પરિણામો આવ્યાં છે. મારો પ્રેમ હજુ નિર્મળ થતો જશે તો જ પરિણામો વધારે સુંદર થશે. અસંખ્ય સ્ત્રીઓ મારો વિશ્વાસ સહેજે કરે છે. તેનું કારણ મારો પ્રેમ અને આદર છે એવો મને વિશ્વાસ છે. એ ગુણ અદૃશ્ય રીતે કામ કર્યાં જ કરે છે.'

રામદાસ ગાંધીને પત્ર
11-08-1932

મહાદેવભાઈની ડાયરી,
પુસ્તક પહેલું, પૃષ્ઠ : ૩૫૫-૭

No comments:

Post a Comment