અશ્વિનકુમાર
.................................................................................................................................
નીરુભાઈ દેસાઈ / Neerubhai Desai Photograph of a photograph : Dr. Ashwinkumar છબીની છબી : ડૉ. અશ્વિનકુમાર |
નીરુભાઈ દેસાઈ એટલે ધર્મ-રાજ્ય-બજારના પ્રલય ત્રિકોણના પ્રત્યેક ખૂણાના સાચા માપને જાણનાર જનસેનાની-કર્મશીલ-પત્રકાર. નીરુભાઈનો જન્મ ૧૩-૦૧-૧૯૧૨ના રોજ અમદાવાદના ખાડિયામાં થયો હતો. તેમણે સુરત જિલ્લાના વાલોડ, વલસાડ જિલ્લાના પારડીમાં પ્રાથમિક શિક્ષણ અને અમદાવાદ, બારડોલી, ધોળકામાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૯૨૮માં સાઈમન કમિશનની બીજી મુલાકાત વેળા, તેઓ એવા તો ઊભા થયા કે પ્રથમ વર્ષની પરીક્ષામાં જ ન બેઠા! પરીક્ષાના બહિષ્કાર-પોકાર બદલ વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો. આથી, દંડના વિરોધમાં ગુજરાત કૉલેજમાં લાંબા સમય સુધી હડતાલ પડી. નીરુભાઈએ હડતાલ સમિતિના અગ્રણી સભ્ય તરીકે ભાગ લીધો. ઈ.સ. ૧૯૩૨ની આખરમાં હાજરી પૂરવાનો હુકમ થયો ત્યારે પણ તેનો ભંગ કર્યો અને ત્રણ મહિનાનો જેલવાસ મેળવ્યો.
નીરુભાઈ હડતાલો, સત્યાગ્રહો, આંદોલનોમાં ભાગ લીધા વગર ન રહી શકે એવું વ્યક્તિત્વ છે. પહેલી વેળાએ ધરપકડ વહોરી ત્યારે તેઓ પંદરના અને પ્રથમ વખત જેલ અંદર ગયા ત્યારે તેઓ અઢારના હતા. ગુજરાત કોલેજમાં હડતાલ પાડવાની હોય કે સત્યાગ્રહ લડત સારુ વીરમગામ છાવણીમાં અને ધરાસણાની નમક-લડતમાં ભાગ લેવાનો હોય, અમદાવાદમાં વિદેશી કાપડની અને દારૂની દુકાનો સામે વિરોધ-પ્રદર્શન કરવાનું હોય કે ભદ્રના કિલ્લા ઉપર ધ્વજવંદન કરતી વખતે ધરપકડ વહોરવાની હોય - નીરુભાઈ નૈતિકતા અને નિર્ભયતા બતાવી જાણે છે. તેઓ મિલ કામદારોની હડતાલની આગેવાની લઈ શકે છે અને કિસાન પ્રવૃત્તિમાં પણ ભાગીદારી નોંધાવી શકે છે. તેમણે ઈ.સ.૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ વેઠ્યો હતો અને ૧૯૪૨ની લોકક્રાંતિની શરૂઆતમાં ધરપકડ વહોરી હતી.
સંગઠન હોય કે સંસ્થા, નીરુભાઈ માટે સ્થાપના અને સામેલગીરી સહજ છે. તેઓ વ્યાયામશાળાથી માંડીને પુસ્તકાલય મંડળ, વિદ્યાર્થી મંડળથી માંડીને સમાજવાદી જૂથ, મજૂરસેવા મંડળથી માંડીને પ્રગતિશીલ લેખક મંડળ, રંગમંડળથી માંડીને નાટ્ય સંઘ, આરોગ્ય સમિતિથી માંડીને પર્વતારોહણ સંસ્થાન, આર્થિક પરિષદથી માંડીને વિસ્તાર આયોજન સંસ્થાન અને ગ્રામવિકાસ સંઘથી માંડીને રાજ્યવિકાસ આયોગ સુધીની પરિભ્રમણ-કક્ષામાં આજીવન કાર્યરત રહ્યા છે.
નીરુભાઈનો અખબારી આલમ અને કલમ સાથે નિકટ-નાતો રહ્યો છે. અંગ અઢારનું માંડ થયું ત્યાં તેમણે ઈ.સ.૧૯૩૦માં 'સત્યાગ્રહ પત્રિકા'ની જવાબદારી સંભાળી. ૧૯૩૩માં તેઓ 'પ્રજાબંધુ'માં જોડાયા તો ૧૯૩૯માં ગતિ પ્રકાશન અને રેખા માસિકમાં સક્રિય કામગીરી કરી. તેઓ ૧૯૪૫માં 'ગુજરાત સમાચાર'માં જોડાયા તો ૧૯૪૯માં આ જ સમાચારપત્ર-જૂથના બપોર-પત્ર 'લોકનાદ'ના તંત્રી થયા. ૧૯૫૫માં તેમણે 'શ્રીરંગ' અને 'ચિત્રલોક'નું તંત્રીપદ સ્વીકાર્યું. ગુજરાતી આર્થિક પત્રકારત્વમાં નીરુભાઈએ પાયારૂપ અને છાયારૂપ પ્રદાન કર્યું છે. તેમને ઈ.સ. ૧૯૭૯માં 'વ્યાપાર'પત્રના સ્થાપક-તંત્રી હ. ઝ. ગિલાણીની સ્મૃતિરૂપે આર્થિક, નાણાકીય કતાર-આલેખન માટેનું પ્રથમ પારિતોષિક એનાયત થયું હતું. નીરુભાઈના હાથ અને સાથ હેઠળ પત્રકારોની પરિપક્વ પેઢી તૈયાર થઈ હતી. નિર્ભિક વૃત્તવિવેચક તરીકેની, નીરુભાઈ દેસાઈની ઓળખ એટલે 'વાસરિકા' નામની સાપ્તાહિક કતાર. આ લેખમાળા ઈ.સ. ૧૯૬૩થી 'ગુજરાત સમાચાર' દૈનિકમાં શરૂ થયેલી અને લગભગ ત્રીસ વર્ષ સુધી ચાલેલી. જેનાં કાલક્રમ અને વિષયસૂચિનું બિન્દુવાસિની જોશીએ ચીવટપૂર્ણ સંકલન કર્યું છે. જે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ' નિરુભાઈ દેસાઈ કૃત 'વાસરિકા' '(જૂન, ૧૯૯૩) નામે પ્રકાશિત થયું છે.
નીરુભાઈએ 'લેનિન'(૧૯૩૫) અને 'સ્ટેલિન'(૧૯૫૨) જેવાં જીવનચરિત્રો, 'ચરણરજ'(૧૯૩૭), અને 'પ્રથમ અષાઢ'(૧૯૪૦) જેવાં વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેમણે 'રાત પડતી હતી'(૧૯૩૯), 'ત્રણ પાંખડી'(૧૯૪૫), 'ઘુવડ બોલ્યું'(૧૯૪૬) નામે નવલકથાઓ અને 'ધરતી'(૧૯૩૮), 'ચીનનાં બાળકો'(૧૯૪૭), 'સિદ્ધાર્થ'(૧૯૫૮), 'રાજ્યશાસ્ત્ર પ્રવેશિકા'(૧૯૬૧) નામે અનુવાદો આપ્યાં છે. નીરુભાઈના અક્ષર-આકાશમાં 'સોવિયેટ સમાજ'(૧૯૩૭), 'હિરોશિમા'(૧૯૪૭), 'ડાંગપ્રદેશનો સર્વેક્ષણ અહેવાલ'(૧૯૫૧), 'જેફર્સન'(૧૯૫૨), 'સાથે શું બાંધી જવાના?'(૧૯૫૮), 'મોંઘેરા મહેમાન'(૧૯૫૯) અને 'મહાત્મા ગાંધી એક રાત રહ્યા હતા'(૧૯૬૦)નો સમાવેશ થાય છે.
નીરુભાઈ ૦૧-૧૨-૧૯૯૩ના રોજ સદ્દગત થયા. તેમના સ્મરણાર્થે ,નીરુભાઈ દેસાઈ સ્મારક ફાઉન્ડેશન દ્વારા પ્રસિદ્ધ થયેલું પુસ્તક એટલે 'સદાબહાર નીરુભાઈ'(જાન્યુઆરી, ૧૯૯૫). નિર્મળા દેસાઈ, પ્રકાશ ન.શાહ, જયન્ત પરમાર, વિમલ શાહની સંપાદન સમિતિ થકી આકાર પામેલા આ પુસ્તકમાં નીરુભાઈ દેસાઈનાં જીવન અને કવનનો પરિચય થાય છે. જેમાં નીરુભાઈએ આપેલી મુલાકાતો, સ્વજનોએ કરેલા સ્મરણલેખો, તેમના સાથીમિત્રોએ લખેલા લેખો, નીરુભાઈ દેસાઈના પત્રકારત્વ વિશે લખાયેલા લેખો, વિવિધ સમાચારપત્રો અને સામયિકોએ અર્પેલી શ્રદ્ધાંજલિ, નીરુભાઈની 'વાસરિકા'માંથી ચૂંટેલા ચાળીસ લેખો, તેમની જીવન-તવારીખ અને નીરુભાઈ દેસાઈ સ્મારક પ્રતિષ્ઠાનની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 'સદાબહાર નીરુભાઈ'નો સાથી-ગ્રંથ એટલે 'વાસરિકાનાં વહેતાં વારિ'(એપ્રિલ, ૧૯૯૬). આ પુસ્તકના મુખ્ય ભાગમાં, નીરુભાઈની 'વાસરિકા' કતારમાંથી પસંદ કરેલા લેખો છે. જેમાં સ્વાતંત્ર્ય-સૈનિક અને ઇતિહાસ-નિરીક્ષક નીરુભાઈએ ઘટનાચિત્રોનો ટેકો લઈને મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, મૃદુલા સારાભાઈ જેવાં વ્યક્તિ-ચરિત્રો આલેખ્યાં છે. ઉપરાંત, કુદરતી કોપ અને વારિ-વ્યવસ્થાપન જેવા મુદ્દાની છણાવટ કરતા તેમના લેખો પણ અહીં સ્થાન પામ્યા છે. વળી, નીરુભાઈને શબ્દાંજલિ રૂપે લખાયેલા લેખો પણ આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે.
સવાલ મુલકનો હોય કે કલમનો, નિર્લજ્જતા અને નિરંકુશતાના માહોલમાં નીરુભાઈ જેવાનું હોવું અનિવાર્ય જણાય છે! જાતભાતની ઉજવણી, ખિજવણી, પજવણી અને ગજવણીની ધક્કા-મુક્કીમાં નીરુભાઈનું શતાબ્દી-સ્મરણ ચગદાઈ જાય તો 'ગુજરાત, તારા નસીબ, બીજું શું ?!' થોડામાં ઘણું સમજવા ટેવાયેલા આપણે, ઘણામાં થોડું નહીં સમજીએ ?!
.................................................................................................................................
સૌજન્ય :
સૌજન્ય :
'નિરીક્ષક' ,૦૧-૦૧-૨૦૧૨ , પૃષ્ઠ : ૧૧
No comments:
Post a Comment