.............................................................................................................................
એક બાઉન્સરનો ખુલ્લો પત્ર
અશ્વિનકુમાર
.............................................................................................................................
આદરણીય આ.પા.,
તમે મજામાં
નથી. હું પણ મજામાં નથી. તમે ગુજરાતના સૌથી મોટા વિશ્વવિદ્યાલયના એક ‘મોટા’ માણસ થઈને (ના)રાજીનામું આપ્યું એ મને
નથી ગમ્યું. તમને યાદ હશે કે હું તમારી આગળ-આગળ ફર્યા કરતો હતો. કારણ કે, તમે મારી પાછળ-પાછળ ફર્યા કરતા હતા. લોકો
માટે તમે ‘સર’ હતા, તમારા માટે અમે ‘બાઉન્સર’ હતા. મને એવું સતત લાગતું હતું કે તમે
ઈશ્વરથી ડરતા નહોતા. જોકે તમે ઈશ્વરભાઈ, ઈશ્વરદાન કે ઈશ્વરસિંહ જેવા કોઈ
વિદ્યાર્થી-નેતાઓથી ડરતા હતા.
અમારી
નિમણૂક કરીને તમે ગુજરાતના શિક્ષણજગતમાં પહેલી વખત ‘બળ’નું મહિમાગાન કર્યું હતું. બાકી ( જો
કાંઈ રહ્યું હોય તો ), આપણી સમગ્ર
શિક્ષણ પદ્ધતિમાં ‘બુદ્ધિ’ની જ ગૌરવગાથા ગવાતી રહી છે. હું તો આપના
જ વિશ્વવિદ્યાલયના નામ સાથે નામનું જ જોડાણ ધરાવતી એક શિક્ષણસંસ્થામાં વિનયન
વિદ્યાશાખામાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરતો હતો. મને પ્રથમ વર્ષના બીજા સત્રમાં ત્રીજા
પ્રયાસના અંતે પણ આ ચાર જ અક્ષરો મળ્યા હતા : ‘એ.ટી.કે.ટી.’. અંગ્રેજી ભાષા સાથે સલામત અંતર રાખવાના
કારણે મને એ પણ માલૂમ નથી કે ‘એટુકેટુ’ એટલે શું? પરંતુ, અનુત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીના મનમાં ‘એ.ટી.કે.ટી.’ એટલે ‘આવું તે કેમ થયું’ એવો એક જ ભાવ અને એ જ ભૂવો ધૂણતો હોય છે.
જોકે, અભ્યાસમાં વધુ અને વધુ ઠેબાં ખાવાં એના કરતાં તો સમગ્ર શિક્ષણને જ ઠોકર મારવી એ ઉભય પક્ષે હિતાવહ છે એમ માનીને મેં વિનયન-મહાશાળામાંથી પ્રવેશ રદ કરાવીને વ્યાયામશાળામાં કસરતવીરનો વેશ સ્વીકારી લીધો. બુદ્ધિના બદલે મેં બાવડાં કસ્યાં. કેટલાક અખાડા-આગંતુકોની જેમ મેં પણ વીર હનુમાનની તસવીર હૃદયમાં રાખી, નટ સલમાનની તસવીર મોબાઈલ ફોનના પડદા ઉપર રાખી. ઘણાં વર્ષોના શિક્ષણમાંથી મને જે ન મળ્યું, તે થોડા મહિનાઓના પ્રશિક્ષણમાંથી મળ્યું. કેવળ બાવડાંના જોરે મને બાઉન્સરની નોકરી મળી ગઈ. સરકારે તમને વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક આપી, તમે અમને વાઈલ્ડ બાઉન્સર તરીકે છૂટછાટ આપી. સ્નાયુસજ્જ હોવાથી મને મહિને અમુક-તમુક હજાર રૂપિયા પગારપેટે મળતા હતા. હું સ્નાતક થયો હોત તોપણ મને આટલો પગાર ન મળત.
‘બાઉન્સર’ જેવો મજબૂત શબ્દ ક્રિકેટની રમતમાં જ સીમિત થઈ ગયો હતો. તમે ગુજરાતના જાહેર જીવનમાં ‘બાઉન્સર’ શબ્દને ઉછાળીને એને નવી ઓળખ આપી છે. યુવાનોની બેરોજગારી દૂર કરવાની તમારી દીર્ઘ-દૃષ્ટિને વિરોધીઓએ શંકાની નજરે જોઈ એ આ રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. અત્યાર સુધી કેટલાક જ રાજકારણી-ધનકારણી-ધર્મકારણી કે અભિનેતા-અભિનેત્રી-ખેલાડીને જ બાઉન્સર રાખવાનું પોષાતું હતું. ભારતનાં અમુક રાજ્યો કે મહાનગરોમાં જ બાઉન્સર જોવા મળતા હતા. તમે એક જ ઝાટકે અડધો ડઝન બાઉન્સર ખડકી દઈને આ વ્યવસાયનો ગુજરાત જેવા ‘શાકાહારી’ રાજ્ય અને શિક્ષણ જેવા ‘પવિત્ર’ ક્ષેત્રમાં પણ સફળ પ્રવેશ કરાવ્યો હતો. તમે જો વધારે ટક્યા હોત તો પ્રત્યેક ગુજરાતીનું એક જ સ્વપ્ન હોત કે, મારે પણ એક બાઉન્સર હોય. જે લોકોને ‘બાઉન્સર’ ન પરવડી શકે તેવા લોકો છેવટે ‘ગૂગલી’ પણ રાખવાનું વિચારત. ‘ગૂગલી’ એટલે એવા ‘બાઉન્સર’, કે જે તૂટલકડી શરીર અને એકવીસ વર્ષની વયે જ બેતાળાં ચશ્માં ધરાવતાં હોય.
ગુજરાતના
શિક્ષણ-જગત માટે ‘બાઉન્સર’ એ કેવળ શબ્દ નહીં, પણ પારાવાર શક્યતા છે. આપની પૂર્વેના
કુલપતિને તો આ ઘટનાક્રમમાંથી એક આખા અભ્યાસક્રમની માદક પરિમલ આવી હોત. તેમણે ‘બેચલર ઇન બાઉન્સરોલોજી’ કે ‘માસ્ટર ઓફ બાઉન્સર્સ એડમિનિસ્ટ્રેશન’ જેવા નવા પાઠ્યક્રમ ઘડી કાઢ્યા હોત. જો
પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન મળ્યા હોત તો તેમણે શારીરિક શિક્ષણના ત્રણ વર્ષના
સ્નાતક અભ્યાસ સાથે ‘પરઅંગરક્ષણવિદ્યા’ના નિઃશુલ્ક પ્રમાણપત્રની યોજના ઘડી કાઢી
હોત.
તમને સત્તાધીશોએ આદેશના પાલન માટે મોકલ્યા હતા. એ વાત જુદી છે કે તમે તો ખુદ જ નામની જગ્યાએ વિશેષણ તરીકે વર્તવા માંડ્યા. કમનસીબ અને યોગાનુયોગ બાબત એ છે કે તમારી શૈક્ષણિક સેવાનો લાભ નવા રિવાજ મુજબ ફક્ત અગિયાર મહિના માટે જ લેવામાં આવ્યો. વિરોધીઓને ઊંચકીને ફેંકી દેવાય એટલા માટે તમને અમારા જેવા ‘બાઉન્સર’ની જરૂર પડી. જોકે તમને આટલી ઝડપથી ઊંચકીને ફેંકી દેનાર સ્વયંસ્થાપિત-મહામાનવને તો છ કરોડ ગુજરાતીઓએ ‘મેગા બાઉન્સર’ નહીં, પરંતુ ‘ગીગા બાઉન્સર’ના નામથી જ નવાજવા જોઈએ. ઓગસ્ટ, બે હજાર તેરના પહેલા જ અઠવાડિયામાં તમારું રાજીનામું પડી ગયું. બાકી, પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન વેળા, અમ છ નંગ ‘બાઉન્સર’ની મધ્યે રહીને તમે વિદ્યાર્થીઓને ગાંધી-સરદાર-નર્મદ-મેઘાણી-વિવેકાનંદ-ભગતસિંહ જેવા નામ-હવાલા આપીને ‘અભય’નો ગુણ વિકસાવવાનું કહ્યું હોત. પરિણામે, અગાઉથી લાવી રાખેલી જથ્થાબંધ તાળીઓએ પડવા સિવાય છૂટકો જ નહોતો. ભવિષ્યના ઇતિહાસે આ ક્ષણ ગુમાવી એ વર્તમાન શિક્ષણનું જ દુર્ભાગ્ય ગણાવું જોઈએ.
અંતે એટલું જ કહેવાનું કે, તમારી તબિયત ખાસ જાળવજો. આરોગ્યના ‘ખાસ’ કારણોસર કેટલાક ‘ખાસ’ પરવાના ફરી કઢાવવા પડે તો દાક્તરોને ‘ખાસ’ વિનંતી કરજો.
‘બાઉન્સર’ હોવાના
કારણે, જેને હિસાબ
વિભાગ દ્વારા,
‘નો-બોલ’ જાહેર કરાયો
છે તે આપનો વિશ્વાસુ...
તનલઠ્ઠ બુદ્ધિદુર્લભ બાવડાંવાળા
(૩૧મી ઓગસ્ટ, ૨૦૧૩)
..........................................................................................................................
સૌજન્ય :
'નિરીક્ષક', 01-10-2013, પૃષ્ઠ : 14
Jabbardast, as usual, Sir !
ReplyDelete