‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
ગાંધીકથાકાર નારાયણ દેસાઈના મતાનુસાર, “ગાંધીજીના ગયા બાદની નવી શતાબ્દીમાં આપણે ગાંધીજીના વિચારોને ઇમાનદારીથી રજૂ કરી, યોગ્ય અર્થઘટન સાથે અંકે કરતા જઈએ, તો આવનાર પેઢીઓ ગાંધીવિચારને બહુ ઓછી વિકૃત કરી શકશે.” ગાંધીવિચાર અંગેની ગેરસમજને તર્કબદ્ધ રીતે દૂર કરવાના એક પ્રયાસમાંથી ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’ (ISBN : 81-89854-15-1; પ્રથમ આવૃત્તિ; માર્ચ, ૨૦૦૮; પૃષ્ઠસંખ્યા : ૬+૫૦=૫૬) નામનું પુસ્તક પરિણમ્યું છે. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ લિખિત અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક ‘હિંદ સ્વરાજ’ના શતાબ્દી-અવસરે વાચકોને વિશેષ વિચારભાથું પીરસે છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર તેમના નિવેદનમાં લેખક રમેશ શાહ વિશે કહે છે કે, “ગાંધીજીને આ વ્યક્તિ જરૂર ગમી ગઈ હોત, તેમાં બેમત ન હોઈ શકે. બૌદ્ધિક વિલક્ષણતા સાથે ઊંડું ચિંતન કરનાર રમેશભાઈની ઇમાનદારી પણ એવી છે કે ગાંધીજીને પણ દો ટૂક વાત કરી દેવામાં તેઓ ખચકાટ અનુભવે નહિ, જ્યાં વિદ્યાને ગંભીરતાપૂર્વક સ્વીકારવામાં આવે તેવા વિશ્વવિદ્યાલયમાં આવાં બૌદ્ધિક લખાણોને જ શીર્ષસ્થાન પ્રાપ્ત થવું જોઈએ. ભાવકની વિભાવનાથી લખવાના સ્થાને સમીક્ષકની માનસિકતાથી થીસિસ(પૂર્વપક્ષ) તપાસી જવો એ સમાજ માટે વધુ હિતાવહ તથા ઉપયોગી નીવડે તેમ છે.” (પૃષ્ઠ : ૩) પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક નિખાલસ સ્વીકાર કરે છે કે, “પૂર્વે જુદાં જુદાં નિમિત્તે ‘હિંદ સ્વરાજ’ મેં બે વખત વાંચ્યું હતું. તેના ઘણા વાચકોની જેમ એ વખતે હું તેને કેવળ આધુનિક સુધારાના એક ભાગરૂપ આધુનિક ઉદ્યોગોના મર્યાદિત સંદર્ભમાં જ સમજ્યો હતો, અને તેથી તેમાંની મોટા ભાગની દલીલો મારા ગળે ઊતરી ન હતી. નીતિ પરનો ગાંધીજીનો ભાર મને વધુપડતો લાગ્યો હતો કેમ કે તેને હું સમગ્ર આધુનિક સુધારાની અનૈતિકતાના સંદર્ભમાં સમજ્યો નહોતો. ‘હિંદ સ્વરાજ’ ત્રીજી વખત વાંચવાનું મારા માટે સાચે જ ફળદાયી નીવડ્યું છે. ‘હિંદ સ્વરાજ’ વિશેની મારી કેટલીક (ગેર)સમજ દૂર થઈ છે.” (પૃષ્ઠ : 5)
આ પુસ્તકના, ‘ભૂમિકા’ શીર્ષક હેઠળના પ્રથમ પ્રકરણમાં લેખકે, ગાંધીવિચારના બીજ રૂપ ‘હિંદ સ્વરાજ’ પુસ્તકની મહત્વની વિગતો, પ્રાસ્તાવિકનાં કેટલાંક અવતરણો, ‘હિંદ સ્વરાજ’ના લેખન પૂર્વેનું ગાંધીજીનું વાચન-લેખન અને ગાંધીજીએ કેટલીક વ્યક્તિઓને લખેલા પત્રોની ઝીણવટપૂર્વક ચર્ચા કરી છે. જેના આધારે રમેશ બી. શાહ સમજાવે છે કે, “ ... ‘હિંદ સ્વરાજ’ના ત્રણ પાયાના મુદ્દાઓ (સ્વરાજ વિશેનો આગવો ખ્યાલ, ઔદ્યોગિક સંસ્કૃતિનાં અનિષ્ટો અને પોતાની કલ્પનાના હિંદ-સ્વરાજ માટે હિંસાની નિરર્થકતા) વિશે પૂરેપૂરા સ્પષ્ટ થયા પછી જ તેમણે ગણતરીના દિવસોમાં ‘હિંદ સ્વરાજ’ લખી નાખ્યું હતું. ...” (પૃ. ૫) ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ખેડાયેલાં શાસ્ત્રોના સમર્થનમાં પશ્ચિમના અનેક લેખકોના મતને ટાંક્યા છે. આ તમામ બાબતોની તાર્કિક ચર્ચા કરીને રમેશ શાહ નોંધે છે : “ગાંધીજી દસ દિવસમાં, એમ કહી શકાય કે એકબેઠકે, ‘હિંદ સ્વરાજ’ લખી શક્યા કારણ કે તેની પાછળ ઘણાં વર્ષોનાં અભ્યાસ અને ચિંતન પડેલાં હતાં. એ વિચારો પૂર્વે તેઓ વિવિધ પ્રસંગોએ વ્યક્ત કરી ચૂક્યા હતા. ‘હિંદ સ્વરાજ’ ખૂબ લાઘવપૂર્વક સરળ ભાષામાં લખાયું હોવાથી તેના ઘણા વાચકોમાં તેના વિશે અને તેના લેખક વિશે કેટલીક ગેરસમજ થઈ છે.” (પૃ. ૮)
‘પાયાના મુદ્દા’ મથાળા તળેના બીજા પ્રકરણમાં (૧) સ્વરાજ, (૨) આધુનિક સુધારાનાં (ઔદ્યોગિક સંસ્કૃતિનાં) અનિષ્ટો અને ભારતીય સંસ્કૃતિ, જે ગાંધીની સમજ પ્રમાણે એક અહિંસક સંસ્કૃતિ છે, અને (૩) સ્વરાજ માટે સાધનશુદ્ધિના આગ્રહના ભાગરૂપે અહિંસાની હિમાયત. ... એમ આ ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કેન્દ્રિત કરવામાં આવી છે. ‘સ્વરાજ’ વિશે લેખક નોંધે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં પાયાનો વિચાર સ્વરાજનો છે. એને તેની અંગ્રેજી આવૃત્તિમાં Home Rule તરીકે મૂકવામાં આવ્યું છે, પરંતુ ગાંધીજીને તેમાં કેવળ રાજકીય મુક્તિ અભિપ્રેત નથી. ” (પૃ. ૧૦) વળી, લેખકના મતે, “ ‘હિંદ સ્વરાજ’નું મૂલ્ય કેવળ દેશની આઝાદી માટે અહિંસા અને અસહકારના માર્ગનો પુરસ્કાર કરવામાં રહેલું નથી. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોમાં પ્રસરેલી આધુનિક સંસ્કૃતિની તેમાં જે ટીકાઓ કરવામાં આવી છે તે આજે પણ મહદંશે પ્રસ્તુત છે. ” (પૃ. ૧૪) આ જ પ્રમાણે રમેશ બી. શાહ સાફ સાફ કહે છે કે, “અહિંસા માટેનો તેમનો આગ્રહ કેવળ રાજકીય ઉદ્દેશોના સંદર્ભમાં નથી, પરંતુ માનવીના પારસ્પરિક સંબંધોના સંદર્ભમાં છે. રાજકીય હેતુઓ માટે એક સાધન અને અન્ય સામાજિક હેતુઓ માટે બીજું સાધન એવાં બેવડાં ધોરણો એમને માન્ય નથી.” (પૃ. ૨૦)
‘આધુનિક સુધારાની ટીકાઓ : સમીક્ષા’ શીર્ષક નીચેના ત્રીજા પ્રકરણમાં ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે ગાંધી અંગેની ગેરસમજોની સ્પષ્ટતા કરતા લેખક કહે છે : “આધુનિક સુધારાનાં બધાં જ પાસાંને તેમણે અસ્વીકાર્ય ગણ્યાં નથી; તેમ આધુનિક સુધારાને તેમણે અસાધ્ય રોગ પણ માન્યો નથી. હકીકતમાં તો આધુનિક અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય કરવાનો તેમનો પ્રયાસ હતો. આધુનિક સંસ્કૃતિનાં જે સારાં પાસાંનો તેમણે સ્વીકાર કર્યો હતો તે નોંધવા જેવાં છે : નાગરિક સ્વાતંત્ર્ય, નાગરિકો વચ્ચેની સમાનતા, નાગરિકોના અધિકારો, લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની આધુનિક સુધારામાં રહેલી ગુંજાશ, પરંપરાગત ગુલામીમાંથી સ્ત્રીઓનો છુટકારો અને સાંપ્રદાયિક સહિષ્ણુતા જેવી અનેક બાબતો તેમને સ્વીકાર્ય હતી, પરંતુ આ બધાં મૂલ્યોને તેઓ ધર્મ સાથે જોડવા માગતા હતા. ...” (પૃ. ૨૪) આ જ બાબતે લેખક વધુ સમજ આપતા લખે છે : “ગાંધીજીની અહિંસક સમાજ કે સંસ્કૃતિની કલ્પનામાં શોષણને કોઈ સ્થાન નથી. ગરીબી કે બેકારી ભોગવતી વ્યક્તિની લાચારીનો સમાજના અન્ય લોકો લાભ ઉઠાવે તે ગાંધીવિચારધારા પ્રમાણે શોષણ અને હિંસા ગણાય. તેથી ગાંધીવિચાર પ્રમાણે ઉત્પાદનની વ્યવસ્થા વિકેન્દ્રિત રહે અને કામદાર જ પોતાનો માલિક બની રહે એવાં યંત્રો-ઓજારોનો જ ઉત્પાદનપ્રથામાં ઉપયોગ થવો જોઈએ. આ યંત્રો અને ઓજારો પ્રાચીન કે મધ્યકાલીન ટેક્નોલોજી પર આધારિત હોય એવો તેમનો કોઈ આગ્રહ ન હતો. ઊલટું, તેઓ પ્રવર્તમાન વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરીને પરંપરાગત ઉદ્યોગોની ટેક્નોલોજીને સુધારવા માગતા હતા. ...”(પૃ. ૨૮,૨૯) વળી, રમેશ શાહ ‘આધુનિક સુધારાની ટીકાઓ’ના અનુસંધાનમાં નોંધે છે : “આધુનિક સુધારાનું એક મુખ્ય પાસું તેણે કેળવેલો ઉપભોગવાદ છે, જેને ‘હિંદ સ્વરાજ’માં બહિરસુખની શોધ કે શરીરસુખ જેવા શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે. આ આધુનિક સુધારાએ માનવી માટે એક સર્વોચ્ચ મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે – તે છે જરૂરિયાતો વધાર્યે જવાનું. મનુષ્યજીવનના કોઈ બીજા ઉદ્દેશને તેમાં સ્થાન નથી. વ્યક્તિના જીવનની સાર્થકતા એણે કેવી અને કેટલી વપરાશ કરી તેમાં સમાઈ જાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસે અન્ય જે વલણો પેદા કર્યાં છે તે વિશેષ ટીકાપાત્ર છે.
“આધુનિક સુધારાના હાર્દરૂપ ઔદ્યોગિક ક્રાંતિએ કેવળ ઉત્પાદનપદ્ધતિ બદલી નથી, તેના પરિણામે કુદરતને જોવાનો માનવીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. કુદરતના નિયમોને શોધી કાઢીને કુદરતનો ઉપયોગ માનવીની વધતી જતી ઇચ્છાઓ, જરૂરિયાતો સંતોષવા માટે કરવાનો છે. આ વલણનું પરિણામ આજે પર્યાવરણીય પ્રશ્નો અને ‘ગ્લોબલ વોર્મિંગ’માં જોઈ શકાય છે.” (પૃ. ૩૦) વધુમાં, ‘ગાંધીનો વિરોધ યંત્રોની સામે નથી, પણ યંત્રો માટેની ઘેલછા સામે છે.’ એ મુદ્દાને પણ લેખકે પૂરતાં દાખલા-દલીલોના આધારે સ્પષ્ટ કરી આપ્યો છે.
આ પુસ્તકનું ચોથું પ્રકરણ છે : ‘અહિંસક સંસ્કૃતિની ખોજ.’ જેમાં રમેશ શાહ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા વિશે નિશ્ચિંત થઈને કહે છે : “હિંસાથી ભારતની રાજકીય આઝાદી મેળવવા પ્રયત્નશીલ હિંસાવાદીઓને હિંસાનો વૈકલ્પિક માર્ગ દર્શાવવા ‘હિંદ સ્વરાજ’ લખાયું હતું, પરંતુ તે કેવળ દેશની રાજકીય આઝાદી મેળવવાના ઉદ્દેશથી જ લખાયું નહોતું. તે દેશના સ્વરાજના અંતિમ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને લખાયું હતું. ... તે આધુનિક સુધારાના વિકલ્પની ખોજ માટે લખાયું હતું, તેથી જ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા આજે પણ છે, અને જ્યાં સુધી અહિંસક સંસ્કૃતિ કે સમાજના નિર્માણની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તે અપ્રસ્તુત બની શકે તેમ નથી. આધુનિક સુધારો હિંસાના પાયા પર રચાયેલો હોવાથી તે અધાર્મિક કે અનીતિમય છે. તેની જગાએ અહિંસાના પાયા પર ઊભેલી સંસ્કૃતિ – અહિંસક સંસ્કૃતિ રચવાનું તેનું લક્ષ્ય છે. ભારતની સંસ્કૃતિમાં પ્રવેશેલી અનેક વિકૃતિઓ છતાં તેમાં રહેલાં અહિંસક પાસાંને ધ્યાનમાં લઈને જ તેમણે ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો છે.” (પૃ. ૪૦) આ પ્રકરણમાં લેખકે વિનોબા ભાવે અને કિશોરલાલ મશરૂવાળા જેવા ચિંતકોના વિચારો અને સંદર્ભોની પણ વિગતે છણાવટ કરી છે. વળી, લેખક એવું તારવે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં સંસ્કૃતિની જે વ્યાખ્યા નીતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે તે અહિંસક સંસ્કૃતિની વ્યાખ્યા છે. ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે જે અહિંસક હોય તેને જ સંસ્કૃતિ કહી શકાય. તે સિવાયની સંસ્કૃતિઓ કુધારો અથવા હિંસક સંસ્કૃતિ ગણાય. ગાંધીજી અહિંસક સંસ્કૃતિના હિમાયતી હતા તેનો અર્થ એવો નથી કરવાનો કે એ સમાજ પરોપકારી સંતોનો જ બનેલો હોય. લોકોની પ્રકૃતિમાં રહેલી હિંસક ભાવનાને શક્ય તેટલા ઓછા પ્રમાણમાં અવકાશ સાંપડે એવી સમાજરચના જ અહિંસક સમાજરચનાનો આધાર બની શકે એ ધારણા તેમાં રહેલી છે. અહિંસક સંસ્કૃતિ ધરાવતા સમાજમાં પણ લોકોને અન્યાય થાય અથવા રાજ્ય દ્વારા લોકોની વ્યાપક અનિચ્છા છતાં કેટલાક કાયદાઓ કરવામાં આવે તો તેનો પ્રતિકાર કરવાનો પ્રશ્ન ઊભો થાય. એ પ્રતિકાર અહિંસક માર્ગોએ કરવાની પ્રથા અહિંસક સંસ્કૃતિનું એક પાયાનું લક્ષણ ગણાય. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં વિવિધ માર્ગોએ સત્યાગ્રહો કરીને અહિંસક પ્રતિકારના માર્ગોનાં ઉદાહરણો પૂરાં પાડ્યાં હતાં. ” (પૃ. ૪૪)
ચોથા પ્રકરણના અંતે સમાપન કરતા લેખક કહે છે કે, “ ... આપણે વિનોબાજીના એક અવલોકનમાં શ્રદ્ધા રાખવાની છે : જેણે દુનિયાને વિચાર આપ્યો છે તેણે દુનિયાને આકાર આપ્યો છે. ગાંધીના અહિંસક વિચારમાં સત્વ હશે તો તે આજે નહિ તો આવતી કાલે દુનિયાને આકાર આપશે. ૨૦૦૭થી શરૂ કરીને બીજી ઓક્ટોબરને અહિંસા દિન તરીકે મનાવવાનો જે વૈશ્વિક નિર્ણય કરવામાં આવ્યો છે તે એક ઔપચારિકતા હોવા છતાં શ્રદ્ધા પ્રેરનારી છે. ” (પૃ. ૪૭)
આ પુસ્તકના પ્રત્યેક પાનામાંથી સભાનતાપૂર્વક પસાર થવાથી આપણને ‘હિંદ સ્વરાજ’નો ગાંધીવિચાર અહિંસક સંસ્કૃતિની ખોજ તરફ આગળ વધતો માલૂમ પડે છે. સાદી પૂર્વભૂમિકા, સરળ દલીલો, રસપ્રદ ઉદાહરણો, સહજ ભાષા-શૈલી અને યથાર્થ ગાંધીઅવતરણોની મદદથી તાર્કિક વિચારશ્રેણી રચીને લેખક રમેશ બી. શાહ ‘હિંદ સ્વરાજ’ વિશેની ગેરસમજને ભૂંસવામાં સફળ રહ્યા છે. પ્રવર્તમાન દુનિયામાં માનવ અધિકારોના હનનની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ‘હિંદ સ્વરાજ’નું આ પ્રકારનું મૂલ્યાંકન આપણા માટે આશાસ્પદ અને આવકારલાયક છે. કારણ કે, માનવ અધિકારનાં સંરક્ષણ અને સંવર્ધન માટે શાંતિ(Peace), સ્વતંત્રતા(Liberty) અને ન્યાય(Justice) અતિ આવશ્યક છે. લેખકના આ પુસ્તકપ્રયાસ થકી ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ મારફતે અહિંસક સંસ્કૃતિની ખોજ કરીને આપણે શાંત, સ્વતંત્ર, અને ન્યાયિક સમાજરચના કરીને માનવ અધિકારોના મામલે સાચી દિશામાં તેજ ગતિ કરી શકીશું.
.................................................................................................................................
સંલગ્ન પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
ગ્રંથસમીક્ષા // ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794)
વર્ષ : ૫૨, અંક : ૦૩, જુલાઈ-સપ્ટેમ્બર : ૨૦૧૪, પૃષ્ઠ : ૮૯-૯૨
No comments:
Post a Comment